ભરવાડ ગૌર સિંહ ઠાકુર કહે છે, “ચિત્તાના હુમલાને કારણે વર્ષ દરમિયાન અમે અમારા ઘણા પશુઓ ગુમાવીએ છીએ. ચિત્તા રાત્રે આવે છે અને અમારા પશુઓને ઉઠાવી જાય છે."  તેઓ ઉમેરે છે કે સ્થાનિક ભૂટિયા કૂતરો, શેરૂ પણ તેમને દૂર રાખી શકતો નથી .

તેઓ હિમાલયની ગંગોત્રી પર્વતમાળામાં એક ઊંચી જગ્યાએ બેસીને અમારી સાથે વાતચીત કરી રહ્યા છે. તેઓ જે પશુઓ ચરાવે છે તે ઉત્તરકાશી જિલ્લાના સૌરા ગામમાં અને તેની આસપાસ રહેતા સાત પરિવારોના છે. ગૌર સિંહ પણ એ જ ગામના રહેવાસી છે, જે અહીંથી 2000 મીટર નીચે આવેલું છે. વર્ષમાં નવ મહિના સુધી પશુઓની સંભાળ રાખવા તેમને કરારબદ્ધ કરવામાં આવ્યા છે. વરસાદ હોય કે હિમવર્ષા થતી હોય તેમણે તો બહાર જઈ પશુઓને ચરાવવા રહ્યા, ભેગા કરીને ગણતરી કરીને સલામત પાછા લાવવા રહ્યા.

પર્વત પર અહીં-ત્યાં ચરતાં પશુઓ તરફ જોઈને બીજા ભરવાડ, 48 વર્ષના હરદેવ સિંહ ઠાકુર કહે છે, "અહીં અંદાજે 400 ઘેટાં અને 100 બકરાં છે." પશુઓની ચોક્કસ સંખ્યા કેટલી હશે એની તેમને સ્પષ્ટ જાણકારી નથી. તેઓ ઉમેરે છે, "કદાચ વધારે પણ હોય." હરદેવ છેલ્લા 15 વર્ષથી આ કામ કરી રહ્યા છે. તેઓ સમજાવે છે, "કેટલાક ભરવાડો અને તેમના સહાયકો માત્ર બે અઠવાડિયા માટે અહીં આવે છે ને પછી પાછા જતા રહે છે, મારા જેવા કેટલાક અહીં જ રહે છે."

ઑક્ટોબર મહિનો છે, અને ઉત્તરાખંડમાં ગઢવાલ હિમાલયની ગંગોત્રી પર્વતમાળા પર 'ચુલી ટોપ' ના ઘાસના વિશાળ મેદાનોમાં હાડ ગાળી નાખતો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. ધક્કામુક્કી કરતા પશુઓ વચ્ચે ફરતા માણસોએ શરીરે ધાબળો વીંટાળેલો હોય છે. ભરવાડો કહે છે કે આ એક સારું ઘાસનું મેદાન છે, ઉપર જમા થયેલા બરફમાંથી નીકળતું આ નાનકડું ઝરણું પશુઓ માટે પાણીનો ખાતરીપૂર્વકનો સ્ત્રોત છે. સર્પાકારે નીચે વહેતા 2000 મીટર લાંબા પથરાળ રસ્તે ખડકોની તિરાડોમાંથી પસાર થઈ એ નીચે વહેતી ભાગીરથીની ઉપનદી ભીલંગાણા નદીને જઈને મળે  છે.

Guru Lal (left), Gaur Singh Thakur, and Vikas Dhondiyal (at the back) gathering the herd at sundown on the Gangotri range
PHOTO • Priti David

ગુરુ લાલ (ડાબે), ગૌર સિંહ ઠાકુર અને વિકાસ ધોંડિયાલ (પાછળની બાજુએ) ગંગોત્રી પર્વતમાળા પર સૂર્યાસ્ત સમયે તેમના ટોળાને ભેગા કરી રહ્યા છે

Sheroo, the Bhutia guard dog, is a great help to the shepherds.
PHOTO • Priti David
The sheep and goats grazing on Chuli top, above Saura village in Uttarkashi district
PHOTO • Priti David

ડાબે:  ભૂટિયા રક્ષક કૂતરો, શેરૂ, ભરવાડો માટે ખૂબ મદદરૂપ છે. જમણે: ઉત્તરકાશી જિલ્લાના સૌરા ગામની ઉપર ચુલી ટોપ પર ચરતાં ઘેટાં-બકરાં

ઊંચા પર્વતોમાં સેંકડો પ્રાણીઓની સંભાળ રાખવી એ જોખમભર્યું કામ છે. ગીચ ઝાડની હરોળ પાછળ મોટા ખડકો અને ઢોળાવવાળા અસમથળ મેદાનો  શિકારીઓને સરળતાથી છુપાવા માટેની જગ્યા પૂરી પાડે  છે, પછી એ બેપગા (માણસ) હોય કે ચોપગા (જાનવર). અને એ ઉપરાંત  ઠંડી અથવા રોગથી પણ ઘેટાં-બકરાંની મરવાની સંભાવના છે. હરદેવ કહે છે, “અમે તંબુઓમાં રહીએ છીએ અને પશુઓ અમારી આસપાસમાં ફરતા હોય છે. અમારી પાસે બે કૂતરા છે, પરંતુ તેમ છતાં ચિત્તા ગાડરાં અને લવારાંને નિશાન બનાવીને ઉઠાવી જ જાય છે." હરદેવના ટોળામાં 50 ઘેટાં છે; જ્યારે ગૌર સિંહ પાસે 40 છે.

ભરવાડો અને તેમના બે સહાયકો સવારના 5 વાગ્યાથી જ ઉઠી ગયા છે, મેં-મેં કરતા પશુઓને પર્વત પર આગળ ધકેલી ઉપરની તરફ દોરી જઈ રહ્યા છે. શેરૂ આ કામમાં ખૂબ મદદરૂપ છે, એ ઘેટાંના ઝૂંડને વિખેરી નાખે છે જેથી દરેકને પૂરતો ચારો મળી રહે.

હરિયાળા ગોચરની શોધમાં આ ટોળું એક દિવસમાં 20 કિલોમીટર, કે ક્યારેક તો એથીય વધુ અંતર કાપી શકે છે. વધુ ઊંચાઈ પર ઘાસ સામાન્ય રીતે બરફના સ્થાયી સ્તરની નીચે જોવા મળે છે. પરંતુ વહેતા પાણી સાથેના આવા ઘાસના મેદાનો શોધવા એ એક પડકાર બની શકે છે. ભરવાડો ઘાસની શોધમાં ઘણીવાર 100 કિમીથી વધુ ઉત્તરમાં ભારત-ચીન સરહદની નજીક સુધી ગયા છે.

Guru Lal, Gaur Singh Thakur, Vikas Dhondiyal and their grazing sheep on the mountain, with snowy Himalayan peaks in the far distance
PHOTO • Priti David

ગુરુ લાલ, ગૌર સિંહ ઠાકુર, વિકાસ ધોંડિયાલ અને પર્વત પર ચરતાં તેમના ઘેટાં, સાથે દૂર દૂર પૃષ્ઠભૂમિમાં હિમાલયના હિમાચ્છાદિત શિખરો જોઈ શકાય છે

પુરુષો નાના તંબુઓમાં રહે છે અને કેટલીકવાર ચન્નીનો - પશુઓને રાખવા  માટેની બનાવેલી પથ્થરની કાચી છાપરીનો - ઉપયોગ કરે છે,  છત તરીકે તેઓ ચન્ની પર પ્લાસ્ટિકની શીટ ઢાંકી દે છે.  ચરવા માટેના મેદાનની શોધમાં તેઓ જેમ જેમ ઉપર ચઢે છે તેમ તેમ વૃક્ષો પાતળા થતા જાય છે અને રસોઈ માટે સૂકા લાકડા એકઠા કરવા માટે ઉતરચઢ કરવામાં તેઓના સમય અને શક્તિ ખર્ચાય છે.

ઉત્તરકાશી જિલ્લાના ભટવારી જિલ્લાના સૌરા નજીક આવેલા જામલો કસ્બાના રહેવાસી હરદેવ કહે છે, “વર્ષમાં લગભગ નવ મહિના અમે અમારા ઘરથી દૂર રહીએ છીએ. અહીં [ચુલી ટોપ] આવતા પહેલા અમે ગંગોત્રી નજીક  હરસિલમાં છ મહિના સુધી રોકાયા હતા; અહીં આવ્યાને બે મહિના થઈ ગયા છે. ઠંડી વધતી જાય છે એટલે હવે નીચે ઉતારી અમે અમારે ઘેર જઈશું." તેમની પાસે સૌરામાં એક વીઘા કરતાંય થોડી ઓછી જમીન (એક વીઘા એટલે એક એકરનો પાંચમો ભાગ) છે. તેમની પત્ની અને બાળકો જમીનની સંભાળ રાખે છે, તેના પર તેઓ પોતાના ઉપયોગ પૂરતા ચોખા અને રાજમા ઉગાડે છે.

શિયાળાના ત્રણ મહિના  જ્યારે બરફને કારણે આસપાસ હરવા-ફરવાનું અશક્ય બને છે ત્યારે આ પશુઓનું ટોળું અને તેમના ભરવાડો તેમના ગામમાં અને ગામની આસપાસના વિસ્તારમાં રહે છે.  માલિકો તેમના પ્રાણીઓ કેવી સ્થિતિમાં છે તેની તપાસ કરે છે અને તેમની ગણતરી કરે છે. જો એકાદું પશુ ઓછું હોય તો માલિકો પશુઓની સંભાળ રાખવા માટે ભરવાડોને મહિને જે 8000-10000 ની ચૂકવણી કરે છે તેમાંથી પૈસા કાપીને એ નુકસાન ભરપાઈ કરવામાં આવે છે. સહાયકોને સામાન્ય રીતે રોકડેથી ચૂકવણી કરવામાં આવતી નથી - ચૂકવણી રૂપે તેમને લગભગ 5-10 બકરાં અથવા ઘેટાં મળતા હોય છે.

Crude stone dwellings called channi, mostly used for cattle, are found across the region.
PHOTO • Priti David
The herders (from left): Hardev Singh Thakur, Guru Lal, Vikas Dhondiyal and Gaur Singh Thakur, with Sheroo, their guard dog
PHOTO • Priti David

ડાબે: ચન્ની તરીકે ઓળખાતી પશુઓને રાખવા માટે બનાવેલી પથ્થરની કાચી છાપરી આખા વિસ્તારમાં ઠેર ઠેર જોવા મળે છે. જમણે: પશુપાલકો (ડાબેથી): હરદેવ સિંહ ઠાકુર, ગુરુ લાલ, વિકાસ ધોંડિયાલ અને ગૌર સિંહ ઠાકુર, તેમના રક્ષક કૂતરા શેરૂ સાથે

ઉત્તરકાશી જેવા નાના શહેરો અને જિલ્લા મુખ્યાલયોમાં એક ઘેટું કે બકરી લગભગ 10000 રુપિયામાં વેચાય છે. શરદીની સારવાર લઈ રહેલા ગૌર સિંહ કહે છે, “સરકાર [સત્તાધીશો] ધારે તો અમારે માટે કંઈક કરી શકે; તેઓ અમારા ઘેટાં-બકરાં વેચવા માટે કાયમી જગ્યા ઊભી કરી શકે. એનાથી અમને વધુ સારા ભાવ મેળવવામાં પણ મદદ મળી શકે." તેઓ કહે છે કે બીમારીના લક્ષણો દૂર કરવા એકાદી ગોળી માટે તેમના જેવા પશુપાલકોને આવતા-જતા રાહદારીઓ પર આધાર રાખવો પડે છે, કારણ આ વિસ્તારમાં તબીબી સુવિધાઓ સરળતાથી મળી શકતી નથી.

શિમલા જિલ્લાના ડોદરા-ક્વાર તહેસીલના 40 વર્ષના સહાયક ગુરુ લાલ કહે છે, "આ કામ માટે હું છેક હિમાચલ પ્રદેશથી 2000 કિમી પગપાળા આવ્યો છું." મારા ગામમાં કોઈ કામ જ મળતું નથી." દલિત સમુદાયમાંથી આવતા લાલ કહે છે કે તેમને નવ મહિનાના કામની ચૂકવણી રૂપે 10 બકરાં મળશે. પોતાની પત્ની અને 10 વર્ષના દીકરા પાસે ઘેર પાછા જશે ત્યારે કાં તો તેઓ પશુધન વેચશે અથવા તેનું સંવર્ધન કરશે.

હરદેવ સિંહ પશુપાલક બન્યા તેની પાછળ નોકરીની તકોનો અભાવ એ પણ એક કારણ છે. “મારા ગામના લોકો મુંબઈમાં હોટલમાં નોકરી કરવા જાય છે. અહીં પર્વત પર તે કાં તો ઠંડી અથવા વરસાદ છે. આ કામ કોઈને કરવું નથી - દાડિયા મજૂરીના કામ કરતાં આ કામ વધુ મુશ્કેલ છે. પણ દાડિયા મજૂરી મળે છે ક્યાં?” તેઓ પૂછે છે.

The shepherds at work, minding their animals, as the sun rises on the Gangotri range in the background
PHOTO • Priti David

પશ્ચાદભૂમાં ગંગોત્રી પર્વતમાળા પર સૂર્યોદય થતાંની સાથે કામે લાગેલા ભરવાડો તેમના પશુઓનું ધ્યાન રાખે છે

આ વાર્તાનો અહેવાલ તૈયાર કરવામાં સહયોગ આપવા બદલ આ પત્રકાર અંજલિ બ્રાઉન અને સંધ્યા રામલિંગમનો આભાર માને છે.

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik