ઢમ..ઠક..ઢમ..ઠક...પૃષ્ઠભૂમિમાં એકમાત્ર ઢોલકીનો ખોખરો, બોદો આવાજ છે. એટલામાં એમાં જોડાય છે કોઈ જાણે દરગાહની બહાર બેઠો ભિક્ષા-દાન માંગતો, દાતા માટે દુઆ માંગતો, પયગંબરની પ્રાર્થના કરતો, એની પ્રશંસા કરતો કોઈ ભક્તગાયકનો ભાવભર્યો ઘેરો અવાજ
“સવા તોલો મારા હાથમાં, સવા તોલો દેજો બહેનનાં હાથમાં
ન કરશો તમે જુલમ આટલો (૨)
”
આ ગીત આપણને કચ્છના પરંપરાગત સમન્વયના સંસ્કારોની ઝાંખી કરાવે છે. આ પ્રદેશની વિચરતી પશુપાલકો જાતિના લોકો એક સમયે તેમના પશુધનને કચ્છના મોટા રણમાંથી જે હવે પાકિસ્તાનમાં છે એવા સિંધ તરફ વાર્ષિક સ્થળાંતર કરતા અને પાછા ફરતા. ભારતના ભાગલા પડ્યા બાદ ઉભરી આવેલી નવી સીમાઓએ તેમના તે પ્રવાસનો અંત લાવી દીધો. પણ કચ્છ અને સિંધની સરહદો પરના હિંદુ અને મુસ્લિમ પશુપાલકો વચ્ચેના મજબૂત સંબંધો ત્યાર બાદ પણ જળવાઈ રહ્યા.
સૂફીવાદ જેવી વિધવિધ ધાર્મિક માન્યતાઓ, કવિતાઓ, લોકકથાઓ, પૌરાણિક કથાઓ અને ભાષાઓ વચ્ચેની લેણદેણમાંથી જન્મેલ કલા, સ્થાપત્ય, અને ધાર્મિક પ્રથાઓનો સમૃદ્ધ વારસો એટલે આ પ્રદેશના સમુદાયોનું જીવન. આ સહિયારી સંસ્કૃતિઓ અને સૂફીવાદ પર આધારિત સમન્વયની પ્રથાઓની અનોખી ભાત આ પ્રદેશના લોક સંગીતની, હવે લુપ્ત થતી જતી પરંપરાઓમાં જોવા મળે છે.
નખત્રાણા તાલુકાના મોરગર ગામના પશુપાલક 45 વર્ષીય કિશોર રાવરે ગાયેલા આ ગીતમાં પયગંબરની પ્રત્યેનો આવો પ્રેમભાવ પ્રગટે છે.
કરછી
મુનારા મીર મામધ જા,મુનારા મીર સૈયધ જા.
ડિઠો રે પાંજો ડેસ ડૂંગર ડુરે,
ભન્યો રે મૂંજો ભાગ સોભે રે જાની.
મુનારા મીર અલાહ.. અલાહ...
મુનારા મીર મામધ જા મુનારા મીર સૈયધ જા
ડિઠો રે પાજો ડેસ ડૂંગર ડોલે,
ભન્યો રે મૂજો ભાગ સોભે રે જાની.
મુનારા મીર અલાહ.. અલાહ...
સવા તોલો મૂંજે હથમેં, સવા તોલો બાંયા જે હથમેં .
મ કર મોઈ સે જુલમ હેડો,(૨)
મુનારા મીર અલાહ.. અલાહ...
કિતે કોટડી કિતે કોટડો (૨)
મધીને જી ખાં ભરીયા રે સોયરો (૨)
મુનારા મીર અલાહ... અલાહ....
અંધારી રાત મીંય રે વસંધા (૨)
ગજણ ગજધી સજણ મિલધા (૨)
મુનારા મીર અલાહ....અલાહ
હીરોની છાં જે અંઈયા ભેણૂ (૨)
બધીયા રે બોય બાહૂ કરીયા રે ડાહૂ (૨)
મુનારા મીર અલાહ… અલાહ….
મુનારા મીર મામધ જા,મુનારા મીર સૈયધ જા.
ડિઠો રે પાજો ડેસ ડુરે
ભન્યો રે મૂજો ભાગ સોભે રે જાની
મુનારા મીર અલાહ અલાહ
ગુજરાતી
મિનારા મીર મામદના, મિનારા મીર સૈયદના
એને જોઈ આપણા દેશનાં ડુંગર ઢળ્યા
કેવો રે મારો ભાગ શોભે રે જાની.
મિનારા મીર અલ્લાહ અલ્લાહ
સવા તોલો મારા હાથમાં, સવા તોલો
દેજો બહેનનાં હાથમાં
ન કરશો તમે જુલમ આટલો (૨)
મિનારા મીર મામદના
ક્યાં કોટડો ક્યાં કોટડી (૨)
મદીનામાં તો છે ખાણ ભરીને સોયરો (૨)
મદીનામાં તો છે ખાણો રહેમતની
મિનારા મીર મામદના
અંધારી રાતે વરસાદ વરસશે (૨)
ગાજવીજ થશે, મળશે સ્નેહીજનો (૨)
મિનારા મીર મામદના
હું ગભરું હરણી, હું બે બાડા
બાંધીને કરું આરઝૂ (૨)
મિનારા મીર મામદના
મિનારા મીર સૈયદના
એને જોઈ આપણા દેશનાં ડુંગર ઢળ્યા
કેવો રે મારો ભાગ શોભે રે જાની.
ગીતનો પ્રકાર
: લોકગીત
ગીતગુચ્છ
: ગીતો ભક્તિભાવના
ગીત
: 5
ગીતનું શીર્ષક
: મુનારા મીર મામધ જા,મુનારા મીર સૈયધ જા
સંગીતકારઃ
આમદ સમેજા
ગાયક
: કિશોર રવાર. નખત્રાણા તાલુકાના મોરગર ગામના 45 વર્ષના ગાયક છે
વાજીંત્રો
: ઢોલકી
રેકોર્ડિંગનું વર્ષ
: 2004, KMVS સ્ટુડિયો
ગુજરાતી અનુવાદ
: આમદ સમેજા, ભારતી ગોર
આ પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની, અરુણા ધોળકિયા, સેક્રેટરી, KMVS, આમદ સમેજા, KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર.