અહીં ઝાડી-ઝાંખરામાં અમે ‘ડેવિલ્સ બેકબોન’ શોધી રહ્યા છીએ. આને જ પિરન્ડઈ (સીસસ ક્વોડ્રેન્ગ્યુલારિસ) કહેવાય છે. હું અને રથી જે ચોરસ દાંડીવાળી આ વેલ  શોધી રહ્યા છીએ એ ઘણા સારા ગુણોથી ભરપૂર છે. સામાન્ય રીતે નાજુક નવી દાંડીને ચૂંટી, સાફ કરીને લાલ મરચાની ભૂકી, મીઠું અને તલના તેલની મદદથી સાચવવામાં આવે છે. આ પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવે તો આ રીતે બનાવેલ અથાણું એક વર્ષ સુધી બગડ્યા વિના સારું રહી શકે છે. અને તે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

જાન્યુઆરીની ગરમ બપોર છે અને અમારો જંગલનો રસ્તો એક પ્રાચીન, સુકાઈ ગયેલી ખાડીમાંથી થઈને જાય છે. તેનું એક ઉત્તેજક તમિળ નામ છે: યેલ્લયેત્તઅમ્મન વોડઈ. શાબ્દિક રીતે, સીમાઓ વિનાનો દેવીનો પ્રવાહ. એ એક એવો શબ્દસમૂહ છે જે સાંભળીને તમારા રૂંવાડાં ઊભા થઈ જાય છે. અને ખડકો અને રેતી ઉપર થઈને પસાર થતી, અહીં પહોળી તો ત્યાં ભીની એવી પગદંડી જોઈ મારા રૂંવાડા વધારે ઊભા થઈ જાય છે.

અમે ચાલીએ છીએ ત્યારે રથી મને વાર્તાઓ કહે છે. કેટલીક કાલ્પનિક અને મનોરંજક છે - નારંગી અને પતંગિયાંની. તો કેટલીક વાસ્તવિક અને આનંદદાયક - ખાદ્યપદાર્થોના રાજકારણ અને નેવુંના દાયકામાં તેઓ માધ્યમિક શાળામાં હતા ત્યારે અચાનક ફાટી નીકળેલા જાતિઓ વચ્ચેના સંઘર્ષોની. "મારો પરિવાર તૂતુકુડી ભાગી ગયો હતો..."

એક વ્યાવસાયિક વાર્તાકાર, પુસ્તકાલય સલાહકાર અને કઠપૂતળીના ખેલ કરનાર રથી બે દાયકા પછી પોતાના ગામમાં પાછા આવ્યા છે. તેઓ ધીમે ધીમે વાતો કરે છે; ને ઝડપથી વાંચે છે. “કોવિડ મહામારી દરમિયાન સાત મહિનામાં મેં બાળકો માટેના 22000 નાના-મોટા પુસ્તકો વાંચી લીધા હતા. પછી એક સમય આવ્યો હતો કે જ્યારે મારા સહાયક રોજેરોજ મને વાંચવાનું બંધ કરવા વિનંતી કરતા હતા. નહિતર મેં સંવાદોમાં વાત કરવાનું શરૂ કરી દીધું હોત." અને તેઓ હસે છે.

તેઓ હસે છે, તેમનું નામ જે નદી પરથી પડ્યું છે – ભાગીરથી, એની જેમ જ ખળખળ. જો કે એમને સૌ કોઈ રથી ના ટૂંકા નામથી ઓળખે છે, અને તેઓ દક્ષિણ હિમાલયની, જ્યાં તેમની સમનામધારી નદી ગંગા તરીકે ઓળખાય છે, લગભગ 3000 કિલોમીટર દૂર રહે છે. તેમનું ગામ - તમિળનાડુના તિરુનેલવેલી જિલ્લામાં આવેલું તેંકળમ - ટેકરીઓ અને ઝાડી-ઝાંખરાથી ઘેરાયેલું છે. તેઓ એ બધાથી સારી રીતે પરિચિત છે, જે રીતે ગામમાં દરેક વ્યક્તિ તેમનાથી પરિચિત છે એમ જ.

મહિલા શ્રમિકો પૂછે છે, "તમે જંગલમાં કેમ જાઓ છો?" રથી જવાબ વળે છે, "અમે પિરન્ડઈ શોધવા ફરી રહ્યા છીએ." ગોવાળણી જાણવા માગે છે, “આ (બીજી) મહિલા કોણ છે? તમારી મિત્ર છે?" રથી હસીને કહે છે, "હા, હા." હું હાથ હલાવું છું અને અમે આગળ વધીએ છીએ...

Pirandai grows in the scrub forests of Tirunelveli, Tamil Nadu
PHOTO • Courtesy: Bhagirathy
The tender new stem is picked, cleaned and preserved with red chilli powder, salt and sesame oil and will remain unspoilt for a year
PHOTO • Courtesy: Bhagirathy

પિરન્ડઈ તમિળનાડુના તિરુનેલવેલીના ઝાડી-ઝાંખરાવાળા જંગલોમાં ઊગે છે. રથીપિરન્ડઈનો છોડ (જમણે) શોધી કાઢે છે. નાજુક નવી દાંડીને ચૂંટી, સાફ કરીને લાલ મરચાની ભૂકી, મીઠું અને તલના તેલની મદદથી સાચવવામાં આવે છે, અને એ એક વર્ષ સુધી બગડ્યા વિના સારું રહેશે

*****

છોડ શોધવા ફરવું એ અલગ-અલગ સંસ્કૃતિઓ અને ખંડોમાં વ્યાપક, પરંપરાગત પ્રથા છે. આ પ્રથા સાર્વજનિક ક્ષેત્ર - સમાજના તમામ સભ્યોના સહિયારા ભૌતિક, પ્રાકૃતિક અને બીજા સંસાધનો - ના વિચાર સાથે ગાઢ રીતે સંકળાયેલી છે - જેમાં જે તે પ્રદેશની વન્ય પેદાશોનો સ્થાનિક સ્તરે, મોસમ અનુસાર અને ટકાઉપણે વપરાશ થાય છે.

બેંગલુરુ શહેરમાં અર્બન ફોર્જિંગની ઉજવણી કરતા પુસ્તક ચેસિંગ સોપ્પમાં લેખકો લખે છે કે "વન્ય છોડ ભેગા કરીને તેનો ઉપયોગ કરવાથી સ્થાનિક એથનો-ઇકોલોજીકલ અને એથનો-બોટનિકલ જ્ઞાનને જાળવવામાં મદદ મળે છે." તેઓ નોંધે છે કે - તેંકળમની જેમ - અહીં પણ સામાન્ય રીતે મહિલાઓ જ વન્ય છોડ એકત્રિત કરે છે. “તેઓ તેમની આસપાસના સ્થાનિક વન્ય છોડ અંગે મહત્વપૂર્ણ જાણકારી ધરાવનારા નિષ્ણાતો છે. છોડના કયા ભાગોનો ખોરાક તરીકે, દવા તરીકે અથવા સાંસ્કૃતિક રીતે ઉપયોગ કરવામાં આવે છે અને કયા છોડ કઈ મોસમમાં સરળતાથી મળી રહે છે એ બધું તેઓ જાણે છે. તેમની પાસે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટેની માહિતી પણ છે જે અંગેની જાણકારી પેઢી-દર-પેઢી પસાર થતી રહી છે.”

મોસમી ઉપજને આખું વર્ષ માણવાની એક સરળ અને આકર્ષક રીત છે તેને સાચવવી. તે માટેની સૌથી વધુ લોકપ્રિય પદ્ધતિઓ છે, સૂકવણી કરવી અને અથાણું બનાવવું. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિળનાડુમાં, વધુ સામાન્ય માધ્યમ વિનેગરને બદલે તલ (જિન્જેલી) ના તેલનો ઉપયોગ થાય છે.

ફૂડ ટેક્નોલોજીમાં એમ.ટેક ની પદવી ધરાવનાર મેરી સંધ્યા જે કહે છે, “તલના તેલમાં સીસેમિન અને સીસેમોલ હોય છે. આ સંયોજનો કુદરતી એન્ટીઑકિસડન્ટ છે અને પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે.” તેઓ 'આળી' (મહાસાગર) નામની માછલીના અથાણાની પોતાની બ્રાન્ડ ધરાવે છે. સંધ્યા "મુખ્યત્વે શેલ્ફ લાઇફ વધારવા, પોષક લાભો, સ્વાદ અને રંગ માટે" તેમના માછલીના અથાણામાં કાચી ઘાણીનું તલનું તેલ વાપરવાનું પસંદ કરે છે.

