સરિતા અસુર કહે છે, “ચોમાસા પહેલા આપણે ગ્રામ સભાની ઈમારતનું સમારકામ કરાવી લઈએ તો સારું રહેશે." તેઓ લુપુંગપાઠના લોકો સાથે વાત કરી રહ્યા છે.

ઢોલ વગાડનારે થોડા સમય પહેલા મુખ્ય શેરીમાં દાંડી પીટીને ગામની સભા શરુ થવાની જાહેરાત કરી એ પછી હજી હમણાં જ સભા શરૂ થઈ છે. પુરૂષો અને મહિલાઓ તેમના ઘરોમાંથી બહાર નીકળીને ગ્રામ સભાના કાર્યાલયમાં ભેગા થયા છે - તે બે ઓરડાની એ જ ઈમારત છે જેની મરામત માટે ભંડોળ એકઠું કરવાની સરિતા વાત કરી રહ્યા છે.

ઝારખંડના ગુમલા જિલ્લાના આ ગામના લોકો તરત જ સહમત થઈ જાય છે અને સરિતાનો પ્રસ્તાવ પસાર થઈ જાય છે.

આ ભૂતપૂર્વ રાષ્ટ્રીય હોકી ખેલાડી સરિતા પછીથી આ પત્રકારને કહે છે, “હવે અમે જાણીએ છીએ કે અમારી સમસ્યાઓનો ઉકેલ લાવવાની જવાબદારી અમારી જ છે, અને અમારી ગ્રામ  સભા જ અમારા ગામનો વિકાસ કરી શકે છે. ગ્રામ સભાએ અમારું બધાનું અને ખાસ કરીને મહિલાઓનું સશક્તિકરણ કર્યું છે."

Left: Sarita Asur outside the gram sabha secretariat of Lupungpat village.
PHOTO • Purusottam Thakur
PHOTO • Purusottam Thakur

ડાબે: લુપુંગપાઠ ગામના ગ્રામ સભા કાર્યાલયની બહાર ઊભેલા સરિતા અસુર. જમણે: ગ્રામ સભા જળ સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય સંભાળને લગતી સમસ્યાઓ પર ચર્ચા કરે છે

ઝારખંડ જિલ્લામાં આજકાલ જ્યાં જાઓ ત્યાં બધા ગુમલા જિલ્લાના લુપુંગપાઠની સક્રિય ગ્રામ સભાની જ વાતો કરી રહ્યા છે. જિલ્લા મુખ્યાલયથી ગાડીમાં જઈએ તો પણ લુપુંગપાઠ પહોંચતા એક કલાકથી વધુ સમય લાગી જાય અને ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 165 કિમીના અંતરે આવેલ આ અંતરિયાળ ગામ સુધી પહોંચવું સરળ નથી. જંગલની વચ્ચોવચ આવેલા આ ગામમાં અહીં પહોંચવા માટે પહેલા પહાડી પર ચડીને પછી કાચા રસ્તે નીચે ઊતરવું પડે છે. અહીં જવા માટે મોટી જાહેર પરિવહનની બસો સરળતાથી મળતી નથી, પરંતુ ઓટોરિક્ષા અને નાના વાહનો દેખાય છે ખરા, જોકે તે પણ ક્યારેક જ.

આ ગામ અસુર સમુદાયના લગભગ 100 પરિવારોનું ઘર છે - જે પીવીટીજી (પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ - વિશેષરૂપે સંવેદનશીલ આદિજાતિ જૂથ) તરીકે સૂચિબદ્ધ છે. આ જનજાતિ ગુમલા ઉપરાંત ઝારખંડના લોહારડાગા, પલામૂ અને લાતેહાર જિલ્લામાં વસે છે અને ( સ્ટેટિસ્ટિકલ પ્રોફાઈલ ઓફ એસટી ઈન ઈન્ડિયા, 2013 - ભારતમાં અનુસૂચિત જનજાતિની આંકડાકીય રૂપરેખા, 2013 અનુસાર) રાજ્યમાં તેમની કુલ વસ્તી 2,459 છે.

લગભગ અડધું ગામ જ શિક્ષિત છે, અને છતાં ગ્રામ સભાના તમામ કામોનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. એક સક્રિય યુવા નેતા અને ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી સંચિત અસુર કહે છે, “બધું દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે. કાર્યસૂચિ નક્કી કરવામાં આવી રહી છે, અને અમે લોકોને માટે ચિંતાનો વિષય હોય એવા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ." (પરંપરાગત લિંગભેદને ટાળીને) લિંગ-સમાનતા ધરાવતી સમિતિ તરફ આગળ વધવા માટેના વલણ પર ભાર મૂકતા તેઓ ઉમેરે છે, "ગ્રામ સભા પુરુષો અને મહિલાઓ બંને માટે છે."

સરિતા જણાવે છે કે અગાઉની ગ્રામ સભાની બેઠકોમાં માત્ર પુરુષો જ હાજરી આપતા હતા. આ ભૂતપૂર્વ રાષ્ટ્રીય હોકી ખેલાડી સરિતા કહે છે, "(બેઠકોમાં) શું ચર્ચા કરવામાં આવી તેની [અમને] મહિલાઓને ખબર જ નહોતી પડતી. એ બેઠકો મુખ્યત્વે ગામના પરિવારો વચ્ચેના ઘરેલુ વિવાદોના સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી."

સરિતા ખુશીથી ઉમેરે છે, “પણ હવે એવું નથી રહ્યું. અમે પણ ગામની ગ્રામ સભામાં ભાગ લઈએ છીએ અને દરેક મુદ્દા પર ચર્ચા કરીએ છીએ, અને (કોઈ પણ બાબતનો) અંતિમ નિર્ણય લેવામાં અમારો અભિપ્રાય પણ મહત્ત્વનો છે."

Gram sabha meetings are attended by all, irrespective age, gender and status
PHOTO • Purusottam Thakur
Right: Earlier the village depended on this natural stream of water, and women had to travel daily to collect water for their homes
PHOTO • Purusottam Thakur

વય, લિંગ અને સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના ગ્રામ સભાની બેઠકોમાં બધા જ હાજરી આપે છે. જમણે: અગાઉ ગામ પાણીના આ કુદરતી સ્ત્રોત પર નિર્ભર હતું, અને મહિલાઓને તેમના ઘર માટે પાણી ભરવા દરરોજ દૂર દૂરથી ચાલીને અહીં સુધી આવવું પડતું હતું

Water is an important issue in Lupungpat, and one that the gram sabha has looked into. A n old well (left) and an important source of water in the village
PHOTO • Purusottam Thakur
Water is an important issue in Lupungpat, and one that the gram sabha has looked into. A n old well (left) and an important source of water in the village
PHOTO • Purusottam Thakur

લુપુંગપાઠમાં પાણી એક મોટી સમસ્યા છે, અને ગ્રામ સભાએ તેને ગંભીરતાથી લઈ તેના પર ધ્યાન આપ્યું છે. ગામનો એક જૂનો કૂવો (ડાબે) અને પાણીનો મહત્વનો સ્ત્રોત

(ગામના) બીજા રહેવાસીઓ કહે છે કે તેઓ ગ્રામ સભામાં ભાગ લઈ શકે છે એનો તેમને આનંદ છે એટલું જ નહીં એ ભાગીદારી દ્વારા તેઓ મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ કરવામાં પણ સફળ રહ્યા છે. બેનેડિક્ટ અસુર કહે છે, “અમે અમારો પાણીનો પ્રશ્ન હલ કર્યો છે. અગાઉ અમારી મહિલાઓ પાણી લેવા માટે દૂર-દૂર સુધી ચાલીને જતી હતી. હવે ગામની ગલીઓમાં પાણીનો પુરવઠો મળી રહે છે, અમે રાશન લેવા માટે બીજા ગામમાં જતા હતા પરંતુ હવે તે અમને નજીકથી મળી રહે છે. માત્ર એટલું જ નહીં, પરંતુ અમે અમારા ગામને ખાણકામથી પણ બચાવ્યું છે."

ગામલોકો યાદ કરે છે કે જ્યારે તેઓએ બહારના લોકોને જંગલમાં બોક્સાઈટ ખાણકામ માટે સર્વે કરતા જોયા ત્યારે તેઓ ચેતી ગયા હતા, ગામલોકોએ ભેગા થઈને બહારના લોકોનો પીછો કરી તેઓને ત્યાંથી ભગાડી મૂક્યા હતા.

લુપુંગપાઠના ગ્રામજનોએ ગ્રામ સભા સમિતિની સાથેસાથે સાત સમિતિઓની રચના કરી છે - મૂળભૂત માળખાકીય સમિતિ, જાહેર ભંડોળ સમિતિ, કૃષિ સમિતિ, આરોગ્ય સમિતિ, ગ્રામ સુરક્ષા સમિતિ, શિક્ષણ સમિતિ અને તકેદારી સમિતિ.

ગ્રામ સભાના સભ્ય ક્રિસ્ટોફર સમજાવે છે, “દરેક સમિતિ (પોતપોતાના કાર્યક્ષેત્ર) સંબંધિત સમસ્યાઓ અને લાભાર્થીઓની પસંદગી પ્રક્રિયા અંગે ચર્ચા કરે છે. પછી તેઓ તેમનો નિર્ણય મૂળભૂત માળખાકીય સમિતિને મોકલે છે જે તેને ગ્રામ વિકાસ સમિતિને મોકલી આપે છે." અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના સેન્ટર ફોર ડેવલપમેન્ટના વડા પ્રોફેસર અશોક સિરકાર કહે છે, "જો આપણે સ્થાનિક સ્તરે લોકતાંત્રિક પ્રણાલીઓને મજબૂત બનાવીશું તો જ લોકકલ્યાણ અને સામાજિક ન્યાયના મૂળ વધુ મજબૂત થશે."

ગ્રામ સભા સમિતિના દરવાજા તમામ ગ્રામજનો માટે ખુલ્લા હોવાથી તેઓ સાથે મળીને નિર્ણયો લે છે અને પછીથી ગામના વડા અને વોર્ડ સભ્યો દ્વારા ચૈનપુર ખાતેની બ્લોક ઓફિસમાં તેની જાણ કરવામાં આવે છે.

Left: Educating their children is an important priority. A group of girls walking to school from the village.
PHOTO • Purusottam Thakur
Right: Inside Lupungpat village
PHOTO • Purusottam Thakur

ડાબે: (લુપુંગપાઠના લોકો માટે) તેમના બાળકોને શિક્ષણ આપવું એ એક ટોચની પ્રાથમિકતા છે. ગામમાંથી શાળાએ જતી છોકરીઓનું જૂથ. જમણે: લુપુંગપાઠ ગામમાં

ગુમલા જિલ્લાના ચૈનપુર બ્લોકના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (બીડીઓ) ડૉ. શિશિર કુમાર સિંહ કહે છે, "ગામ માટેની સામાજિક પેન્શન, ખાદ્ય સુરક્ષા અને રેશન કાર્ડ જેવી તમામ યોજનાઓને ગ્રામ સભા દ્વારા મંજૂર કરવામાં આવે છે અને તે પછી તેના અમલ માટે પગલાં લેવામાં આવે છે."

કોવિડ -19 દરમિયાન ઘણા સ્થળાંતરિતો ઘેર પાછા ફર્યા હતા ત્યારે આ ગ્રામ સભાએ એક સંસર્ગનિષેધ કેન્દ્ર (કવોરેનટાઈન સેંટર - સચિવાલય) ની વ્યવસ્થા કરી હતી અને સામાજિક સંસ્થાઓના સહયોગથી આ કેન્દ્રને ખોરાક, પાણી અને દવાઓ પૂરા પાડ્યા હતા.

શાળામાંથી કોઈક ભૂલને કારણે કાઢી મૂકવામાં આવેલા વિદ્યાર્થીઓ માટે ગ્રામ સભા હેઠળની ગ્રામ્ય શિક્ષણ સમિતિએ એક અનોખો ઉકેલ સૂચવ્યો હતો. ક્રિસ્ટોફર અસુરે સમજાવ્યું: "અમે આવા વિદ્યાર્થીઓની સાથે રહીને તેમને ભણાવવા માટે ગામડાના એક શિક્ષિત યુવકની નિમણૂક કરીને વિદ્યાર્થીઓને શીખવવાનું નક્કી કર્યું, બધા પરિવારોએ તે યુવકને બાળક દીઠ એક દિવસનો એક રૂપિયો ચૂકવ્યો હતો."

ક્રિસ્ટોફર કહે છે, "અગાઉ ગ્રામ સભાના નામે બ્લોક અધિકારીઓ એક રજિસ્ટર સાથે લઈને અમારા ગામમાં આવતા હતા, અને યોજનાઓ, લાભાર્થીઓ વગેરેની પસંદગી તેઓ જ કરતા હતા, અને રજિસ્ટર સાથે લઈને પાછા ફરતા હતા." પરિણામે ઘણા લાયક લોકોને સામાજિક યોજનાઓના લાભોથી વંચિત રહેવું પડતું હતું.

લુપુંગપાઠની ગ્રામ સભાએ એ બધું જ બદલી નાખ્યું છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Purusottam Thakur

Purusottam Thakur is a 2015 PARI Fellow. He is a journalist and documentary filmmaker and is working with the Azim Premji Foundation, writing stories for social change.

Other stories by Purusottam Thakur
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik