લોકગીતો હંમેશા સાંસ્કૃતિક જ્ઞાનનું એક વાહન અને સામાજિક મૂલ્યોનાં વાહક રહયાં છે. પરંતુ ઘણીવાર ગીતોનો ઉપયોગ સાંસ્કૃતિક પરિવર્તન અને જાગૃતિ નિર્માણના સાધન તરીકે પણ થાય છે. લોકગીતોની આ શૈલીની લવચીકતા બે ચીજોમાંથી આવે છે. એક તો લોક સંગીતની મૌખિકતા, જેને કારણે એ દરેક પ્રસ્તુતિ સાથે બદલવાની ક્ષમતા ધરાવે છે, અને બીજું સમુદાયની સંસ્કૃતિમાં ઊંડે સુધી રોપાયેલા તેના મૂળ.
અહીં રજૂ થઇ રહેલું આ ગીત લોકસંગીતની ફરી ફરી સજીવિત થવાની આ પરિમાણ છે. અહીં તે જાગૃતિનો સંદેશ આપે છે -- ગ્રામીણ મહિલાઓના જીવનની જાતિગત ભેદભાવોની વાસ્તવિકતા વિષે. કચ્છ અને અમદાવાદના મહિલા કલાકારો દ્વારા ગવાયેલું આ ગીત ભાવનાત્મક રીતે આપણને સ્પર્શી જવાની સાથે એક સામાજિક વિવેચન પણ પ્રદાન કરે છે.
ગીતની પૃષ્ઠભૂમિમાં વગાડવામાં આવતા વાદ્યોમાંનું એક - જોડિયા પાવા, આ ગીતનું એક વિશેષ પાસું છે. જોડિયા પાવા અથવા અલગોઝા પરંપરાગત રીતે ઉત્તર-પશ્ચિમ પ્રદેશો જેવા કે પાકિસ્તાનમાં સિંધ અને ભારતમાં કચ્છ, રાજસ્થાન અને પંજાબના કલાકારો દ્વારા વગાડવામાં આવે છે.
કચ્છી
પિતળ તાળા ખોલ્યાસી ભેણ ત્રામેં તાળા ખોલ્યાસી,
બાઈએ જો મન કોય ખોલેં નાંય.(૨)
ગોઠ જા ગોઠ ફિરયાસી, ભેણ ગોઠ જા ગોઠ ફિરયાસી,
બાઈએ જો મોં કોય નેરે નાંય. (૨)
પિતળ તાળા ખોલ્યાસી ભેણ ત્રામે તાળા ખોલ્યાસી,
બાઈએ જો મન કોય ખોલે નાંય. (૨)
ઘરજો કમ કરયાસી,ખેતીજો કમ કરયાસી,
બાઈએ જે કમ કે કોય લેખે નાંય.
ઘરજો કમ કરયાસી, ખેતીજો કમ કરયાસી
બાઈએ જે કમ કે કોય નેરે નાંય
ગોઠ જા ગોઠ ફિરયાસી, ભેણ ગોઠ જા ગોઠ ફિરયાસી,
બાઈએ જો મોં કોય નેરે નાંય.
ચુલુ બારયાસી ભેણ,માની પણ ગડયાસી ભેણ,
બાઈએ કે જસ કોય મિલ્યો નાંય. (૨)
ગોઠ જા ગોઠ ફિરયાસી ભેણ ગોઠ જા ગોઠ ફિરયાસી,
બાઈએ જો મોં કોય નેરે નાંય. (૨)
સરકાર કાયધા ભનાય ભેણ,કેકે ફાયધો થ્યો ભેણ,
બાઈએ કે જાણ કોઈ થિઈ નાંય (૨)
ગોઠ જા ગોઠ ફિરયાસી ભેણ ગોઠ જા ગોઠ ફિરયાસી,
બાઈએ જો મોં કોય નેરે નાંય (૨)
ગુજરાતી
પિત્તળ તાળા ખોલ્યા, ત્રાંબાના તાળા ખોલ્યા.
બહેનોનું મન કોઈ ખોલે ના (2)
ગામે ગામ ફર્યા બેન, ગામે ગામ ફર્યા
બહેનોના મોઢાં તો ય કોઈ ભાળે ના (2)
પિત્તળ તાળા ખોલ્યા બેન, ત્રાંબાના તાળા ખોલ્યા.
બહેનોનું મન કોઈ ખોલે ના (2)
અમે ઘરનાં ય કર્યાં, અમે ખેતનાં કર્યાં
અમે ઘરનાં ય કર્યાં, અમે ખેતનાં કર્યાં
પણ બહેનોના કામ તો કોઈ જુએ ના
ગામે ગામ ફર્યા બેન, ગામે ગામ ફર્યા
બહેનોના મોઢાં તો ય કોઈ ભાળે ના (2)
અમે ચૂલો ફૂંક્યો, અમે રોટલા ય ઘડ્યા
પણ બહેનોનું મૂલ તો કોઈ આંકે ના (2)
ગામે ગામ ફર્યા બેન, ગામે ગામ ફર્યા
બહેનોના મોઢાં તો ય કોઈ ભાળે ના (2)
સરકાર ઘડે કાયદા, કોને હો ફાયદા
સરકાર ઘડે કાયદા, કોને હો ફાયદા
બહેનોને ભાળ તો કોઈ આપે ના
ગામે ગામ ફર્યા બેન, ગામે ગામ ફર્યા
બહેનોના મોઢાં તો ય કોઈ ભાળે ના (2)
ગીતનો પ્રકાર : વિકાસલક્ષી લોકગીત
ગીતગુચ્છ : આઝાદી અને જાગૃતિના ગીતો
ગીત : 8
ગીતનું શીર્ષક : પિતળ તાળા ખોલ્યાસી ભેણ ત્રામેં તાળા ખોલ્યાસી
સંગીતકારઃ દેવલ મહેતા
ગાયક : અમદાવાદ અને કચ્છના કલાકારો
વાજિંત્રો : ડ્રમ, હાર્મોનિયમ, ખંજરી, જોડિયા પાવા
રેકોર્ડિંગનું વર્ષ : 1998, KMVS સ્ટુડિયો
લોકસમુદાય સંચાલિત રેડિયો, સૂરવાણી દ્વારા રેકોર્ડ કરાયેલા આ 341 ગીતો કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) દ્વારા પારી પાસે આવ્યા છે.
આ પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની, અરુણા ધોળકિયા, સેક્રેટરી, KMVS, આમદ સમેજા, KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર.