“તમારા  ગામમાં વરસાદ કેવો છે?” ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાથી કારાભાઈ આલનો ફોન હતો. “અહીં તો જરાય નથી.” આ  વર્ષે જુલાઈના છેલ્લા અઠવાડિયાની વાત છે.  “જો વરસાદ પડશે, તો અમે ઘરે જાશું,” એમણે અધકચરી આશા સાથે કહ્યું.

એમની ચિંતાની આગળ એ વાત જરાય મહત્વની નોહતી કે તેઓ  900 કિલોમીટર દૂર આવેલા પૂના શહેરમાં એક ખેડૂત ન હોય તેવા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા. કારાભાઈનું બધુંજ ધ્યાન વરસાદ પર કેન્દ્રિત છે તેનું કારણ છે એમની  અને એમના  કુટુંબની વર્ષોવર્ષ રમાતી  જીવનયાપનની રમતમાં વરસાદનું કેન્દ્ર સ્થાને હોવું.

છેલ્લા બાર મહિનાથી 75 વર્ષના ગોપાલક તેમની વાર્ષિક હિજરત માટે થઈને તેમના દીકરા, વહુ, બે પૌત્રો અને એક ભાઈ અને તેમના કુટુંબ સાથે ગામ છોડી નીકળ્યા  છે. 14 સભ્યોનો સમૂહ તેમના 300 ઘેટાં, ત્રણ ઊંટ અને તેમના ધણના રાતના ચોકિયાત-  વિછિયો નામના એક કૂતરા સાથે યાત્રા કરી રહ્યાં છે. આ 12 મહિનામાં તેમણે  – તેમના જાનવરો સહિત – કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં 800 કિલોમીટરતી વધુની યાત્રા કરી છે.

ગુજરાતના ત્રણ પ્રદેશોમાં કારાભાઈ આલનું કુટુંબ દર વર્ષે જે 800 કિલોમીટરનો પંથ કાપે છે તે. સ્ત્રોત: Google Maps

કારાભાઈના પત્ની ડોસીબાઈ અને તેમના સૌથી નાના શાળાએ જતા  પૌત્ર-પૌત્રીઓ ગુજરાતમાં કચ્છના રાપર તાલુકાના જટાવાડા ગામમાં તેમના ઘરે રોકાયા છે. આ કબીલો રબારી સમુદાયનો છે (જે તે જિલ્લામાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચીબદ્ધ છે), અને તેઓ દર વર્ષે તેમના ઘેટાં માટે ગોચરની શોધમાં  8થી 10 મહિના માટે ગામ છોડી દે છે. સામાન્યરીતે આ યાયાવર ગોવાળો  દરવર્ષે , દિવાળી પછી તરત જ (ઑક્ટોબર – નવેમ્બર) નિકળી જાય છે અને પછીનું ચોમાસું શરૂ થાય, ત્યાં પાછા આવે છે.

આનો અર્થ છે કે તેઓ લગભગ આખું વર્ષ રખડે છે, ચોમાસા સિવાય. તેઓ પાછા ફરે ત્યારે પણ તેમના કુટુંબના કેટલાંક સભ્યો ઘરની બહાર રહે છે, અને ઘેટાંને જટાવાડાના બહારના વિસ્તારોમાં ચરવા લઈ જાય છે, આ જાનવરો ગામમાં ન રહી શકે, તેમને જગ્યા અને ચરવા માટે મેદાન જોઈએ .

“મને એમ કે ગામ પટેલે તમને અમને અહીંથી ભગાડી મૂકવા મોકલ્યા છે.” અમે જ્યારે કારાભાઈને સુરેન્દ્રનગર જિલ્લાના ગવાણા ગામના એક સુક્કા ખેતરમાં શોધી કાઢ્યા ત્યારે તેમણે અમારું સ્વાગત કરતા આવું કહ્યું હતું. સુરેન્દ્રનગર અમદાવાદ શહેરથી લગભગ 150 કિલોમીટર દૂર છે.

તેમની શંકા બિનપાયાદાર ન હતી. લાંબા સમય સુધી ચાલતા દુકાળમાં જ્યારે તકલીફનો સમય આવે,   ત્યારે પોતાના ધણ માટે ઘાસ અને પાક બચાવવા માંગતા ખેડૂતો ગોવાળોને અને તેમના ધણને પોતાની જમીનમાંથી કાઢી મૂકે છે.

“આ વખતે દુષ્કાળ [દુકાળ] બહુ ખરાબ છે,” કારાભાઈએ અમને કહ્યું હતું. “માટે અમે ગયા વર્ષે અખાડ [જુન-જુલાઈ]માં રાપર છોડી દીધું હતું, કારણકે વરસાદ હતો જ નહીં.” તેમના પોતાના સૂકાભઠ જિલ્લામાં ચાલી રહેલા દુકાળે તેમને વાર્ષિક યાયાવરી માટે વહેલા નિકળી પડવાની ફરજ પાડી.

“અમે અમારાં ઘેટાં સાથે ચોમાસું શરૂ થાય ત્યાં સુધી રખડીએ છીએ. જો વરસાદ ન પડે, તો અમે ઘરે નથી જતા! આવું છે માલધારીનું જીવન,” તેઓએ અમને કહ્યું. માલધારી શબ્દ ગુજરાતી શબ્દો માલ (ગાય-ભેંસ વિ દૂધાળ પશુ) અને ધારી (રક્ષક)માંથી આવે છે.

“2018-19માં ગુજરાતના સૂકા અને અર્ધ સૂકા પ્રદેશોમાં એટલો તીવ્ર દુકાળ પડ્યો છે, કે આમાંના કેટલાંક  ગોપાલકો, જેઓ લગભગ 25 વર્ષ અગાઉ તેમના ગામમાં સ્થાયી થઈ ગયા હતાં, તેમણે પણ ગૌચર, ચારા અને આજીવિકાની શોધમાં યાયાવરી શરૂ કરી છે,” નીતા પંડ્યા કહે છે. તેઓ ગોપાલકોમાં 1994થી સક્રિય લાભનિરપેક્ષ સંસ્થા માલધારી રૂરલ એક્શન ગ્રૂપ (મારગ - MARAG),  અમદાવાદના સંસ્થાપક છે.

PHOTO • Namita Waikar
PHOTO • Namita Waikar

આલ કુટુંબના 300 ઘેટાં એક ઉજ્જડ પટ્ટા પર ફેલાય છે જ્યાં અગાઉ જીરાનું ખેતર હતું, અને કારાભાઈ (જમણે) તેમના ગામ જાતાવાડામાં તેમના કોઈ મિત્ર સાથે વાત કરીને ખાતરી કરે છે કે ઘરે બધું બરાબર તો છે ને.

2018માં આ માલધારી કુટુંબના વતન કચ્છમાં વરસાદ ઘટીને સાવ 131 મિલીમીટર થઈ ગયો. સામાન્યરીતે કચ્છમાં વર્ષમાં  સરેરાશ વરસાદ 365 મિમી હોય છે. જિલ્લામાં ચોમાસું એક દાયકા કરતાં પણ વધારે સમયથી વધુને વધુ અનિયમિત થતું જાય છે. ભારતના મોસમ વિભાગ (IMD)નો ડેટા દર્શાવે છે કે 2014માં જિલ્લાનો વરસાદ ઘટીને 291 મિમ થયો, 2016માં 294 મિમી, પણ 2017માં તે વધીને 493 મિમી સુધી ગયો હતો. ચાર દાયકા અગાઉ આવોજ એક પાંચ વર્ષનો ગાળો – 1974-78  - એક સંકટભર્યું વર્ષ દર્શાવે છે (1974માં 88 મિમી) અને પછીના ચાર વર્ષ એવા, જેમાં વરસાદ ‘સામાન્ય’ સરેરાશથી વધુ હતો.

2018માં ખોટી અગ્રતાઓના પરિણામે ગુજરાતમાં થયેલી પાણીની કટોકટી નામના રિપોર્ટમાં દક્ષિણ એશિયાના ડેમ, નદીઓ અને લોકોના નેટવર્કના હિમાંશુ ઠક્કર લખે છે કે, છેલ્લા ત્રણ દાયકા દરમિયાન, ક્રમાનુસાર આવેલી સરકારોએ નર્મદા બંધને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના દુકાળ પીડિત ક્ષેત્રોની જીવાદોરી તરીકે દર્શાવ્યો છે. જોકે, વ્યાવહારિક દૃષ્ટિએ, આ પ્રદેશોને સૌથી ઓછી અગ્રતા આપવામાં આવે છે, તેઓને શહેરી ક્ષેત્રો, ઉદ્યોગો, અને મધ્ય ગુજરાતના ખેડૂતોની જરૂરિયાતોને પૂરી કર્યા પછી વધેલું-ઘટેલું પાણી જ મળે છે.

“નર્મદાના પાણીનો ઉપયોગ આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો માટે થવો જોઈએ,” ઠક્કરે અમને ફોન પર જણાવ્યું. “કૂવા ચાર્જ કરવા અને ચેક ડેમ બનાવવાના અગાઉના કાર્યક્રમો પુનર્જીવિત કરાવા જોઈએ.”

માલધારીઓ તેમના પશુઓને ચરાવવા માટે સહિયારા ગોચર અને ગામના ગોચરો પર અવલંબે છે. તેમનામાંથી મોટા ભાગના પાસે જમીન નથી, અને જેમની પાસે છે, તેઓ વરસાદથી ઉગતા બાજરા જેવા પાક ઉગાડે છે – પોતાના માટે અન્ન અને પશુઓ માટે ચારો.

“અમે બે દિવસ અગાઉ અહીં આવ્યા હતા અને આજે અમે જઈએ છીએ. અહીં [અમારા માટે] કંઈ ખાસ નથી,” માર્ચમાં કારાભાઈ એ જીરાના ખાલી ખેતર તરફ આંગળી ચીંધતા કહ્યું. ત્યારે બધું એકદમ સૂકુંભઠ અને ગરમ પણ હતું. 1960માં, જ્યારે કારાભાઈ કિશોર હતા, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષના આશરે 225 દિવસ 32 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહેતું. આજે, એવું તાપમાન  274 દિવસ અથવા તેથી વધુ રહે છે, એટલે આ જુલાઈમાં ન્યૂયૉર્ક ટાઇમ્સ દ્વારા ઑનલાઇન પોસ્ટ કરાયેલ હવામાન અને વૈશ્વિક ઉષ્ણતા સંબંધી અંતઃક્રિયાત્મક ટૂલના જણાવ્યા પ્રમાણે 59 વર્ષમાં ઓછામાં ઓછા 49 વધુ ગરમ દિવસોનો વધારો. .

અમે જ્યાં પશુપાલકોને મળ્યા, તે સુરેન્દ્રનગરમાં કામ કરતા લોકોમાંના 63 ટકા લોકો ખેતી સંબંધી કામો કરે છે. આખા ગુજરાત માટે આ આંકડો 49.61 ટકા છે. કપાસ, જીરુ, ઘઉં, બાજરો, દાળ, મગફળી અને એરંડો અહીં ઉગાડાતા મહત્વના પાકો છે.  લણણી પછી ખેતરમાં રહેલા અનાજના ખૂપરા ઘેટાં માટે સારો ચારો થઈ રહે છે.

2012ની પશુઓની વસ્તીગણતરી પ્રમાણે, ગુજરાતના 33 જિલ્લાઓના 1 કરોડ 70 લાખ ઘેટામાંથી 5,70,000 અથવા લગભગ ત્રીજા ભાગના તો ફક્ત કચ્છમાં છે. સમુદાયમાં કામ કરતી એક લાભ નિરપેક્ષ સંસ્થા MARAGના જણાવ્યા પ્રમાણે, કારાભાઈ જ્યાંથી આવે છે, તે જિલ્લાના વાગડ ઉપવિભાગમાં, તેમના જેવા આશરે બીજા 200 રબારી કુટુંબો છે, જે દર વર્ષે કુલ 30,000 ઘેટાં સાથે 800 કિલોમીટરની યાત્રા કરે છે.

પરંપરાગત રીતે, ધણ તેમના છાણ-પોદળા અને પેશાબ વડે ખેતરો માટે પાક લણાયા પછી ખાતર પૂરૂં પાડે છે. બદલામાં ખેડૂતો પશુપાલકોને બાજરી, ખાંડ અને ચ્હા આપે છે. મોસમની જેમ, આ પરસ્પર લાભદાયક સંબંધમાં પણ એક ગંભીર પરિવર્તન થઈ રહ્યું છે.

“તમારા ગામમાં પાક લણાઈ ગયો?” કારાભાઈ અમારી સાથે આવેલ ગોવિંદ ભરવાડને પૂછે છે. “અમે એ ખેતરોમાં રોકાઈ શકે?”

“તમારા ગામમાં પાક લણાઈ ગયો?” કારાભાઈ અમારી સાથે આવેલ ગોવિંદ ભરવાડને પૂછે છે. “અમે એ ખેતરોમાં રોકાઈ શકે?”

“બે દિવસ પછી લણણી થશે,” એમ MARAG ટીમના સભ્ય અને પાટણ જિલ્લાના સમી તાલુકાના ધાનોરા ગામના એક ખેડૂત-માલધારી કહે છે. “આ વખતે, માલધારીઓથી ખેતરમાંથી જઈ શકાશે, પણ તે રોકાઈ નહીં શકે. આ અમારી પંચાયતનો નિર્ણય છે, પાણી અને ચારાની તીવ્ર તંગીના કારણે.”

કારાભાઈ અને તેમનું કુટુંબ પછી ત્યાં જવાના હતા – પાટણ તરફ. તેઓ ઘરે પહોંચશે ત્યાં સુધીમાં તેઓ ત્રણ મુખ્ય પ્રદેશોમાંથી પસાર થઈ ગયાં હશે: કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત.

બદલાતા મોસમ અને હવામાનની પરિસ્થિતિઓમાં, રસ્તા પરના તેમના કામચલાઉ ઘરોમાં પણ તેમની મહેમાનગતિ હજુપણ અડગ છે –.  હીરાબેન, કારાભાઈના પુત્રવધુએ કુટુંબ માટે બાજરીના રોટલાનો ઢગ કર્યોઅને બધા માટે ગરમાગરમ ચ્હા બનાવી દીધી. “તમે કેટલું ભણ્યા છો? હું પોતે ક્યારેય નિશાળે નથી ગઈ,” તેમણે કહ્યું અને વાસણ ધોવા લાગ્યા. તેઓ ઉભા થયા એ દરેક વખતે તેમણે તેમની કાળી ચુંદડી હાજર હતા તે વડીલોની આમન્યા જાળવવા પોતાના મોઢા પર ખેંચી લીધી,  મના  અને જ્યારે જ્યારે તેઓ ફરી જમીન પર બેઠા ત્યારે તે ખસેડી દીધી.

કુટુંબના ઘેટાં મારવાડી ઓલાદના છે, જે ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. એક વર્ષમાં તેઓ 25 થી 30 ઘેટા ₹ 2,000 થી ₹ 3,000ના ભાવે એક  વેચે છે. ઘેટીનું દૂધ તેમના માટે આવકનો બીજો સ્ત્રોત છે, જોકે આ ધણની પેદાશ પ્રમાણમાં ઓછી છે. કારાભાઈ કહે છે કે 25-30 ઘેટાં તેમને દરરોજ આશરે 9-10 લીટર દૂધ આપે. આજુ-બાજુની નાની ડેરીમાં દરેક લીટરના લગભગ ₹30 મળે. કુટુંબ ન વેચાયેલ દૂધની છાશ બનાવે અને તેમાંથી નિકળતા માખણનું ઘી બનાવે છે.

“ઘી પેટમાં છે!” કારાભાઈ હસે છે. “આ ગરમીમાં ચાલતા પગ બળે છે, માટે તે ખાવાથી સારું રહે છે.”

ઊન વેચવાનું શું? “બે વર્ષ અગાઉ સુધી લોકો દરેક ઘેટાના ₹2 લેખે ઊન ખરીદતા. હવે તે કોઈને નથી ખરીદવું. ઊન અમારા માટે સોના જેવું છે, પણ અમારે તે ફેંકી દેવું પડે છે,” કારાભાઈએ ચિંતિત સ્વરે કહ્યું. એમના માટે અને લાખો પશુપાલકો માટે, જમીન વિહોણા, નાના અને સીમાંત ખેડૂતો, ઘેટાં (અને બકરાં) તેમની સંપત્તિ છે અને તેમની આજીવિકાના કેન્દ્રમાં છે . હવે આ સંપત્તિ ઘટી રહી છે.

PHOTO • Namita Waikar

પ્રભુવાળા આલ, 13 પછીના રસ્તા માટે ઊંટને તૈયાર કરે છે, જ્યારે તેના પિતા વાળાભાઈ (જમણે) ઘેટાં વાળવાનું શરૂ કરે છે. ત્યાં સુધીમાં પ્રભુવાળા ની માતા હીરાબેન (નીચે ડાબે) ચ્હા પી લે છે, જ્યારે કારાભાઈ (દૂર જમણે) માણસોને આગળ લાંબી દડમજલ માટે તૈયાર કરે છે

2007 અને 2012ની પશુધન વસ્તી ગણતરી દરમિયાન ભારતમાં ઘેટાંની સંખ્યા 60 લાખ જેટલી ઘટી ગઈ હતી -  71.6 મિલિયન  માંથી 65.1 મિલિયન. આ 9 ટકાનો ઘટાડો છે. ગુજરાતમાં પણ આ સંખ્યા આશરે 3,00,000 જેટલી ઘટીને અત્યારના 1.7 મિલિયન  જેટલી થઈ ગઈ છે.

કચ્છમાં પણ ઘટાડો થયો છે, પણ પ્રાણીઓ, કદાચ માલધારીઓની સંભાળના પરિણામે, થોડી વધુ સારી સ્થિતિમાં હતા. અહીં 2007ની સરખામણીએ 2012માં ફક્ત લગભગ 4,200 ઘેટાં ઓછા હતા.

2017નો દૂધાળ પશુઓની વસ્તી ગણતરીનો આંકડો  છ મહિના સુધી બહાર નહીં આવે, પણ કારાભાઈ કહે છે કે તે ઘટાડાનું વલણ જોઈ રહ્યા છે અને ઘેટાંની ઘટતી સંખ્યા માટે અનેક કારણો જણાવે છે.  તેઓ કહે છે, “જ્યારે હું 30ની આસપાસનો હતો, ત્યારે ઘણું વધુ ઘાસ હતું, ઝાડ હતાં, અને ઘેટાં ચરાવવામાં કોઈ વાંધો ન આવતો. હવે જંગલ અને ઝાડપાન કાપી નખાય છે, ગોચર સંકડાય છે, અને નાના થતા જાય છે. ગરમી વધુ છે.” તેઓ અનિયમિત મોસમ અને ઋતુઓની પેટર્નમાં માનવ ગતિવિધિની ભૂમિકા પર ભાર દે છે.

“દુકાળના વર્ષોમાં જેમ અમે હેરાન થઈએ છીએ, એમ ઘેટાં પણ હેરાન થાય છે,” તેઓ ઉમેરે છે. “ગૌચર નાના થવાનો અર્થ છે કે તેમણે ઘાસ અને ખાણની શોધમાં વધુ ચાલવું અને રખડવું પડે છે. ઘેટાંની સંખ્યા પણ કદાચ એટલે જે ઘટી રહી છે, કે લોકો કંઇક કમાવા માટે વધુ જાનવરો વેચી રહ્યાં છે.”

તેમના ધણ માટે નાના થતા ગૌચરો અને ઘાસના મેદાનો વિશેની તેમની વાત સાચી છે. સેન્ટર ફૉર ડેવેલપમેન્ટ ઑલ્ટર્નેટિવ્ઝ (વિકાસના વિકલ્પોનું કેન્દ્ર) અમદાવાતના પ્રોફેસર ઇંદીરા હિર્વેના કહેવા પ્રમાણે ગુજરાતમાંની આશરે 4.5 ટકા જમીન ગૌચર અથવા ઘાસનું મેદાન છે. પણ જેમ તેઓ જણાવે છે તેમ આધિકારિક ડેટા આ જમીનો પર મોટા પાયે થતા ગેરકાયદે દબાણને ધ્યાનમાં લેતો નથી. માટે ખરું ચિત્ર છુપાયેલું જ રહે છે. માર્ચ 2018માં સરકારે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સ્વીકાર્યું હતું કે 33 જિલ્લાઓમાં 4,725 હેક્ટેર ગૌચરની જમીન પર ગેરકાયદે દબાણ છે. આ આંકડાને પણ કેટલાક વિધાયકોએ ખૂબ ઓછો અંકાયેલો હોવાનો આક્ષેપ કર્યો હતો.

2018માં સરકારે પોતે સ્વીકાર્યું હતું કે રાજ્યમાં 2,754 એવા ગામો છે જ્યાં કોઈજ ગોચર નથી.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ કૉર્પોરેશન દ્વારા ઉદ્યોગોને અપાયેલ જમીનમાં પણ વધારો થયો હતો  - જેમાંથી કેટલીક તો રાજ્ય સરકારે પોતેજ હસ્તગત કરી હતી. માત્ર સેઝ માટે, તેણે 1990 થી 2001 સુધીમાં 4,620 હેક્ટર જમીન ઉદ્યોગોને સોંપી દીધી હતી. 2001-2011ના સમયગાળાના અંતે તે વધીને 21,308 હેક્ટર થઈ ગઈ છે.

PHOTO • Namita Waikar
PHOTO • Namita Waikar

જતાવાડા જવાના રસ્તા પર કારાભાઈ અને (જમણે) તેમના પત્ની ડોસીબાઈ આલ અને પાડોશી રત્નાભાઈ ઢાગલ સાથે આલ કુટુંબના ઘરની બહાર ગામમાં

માર્ચમાં સુરેન્દ્રનગરમાં જેમ-જેમ દિવસનો તાપ ચઢતો જતો હતો તેમ કારાભાઈ તેમના માણસોને આગ્રહ કરતા હતા, “લો બપોર થવા આવી, ચાલો, ચાલવા માંડો!”  પુરુષો આગળ ચાલતા અને ઘેટાં પાછળ-પાછળ. ખેતરની સીમ પર ત્યાં પાછળ રહી ગયેલાં કેટલાંક પશુઓને શોધતો-શોધતો ટોળામાં ભેળવી રહ્યો તેમનો 13 વર્ષનો પૌત્ર પ્રભુવાળા કારાભાઈના સમૂહની એકમાત્ર એવી વ્યક્તિ છે જે નિશાળે ગયો છે – 7 ધોરણ સુધ.

ત્રણેય સ્ત્રીઓએ તેમના ખાટલા, સ્ટીલના દૂધના કેન અને બીજો સામાન બાંધ્યો, પ્રભુવાળાએ દૂરના ઝાડ પર બાંધેલું ઊંટ છોડ્યું અને માતા હીરાબાઈએ જ્યાં તેમનું ફરતું ઘર અને રસોડુ બાંધ્યા હતા ત્યાં લઈ આવ્યો, જેથી બધુ તેની પીઠ પર મુકાઈ જાય.

અમે કારાભાઈને ફરીથી મળ્યા, પાંચ મહિના પછી, ઑગસ્ટની મધ્યમાં, રાપર તાલુકા જવાના રસ્તે અને જતાવાડા ગામે તેમના ઘરે ગયા. “10 વર્ષ પહેલા સુધી હું ય કુટુંબ સાથે ફરતી,” તેમનાં પત્ની ડોસીબાઈ આલ, જેમની ઉંમર 70 વર્ષ છે, ચ્હા બનાવતા બધાને કહે છે.  “ઘેટાં અને છોકરાંજ તો અમારી મિલકત છે. તેમની સંભાળ લેવાવી જોઈએ, મારે તો બસ આટલું જ જોઈએ છે.”

એક પાડોશી ભૈયાભાઈ મકવાણા ફરિયાદ કરે છે કે દુકાળ વધુ પડતા પડે છે. “જો પાણી ન હોય, તો અમે ઘરે પાછા ન આવી શકીએ. છેલ્લા છ વર્ષમાં, હું ખાલી બે જ વાર ઘરે આવ્યો છું.”

બીજા પાડોશી, રત્નાભાઈ ઢાગલે બીજી મુસીબતોની  વાત કરી, “હું બે વર્ષના દુકાળ પછી ઘરે પાછો આવ્યો અને જાણ્યું કે સરકારે અમારા ગૌચરની જમીન પર વાડ બાંધી દીધી છે. અમે આખો દિવસ રખડીએ છીએ પણ અમારા માલને પૂરતું ઘાસ નથી મળતું. અમે શું કરીએ?  એમને ચરવા લઈ જઈએ કે પાંજરે પૂરી રાખીએ? અમને તો બસ પશુપાલન આવડે છે અને અમે તેના વડે જ જીવીએ છીએ.”

“આ દુકાળના કારણે કેટલી હેરાનગતિ છે,” વધુને વધુ અનિયમિત મોસમ અને વાતાવરણની પરિસ્થિતિથી  થાકેલા કારાભાઈ કહે છે. “ખાવા માટે કંઈ નથી ને પશુઓ માટે તો શું, પક્ષીઓને પીવાયે પાણી નથી.”

ઑગસ્ટમાં પડેલા વરસાદે તેમને થોડી રાહત આપી છે. આખા આલ કુટુંબમાં સંયુક્ત રીતે લગભગ આઠ એકર જમીન છે જે સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે, અને જેમાં તેમણે બાજરી વાવી છે.

એનેક કારણોના સંયોજને પશુપાલકોની ઢોર ચરાવવાની અને યાયાવરી કરવાની રીતોને  પ્રભાવિત કરી છે. નિષ્ફળ અથવા અપૂરતું ચોમાસું, વારંવાર પડતો દુકાળ, નાના થતા ગૌચર, રાજ્યમાં ઝડપી ઔદ્યોગિકરણ અને શહેરીકરણ, વન કપાવા અને ચારા અને પાણીની ઘટતી ઉપલબ્ધતા. માલધારીઓનો જીવંત અનુભવ દર્શાવે છે કે આ કારણો મોસમ અને જળવાયુમાં ફેરફારોમાંથી જન્મે છે અને તેનું કારણ પણ બને છે.  છેવટે, આ સમુદાયોની ગતિવિધિ ગંભીર રીતે પ્રભાવિત થાય છે, અને તેઓ સદીઓથી જે કાર્યક્રમને અનુસરે છે એમાં ફેરફાર કરે છે.

“અમારી મુશ્કેલીઓ વિશે લખો,” અમે નિકળીએ ત્યાં કારાભાઈ કહે છે, “અને આપણે જોઈશું કે તેનાથી કોઈ ફેરફાર થાય છે કે કેમ. જો નહીં, તો પછી ભગવાન તો છે જ અમારો માલિક.”

લેખિકા અમદાવાદ અને ભૂજ સ્થિત માલધારી ગ્રામીણ કાર્યયોજના ગ્રૂપ (MARAG) ની ટીમોનો આ લેખનો રિપોર્ટ કરવામાં તેમની મદદ અને ક્ષેત્રમાં મદદ માટે આભાર માને છે.

PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ અપાતી UNDPની સહાયનો ભાગ છે.

આ લેખ પુનર્પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરીને [email protected] ને લખો અનેo [email protected] ને cc કરો.

ભાષાંતર: ધરા જોષી

Dhara Joshi is an English teacher turned translator. She enjoys literature, music and theater.

Namita Waikar is a writer, translator and Managing Editor at PARI. She is the author of the novel 'The Long March', published in 2018.

Other stories by Namita Waikar