ઉસ્માનાબાદ જીલ્લાના નીળેગાંવ  ગામના આશા કાર્યકર - માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર – તનુજા વાઘોલે કહે છે કે, “લોકડાઉન દરમિયાન અમે ખૂબ તણાવમાંથી પસાર થયા છીએ. કોવિડ-૧૯ સર્વેક્ષણો ઉપરાંત  એપ્રિલથી જુલાઈ સુધીમાં મેં ૨૭ પ્રસૂતિઓ સાંભળી  છે. માતાની તપાસથી લઈને એમને પ્રસુતિ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઇ જવા સુધી,  બધા માટે હું  એમની સાથે  હતી.”

માર્ચના અંતમાં લોકડાઉન લાગુ થયા પછી તનુજાએ દરરોજ બહાર નીકળતા પહેલાં ઘરના બધા કામ પુરા કરવા અને એમના પતિ અને બે દીકરાઓ માટે ખાવાનું બનાવવા  (સામાન્ય રીતે તેઓ સવારે ૭:૩૦ વાગે ઊઠતા હતા તેને બદલે) સવારે ૪ વાગે ઊઠવાનું શરૂ કરી દીધું. તેઓ કહે છે કે, “જો હું સવારે ૭:૩૦ વાગે ઘેરથી ન નીકળું, તો બધાને  મળી ન શકું. ક્યારેક-ક્યારેક લોકો અમને અને અમારી સૂચનાઓને ટાળવા માટે જ તેમના ઘેરથી વહેલા નીકળી જાય છે.”

આશા કાર્યકર તરીકે મહિનામાં લગભગ ૧૫-૨૦ દિવસ રોજના માત્ર ૩-૪ કલાક કામ કરવાને બદલે  ૪૦ વર્ષની તનુજા, જેઓ ૨૦૧૦થી આશા કાર્યકર છે, તે હવે લગભગ દરરોજ આશરે છ કલાક કામ કરે છે.

તુળજાપુર તાલુકાના નીળેગાંવ ગામમાં કોવિડ-૧૯ નું સર્વેક્ષણ ૭ મી એપ્રિલે શરૂ થયું હતું. તનુજા અને એમના એક આશા સહકાર્યકર, અલકા મુલે, એમના ગામમાં દરરોજ ૩૦-૩૫ ઘરોની મુલાકાત લે છે. તેઓ કહે છે કે, “અમે ઘેર-ઘેર જઈએ છીએ અને  તપાસ કરીએ છીએ કે કોઈને તાવ કે કોરોના વાઈરસના બીજા કોઈ લક્ષણ છે કે કેમ.” જો કોઈને તાવની  ફરિયાદ હોય તો એમને પેરાસિટેમોલની ગોળીઓ આપવામાં આવે છે. જો એમને કોરોના વાઈરસના લક્ષણ હોય તો ૨૫ કિલોમીટર દૂર અંદુર ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય  કેન્દ્ર (પીએચસી) ને આની જાણ કરી દેવામાં આવે છે. (ત્યારબાદ પીએચસી કોઈને ગામમાં કોવિડ પરીક્ષણ માટે નમૂના  લેવા મોકલે છે; જો પરીક્ષણનું પરિણામ પોઝિટિવ આવે તો એ વ્યક્તિને કવોરન્ટાઈન કરવા માટે અને સારવાર માટે તુળજાપુરની ગ્રામીણ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.)

આશા કાર્યકરોને ગામના બધા ઘરોની તપાસ કરવામાં લગભગ ૧૫ દિવસ લાગે છે, જે પછી તેઓ ફરીથી દરેક ઘરની તપાસ કરે છે. નીળેગાંવની સીમામાં બે ટાંડા – એક સમયે વિચરતા લામણ સમુદાય, અનુસુચિત જનજાતિની વસાહતો  છે. તનુજાના અંદાજ પ્રમાણે મૂળ ગામ અને ટાંડાની કુલ વસ્તી લગભગ ૩૦૦૦ છે. (૨૦૧૧ની વસ્તીગણતરીમાં  નીળેગાંવમાં ૪૫૨ મકાનો હોવાનું નોંધાયું  છે.)
Anita Kadam (in red saree): 'ASHAs do their tasks without complaining.' Right: Tanuja Waghole (third from right) has been out on Covid surveys every day
PHOTO • Satish Kadam
In Maharashtra’s Osmanabad district, ASHA workers have been working overtime to monitor the spread of Covid-19 despite poor safety gear and delayed payments – along with their usual load as frontline health workers
PHOTO • Omkar Waghole

અનીતા કદમ (લાલ સાડીમાં): ‘આશા કાર્યકરો કોઈ પણ ફરિયાદ વગર એમનું કામ કરે છે'. જમણે: તનુજા વાઘોલે (જમણેથી ત્રીજે) કોવિડ સર્વેક્ષણ માટે દરરોજ બહાર જાય  છે.

તેમની નિયમિત જવાબદારીઓના ભાગરૂપે તનુજા અને એમના  સહકાર્યકર  ગર્ભવતી સ્ત્રીઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે, બાળજન્મ સમયે સહાયતા કરે છે, અને નવજાત બાળકોના વજન અને તાપમાન નિયમિતપણે માપે છે. તનુજા વધુમાં કહે છે કે વરિષ્ઠ નાગરિકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તેઓ કહે છે કે, “આ બધા માટે અમને સરકાર તરફથી  જે કંઈ મળે છે તે છે – કાપડનું એક માસ્ક, સેનિટાઈઝરની એક બોટલ  અને ૧૦૦૦ રુપિયા.” સર્વેક્ષણ શરૂ થવાના એક દિવસ પહેલાં ૬ એપ્રિલે એમને માસ્ક મળ્યું ,અને સર્વેક્ષણ માટે પ્રોત્સાહન ભથ્થું ફક્ત એક વાર (એપ્રિલમાં) આપવામાં આવ્યું હતું.

શહેરની હોસ્પિટલોમાં પ્રથમ હરોળના કાર્યકરોથી વિપરીત, આશા કાર્યકરો  – અથવા ‘સામુદાયિક આરોગ્ય  સ્વયંસેવકો’ – ને વ્યક્તિગત સુરક્ષા માટે કોઈ અન્ય ઉપકરણો મળ્યા નથી . એક વધારાનું  માસ્ક પણ નહીં. તનુજા કહે છે કે “મારે ૪૦૦ રુપિયા ખર્ચીને થોડાક માસ્ક ખરીદવા પડ્યા.” એમને મહિના દીઠ ૧૫૦૦ રૂપિયા માનદ વેતન મળે છે – ઉસ્માનાબાદના આશા કાર્યકરો ને ૨૦૧૪ થી આટલું જ વેતન મળી રહ્યું છે. અને તેઓને  વિભિન્ન રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અંતર્ગત “ કામગીરી આધારિત પ્રોત્સાહન ભથ્થા” ના રૂપમાં મહિને બીજા ૧૫૦૦ રૂપિયા મળે છે. આ દર પણ ૨૦૧૪ થી આટલો જ છે.

પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને મદદ કરવામાં  – ખાસ કરીને સ્ત્રીઓ, બાળકો, અને નબળા સમુદાયોના સદસ્યો સુધી આરોગ્યસંભાળ  સેવાઓ પહોંચાડવામાં - આશાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેઓ આરોગ્ય, પોષણ, રસીકરણ, અને સરકારી આરોગ્ય યોજનાઓ વિષે જાગૃતિ પણ લાવે  છે.

કોવિડ -૧૯ સર્વેક્ષણ કરતી વખતે લોકો સાથે નજીકના સંપર્કમાં આવવાને કારણે એમને  જોખમ વધે  છે. તુળજાપુર તાલુકાના દહિતાના ગામની ૪૨ વર્ષની  આશા કાર્યકર નાગીની સુર્વાસે પૂછે છે કે, “હું દરરોજ ઘણા લોકોના સંપર્કમાં આવું છું. કોને ખબર એ લોકો પોઝિટિવ છે કે નહીં? શું કાપડનું  ફક્ત એક માસ્ક પૂરતું  છે?” એમના તાલુકામાં આશા કાર્યકરોને છેક જુલાઈના મધ્યમાં એક ઇન્ફ્રારેડ થર્મોમીટર ગન અને પલ્સ ઓક્સિમીટર આપવામાં આવ્યા.

સરકારે ૨૪ મી માર્ચે લોકડાઉન જાહેર કર્યું પછી પાછા ફરી રહેલા સ્થળાંતરિત શ્રમિકોનું પ્રબંધન પણ ઉસ્માનાબાદના  આશા કાર્યકરો માટે  ચિંતાનો વિષય હતો. તનુજા કહે છે કે, “એપ્રિલથી જૂનની  વચ્ચે લગભગ ૩૦૦ સ્થળાંતરિતો અમારા ગામમાં પાછા  ફર્યા હતા. ધીરે-ધીરે આ સંખ્યા ઘટવા લાગી અને પછી  જૂનના અંતમાં  બંધ  થયું.”  મોટાભાગના  લોકો ૨૮૦ અને ૪૧૦ કિલોમીટર દૂર પુણે અને મુંબઈથી આવ્યા હતા, જ્યાં કોરોનાવાયરસનું સંક્રમણ આખા દેશમાં સૌથી વધારે હતું. “પરંતુ ૧૪ દિવસ સુધી ઘેર કવોરન્ટાઇન થવાની વારંવારની સૂચના  છતાં ઘણા લોકો બહાર નીકળતા હતા.”

'I come in contact with many people everyday... Is a mere cloth mask sufficient?' asks Nagini Survase (in a white saree in both photos)
PHOTO • Ira Deulgaonkar
'I come in contact with many people everyday... Is a mere cloth mask sufficient?' asks Nagini Survase (in a white saree in both photos)
PHOTO • Courtesy: Archive of HALO Medical Foundation

નાગીની સુર્વાસે (બંને તસવીરોમાં સફેદ સાડીમાં) પૂછે છે કે, “હું દરરોજ ઘણા લોકોના સંપર્કમાં આવું છું…શું કાપડનું  ફક્ત એક માસ્ક પૂરતું  છે?”

નીળેગાંવથી લગભગ ૨૧ કિલોમીટર દૂર, તુળજાપુર તાલુકાની dલવાડી ગ્રામ પંચાયતમાં પહેલું  કોવિડ સર્વેક્ષણ મધ્ય માર્ચથી ૭ મી એપ્રિલ સુધી કરવામાં આવ્યું હતું. ૪૨ વર્ષની આશા કાર્યકર શકુંતલા લંગાડે કહે છે કે, “એ વખતે ૧૮૨ સ્થળાંતરિત શ્રમિકો ફૂલવાડી પાછા  ફર્યા હતા. એમાંથી ઘણા મુંબઈ અને પુણેથી પગપાળા આવ્યા હતા. ઘણા લોકો અડધી રાત્રે જયારે કોઈ ચોકીદારી કરતું નહોતું ત્યારે ગામમાં પ્રવેશ્યા.” તેઓ ઉમેરે છે કે આ પંચાયતમાં ૩૧૫ પરિવારોના લગભગ ૧૫૦૦ લોકો રહે છે. શકુંતલા કહે છે કે, “સર્વેક્ષણ શરુ થઇ ગયું હોવા છતાં ૬ ઠ્ઠી એપ્રિલ પહેલા    મને સુરક્ષા માટે કંઈ નહોતું મળ્યું – ન માસ્ક, ન ગ્લોવ્સ અને ન તો બીજું કંઈ.”

ઉસ્માનાબાદ જીલ્લાના લોહારા તાલુકાના કાણેગાંવ પીએચસી માં કામ કરતા આશા સહાયિકા અનીતા કદમ કહે છે આશા કાર્યકરો  માટે ગામમાં આવનારી દરેક વ્યક્તિ પર નજર રાખવી અને તેઓ જાતે કવોરન્ટાઇન થયા છે કે નહીં તેનું ધ્યાન રાખતા રહેવું અઘરું છે. તેઓ કહે છે કે, “તેમ છતાં અમારા આશા કાર્યકરો કોઈ ફરિયાદ કર્યા વિના તેમનું કામ કરે છે.”  ૪૦ વર્ષની અનીતા પીએચસીને રિપોર્ટ કરતા બધા ૩૨ આશા કાર્યકરોના કામની દેખરેખ રાખે છે. આ માટે તેમને દર મહિને (બધા ભથ્થાઓ સહિત) ૮૨૨૫ રુપિયા મળે છે.

માર્ચ મહિનાના અંતમાં, ઉસ્માનાબાદ જીલ્લાની દરેક ગ્રામ પંચાયતમાં  ‘કોરોના સહાયતા કક્ષ’ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આનું નેતૃત્વ ગ્રામ સેવક, પંચાયતના અધિકારીઓ, સ્થાનિક સરકારી શાળાના આચાર્યો  અને શિક્ષકો તેમજ આશા અને આંગણવાડી કાર્યકરોએ કર્યું હતું. તુળજાપુરના જૂથ વિકાસ અધિકારી, પ્રશાંત સિંહ મરોડ કહે છે કે, “અમારી આશા ટીમ કોરોના સહાયતા કક્ષના આધારસ્તંભ સમાન છે. એમણે ગામમાં પ્રવેશતા બધા લોકો વિષે અમને રોજેરોજ માહિતી આપી હતી .”

શરૂઆતમાં ઉસ્માનાબાદના  ૧૧૬૧ આશા કાર્યકરો  (રાષ્ટ્રીય આરોગ્ય મિશન, મહારાષ્ટ્રની વેબસાઈટ પરના આંકડા અનુસાર 2014 સુધી; જિલ્લામાં કાર્યરત એક સંસ્થા અનુસાર આશા કાર્યકરોની હાલની સંખ્યા ૧૨૦૭ છે) ને મહામારી સામે લડવા માટે  કોઈ ઔપચારિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું નથી. તેને બદલે  એમને જિલ્લા કલેકટર કાર્યાલય દ્વારા સંકલિત કોરોના વાઈરસ વિષેની એક પુસ્તિકા જ આપવામાં આવી હતી. એમાં શારીરિક અંતર જાળવવા માટેની માર્ગદર્શિકા અને હોમ કવોરન્ટાઇન માટેના પગલા હતા. મહામારી અને શહેરોમાંથી સ્થળાંતરિત શ્રમિકોની ઘરવાપસી માટે તૈયાર કરવા  ૧૧ મી મેએ આશા કાર્યકરોને એક કલાકના વેબિનારમાં ભાગ લેવો પડ્યો હતો.

'Before April 6...I didn’t receive any no masks, gloves...' says Shakuntala Devi (standing third from left, and sitting with the green mask)
PHOTO • Satish Kadam
'Before April 6...I didn’t receive any no masks, gloves...' says Shakuntala Devi (standing third from left, and sitting with the green mask)
PHOTO • Sanjeevani Langade

શકુંતલા દેવી (ડાબેથી ત્રીજા ઊભેલા અને લીલું માસ્ક પહેરીને બેઠેલા) કહે છે, ‘’૬ ઠ્ઠી એપ્રિલ પહેલા...મને કોઈ માસ્ક કે ગ્લવ્સ મળ્યા નહોતા...’

આ વેબિનારનું આયોજન આશા સહાયિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, અને એમણે કોવિડ-૧૯ ના લક્ષણો અને હોમ કવોરન્ટાઇન થવાના તબક્કાઓ વિષે માહિતી આપી હતી. આશા કાર્યકરોને  તેમના ગામમાં પ્રવેશતા બધા લોકોની નોંધ રાખવાનું અને આ મામલે કોઈ વિવાદ થાય તો પોલીસનો સંપર્ક સાધવાનું કહેવામાં આવ્યું હતું. તનુજા કહે છે કે, “ અમને કોવિડ-૧૯ ના લક્ષણવાળા દરેકને તરત પીએચસી લઇ જવાની કડક સૂચના આપવામાં આવી હતી.” વેબિનારમાં કોવિડ-૧૯ દરમિયાન સગર્ભા સ્ત્રીઓની સંભાળ કેવી રીતે લેવી જોઈએ એ વિષે અને બાળકો તથા વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય વિષેની ચર્ચા પણ કરવામાં આવી હતી.

પરંતુ આશા કાર્યકરો એ સમયે વધારે તાકીદની બાબતો તરફ ધ્યાન દોરવા માગતા હતા. તનુજા કહે છે કે, “અમે સારી તબીબી કીટની માંગણી કરી, અમે ધારતા હતા કે આશાસહાયિકા અમારી માગણી પીએચસી સુધી પહોંચાડી શકશે.” એમણે બીજો એક મહત્વનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો: દર્દીઓના પરિવહન માટે વાહનોનો અભાવ. તનુજા કહે છે કે, “નજીકના પીએચસી [અંદુર અને નાલદુર્ગ] માં આપાતકાલીન પરિવહન સુવિધા ઉપલબ્ધ નથી. અમારા માટે દર્દીઓને ત્યાં લઇ જવા મુશ્કેલ કામ છે.”

નાગિની અમને દહિતાના ગામમાં પોતાના પતિ સાથે પુણેથી પાછી આવેલી એક સાત મહિનાની ગર્ભવતી સ્ત્રીની વાત કરે છે. લોકડાઉન દરમિયાન તે સ્ત્રીના  પતિએ  બાંધકામના સ્થળ પરની નોકરી ગુમાવી  હતી. “મે મહિનાના પહેલા અઠવાડિયાની વાત છે. જયારે હોમ કવોરન્ટાઇનની ચર્ચા કરવા  હું એમના ઘરે ગઈ ત્યારે મેં જોયું કે તેમની આંખો ઝાંખી હતી અને તેઓ નિસ્તેજ અને નબળા લાગતા  હતા. તેઓ બરાબર ઊભા પણ નહોતા રહી શકતા.” નાગીની ઈચ્છતી હતી કે તેઓ તાત્કાલિક પીએચસી જાય. “જયારે મેં એમ્બ્યુલન્સ માટે પીએચસીમાં ફોન કર્યો, તો એ ઉપલબ્ધ નહોતી. ચાર તાલુકાના પીએચસી વચ્ચે ફક્ત બે એમ્બ્યુલન્સ છે. અમે ગમે તેમ કરીને તેમને માટે એક રીક્ષાની વ્યવસ્થા કરી.”

નલદુર્ગ પીએચસીની તપાસમાં ખબર પડી કે એમનું હિમોગ્લોબીનનું સ્તર ખુબ જ નીચું હતું.  અહીંની સ્ત્રીઓમાં એનિમિયા સામાન્ય  છે, પરંતુ આ ગર્ભાવસ્થા દરમિયાન તીવ્ર એનિમિયાનો કેસ હતો. નાગીની કહે છે કે, "અમારે એ વખતે બીજી રિક્ષા શોધીને તેમને લોહી ચઢાવવા માટે દહિતાનાથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર તુળજાપુર ગ્રામીણ હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. રિક્ષાનું કુલ  ભાડું ૧૫૦૦ રુપિયા થયું. તેમની આર્થિક સ્થિતિ નબળી હતી. એટલે અમે કોરોના સહાયતા કક્ષના સદસ્યો પાસેથી પૈસા ભેગા કર્યા. શું પૂરતી એમ્બ્યુલન્સ સુનિશ્ચિત કરવી એ સરકારની મુખ્ય ફરજોમાંની એક  નથી?”

આવી પરિસ્થિતિમાં ઘણી વખત, આશા કાર્યકરો - તેમને પોસાતું ન હોય તો પણ - પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા ખર્ચે છે. નાગિનીના પતિનું ૧૦ વર્ષ પહેલા એક બીમારીથી મૃત્યુ થયું હતું. તે પછી નાગીની તેમના પરિવારની એક માત્ર કમાનાર વ્યક્તિ છે; તેમનો દીકરો અને સાસુ  તેમની આવક પર નિર્ભર છે.
Like other ASHAs, Shakuntala has been monitoring the health of pregnant women and newborns during the lockdown
PHOTO • Sanjeevani Langade
Like other ASHAs, Shakuntala has been monitoring the health of pregnant women and newborns during the lockdown
PHOTO • Sanjeevani Langade

અન્ય આશા કાર્યકરોની  જેમ શકુંતલા  લોકડાઉન દરમિયાન સગર્ભા  સ્ત્રીઓ અને નવજાત બાળકોના આરોગ્યનું ધ્યાન રાખે છે.

લોકડાઉન દરમિયાન ફૂલવાડીની શકુંતલાને આવકના અન્ય સ્ત્રોત શોધવા પડ્યા હતા. (અને તેમને હજી સુધી જૂન અને જુલાઈનું વેતન નથી મળ્યું). તેઓ કહે છે કે, “મારા પતિ, ગુરુદેવ લંગાડે ખેતમજૂર છે. તેમને રોજની  ૨૫૦ રુપિયા મજુરી મળતી હતી, પરંતુ આ ઉનાળામાં એમને ભાગ્યે જ કંઈ કામ મળ્યું. સામાન્ય રીતે એમને જૂનથી  ઓક્ટોબર મહિનાઓ દરમિયાન મહત્તમ રોજગાર મળતો હતો.” આ દંપતીને બે દીકરીઓ છે, એકની ઉંમર ૧૭ વર્ષ અને બીજીની ૨ વર્ષ છે. અને ગુરુદેવના માતા-પિતા પણ એમની સાથે રહે છે.

મે થી જુલાઈ સુધી શકુંતલા  અંદુર સ્થિત એચએએલઓ મેડીકલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત એક યોજના માટે  એમના ગામમાં ખાવાનું બનાવીને થોડાક પૈસા કમાઈ શક્યા હતા. આ નફાના હેતુ વિના ચાલતા સંગઠને પૈસા લઈને ભોજન બનાવી આપવા માટે આંગણવાડી અને આશા કાર્યકર્તાઓનો સંપર્ક સાધ્યો હતો. એમને કરિયાણું  આપવામાં આવ્યું હતું. એચએએલઓના એક સદસ્ય બસવરાજ નારે કહે છે કે, “લોહરા અને તુળજાપુર તાલુકામાં મદદની ખૂબ જ જરૂર હોય એવા ૩૦૦ લોકો અમને મળ્યા. અમે ૧૫ મી મે થી ૩૧ મી જુલાઈ સુધી ખોરાકનું  વિતરણ કર્યું.”

શકુંતલા કહે છે કે, “એના લીધે મારા જેવા, નજીવું અને અપૂરતું  વેતન મેળવતા, ઘણા આશા કાર્યકરોને મદદ મળી. મને  બે ટંક ખાવાનું  અને એક વખત ચા બનાવીને પહોંચાડવા માટે રોજના  ૬૦ રુપિયા [વ્યક્તિ દીઠ] મળ્યા. હું ૬ લોકો માટે ખાવાનું બનાવતી હતી અને રોજના  ૩૬૦ રુપિયા કમાતી હતી.”  ૨૦૧૯માં તેમણે તેમની ૨૦ વર્ષની દીકરી સંગીતાના લગ્ન માટે એક ખાનગી  શાહુકાર પાસેથી ૩ ટકાના  વ્યાજે  ૩ લાખ રુપિયાની લોન લીધી હતી. એમાંથી એમણે ૮૦૦૦૦ રુપિયા ચૂકવી  દીધા છે, અને લોકડાઉન દરમિયાન પણ તેમણે નિયમિત હપ્તા ચૂકવ્યા હતા.

શકુંતલા કહે છે કે, “મહામારી દરમિયાન  હું કામ કરતી હતી તેથી  મારા સાસુ ચિંતિત રહેતા હતા. તેઓ કહેતા કે, ‘તું આ બીમારી ઘેર લઈ આવીશ’. પણ એમને એ વાતનો ખ્યાલ નહોતો કે જો હું ગામની સંભાળ રાખીશ, તો મારા કુટુંબને  ભૂખે મરવા વારો નહિ આવે .”

તનુજાને પણ આ યોજના  માટે રસોઈ બનાવવાના રોજના  ૩૬૦ રુપિયા મળતા  હતા. દરરોજ તેઓ આશા કાર્યકર તરીકેનું પોતાનું કામ પૂરું કરી ઘેર આવીને ખાવાનું બનાવતા અને પછી છ ટિફિન પહોંચાડતા. તેઓ કહે છે, “બપોર પછી લગભગ ૪ વાગે એમને ચા આપ્યા પછી હું કોરોના સહાયતા કેન્દ્રની દૈનિક બેઠક માં ભાગ લેવા જતી હતી.”
ASHAs – like Suvarna Bhoj (left) and Tanuja Waghole (holding the tiffin) – are the 'first repsonders' in a heath crisis in rural areas
PHOTO • Courtesy: Archive of HALO Medical Foundation
ASHAs – like Suvarna Bhoj (left) and Tanuja Waghole (holding the tiffin) – are the 'first repsonders' in a heath crisis in rural areas
PHOTO • Omkar Waghole

સુવર્ણા ભોજ (ડાબે) અને તનુજા વાઘોલે (હાથમાં ટિફિન લઈને) જેવા આશા કાર્યકરો  ગ્રામીણ વિસ્તારોમાં કોઈપણ આરોગ્ય સંકટનો સામનો કરનારા 'પહેલા લોકો' છે

આશા કાર્યકરોનું કહેવું છે કે, ૧૩ ઓગસ્ટ સુધી તુળજાપુર તાલુકામાં ૪૪૭ કોવિડ-પોઝિટિવ કેસ હતા અને લોહારામાં ૬૫ હતા. દહિતાનામાં ૪ કેસ નોંધાયા છે જયારે કે નીળેગાંવ અને ફૂલવાડીમાં હજુ સુધી એકપણ પોઝિટિવ કેસ આવ્યો નથી.

૨૫ મી જૂને મહારાષ્ટ્ર સરકારે માસિક માનદ વેતનમાં – આશા કાર્યકરો માટે ૨૦૦૦ રુપિયાના અને આશા સહાયિકાઓ માટે ૩૦૦૦ રુપિયાના  – વધારાની જાહેરાત કરી હતી જેની શરૂઆત જુલાઈથી થવાની હતી. ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ સર્વેક્ષણ માટે આશા કાર્યકરોની કામગીરીનો  હવાલો આપતા, સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ રાજ્યના ૬૫૦૦૦થી પણ વધુ આશા કાર્યકરોને “આપણી આરોગ્ય  પ્રણાલીના મજબૂત આધારસ્તંભ” ગણાવ્યા હતા.

અમે જે આશા કાર્યકરો સાથે વાત કરી તેમને ૧૦ મી ઓગસ્ટ સુધી એમનું જુલાઈનું સુધરેલું માનદ વેતન કે પ્રોત્સાહન ભથ્થું મળ્યું નહોતું.

પરંતુ  તેમ છતાં તેઓ કામ કરતા હતા. તનુજા કહે છે કે, “અમે અમારા લોકો માટે અથાક મહેનત  કરીએ છીએ. ભલે ને ભયંકર  દુકાળ હોય, ભારે વરસાદ હોય, કરાવૃષ્ટિ હોય કે પછી કોરોના વાઈરસ જ કેમ ન હોય  કોઈ પણ પરિસ્થિતિમાં લોકોના આરોગ્ય માટે અમે મોખરે હોઈએ છીએ. ૧૮૯૭માં પ્લેગના પ્રકોપ વખતે લોકોની મદદ કરવા માટે નિસ્વાર્થ ભાવે પોતાની જાતને સમર્પિત કરી દેનાર  સાવિત્રીબાઈ ફૂલે અમારે માટે  પ્રેરણારૂપ છે.”

તાજાકલમ: ઉસ્માનાબાદના આશા કાર્યકરો  અને સહાયિકાઓએ  આશા સંગઠનો  દ્વારા ૭-૮ ઓગસ્ટે આપેલ દેશવ્યાપી  હડતાલના એલાનને ટેકો આપ્યો હતો. આશા કાર્યકરોને સ્થાયી શ્રમિકોના રૂપમાં નિયમિત કરીને, વ્યાજબી  (અને સમયસર) વળતર, માનદ વેતન કે પ્રોત્સાહન ભથ્થાના દરમાં વધારો  અને પરિવહન સુવિધાઓની લાંબા સમયથી ન સંતોષાયેલી માગણીઓની સાથે-સાથે તેઓ સુરક્ષા ઉપકરણો, કોવિડ-૧૯ ના કામ માટે વિશેષ તાલીમ, પ્રથમ હરોળના કાર્યકરો માટે નિયમિત પરીક્ષણ અને મહામારીના સમય દરમિયાન વીમાની માગ કરી રહ્યા  છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Ira Deulgaonkar

Ira Deulgaonkar is a 2020 PARI intern. She is a Bachelor of Economics student at Symbiosis School of Economics, Pune.

Other stories by Ira Deulgaonkar
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad