મારો જન્મ નર્મદા જિલ્લાના મહુપાડામાં ભીલોના વસાવા કુળમાં થયો હતો. મહાગુજરાત ચળવળ (1956-1960) પછી એક અલગ ભાષાકીય રાજ્ય તરીકે જ્યારે ગુજરાતની રચના થઈ રહી હતી ત્યારે  મહારાષ્ટ્રની (તે સમયે બોમ્બે રાજ્યનો ભાગ) સરહદે પરના જે 21 ગામોને ગુજરાતમાં સમાવવામાં આવ્યા તેમાંનું એક ગામ મારું હતું. મારા માતા-પિતા મરાઠી જાણતા અને બોલતા. તાપી અને નર્મદા નદીઓ વચ્ચેનો પટ્ટો દેહવાલી ભીલી બોલતા ભીલ સમુદાયોનો વિસ્તાર છે. તાપીની બીજી બાજુ મહારાષ્ટ્રના જલગાંવ સુધી તમને  દેહવાલીનું કોઈક સ્વરૂપ સાંભળવા મળશે. તો આ બાજુ ગુજરાતમાં સાતપુડાની ટેકરીઓના મોલાગી અને ધડગાંવ ગામ સુધી આ ભાષા બોલાય છે. બે રાજ્યોમાં મળીને આ એક મોટો વિસ્તાર છે.

હું દેહવાલી ભીલીમાં લખું છું અને જે લોકો અમારા વિશે વધુ જાણતા નથી તેઓ અમારી ભાષાને આપણા સમુદાયોના નામથી ઓળખે છે. તેથી, ક્યારેક તેઓ કહે છે કે હું વસાવીમાં લખું છું – મારું કુટુંબ વસાવા કુળનું છે. હું જે ભાષામાં લખું છું તે ભાષા ગુજરાતના  આદિવાસીઓ દ્વારા બોલાતી ભાષાઓમાંની એક છે. ગુજરાતના ડાંગમાં ભીલો વારલી બોલે છે. આ વિસ્તારના મૂળ ભીલો ભીલી બોલે છે, જેઓ કોંકણથી આવ્યા છે તેઓ કોકણી બોલે છે. વલસાડમાં તેઓ વારલી અને ધોડિયા બોલે છે. વ્યારા અને સુરતમાં ગામીત;  ઉચ્છલ તરફ ચૌધરી; નિઝરમાં તેઓ માવચી બોલે છે; નિઝર અને સાગબારા વચ્ચે ભીલો દેહવાલી બોલે છે. ત્યારબાદ અંબુડી, કથાલી, વસાવી, તડવી, રાઠવી, પંચમહાલી ભીલી, ડુંગરી ગરાસિયા, ડુંગરી ભીલી…

કલ્પના તો કરી જુઓ દરેક ભાષામાં છુપાયેલા ખજાનાની જાણે બીજમાં જંગલ.  દરેક ભાષામાં સાહિત્ય, જ્ઞાન, તેમજ જીવનદ્રષ્ટિ મળે છે. હું મારા કાર્ય દ્વારા આ ખજાનાને વિકસાવવા, સંઘરવા, અને તેની ઉજવણી કરવા માટે સંઘર્ષ કરું છું.

સાંભળો જિતેન્દ્ર વસાવાએ તેમની કવિતાનું દેહવાલી ભીલીમાં કરેલું પઠન

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા કવિતાના અંગ્રેજી અનુવાદનું પઠન

અમે રહયાં બીજ, જંગલી

સદીઓની સદીઓ પહેલાં
દટાઈ ગયેલાં અમારાં પૂર્વજો આ જમીનમાં
પણ રખેને હવે ભૂલ કરતાં તમે
અમને દાટવાની જમીનમાં
આ જમીન સાથે અમારો સંબંધ
ખાસ્સો ગાઢ અને જૂનો છે
જેવો હોય ધરતીનો આકાશ સાથે
વાદળનો વરસાદ સાથે
નદીનો દરિયા સાથે
બિલકુલ એવો .
અમે તો ઝાડવા થઈને ઉગી નીકળીએ
આખરે, અમે રહ્યાં બીજ, જંગલી
ને બીજ તો જંગલી જ હોવા જોઈએ

તમને એમ હોય કે ડૂબાડી દઈએ આમને પાણીમાં
પણ પાણી તો અમારું અસલ બીજ
કીડી મંકોડાથી લઈને માણસ સુધી
અમે ઠેઠ પૂગી જઈએ
આખરે અમે રહ્યાં બીજ, જંગલી
ને બીજ તો જંગલી જ હોવા જોઈએ.

તમે ચાહો તો અમે ઝાડઝાંખર કહો
ચાહો તો નદીયુંના નીર, કે કહો ડુંગરા
આમ જુઓ તો, જંગલી તો તમે અમને કહો જ છો
અને અમારી જાત જ એ છે
આખરે, અમે રહ્યાં બીજ, જંગલી
ને બીજ તો જંગલી જ હોવા જોઈએ.

પણ મારા ભાઈ, શું તમે સમજો જ છો
આ બીજ થી અળગા થવાનો મરમ?
મારે પૂછવું છે તમને
તમે શું કહેશો તમે કોણ છો?
જો તમે ના હો નદી,
ના ઝાડ, ના ડુંગરા,
તો તમે કોણ?
જાણું છું મારા પ્રશ્નોના જવાબ તમારી પાસે નથી હોવાના
આખરે, અમે રહ્યાં બીજ, જંગલી
અને બીજ તો જંગલી જ હોવા જોઈએ

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Jitendra Vasava

Jitendra Vasava is a poet from Mahupada village in Narmada district of Gujarat, who writes in Dehwali Bhili language. He is the founder president of Adivasi Sahitya Academy (2014), and an editor of Lakhara, a poetry magazine dedicated to tribal voices. He has also published four books on Adivasi oral literature. His doctoral research focused on the cultural and mythological aspects of oral folk tales of the Bhils of Narmada district. The poems by him published on PARI are from his upcoming and first collection of poetry.

Other stories by Jitendra Vasava
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya