2016 માં એક બહેનપણીના લગ્નમાં ચિત્રાએ મુતુરાજાને જોયો ત્યારે પહેલી નજરે જ મુતુરાજાના પ્રેમમાં પડી ગઈ. મુતુરાજા પણ પ્રેમમાં પડ્યો, પણ ફેર માત્ર એટલો હતો કે તેઓ ચિત્રાને જોઈ શક્યા નહીં - તેઓ અંધ હતા. ચિત્રાના પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો. તેઓએ દલીલ કરી કે એક અંધ માણસ સાથે લગ્ન કરીને ચિત્રા પોતાનું જીવન બરબાદ કરી રહી છે. ચિત્રાએ જ બંનેને માટે કમાવું પડશે એવી ચેતવણી આપી પરિવારજનોએ ચિત્રાને આ લગ્ન કરતી રોકવાના બનતા બધા પ્રયત્નો કર્યા.

તેમના લગ્ન થયાના એક મહિના પછી ચિત્રાનો પરિવાર ખોટો સાબિત થયો. ચિત્રાને હૃદયની બિમારી હોવાનું નિદાન થયું અને મુતુરાજાએ જ દિવસ-રાત તેની પૂરેપૂરી કાળજી લેવાનું શરુ કર્યું. ત્યારથી તેમનું જીવન અણધાર્યા વળાંકોથી ભરેલું છે, તેમાંના ઘણા જોખમી છે. પરંતુ તમિળનાડુના મદુરાઈ જિલ્લાના સોલંકરુની ગામમાં રહેતા 25 વર્ષના એમ. ચિત્રા અને 28 વર્ષના ડી. મુતુરાજા હિંમત અને આશા સાથે જીવનના પડકારોનો સામનો કરે છે. આ છે તેમની પ્રેમકહાણી.

*****

ચિત્રા 10 વર્ષની હતી ત્યારે તેના પિતા ઘર છોડીને જતા રહ્યા, ત્રણ દીકરીઓ, હેબતાઈ ગયેલી પત્ની, અને પુષ્કળ દેવું પાછળ છોડીને. શાહુકારો દ્વારા પરેશાન ચિત્રાની માતાએ પોતાના બાળકોને શાળામાંથી ઊઠાડી લીધા અને પડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં ભાગી ગયા, ત્યાં તેઓ બધા સુતરાઉ દોરાનું ઉત્પાદન કરતા કારખાનામાં કામ કરવા લાગ્યા.

બે વર્ષ પછી તેઓ મદુરાઈ પાછા ફર્યા, અને આ વખતે તેઓ શેરડીના ખેતરમાં કામ કરવા ગયા. ચિત્રા 12 વર્ષની હતી; તે સૂકાઈ ગયેલા સાંઠા ખેંચીને દૂર કરીને શેરડીની 10 હાર સાફ કરી 50 રુપિયા કમાતી. એ પીડાદાયક કામ હતું, તેના હાથમાં છાલાં પડી જતા અને તેની પીઠ દુખવા લાગતી. પરંતુ તેમ છતાં તેઓ તેના પિતાની લોન ચૂકવી શક્યા નહીં. તેથી ચિત્રા અને તેની મોટી બહેનને સુતરાઉ કાપડની મિલમાં કામ કરવા મોકલવામાં આવ્યા. ત્યાં તે 30 રુપિયાનું દાડિયું કમાતી અને ત્રણ વર્ષ પછી તેણે પિતાની લોન ચૂકવી દીધી - એ સમય દરમિયાન દાડિયું વધીને 50 થયું હતું. ચિત્રાને લોનની રકમ કે વ્યાજ દર યાદ નથી. અનુભવથી તેઓ જાણે છે કે એ કમર તોડી નાખે એટલું હતું.

Chitra plucks 1-2 kilos of jasmine flowers (left) at a farm for daily wages. She gathers neem fruits, which she sells after drying them
PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ચિત્રા દાડિયા મજૂરી પેટે એક ખેતરમાંથી 1-2 કિલો ચમેલીના ફૂલો (ડાબે) ચૂંટે છે. તેઓ લીંબોળી એકઠી કરે છે અને તેને સૂકવીને તેઓ એ વેચે છે

હજી તો એક લોનની ચૂકવણી માંડ પૂરી થઈ ત્યાં જ બીજી લોનની જરૂર પડી - તેની મોટી બહેનના લગ્ન થવાના હતા. ચિત્રા અને તેની નાની બહેન ફરી કામે લાગ્યા, આ વખતે તેઓ કાપડની મિલમાં કામે લાગ્યા. તેઓને સુમંગલી યોજના હેઠળ નોકરી આપવામાં આવી હતી, આ યોજના એ તમિળનાડુમાં ખાનગી કાપડ મિલો દ્વારા શરૂ કરાયેલ એક વિવાદાસ્પદ કાર્યક્રમ છે, જે કથિત રીતે છોકરીઓને તેમના લગ્નના ખર્ચને પહોંચી વાળવામાં મદદ કરે છે. આ યોજના હેઠળ ગરીબ અને વંચિત સમુદાયોની અપરિણીત મહિલાઓની લગભગ ત્રણ વર્ષના સમયગાળા માટે કામ કરવા માટે ભરતી કરવામાં આવી હતી, અને તેમના પરિવારોને તેમના કરારના અંતે એક સામટી રોકડ રકમ ચૂકવવાનું વચન આપવામાં આવ્યું હતું. વર્ષે 18000 રુપિયા કમાતી ચિત્રા હજી તો કિશોર વયની હતી અને દેવાની ચૂકવણી કરવા માટે કાળી મજૂરી કરતી હતી. 20 વર્ષની ઉંમરે તે મુતુરાજાને મળી એ પહેલા 2016 સુધી તેણે ઘર ચલાવ્યું.

*****

ચિત્રાને મળ્યાના ત્રણ વર્ષ પહેલા મુતુરાજાએ તેમની બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. એ તારીખ અને સમય તેમના મગજમાં બરોબર કોતરાઈ ગયેલ છે - 13 મી જાન્યુઆરી, 2013 ના રોજ સાંજના 7 વાગ્યાનો એ સમય હતો. પોંગલના તહેવારની આગલી રાત.  તેમને જ્યારે ખ્યાલ આવ્યો કે તેમને હવે કશું જ દેખાતું નહોતું ત્યારે તેમનો સતત વધતો જતો ગભરાટ તેમને આજેય યાદ છે.

પછીના થોડા વર્ષો તેમને માટે ખૂબ દુઃખદ અને સ્તબ્ધ કરી મૂકનારા હતા. તેઓ મોટે ભાગે ઘરની અંદર જ રહેતા - ગુસ્સે થઈ જતા, વિચલિત થઈ જતા અને રડતા - અને આત્મહત્યાના વિચારો તેમને ઘેરી વળતા. પણ જેમતેમ કરીને એ સમય પસાર થઈ ગયો અને તેઓ બચી ગયા. ચિત્રાને મળ્યા ત્યારે તેઓ 23 વર્ષના હતા અને અંધ હતા, અને તેઓ જાણે "એક જીવતી લાશ માત્ર હોય તેવું તેમને લાગતું". તેઓ હળવેથી કહે છે એ ચિત્રા જ હતી જેણે તેમના જીવનને એક નવો આયામ આપ્યો.

મુતુરાજા સંપૂર્ણપણે અંધ થઈ ગયા તે પહેલા જ એક પછી એક કમનસીબ અકસ્માતોની હારમાળાને કારણે તેમની દ્રષ્ટિ ખૂબ નબળી પડી ગઈ હતી. જ્યારે તેઓ સાત વર્ષના હતા ત્યારે તેઓ અને તેમની બહેન મદુરાઈમાં તેમના ખેતરમાં ગુલાબના છોડ રોપતા હતા, જ્યાં તેઓ વેચવા માટે ફૂલો ઉગાડતા હતા. બસ માત્ર એક નાનકડી ભૂલ પૂરતી હતી - તેમના હાથમાંનો એક ઉખડી ગયેલો છોડ તેમની બહેને બરાબર પકડ્યો નહીં - અને દાંડી તેમના ચહેરા પર અથડાઈ અને કાંટાઓ તેમની આંખોમાં ભોંકાઈ ગયા.

છ શસ્ત્રક્રિયા બાદ તેમની ડાબી આંખમાં થોડી દ્રષ્ટિ આવી. તેમના પરિવારે તેમની ત્રણ સેન્ટ (0.03 એકર) જમીન વેચી દીધી અને પરિવાર દેવામાં ડૂબી ગયો. થોડા વખત પછી તેઓ મોટરસાઈકલ અકસ્માતનો ભોગ બન્યા ત્યારે તેમની સારી આંખમાં ઈજા થઈ. પછી મુતુરાજા માટે શાળા અને અભ્યાસ પડકારરરૂપ બન્યા - તેઓ કાળું પાટિયું કે  તેના પરના સફેદ અક્ષરો બરોબર જોઈ શકતા ન હતા. પરંતુ કોઈક રીતે તેમના શિક્ષકોની મદદથી તેઓ 10 મા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરી શક્યા.

2013 માં જાન્યુઆરીના એ દિવસે જ્યારે ઘરની સામેની શેરીમાં લોખંડના સળિયા સાથે મુતુરાજાનું માથું અથડાયું ત્યારે તેમની દુનિયા સંપૂર્ણપણે અંધકારમય બની ગઈ હતી. તેઓ ચિત્રાને મળ્યા એ પછી જ તેમના જીવનમાં પ્રકાશ - અને પ્રેમ - પાછા ફર્યા.

PHOTO • M. Palani Kumar

ચિત્રા ચમેલીના ખેતરમાં દિવસનું કામ પૂરું કરી લે એ પછી ચિત્રા અને મુતુરાજા ચાલતા ચાલતા મદુરાઈના તિરુપરંકુન્દ્રમ બ્લોકમાં સોલંકુરુની ગામમાં આવેલા તેમના ઘેર પાછા ફરે છે

*****

2017 માં લગ્નના એક મહિના પછી ચિત્રાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેઓ મદુરાઈના અન્ના નગર વિસ્તારની સરકારી હોસ્પિટલમાં ગયા હતા. ઘણા પરીક્ષણો પછી તેઓએ શોધી કાઢ્યું કે ચિત્રાનું હૃદય નબળું છે. ડોકટરોએ કહ્યું કે ચિત્રા આટલા લાંબા સમય સુધી શી રીતે જીવિત રહી એનું જ તેઓને આશ્ચર્ય થાય છે. (ચિત્રા તેમની બીમારીનું નામ આપી શકતા નથી - તેમની ફાઇલો હોસ્પિટલ પાસે છે.) તેમના પરિવારે - જેમના માટે ચિત્રાએ આખી જીંદગી મહેનત કરી હતી તેમણે - મદદ કરવાનો ઈનકાર કરી દીધો.

મુતુરાજાએ ચિત્રાની સારવાર માટે ખૂબ ઊંચા વ્યાજ દરે 30000 રુપિયા ઉછીના લીધા. ચિત્રાની ઓપન હાર્ટ સર્જરી થઈ અને ત્રણ મહિના સુધી તેઓ હોસ્પિટલમાં હતા. જ્યારે તેઓ ઘેર પાછા ફર્યા, ત્યારે તેમને સારું હતું, પરંતુ તે પછી મુતુરાજાને કાનની શસ્ત્રક્રિયાની જરૂર હતી. હતાશ થઈને, તેઓએ આત્મહત્યા કરવાનું વિચાર્યું. પરંતુ એક નવા જીવને તેમને રોક્યા - ચિત્રાને દિવસ રહ્યા. મુતુરાજા ચિંતિત હતા કે ચિત્રાનું નબળું હૃદય આ બધું સહી શકશે કે કેમ પરંતુ તેમના ડૉક્ટરે તેમને ગર્ભ કાયમ રાખવાની સલાહ આપી. મહિનાઓની ચિંતા અને પ્રાર્થનાઓ પછી તેમના દીકરાનો જન્મ થયો. અત્યારે ચાર વર્ષનો વિશાંત રાજા તેમની આશા, તેમનું ભવિષ્ય અને તેમની ખુશી છે.

*****

આ દંપતી માટે રોજિંદુ જીવન હજી આજેય મુશ્કેલ બની રહ્યું છે. ચિત્રા તેમના હૃદયની નબળી સ્થિતિને કારણે કંઈપણ ભારે વજન ઊંચકી શકતા નથી. મુતુરાજા એક હાથ ચિત્રાના ખભા પર રાખીને પાણીનો ઘડો લઈને બે શેરી દૂર એક પંપ પર પાણી ભરવા જાય છે. ચિત્રા તેમને દોરીને લઈ જાય છે, ચિત્રા જ તેમની આંખો છે. ચિત્રા ખેતરોમાંથી અને નજીકના જંગલ વિસ્તારમાંથી લીંબોળી એકઠી કરે છે, પછી તેને સૂકવીને એક માપિયાના 30 રુપિયાના ભાવે વેચે છે. ક્યારેક તેઓ મંજનતી કાઈ (ભારતીય શેતૂર) વીણીને વેચે છે, જેના તેમને એક માપિયાના 60 રુપિયા મળે છે. તેઓ ખેતરમાં એક-બે કિલો ચમેલીના ફૂલ ચૂંટે છે અને 25-50 રુપિયા દાડિયું કમાય છે.

ચિત્રાની સરેરાશ આવક દિવસના 100 રુપિયા થવા જાય છે, જે તેમના જીવનનિર્વાહ માટે ખર્ચાય છે. તમિળનાડુ સરકારની ડિફરન્ટલી એબલ્ડ પેન્શન સ્કીમ હેઠળ મુતુરાજાને દર મહિને મળતા 1000 રુપિયામાંથી તેઓ ચિત્રાની દવાઓ ખરીદે છે. ચિત્રા કહે છે, “મારું જીવન આ દવાઓ પર જ ચાલે છે. જો હું દવા ન લઉં, તો મને ખૂબ તકલીફ થાય છે."

કોવિડ-19 લોકડાઉને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ફળો ભેગા કરીને કમાણી કરવાની તેમની તક છીનવી લીધી. આવકમાં ઘટાડો થતાં ચિત્રાએ તેમની દવાઓ લેવાનું બંધ કરી દીધું. તેથી તેમની તબિયત બગડી છે - તેમને શ્વાસ લેવામાં અને ચાલવામાં તકલીફ થઈ રહી છે. પોતાની ચા માટે તેઓ દૂધ પણ ખરીદી શકતી નથી - તેથી તેમનો દીકરો કાળી ચા પીએ છે. જાણે પોતાના માતા-પિતાને, તેમની જિંદગીને, તેમના નુકસાનને અને તેમના પ્રેમને સમજતો હોય એમ વિશાંત કહે છે, “પરંતુ મને કાળી ચા જ ભાવે છે."

Chitra’s chest scans from when her heart ailment was diagnosed in 2017. Recently, doctors found another problem with her heart. She needs surgery, but can't afford it
PHOTO • M. Palani Kumar
Chitra’s chest scans from when her heart ailment was diagnosed in 2017. Recently, doctors found another problem with her heart. She needs surgery, but can't afford it
PHOTO • M. Palani Kumar

2017 માં ચિત્રાને હૃદયની બિમારીનું નિદાન થયું તે વખતના ચિત્રાની છાતીના એક્સ- રે. દરમિયાન તાજેતરમાં ડોકટરોને જાણ થઈ કે ચિત્રાને હૃદયની બીજી સમસ્યા પણ છે. તેમને શસ્ત્રક્રિયા કરાવવાની જરૂર છે, પરંતુ તેમને પોસાય તેમ નથી

Chitra watches over her four year old son, Vishanth Raja, who was born after anxious months and prayers
PHOTO • M. Palani Kumar
Chitra watches over her four year old son, Vishanth Raja, who was born after anxious months and prayers
PHOTO • M. Palani Kumar

ચિત્રા 10 વર્ષની હતી ત્યારથી લાંબા સમય સુધી તનતોડ મજૂરી કરતી હતી, તેમાંથી મોટાભાગની એક ખેતમજૂર અને મિલકામદાર તરીકે હતી

PHOTO • M. Palani Kumar

ચિત્રા તેના ચાર વર્ષના દીકરા વિશાંત રાજાની સંભાળ રાખે છે, કેટલાય મહિનાઓની ચિંતા અને પ્રાર્થનાઓ પછી તેનો જન્મ થયો હતો

PHOTO • M. Palani Kumar

તેમનો દીકરો તેમની દુનિયા છે; મુતુરાજા કહે છે દીકરો હોત તો તેમણે અને ચિત્રાએ ( હતાશામાં) પોતાના જીવનનો અંત આણ્યો હોત

PHOTO • M. Palani Kumar

વિશાંત તેના માતા- પિતા સાથે ગીતો અને નૃત્ય કરીને તેમને આનંદ કરાવે છે. તેની આસપાસ પરિવારનો ઘરનો તમામ જરૂરી સરસામાન જોવા મળે છે

PHOTO • M. Palani Kumar

ચિત્રા શૌચાલયનો ઉપયોગ કરવા નજીકમાં આવેલા તેના સસરાના ઘેર જવું પડે છે કારણ કે તેમના ભાડાના ઘરમાં શૌચાલય નથી

PHOTO • M. Palani Kumar

ચિત્રા અને મુતુરાજાના ઘરની એસ્બેસ્ટોસ છત જોરદાર પવન અને ભારે વરસાદથી ઉડી ગઈ હતી. તેમના સંબંધીઓએ તેમને છત માટે નવી શીટ લાવવામાં મદદ કરી

PHOTO • M. Palani Kumar

મુતુરાજા, ચિત્રા અને વિશાંત દરરોજ પાણી ભરવા બે શેરીઓ દૂર આવેલ પંપ સુધી ચાલે છે

PHOTO • M. Palani Kumar

હૃદયની બીમારીને કારણે ચિત્રા કંઈપણ ભારે વજન ઊંચકી શકતી નથી, તેથી મુતુરાજા ઘડો ઊંચકે છે અને ચિત્રા મુતુરાજાને દોરીને લઈ જાય છે

PHOTO • M. Palani Kumar

તેમના જર્જરિત ઘરમાં ચિત્રાએ તેમના તબીબી ખર્ચના તમામ કાગળો કાળજીપૂર્વક સાચવીને રાખ્યા છે

PHOTO • M. Palani Kumar

મુતુરાજાના પરિવારનો જૂનો ફોટો - બીજી હરોળમાં છેક જમણી બાજુએ વાદળી ટી- શર્ટ પહેરેલો છોકરો મુતુરાજા છે

PHOTO • M. Palani Kumar

ચિત્રા અને મુતુરાજાનું જીવન જોખમી વળાંકોથી ભરેલું છે, પરંતુ તેઓ આશાપૂર્વક તેનો સામનો કરે છે

વાર્તાનું લખાણ અપર્ણા કાર્તિકેયને પત્રકારના સહયોગથી લખ્યું છે.

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

M. Palani Kumar

M. Palani Kumar is Staff Photographer at People's Archive of Rural India. He is interested in documenting the lives of working-class women and marginalised people. Palani has received the Amplify grant in 2021, and Samyak Drishti and Photo South Asia Grant in 2020. He received the first Dayanita Singh-PARI Documentary Photography Award in 2022. Palani was also the cinematographer of ‘Kakoos' (Toilet), a Tamil-language documentary exposing the practice of manual scavenging in Tamil Nadu.

Other stories by M. Palani Kumar
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik