23 વર્ષના ભારતી કાસ્તે માટે માત્ર એક જ બાબત મહત્વની હતી અને તે હતી તેમનો પરિવાર. તેમણે 10 મા ધોરણ પછી શાળા અધવચ્ચે છોડી દઈને નોકરી લઈ લીધી હતી જેથી તેમની નાની બહેનો પોતાનું શિક્ષણ ચાલુ રાખી શકે. તેમણે એક કંપનીમાં મદદનીશ તરીકે કામ કર્યું હતું, તેમના પિતા અને મોટા ભાઈ કે જેઓ પણ કામ કરતા હતા તેઓ થોડો નિરાંતનો શ્વાસ લઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે તેમણે સતત મહેનત કરી હતી. તેમને જો કોઈનીય ચિંતા હોય અથવા તેઓ જો કોઈનેય માટે વિચારતા હોય તો તે હતો તેમનો પરિવાર.  મે 2021 સુધી આવું હતું.

એ પછી વિચારવા માટે કોઈ પરિવાર જ નહોતો.

ભારતીના પરિવારના પાંચ સભ્યો 1 3 મી મે, 2021 ના રોજ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં આવેલા તેમના ગામ નેમાવરમાંથી રાતોરાત ગુમ થઈ ગયા. તેમાં તેમની બહેનો, 17 વર્ષની રૂપાલી અને 12 વર્ષની દિવ્યા, તેમની માતા, 45 વર્ષના મમતા, અને તેમના પિતરાઈ, 16 વર્ષની પૂજા અને 14 વર્ષના પવનનો સમાવેશ થાય છે. તેઓ કહે છે, "હું તેમાંથી કોઈનોય સંપર્ક કરી ન શકી. એક આખો દિવસ વીતી ગયો એ પછી પણ તેઓ ઘેર પાછા ન આવ્યા ત્યારે અમે ખૂબ ગભરાઈ ગયા."

ભારતીએ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી એ પછી પોલીસે ગુમ થવાની ઘટના બાબતે તપાસ શરૂ કરી હતી.

એકના બે દિવસ થયા, અને બેના ત્રણ થયા. તેમ છતાં પરિવારના સભ્યો પાછા ફર્યા ન હતા. પસાર થતા એકેએક દિવસ સાથે તેમની ગેરહાજરી વિશેનો ડર વધુ ઘેરો થતો ગયો. ભારતીની ચિંતા અને ભય વધતા ચાલ્યા. તેમના ઘરનું મૌન વધુ બોલકું બન્યું.

તેમનો સૌથી ખરાબ ભય વધુ ઊંડો થયો.

Five of Bharti's family went missing on the night of May 13, 2021 from their village, Nemawar in Madhya Pradesh’s Dewas district.
PHOTO • Parth M.N.

ભારતીના પરિવારના પાંચ સભ્યો 13 મી મે, 2021 ની રાત્રે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં આવેલા તેમના ગામ નેમાવરમાંથી ગુમ થયા હતા

29 મી જૂન 2021 ના રોજ, આ પાંચ પરિવારજનો ગુમ થયાના પૂરા 49 દિવસ પછી પોલીસની શોધમાં દુ:ખદ સમાચાર મળ્યા હતા. ગામમાં પ્રભુત્વ ધરાવતા રાજપૂત સમુદાયના વગ ધરાવતા સભ્ય સુરેન્દ્ર ચૌહાણની ખેતીની જમીનમાંથી પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ચૌહાણ જમણેરી હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા છે અને તેમના મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય આશિષ શર્માની નજીક હોવાનું કહેવાય છે.

ભારતી કહે છે, "અમને મનમાં ઊંડે-ઊંડે આવું કંઈક બન્યું હશે એવી આશંકા હોવા છતાં આ સમાચાર આઘાતજનક હતા." ભારતીનો પરિવાર ગોંડ જનજાતિનો છે. તેઓ કહે છે, “એક જ રાતમાં પરિવારના પાંચ-પાંચ સભ્યોને ગુમાવવાના થાય ત્યારે શું વીતે તેનું હું વર્ણન કરી શકતી નથી. અમે બધા કોઈક ચમત્કારની આશા રાખીને બેઠા હતા.”

નેમાવરમાં એક જ રાતમાં એક આદિવાસી પરિવારે પાંચ સભ્યો ગુમાવ્યા હતા.

આ હત્યાકાંડ માટે પોલીસે સુરેન્દ્ર અને બીજા છ સાથીઓની ધરપકડ કરી હતી.

*****

એમપી (મધ્યપ્રદેશ) માં આદિવાસીઓની વસ્તી લગભગ 21 ટકા છે અને તેમાં ગોંડ, ભીલ અને સહરિયા આદિવાસીઓનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા નોંધપાત્ર હોવા છતાં તેઓ સુરક્ષિત નથી: નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા પ્રકાશિત ક્રાઈમ ઈન ઈન્ડિયા 2021 કહે છે કે - 2019-2021 દરમિયાન - આ રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ સામે સૌથી વધુ અત્યાચાર નોંધાયા છે

2019 માં રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ સામે 1922 અત્યાચાર નોંધાયા હતા, જેની સંખ્યા બે વર્ષ પછી વધીને 2627 થઈ ગઈ હતી. આ 36 ટકાનો વધારો છે અને 16 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણાથીય વધુ છે.

2021 માં ભારતમાં અનુસૂચિત જનજાતિઓ સામે 8802 ગુના નોંધાયા હતા - જેમાં 2627 અત્યાચારો સાથે તેમાંના 30 ટકા અત્યાચારો મધ્યપ્રદેશમાં થયા હતા. એટલે કે રોજના સાત અત્યાચાર. મૃત્યુ સંબંધિત બીજા ઘણા દુઃખદ, સ્તબ્ધ કરી દેનારા સમાચાર પ્રસાર માધ્યમોમાં રાષ્ટ્રીય હેડલાઇન્સ બને છે ત્યારે રોજિંદા જીવનમાં અનુસૂચિત જનજાતિ સમુદાયો પર થતા આ અત્યાચારો - ધાકધમકી અને દમન - ના સમાચારોનો કોઈ પ્રસાર માધ્યમોમાં ઉલ્લેખ સરખોય જોવા મળતો નથી. આ અંગેના સમાચારો દબાવી દેવામાં આવે છે.

'I can’t describe what it's like to lose five members of the family in one night,' says Bharti from a park in Indore.
PHOTO • Parth M.N.

ઈન્દોરના એક પાર્કમાં અમારી સાથે વાત કરતા ભારતી કહે છે, 'એક જ રાતમાં પરિવારના પાંચ-પાંચ સભ્યોને ગુમાવવાના થાય ત્યારે શું વીતે તેનું હું વર્ણન કરી શકતી નથી'

જાગૃત આદિવાસી દલિત સંગઠન (જેએડીએસ) ના નેતા માધુરી કૃષ્ણસ્વામી કહે છે કે મધ્યપ્રદેશમાં આદિવાસી સમુદાયો સામેના ગુનાઓની ખૂબ મોટી સંખ્યાને કારણે કાર્યકર્તા માટે તેમની નોંધ રાખવાનું મુશ્કેલ બને છે. તેઓ ઉમેરે છે, "મહત્વની વાત એ છે કે કેટલાક સૌથી ડરામણા કિસ્સાઓ શાસક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની રાજકીય જાગીર પર બન્યાનું સામે આવ્યું છે."

આ વર્ષે જુલાઈમાં રાજ્યના સિધી જિલ્લામાંથી એક ચિંતામાં મૂકી દેતો વીડિયો વાયરલ થયો હતો: એક નશામાં ધૂર્ત માણસ, પરવેશ શુક્લા, એક આદિવાસી વ્યક્તિ પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવતાં જ શુક્લા નામના ભાજપના કાર્યકરની ધરપકડ કરવામાં આવી હતી.

જો કે જ્યારે લોકોનો આક્રોશ ઠાલવવા માટે કોઈ વીડિયો ન હોય ત્યારે કાયદો આટલી ઝડપે કામ કરતો નથી. તેઓ કહે છે, "આદિવાસી સમુદાયો ઘણીવાર વિસ્થાપિત થાય છે અથવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સ્થળાંતર કરે છે. પરિણામે તેઓ અસુરક્ષિતતાઅનુભવે છે. ઉપરાંત કાયદાઓ શક્તિશાળી અને વર્ચસ્વ ધરાવતા સમુદાયોને માનવીય ગુણોને ભૂલીને આ આદિવાસીઓ પર અચાનક હુમલો કરવાની છૂટ આપે છે.”

સુરેન્દ્ર દ્વારા નેમાવરમાં ભારતીના પરિવારની સામુહિક હત્યા કથિત રીતે ભારતીની બહેન રૂપાલી સાથેના સુરેન્દ્રના પ્રેમસંબંધને કારણે થઈ હતી.

બંને ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા પરંતુ સુરેન્દ્રએ બીજી મહિલા સાથે પોતાની સગાઈની જાહેરાત કરી ત્યારે તેમના સંબંધોનો અચાનક અંત આવ્યો. રૂપલીને માટે આ સાવ અણધાર્યું હતું, તે આને માટે તૈયાર નહોતી. ભારતી કહે છે, “સુરેન્દ્રએ રૂપાલીને વચન આપ્યું હતું કે તે 18 વર્ષની થશે પછી તેઓ લગ્ન કરી લેશે. પરંતુ વાસ્તવમાં તે માત્ર શારીરિક સંબંધ બાંધવા માંગતો હતો. સુરેન્દ્રએ રૂપાલીનો ઉપયોગ કર્યો હતો અને પછી બીજા કોઈ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

ગુસ્સે ભરાયેલી રૂપાલીએ સુરેન્દ્રને સોશિયલ મીડિયા પર ખુલ્લો પાડવાની ધમકી આપી હતી. એક સાંજે સુરેન્દ્રએ આ બાબતનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાને બહાને રૂપાલીને પોતાના ખેતરે બોલાવી. પવન રૂપાલીની સાથે ગયો હતો પરંતુ સુરેન્દ્રના મિત્રએ તેને થોડે દૂર અટકાવી દીધો હતો. સુરેન્દ્ર ખેતરમાં એક નિર્જન જગ્યા પર લોખંડના સળિયા સાથે રૂપાલીની રાહ જોતો ઊભો હતો. રૂપાલી આવી એની સાથે જ સુરેન્દ્રએ અચાનક જોરથી તેના માથા પર સળિયો ઝીંક્યો અને ત્યાં ને ત્યાં જ તેના રામ રમાડી દીધા.

ત્યારબાદ સુરેન્દ્રએ પવનને મેસેજ કર્યો કે રૂપાલીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે અને તેને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર છે. તેણે પવનને રૂપાલીની માતા અને બહેનને ઘેરથી લઈ આવવા કહ્યું. હકીકતમાં સુરેન્દ્ર રૂપાલીના પરિવારના એ તમામ લોકોને મારી નાખવા માંગતો હતો જેઓ જાણતા હતા કે તેણે રૂપાલીને બોલાવી હતી. એક પછી એક, સુરેન્દ્રએ એ બધાને મારી નાખ્યા, અને પોતાની જમીનમાં દાટી દીધા. ભારતી પૂછે છે, "આખા ને આખા પરિવારને મારી નાખવાનું આ તે કોઈ કારણ છે?"

From 2019 to 2021, there was a 36 per cent increase in atrocities against STs in Madhya Pradesh.
PHOTO • Parth M.N.

2019 થી શરુ કરીને 2021 સુધીમાં મધ્યપ્રદેશમાં અનુસૂચિત જનજાતિ પરના અત્યાચારમાં 36 ટકાનો વધારો થયો છે

જ્યારે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા ત્યારે રૂપાલી અને પૂજાના મૃતદેહો પર કપડાં  નહોતા. ભારતી કહે છે, “અમને શંકા છે કે સુરેન્દ્રએ તેમની હત્યા કરતા પહેલા તેમની પર બળાત્કાર કર્યો હતો. અમારી તો જિંદગી ખલાસ થઈ ગઈ."

એનસીઆરબીના તાજેતરના આંકડા અનુસાર મધ્યપ્રદેશમાં 2021 માં બળાત્કારની 376 ઘટનાઓ જોવા મળી છે - રોજની એક કરતાં વધુ - જેમાં 154 પીડિતા સગીર છે.

ભારતી કહે છે, "હા, અમે કંઈ બહુ પૈસાદાર નહોતા પરંતુ અમને એકબીજાનો સહારો હતો. અમે એકબીજા માટે સખત મહેનત કરતા હતા."

*****

વર્ચસ્વ ધરાવતા સમુદાયો દ્વારા આદિવાસી પર જુદા જુદા કારણોસર અત્યાચારો થતા રહે છે. આદિવાસી સમુદાયો પર હુમલો કરવા માટેનું એક સૌથી સામાન્ય બહાનું છે જમીન અંગેનો વિવાદ. જ્યારે આદિવાસીઓને સરકારી જમીન આપવામાં આવે છે ત્યારે આજીવિકા માટે જમીનદારો પરની તેમની નિર્ભરતા ઘટે છે, પરિણામે ગામમાં આધિપત્ય બાબતે જમીનદારોનું વર્ચસ્વ જોખમાય છે.

2002 માં દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હતા ત્યારે લગભગ 3.5 લાખ જમીનવિહોણા દલિતો અને આદિવાસીઓનું સશક્તિકરણ કરવા માટે તેમને જમીનની માલિકીના બાનાખત આપવાનું વચન આપવામાં આવ્યું હતું. વર્ષો જતાં તેમાંથી કેટલાકને જરૂરી કાગળ તો મળ્યા. પરંતુ મોટા ભાગના કેસોમાં જમીનનો કબજો  વર્ચસ્વ ધરાવતી જાતિના જમીનદારો પાસે જ રહ્યો છે.

વંચિત સમુદાયોએ જ્યારે જયારે પોતાના અધિકારો માટેનો દાવો મક્કમપણે રજૂ કર્યો છે ત્યારે ત્યારે તેઓએ તેની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવી છે.

જૂન 2022 ના અંતમાં વહીવટીતંત્રના અધિકારીઓ રામપ્યારી સેહરિયાની માલિકીની જમીનને ચિહ્નિત કરવા માટે ગુના જિલ્લાના તેમના ગામ ધનોરિયામાં પહોંચ્યા. આખરે તેઓ જેનું સપનું જોતા હતા એ દિવસ આવી પહોંચ્યો, વહીવટીતંત્રે તેમના માટેની જમીનની સીમા નક્કી કરી. જમીનની માલિકી માટેના સહરિયા આદિવાસી પરિવારના બે દાયકાના લાંબા સંઘર્ષની એ પરાકાષ્ઠા હતી.

પરંતુ એ જમીન વર્ચસ્વ ધરાવતા ધાકડ અને બ્રાહ્મણ સમુદાયના બે પરિવારોના કબજામાં હતી.

Jamnalal's family belongs to the Sahariya Adivasi tribe. He is seen here chopping soyabean in Dhanoriya.
PHOTO • Parth M.N.

જમનાલાલનો પરિવાર સહરિયા આદિવાસી જાતિનો છે. જમનાલાલ અહીં ધનોરિયામાં સોયાબીન કાપતા જોવા મળે છે

2 જી જુલાઈ, 2022 ના રોજ રામપ્યારી તેમની 3-એકર જમીન તપાસવા એ તરફ ચાલતા જતા હતા ત્યારે તેમના મોઢા પર ગર્વભર્યું સ્મિત હતું, તેઓ હવે જમીનના માલિક હતા. પરંતુ જ્યારે તેઓ તેમની ખેતીની જમીન પર પહોંચ્યા ત્યારે વર્ચસ્વ ધરાવતા બે પરિવારોના સભ્યો તેના પર ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. રામપ્યારીએ દરમિયાનગીરી કરી અને તેમને જમીન ખાલી કરવા કહ્યું, પરિણામે બોલાચાલી થઈ.  અંતે રામપ્યારીને માર મારવામાં આવ્યો અને તેમને બાળી નાખવામાં આવ્યા.

અર્જુનના કાકા 70 વર્ષના જમનાલાલ કહે છે, "શું થયું હતું એ અમે સાંભળ્યું ત્યારે રામપ્યારીનો પતિ અર્જુન ખેતરમાં દોડી ગયો અને ત્યાં તેની પત્ની બળેલી હાલતમાં મળી આવી. અમે તરત જ તેને ગુનાની જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, તેની હાલત ગંભીર હોવાથી તેને ત્યાંથી ભોપાલ રીફર કરવામાં આવી."

દાઝી જવાથી થયેલી ઈજાને કારણે છ દિવસ પછી તેમનું મૃત્યુ થયું. તેઓ માત્ર 46 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમના પતિ અને ચાર બાળકો છે, એ બધાં પરિણીત છે.

સહરિયા જનજાતિનો આ પરિવાર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ધનોરિયામાં ખેતીની જમીનમાં સોયાબીન કાપતી વખતે જમનાલાલ કહે છે, “અમારી પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નહોતો. આખરે જ્યારે અમને જમીનનો કબજો મળ્યો ત્યારે અમે વિચાર્યું હતું કે અમે ઓછામાં ઓછું અમારા પોતાના ઉપયોગ માટે અનાજની ખેતી કરી શકીશું."

આ ઘટના પછી રામપ્યારીના પરિવારજનો ડરના માર્યા તેમનું ધનોરિયા ગામ છોડી ગયા છે. જમનાલાલ, જેઓ હજી પણ ગામમાં છે તેઓ એ પરિવાર ક્યાં રહે છે તે જણાવતા નથી. તેઓ કહે છે, "અમે બધા આ જ ગામમાં જન્મ્યા છીએ, અહીં જ અમે મોટા થયા છીએ. પણ ફક્ત હું જ અહીં મરીશ. મને લાગતું નથી કે અર્જુન અને તેના પિતા અહીં પાછા આવશે."

પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર રામપ્યારીની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે હસ્તક્ષેપ કરીને તરત જ ગુનેગારોને પકડી લીધા હતા.

Jamnalal continues to live and work there but Rampyari's family has left Dhanoriya. 'I don’t think Arjun [her husband] and his father will return,' he says
PHOTO • Parth M.N.
Jamnalal continues to live and work there but Rampyari's family has left Dhanoriya. 'I don’t think Arjun [her husband] and his father will return,' he says
PHOTO • Parth M.N.

જમનાલાલ હજી ત્યાં જ રહેવાનું અને કામકરવાનું ચાલુ રાખે છે પરંતુ રામપ્યારીનો પરિવાર ધનોરિયા છોડી ગયો છે. તેઓ કહે છે, 'મને નથી લાગતું કે અર્જુન [તેના પતિ] અને તેના પિતા અહીં પાછા આવશે'

*****

જ્યારે લોકો અત્યાચાર કરે છે ત્યારે પીડિતો ન્યાય માટે સરકારી તંત્ર પાસે જાય છે. પરંતુ ચૈન સિંહના કિસ્સામાં સરકારી તંત્રએ જ તેમની હત્યા કરી હતી.

ઓગસ્ટ 2022 માં ચૈન સિંહ અને તેમના ભાઈ મહેન્દ્ર સિંહ મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના તેમના ગામ રાયપુરા પાસેના જંગલમાંથી બાઈક પર પાછા ફરી રહ્યા હતા. 20 વર્ષના મહેન્દ્ર કહે છે, “અમને ઘરના કામ માટે થોડાઘણા લાકડાંની જરૂર હતી.” મારો ભાઈ બાઈક ચલાવતો હતો. અમે જે લાકડાં  ભેગા કર્યા હતા તેને સંતુલિત કરતો હું પાછળ બેઠો હતો.”

રાયપુરા વિદિશાના ગીચ જંગલ વિસ્તારોની નજીક આવેલું છે, પરિણામે સૂર્યાસ્ત પછી આ વિસ્તારમાં અંધારું હોય છે. સ્ટ્રીટ લાઇટ નથી. અસમાન ભૂપ્રદેશમાં પર બાઈક ચલાવવા માટે આ ભાઈઓ ફક્ત તેમની બાઈકની હેડલાઇટ પર આધાર રાખી શકે તેમ હતા.

જંગલ વિસ્તારમાંથી ઉબડખાબડ રસ્તાઓ કાળજીપૂર્વક પાર કર્યા પછી ભીલ જાતિના ચૈન સિંહ અને મહેન્દ્ર મુખ્ય માર્ગ પર પહોંચ્યા ત્યારે તેમને સામે જ વન રક્ષકોથી ભરેલી બે જીપો મળી. બાઈકની હેડલાઈટ સીધી જીપ તરફ પડતી હતી.

મહેન્દ્ર કહે છે, “મારા ભાઈએ તરત જ બાઈક રોકી દીધી. પરંતુ એક વન રક્ષકે અમારા પર ગોળી ચલાવી. અમારા તરફથી કોઈ આક્રમકતા નહોતી. અમે ફક્ત લાકડાં લઈ જતા હતા.”

30 વર્ષના ચૈન સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમણે બાઈક પરનો કાબુ ગુમાવી દીધો અને નીચે પડી ગયા. પાછળના ભાગે મહેન્દ્રને પણ ઈજા પહોંચી હતી. તેઓએ ભેગા કરેલા લાકડાં તેમના હાથમાંથી પડી ગયા અને ચૈન સિંહ બાઈક સાથે જમીન પર પડી ગયા અને મૃત્યુ પામ્યા. મહેન્દ્ર કહે છે, “મને લાગ્યું હતું કે હું પણ મરી જઈશ.  મને લાગ્યું કે હું સ્વર્ગમાં તરી રહ્યો છું." એ પછી તેમને સીધી હોસ્પિટલમાં આંખો ખોલ્યાનું યાદ છે.

Mahendra's (in the photo) brother Chain Singh was shot dead by a forest guard near their village Raipura of Vidisha district
PHOTO • Parth M.N.

વિદિશા જિલ્લાના તેમના ગામ રાયપુરા પાસે મહેન્દ્રના ભાઈ ચૈન સિંહ (ફોટામાં) ની વન રક્ષક દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

વિદિશાના જિલ્લા વન અધિકારી ઓમકાર મસ્કોલેએ જણાવ્યું હતું કે આ ઘટના અંગે ન્યાયિક તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું, "આરોપીને કામચલાઉ ધોરણે સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તે સેવામાં પાછો ફર્યો છે. એકવાર ન્યાયિક તપાસનો અહેવાલ રજૂ કરવામાં આવશે એ પછી અમે એ મુજબ યોગ્ય પગલાં લઈશું."

પોતાના ભાઈને ગોળી મારનાર વન રક્ષક પર આરોપ મૂકવામાં આવશે કે કેમ તે અંગે મહેન્દ્રને શંકા છે. તેઓ કહે છે, "મને આશા છે કે તેણે જે કર્યું તેના કેટલાક પરિણામો તેને ભોગવવાના થશે. નહીંતર તમે શું સંદેશો આપો છો? કે આદિવાસી માણસને મારી નાખો એમાં  કંઈ વાંધો નથી. શું અમારું જીવન એટલું નિરર્થક છે?"

આ ઘટનાએ ચૈન સિંહના પરિવારને ખૂબ અસ્વસ્થ કરી મૂક્યો છે, ચૈન સિંહ, આ પરિવારના માત્ર બે કમાતા સભ્યોમાંના એક હતા, પરિવારના બીજા કમાતા સભ્ય મહેન્દ્ર છે જેઓ આ ઘટનાને એક વર્ષ વીતી ગયા પછી હજી આજે પણ લંગડાતા ચાલે છે. તેઓ કહે છે, "મારો ભાઈ તો જતો રહ્યો અને ઈજાને કારણે હું મજૂર તરીકે ઝાઝું કામ કરી શકતો નથી. મારા ભાઈના ચાર નાના-નાના બાળકોનું ધ્યાન કોણ રાખશે? અમારી પાસે એક એકર ખેતીની જમીન છે, તેમાં અમે અમારા પોતાના ઉપયોગ માટે ચણાની ખેતી કરીએ છીએ. પરંતુ એક વર્ષથી લગભગ કોઈ જ કમાણી નથી.”

*****

આ ઘટના પછી ભારતી કંઈ જ કમાઈ શક્યા નથી.

જ્યારથી નેમાવરમાં તેમના પરિવારની હત્યા કરવામાં આવી હતી, ત્યારથી તેમણે તેમના પિતા મોહનલાલ અને મોટા ભાઈ સંતોષ સાથે એ ગામ છોડી દીધું હતું. ભારતી કહે છે, “અમારી પાસે ત્યાં કોઈ ખેતીની જમીન નહોતી. હતું ફક્ત અમારું કુટુંબ. હવે જ્યારે કોઈ કુટુંબ જ નહોતું ત્યારે ત્યાં રહેવાનો અમને કોઈ અર્થ લાગતો નહોતો. એક તો ત્યાં રહેવાથી બધું યાદ આવ્યા કરે અને બીજું ત્યાં રહેવું અમને બહુ સલામત પણ લાગતું નહોતું.

Bharti's father and brother wanted to let go of the case and start afresh. 'Maybe they are scared. But I want to ensure the people who killed my family get punishment. How can I start afresh when there is no closure?' she says.
PHOTO • Parth M.N.

ભારતીના પિતા અને ભાઈ આ કેસને છોડીને નવેસરથી જીવનની શરૂઆત કરવા માગતા હતા. ભારતી કહે છે, 'કદાચ તેઓ ડરી ગયા છે. પરંતુ હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે મારા પરિવારના હત્યારાઓને એમના કર્યાની સજા મળે. આ વાતને ખતમ કર્યા પહેલા હું (જીવનની) નવેસરથી શરૂઆત શી રીતે કરી શકું?'

ત્યારથી ભારતીને મોહનલાલ અને સંતોષ સાથે કોઈ સંબંધ રહ્યો નથી. તેઓ હવે સાથે રહેતા નથી. ભારતી કહે છે, "હું મારા સંબંધીઓ સાથે અહીં ઈન્દોરમાં રહું છું, અને તેઓ પીથમપુરમાં રહે છે. મારા પિતા અને ભાઈ આ કેસને છોડીને નવેસરથી જીવનની શરૂઆત કરવા માગતા હતા. કદાચ તેઓ ડરી ગયા છે. પરંતુ હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે મારા પરિવારના હત્યારાઓને એમના કર્યાની સજા મળે. આ વાતને ખતમ કર્યા પહેલા હું (જીવનની) નવેસરથી શરૂઆત શી રીતે કરી શકું?"

રૂપાલીને ડોક્ટર બનવું હતું. પવન સેનામાં ભરતી થવા ઈચ્છતો હતો. ભારતી, જેણે પોતાના ભાઈ-બહેનોના પેટનો ખાડો પૂરવા ભીખ સુદ્ધાં માગી છે તે ન્યાય સિવાય બીજું કંઈ વિચારી જ શકતી નથી.

જાન્યુઆરી 2022 માં ભારતીએ નેમાવરથી ભોપાલ સુધી પગપાળા ‘ન્યાય યાત્રા’ કાઢી હતી. એક સપ્તાહ સુધી ચાલેલી 150 કિલોમીટરની આ યાત્રાને વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ ટેકો આપ્યો હતો. મોહનલાલ અને સંતોષે તેમાં કોઈ ભાગ લીધો ન હતો. ભારતી પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહે છે, "તેઓ મારી સાથે હવે ખાસ વાતચીત કરતા નથી. તેઓ મારી ખબર પણ પૂછતા નથી."

મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારને 41 લાખ રુપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. આ રકમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી - એક ભાગ ભારતીનો, બીજો મોહનલાલ ને સંતોષનો અને ત્રીજો તેમના કાકાના પરિવારનો. હાલ ભારતીનું ગુજરાન તેનાથી જ ચાલે છે. ભારતીની નોકરી જતી રહી છે કારણ કે તેઓ કામમાં બિલકુલ ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હતા. તેઓ શાળામાં પાછા ફરવા માગે છે અને પોતાના પરિવારની સંભાળ રાખવા માટે અધવચ્ચે છોડી દીધેલું પોતાનું શિક્ષણ પૂરું કરવા માગે છે. પરંતુ કેસનો નિકાલ આવે એ પછી જ.

ભારતીને ડર છે કે સુરેન્દ્ર સામેનો કેસ તેમના રાજકીય જોડાણોને કારણે નબળો થઈ શકે છે. એવું ન બને તેની ખાતરી કરવા માટે ભારતી વિશ્વસનીય અને પરવડી શકે એવા વકીલોને મળી તેમની સલાહ લઈ રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં ભારતીના જીવનમાં માત્ર એક વસ્તુ સિવાય લગભગ બધું જ બદલાઈ ગયું છે: તેઓ હજી આજે પણ તેમના પરિવાર વિશે વિચારી રહ્યા છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : PARI Desk

PARI Desk is the nerve centre of our editorial work. The team works with reporters, researchers, photographers, filmmakers and translators located across the country. The Desk supports and manages the production and publication of text, video, audio and research reports published by PARI.

Other stories by PARI Desk
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik