“ગુલામ નબી, આંખો બગડશે તારી. શું કરે છે હજી? સૂઈ જા!”
મોડી રાત સુધી જ્યારે એ મને લાકડાં કોતરતી જોતી ત્યારે મારી મા આવું કહેતી. એ મને વઢે એ પછી પણ હું ભાગ્યે જ અટકતો! આજે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચવા માટે 60 વર્ષથીય વધુ સમય સુધી નિયમિતરૂપે મેં મારી હસ્તકલાની પ્રેક્ટિસ કરી છે. મારું નામ ગુલામ નબી દાર છે ને હું કાશ્મીરના શ્રીનગર શહેરનો કોતરણીકાર છું.
મને ખબર નથી મારો જન્મ ક્યારે થયો હતો પરંતુ હાલ હું મારા જીવનના 70 મા દાયકામાં છું અને આખી જીંદગી આ શહેરના મલિક સાહિબ સફાકદલ વિસ્તારમાં રહ્યો છું. હું નજીકની ખાનગી શાળામાં ભણતો હતો અને 3 જા ધોરણમાં હતો ત્યારે મારા પરિવારની (નબળી) આર્થિક પરિસ્થિતિને કારણે અધવચ્ચે જ શાળા છોડી દેવી પડી. મારા પિતા અલી મુહમ્મદ દાર નજીકના અનંતનાગ જિલ્લામાં કામ કરતા, પરંતુ હું 10 વર્ષનો હતો ત્યારે તેઓ શ્રીનગર પાછા ફર્યા હતા.
અમારું - મારી મા અઝ્ઝી અને 12 બાળકોના પોતાના પરિવારનું - ભરણપોષણ કરવા તેમણે શહેરમાં શાકભાજી અને તમાકુ વેચવાનું શરૂ કર્યું. 12 બાળકોમાં સૌથી મોટો હોવાથી હું મારા પિતા અને મારા ભાઈ બશીર અહમદ દારને મદદ કરતો. જ્યારે ખાસ કામ ન હોય ત્યારે અમે આમતેમ ભટકતા રહેતા અને એક વાર મારા મામુ [મામાએ] મારા પિતાને આ અંગે ફરિયાદ કરી હતી. મારા મામુએ જ અમને લાકડા પર કોતરણીકામ કરવાનું સૂચન કર્યું હતું.


ગુલામ નબી દાર ઘેર તેમની વર્કશોપમાં જ્વેલરી બોક્સ પર કોતરણી કરે છે (જમણે)


લાકડા પર કોતરણી કરતા પહેલા તેઓ બટર પેપર પર તેની ડિઝાઇન દોરે છે. આ કાગળો ભવિષ્યમાં ઉપયોગમાં લેવા માટે સાચવીને રાખવામાં આવે છે
તેથી અમે ભાઈઓએ જુદા જુદા કારીગરો માટે અખરોટના પોલિશ કરેલા લાકડા પર કોતરણી કામ કરવાનું શરૂ કર્યું. અમારા પહેલા એમ્પ્લોરે (નોકરીદાતાએ) અમને બંનેને લગભગ અઢી રુપિયા ચૂકવ્યા હતા. અને તે પણ અમે તેમની સાથે બે વર્ષ કામ કર્યું એ પછી જ.
અમારા બીજા શિક્ષક હતા અમારા પાડોશી અબ્દુલ અઝીઝ ભટ. તેઓ કાશ્મીરમાં એક મોટી હેન્ડીક્રાફ્ટ કંપનીમાં કામ કરતા હતા, જેના આંતરરાષ્ટ્રીય ગ્રાહકો હતા. શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં આવેલી અમારી વર્કશોપમાં બીજા ઘણા કુશળ કારીગરો હતા. બશીરે અને મેં અહીં પાંચ વર્ષ કામ કર્યું. અમારું કામ દરરોજ સવારે 7 વાગ્યે શરૂ થતું અને સૂર્યાસ્ત પછી સુધી ચાલતું. અમે લાકડાના જ્વેલરી બોક્સ, કોફી ટેબલ, લેમ્પ વિગેરે પર કોતરણી કરતા. હું ઘેર પાછો આવીને લાકડાના નાના-નાના ટુકડા પર પ્રેક્ટિસ કરતો.
કારખાનામાં (ફેકટરીમાં) એક ઓરડામાં તૈયાર થઈ ગયેલ ચીજ-વસ્તુઓ રાખવામાં આવતી હતી, અને એ ઓરડાને હંમેશા તાળું મારેલું રહેતું, એ ઓરડાની વસ્તુઓ કોઈની નજર સામે આવતી નહીં. એક દિવસ હું છાનેમાને એ ઓરડાની અંદર સરકી ગયો. મેં આ ઓરડાના એકેએક ખૂણામાં ઝાડ, પક્ષીઓ અને કંઈકેટલીય કલાકૃતિઓ ઝળહળતી જોઈ, મારી આંખો માટે તો એ દ્રશ્ય સ્વર્ગ સમું હતું. મેં આ કળામાં નિપુણતા હાંસલ કરવાને મારા જીવનનું લક્ષ્ય બનાવી દીધું અને ત્યાર બાદ ઘણી વાર જુદી જુદી ડિઝાઇનો ધ્યાનથી જોવા હું છાનેમાને એ ઓરડામાં સરકી જતો અને પછીથી તેવી ડિઝાઇનો કોતરવા મારો હાથ અજમાવી જોતો. બીજા એક કારીગરે મને ઓરડામાં જઈને કલાકૃતિઓ જોતો જોઈ લીધો અને તેણે મારા પર ચોરીનો આરોપ મૂક્યો. પરંતુ પછીથી તેણે આ કલા પ્રત્યેનું મારું સમર્પણ જોઈને મને જવા દીધો.
એ ઓરડમાં કલાકૃતિઓનું ધ્યાનથી નિરીક્ષણ કરીને હું જે શીખ્યો એ મને જિંદગીમાં ક્યારેય કોઈએ શીખવ્યું નથી.


ડાબે: ગુલામ લાકડાના જ્વેલરી બોક્સ, કોફી ટેબલ, લેમ્પ વિગેરે પર કોતરણી કરે છે. આ ટુકડો દરવાજા પર લગાવવામાં આવશે. જમણે: ગુલામે ડિઝાઈન દોરીને કોતરણી કરી છે. હવે તે એક સફાઈપૂર્વકનો લીસ્સો અંતિમ દેખાવ આપવા માટે સપાટીને પોલિશ કરશે


ગુલામ કહે છે કે તેમની ડિઝાઇન કાશ્મીરની વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને કુદરતી દ્રશ્યોથી પ્રેરિત છે. જમણી બાજુએ તેઓ 18મી સદીમાં બંધાયેલા હરિ પરબત કિલ્લા અને શ્રીનગર શહેરમાં દાલ સરોવરની પશ્ચિમે આવેલ મખદૂમ સાહિબના મકબરાનું તેમણે દોરેલું ચિત્ર બતાવે છે
અગાઉ લોકો ચિનાર વૃક્ષ [પ્લેટેનસ ઓરિએન્ટલિસ], દ્રાક્ષ, કેઈન્ડપૂશ [ગુલાબ], પાનપૂષ [કમળ] વિગેરેની ડિઝાઇન કોતરતા. આજે લોકો કેઇન્ડપૂશ ડિઝાઇન ભૂલી ગયા છે અને હવે સરળ કોતરણી કરવાનું પસંદ કરે છે. મેં કેટલીક જૂની ડિઝાઇનો પાછી લાવવા અને ઓછામાં ઓછી 12 અસલ ડિઝાઇનોની કોતરણી કરવાના મારાથી બનતા પ્રયાસ કર્યા છે; એમાંથી બે વેચાયા છે. તેમાંની એક ડિઝાઇન એક ટેબલ પર કોતરેલા બતકની હતી અને બીજી એક વેલની ડિઝાઇન હતી.
1984 માં મેં જમ્મુ અને કાશ્મીરના હસ્તકલા નિદેશાલય (ડિરેક્ટોરેટ ઓફ હેન્ડીક્રાફ્ટ, જમ્મુ એન્ડ કાશ્મીર) દ્વારા અપાતા રાજ્ય પુરસ્કાર માટે બે ડિઝાઇન મોકલી આપી હતી. મને મારા બંને સબમિશન માટે પુરસ્કાર મળ્યો. આમાંની એક ડિઝાઇન કાશ્મીરના એક ગામની બહારના દ્રશ્યમાંથી પંચાયતની બેઠક પર આધારિત હતી. આ ડિઝાઇનમાં શીખ, મુસ્લિમ, પંડિત એમ વિવિધ સમુદાયોના લોકો, બાળકો અને મરઘીઓ સાથે ટેબલની આસપાસ બેઠેલા છે. ટેબલ પર ચાથી ભરેલ સમવર [વાસણ], એ (પીવા) માટેના કપ, એક હુક્કો અને તમાકુથી છે. ટેબલની આસપાસ બાળકો અને મરઘીઓ હતા.
પુરસ્કાર જીત્યા પછી 1995 માં રાષ્ટ્રીય પુરસ્કાર માટે મારું કામ સબમિટ કરવાની મને પ્રેરણા મળી. આ વખતે મેં એક બોક્સ પર કોતરણી કરી. બોક્સના દરેક ખૂણા પર ચહેરાના અલગ-અલગ હાવભાવ અને લાગણીઓ કોતરેલા હતા: હાસ્ય દ્વારા દર્શાવતો આનંદ, આંસુ દ્વારા દર્શાવતું રુદન, ગુસ્સો અને ભય. આ ચહેરાઓની વચ્ચેવચ્ચે, મેં ત્રિપરિમાણીય (3D) ફૂલો બનાવ્યાં. હું મારા પહેલા જ પ્રયાસમાં આ પુરસ્કાર પણ જીતી ગયો. ભારત સરકારના કાપડ મંત્રાલયના ડેવલપમેન્ટ કમિશનર (હેન્ડિક્રાફ્ટ્સ) અને ડેવલપમેન્ટ કમિશનર (હેન્ડલૂમ્સ) વતી ભારતના રાષ્ટ્રપતિ, શંકર દયાલ શર્માએ મને આ પુરસ્કાર એનાયત કર્યો. આ પુરસ્કારે "ભારતીય હસ્તકલાની પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા" માટેના મારા પ્રયત્નોની કદર કરી.
એ પછી એક કલાકૃતિ માટે જે લોકો મને 1000 રુપિયા આપતા હતા તેઓ હવે મને 10000 રૂપિયા આપવા લાગ્યા. લગભગ આ સમય દરમિયાન મારી પહેલી પત્ની મહેબૂબાનું અવસાન થયું અને અમારા ત્રણ નાના-નાના બાળકો ખાતર મારે ફરીથી લગ્ન કરવા એવો મારા માતા-પિતાએ આગ્રહ રાખ્યો. મારો દીકરો અને દીકરી 12 મા સુધી અને મારી સૌથી નાની દીકરી 5 મા ધોરણ સુધી ભણ્યા છે. સૌથી મોટો આબિદ હવે 34 વર્ષનો છે અને મારી સાથે કામ કરે છે. તેણે 2012માં પ્રથમ પ્રયાસમાં રાજ્ય પુરસ્કાર જીત્યો હતો.


ગુલામ કહે છે, 'વખત જતા કેટલાક ખાસ શિક્ષકોને કારણે મારું જીવન બદલાઈ ગયું. નૂર દિન ભટ તેમાંના એક હતા.' ગુલામે તેમના શિક્ષકની 40 વર્ષ જૂની ડિઝાઇનને કાળજીપૂર્વક સાચવી રાખી છે


ડાબે: ગુલામના દીકરા આબિદે 2012 માં જમ્મુ અને કાશ્મીરના હસ્તકલા નિદેશાલય (ડિરેક્ટોરેટ ઓફ હેન્ડીક્રાફ્ટ, જમ્મુ એન્ડ કાશ્મીર) દ્વારા આપવામાં આવતો રાજ્ય પુરસ્કાર જીત્યો. જમણે: ગુલામ તેમના કેટલાક પુરસ્કારો સાથે
વર્ષો જતા કેટલાક ખાસ શિક્ષકોને કારણે મારું જીવન બદલાઈ ગયું. નૂર દિન ભટ તેમાંના એક હતા, શ્રીનગરના નરવારા [વિસ્તાર] માં તેઓ નૂર-રોર-તોઇક તરીકે જાણીતા હતા. તેઓ મને ખૂબ ગમતા શિક્ષકોમાંના એક હતા.
હું તેમને મળ્યો ત્યારે તેઓ પથારીવશ હતા અને તેમના શરીરની જમણી બાજુ લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. હું તે સમયે લગભગ 40 વર્ષનો હતો. લોકો તેમને ફેક્ટરીઓમાંથી લાકડાના પાટિયા અથવા કોફી ટેબલ લાવી આપતા અને તેઓ તેમની પથારીમાં બેઠે બેઠે કોતરણી કરતા. આ આવકમાંથી તેમણે તેમના પત્ની અને દીકરાનું ભરણપોષણ કર્યું અને મારા અને મારા ભાઈ જેવા થોડા યુવાનોને આ કળા શીખવી. મેં તેમને પૂછ્યું કે તેઓ આ કળા અમને શીખવશે, તો તેમણે મજાકમાં કહ્યું હતું, "તમે થોડા મોડા છો."
મારા શિક્ષકે મને સાધનો અને કાચપેપરનો ઉપયોગ શી રીતે કરવો અને ડિઝાઇન કેવી રીતે બનાવવી તે શીખવ્યું. તેઓ ગુજરી ગયા તે પહેલાં હું ક્યારેય નિરાશ થઈ જાઉં અથવા ક્યાંક અટવાઈ જાઉં તો તેઓ મને બગીચામાં જઈને ફૂલોનું નિરીક્ષણ કરવાનું કહેતા: "અલ્લાહની રચનાઓમાં વળાંક અને રેખાઓ જો અને શીખ." તેમણે મને આ કળા બીજા લોકોને શીખવવાની અને તેને આગળ લઈ જવાની પ્રેરણા આપી.
પહેલાં મારો હાથ બહુ ઝડપથી ચાલતો; હું મશીનની માફક કામ કરી શકતો. પણ હવે મારી ઉંમર થઈ છે અને મારા હાથ એટલા ઝડપથી ચાલતા નથી. પરંતુ મને કોઈ અસંતોષ નથી.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક