સૂર્ય આથમી ગયો હતો. અંધકાર ઝડપથી ફેલાઈ રહ્યો હતો. તેમના માથા પર બળતણ અને વાસણો, ઇંટો, રાંધ્યા વગરના ચોખા, સૂકી માછલી અને મસાલા હાથમાં લઈને, હજારો આદિવાસીઓ –આયોજકોના અંદાજ મુજબ 50,000 – ઉત્તર-પૂર્વ મુંબઈમાં મુલુંડ ખાતે જૂની ઓકટ્રોય ચોકી તરફ ચાલી નીકળ્યા હતા. નિષ્ક્રિય પડેલું આ પરિસર પ્રદર્શનકારીઓ માટે રહેવાનું મેદાન બની ગયું.

મનુબાઈ ગવારીએ તેમના માથા પરનો બળતણનો ભાર ઊતારતાં કહ્યું, “અમે અહીં રોકાણ કરીશું. અમે જરૂરી બધી વસ્તુઓ સાથે લાવ્યાં છીએ. ચૂલા માટે બળતણ, રાંધવા માટેના વાસણો, ચોખા – અમારી પાસે તે બધું છે. જ્યાં સુધી અમારી બધી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી અમે અહીંથી નહીં જઈએ.” 60 વર્ષીય મનુબાઈ, વારલી સમુદાયનાં છે અને ભીવંડી તાલુકાના દીઘાશી ગામમાં રહે છે; તેઓ તેમના ગામના અન્ય 70-80 લોકો સાથે મોરચા માટે આવ્યાં હતાં.

વારલી, કટકરી, મહાદેવ કોળી, મા ઠાકુર અને અન્ય આદિવાસી સમૂહો ગુરૂવાર, 30 ઓક્ટોબર સવારે 11 વાગ્યાથી નાસિક, પાલઘર, રાયગઢ, થાણે, અને મુંબઈ જિલ્લાઓમાંથી થાણે શહેરમાં એકત્ર થવા લાગ્યા. તેઓ ભાડે કરેલા ટેમ્પો, બસ, અને ટ્રેન દ્વારા જૂથોમાં ત્યાં આવ્યા હતા. બપોરના સુમારે, મહિલાઓ અને પુરુષોની આ ભીડે, બે કિલોમીટર દૂર સાકેત નાકાથી થાણે શહેરમાં કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી. તેમાં ખેતમજૂરો, કુલીઓ, સફાઈ કામદારો અને બાંધકામ મજૂરો શામેલ હતા.

people marching toward collector's  office
PHOTO • Mamta Pared
Manubai Gawari with firewood on her head
PHOTO • Mamta Pared

ડાબે: થાણેમાં કલેક્ટર કચેરી તરફ કૂચ કરતી વેળાએ. જમણે: વારલી આદિવાસી સમુદાયમાંથી મનુબાઈ ગવારી , દીઘાશી ગામમાંથી આવ્યાં હતાં

કલેક્ટર કચેરીની બહારની રેલીમાં વ્યાકુળ થયેલાં નલિની બુજડ પૂછે છે, “અમારા આદિવાસી પરિવારો ઘણી પેઢીઓથી મુંબઈ અને તેની આસપાસના જંગલોમાં રહે છે. અમારી પાસે [જમીન કે મકાનની] માલિકીનો કોઈ પુરાવો નથી. અમારી પાસે જાતિના પ્રમાણપત્રો પણ નથી. મારી માતાએ મને ઘેર જ જન્મ આપ્યો હતો, તેની ક્યાંય નોંધ કરાવેલ નથી. હું 52 વર્ષની છું. મારા બાળકોને તેમના શિક્ષણ માટે જાતિના પ્રમાણપત્રની જરૂર છે. એટલે કે 50 વર્ષ જીવેલા જીવનનો પુરાવો. હું તે ક્યાંથી મેળવીશ?” તેઓ વારલી સમુદાયમાંથી છે, અને મુંબઈના ઉત્તર-પશ્ચિમ ઉપનગર અંધેરીના અંબોલીથી અહીં આવ્યાં છે.

તેઓ કહે છે, “મહાનંદ ડેરી આસપાસના પાડામાં [ઉત્તર-પશ્ચિમ મુંબઈના ગોરેગાંવના ગામો] વીજળી કે પાણી નથી. અમને જાતિના પ્રમાણપત્રો આપો, વિકાસ યોજનાઓમાં અમારા પાડાઓનો સમાવેશ કરો. અમારું એ જ વિસ્તારમાં પુનર્વસન કરો.” શ્રમજીવી સંગઠનનાં પ્રતિનિધિ નલિની બુજડના અંદાજ મુજબ મુંબઈના 10 આદિવાસી પાડાઓમાંથી લગભગ 2,000 આદિવાસીઓએ કૂચમાં ભાગ લીધો હતો.

રાજ્યમાં આદિવાસીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોને ઉજાગર કરવા માટે તે સંગઠન દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાનું મુખ્ય મથક મહારાષ્ટ્રના વસઈમાં છે અને તે આદિવાસીઓના અધિકારો માટે કામ કરે છે. આ સમુદાયો આના પહેલાં પણ ઘણી વખત વિરોધમાં રસ્તા પર ઉતરી ચુક્યા છે. દરેક વખતે, સરકાર પ્રદર્શનકારીઓને આશ્વાસન આપીને શાંત કરે છે અને તેમને પાછા મોકલી દે છે. તેથી આ વખતે, આદિવાસીઓએ પીછેહઠ ન કરવાનો સંકલ્પ કર્યો છે.

Bohada dance at collector office
PHOTO • Mamta Pared
A katakari woman participated in march with her child
PHOTO • Mamta Pared

ડાબે: રેલી આદિવાસી સાંસ્કૃતિક ઓળખની વાત કરતા પ્રદર્શનનો પણ સમય હતો. જમણે: કલેક્ટર કચેરી ખાતે , એક કટકરી આદિવાસી મહિલા તેમના બાળક સાથે

સાંજે 5 વાગ્યે, મોરચો મુલુંડ તરફ વળ્યો હતો. પ્રદર્શનકારીઓ સાકેત નાકાથી મુલુંડના જકાત નાકા (જૂની ઓક્ટ્રોય પોસ્ટ) સુધી પાંચ કિલોમીટર ચાલ્યા હતા. અંધારું થવા લાગ્યું હતું. તેઓ જ્યાં રોકાયા હતા તે મેદાનમાં વીજળી ન હતી. “જો તમે અહીં વીજળી નહીં આપો, તો અમે ધોરીમાર્ગની રોશની હેઠળ ત્યાં પડાવ નાખીશું.” લોકોની આવી સામૂહિક માંગણીએ ત્યાંની પોલીસને કેટલાંક પગલાં લેવાની ફરજ પાડી. થોડી જ વારમાં વીજળીના થાંભલા પરના લાઇટના બલ્બ સળગવા લાગ્યા.

દરેક ગામના લોકોએ એક સ્થળ પસંદ કર્યું અને તેમના બળતણ, ઇંટો, ઘડાઓ, વાસણો, અનાજ અને અન્ય વસ્તુઓથી એક કામચલાઉ બસ્તી બનાવી. ચૂલાની આગના પ્રકાશમાં તેમની આસપાસનો અંધકાર ધીમે ધીમે હોલવાઈ ગયો. ખુલ્લા મેદાનમાં આવી ઓછામાં ઓછા 500 ચૂલા સળગી રહ્યા હતા.

રાત્રિભોજન પછી, લોકોએ ઢોલ વગાડ્યાં અને તેમનાં ગીતો ગાયા. ઘણાં લોકો આખી રાત જાગ્યા. અન્ય લોકો આખો દિવસ ચાલવાથી અને બળતણ અને ઇંટોનો ભાર વહન કરવાથી થાકી ગયા હતા અને રાત્રે આરામ કરવા માટે જમીન પર કપડાની નાની ચાદર પાથરી હતી. ઘણાંએ તેમના સામાનના બંડલનો ગાદલા તરીકે ઉપયોગ કર્યો અને ખુલ્લા આકાશ નીચે સૂઈ ગયા.

People at Jakat naka in Mulund
PHOTO • Mamta Pared
People sleeping at Jakat naka in Mulund
PHOTO • Mamta Pared

પ્રદર્શનકારીઓએ મુલુંડના જકાત નાકા પર રાત માટે ધામા નાખ્યા હતા, તેમના પ્રતિનિધિઓ મોડી રાત્રે મુખ્યમંત્રી સાથેની બેઠકમાંથી પાછા ફરે તેની રાહ જોઈ રહ્યા હતા

પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓ પૈકીની એક હતી વન અધિકાર અધિનિયમ 2006નું અમલીકરણ. આ કાયદો પસાર થયાના 12 વર્ષ પછી પણ, સમગ્ર ભારતમાં આદિવાસી સમુદાયોને તેઓ પેઢીઓથી જે જંગલની જમીન પર ખેતી કરે છે તેના માલિકી હક મળ્યા નથી. બીજી પ્રમુખ માંગ એ હતી કે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પોલિસી (જાન્યુઆરી 2013માં રજૂ કરવામાં આવેલ) વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં નાણાંકીય રકમ મોકલવા માટે કાર્યરત થાય તે પહેલાં, દરેક ગામમાં ઇન્ટરનેટ જોડાણ ઉપલબ્ધ કરાવવું. પ્રદર્શનકારીઓએ આદિવાસીઓ માટે રોજગારની તકો પણ સુલભ કરવાની વાત કરી; તેઓએ માંગ કરી હતી કે મુંબઈમાં આદિવાસી સમુદાયોની જરૂરિયાતોને વિકાસ યોજનાઓમાં સામેલ કરવી જોઈએ; અને આદિવાસીઓમાં ભૂખમરાના વધતા જતા સ્તરને નાબૂદ કરવા માટે ઉકેલો શોધવા જોઈએ.

પ્રદર્શનકારીઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના જવાબની ખુલ્લા મેદાનમાં આખી રાત રાહ જોઈ. મધ્યરાત્રિએ –અસહ્ય ગરમીમાં કલેક્ટર કચેરી માટે નીકળ્યાના 12 કલાક પછી – વિવિધ જિલ્લાઓના આદિવાસી જૂથોના 10 પ્રતિનિધિઓ મુખ્યમંત્રીને દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર મળ્યા. તેમને બાંહેધરી આપવામાં આવી હતી કે તેઓ જે માંગણી કરશે તેનો અમલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વન વિભાગ સહિત વિવિધ વિભાગના વડાઓને પ્રશ્નોના નિરાકરણ માટે આદેશો પણ આપશે અને પ્રક્રિયાને અનુસરવા અને તેને ઝડપથી આગળ વધારવા માટે નોડલ અધિકારીની નિમણૂક કરશે.

વહેલી સવારે 3 વાગ્યે, પ્રતિનિધિઓ જકાત નાકા ખાતે પરત ફર્યા હતા. મેદાન પર રાહ જોઈ રહેલા પ્રદર્શનકારીઓએ બેઠકના પરિણામ પર ખુશી વ્યક્ત કરી હતી. સવારના 5 વાગ્યા સુધીમાં, તેમણે આશા સાથે તેમના ગામોમાં પરત ફરવાનું શરૂ કરી દીધું હતું.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Mamta Pared

Mamta Pared (1998-2022) was a journalist and a 2018 PARI intern. She had a Master’s degree in Journalism and Mass Communication from Abasaheb Garware College, Pune. She reported on Adivasi lives, particularly of her Warli community, their livelihoods and struggles.

Other stories by Mamta Pared
Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad