સુબ્રત અડકે કહ્યું, “બંગાળના ઘણાં ખેડૂતોને આ કાયદાઓ વિષે જાણકારી નથી. આ કારણે હું મારા ગામમાંથી કેટલાક લોકોને લઈને અહિં આવ્યો છું, જેથી તેઓ અહિં નેતાઓની વાત સાંભળે, તેઓ જે કહી રહ્યા છે તે સમજે અને પછી ઘરે પરત ફરીને પડોશીઓ અને મિત્રોને કહે.”
૩૧ વર્ષના ખેડૂત સુબ્રત લગભગ ૧૦ કિલોમીટર દૂર તેમના ગામ બારા કમલાપુરથી ૧૪ માર્ચે સિંગુરની આ આંદોલન સભામાં આવ્યા હતા. ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલાં ખેડૂતો અને યુનિયનોના સમૂહ - સંયુક્ત કિસાન મોર્ચાના નેતા, આ કાયદાઓના ખતરા વિષે જાગૃતિ ફેલાવવા માટે માર્ચના મધ્યમાં પશ્ચિમ બંગાળ આવ્યા હતા. સિંગુર સિવાય, તેમણે આસનસોલ, કોલકાતા અને નંદીગ્રામમાં સભાઓ કરી હતી.
સિંગુરના નાબાપલ્લી વિસ્તારમાં સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી આયોજિત એક નાની સભામાં ભાગ લેવા વાળા ખેડૂતો અને સમર્થકોની સંખ્યા વિષે અલગ-અલગ અનુમાન લગાવવામાં આવ્યા હતા – જે ૫૦૦થી ૨,૦૦૦ વચ્ચે હતા. કોલકાતાથી લગભગ ૪૦ કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળ સ્થિત આ શહેરમાં ટાટા મોટર્સની નેનો ગાડીના કારખાના માટે લગભગ ૯૯૭ એકર જમીનના અધિગ્રહણ વિરુદ્ધ ૨૦૦૬-૦૭માં એક ઐતિહાસિક આંદોલન જોવા મળ્યું હતું. વર્ષ ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ખેડૂતોની જમીન પરત કરવા આદેશ કર્યો હતો, પરંતુ આજે પણ ત્યાંની મોટા ભાગની જમીન પડતર છે.
“જાતે એક ખેડૂત હોવાને લીધે, હું ભારતમાં કૃષિની પરિસ્થિતિથી વાકેફ છું,” સુબ્રતે કહ્યું, જેઓ આઠ વીઘા જમીન પર બટાકા અને ડુંગળીની ખેતી કરે છે. (પશ્ચિમ બંગાળમાં ૧ વીઘા ૦.૩૩ એકર બરાબર થાય છે.) “ભારત જ્યારે આઝાદ નહોતું થયું, ત્યારે પણ અંગ્રેજોએ ગળીની ખેતી કરતાં ખેડૂતોનું શોષણ કર્યું હતું. આ સરકાર ફરીથી એવી પરિસ્થિતિ પેદા કરી રહી છે. બટાકાની ખેતીનો ખર્ચ વધી ગયો છે, બીજની પણ કિંમત વધી ગઈ છે. જો અમને આ બધી મહેનત માટે પૈસા નહીં મળે અને ફાયદો કોર્પોરેટ્સને થવા લાગશે, તો અમે જીવીશું કઈ રીતે?”
“અમે વિરોધ પ્રદર્શન બંધ નહીં કરીએ, અમે ઈચ્છીએ છીએ કે ત્રણે કૃષિ કાયદાઓને રદ્દ કરવામાં આવે,” ૬૫ વર્ષીય અમરજીત કૌરે કહ્યું, જેઓ લગભગ ૩૦ કિલોમીટર દૂર સ્થિત ઉત્તર ૨૪ પરગણા જીલ્લાના બારાનગર નગર પાલિકાના ડનલપ વિસ્તારથી સિંગુર આવ્યા હતા. “સરકારે અમને ખુબ નુકસાન પહોંચાડ્યું છે,” કૌરે કહ્યું, જેમનું પૂર્વજોનું ઘર લુધિયાણામાં છે, જ્યાં તેમનો પરિવાર મોટે ભાગે ઘઉં અને ડાંગરની ખેતી કરે છે. “તેમણે નોટબંધી લાગું કરી, કોઈની પાસે નોકરી નથી. અમે [કૃષિ આંદોલનમાં શામેલ થવા માટે] દિલ્હી નથી જઈ શકતા પણ અમે અહિં આવ્યા છીએ, અને જ્યાં સુધી કાળા કાયદાઓ પરત લેવામાં નહીં આવે, અમે આંદોલનનું સમર્થન કરતાં રહીશું.”
ખેડૂતો જે કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે તે: કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020 ; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020 ; અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020 છે. આ કાયદાઓ સૌપ્રથમ પાંચ જુને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યા, પછી ૧૪ સપ્ટેમ્બરે સંસદમાં ખરડા તરીકે રજુ કરવામાં આવ્યા અને એ જ મહિનાની ૨૦ તારીખે આ સરકાર દ્વારા ઉતાવળે મંજૂરી આપીને કાયદો બનાવી દેવામાં આવ્યા.
ખેડૂતો આ કાયદાઓને પોતાની આજીવિકા માટે ખતરા રૂપે જોઈ રહ્યા છે કેમ કે કાયદો મોટા નિગમોને ખેડૂતો અને ખેતી ઉપર વધારે સત્તા પ્રદાન કરશે. આ કાયદાઓનો વિરોધ એટલા માટે પણ થઇ રહ્યો છે કારણ કે આનાથી દરેક ભારતીયને અસર થશે. આ ભારતના બંધારણની કલમ ૩૨માં દરેક નાગરિકને આપેલ કાયદાકીય ઉપચારની જોગવાઈને અવગણે છે.
આ સભામાં, સિંગુરથી લગભગ ૨૫ કિલોમીટર દૂર આવેળ બાલ્લી વિસ્તારના ૫૫ વર્ષીય જીતેન્દ્રસિંહ પણ હાજર હતા. પરિવહનનો વ્યવસાય કરતાં જીતેન્દ્રસિંહે કહ્યું, “આપણા [દેશની] પ્રાથમિક આવક કૃષિના લીધે છે, અને આ કૃષિ કાયદાઓએ આ ક્ષેત્રને ખૂબજ ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. બિહારનું જ ઉદાહરણ લો ને, જ્યાં ૨૦૦૬માં મંડી પ્રથા બંધ કરી દેવામાં આવી હતી. બિહારના ખેડૂતો પોતાની પાસે જમીન હોવા છતાંય, કમાવા માટે પંજાબ અને હરિયાણા જાય છે.”
“તેઓ [સરકાર] એમએસપી [લઘુત્તમ સમર્થન મુલ્ય] વિષે વાત કેમ નથી કરી રહ્યાં?,” ૩૦ વર્ષીય નવજોતસિંહ પૂછે છે, તેઓ પણ બાલ્લીથી સિંગુર આવ્યા છે, તેઓ ત્યાં રેસ્ટોરાંના વ્યવસાયમાં છે. એમનો પરિવાર પંજાબના બરનાળા જીલ્લાના શેખા ગામમાં ૧૦ એકર જમીન પર ઘઉં અને ડાંગરની ખેતી કરે છે. “આ સભાઓ બંગાળના ખેડૂતોને એમએસપી વિષે [વધુ] જાગૃત કરવા માટે આયોજિત કરવામાં આવી રહી છે.”
૫૦ વર્ષીય પરમિંદર કૌર, જેઓ હુગલી જીલ્લાના સેરામપુર શહેરથી આવ્યા છે, કહે છે, “જો કૃષિ કાયદાઓને લાગું કરવામાં આવશે, તો એવી કોઈ નક્કી કિંમત નહીં રહે જેના પર અમે અમારો પાક વેચી શકીએ.” તેઓ પંજાબના લુધિયાણાથી આવ્યા છે, જ્યાં એમના પરિવારના અમુક સભ્યો ૧૦ એકર જમીન પર ઘઉં અને ડાંગરની ખેતી કરે છે. તેમનો પરિવાર પશ્ચિમ બંગાળમાં પરિવહનના વ્યવસાયમાં લાગેલો છે. તેઓ આગળ ઉમેરે છે, “અમે કોઈ રાજકીય પક્ષનું સમર્થન કરવા માટે સિંગુર નથી આવ્યા, અમે અહિં ખેડૂતો માટે આવ્યા છીએ.”
૪૨ વર્ષીય કલ્યાણી દાસ, સિંગુરથી લગભગ ૧૦ કિલોમીટર દૂર, બારા કમલાપુરથી પગપાળા ચાલીને આવ્યા છે. તેઓ બે વીઘા જમીન પર બટાકા, ભીંડા, ડાંગર અને શણની ખેતી કરે છે. તેઓ કહે છે, “દરેક વસ્તુની કિંમત વધી ગઈ છે. તેલ, ગેસ, અને દૈનિક વસ્તુઓ જે આપણે કિરાણાની દુકાન પરથી ખરીદીએ છીએ, એ બધાની.” અમે અમારી જમીન પર ખૂબજ મહેનત કરીએ છીએ અને પાકને સ્થાનિક બજારમાં વેચીએ છીએ, પરંતુ અમને બીક છે કે જો અમને અમારો પાક વેચીને પૂરતા પૈસા નહીં મળે, તો અમે અંતે ભૂખ્યા મરી જઈશું.
કલ્યાણીની પડોશી, ૪૩ વર્ષીય સ્વાતી અડકે કહ્યું, “અમારી પાસે ત્રણ વીઘા જમીન છે. અને કારણ કે બટાકાની ખેતી કરવામાં વધારે ખર્ચ થાય છે, અમે બટાકાની ખેતી નથી કરતાં. બટાકાની ખેતી કરતાં ઘણાં ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી કેમ કે સખત મહેનત કર્યા પછી પણ એમને પર્યાપ્ત કિંમત નહોતી મળતી.”
૫૧ વર્ષીય લીચ્છુ મહતો પણ આ સભામાં હાજર હતા. તેઓ સિંગુરમાં ખેતમજૂર તરીકે કામ કરે છે. તેઓ હુગલી જીલ્લાના બાલાગઢ વિસ્તારના મહતોપારામાં ગામમાં રહે છે, જ્યાં તેઓ જમીનના એક નાનકડા ટુકડા પર ડાંગરની ખેતી કરે છે. તેઓ કહે છે, “મને દૈનિક ફક્ત ૨૦૦ રૂપિયા [મજૂરી રૂપે] જ મળે છે. જો મારો પરિવાર મને બપોરના ભોજન માટે માછલી લાવવાનું કહે, તો હું એટલી નાની આવકમાંથી કઈ રીતે લાવી શકું? મારો દીકરો ટ્રેનોમાં ફરીને પાણી વેચે છે. હું અહિં કૃષિ કાયદાઓ વિષે જાણવા આવ્યો છું. મારું જીવન પહેલાથી જ ખરાબ હાલતમાં છે, હું નથી ઈચ્છતો કે તે હજુ વધારે ખરાબ થાય.”
અનુવાદક: ફૈઝ મોહંમદ