“હું આવું કહીશ તો લોકો મને ગાંડો કહેશે,” એક બપોરે 53 વર્ષના જ્ઞાનુ ખારાટ તેમના ઈંટોથી બનેલા ઘરની કાદવથી બનાવેલ ફરસ પર બેઠાબેઠા કહે છે. “પણ 30-40 વર્ષ પહેલા, ચોમાસામાં અમારા ખેતરોમાં માછલીઓનું પૂર આવતું [નજીકના ઝરણામાંથી]. મેં મારા હાથેથી પકડેલી છે ”

અમે જૂનના  મધ્ય ભાગમાં એમને ઘરે પહોંચ્યા તેની થોડીજ વાર પહેલા   એક 5,000 લીટર પાણીનું ટેંકર ખારાટ વાસ્તીના ગામમાં આવ્યું છે. ખારાટ, તેમના પત્ની અને તેમના 12 જણાના સંયુક્ત કુટુંબના બીજા સભ્યો   તેમની પાસે છે તે બધાંજ વાસણ, ઘડા, કેન અને પીપમાં પાણી ભરવામાં વ્યસ્ત છે. ટેંકર એક અઠવાડિયા પછી આવ્યું છે, પાણીની તંગી ખૂબ છે.

સાંગોળે તાલુકાના ખરાટ વસ્તીથી લગભગ 5 કિલોમીટર દૂર, આશરે 3,200 લોકોની વસ્તી ધરાવતા ગૌડવાડી ગામમાં તેમના ઘરની નજીક આવેલા લીમડાના છાંયે બેઠાં 75 વર્ષનાં ગંગુબાઈ ગુલિગ  કહે છે, “તમે માનશો નહીં, 50-60 વર્ષ પહેલા, અમારે ત્યાં એટલો બધો વરસાદ પડતો હતો, કે તમે આંખો ખુલ્લી ન રાખી શકો..  તમે અહીં આવતા રસ્તામાં બાવળનું ઝાડ જોયું? એ આખીયે જમીનમાં ઉત્તમ મટકી (ચોળા) થતા. મુરુમ (લાવા ખડકો)માં વરસાનું પાણી ભરાઈ રહેતું અને અમારા ખેતરોમાંથી ઝરણાં શરૂ થતા. એક એકરમાં બાજરાની ચારજ ચાસથી 4-5 કોથળા (2-3 ક્વિંટલ) ધાન્ય થાય. જમીન એટલી સારી હતી.”

અને હૌસાબાઈ આલદાર, જે 80 વર્ષથી વધુ ઉંમરના છે, ગૌડવાડીથી નજીકના તેમના ગામ આલદાર વસ્તીમાં તેમના કુટુંબના ખેતરના જોડિયા કુવાને યાદ કરે છે, “ચોમાસામાં (લગભગ 60 વર્ષ પહેલા) બંને કુવા છલોછલ ભરેલા રહેતા. બંનેમાં બે બળદ જોડેલ મોટે (કોષ) હતા અને ચારેય એક જ સમયે ચાલતા. દિવસ હોય કે રાત, મારા સસરા પાણી કાઢીને જરૂરિયાતમંદોને આપતા. હવે તમે એક ઘડોય ન માંગી શકો. બધું ઊંધુ-ચત્તુ થઈ ગયું છે.”

PHOTO • Sanket Jain

ખારાટ સંયુક્ત કુટુંબ સાથે જ્ઞાનુ (દૂર જમણે) અને ફુલાબાઈ (દરવાજાની ડાબી બાજુ): તે ખેતરમાં તરતી માછલીઓનો સમય યાદ કરે છે

આમ જુઓ માનદેશમાં, વરસાદના છાંયડાના પ્રદેશ (જેની આગળની પર્વતમાળા વરસાદી પવનોને રોકે છે) આવેલો મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનો સંગોલ તાલુકો આવી વાર્તાઓથી ઉભરાય છે.. આ પ્રદેશ સોલપુર જિલ્લાના સાંગોળે (સામાન્ય રીતે સાંગોળા તરીકે પણ લખાય છે) અને માલશિરાસ તાલુકા, સાંગલી જિલ્લાના જાટ, અટપાડી અને કાવાથેમહાનકાલ તાલુકા, અને સતારા જિલ્લાના માન અને ખટાવ તાલુકાનો બનેલો છે.

ઘણાં સમયથી આ પ્રદેશમાં સારો વરસાદ અને દુકાળ એવું ચક્ર ચાલતું આવે છે અને લોકોના મનમાં જેટલી સમૃદ્ધિની યાદો જડાયેલી છે એટલીજ તંગીના દિવસોની પણ છે. પણ આ ગામડાઓમાં હવે “બધું ઊંધુ ચત્તુ” કેવી રીતે થઈ ગયું છે અને કેવી રીતે સમૃદ્ધિ માત્ર ભૂતકાળ બનીને રહી ગઈ છે, અને આ ચક્ર કેવી રીતે નષ્ટ થઈ ગયું છે તેની વાર્તાઓ રહી ગઈ છે. એટલું બધું, કે ગૌડવીડના નિવૃત્તિ શેંડગે કહે છે, “હવે તો વરસાદ અમારા સપનામાં પણ નથી આવતો.”

મે મહીનાની એક બળબળતી બપોરે 83 વર્ષના વિઠોબા સોમા ગુલિગ, જેમને બધાં તાત્યા કહે છે, ગૌડવાડીમાં જાનવરો માટેના કેમ્પમાં પોતાના માટે પાન બનાવતા કહે છે, “આ જમીન, જ્યાં અત્યારે કેમ્પ છે, તેની બાજરી માટે જાણીતી હતી. મેં પણ પહેલા તે ઉગાડી  છે...  હવે બધું બદલાઈ ગયું છે.” તેઓ ચિંતિત થઈને કહે છે, “અમારા ગામમાંથી વરસાદ તો જાણે ગાયબ જ થઈ ગયો છે.”

તાત્યા, દલિત હોલાર સમુદાયના છે, તેમણે તેમની આખી જિંદગી તેમની પહેલાની તેમની 5-6 પેઢીઓની જેમજ ગૌડવાડીમાં વિતાવી છે,. આ એક મુશ્કેલીભરી જિંદગી રહી છે. 60 વર્ષોથી વધુ સમયથી તેઓ અને તેમના પત્ની શેરડી કાપવા માટે સાંગલીને કોલ્હાપુર જાય છે, લોકોના ખેતરોમાં મજૂરી કરે છે અને તેમના ગામમાં અને આજુ-બાજુમાં રાજ્ય સરકાર દવારા ચલાવાતી સાઇટો પર કામ કરે છે. “અમારી ચાર એકર જમીન 10-12 વર્ષ પહેલાંજ ખરીદાઈ છે. ત્યાર સુધી એ બસ કાળી મજૂરી જ હતી,” તેઓ કહે છે.

PHOTO • Sanket Jain

મે મહીનામાં ગૌડવાડી નજીકના એક જાનવરોના કેમ્પમાં વિઠોબા ગુલિગ કે તાત્યા કહે છે, ‘અમારા ગામમાંથી વરસાદ તો જાણે ગાયબ જ થઈ ગયો છે.’

હવે, જોકે તાત્યાને માનદેશમાં લાંબા સમયથી પડેલા દુકાળની ચિંતા છે. કોરા દિવસો પછી સારા વરસાદનું પ્રાકૃતિક ચક્ર 1972 પછી ક્યારેય સામાન્ય થયું જ નથી, એમ એ કહે છે. “દરવર્ષે વરસાદ ઓછો ને ઓછો થતો જાય છે.  નથી અમને વાલીવના (ચોમાસુ બેસતા પહેલાના) ઝાપટા મળતા કે નથી પાછા ફરતા વરસાદી ઝાપટા। અને ગરમી તો દિવસે ને દિવસે વધતીજ જાય છે. જોકે ગયા વર્ષે (2018) સારો એવો વાલીવનો વરસાદ થયેલો, પણ આ વરસે।.... હજુ સુધી કંઈ નથી. આ ધરતી ટાઢી એમની થશે?”

1972નો દુકાળને ગૌડવાડીના બીજા ઘણાં વૃદ્ધ નિવાસઓને તેમના ગામની વરસાદ અને દુકાળની તાલ ચક્ર ચક્રીય ધુનમાં પડેલ ખલેલ તરીકે યાદ છે. એ વર્ષે સોલાપુર જિલ્લામાં માત્ર 321 મિલિમીટર વરસાદ પડ્યો (ભારતીય હવામાન વિભાગના ડેટાનો ઉપયોગ કરીને ભારતનું જળપોર્ટલ દર્શાવે છે) – જે 1901 પછીનો સૌથી ઓછો વરસાદ હતો.

ગંગુબાઈ માટે 1972ના દુકાળની યાદો કાળી મજૂરીની  – તેમની રોજિંદી મજૂરી કરતા પણ વધુ- અને ભૂખની યાદો છે. “અમે રસ્તા બનાવ્યા, કૂવા ખોદ્યા, પથ્થર તોડ્યા (દુકાળ દરમિયાન, દાડી માટે). શરીરમાં શક્તિ હતી, ને પેટમાં ભૂખ. મેં 100 ક્વિંટલ ઘઉં 12 આના (75 પૈસા)માં દળ્યા છે. તે (વર્ષ) પછી બધું બગડતું જ ગયું,” તેઓ કહે છે.

PHOTO • Sanket Jain
PHOTO • Medha Kale

2018માં, સાંગોળેને 20 વર્ષમાંનો તેનો સૌથી ઓછો વરસાદ મળ્યો અને તાલુકાના ગામોમાં જમીનમાંનુ પાણી એક મીટરથી પણ નીચું ઉતર્યું.

“એ દુકાળ એટલો કારમો હતો, કે હું મારા 12 ઢોર સાથે 10 દિવસ ચાલીને કોલ્હાપુર સાવ એકલો પહોંચ્યો,” ઢોરના કેમ્પમાંની ચાની કિટલીએ બેઠેલા 85 વર્ષના દાદા ગદાડે કહે છે. “મીરજના રસ્તાના બધા લીમડા સાવ ખાલી હતા. બધાં પાંદડા અને કૂંપળો ગાયો-ભેંસો અને ઘેટાંને ખવડાવાઈ ગયા હતા. એ મારા જીવનના સૌથી ખરાબ દિવસો હતા. ત્યાર પછી કશુંય ક્યારેય પાટે ન ચડ્યું.”

લાંબા દુકાળના પરિણામે, 2005માં માનદેશના એક અલગ જિલ્લાની પણ માંગણી કરવામાં આવી, જેમાં સોલાપુર, સાંગલી અને સતારાના બધા દુકાળ થતા પ્રદેશોને ભેગા કરીને એક જિલ્લો બનાવવાની વાત હતી. (છેવટે જ્યારે આ ઝુંબેશના નેતાઓએ પોતાનું ધ્યાન તે પ્રદેશ માટે સિંચાઈ યોજના જેવા બીજા મુદ્દાઓ પર કેન્દ્રિત કરવાનું શરૂ થયું ત્યારે તે પડી ભાંગી)

ગૌડવાડીના ઘણાં લોકો 1972ના દુકાળને માર્ગસૂચક તરીકે યાદ કરે છે, તેમ છતાં સોલાપુર સરકારની વેબસાઇટ મુજબ  2003માં (278.7 મિમી) અને 2015માં (251.18 મિમી) જિલ્લામાં તેનાથી પણ ઓછો વરસાદ થયો.

અને 2018માં, સાંગોળેમાં ફક્ત 241.6 મિમી વરસાદ થયો, 20 વર્ષમાં સૌથી ઓછો, જેમાં ફક્ત 24 દિવસ વરસાદ પડ્યો, એમ મહારાષ્ટ્રના ખેતી વિભાગનું ‘વરસાદનો રેકૉર્ડ અને વિશ્લેષણ’ પોર્ટલ જણાવે છે.

એવું લાગે છે કે પાણીની છતની અવધિઓ ઘટી ગઈ છે કે પછી ગાયબ જ થઈ ગઈ છે, જ્યારે સૂકા દિવસો, ગરમી અને પાણીની અછતના મહિનાઓ વધી રહ્યાં છે.

PHOTO • Medha Kale

પાકના આવરણનું ખોવું અને વધતી ગરમીએ માટીના સૂકાવાને વધાર્યું છે

આ વર્ષે મે મહિનામાં, ગૌડવાડીના ઢોરો માટેના કેમ્પમાં તાપમાન 46 ડિગ્રી થઈ ગયું હતું. તીવ્ર ગરમીથી હવા અને જમીન વધુ સૂકા થઈ રહ્યાં છે. હવામાન તેમજ વૈશ્વિક હવામાન પરિવર્તન વિશેનું ન્યુયૉર્ક ટાઇમ્સનું એક ઇંટરએક્ટિવ પોર્ટલ દર્શાવે છે કે 1960માં, જ્યારે તાત્યા 24 વર્ષના હતા, સાંગોળેમાં 144 દિવસ એવા હતા જ્યારે તાપમાન વધીને 32 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. આજે, તે વધીને 177 થઈ ગયા છે, અને જો તે 100 વર્ષના થાય ત્યાં સુધી જીવે, તો વર્ષ 2036 સુધીમાં તે 193 દિવસે પહોંચી જશે.

ઢોરોના કેમ્પમાં બેઠા-બેઠા તાત્યા યાદ કરે છે, “અગાઉ બધું સમયસર થતું. મિરિગ ઝાપટાં (મૃગ અથવા ઓરિયન નક્ષત્રના આગમન સાથે) હંમેશા 7 જૂને આવતા અને એટલો સારો વરસાદ પડતો કે ભીવઘાટ (ઝરણાં)નું પાણી પોષ (જાન્યુઆરી) સુધી રહેતું. જ્યારે તમે રોહિણીમાં (નક્ષત્ર, આશરે મે મહિનાનો અંત) વાવઈ કરો અને મિરિગમાં વરસાદ પડે, ત્યારે દેવતાઓ પાકની રક્ષા કરે છે. અનાજ પોષક બને છે અને જે આ અનાજ ખાય, તે તંદુરસ્ત રહે છે. પણ હવે તો ઋતુઓ જ એવી રહી નથી.”

એમની સાથે ઢોરોના કેમ્પમાં બેઠેલા બીજા ખેડૂતો સંમત થાય છે. બધાં વરસાદની વધતી અનિશ્ચિતતા બાબતે ચિંતિત છે. “ગયા વર્ષે, પંચાગે  કહેલું ‘ઘાવીલ તો પાવીલ’- ‘જે સમયસર વાવણી કરી શકશે તેનો પાક સારો થશે.’ પણ હવે તો વરસાદ ક્યારેક જ આવે છે, અને તે ય બધા ખેતરો સુધી પહોંચતો જ નથી ,” તાત્યા સમજાવે છે.

રસ્તાની સામેની બાજુએ, કેમ્પમાં પોતાના તંબુમાં બેસીને ખરાટ વસ્તીના 50 વર્ષના ફુલાબાઈ ખરાટ – એ ઢાંગર જાતિના છે (જે રખડુ જાતિ તરીકે સૂચીબદ્ધ છે). પોતાની સાથે ત્રણ ભેંસ લઈને આવેલા તેઓ – “બધાં નક્ષત્રોમાં સમયસર વરસાદ” ને યાદ કરે છે. તેઓ કહે છે, “વરસાદ ધોંડ્યાચા મહિના (અધિક માસ)માંજ બંધ થતો. પછીના બે વર્ષ અમારે સારો વરસાદ પડતો. પણ છેલ્લા કેટલાંય વર્ષોથી આમ પણ વરસાદ બંધ જ છે.”

આ ફેરફારોને અનુકૂળ થવા ઘણાં ખેડૂતોએ તેમનો ખેતીનો ક્રમ બદલી નાખ્યો છે. સાંગોળે માટે પાકની સામાન્ય પદ્ધતિ હતી ખરીફમાં મટકી (મઠ), હુલાજ (ચણા), બાજરો અને તુવેર, અને રબીમાં ઘઉં, કાબુલી ચણા અને જુવાર. મકાઈ અને જુવારનો ઉનાળુ પાક ખાસ ચારા માટે ઉગાડવામાં આવે છે. આલદર વસ્તી ગામના હૌસાબાઈ કહે છે, “છેલ્લાં 20 વર્ષોથી, મને આ ગામમાં એવું કોઈ નથી મળ્યું જે દેશી મટકી ઉગાડતું હોય. દેશી બાજરી અને જુવારનું પણ એવુંજ. ખાપલી ઘઉં હવે નથી વવાતા, ના ચણા ને ના તલ.”

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ડાબે: ફુલાબાઈ ખરાટ કહે છે, ‘પણ છેલ્લા કેટલાય વર્ષોથી વરસાદ શાંત છે...’ ડાબે: ગંગુબાઈ ગુલિયા કહે છે, ‘1972 પછી બધું બગડતુંજ ચાલ્યું છે’

ચોમાસુ મોડું આવતા – જૂનના અંતમાં કે પછી જુલાઈની શરૂઆતમાં પણ – અને વહેલું જતા – સપ્ટેમ્બરમાં હવે વરસાદ ભાગ્યે જ જોવા મળે છે – ખેડૂતો ઓછા સમયમાં થતા હાયબ્રિડ પાક ઉગાડવા માંડ્યા છે. આના માટે વાવણીથી લણણી સુધી લગભગ 2.5 મહિનાનો સમય લાગે છે. ગૌડવાડીના 20 બીજા ખેડૂતો સાથે કોલ્હાપુરના એમિકસ એગ્રો ગ્રૂપના સભ્ય, જે એક ફી લઈને એસએમએસ દ્વારા મોસમનો વર્તારો મોકલે છે, એ નવનાથ માળી કહે છે, “બાજરા, મટકી, જુવાર અને તુવેરની દેશી પાંચ-મહિના (લાંબો સમયગાળો) વાળી જાત હવે લુપ્ત થતી જાય છે કારણકે જમીનમાં પૂરતો ભેજ નથી રહ્યો.”.

બીજા પાક સાથે તેમનું નસીબ અજમાવવા માટે કેટલાક ખેડૂતો 20 વર્ષ અગાઉ દાડમ ઉગાડવા લાગ્યા. રાજ્ય સરકારની સબસિડીથી મદદ મળતી હતી. સમય વીતતા, ખેડૂતો દેશી જાત છોડીને હાઇબ્રિડ વિદેશ જાતિઓ ઉગાડવા માંડ્યા. “શરૂઆતમાં (આશરે 12 વર્ષ પહેલા) અમે એક એકરમાંથી 2-3 લાખ કમાતા. પણ છેલ્લા 8-10 વર્ષમાં વાડીઓમાં તેલ્યા (બેક્ટેરિયા) થવા માંડ્યા છે. મને લાગે છે કે આ બદલાતા મોસમના કારણે છે. ગયા વર્ષે અમારે અમારા ફળ 25-30 રૂપિયે કિલોએ વેચવા પડ્યા. પણ પ્રકૃતિના તરંગ સામે આપણે શું કરી શકીએ?” માળી પૂછે છે.

પાક લેવાની પદ્ધતિઓ પર પણ ચોમાસા પહેલા અને પછીના વરસાદમાં થયેલા ફેરફારોથી ખૂબ પ્રભાવ પડ્યો છે. સાંગોળેમાં ચોમાસા પછીનો – ઑક્ટોબરથી ડિસેમ્બર વચ્ચેનો- વરસાદ દેખીતી રીતે ઘટ્યો છે. 2018માં, આ બ્લૉકમાં ચોમાસા પછી ફક્ત 37.5 મિમી વરસાદ પડ્યો હતો, કૃષિ વિભાગનો ડેટા દેખાડે છે, જ્યારે 1998 થી 2018ના બે દાયકાના સમયમાં તે સરેરાશ 93.11 મિમી જેટલો રહેતો હતો.

ગ્રામીણ મહિલાઓ સાથે ખેતી, ઋણ, અને વ્યાપાર સંબંધી મુદ્દાઓ પર કામ કરતાં માનદેશી ફાઉંડેશનના સંસ્થાપક ચેતના સિંહા કહે છે,  “માનદેશ પ્રદેશમાં સૌથી ચિંતાજનક વલણ છે ચોમાસા પહેલા અને પછીના વરસાદનું ખોવાવું.”,  “પાછું ફરતું ચોમાસું અમારી જીવાદોરી રહ્યું છે, કારણ કે અમે અનાજ તેમજ પશુઓ માટે ચારા માટે રબી પાક પર આધારિત છીએ. 10 કે વધુ વર્ષોથી પાછું ફરતું ચોમાસું આવતુંજ ન હોવાથી માનદેશની ગ્રામીણ અને અન્ય જાતિઓ પર લાંબા ગાળાની અસરો પડી છે.” ફાઉંડેશને આ વર્ષે રાજ્યનો પહેલો ઢોર માટેનો કેમ્પ 1 જાન્યુઆરીએ સતારા જિલ્લાના માન બ્લૉકના મ્હાસવાડમાં શરૂ કર્યો અને ત્યાં 8,000થી વધુ ઢોરને આશ્રય મળ્યો છે.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ચારાની અછતના કારણે સૂકા મહિનાઓમાં સાંગોળેમાં ઢોર માટેના કેમ્પ શરૂ કરવામાં આવે છે

પણ કદાચ અહીં ખેતીની ગતિવિધિઓમાં સૌથી મોટો ફેરફાર છે શેરડીનો ફેલાવો. 2016-17માં, 100,505 હેક્ટર જમીનમાં 63,300 ટન શેરડી ઉગાડવામાં આવી હતી, મહારાષ્ટ્ર સરકારનું આર્થિક અને આંકડાકીય નિદેશાલયનો ડેટા જણાવે છે. કેટલાંક સમાચારો પ્રમાણે, આ વર્ષે જાન્યુઆરી સુધીમાં, સોલાપુર ઑક્ટોબરમાં શરૂ થયેલી શેરડી પીલવાની મોસમમાં સૌથી આગળ હતું, ત્યાં 33 નોંધાયેલી ખાંડની મીલોમાં 1 કરોડ ટન શેરડી પિલાઈ હતી (શુગર કમિશ્નરનો ડેટા).

સોલાપુર સ્થિત પત્રકાર રજનીશ જોશી જણાવે છે, માત્ર એક ટન શેરડી પીલવા માટે લગભગ 1,500 લીટર પાણી જોઈએ. આનો અર્થ છે કે શેરડી પીલવાની છેલ્લી સીઝનમાં – ઑક્ટોબર 2018થી જાન્યુઆરી 2019 સુધીમાં – 1.5 કરોડ ઘન મીટર પાણીનો વપરાશ માત્ર સોલાપુર જિલ્લામાં શેરડી માટે થયો હતો.

એકજ રોકડ પાકમાં પાણીના આટલા ગંજાવર ઉપયોગથી, આટલો ઓછો વરસાદ અને સિંચાઇ મેળવતા પ્રદેશમાં બીજા પાક માટે પાણીની ઉપલબ્ધતાની માત્રા હજુ પણ ઘટી જાય છે. નવનાથ માળી અંદાજો લગાવે છે કે 1,251 હેક્ટરમાં (વસ્તીગણત્રી 2011) આવેલ ગૌડવાડીમાં મોટાભાગની જમીન પર ખેતી થાય છે, પણ સિંચાઈ માત્ર 300 હેક્ટરને મળે છે,– બાકીનામાં વરસાદથી ખેતી થાય છે. સરકારી ડેટા બતાવે છે કે સોલાપુર જિલ્લામાં 774,315 હેક્ટર જમીનમાં સિંચાઈ કરી શકાય એમ છે, પણ તેમાંથી 2015માં માત્ર 39.49 ટકાનેજ સિંચાઇનો લાભ મળતો હતો.

પાક ઘટતા (ઘટતા વરસાદનો સામનો કરવાની રીત તરીકે ઓછા સમયગાળાના પાક લેવાથી) તેમજ વધતી ગરમીના કારણે, ખેડૂતો કહે છે, કે જમીન હજુ વધુ સુકાઈ ગઈ છે. જમીનમાંનો ભેજ હવે “છ ઈંચ ઊંડો પણ નથી,” હૌસાબાઈ કહે છે.

PHOTO • Medha Kale

નવનાથ માળી અંદાજો લગાવે છે કે ફક્ત ગૌડવાડીમાં, 150 ખાનગી બોરવેલ છે, જેમાંથી ઓછામાં ઓછા 130 સુકાઈ ગયેલા છે

ભૂગર્ભજળના સ્તરો પણ ઘટી રહ્યા છે.  ભૂગર્ભજળ સર્વેક્ષણ અને વિકાસ એજન્સીનો પાણીની સંભાવિત અછત રિપોર્ટ દર્શાવે છે કે 2018માં સાંગોળેના બધાં 102 ગામોમાં ભૂગર્ભજળ એક મીટરથી વધુ નીચું ગયું છે. “મેં એક બોરવેલ ખોદવાનો પ્રયત્ન કર્યો, પણ 750 ફુટે પણ પાણી નથી. જમીન તદ્દન સૂકી છે,”ગૌડવાડીમાં ચાર એકર જમીનના માલિક અને હજામતનો સ્ટૉલ ચલાવતા જોતિરામ ખંડાગલે કહે છે. “છેલ્લાં કેટલાંક વર્ષોથી ખરીફ અને રબી બંને મોસમોમાં સારા પાકની કોઈ ગેરંટી નથી થઈ,” તે ઉમેરે છે. માળી અંદાજે છે કે ફક્ત ગૌડવાડીમાં 150 ખાનગી બોરવેલ છે જેમાંથી ઓછામાં ઓછા 130 સુકાઈ ગયેલા છે- અને લોકો પાણી સુધી પહોંચવા માટે 1,000 ફુટ સુધી ખોદકામ કરી રહ્યાં છે.

શેરડી ઉગાડવાનું ભારે માત્રામાં શરૂ થવાથી પણ ખાદ્ય પાક ઉગાડવાનું બંધ થયું છે. 2018-19ની રબી મોસમમાં, સોલાપુર જિલ્લામાં જુવારની ખેતી માત્ર 41 ટકા, અને મકાઈની ખેતી માત્ર 46 ટકા નોંધાઈ, ખેતીવાડી વિભાગ કહે છે. આખા મહારાષ્ટ્રમાં, જુવાર જેમાં ઉગાડાય છે તે ક્ષેત્ર 57 ટકા ઘટ્યું છે, અને મકાઈ 65 ટક, રાજ્યનું 2018-19નું આર્થિક સર્વેક્ષણ કહે છે. અને બંને પાકની ઊપજ લગભગ 70 ટકા ઘટી છે.

બંને પાક માનવો માટે અનાજ અને પશુઓ માટે ચારાનો અત્યંત મહત્ત્વનો સ્ત્રોત છે. ચારાની કમીના કારણે સરકાર (અને અન્યો)ને સાંગોળેમાં સૂકા મહિનાઓમાં ઢોર માટેના કેમ્પ શરૂ કરવાની ફરજ પડી છે – 2019માં અત્યાર સુધી 105 કેમ્પ સ્થાપાયા છે જેમાં લગભગ 50,000 દૂધાળ પશુઓ છે, પોપટ ગડાડે અંદાજો લગાવે છે. તેઓ એક દૂધ સહકારી મંડળીના નિર્દેશક છે અને ગૌડવાડીમાં ઢોર માટેનો કેમ્પ શરૂ કરનાર છે. આ કેમ્પમાં ઢોર શું ખાય છે? એજ શેરડી જે (જેમ કે અંદાજાઓ દર્શાવે છે), પ્રતિ હેક્ટર 2 કરોડ 97 લાખ લીટર પાણી પી જાય છે.

સાંગોળેમાં થતાં ફેરફારો કેટલા બધા એકબીજા સાથે સંકળાયેલા છે.  એ જે ‘પ્રકૃતિ’નો ભાગ છે પણ જેને ખરેખર તો માણસે શરૂ કર્યા છે. આમાં વરસાદમાં ઘટાડો, ઓછા વરસાદી દિવસો, વધતું તાપમાન, તીવ્ર ગરમીના વધુ દિવસો, ચોમાસા પહેલા અને પછીનો લગભગ ગાયબ થઈ ગયેલો વરસાદ, અને જમીનમાંથી ભેજ ખોવાવો. ઉપરાંત પાક લેવાની રીતોમાં ફેરફાર – ઓછા સમયગાળામાં ઉગતા વધુ પ્રકારો અને પરિણામે પાકના આવરણનું ખોવું, ઓછાં દેશી પ્રકારો, જુવાર જેવા ખાદ્ય પાકોની ઘટતી વાવણી જ્યારે શેરડી જેવા રોકડ પાકોની વધતી વાવણી – અને સાથે અપૂરતી સિંચાઈ, ઊંડું ઉતરેલું ભૂગર્ભજળ સ્તર – અને બીજા અનેક ફેરફારો સામેલ છે.

જ્યારે કોઈ પૂછે કે આ બધા ફેરફારો શેના કારણે થાય છે, તો ગૌડવાડીના ઢોર માટેના કેમ્પમાં તાત્યા હસીને કહે છે, “આપણે ઈન્દ્રદેવનું મન વાંચી શકતા હોત તો કેટલું સારૂં થાત! જ્યારે માણસ લાલચુ થઈ ગયો છે ત્યારે વરસાદ કેવી રીતે પડશે? જ્યારે માણસોએ પોતાનું વર્તન બદલી નાખ્યું છે, તો પ્રકૃતિ પોતાનો સ્વભાવ કેવી રીતે જાળવશે?”

PHOTO • Sanket Jain

સાંગોળે શહેરની બહાર આવેલ માન નદી પરનો સુકાઈ ગયેલો બેરેજ

લેખિકા કાર્યકર્તાઓ શાહજી ગડાહિરે અને દત્તા ગુલિગનો તેમના સમય અને મૂલ્યવાન માહિતી બદલ આભાર માને છે.

કવર ફોટો: સંકેત જૈન/PARI

PARIનો આબોહવા પરિવર્તન વિશે રિપોર્ટ કરવાનો રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટ UNDP સમર્થિત પહેલનો હિસ્સો છે, જે સામાન્ય માણસોના અવાજ અને જીવનાનુભવથી આ ઘટનાને સમજવાનો પ્રયત્ન કરે છે.

આ લેખ પુનર્પ્રકાશિત કરવો છે? કૃપા કરી [email protected] ને ઈમેલ મોકલો જેની નકલ [email protected] ને મોકલો.

ભાષાંતર: ધરા જોષી

અંગ્રેજીના શિક્ષિકા રહી ચૂકેલ ધરા જોષી હવે ભાષાંતર કરે છે. તેઓ સાહિત્ય, સંગીત અને નાટકના શોખીન છે.

Medha Kale

મેધા કાલે પુણે માં રહે છે અને મહિલાઓ તથા સ્વાસ્થ્ય ક્ષેત્ર કામ કરી ચુક્યા છે. તેઓ પારી (PARI) માટે અનુવાદ પણ કરે છે.

Other stories by Medha Kale