તેલંગાણાના સંગારેડ્ડી જીલ્લાના અન્નારામ ગામમાં ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા કુની તમાલિયા પૂછે છે કે, “મારી પાસે મોબાઈલ ફોન નથી, હું કઈ રીતે સરકારમાં નોંધણી કરાવી શકું?”  તેઓ વિચારતા હતા કે અમે તેમને અને તેમના બાળકોને પાછા તેમને ઘેર ઓરિસ્સા લઈ  જનાર ખાસ શ્રમિક ટ્રેન માટે તેમનું નામ નોંધવા આવ્યા છીએ કે શું.

પરપ્રાંતીય કામદારોએ તેલંગાણા સરકારની વેબસાઇટ પર પરિવહન માટેની વિનંતી નોંધાવવા માટે મોબાઇલ ફોન નંબર આપવો આવશ્યક છે – અને ઓડીશા સરકારે પણ પરત ફરી રહેલા કામદારો માટે આવું રાખ્યું છે.

કુની તેમના ૧૫ વર્ષીય દીકરા ભક્તા અને ૯ વર્ષીય જગન્નાથ તરફ ચિંતાની નજરે જોઇને કહે છે કે, “હું તો તેમના આધાર કાર્ડ પણ ગામમાં રાખીને આવી છું. શું તેમને ટ્રેનમાં બેસવા મળશે?” કુની કહે છે કે તેઓ લગભગ ૪૦ વર્ષના છે, જો કે તેમની આધાર કાર્ડમાં ઉંમર ૬૪ વર્ષ છે. “હું નથી જાણતી કે આ કાર્ડમાં શું લખ્યું છે; તેઓ એ બધું ફક્ત કમ્પ્યુટરમાં મૂકી દે છે.”

તેમણે નવેમ્બર ૨૦૧૯માં ભઠ્ઠીમાં કામ શરુ કર્યું હતું અને મે મહિનાના અંત સુધીમાં કામ પતાવીને ઓડીશા પરત ફરવાના હતા. પરંતુ, લોકડાઉને વિધવા કુની કે જેઓ પ્રથમ વખત જ ઇંટોના ભઠ્ઠામાં કામ કરી રહ્યાં છે તેમની અનિશ્ચિતતાઓમાં વધારો કરી દીધો છે. તેમને અને તેમના બાળકોને બૌધ જીલ્લાના કાન્તામલ બ્લોકમાં આવેલ તેમના ગામ દેમુહાનીથી ટ્રકમાં ગુમ્માદીદાલા મંડળના અન્નારામમાં લાવવામાં આવ્યા હતા.

કુની તેમના બાળકો સાથે અન્નારામ આવ્યા તેના થોડા અઠવાડિયાઓ પછી ૪૨ વર્ષીય સુમિત્રા પ્રધાન પણ તેમના ૪૦ વર્ષીય પતિ  ગોપાલ રાઉત અને પાંચ બાળકો સાથે ઓડીશાથી ત્યાં આવ્યા. તેઓ બલાનગીરના તીતલાગર બ્લોકના સગડઘાટ ગામમાંથી છેલ્લા ૭-૮ વર્ષથી ભઠ્ઠામાં આવે છે. તેમનો સૌથી મોટો પુત્ર ૨૦ વર્ષીય રાજુ પણ તેમના માતાપિતા સાથે કામ કરે છે. તેઓએ ઘર છોડ્યું એ પહેલા તેમના કોન્ટ્રાક્ટરે  ઇંટો ઉચકવાના કામ બદલ ત્રણેના મળીને કુલ ૭૫૦૦૦ રૂપિયા અગોતરા આપ્યા હતા.

Left: Kuni Tamalia and son Jagannadh near their small home made with loosely stacked bricks. Right: Sumitra Pradhan, Gopal Raut and daughter Rinki
Left: Kuni Tamalia and son Jagannadh near their small home made with loosely stacked bricks. Right: Sumitra Pradhan, Gopal Raut and daughter Rinki
PHOTO • Varsha Bhargavi

ડાબે: કુની તમાલિયા અને તેમનો દીકરો જગન્નાથ અવ્યવસ્થિત ગોઠવેલી ઇંટોના તેમના નાના ઘરમાં

જમણે: સુમિત્રા પ્રધાન, ગોપાલ રાઉત અને દીકરી રીન્કી

આ સીઝનમાં ભઠ્ઠામાં થોડાક મહિના કામ કર્યા પછી જયારે માર્ચ મહિનામાં કોવિડ-૧૯ ના સમાચાર ફેલાવા લાગ્યા ત્યારે સુમિત્રા વાઈરસ વિષે ચિંતાતુરબન્યા. તેમને ચિંતા થવા લાગી કે તેમના નાના બાળકો ૯ વર્ષીય જુગલ, ૭ વર્ષીય રીન્કી અને ૪ વર્ષીય રૂપા વાઈરસથી સંક્રમિત થશે. તેમણે કહ્યું કે, “અમે સાંભળ્યું કે કોરોના ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકોને અસર કરે છે. અમે પાછા  ફરવા માંગીએ છીએ પરંતુ માલિક કહે છે કે અમારે ઓડીશા પાછા ફરતા પહેલા હજુ એક અઠવાડિયાનું કામ પૂરું કરવાનું બાકી છે. હવે અમે પાછા  પણ ફરી શકતા નથી કારણ કે અમે સાંભળ્યું છે કે અમારે ટ્રેન  માટે તેલંગાણા સરકારમાં નોંધણી કરાવવી પડશે  .”

જયારે અમે ૨૨ મે એ કામદારોને મળ્યા ત્યારે અન્નારામનું તાપમાન ૪૪ ડીગ્રી સેલ્સીયસ હતું. કુની તેમના ઇંટો ઉચકવાના કામમાંથી એક કલાકના વિરામ પર હતા. તેઓ અમને તેમના અવ્યવસ્થિત ગોઠવેલી તૂટી ગયેલી ઇંટોના બનાવેલ નાના ઘરમાં લઇ ગયા – અંદર ભાગ્યે જ જગ્યા હતી. અડધું ધાબુ એસ્બેસ્ટોસની શીટ હતી અને અડધા ભાગમાં પથ્થરોથી ઢાંકેલ પ્લાસ્ટિકની શીટ હતી. તાપમાનને નાથવા તે અપૂરતું હતું. અમારી સાથે વાત કરતી વખતે કુનીએ કામચલાઉ માટીના ચુલા પર અંગારા પર ગરમ કરેલા બચેલા ભાત બનાવ્યા.

તેમણે અમને કહ્યું કે તેઓ અઠવાડિયામાં છ દિવસ સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ભઠ્ઠીમાં કામ કરે છે. તેમને દિવસમાં બે વિરામ મળે છે – એક સવારે એક કલાકનો અને બીજો બપોરે રાંધવા, નહાવા, ખાવા, કપડા અને વાસણ ધોવા. ભઠ્ઠીમાં અમુક એવા પણ હતા કે જેમણે એક જ વિરામ મળતો હતો. તેમણે (કુનીએ)કહ્યું કે, “તેઓ ઇંટો બનાવનારા છે. હું ફક્ત ઇંટો ઉઠાવું છું. તેઓ લાંબા સમય સુધી સતત ઇંટો બનાવવાનું કામ કરે છે. તેમને અમારા કરતા વધારે પૈસા મળે છે. તેમની સરખામણીમાં મારું કામ સરળ છે.”

ઇંટો જ્યાં સૂકવવામાં આવે છે ત્યાંથી ભઠ્ઠીની એક તરફી મુસાફરી લગભગ ૧૦ મિનીટ સમય જેટલો લે છે. આ સમય દરમિયાન, કુની ઇંટોને ભરે છે, ઉપાડે છે, ઉતારે છે ને ફરીથી ભરવા પાછી ફરે છે. ઇંટો ઉઠાવનારા વિરામ લીધા વિના આમથી તેમ ચાલ્યા કરે છે. માથે પાટિયા પર ઇંટો ઊંચકીને લઇ જતી એક સ્ત્રી  તરફ ઈશારો કરીને કુની સમજાવે છે કે, “સ્ત્રીઓ એક આંટામાં ૧૨ થી ૧૬ ઇંટો લઇ જઇ શકે છે, પણ પુરુષો વધુ ઊંચકી શકે છે માટે તેઓ વધારે કમાય છે.” અમે પુરુષોને બંને બાજુ 17-17 ઇંટો ઉંચકતા જોયા, તેઓ આનું  વજન પોતાના ખભાઓ ઉપર સંતુલિત કરતા હતા.

જે ભઠ્ઠામાં કુની કામ કરે છે એ અન્નારામના અન્ય ભઠ્ઠાઓની સરખામણીમાં નાનો છે. પરિસરમાં જ રહેતા  બધા કામદારોને ભાગ્યે જ  કોઈ સુવિધાઓ આપવામાં આવી છે. અહીં  કોઈ શૌચાલય નથી અને એક સિમેન્ટની પાણીની ટાંકી બધી જરૂરિયાતો માટે પાણીનો સ્ત્રોત છે. કુની નજીકના ખુલ્લા મેદાન તરફ ઈશારો કરતા કહે છે કે, “અમે અહીં ટેન્કની નજીક નહાઈએ - ધોઈએ અને શૌચ ક્રિયા માટે ત્યાં ખુલ્લી જગ્યામાં જઈએ છીએ. અમે પીવા અને રાંધવા માટે ટેન્કમાંથી પાણી લઇ જઈએ છીએ.”

The brick carriers moved swiftly despite the blazing heat. Women carried 12 to 16 bricks per trip; men carried up to 34 at a time
PHOTO • Varsha Bhargavi

ધગધગતી ગરમી હોવા છતાંય ઈંટ ઉઠાવનારાઓ ઝડપભેર ચાલતા હતા. સ્ત્રીઓ એક આંટામાં ૧૨ થી ૧૬ ઇંટો લઈ જતી હતી જયારે પુરુષો એક સાથે ૩૪ ઇંટો ઊંચકતા હતા

નવેમ્બરમાં દેમુહાની છોડ્યા પહેલાં કુનીને અગોતરા ૨૫૦૦૦ રૂપિયા મળવાના હતા જે ઇંટો બનાવનારાઓ કરતા ૧૦૦૦૦ ઓછા છે. તેઓ કહે છે કે, “પરંતુ તેઓએ મને ફક્ત ૧૫૦૦૦ રૂપિયા જ આપ્યા. સરદારે [ઠેકેદારે] મને કહ્યું કે જયારે હું મેં મહિનામાં ભઠ્ઠીમાં કામ પૂરું કરીશ પછી મને બાકીના રૂપિયા ચૂકવશે. અહીં   તેઓ મને ખોરાક અને અન્ય ખર્ચ માટે અઠવાડિયાના ૪૦૦ રૂપિયા આપે છે. મારા પતિના મોત પછી મારા બાળકોને ખવડાવવું અઘરું થઇ ગયું હતું.”

થોડોક સમય પથારીવશ રહ્યા બાદ કુનીના પતિ ગયા વર્ષે મૃત્યુ પામ્યા. ચોખાના પોરેજના વાસણને મોટી એલ્યુમિનિયમની પ્લેટ વડે ઢાંકતા કુની કહે છે કે, “ડોકટરે અમને કહ્યું કે તેમના ઘૂંટણ ખરાબ થઇ ગયા છે. અમને ન તો દવા ખરીદવાનું કે પોસાતું હતું કે ન તો તેમને ડોકટરે કહ્યો હતો એ ખોરાક આપવાનું.”

ગામમાં કુની ડાંગર કે કપાસનાં ખેતરોમાં ખેતમજૂર તરીકે કામ કરીને દિવસના ૧૫૦ રૂપિયા કમાતા હતા. તેઓ કહે છે કે, “પરંતુ આ કામ અનિયમિત હોય છે. મને જયારે કોઈ બોલાવે ત્યારે જ કામ મળે છે. એના ઉપર જીવન પસાર કરવું અઘરું છે કારણ કે મારે બે બાળકોનો નિર્વાહ કરવાનો હોય છે. ઈંટના ભઠ્ઠામાં કામ કરવા લોકોને લઈ જવા માટે સરદાર દરવર્ષે અમારા ગામમાં આવે છે. હું આ પહેલી વખત અહીં  આવી છું.”

કુની અને તેમના બાળકો મહાર સમાજના છે કે જે અનુસૂચિત જાતિમાં આવે છે. ગઈ સિઝનમાં તેમના જીલ્લામાંથી તેમનું કુટુંબ એકલું જ અન્નારામમાં ભઠ્ઠામાં કામ કરતુ હતું. આ વર્ષે ભઠ્ઠામાં ૪૮ કુટુંબોમાંથી મોટા ભાગના કુટુંબ ઓડીશાના બલાનગીર અને નૌપદા જીલ્લામાંથી હતા. અમુક કાલાહાંડી અને બર્ગરહથી પણ હતા. નવેમ્બર ૨૦૧૯થી લઈને મે ૨૦૨૦ સુધી ભઠ્ઠામાં કુલ ૧૧૦ પુખ્ત વયના કામદારો અને ૩૭ બાળકો રહેતા હતા.

સુમિત્રા, ગોપાલ અને રાજુ જાલા સમાજના છે કે જે અનુસૂચિત જાતિમાં આવે છે. જૂનથી નવેમ્બર મહિના સુધી તેઓ પોતાના ગામમાં  ભાડુત ખેતમજૂર તરીકે કામ કરે છે. ગોપાલ કહે છે કે, “અમે કપાસ કે ઘઉં ઉગાવવા માટે અમારી પાસે જેટલા રૂપિયા હોય તે મુજબ ૩-૪ એકર જમીન ભાડે લઈએ છીએ. અમુકવાર અમે ખેતરમાં દિહાડી ખેતમજુર તરીકે કામ કરીને દિવસના ૧૫૦ રૂપિયા કમાઈએ છીએ. પરંતુ મારી પત્ની ૧૨૦ રૂપિયા કમાય છે કારણકે તેઓ સ્ત્રીઓને ઓછા પૈસા આપે છે. આ [કુલ આવક] અમારા કુટુંબ માટે પુરતી નથી.”

Children studied at the kiln's worksite school, which was shut during the lockdown. Bottom right: Kuni at the cement tank where the workers bathed and washed clothes, and filled water for drinking and cooking too
PHOTO • Varsha Bhargavi

બાળકો ભઠ્ઠાની વર્કસાઈટ શાળામાં અભ્યાસ કરતા હતા કે જે લોકડાઉન દરમિયાન બંધ થઇ ગઈ હતી. નીચે જમણે: જ્યાં કામદારો નહાય છે અને કપડા ધુએ છે તથા પીવા અને રાંધવા પાણી ભરે છે તે સિમેન્ટની ટાંકી પાસે કુની

રોડની પેલે પાર રાજ્ય શિક્ષણ વિભાગ તથા એક એન.જી.ઓ. દ્વારા ચલાવવામાં આવતી વર્કસાઈટ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સરથ ચંદ્ર મલિક કહે છે કે, “સુમિત્રાની કોરોનાવાયરસ વિષેની ચિંતા ભઠ્ઠામાંના અન્ય માતાપિતામાં પણ સ્પષ્ટ હતી. અહીં માતાપિતાને નાના બાળકો છે માટે આ [વાયરસ] બધા માટે ચિંતાનો વિષય છે. તેમણે સાંભળ્યું છે કે કોરોના યુવાનો કરતાં બાળકો અને ઘરડાઓને વધુ અસર કરે છે. તેઓ સંબંધીઓ પાસેથી કે સમાચારમાંથી દરરોજ કોરોનાના કેસ વધવાની માહિતી સાંભળીને ડરમાં રહે છે.”

શાળામાં ભઠ્ઠાના કામદારોના બાળકોને નોટબુક અને મધ્યાહન ભોજન આપવામાં આવતું હતું. પરંતુ, જ્યારથી લોકડાઉનના કારણે શાળા બંધ થઇ ગઈ હતી ત્યારથી બાળકોના માતાપિતાએ મે મહિનાના અંત સુધી લગભગ બે મહિના સુધી પોતાના પગારમાંથી વધારાના ભોજનનું આયોજન કરવું પડ્યું હતું.

કુનીના દીકરા ભક્તાએ તેમની સાથે તેલંગાણા આવવા માટે ૮મા ધોરણનો અભ્યાસ પડતો મુક્યો હતો. તેના નાના ભાઈ જગન્નાથે પણ મુસાફરીમાં જોડવા માટે ત્રીજું ધોરણ અડધેથી જ છોડી દેવું પડ્યું હતું. તેઓ બાળકોને સાથે લાવ્યા હતા કારણ કે તેમને ગામમાં મુકીને આવી શકાય તેમ નહોતું. તેઓ કહે છે કે, “ઉપરાંત, સરદારે કહ્યું હતું કે મારા બાળકો તેમનો અભ્યાસ અહીંની શાળામાં પણ ચાલુ રાખી શકશે. પરંતુ જયારે અમે અહી આવ્યા ત્યારે તેમને ભક્તાને દાખલ કરવાની ના પાડી દીધી.” કુનીને ખબર નહોતી કે વર્કસાઈટ શાળામાં ફક્ત ૧૪ વર્ષથી નાની ઉંમરના બાળકોને જ દાખલ કરવામાં આવતા હતા, અને ૧૫ વર્ષની વયે ભક્તા તે માટે લાયકાત ધરાવતો નહોતો. માટે ભક્તાએ તેની માતાને ઇંટો ઉપાડવામાં મદદ કરવાની શરુ કરી દીધી ,પણ તેને આ માટે કોઈ મહેનતાણું મળતું નહોતું.

સુમિત્રાનો બીજો છોકરો સુબલ ૧૬ વર્ષનો છે એટલે તે પણ શાળામાં જઈ શકે તેમ નથી. ગોપાલ કહે છે કે, “તે અહીં ભઠ્ઠીની બાજુમાં પોલ્ટ્રીફાર્મમાં કામ કરે છે. તેને હજુ સુધી કંઈ મહેનતાણું મળ્યું નથી પણ હું માનું છું કે અમે પાછા  જઈએ એ પહેલાં માલિક અમને પગાર આપશે.”

લોકડાઉન દરમિયાન કુનીને  અઠવાડિયાના ૪૦૦ રૂપિયા મળતા હતા પણ  તેમનાં કાર્યસ્થળની બહારનું બધું બંધ હોવાના લીધે તેમના ઓછા સંસાધનો પર પણ માઠી અસર પડી હતી. કુની કહે છે કે, “પોરેજના માટેની ચોખાની કણકી  પહેલા ૨૦ રૂપિયે કિલો મળતી  હતી, પરંતુ હવે દુકાનોમાં તે ૩૫ રૂપિયે વેચાય છે.” એપ્રિલમાં તેમને રાજ્ય સરકારના પરપ્રાંતીય કામદારો માટેની સહાયરૂપે ૧૨ કિલો ચોખા અને કામદાર દીઠ ૫૦૦ રૂપિયા મળ્યા હતા. પરંતુ, મે મહિનામાં કશું ન મળ્યું.

The 48 families working at the kiln lived on the premises with barely any facilities, and were waiting to return to Odisha
PHOTO • Varsha Bhargavi

ભઠ્ઠામાં કામ કરતા ૪૮ પરિવારો ભઠ્ઠાના  પરિસરમાં ખાસ કોઈ સુવિધા વગર રહેતા હતા અને  ઓડીશા પાછા  જવાની વાટ જોઈ રહ્યા હતા.

સંગારેડ્ડી જીલ્લાના અધિક કલેકટર જી.વીરા રેડ્ડીએ અમને કહ્યું કે, સરકારે એપ્રિલમાં પરપ્રાંતીય કામદારોને મફત ચોખા અને રોકડ વિતરણ કરવાનો આદેશ જારી  કર્યા પછી, તેઓને તેલંગાણા રાજ્ય સરકારના મુખ્ય સચિવનો પરિપત્ર મળ્યો હતો. તેમણે કહ્યું કે, “આદેશમાં એવું હતું કે આ સહાય ઈંટોની ભઠ્ઠીઓમાં કામ કરીને મજદૂરી મેળવી રહેલા મજદૂરોને લાગુ પડતી નથી. આ મફત રેશન ફક્ત લોકડાઉનના કારણે વિસ્થાપિત થઈને અટવાઈ ગયેલા પરપ્રાંતીય મજદૂરો કે જેઓને તેમને નોકરીએ રાખનાર તરફથી કોઈ પગાર મળતો નહોતો તેમને માટે જ છે.”

જયારે એમને ભઠ્ઠીમાં કામ કરતા કામદારોની નિરાશાજનક રહેણાંક અંગે પૂછવામાં આવ્યું તો એમણે  જવાબ આપ્યો કે, “કામદારો અને તેમને નોકરીએ રાખનારાઓ વચ્ચે ગાઢ સંબંધો છે, જેમાં જિલ્લા વહીવટીતંત્ર દખલ કરવા માંગતું નથી.”

જયારે અમે ૨૨મી મેએ ઈંટોની ભઠ્ઠીની મુલાકાત લીધી ત્યારે મજૂરોના ઠેકેદાર  પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે કામદારોની બરાબર કાળજી લેવાય છે. તેમની ઘેર પાછા ફરવાની ઈચ્છા અંગે તેમણે કહ્યું કે, “તેઓ તેમનું કામ પૂરું કરશે એટલે તરત જ અમે તેમને પાછા મોકલીશું.”

સુમિત્રા અને કુની બંને બને એટલું જલ્દી ઘરે જવા માંગતા હતા. સુમિત્રાએ કહ્યું કે, “અમે નવેમ્બરમાં ફરીથી ભઠ્ઠીમાં આવીશું. પરંતુ અમે અત્યારે જવા માંગીએ છીએ કારણકે અમને ડર છે કે અમારા બાળકો કોરોનાથી સંક્રમિત થશે.”

લોકડાઉન દરમિયાન કુનીને બીજી પણ ચિંતા હતી: “થોડા સમયમાં ચોમાસું શરુ થઇ જશે. જો અમે અમારા ગામમાં સમયસર નહીં પહોંચીએ તો અમને ખેતરોમાં કામ નહીં મળે અને અમારે કામ કે પગાર વગર ત્યાં રહેવું પડશે.”

પોસ્ટસ્ક્રીપ્ટ: અમે મળ્યાના એક દિવસ બાદ ૨૩મી મેએ, ભઠ્ઠીના બધા જ કામદારોને ખાસ શ્રમિક ટ્રેન દ્વારા ઓડીશા મોકલી દેવાયા હતા. બીજી જૂને, એક જનહિતની અરજીના જવાબમાં તેલંગાણા હાઈ કોર્ટે રાજ્ય સરકારને ઓડીશાના બધા જ પરપ્રાંતીય મજૂરોને તેમના ગામ પાછા મોકલવાની વ્યવસ્થા કરી આપવાનો હુકમ કર્યો હતો.

૯ મી   જૂને તેલંગાણા મજૂર કમિશનરે કોર્ટ સમક્ષ એક અહેવાલ રજૂ કરીને કહ્યું હતું કે રાજ્યમાં ૧૬,૨૫૩ કામદારો ભઠ્ઠાઓમાં છે અને ભઠ્ઠાના માલિકો દ્વારા તેમને સુવિધા પૂરી પાડવામાં આવી છે. રાજ્યના વકીલે કોર્ટને કહ્યું હતું કે ૧૧ મી જૂને ૫ શ્રમિક ટ્રેનો ૯૨૦૦ પરપ્રાંતીય મજુરોને તેલંગાણાથી ઓડીશા લઇ જવા માટે રવાના થઇ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે ૧૨ મી   જૂન પછી બીજી વધુ ટ્રેનો પણ ભઠ્ઠામાં બાકી રહેલા મજદૂરો માટે દોડાવવામાં આવશે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Varsha Bhargavi

Varsha Bhargavi is a labour and child rights activist, and a gender sensitisation trainer based in Telangana.

Other stories by Varsha Bhargavi
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad