અહેમદોસ સિતારમેકર પેરિસ જઈ શક્યા હોત, પરંતુ તેમના પિતાએ તેમને મંજૂરી આપી ન હતી. તેમણે કહ્યું હતું, “જો તમે બહારની દુનિયા જોશો, તો તમે પાછા નહીં આવો.” હવે તે શબ્દો યાદ કરીને, 99 વર્ષીય અહેમદોસના ચહેરા પર સ્મિત આવી જાય છે.
જ્યારે પાંચમી પેઢીના આ સિતારમેકર 40 એક વર્ષના હતા, ત્યારે પેરિસની બે મહિલાઓ શાસ્ત્રીય તાર વાદ્ય એવા સિતાર બનાવવાની કળા શીખવા માટે તેમના વતનમાં આવી હતી. મિરજમાં સિતારમેકર ગલીમાં તેમના બે માળના મકાન અને વર્કશોપમાં, કે જ્યાં તેમના પરિવારની ઘણી પેઢીઓએ રહીને કામ કર્યું છે તેના ભોંયતળીયે બેઠેલા અહેમદોસ કહે છે, “આસપાસ પૂછ્યા પછી, તેઓ મારી પાસે આવ્યાં અને મેં તેમને શીખવવાનું શરૂ કર્યું.”
અહેમદોસ કહે છે, “તે સમયે, અમારા ઘરમાં શૌચાલય નહોતું. અમે તેને એક જ દિવસમાં બનાવી દીધું હતું કારણ કે અમે તેમને [વિદેશી મુલાકાતીઓને] અમારી જેમ ખેતરોમાં જવા માટે ન કહી શકીએ.” જ્યારે તેઓ વાત કરી રહ્યા છે, ત્યારે સિતાર વગાડવાનો એક મંદ અવાજ સંભળાય છે. તેમના પુત્ર ગૌસ સિતારમેકર તેને વગાડી રહ્યા છે.
તે બન્ને યુવતીઓ અહેમદોસના પરિવાર સાથે નવ મહિના સુધી રહી હતી, પરંતુ તેઓ બનાવટનાં અંતિમ પગલાં શીખી શકે તે પહેલાં તેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી. થોડા મહિના પછી, તેઓએ તેમને પાઠ પૂરો કરવા માટે તેમને પેરિસ આવવાનું આમંત્રણ આપ્યું હતું.
પરંતુ અહેમદોસ તેમના પિતાની સૂચનાઓનું પાલન કરીને ઘરે જ રહ્યા અને મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક કારીગર તરીકે કામ કરતા રહ્યા, જે જગ્યા હસ્તકલા માટે પ્રખ્યાત હતી. અહેમદોસનો પરિવાર 150 વર્ષ કરતાંય વધુ સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે, જે સાત પેઢીઓમાં ચાલે છે; 99 વર્ષની ઉંમરે, તેઓ હજુ પણ કામ કરી રહ્યા છે.
અહેમદોસના ઘર-કમ-વર્કશોપની જેમ, આ પડોશના લગભગ દરેક ઘરની છત પર ભોપળા અથવા કુદરતી કોળું લટકાવવામાં આવેલું છે.
સિતાર નિર્માતાઓ તુમ્બા અથવા સિતારનો આધાર બનાવવા માટે ભોપળાનો ઉપયોગ કરે છે. આ શાકભાજી મિરજથી લગભગ 130 કિલોમીટર દૂર પંઢરપુર વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. કોળાની કડવાશ તેને વપરાશ માટે અયોગ્ય બનાવે છે અને ખેડૂતો તેને તારના સાધનો બનાવતા સિતાર નિર્માતાઓને વેચવાના એકમાત્ર હેતુ માટે તેની ખેતી કરે છે. આ પાકની લણણી શિયાળામાં થાય ત્યારે વધુ ચૂકવણી કરવાનું ટાળવા માટે કારીગરો ઉનાળામાં પાકની પૂર્વ-નોંધણી કરાવી દે છે. કોળાને છત પર લટકાવવામાં આવે છે જેથી તે જમીન પરથી ભેજ ન પકડી લે. જો તેને લાદી પર છોડી દેવામાં આવે, તો કોળામાં ફૂગ લાગી શકે છે, જે વાદ્યના કંપન અને અપેક્ષિત આયુષ્યમાં ઘટાડો કરે છે.
ઇચ્છિત આકાર અને કદ મેળવવા માટે કોળાને સાફ કરીને કાપતા ઇમ્તિયાઝ સિતારમેકર કહે છે, “અગાઉ અમે નંગ દીઠ 200-300 રૂપિયા ચૂકવતા હતા, પરંતુ હવે તેની કિંમત 1,000 કે 1,500 રૂપિયા સુધી પણ જઈ શકે છે.” વધતા પરિવહન ખર્ચને કારણે પણ કિંમતોમાં વધારો થયો છે. ઇમ્તિયાઝ કહે છે કે બીજી સમસ્યા એ છે કે હાથથી બનાવેલા વાદ્યની ઘટતી માંગને કારણે ખેડૂતો કોળાની ઓછી ખેતી કરી રહ્યા છે – જે તેને ખરીદવાનું વધુ મોંઘુ બનાવે છે.
એક વાર તુમ્બા તૈયાર થઈ જાય પછી, માળખું પૂર્ણ કરવા માટે તેના પર એક લાકડાનો હાથો લગાવવામાં આવે છે. તે પછી કારીગરો ડિઝાઇન પર કામ કરવાનું શરૂ કરે છે, જેને પૂર્ણ થવામાં એક અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે. હેન્ડ ડ્રીલ અને પ્લાસ્ટિક સ્ટેન્સિલનો ઉપયોગ કરીને, ઈરફાન સિતારમેકર જેવા માસ્ટર ડિઝાઇનરો લાકડાને કોતરે છે. 48 વર્ષીય ઈરફાન કહે છે, “લાંબા કલાકો સુધી કામ કરવાથી પીઠનો દુખાવો અને અન્ય સમસ્યાઓ થાય છે.” તેમનાં પત્ની શાહીન ઉમેરે છે, “વર્ષોથી વર્ષ આ કામ કરવાથી શરીર પર અસર કરે છે.”
શાહીન સિતારમેકર કહે છે, “હું આ કલા અથવા આ પરંપરાની વિરોધી નથી. મારા પતિએ સખત મહેનત થકી જે ઓળખ મેળવી છે તેના પર મને ગર્વ છે.” એક ગૃહિણી અને બે બાળકોનાં માતા એવાં શાહીન પણ માને છે કે આ કળામાંથી થતી આવક તેનાથી ભોગવવા પડતા શારીરિક નુકસાનને યોગ્ય ઠેરવતી નથી. તેઓ તેમના રસોડામાં ઊભાં રહીને કહે છે, “મારા પતિની દૈનિક કમાણીથી જ અમારા પેટનો ખાડો ભરાય છે. હું જીવનથી ખુશ છું, પણ અમે અમારી જરૂરિયાતોને પણ અવગણી શકતાં નથી.”
તેમના બે પુત્રો તેમના દાદાના ભાઈ પાસેથી સિતાર વગાડવાનું શીખી રહ્યા છે. શાહીન કહે છે, “તેઓ સારું વગાડે છે. ભવિષ્યમાં, તેઓ બન્ને પોતાના માટે સારું નામ બનાવશે.”
કેટલાક સિતાર નિર્માતાઓ આ પ્રક્રિયામાં માત્ર એક પગલું જ ભરે છે, જેમ કે કોળું કાપવું અથવા ડિઝાઇન બનાવવી અને તેમને તેમના કામ માટે દરરોજ ચૂકવણી કરવામાં આવે છે. ડિઝાઇનર્સ અને ચિત્રકારોને કામની પ્રકૃતિના આધારે 350-500 રૂપિયા કમાણી થાય છે. જો કે, કેટલાક કારીગરો એવા છે જેઓ સિતાર બનાવવાના કામમાં શરૂઆતથી લઈને અંત સુધી લાગેલા હોય છે – કોળું ધોવાથી માંડીને પોલીશનું અંતિમ પડ લગાવવા અને વાદ્યને ટ્યુનિંગ કરવા સુધી. હાથથી બનાવેલા સિતારની કિંમત આશરે 30-35,000 રૂપિયા હોય છે.
કુટુંબની સ્ત્રીઓને સામાન્ય રીતે હસ્તકલાના કામમાંથી બાકાત રાખવામાં આવે છે. બે યુવતીઓના પિતા ગૌસ કહે છે, “હું તમને ખાતરી આપું છું કે જો તેઓ આજે શરૂઆત કરે, તો મારી દીકરીઓ થોડા દિવસોમાં તેને શીખી શકે તેમ છે. મને ગર્વ છે કે તેઓ બન્નેએ જીવનમાં શૈક્ષણિક ક્ષેત્રે સારું પ્રદર્શન કર્યું છે.” 55 વર્ષીય ગૌસ બાળપણથી જ સિતારને ચમકાવતા અને ફીટ કરતા આવ્યા છે. તેઓ ઉમેરે છે, “છોકરીઓનાં આખરે લગ્ન થઈ જશે. ઘણીવાર તેમનાં લગ્ન એવા પરિવારમાં થાય છે જેઓ સિતાર બનાવવાનું કામ નથી કરતા હોતા. ત્યાં આ કૌશલ્ય નકામું થઈ પડે છે.” અમુકવાર, સ્ત્રીઓ ડટ્ટાઓને ચમકાવતી હોય છે અથવા આ પ્રક્રિયામાં અન્ય કોઈ નાનું મોટું કામ કરે છે. પરંતુ સામાન્ય રીતે પુરુષો માટે આરક્ષિત કામ જો મહિલાઓ કરે, તો તેમને સમુદાય દ્વારા તિરસ્કારની નજરથી જોવામાં આવે છે અને તેમને ચિંતા છે કે તેમને વરરાજાના પરિવાર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.
*****
સિતાર નિર્માતાઓએ ઓગણીસમી સદીમાં મિરજના રાજા શ્રીમંત બાલાસાહેબ પટવર્ધન દ્વિતીયના શાસન દરમિયાન તાર વાદ્યોના વ્યવસાયમાં પોતાનું નામ બનાવ્યું હતું. સંગીતના આશ્રયદાતા એવા રાજા શ્રીમંત બાલાસાહેબ પટવર્ધન દ્વિતીયે આગ્રા અને બનારસ જેવા અન્ય પ્રદેશોના સંગીતકારોને તેમના દરબારમાં પ્રદર્શન કરવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ રસ્તામાં, ઘણા વાદ્યોને નુકસાન થતું અને રાજાએ આ સમસ્યાનું સમાધાન કરી શકે તેવા રિપેરમેન શોધવા પડ્યા હતા.
છઠ્ઠી પેઢીના સિતારમેકર ઇબ્રાહિમ કહે છે, “તેમની શોધ આખરે તેમને શિકાલગર સમુદાયના બે ભાઈઓ, મોહિનુદ્દીન અને ફરીદસાહિબ તરફ દોરી ગઈ.” મહારાષ્ટ્ર રાજ્યમાં અન્ય પછાત વર્ગો (ઓ.બી.સી.) તરીકે સૂચિબદ્ધ શિકાલગરો ધાતુના કારીગરો હતા અને શસ્ત્રો અને અન્ય સાધનો બનાવતા હતા. ઇબ્રાહિમ આગળ કહે છે, “રાજાની વિનંતી પર, તેઓએ સંગીતનાં વાદ્યોની મરામતમાં હાથ અજમાવ્યો; સમય જતાં, આ તેમનો મુખ્ય વ્યવસાય બની ગયો, અને તેમનું નામ પણ શિકાલગરથી બદલાઈને સિતારમેકર થઈ ગયું.” આજે, મિરજમાં તેમના વંશજો તેમના છેલ્લા નામ તરીકે ઘણીવાર બન્ને ઉપાધિઓનો ઉપયોગ કરે છે.
જો કે, નવી પેઢીને આ વ્યવસાય સાથે જોડેલી રાખવા માટે ફક્ત ઐતિહાસિક વારસો પૂરતો નથી. શાહીન અને ઈરફાનના પુત્રોની જેમ અન્ય બાળકોએ પણ સિતાર બનાવવાનું શીખવાને બદલે તેને વગાડવાનું શરૂ કરી દીધું છે.
જેમ જેમ વિવિધ વાદ્યોના અવાજો ઉત્પન્ન કરવામાં સક્ષમ સોફ્ટવેર વિકસિત થયું છે, તેમ તેમ સંગીતકારો મોટાભાગે હાથથી બનાવેલા સિતાર અને તાનપુરાનો ઉપયોગ કરવાથી દૂર થઈ ગયા છે, જેણે આ વ્યવસાયને માઠી અસર કરી છે. મશીનથી બનેલા સિતાર, જેની કિંમત હાથથી બનાવેલા સિતાર કરતાં ઘણી ઓછી હોય છે, તેણે પણ સિતાર નિર્માતાઓ માટે સમસ્યાઓ ઊભી કરી છે.
પોતાનું જીવન ટકાવી રાખવા માટે સિતાર નિર્માતાઓ હવે નાના નાના સિતાર બનાવે છે જેને તેઓ પ્રવાસીઓને વેચે છે, જેની કિંમત 3,000-5,000 રૂપિયા જેટલી હોય છે. આ તેજસ્વી રંગીન ટુકડાઓ કોળાને બદલે રેસાથી બનાવવામાં આવે છે.
સરકારી માન્યતા અને સહાય ધીમી ગતિએ આવી રહી છે. કારીગરો અને કલાકારો માટે બહુવિધ યોજનાઓ હોવા છતાં, વાદ્યો બનાવતા લોકોને હજુ સુધી માન્યતા આપવામાં આવી નથી. ઇબ્રાહિમ કહે છે, “જો સરકાર અમને અને અમારા પ્રયાસોને માન્યતા આપે, તો અમે વધુ સારા વાદ્યો બનાવી શકીએ તેમ છીએ. તે કલાકારોને આર્થિક રીતે પણ મદદ કરશે અને તેમને લાગશે કે તેમના પ્રયાસો માટે તેમનું સન્માન કરવામાં આવે છે.” અહેમદોસ જેવા અનુભવીઓ કહે છે કે તેમને આ કળા માટે પોતાનું જીવન સમર્પિત કરવા બદલ કોઈ પસ્તાવો નથી. તેઓ કહે છે, “આજે પણ, જો તમે મને પૂછો કે શું મને કોઈ સહાય અથવા નાણાકીય મદદની જરૂર પડશે... તો હું કહીશ કે મારે તેની ક્યારેય જરૂર નથી.”
ઈન્ટરનેટે વેચાણ વધાર્યું છે કારણ કે ખરીદદારો હવે સીધા જ ઉત્પાદકની વેબસાઇટ્સ પર ઓર્ડર આપે છે, જે સ્ટોર માલિકો અને વચેટિયાઓ દ્વારા લેવામાં આવતા કમિશનને દૂર કરે છે. મોટાભાગના ગ્રાહકો દેશની અંદરના જ છે; આંતરરાષ્ટ્રીય ગ્રાહકોએ પણ હવે વેબસાઇટ્સ દ્વારા જોડાવાનું શરૂ કર્યું છે.
સિતાર હાથથી કેવી રીતે બનાવવામાં આવે છે તે જોવા માટે આ વીડિઓ જુઓ અને સિતારમેકર્સને તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે વિશે વાત કરતા સાંભળો.
અનુવાદક: ફૈઝ મોહંમદ