એ આંગળીના નખથીય નાની છે, ને છતાં દરેક કળી ઝાંખી સફેદ અને સુંદર છે. ખેતરમાં ક્યાંક ક્યાંક ખીલેલાં ફૂલો ચમકે છે, ફૂલોની તીવ્ર સુગંધ શ્વાસને ભરી દે છે. આ મોગરાનું ફૂલ એક ભેટ છે - ધૂળ ભરેલી ધરતીની, મજબૂત છોડની અને વાદળોથી છવાયેલા આકાશની.

પરંતુ અહીંના શ્રમિકો પાસે તેની મોહકતા માણવાનો સમય નથી. તેમણે તો મલ્લી (મોગરા) ને એ ખીલે તે પહેલાં પુકડાઈ (ફૂલ બજાર) માં પહોંચાડવાના છે. વિનાયક ચતુર્થી, ભગવાન ગણેશના જન્મદિવસ આડે હવે માત્ર ચાર દિવસ બાકી છે, એનો અર્થ કે તમે સારા ભાવ મળશે એવી આશા રાખી શકો.

ફક્ત તેમના અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી પુરુષો અને મહિલાઓ ઝડપથી કળીઓ ચૂંટે છે. તેમણે સાડીઓ અથવા ધોતીઓને વળ ચડાવીને કેડે ખોસીને એક ઝોળી જેવું બનાવી દીધું છે. મુઠ્ઠી ભરાય એટલી કળીઓ ભેગી થાય એટલે તેઓ તેને એ ઝોળીમાં ઠાલવે છે અને પછીથી તેને બોરીઓમાં ખાલી કરે છે. આ આખું કામ ચોકસાઈવાળું છે:  પૂર્વના આકાશમાં સૂર્ય હજી તો ધીમે ધીમે ઊગી રહ્યો છે. ત્યાં તો તેઓ ખેતરમાં ફરતા, ડાળીઓ ખસેડતા (ખરરર, ખરરર), કળીઓ ચૂંટતા (ટક, ટક, ટક), ત્રણ વર્ષના ભૂલકાં જેટલા ઊંચા છોડ પાસે એક પછી એક જતા, વધુ ફૂલો ચૂંટતા, ગપસપ કરતા અને રેડિયો પર જાણીતા તમિળ ગીતો સાંભળતા આગળ વધે છે.

થોડા જ વખતમાં આ ફૂલો મદુરાઈ શહેરના મટ્ટુતવાની બજારમાં અને ત્યાંથી તમિળનાડુના બીજા નગરોમાં પહોંચશે. અને ક્યારેક વિશાળ મહાસાગર પાર કરી દૂર દેશાવરમાં.

પારીએ 2021, 2022 અને 2023 માં મદુરાઈ જિલ્લાના તિરુમંગલમ અને ઉસીળમપટ્ટી તાલુકાની મુલાકાત લીધી હતી. ગાડી ચલાવીને જાઓ તો મોગરાના ખેતરો મદુરાઈ શહેરથી માંડ એક કલાક દૂર છે - આ મદુરાઈ શહેરમાં પ્રતિષ્ઠિત મીનાક્ષી અમ્માનું મંદિર અને ધમધમતું ફૂલ બજાર છે - જ્યાં (અનુક્રમે) મુઠ્ઠીભર મલ્લી અને ઢગલેઢગલા મલ્લી વેચાય છે.

PHOTO • M. Palani Kumar

મદુરાઈના તિરુમંગલમ તાલુકામાં આવેલા મેલાઉપિલીકુંડ કસ્બામાં તેમના ખેતરોની વચ્ચે ઊભેલા ગણપતિ. મોગરાના છોડ પર હમણાં જ પુષ્કળ ફૂલો આવી ગયા છે અને હવે રોજ માંડ એકાદ કિલો જેટલા ફૂલો જ ચૂંટવાના હોય છે

PHOTO • M. Palani Kumar

મોગરાની મુઠ્ઠીભર સુગંધિત કળીઓ

તિરુમંગલમ તાલુકાના મેલાઉપિલીકુંડ કસ્બાના 51 વર્ષના પી. ગણપતિ મને એ ફૂલો - મદુરાઈ મલ્લી - વિષે માહિતી આપે છે, જે ફૂલ મદુરાઈના વિશેષ નામે ઓળખાય છે કે પછી મદુરાઈ એ ફૂલોથી ઓળખાય છે.  “આ વિસ્તાર તેના સુગંધિત મલ્લી માટે જાણીતો છે. તમે ઘરમાં માત્ર અડધો કિલો મોગરા રાખી જુઓ, અઠવાડિયા સુધી ઘર મહેકતું રહેશે!

ખિસ્સામાં થોડી રુપિયાની નોટો ખોસેલું - સ્વચ્છ સફેદ શર્ટ અને વાદળી લુંગીમાં સજ્જ ગણપતિ સહેજમાં હસી પડે છે, અને ઝડપી મદુરાઈ તમિળમાં વાતો કરે છે. તેઓ સમજાવે છે, "જ્યાં સુધી વરસનો ન થાય ત્યાં સુધી છોડ નાના બાળક જેવો કહેવાય, અને તમારે એની કાળજીપૂર્વક સંભાળ રાખવી પડે." તેમની પાસે અઢી એકર જમીન છે, જેમાંથી એક એકર જનીન પર તેઓ મોગરા ઉગાડે છે.

છ મહિનામાં છોડ પર ફૂલ આવવા લાગે છે, પરંતુ હંમેશ એકસરખા પ્રમાણમાં ફૂલો આવતા નથી. એક કિલો મોગરાના ભાવની જેમ જ ફૂલોની ઉપજ પણ વધતી ઓછી થયા કરે છે - ક્યારેક વધારે ફૂલો આવે તો ક્યારેકે ઓછા. કેટલીકવાર ગણપતિને એક એકરમાંથી માંડ એક કિલો ફૂલો મળે. તો થોડા અઠવાડિયા પછી ફૂલોની ઉપજ વધીને 50 કિલોય થઈ જાય. “લગ્ન અને તહેવારોની મોસમ દરમિયાન ભાવ ખૂબ સારા હોય: એક કિલો મોગરાના એક હજાર, બે હજાર, ત્રણ હજાર રૂપિયા…. પરંતુ જ્યારે બધાયના છોડ ફૂલોથી ભરેલા હોય ત્યારે - પછી ભલેને તે પીક સીઝન હોય તો પણ - સ્વાભાવિક રીતે જ ભાવ ઓછા હોય." ખેતીમાં કોઈ બાંયધરીઓ હોતી નથી સિવાય કે ખર્ચની.

અને અલબત્ત, મહેનતની. કેટલીક સવારે તેઓ અને તેમના વીતુકરમ્મા - ગણપતિ પોતાની પત્ની પિચાઈયમ્માનો ઉલ્લેખ આ રીતે કરે છે - આઠ કિલો જેટલા ફૂલ ચૂંટે છે. તેઓ કહે છે, "અમારી પીઠ સખત દુખવા લાગે છે." કોઈ વાત તેમને વધુ ખટકતી હોય તો એ છે વધતા જતા ભાવ - ખાતરના અને જંતુનાશકના, મજૂરી ખર્ચના અને બળતણના. "આમાં અમે સરખો નફો કેવી રીતે મેળવી શકીએ?" આ વાત છે સપ્ટેમ્બર 2021 ની.

રોજબરોજના આ ફૂલ - ગલીએ ગલીએ મળી રહેતા, તમિળ સંસ્કૃતિના પ્રતીકસમા આ ફૂલ; મલ્લી, એક શહેર સાથે, એક જાતની ઈડલી સાથે, ચોખાના એક પ્રકાર સાથે જેનું નામ જોડાયેલું છે એવા આ ફૂલ; મોગરા; જેની સુગંધથી મંદિર, લગ્નમંડપો અને બજારો મઘમઘે છે, રસ્તા પરની ભીડમાં, બસમાં અને બેડરૂમ સુધ્ધાંમાં જેની પરિચિત સુગંધ વહેતી રહે છે એવા - આ ફૂલો ઉગાડવા સહેલા નથી...

*****

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ગણપતિના ખેતરોમાં મોગરાના નવા રોપાઓ અને મોગરાની કળીઓ (જમણે) નું ખેતર

PHOTO • M. Palani Kumar

પિચાઈયમ્મા ખેત મજૂરો સાથે મોગરાના ખેતરો સાફ કરવાનું કામ કરે છે

ઓગસ્ટ 2022માં અમારી બીજી મુલાકાત વખતે ગણપતિ પાસે એક એકરમાં મોગરાના રોપાઓનો નવો સમૂહ છે: સાત મહિનાના 9000 છોડ. આટલા - છોડની લંબાઈ દર્શાવવા તેઓ એક આંગળીથી તેમની કોણીને અડકે છે - એક એક રોપા રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમ નજીકના તંગાચીમડમમાંની નર્સરીમાં ચાર-ચાર રુપિયાના મળે. તેઓ જાતે એક-એક રોપા પસંદ કરે છે, જેથી ખાત્રીપૂર્વકનો એક મજબૂત છોડ મળી રહે.  ગણપતિ કહે છે કે જો જમીન સારી - ફળદ્રુપ, ચીકણી, લાલ - હોય તો, "તમે આ રોપાઓને ચાર-ચાર ફૂટના અંતરે પણ વાવી શકો. છોડ મોટો થશે." અને છોડ કેટલો મોટો થશે એ બતાવવા તેઓ પોતાના હાથ જેટલા પહોળા થઈ શકે તેટલા પહોળા કરી હાથ વડે એક મોટું ગોળ બનાવે છે. "પરંતુ અહીં તમારી પાસે એવી માટી છે જે ઊંચી ગુણવત્તાવાળી ઈંટો બનાવવા માટે વધુ યોગ્ય છે." એટલે કે ભીની માટી છે.

ગણપતિ મલ્લીની ખેતી માટે એક એકર જમીન તૈયાર કરવા પાછળ 50000 રુપિયા ખર્ચે છે. "યોગ્ય રીતે ખેતી કરવી હોય તો પૈસા તો થાય." ઉનાળામાં તેમના ખેતરોમાં ફૂલો લહેરાતા હોય છે. તેઓ તમિળમાં કહે છે: "પાલિચિન્નુ પુકુમ."  જે દિવસે તેમણે 10 કિલો ફૂલો લણ્યા હતા તે દિવસનું વર્ણન કરતાં તેમને ખૂબ ખુશી થાય છે - કેટલાક છોડ પરથી 100 ગ્રામ, તો કેટલાક 200 ગ્રામ ફૂલો પણ ઊતર્યા હતા - તેમની આતુર આંખો, તેમનો ઉત્સાહિત અવાજ, અને તેમનું સ્મિત થોડા વખતમાં ફરીથી આવો ફાલ થાય એવી આશા રાખે છે.

ગણપતિનો કામનો દિવસ લગભગ વહેલી પરોઢથી શરૂ થાય છે. પહેલાં તે એક-બે કલાક વહેલો શરૂ થતો હતો, પરંતુ તેઓ કહે છે કે હવે "શ્રમિકો મોડા આવે છે." તેઓ કળીઓ ચૂંટવા માટે શ્રમિકોની મદદ લે છે. અને એક કલાકની મજૂરી માટે 50 રુપિયા ચૂકવે છે, અથવા એક "ડબ્બા" માટે 35 થી 50 ની વચ્ચે કંઈ પણ ચૂકવે છે, જેમાં તેમના મતે એક કિલો ફૂલો સમાતા હશે.

પારીની છેલ્લી મુલાકાત પછીના 12 મહિનામાં ફૂલોના ભાવમાં વધારો થયો છે. સૌથી નીચો ભાવ કે જેના પર ઉત્પાદન વેચી શકાય એ 'સેન્ટ (અત્તર)' ની ફેક્ટરીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ એ પ્રોસેસિંગ એકમો છે જે સામાન્ય રીતે જ્યારે મોગરાની ભરમાર હોય ત્યારે એક કિલો માટે 120 થી 220 રૂપિયાની વચ્ચે ગમે તે કિંમત ચૂકવી મોટા જથ્થામાં મોગરાની ખરીદી કરે છે. ગણપતિ કહે છે કે કિલોના લગભગ બસો રુપિયાના ભાવે તેમને ખોટ જતી નથી.

જ્યારે માંગ વધુ હોય અને ઉત્પાદન ઓછું હોય ત્યારે એક કિલો મોગરાની કળીઓના આના કરતા અનેક ગણા ભાવ ઉપજે છે. તહેવારના દિવસોમાં એના ભાવ કિલોના 1000 રુપિયાથીય વધારે ઊંચે પહોંચી જાય છે. પરંતુ છોડ ક્યાં કોઈ તારીખ વાર જુએ છે? કે નથી એ લાભ કે કાળના ચોઘડિયા - ‘મુહૂર્ત નાળ’ અને ‘કારી નાળ’ જોતા.

તેઓ તો ફક્ત પ્રકૃતિને અનુસરે છે. જ્યારે ખૂબ તડકાના સમયગાળા પછી સારો વરસાદ થાય ત્યારે ધરતી પર ફૂલો ખીલી ઊઠે છે. “જ્યાં જુઓ ત્યાં મોગરા નજરે ચડે છે." ગણપતિ હસીને મને પૂછે છે, " મ્હોરતા છોડને તમે શી રીતે રોકી શકો?"

PHOTO • M. Palani Kumar

ગણપતિ અમારે માટે દળદાર જામફળ તોડે છે

ગણપતિ મોગરાને વરસાદી ફૂલો કહે છે, એ વરસાદી ફૂલોથી મદુરાઈની આસપાસના બજારો ઊભરાઈ જાય છે. તેઓ સમજાવે છે, “પુષ્કળ મોગરા આવે છે. પાંચ ટન, છ ટન, સાત ટન, અરે, એક દિવસે તો અમને દસ ટન મળ્યા હતા!” તેમાંથી મોટાભાગના અત્તરની ફેક્ટરીમાં ગયા હતા

માળા અને હાર માટેના ફૂલો કિલોના 300 રુપિયાથી વધુ ભાવે ખરીદવામાં અને વેચવામાં આવે છે. તેઓ કહે છે, “પરંતુ મોગરાના છોડ પર પુષ્કળ ફૂલો આવી જાય એ પછી, ફૂલોની મોસમ જવામાં હોય ત્યારે, અમારે માંડ એકાદ કિલો જેટલા ફૂલો જ ચૂંટવાના હોય, અને પુરવઠો ઘટતાં ભાવ ઊંચકાય. હવે જ્યારે માંગ વધારે હોય ત્યારે મારી પાસે ફક્ત10 કિલો ફૂલો હોય તો હું એક જ દિવસમાં 15000 રુપિયા કમાઈ શકું. તો તો કેટલી બધી આવક થાય નહીં?" પોતાના આ શેખચલ્લી જેવા વિચારથી તેઓ હસી પડે છે. આંખો ઝીણી કરી ઉત્સાહી સ્મિત સાથે તેઓ ઉમેરે છે, "પછી તો હું થોડી ખુરશીઓ ખેંચીને સરસ જમવાનાની વ્યવસ્થા કરીને અહીં બેસીને તમને ઈન્ટરવ્યુ આપ્યા કરું!"

હકીકત એ છે કે તેઓ આવું કરી શકતા નથી. તેમના પત્ની પણ (આવું) કરી શકતા નથી. તેમને માથે કામના ઢગલા છે.  મોટાભાગનું કામ સુગંધિત ફસલ ઊગાડવા માટે જમીનની માવજત કરવાનું છે. ગણપતિ તેમની બાકીની 1.5 એકર જમીનમાં જામફળના છોડ ઉગાડે છે. “આજે સવારે હું 50 કિલો જામફળ લઈને બજારમાં ગયો હતો. તેઓ એ માત્ર 20 રુપિયે કિલોના ભાવે ખરીદે છે. ઈંધણના ખર્ચ પછી મને લગભગ 800 રુપિયા મળે. જ્યારે આ વિસ્તારોમાં જામફળ એક જાણીતું ફળ નહોતું ત્યારે ખરીદદારો મારા ખેતરમાં આવીને એ તોડીને મને કિલોના 25 રુપિયા આપતા. એ દિવસો હવે ગયા..."

ગણપતિ તેમના એક એકર માટે મોગરાના રોપાઓ અને ખેતર તૈયાર કરવા પાછળ લગભગ એક લાખ રુપિયાનું રોકાણ કરે છે. છોડ પરના આ મૂડી ખર્ચથી તેમને ઓછામાં ઓછા દસ વર્ષ માટે ફૂલો મળે છે. દર વર્ષે મલ્લીની મોસમ સામાન્ય રીતે માર્ચથી નવેમ્બર દરમિયાન આઠ મહિના સુધી ચાલે છે. અને તેઓ કહે છે ક્યારેક સારો દિવસ ઊગે, ક્યારેક વળી ખૂબ સારો દિવસ ઊગે, પણ ક્યારેક એક પણ કળીઓ ન હોય તેવા દિવસો પણ ઊગે. ફૂલોની સીઝનમાં એક એકરમાંથી દર મહિને સરેરાશ 30000 રુપિયાનો કુલ નફો થતો હોવાનો તેમનો અંદાજ છે.

વાત પરથી તો એવું લાગે જાણે તેઓ કેટલાય પૈસાદાર ન હોય!! મોટાભાગના ખેડૂતોની જેમ જ તેમના ખેતી ખર્ચની ગણતરીમાં અવેતન કામ કરતા કુટુંબના મજૂરોની - તેમની પત્નીની અને તેમની પોતાની - તો ગણના જ ન હોય. જો તેઓ તેને ગણતરીમાં લે તો મજૂરીનો ખર્ચ કેટલોક થાય? તેઓ કહે છે કે, "હું રોજની મહેનત કરું છું તેના 500 રુપિયા, અને 300 મારી પત્નીની મહેનતના." વાસ્તવમાં તેઓ જો તેને ધ્યાનમાં લે તો તેમનો 30000 નો નફો ઘટીને લગભગ 6000 રુપિયા જ થઈ જાય.

તેઓ કહે છે કે આ માટે પણ, "તમારું નસીબ હોવું જોઈએ." આપણે થોડા વખતમાં જ તેમના મોટર શેડમાં જઈને જાણીએ છીએ કે એ માટે જોઈએ છે નસીબ અને એ ઉપરાંત થોડા રસાયણો.

*****

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ગણપતિના ખેતરમાં મોટર શેડ. ફર્શ વપરાયેલ જંતુનાશકની બાટલીઓ અને ડબ્બાઓથી ભરેલી છે (જમણે)

આ મોટર શેડ એક નાનકડો ઓરડો છે, ગણપતિના કૂતરા બપોરે ત્યાં સૂઈ જાય છે. ખૂણામાં મરઘીઓનું એક જૂથ પણ છે – અને હકીકતમાં આપણને સૌથી પહેલી જે વસ્તુ જોવા મળે છે તે છે એક ઈંડું – ગણપતિ તેને ઉપાડતા હસે છે અને કાળજીપૂર્વક તેને પોતાની હથેળીમાં પકડી રાખે છે. ફર્શ પર ઘણા નાના કેન અને જંતુનાશકની બાટલીઓ આમતેમ પડેલી છે. એ જગ્યા લગભગ વપરાયેલા રસાયણોના શોરૂમ જેવી લાગે છે. ગણપતિ ધીરજપૂર્વક સમજાવે છે, તેમના છોડ પર ફૂલો - "પાલિચુ," સફેદ મોગરાની કળીઓ, મજબૂત, ભારે, સારી દાંડી સાથેના ફૂલો - ઊગે એ માટે આ બધા (રસાયણો) જરૂરી છે...

કેટલાક ડબ્બા પકડીને ગણપતિ મને પૂછે છે, "આ અંગ્રેજીમાં શું લખ્યું છે?" હું એક પછી એક નામો વાંચું છું. “આ લાલ જૂને મારી નાખે છે, પેલું કૃમિ માટે છે. અને આ એ બધા જ જંતુઓનો નાશ કરે છે." તેઓ કંઈક ગુસ્સાથી ફરિયાદ કરે છે, "મોગરાના છોડ પર કેટલા બધા જંતુઓ હુમલો કરે છે."

ગણપતિનો દીકરો એ તેમનો સલાહકાર છે. અમે ધોમધખતા તડકામાં બહાર નીકળીએ છીએ ત્યારે તેઓ સમજાવે છે, "તે "મરુન્ધુ કડાઈ" માં, જંતુનાશકો વેચતી દુકાનમાં કામ કરે છે."  સૂર્યનો દઝાડતો તડકો તેમના મોગરાના ફૂલો જેવો જ સફેદ છે. એક ગલુડિયું ભીની માટીમાં આળોટે છે, (લાલ ભીની માટીમાં આળોટવાને કારણે) તેની સફેદ રૂંવાટી ધીમે ધીમે લાલ થઈ રહી છે. એક ભૂખરા રંગનો કૂતરો શેડની નજીક રખડે છે. હું તેમને પૂછું છું, " તમે આ બંનેને શું કહીને બોલાવો છે?" તેઓ હસીને કહે છે, "'કરુપ્પુ' કહીને હું બૂમ પાડું તો બંને દોડીને આવે છે." કરુપ્પુ કાળા માટેનો તમિળ શબ્દ છે. હું ધ્યાન દોરું છું કે આ કૂતરા કાળા નથી.

ગણપતિ હસે છે, “એ જે હોય તે, પણ એ બંને દોડીને આવે છે." અને તેઓ બીજા મોટા શેડમાં જાય છે. ત્યાં નારિયેળના ઢગલા છે, એક ડોલમાં વધુ પાકી ગયેલા જામફળ છે ("મારી ગાય એ ખાઈ જશે, અત્યારે તે પેલા ખેતરમાં ચરે છે") અને થોડી દેશી મરઘીઓ ચણતા-ચણતા, કુકકુક અવાજ કરતી, દોડાદોડી કરી રહી છે.

પછી તેઓ મને ખાતર બતાવે છે – એક મોટી, સફેદ ડોલમાં સ્ટોરમાંથી 800 રુપિયામાં ખરીદેલ ‘સોઈલ કન્ડિશનર’ – ઉપરાંત સલ્ફર ગ્રેન્યુલ્સ અને કેટલાક ઓર્ગેનિક ખાતર. “મારે કાર્તિગાઈ માસ [15 મી નવેમ્બરથી 15 મી ડિસેમ્બર 1દરમિયાન] માં સારી ઉપજ જોઈએ છે. એ લગ્નની સિઝન છે તે જોતાં ભાવ ખૂબ જ સારો રહેશે. અને તેમના બહારના શેડમાં ગ્રેનાઈટના થાંભલા પર ઝૂકીને હસીને તેઓ મને સારી ખેતીનું રહસ્ય કહે છે: “તમારે છોડનો આદર કરવો જોઈએ. જો તમે છોડનું માન જાળવશો તો એ તમારું માન જાળવશે."

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ગણપતિ તેમના આંગણામાં તેમના બે કૂતરાઓ સાથે - તેઓ બંનેને કરુપ્પુ (કાળો) કહે છે. જમણે: એક મરઘી તેના દાણા ચણે છે

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: ખાતરનો ડબ્બો. જમણે: ગણપતિ બતાવે છે કે જંતુઓ મોગરાના છોડ પર ક્યાં હુમલો કરે છે

ગણપતિ મજેદાર વાર્તાઓ સંભળાવવામાં કુશળ છે. તેમના માટે ખેતરો રંગમંચ જેવા છે જ્યાં દરરોજ કોઈને કોઈ નાટક ભજવાય છે. “ગઈ કાલે રાત્રે 9:45 આસપાસ ચાર ભૂંડ આવ્યા, પેલી બાજુથી. કરુપ્પુ અહીં હતો, તેણે ભૂંડને જોયા, તેઓ પાકેલા જામફળની ગંધથી આકર્ષાયા હતા, કરુપ્પુએ તેમાંથી ત્રણનો પીછો કર્યો, એક પેલી  બાજુ  ભાગી ગયું." તેઓ તેમના હાથ વડે મુખ્ય રસ્તા તરફ, સામેના મંદિર તરફ અને આસપાસના ખુલ્લા ખેતરો તરફ ઈશારો કરે છે.  "એનું તમે શું કરી શકો? બહુ વખત પહેલા અહીં હિંસક પશુઓ હતા - શિયાળ - હવે એકેય નથી."

જો ભૂંડ એક સમસ્યા છે, તો જંતુઓ પણ સમસ્યા છે. મોગરાના ખેતરોની આસપાસ ચાલતા ચાલતા ગણપતિ સમજાવે છે કે જંતુઓ ખૂબ ઝડપથી અને ખૂબ ખરાબ રીતે નવા ફૂલો પર હુમલો કરે છે. પછીથી હવામાં ચોરસ અને ગોળાકારે હાથ ઘુમાવતા તેઓ વાવેતરના જુદા જુદા પાસાં સમજાવે છે, અને થોડા મોતી જેવા ફૂલો ચૂંટે છે જેની હું સુગંધ લઉં છું અને વખાણું છું. તેઓ ભારપૂર્વક કહે છે, "મદુરાઈ મલ્લીની સુગંધ સારામાં સારી છે."

હું સહમત થાઉં છું. ગણપતિના હાથે ખોદેલા કૂવાની આસપાસ લાલ રંગની માટી પર આપણે ચાલતા હોઈએ, આપણા પગ નીચે કચડતા નાના નાના કાંકરાનો કચડ-કચડ અવાજ આવતો હોય, ગણપતિ પૂરી જાણકારી સાથે ખેતી વિશે અને ખૂબ આદરપૂર્વક પોતાની પત્ની પિચાઈયમ્મા વિશે વાતો કરતા હોય અને સાથે મોગરાના ફૂલોની તીવ્ર અને માદક સુગંધ હોય એ આખો અનુભવ અનોખો છે “અમે મોટા જમીનદાર નથી, અમે ચિન્ના સંસારી છીએ (અમારી થોડીઘણી જમીન છે), અને અમે ફક્ત બેઠા બેઠા લોકોને હુકમ કરી શકતા નથી. મારી પત્ની પણ અમારા શ્રમિકોની સાથોસાથ કામ કરે છે, એ રીતે અમારું ગાડું ચાલે છે.

*****

આ જમીનમાં ઓછામાં ઓછા 2000 વર્ષથી મોગરા ટકી રહ્યા છે અને તેનો અસાધારણ ઈતિહાસ છે. અને માળા બનાવવા માટે જે નજાકતથી આ ફૂલો દોરામાં પરોવાઈ જાય છે એ જ નજાકતથી એ ફૂલોએ તમિળ ભૂતકાળમાં વણાઈ જઈને તમિળ ભૂતકાળને ઘડ્યો છે અને તેને મહેકાવ્યો છે. હવાઈ સ્થિત સંગમ તમિલ વિદ્વાન અને અનુવાદક વૈદેહી હર્બર્ટ કહે છે કે, સંગમ સાહિત્યમાં - મુલ્લાઈના 100 થી વધુ ઉલ્લેખો છે - મોગરાના ફૂલો એ સમયે મુલ્લાઈ કહેવાતા. વૈદેહીએ 300 બી.સી. થી 250 એ.ડી. દરમિયાન લખાયેલા સંગમ યુગના તમામ 18 પુસ્તકોના અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે, અને તેમના આ અનુવાદો ઓનલાઈન નિઃશુલ્ક મળી શકે છે.

તેઓ સમજાવે છે, મલ્લીગાઈ, જેને આપણે હવે મલ્લી તરીકે ઓળખીએ છીએ તેને માટેનો મૂળ શબ્દ હતો મુલ્લાઈ. સંગમ કવિતામાં મુલ્લાઈ એ પાંચ અંતરિયાળ લેન્ડસ્કેપ્સમાંથી એક - 'અકામ થિનાઈસ' - નું નામ છે અને તે જંગલો અને નજીકની જમીનો સૂચવે છે. (બીજા ચાર લેન્ડસ્કેપ - જેના નામ પણ ફૂલો અથવા વૃક્ષોના નામ પરથી આપવામાં આવ્યા છે - છે: કુરિંજી (પર્વત), મરુથમ (મેદાનો), નિયતલ (સમુદ્ર કિનારો) અને પાલઈ (સૂકા રણ પ્રદેશો).
PHOTO • M. Palani Kumar

મદુરાઈ જિલ્લાના ઉસીળમપટ્ટી તાલુકાના નાદુમુદાલઈકુલમ કસ્બામાં પાંડીના ખેતરમાં મોગરાની કળીઓ અને ફૂલો

તેમના બ્લોગ માં, (વૈદેહી નોંધે છે કે સંગમ લેખકોએ "કાવ્યાત્મક અસર લાવવા માટે અકામ===== થિનાઈસનો ઉપયોગ કર્યો છે." તેઓ સમજાવે છે કે રૂપકો અને ઉપમાઓ "વિશિષ્ટ લેન્ડસ્કેપમાંના તત્વો પર આધારિત છે. કવિતાઓમાં પાત્રોની શારીરિક વિશેષતાઓ અને લાગણીઓ વ્યક્ત કરવા માટે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ તેમ જ એ લેન્ડસ્કેપનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે." મુલ્લાઈ લેન્ડસ્કેપમાં સેટ કરેલી આ પંક્તિઓમાં વાત છે "ધીરજપૂર્વક રાહ જોવાની." એટલે કે, નાયિકા તેના પ્રિય પુરુષની પ્રવાસેથી પાછા ફરવાની રાહ જુએ છે.

2000 વર્ષ જૂની આ ઐનકુરુનૂરુ કવિતામાં પુરુષ પોતાની પ્રિય સ્ત્રીની સુંદર વિશેષતાઓને ઝંખે છે:

મોરની જેમ નાચતી
તારા કપાળની સુગંધ જેવા
મઘમઘતા મોગરાની જેમ ખીલેલી,
પારેવાની ગભરુ નજરે જોતી તું
તારા વિચારોમાં ડૂબેલો હું, હે પ્રિયે
ચોમાસાના વાદળ કરતાંય વધુ ઝડપથી (મનોમન) ઘર તરફ ધસું છું.

OldTamilPoetry.com વેબસાઈટ ચલાવતા સંગમ યુગની કવિતાઓના અનુવાદક સેન્તિલ નાતન મને બીજી પંક્તિઓ શોધી આપે છે. સંગમ કવિતામાં ઉલ્લેખિત કલાકારો, લેખકો અને સંગીતકારોના સાત મહાન આશ્રયદાતાઓમાંના એક ચીફ પારી વિશેની લોકમાનસમાં અંકાઈ ગયેલી એ પંક્તિઓ છે. સેન્તિલ કહે છે કે આ એક લાંબી કવિતા છે, પણ આ ચાર પંક્તિઓ સુંદર અને પ્રાસંગિક, મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી છે.

...વ્યાપક ખ્યાતિ ધરાવતા પારી,
જેમણે પોતાનો ઘંટડીઓવાળો ભવ્ય રથ
મ્હોરી રહેલી મોગરાની નાજુક વેલ ને ધરી દીધો
જોકે એ વેલ ક્યારેય તેમના ગુણગાન ગાઈ શકવાની નહોતી...

પુરાણાનૂરુ 200. પંક્તિઓ 9-12

આજે તમિળનાડુમાં વ્યાપકપણે ઉગાડવામાં આવતા મલ્લીના પ્રકાર માટેનો વૈજ્ઞાનિક શબ્દ છે જાસ્મિનમ સમ્બક. (કટ ફ્લાવર્સની સરખામણીમાં) છૂટક ફૂલોની ખેતીમાં આ રાજ્ય દેશમાં અગ્રેસર છે. અને કુલ 240000 ટનમાંથી 180000 ટનનું યોગદાન આપતું આ રાજ્ય મોગરાના ઉત્પાદન માં સ્પષ્ટપણે અગ્રેસર છે.

પોતાના નામના જીઆઈ ( જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન - ભૌગોલિક સંકેત ) સાથેના મદુરાઈ મલ્લી ઘણી વિશેષ લાક્ષણિકતાઓ ધરાવે છે. તેમાં ખાસ છે: 'તીવ્ર સુગંધ, જાડી પાંખડીઓ, સૌથી લાંબી પાંદડાની ડાંડલી, લાંબા સમય પછી ખુલતી કળીઓ, લાંબા વખત સુધી કરમાયા વિના રહી શકતી પાંખડીઓ અને લાંબા સમય સુધી જળવાઈ રહેતી ફૂલોની ગુણવત્તા.'

PHOTO • M. Palani Kumar

મોગરાના ફૂલ પર બેસીને તેનો રસ ચૂસતું પતંગિયું

મોગરાની અન્ય જાતોના પણ રસપ્રદ નામો છે. મદુરાઈ મલ્લી ઉપરાંત તેને ગુંડુ મલ્લી, નમ્મા ઉરુ મલ્લી, અંબુ મલ્લી, રામાબનમ, માધાનબનમ, ઈરુવાચી, ઈરુવાચીપ્પૂ, કસ્તુરી મલ્લી, ઊસી મલ્લી અને સિંગલ મોગરા પણ કહેવામાં આવે છે.

જોકે મદુરાઈ મલ્લી માત્ર મદુરાઈ પૂરતા મર્યાદિત નથી પરંતુ વિરુધુનગર, તેની, ડિંડીગુલ અને શિવગંગાઈ સહિતના જિલ્લાઓમાં આવતા વિસ્તારોમાં થાય છે.  તમિલનાડુમાં કુલ ખેતીની જમીનમાંથી 2.8 ટકા જમીનમાં ફૂલોની ખેતી કરવામાં આવે છે, આ (2.8 ટકા) જમીનના 40 ટકા હિસ્સામાં મોગરાની જાતો ઉગાડવામાં આવે છે. દર છઠ્ઠું મોગરાનું ખેતર - એટલે કે (મોગરા ઉગાડતી) રાજ્યની કુલ 13719 હેક્ટર જમીનમાંથી 1666 હેક્ટર જમીન - મદુરાઈમાં છે.

આ આંકડાઓ કાગળ ઉપર તો ઘણા સારા લાગે છે, પણ હકીકતમાં ભાવની વધઘટ ખેડૂતોને નિરાશ કરી દે છે. એક શબ્દમાં કહીએ તો બેફામ વધઘટ થતી હોય છે.  નીલક્કોટ્ટાઈ માર્કેટમાં 'સેન્ટ' માટે 120 રુપિયા કિલોની મૂળ કિંમતથી લઈને મટ્ટુતવાની ફૂલ માર્કેટમાં (સપ્ટેમ્બર 2022 અને ડિસેમ્બર 2021માં અનુક્રમે) તેના ભાવ અતિશય ઊંચા 3000 અને 4000 રુપિયા સુધીના હતા, આ ભાવો સાવ વાહિયાત છે અને લાંબો વખત ટકતા નથી.

*****

ફૂલોની ખેતીનું લોટરી જેવું છે, બધો આધાર સમયની ઉપર છે. ગણપતિ કહે છે, "જો તમારા છોડ પર તહેવારોની મોસમમાં ફૂલો આવે છે, તો તમને નફો થાય. નહીં તો તમારા બાળકો આ ધંધો અપનાવતા પહેલા બે વાર વિચારશે, બરોબરને? કારણ તેમણે તેમના માતા-પિતાને હંમેશ દુઃખી થતા જ જોયા છે, ખરું કે નહીં?" પ્રતિભાવની રાહ જોયા વિના તેઓ આગળ કહે છે: “એક નાનો ખેડૂત મોટા ખેડૂત સાથે હરિફાઈ ન કરી શકે. જો કોઈને વિશાળ જમીન પર 50 કિલો ફૂલો ચૂંટવા માટે શ્રમિકોની જરૂર હોય, તો તેઓ શ્રમિકોને દસ રૂપિયા વધારાના ચૂકવે અને તેમને વાહનમાં લઈ જાય અને તેમને જમવાનુંય આપે. આપણે એવું કરી શકીએ?"

બીજા નાના ખેડૂતોની જેમ તેઓ મોટા વેપારીઓ પાસે “અડઈકલમ”, શરણું લે છે. ગણપતિ કહે છે, “સૌથી વધારે ફૂલો ઊતરતા હોય તે સમયગાળા (પીક ફ્લાવરિંગ) દરમિયાન હું અનેક વાર બજારમાં જાઉં - સવારે, બપોરે, સાંજે - ફૂલોની બોરીઓ લઈ-લઈને. મને મારી પેદાશો વેચવામાં મદદ કરવા માટે વેપારીઓની જરૂર પડે."  એ જેટલા રુપિયાના મોગરા વેચે તેના પ્રત્યેક રૂપિયા માટે વેપારી કમિશન તરીકે દસ પૈસા લે.

પાંચ વર્ષ પહેલાં ગણપતિએ મદુરાઈના ફૂલના એક મોટા વેપારી અને મદુરાઈ ફ્લાવર માર્કેટ એસોસિએશનના પ્રમુખ, પૂકડાઈ રામચંદ્રન, પાસેથી થોડા લાખ રુપિયા ઉછીના લીધા હતા. અને તેમને ફૂલો વેચીને દેવાની પતાવટ કરી હતી. આવા વ્યવહારમાં આ કમિશન 10 ટકા થી વધીને 12.5 ટકા થઈ જાય છે.

નાના ખેડૂતો બીજી બધી વસ્તુઓ ઉપરાંત જંતુનાશકો ખરીદવા માટે ટૂંકા ગાળાની લોન પણ લે છે. અને છોડ અને જંતુઓ વચ્ચેનો આ સંઘર્ષ સતત ચાલતો હોય છે. વિચિત્રતા તો એ છે કે જ્યારે પાક ખરાબ મોસમને ખમી શકે તેવો મજબૂત હોય ત્યારે પણ, જેમ કે રાગીના કિસ્સામાં, હાથી જેવા ખૂબ મોટા પ્રાણીઓ ખેતરોમાં હુમલો કરી શકે છે. ખેડૂતો તેમના રાગીના ખેતરોને બચાવવા માટે અવનવા ઉપાયો શોધવા સંઘર્ષ કરે છે અને તેમાં ઘણી વાર નિષ્ફ્ળ જાય છે, તેથી ઘણા ખેડૂતો ફૂલોની ખેતી તરફ વળ્યા છે. મદુરાઈના ફૂલો ઉગાડતા વિસ્તારોમાં ખેડૂતો બડ વર્મ, બ્લોસમ મિજિસ, લીફ વેબર અને બીજી ઘણી નાની જીવાતો સામે લડે છે, જેને પરિણામે પાછળ રહી જાય છે રંગ ઊડી ગયેલા ફૂલો, ક્ષતિગ્રસ્ત છોડ અને બરબાદ ખેડૂતો.

PHOTO • M. Palani Kumar

મદુરાઈ જિલ્લાના તિરુમલ ગામમાં ચિન્નામા તેમના જીવાતોથી ભરેલા મોગરાના ખેતરમાં કામ કરી રહ્યા છે

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

યુવાનો અને વૃદ્ધો સહુ કોઈ ફૂલો ચૂંટવામાં મદદ કરે છે. જમણે: અહીં તિરુમલ ગામમાં મોગરાના ખેતરોની બાજુમાં કબડ્ડી રમવા માટેની જગ્યા

તિરુમલ ગામમાં ગણપતિના ઘરથી ગાડીમાં બેસીને આગળ જતાં થોડેક દૂર અમે જોયું બરબાદ થઈ ગયેલું એક આખું ખેતર અને સાથોસાથ બરબાદ થઈ ગયેલા સપના. આ મલ્લી તોટ્ટમ (મોગરાનું ખેતર) 50 વર્ષના આર. ચિન્નામા અને તેમના પતિ રામારનું છે. તેમના બે વર્ષના છોડ તેના પર ઉગેલા મોગરાથી સફેદ રંગના દેખાય છે. પરંતુ તેઓ કહે છે કે, એ બધા "ઓછી ગુણવત્તાવાળા ફૂલો છે, જેના ભાવ ઘણા ઓછા ઉપજશે." તેઓ નિસાસો નાખીને કહે છે આ ફૂલોને રોગ થયેલો છે, ડચકારા બોલાવી માથું હલાવતા તેઓ કહે છે, "આ ફૂલો ખીલશે નહીં; મોટા નહીં થાય."

જોકે છતાં સતત મહેનત કરવી પડે છે. વૃદ્ધ મહિલાઓ, નાનાં બાળકો, કૉલેજ જતી છોકરીઓ – બધાં જ (ફૂલો) ચૂંટે છે. ચિન્નામા અમારી સાથે વાતો કરતા કરતા કળીઓ શોધવા ડાળીઓને હળવેથી ખસેડે છે, કળીઓ ચૂંટે છે, અને ચૂંટેલી કળીઓને કંડંગી શૈલીમાં લપેટેલી પોતાની સાડીમાં ભેગી કરે છે. તેમના પતિ રામરે ખેતરોમાં ઘણા જંતુનાશકો અજમાવી જોયા. “તેમણે ઘણી ‘ભારે દવાઓ’ વાપરી જોઈ, એ સામાન્ય દવાઓ ન હતી. એક-એક લિટરના અમારે 450 રુપિયા આપવા પડતા. પણ કોઈ ઉપાય કામમાં ન આવ્યો! વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે છેવટે દુકાનના માલિકે તેમને કહ્યું કે વધુ પૈસા ન બગાડો." એ પછી રામારે ચિન્નામાને કહ્યું, “ખેંચી કાઢો બધાય છોડ. આપણા 1.5 લાખ પાણીમાં ગયા.”

ચિન્નમાએ કહ્યું એટલે જ તેમના પતિ ખેતરમાં નહોતા. તેઓ કહે છે, "વયિત્તેરિચલ," આ તમિળ શબ્દનો શાબ્દિક અર્થ છે પેટમાં બળતરા, જે કડવાશ અને ઈર્ષ્યા સૂચવે છે. "બીજા લોકોને એક કિલો મોગરાના 600 રુપિયા મળે ત્યારે અમને માંડ 100 રુપિયા મળશે." પરંતુ તેઓ પોતાનો ગુસ્સો અથવા ચીડ છોડ પર નથી કાઢતા. તેઓ શાખાઓને નાજુક રીતે પકડી રાખે છે, નીચેની કળીઓ સુધી પહોંચવા પૂરતી જ તેને વાળે છે. “જો અમારે સારો પાક થયો હોત તો મોટા છોડ પરથી (ફૂલો) ચૂંટવામાં અમને ઘણી મિનિટો લાગત. પણ હવે…” અને તેઓ ઝડપથી બીજા છોડ તરફ આગળ વધી જાય છે

પોતાનો ટુવાલ ખભા પર નાખીને ચિન્નામાને છોડ પરથી ફૂલો ચૂંટવામાં મદદ કરતા ગણપતિ કહે છે કે ઉપજ ઘણા પરિબળો પર આધાર રાખે છે. તેઓ ફરીથી કહે છે, "જમીન, વૃદ્ધિ, ખેડૂતની કુશળતા અનુસાર ઉપજ બદલાય. તમારે છોડને બાળકની જેમ ઉછેરવાનો હોય છે. બાળક તમારી પાસે આ કે તે માગી શકે છે? નહીં ને? તમારે અનુમાન કરીને સાહજિક રીતે તેની માગણી સંતોષવાની હોય. છોડ તો બાળકની જેમ રડી પણ શકતો નથી. પરંતુ જો તમારી પાસે અનુભવ હોય તો તમને એ બીમાર હોય, એને રોગ થયો હોય અથવા એ મરી રહ્યો હોય...તો તરત ખબર પડી જાય.

આમાંના ઘણા રોગોની 'સારવાર' રસાયણોના કોકટેલ (મિશ્રણ) વડે થાય છે. હું તેમને ઓર્ગેનિક પદ્ધતિથી મોગરા ઉગાડવા વિશે પૂછું છું. તેમનો પ્રતિભાવ નાના ખેડૂતની મૂંઝવણને બરોબર પકડે છે. ગણપતિ કહે છે, "(ઓર્ગેનિક પદ્ધતિથી મોગરા) ઉગાડી શકાય, પરંતુ તેમાં વધુ જોખમો રહેલા છે. મેં ઓર્ગેનિક-ખેતીની તાલીમ લીધી છે." તેઓ સીધું જ પૂછે છે, "પણ તેના માટે વધુ ઊંચા ભાવ ચૂકવશે કોણ?"

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: તંદુરસ્ત મોગરાના છોડની વચ્ચે મૃત છોડ. જમણે:  એક તગારામાં એક પળી (માપિયા) સાથે મોગરાની કળીઓ; આ પળીનો ઉપયોગ દરેક શ્રમિકે કેટલા ફૂલો ચૂંટ્યા તેની અને તેના પરથી તેમના મહેનતાણાની ગણતરી કરવા માટે થાય છે

PHOTO • M. Palani Kumar

મોગરા ચૂંટનાંરાઓનું એક જૂથ, માલિકો અને મજૂરો બંને, ગપસપ કરે છે, સંગીત સાંભળે છે અને ફૂલો ખીલે તે પહેલાં બજારમાં પહોંચાડવા માટે સમય સાથે હોડમાં ઊતરે છે

“રાસાયણિક ખાતર વધુ સારી ઉપજ આપે છે. અને એ સહેલું છે. ઓર્ગેનિકમાં બહુ ઝંઝટ છે – તમે બધા ઘટકોને ટબમાં પલાળી રાખો, એને કાળજીપૂર્વક સ્પ્રે કરો અને પછી જ્યારે તમે એ ફૂલો લઈને બજારમાં લઈ જાઓ, ત્યારે ભાવમાં કોઈ જ ફેર નહીં! આ વાત ખૂબ દુઃખ થાય એવી છે કારણ કે ઓર્ગેનિક મોગરા વધુ મોટા અને વધુ ઉઠાવદાર હોય છે. પણ જો મને એના બમણા ભાવ ન મળતા હોય તો એની પાછળ મારા સમય અને શક્તિ બગાડવાનો કોઈ અર્થ નથી ... "

પોતાના ઘર માટે તેઓ ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે. “ફક્ત અમારા માટે અને બાજુના ગામમાં રહેતી મારી પરિણીત દીકરી માટે. હું પણ રસાયણોથી દૂર જવા માંગુ છું. કહે છે કે એની ઘણી આડઅસરો છે. ભારે જંતુનાશકોના આટલા બધા સંસર્ગથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડવાની જ છે. પણ બીજો વિકલ્પ પણ શું છે?”

*****

ગણપતિના પત્ની પિચાઈયમ્મા પાસે પણ કોઈ વિકલ્પ નથી. તેઓ આખો દિવસ કામ કરે છે. રોજેરોજ. રોજિંદુ એકધારું કામ કરવા છતાંય તેમનું મુક્ત હાસ્ય ભાગ્યે જ ઝંખવાય છે.  2022 ના ઓગસ્ટ મહિનાના અંતનો સમય છે અને પારીની તેમને ઘેર આ બીજી મુલાકાત છે. લીમડાના ઝાડની ઠંડી છાયામાં આંગણામાં ખાટલા પર બેસીને તેઓ તેમના કામના દિવસનું વર્ણન કરે છે.

એકશ્વાસે કરવાના કામોની યાદી કરતા તેઓ કહે છે, “આડા પાકા, માડા પાકા, મલ્લિગપુ થોત્તમ પાકા, પૂવા પરિકા, સમૈકા, પુલ્લઈગલા અનુપિવિદા…” [બકરીઓ અને ગાયો અને મોગરાના ખેતરોની સંભાળ રાખવી; મોગરા ચૂંટવા; રસોઈ બનાવવી, બાળકોને શાળાએ મોકલવા...].

45 વર્ષના પિચાઈયમ્મા કહે છે કે, તેઓ તેમના બાળકો ખાતર જ સતત કામ કરે છે. "મારો દીકરો અને દીકરી બંને ભણેલા-ગણેલા છે અને ડિગ્રી ધારક છે." પિચાઈયમ્મા પોતે ક્યારેય શાળાએ ગયા નથી અને બાળપણથી જ પહેલા તેમના માતાપિતાના ખેતરમાં અને હવે તેમના પોતના ખેતરમાં કામ કરતા આવ્યા છે. તેઓ કાનમાં અને નાકે કેટલાક ઘરેણાં પહેરે છે; તેમની ડોક પર તાલી (મંગલસૂત્ર) સાથેનો હળદરિયો દોરો છે.

અમે તેમને મળીએ છીએ એ દિવસે તેઓ મોગરાના ખેતરોમાં નીંદણ કરી રહી રહ્યા હતા. એ કામ શિક્ષા જેવું છે - આખો વખત નમેલી પીઠે, ખૂબ નાનાં નાનાં પગલાં ભરતા ભર તડકામાં તનતોડ મજૂરી કરવી પડે. પરંતુ અત્યારે તેમને ફક્ત અમારી, તેમના મહેમાનોની ચિંતા હતી. તેઓ કહે છે, "કંઈક તો ખાઓ." ગણપતિ અમને દળદાર, સુગંધિત જામફળ અને નારિયેળ પાણી લાવી આપે છે. અને જ્યારે અમે જામફળ ખાઈએ છીએ અને નાળિયેર પીએ છીએ ત્યારે તેઓ સમજાવે છે કે ભણેલા-ગણેલા અને યુવાન લોકો ગામડામાંથી શહેરમાં રહેવા જતા રહ્યા છે. અહીં જમીન 10 લાખ રુપિયે એકરથી ઓછી કિંમતે મળતી નથી. જો તે મુખ્ય માર્ગની વધુ નજીક હોય તો તે એના કરતા ચાર ગણા દરે વેચાય છે. "પછી એ ઘરો માટે 'પ્લોટ' તરીકે વેચવામાં આવે છે."

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

પિચાઈયમ્મા મને એ દિવસની વાત કરે છે જ્યારે તેઓ અને ગામમાંથી દાડિયે રાખેલ એક શ્રમિક (જમણે) નીંદણ દૂર કરે છે અને તેમના મોગરાના ખેતરોમાં કામ કરે છે

જેમની પાસે જમીન છે તેમાં પણ ઘરના લોકો પોતે - અવેતન - મહેનત કરે તો જ નફાની થોડીઘણી ખાત્રી હોય છે. ગણપતિ સ્વીકારે છે કે તેમાં મહિલાઓનો હિસ્સો વધારે હોય છે. હું પિચાઈયમ્માને પૂછું છું, જો તમે આ જ કામ બીજા કોઈ માટે કર્યું હોત તો તમને કેટલા પૈસા મળ્યા હોત. તેઓ જવાબ આપે છે, "300 રૂપિયા." અને તેઓ જે ઘરેલુ કામકાજ કરે છે અને તેમના પશુધનની સંભાળ લેવા માટે જે કામ કરે છે એ તો વળી અલગ.

હું પૂછું છું, "શું એ કહેવું યોગ્ય રહેશે કે તમે તમારા પરિવારના ઓછામાં ઓછા 15000 રૂપિયા બચાવો છો?"  તેઓ સહેલાઈથી સંમત થાય છે. ગણપતિ પણ તેમની જેમ જ સહેલાઈથી સંમત થાય છે. હું મજાકમાં સૂચન કરું છું કે પિચાઈયમ્માને એ રકમ ચૂકવવી જોઈએ. બધા હસે છે, સૌથી વધારે હસે છે પિચાઈયમ્મા.

પછી હળવા સ્મિત અને વેધક નજરે તેઓ મને મારી દીકરી વિશે પૂછે છે કે તેના લગ્ન માટે મારે કેટલું સોનું આપવું પડશે. “અહીં અમે 50 સોનાના સિક્કા આપીએ છીએ. પછી જ્યારે દીકરીને બાળક જન્મે ત્યારે અમે સોનાની ચેઈન અને ચાંદીના પાયલ આપીએ છીએ; કાન વીંધવામાં આવે ત્યારે મિજબાની માટે બકરી; એમ ચાલ્યા જ કરે છે. આ બધું અમારી કમાણીમાંથી જ લેવાનું હોય. હવે તમે જ કહો હું પગાર કેવી રીતે લઉં?

*****

એ સાંજે મોગરાના એક યુવાન ખેડૂત પાસેથી મને જાણવા મળે છે કે ખેતીની સાથે પગારવાળી નોકરી હોવી એ સારું જ નહીં જરૂરી પણ છે. પૈસાની જરૂર પડે ત્યારે એ એક મહત્વપૂર્ણ મદદ છે, સ્થિર આવક છે, ભલે તે માટે કામનો બમણો બોજ ઉઠાવવો પડે. છ વર્ષ પહેલાં મેં મદુરાઈ જિલ્લાના ઉસીળમપટ્ટી તાલુકાના નાદુમુદાલઈકુલમ કસ્બામાં ડાંગરના ખેડૂતો જેયાબલ અને પોધુમની પાસેથી આ જ તર્ક સાંભળ્યો હતો. આ સફર દરમિયાન ઓગસ્ટ 2022માં જેયાબલ મને તેમના બાળપણના મિત્ર અને મોગરાના ખેડૂત એમ. પાંડીનો પરિચય કરાવે છે, તેમણે અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી છે અને ખાસ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂ (આઈએમએફએલ) નું રાજ્યમાં વેચાણ કરવાના વિશિષ્ટ અધિકારો ધરાવતા તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (ટેસમેક - ટીએએસએમએસી) ખાતે પૂર્ણ સમયની નોકરી કરે છે

40 વર્ષના પાંડી હંમેશા ખેડૂત ન હતા. ગાડીમાં બેસીને જઈએ તો તેમના ખેતરો ગામથી 10 મિનિટ દૂર આવેલા છે. તેમના ખેતરોમાં જતાં તેઓ અમને તેમની વાર્તા કહેવાનું શરૂ કરે છે. અમારી ચારે તરફ માઈલોના માઈલો સુધી ફેલાયેલ છે હરિયાળી ટેકરીઓ, જળાશયો અને સફેદ મોગરાની કળીઓની ચમક.

PHOTO • M. Palani Kumar

સુંદર નાદુમુદાલઈકુલમ કસ્બામાં પોતાના મોગરાના ખેતરોમાં પાંડી, ત્યાં ઘણા ખેડૂતો ડાંગરની ખેતી પણ કરે છે

“આજથી 18 વર્ષ પહેલા અભ્યાસ પૂરો કર્યા પછી તરત જ હું ટેસમેકમાં જોડાયો હતો. હજી આજે પણ હું ત્યાં કામ કરું છું અને સવારે મારા મોગરાના ખેતરોનું ધ્યાન રાખું છું." 2016 માં તત્કાલીન નવા ચૂંટાયેલા મુખ્ય પ્રધાન અને એઆઈએડીએમકેના વડા જે. જયલલિતાએ ટેસમેકના કામકાજના કલાકો 12 કલાકથી ઘટાડીને 10 કર્યા હતા. જ્યારે પણ તેઓ જયલલિતાનો ઉલ્લેખ કરે છે, ત્યારે પાંડી તેમને 'મનબુમિગુ પુરાતચી તાલઈવી અમ્મા અવર્ગલ' (આદરણીય ક્રાંતિકારી નેતા અમ્મા) કહીને બોલાવે છે, આ સંબોધન માનવાચક અને ઔપચારિક બંને છે. જયલલિતાના આ નિર્ણયથી તેમને સવારે થોડોઘણો સમય મળી રહે છે કારણ કે હવે તેમને (સવારે 10 વાગ્યાને બદલે) બપોરે 12 વાગ્યા સુધીમાં કામ પર પહોંચવાનું હોય છે. ત્યારથી તેઓ બચેલા એ બે કલાક તેમની જમીન પાછળ ગાળે છે.

પાંડી તેમના મોગરાના ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા કરતા પોતાના બંને વ્યવસાયો વિશે સ્પષ્ટતાથી અને ખાતરીપૂર્વક વાત કરે છે. "જુઓ, હું પોતે એક નોકરી કરું છું અને મારા ખેતરમાં કામ કરવા માટે હું 10 શ્રમિકોને કામે પણ રાખું છું." તેમના અવાજમાં એક શાંત અભિમાન છે. પરંતુ તે વાસ્તવિકતાથી નિયંત્રિત થયેલ છે. "પરંતુ હવે તો જો તમારી પાસે જમીન હોય તો જ તમે ખેતી કરી શકો. જંતુનાશકો લેવા જાઓ તો સેંકડો ને હજારો રુપિયાના આવે છે.  મને પગાર મળે છે એટલે મને પરવડી શકે. નહિંતર ખેતી ખૂબ જ મુશ્કેલ છે.

તેઓ કહે છે કે મોગરાની ખેતી તો ઘણી વધારે મુશ્કેલ છે. ઉપરાંત તમારે છોડની આસપાસ તમારા જીવનનું આયોજન કરવું પડે. "તમે ક્યાંય જઈ ન શકો; તમારી સવાર ફૂલો તોડીને બજારમાં લઈ જવામાં જ પસાર થાય. ઉપરાંત આજે તમને એક કિલો ફૂલો મળે. આવતા અઠવાડિયે 50 કિલો ફૂલો પણ મળી શકે. તમારે કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડે!

પાંડીએ જે એક એકરમાં મોગરા ઉછેર્યા છે તેમાં તેમણે ધીમે ધીમે કરીને મોગરાના છોડ ઉમેર્યા છે. તેઓ કહે છે કે ખેડૂતે મોગરાના છોડનું ધ્યાન રાખવા પાછળ ઘણા કલાકો ગાળવા પડે છે. “હું મારા કામ પરથી અડધી રાત્રે પાછો આવું છું. હું સવારે 5 વાગ્યે ઉઠીને અહીં ખેતરમાં હોઉં છું. અમારા બે બાળકોને શાળાએ મોકલ્યા પછી મારી પત્ની મારી સાથે જોડાય છે. જો અમે આળસ કરીને સૂઈ રહીએ તો હું સફળ શી રીતે થઈ શકું? અને બીજા દસ લોકોને કામે શી રીતે રાખી શકું?"

જો આખા એકરમાં ફૂલોની ભરમાર હોય - ફૂલોની ભરમાર પર ભાર મૂકવા પાંડી તેમના બંને હાથ પહોળા કરી કહે છે - "તો તમારે 20-30 મજૂરોની જરૂર પડે." તેમાંના દરેકને સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી ચાર કલાક કામ કરવા માટે 150 રુપિયા ચૂકવવા પડે. ફૂલો આવવાનું ઓછું થઈ ગયા પછી - જો માત્ર એક કિલો ફૂલો હોય તો પાંડી અને તેમના પત્ની શિવગામી અને તેમના બે બાળકો એ ચૂંટે છે. “બીજા વિસ્તારોમાં (મજૂરીના) દરો નીચા હોય એવું બને, પરંતુ આ ફળદ્રુપ વિસ્તાર છે, જેમાં ડાંગરના ઘણા ખેતરો છે. શ્રમિકોની માંગ ખૂબ છે. તમારે તેમને સારી ચૂકવણી કરવી જ પડે, અને તેમને ચા અને વડઈ પણ અપાવવા પડે...”

ઉનાળાના મહિનાઓ (એપ્રિલ અને મે) માં ફૂલોની ભરમાર હોય છે. “તમને લગભગ 40-50 કિલો ફૂલો મળી જાય. ભાવ બહુ ઓછા હોય, કેટલીકવાર તો એક કિલોના   70 રુપિયા જેટલા ઓછા. હવે ભગવાનની દયાથી 'સેન્ટ' કંપનીઓએ ભાવ વધાર્યા છે અને તેઓ 220 રુપિયે કિલો મોગરા લે છે. જ્યારે બજારમાં ટનબંધ ફૂલો હોય ત્યારે આ સારામાં સારો ભાવ છે જે ખેડૂતો મેળવી શકે છે. અને પાંડી કહે છે એ ભાવ હોય ત્યારે તમને નફોય ન થાય કે નુકસાન પણ ન જાય, તમે બ્રેક-ઈવન કરો.

PHOTO • M. Palani Kumar

પાંડી તેમના મોગરાના છોડ પર જંતુનાશક અને ખાતરના મિશ્રણનો છંટકાવ કરે છે

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

પોતાના મોગરાના છોડની હરોળ વચ્ચે ચાલતા ગણપતિ. જમણે: પોતાના ઘરની સામે પિચાઈયમ્મા

તેઓ તેમના ફૂલોને લગભગ 30 કિલોમીટર દૂર, નજીકના ડિંડીગુલ જિલ્લામાં નીલક્કોટ્ટાઈ માર્કેટમાં લઈ જાય છે. “મટ્ટુતવાનીમાં - એ સારું છે, તમે ગેરસમજ ન કરશો પણ ત્યાં - તમે કિલોના ભાવે વેચી શકો છો. નીલક્કોટ્ટાઈમાં તમે બોરીના ભાવે વેચી શકો. ઉપરાંત વેપારી નજીકમાં બેસે છે. તેઓ એક ટેબ રાખે છે, અને તમને અણધાર્યા ખર્ચાઓ, તહેવારો અને કેટલીકવાર ફૂલો પર છંટકાવ કરવા માટે રસાયણો ખરીદવા માટે અગાઉથી પૈસા આપે છે."

તેમના શેડમાં કપડાં બદલી શોર્ટ્સ અને પટ્ટાવાળું ટી-શર્ટ પહેરી પાંડી કહે છે કે (રસાયણોનો) છંટકાવ એ ખૂબ મહત્ત્વનો છે. મોગરાના ઘણા પ્રશંસકો છે. અને એ ઘણા જંતુઓને આકર્ષે છે. ગણપતિ પાસે ઘરમાં જ તેમનો દીકરો જંતુનાશકોની બાબતમાં નિષ્ણાત છે, જ્યારે પાંડીએ દુકાને જઈને ચોક્કસ રસાયણો મેળવવા પડે છે. તેઓ જમીન પર પડેલા વપરાયેલા કેન અને બાટલીઓ બતાવે છે, અને તેમના શેડની અંદરથી તેઓ ટાંકી અને સ્પ્રેયર બહાર લાવે છે, અને પાણી સાથે રોગર (એક જંતુનાશક) અને અસ્થા (એક ખાતર) ભેળવે છે. એક એકરમાં એકવાર ટ્રીટમેન્ટ કરવાનો તેમને 500 રુપિયા ખર્ચ થાય છે અને દર ચાર-પાંચ દિવસે તેઓ આ મિશ્રણથી ફરી ટ્રીટમેન્ટ કરે છે. “પીક સીઝન અને લીન સીઝનમાં તમારે આ કર્યા સિવાય છૂટકો નથી…"

લગભગ 25 મિનિટ સુધી તેમના નાક પર માત્ર કાપડનું માસ્ક પહેરીને તેઓ તેમના છોડ પર જંતુનાશક અને ખાતરયુક્ત પાણી છાંટે છે. પીઠ પર વજનદાર સાધન લટકાવીને ગીચ ઝાડીઓ વચ્ચે ચાલતા ચાલતા તેઓ શક્તિશાળી સ્પ્રેયર વડે એકેએક પાંદડા, છોડ, ફૂલ અને કળી પર છંટકાવ કરે છે. છોડ તેમની કમર જેટલા ઊંચા છે; ઝીણા ઝીણા છાંટા તેમના ચહેરા સુધી પહોંચે છે. મશીન ખૂબ અવાજ કરે છે, અને રાસાયણિક ધુમાડો હવામાં તરતો રહે છે. પાંડી ચાલતા રહે છે અને છંટકાવ કરતા રહે છે, વચ્ચે ફક્ત કેનમાં ફરીથી મિશ્રણ ભરવા તેઓ રોકાય છે, અને ફરી આગળ વધે છે ...

પછીથી નાહીને તેઓ ફરીથી તેમનું સફેદ શર્ટ અને વાદળી લુંગી પહેરી લે છે. એ પછી હું તેમને રસાયણોના સંસર્ગ વિશે પૂછું છું. તેઓ મને શાંતિથી જવાબ આપે છે. “જો તમે મોગરાની ખેતી કરતા હો તો એને માટે જે કંઈ જરૂરી હોય એ તમારે કરવું જ પડે. જો તમે [સ્પ્રે] ના કરવા માંગતા હો, તો તમારે ઘેર બેસવું પડે.” બોલતી વખતે તેઓ પ્રાર્થના કરતા હોય તેમ તેમની હથેળીઓ જોડે છે.

અમે નીકળીએ છીએ ત્યારે ગણપતિ પણ એ જ વાત કરે છે. તેઓ મારી હેન્ડબેગ જામફળથી ભરી દે છે, અમને શુભ પ્રવાસની શુભેચ્છા પાઠવે છે અને અમને ફરીથી આવવાનું કહે છે. તેઓ તેમની પાછળના પ્લાસ્ટર વગરના ઈંટના ઘર તરફ ઈશારો કરીને કહે છે, "તમે ફરી આવશો ત્યારે આ ઘર તૈયાર થઈ ગયું હશે. અને આપણે અહીં બેસીને મોટી મિજબાની કરીશું."

મોગરાના હજારો ખેડૂતોની જેમ પાંડી અને ગણપતિએ તેમની આશાઓ અને સપનાઓ બાંધ્યા છે, માદક સુગંધ અને વર્ષોના ઈતિહાસવાળા એક નાનકડા સફેદ ફૂલ પર, અને જોરશોરમાં ચાલતી અને અચાનક, સાવ અણધારી રીતે બદલાતી રહેતી વ્યાપારી ગતિવિધિઓ પર જ્યાં પાંચ મિનિટમાં હજારો રૂપિયા - અને કિલોના કિલો મદુરાઈ મલ્લી - એક હાથમાંથી બીજા હાથમાં પહોંચી જાય છે.

પરંતુ એની વાત ફરી ક્યારેક...

આ સંશોધન અભ્યાસને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તેના સંશોધન ભંડોળ કાર્યક્રમ 2020ના ભાગરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Aparna Karthikeyan

Aparna Karthikeyan is an independent journalist, author and Senior Fellow, PARI. Her non-fiction book 'Nine Rupees an Hour' documents the disappearing livelihoods of Tamil Nadu. She has written five books for children. Aparna lives in Chennai with her family and dogs.

Other stories by Aparna Karthikeyan
Photographs : M. Palani Kumar

M. Palani Kumar is Staff Photographer at People's Archive of Rural India. He is interested in documenting the lives of working-class women and marginalised people. Palani has received the Amplify grant in 2021, and Samyak Drishti and Photo South Asia Grant in 2020. He received the first Dayanita Singh-PARI Documentary Photography Award in 2022. Palani was also the cinematographer of ‘Kakoos' (Toilet), a Tamil-language documentary exposing the practice of manual scavenging in Tamil Nadu.

Other stories by M. Palani Kumar

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik