બાળાસાહેબ લોંઢેએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે 20 વર્ષ પહેલાં તેમણે લીધેલો એક નિર્ણય આજે રહી રહીને સતત તેમનો પીછો કરતો રહેશે. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના નાના શહેર ફુરસુંગીમાં સીમાંત ખેડૂતોના પરિવારમાં જન્મેલા લોંઢેએ ઘણી નાની ઉંમરે તેમના ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, જ્યાં તેઓ મુખ્યત્વે કપાસ ઉગાડતા હતા. તેઓ 18 વર્ષના થયા ત્યારે થોડીઘણી વધારાની આવક માટે તેમણે ખેતી ઉપરાંત ડ્રાઇવર તરીકેનું કામ કરવાનું નક્કી કર્યું.
48 વર્ષના લોંઢે કહે છે, "એક મિત્રએ પશુધનની હેરફેરનો વ્યવસાય કરતા એક મુસ્લિમ પરિવાર સાથે મારી ઓળખાણ કરાવી. તેમને ડ્રાઇવરની જરૂર હતી, તેથી મેં એ કામ કરવાનું સ્વીકાર્યું."
લોંઢે એક સાહસિક યુવાન હતા, જેમણે ઝીણવટપૂર્વક આ વ્યવસાયનો અભ્યાસ કર્યો હતો. લગભગ એક દાયકા પછી લોંઢેને લાગ્યું કે તેઓ (આ વ્યવસાય) બરોબર શીખી ગયા છે અને તેમની પાસે પૂરતી બચત પણ છે.
તેઓ કહે છે, “મેં 8 લાખ રુપિયામાં એક સેકન્ડહેન્ડ ટ્રક ખરીદી એ પછી પણ મારી પાસે 2 લાખ રુપિયાની મૂડી હતી. 10 વર્ષમાં હું બજારમાં ખેડૂતો અને વેપારીઓ સાથે સંપર્ક સ્થાપિત કરી શક્યો હતો."
લોંઢેનું ઉદ્યોગ-સાહસ સફળ થયું અને તેનું પરિણામ સારું આવ્યું. પાકના ભાવમાં ઘટાડો, ફુગાવો અને આબોહવા પરિવર્તનને કારણે તેમની પાંચ એકરની ખેતીની જમીનને નુકસાન વેઠવું પડ્યું ત્યારે તેમનો આ વ્યવસાય જ તેમની મદદે આવ્યો.
કામ સાવ સરળ હતું: ગામના સાપ્તાહિક બજારોમાં પોતાના પશુઓ વેચવા માગતા ખેડૂતો પાસેથી પશુઓ લઈને કતલખાને અથવા પશુઓ ખરીદવા માગતા ખેડૂતોના બીજા સમૂહને દલાલી લઈને વેચવાનું. 2014 માં, આ વ્યવસાયમાં પડ્યાના લગભગ એક દાયકામાં, તેમણે પોતાનો વેપાર વધારવા માટે બીજી ટ્રક ખરીદી.
લોંઢે કહે છે કે પેટ્રોલનો ખર્ચ, વાહનની જાળવણીનો ખર્ચ અને ડ્રાઇવરના પગારને ધ્યાનમાં લીધા પછી તેમની સરેરાશ માસિક આવક તે સમયે આશરે 1 લાખ રુપિયાની આસપાસ રહેતી. મુસ્લિમ કુરેશી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા આ વ્યવસાયમાંના બહુ થોડા હિંદુઓમાંના તેઓ એક હતા એ વાત બિનમહત્વની હતી. તેઓ કહે છે, "તેઓ તેમના સંપર્કોની માહિતી અને ઉપયોગી ખાનગી માહિતી મને જણાવવા બાબતે ઉદાર હતા, મને લાગ્યું કે હવે હું આ ધંધામાં બરોબર ગોઠવાઈ ગયો છું."