PHOTO • Aparna Karthikeyan

છોડ શોધવા ફરવું એ અલગ-અલગ સંસ્કૃતિઓ અને ખંડોમાં વ્યાપક, પરંપરાગત પ્રથા છે અને વન્ય પેદાશોનો સ્થાનિક સ્તરે, મોસમ અનુસાર અને ટકાઉપણે વપરાશ થાય છે. દરેક સફરમાં રથીને લગભગ ચાર કલાક લાગે છે અને છોડ શોધવા માટે તેઓ 10 કિલોમીટર જેટલું ચાલે છે. રથી હસીને કહે છે, 'પણ હું એ ઘરે લાવું પછી તેનું શું થાય છે એ મને ખબર નથી'

રથીનો પરિવાર ઘણી બધી વાનગીઓમાં તલના તેલનો ઉપયોગ કરે છે - અથાણાંમાં અને શાકભાજી અને માંસ સાથે બનાવવામાં આવતી ગ્રેવીમાં. પરંતુ ખોરાકનો પદાનુક્રમ તેમના મનમાં કડવાશ ઊભી કરે છે. તેઓ કહે છે, “જ્યારે ગામમાં કોઈ પ્રાણીનો (ખોરાક માટે) વધ કરવામાં આવે ત્યારે તેના સારા ભાગો ઉચ્ચ જાતિના લોકો પાસે જતા. અને કસાઈએ નાખી દીધેલા પ્રાણીના ખાદ્ય અવયવો [પ્રાણીના આંતરડા અને આંતરિક અંગો] અમારે ભાગે આવતા. અમારી પાસે માંસની વાનગીઓનો ઇતિહાસ નથી કારણ કે અમને ક્યારેય પ્રાણીના શરીરના સારા ભાગો આપવામાં આવ્યા જ નહોતા. અમારે ભાગે તો માત્ર લોહી જ આવ્યું હતું!”

બ્લડ ફ્રાય અને અધર દલિત રેસિપીઝ શીર્ષક હેઠળના નિબંધમાં વિનય કુમાર લખે છે, "જુલમ, ભૂગોળ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની સ્થાનિક પ્રજાતિઓ અને જ્ઞાતિ પદાનુક્રમે દલિત, બહુજન અને આદિવાસી સમુદાયોની ખાદ્ય સંસ્કૃતિને એટલી તો ઊંડી અસર કરી છે કે સામાજિક વૈજ્ઞાનિકો હજી સુધી તેનો અંદાજ લગાવી શક્યા નથી."

રથીની માતા વડીવમ્માળ પાસે "લોહી, આંતરડા અને જુદા જુદા ભાગોને સાફ કરવાની નવાઈ પમાડે એવી અદ્દભૂત પદ્ધતિ છે." તેઓ કહે છે, “ગયા રવિવારે, અમ્માએ લોહી રાંધ્યું.  શહેરમાં એ એક સ્વાદિષ્ટ વાનગી ગણાય છે: બ્લડ સોસેજ અને બ્લડ પુડિંગ. બ્રેઈન ફ્રાયને એક વિશિષ્ટ વાનગી માનવામાં આવે છે. જ્યારે હું એક શહેરમાં ગઈ હતી ત્યારે મને આવી મૂલવણી વિચિત્ર લાગી હતી. ગામમાં જે વસ્તુ મને 20 રુપિયામાં મળી રહે એ જ વસ્તુ માટે શહેરમાં મારે ઢગલો પૈસા ચૂકવવા પડે.”

તેમની માતા પણ વનસ્પતિ વિશે ઊંડી જાણકારી ધરાવે છે. પોતાના બેઠક ખંડમાં મારી સાથે વાત કરતા રથી કહે છે, "જો તમે આજુબાજુ નજર કરશો તો (તમે જોશો કે) બાટલીઓમાં ઔષધીય વનસ્પતિઓ અને તેલ છે. મારી માતા એ બધાના નામો અને ઉપયોગો જાણે છે. પિરન્ડઈમાં ઉત્તમ પાચન ગુણધર્મો હોવાનું માનવામાં આવે છે. અમ્માને કયો છોડ કે કઈ જડીબુટ્ટી જોઈએ છે એ તેઓ મને બતાવે છે, હું જંગલમાં જઈ તેમને માટે એ શોધી લાવીને સાફ કરી આપું છું.”

આ મોસમી પેદાશો છે અને બજારમાં મળતી નથી. દરેક સફરમાં તેમને લગભગ ચાર કલાક લાગે છે અને તેઓ છોડ શોધવા માટે 10 કિલોમીટર જેટલું ચાલે છે. રથી હસીને કહે છે, " પણ હું એ ઘરે લાવું પછી તેનું શું થાય છે એ મને ખબર નથી."

*****

Rathy in the forest plucking tamarind.
PHOTO • Aparna Karthikeyan
tamarind pods used in foods across the country
PHOTO • Aparna Karthikeyan

જંગલમાં આમલીના કાતરા તોડતા રથી (ડાબે). આખા દેશમાં ખાવા માટે વપરાતા કાતરા

જંગલમાં થઈને ચાલવાનું મુગ્ધ કરી દેનારું હોય છે. બાળકો માટેના પોપ-અપ પુસ્તકની જેમ (જંગલમાં) દરેક વળાંક કોઈક નવું આશ્ચર્ય લઈને આવે છે: અહીં પતંગિયા તો ત્યાં પક્ષીઓ અને અને વિશાળ ઘટાદાર વૃક્ષો. હજી ચૂંટવા માટે પાક્યાં નથી એવા બોર જેવા સરસ ફળોની તરફ આંગળી ચીંધીને તેઓ કહે છે, "થોડા દિવસોમાં આ ફળો સ્વાદિષ્ટ બની જશે." અમે ઝાડીઝાંખરા આઘાપાછા કરીને પિરન્ડઈ શોધીએ છીએ, પરંતુ ત્યાં પિરન્ડઈ નથી. રથી કહે છે, "આપણી પહેલાં કોઈ લઈ ગયું છે, પરંતુ ચિંતા ન કરો, પાછા ફરતી વખતે આપણને થોડાઘણા પિરન્ડઈ મળી જશે."

પિરન્ડઈ ન મળ્યા તેનો જાણે કે બદલો વાળતા હોય એમ તેઓ આમલીના વિશાળ ઝાડ નીચે ઊભા રહી જાય છે, એક ભારે ડાળીને વાળીને થોડા કાતરા તોડી લે છે. અમે અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે કાતરા દબાવીને બહારના ભૂખરા આવરણને તોડીને તેનો ખાતો-મીઠો ગર ખાઈએ છીએ. નાના હતા ત્યારની તેમની વાંચનની યાદોમાં આમલીનો સમાવેશ થાય છે. "ચોપડી લઈને હું એક ખૂણામાં છૂપાઈ જતી અને લીલી આમલી (કાતરા) ખાધા કરતી." થોડા મોટા થયા ત્યારે તેઓ પાછળના વરંડામાં કોડુકાપુળી મરમ (શીરિષના ઝાડ) પર બેસીને ચોપડીઓ વાંચતા હતા. "અમ્માએ તેને કાપી નાખ્યું કારણ કે હું 14 કે 15 વર્ષની હતી ત્યારે હું તેના પર ચડી જતી હતી!" અને તેઓ હસી પડે છે.

બપોરનો સમય છે અને અમારા માથે સૂર્ય તપી રહ્યો છે. જાન્યુઆરી મહિના માટે આ અસામાન્ય ગરમ અને સૂકું હવામાન છે. રથી કહે છે, “થોડે આગળ જઈને આપણે પુળીયુત પહોંચીશું, તે ગામ માટેનો પાણીનો સ્ત્રોત છે.” સુકાઈ ગયેલા ઝરણને કિનારે પાણીના નાના નાના ખાબોચિયા છે. કાદવના આ ખાબોચિયા પર પતંગિયા ઊડાઊડ કરે છે. તેઓ તેમની પાંખો ખોલે છે (અંદરથી બેરંગી વાદળી) અને બંધ કરે છે (બહારથી, સામાન્ય ભુખરી). મને થાય છે જંગલ આનાથી વધારે જાદુઈ   બીજું કંઈ ન થઈ શકે…અને ત્યારે જ નવો જાદુ સર્જાય છે.

આ તળાવ પુળીયુત ગામની દેવીના એક પ્રાચીન મંદિરની બાજુમાં છે. રથી તેની બરોબર સામે ભગવાન ગણેશનું નવું બનેલું મંદિર બતાવે છે. અમે વડના એક વિશાળ ઝાડ નીચે બેસીને નારંગી ખાઈએ છીએ. અમારી આસપાસ બધું જ કોમળ છે - ગાઢ જંગલમાં બપોરનો પ્રકાશ; ખાટા ફળની મીઠી સુગંધ; નારંગી અને કાળી માછલીઓ. અને ધીમેકથી રથી મને એક વાર્તા કહે છે. તેઓ શરુ કરે છે, 'આને પીળ, પીપ અને પીલ કહેવાય છે." હું એકચિત્ત થઈને સાંભળું છું.

Rathy tells me stories as we sit under a big banyan tree near the temple
PHOTO • Aparna Karthikeyan
Rathy tells me stories as we sit under a big banyan tree near the temple
PHOTO • Aparna Karthikeyan

અમે મંદિરની પાસે અમે એક મોટા વટવૃક્ષ (જમણે) ની નીચે બેસીએ છીએ અને રથી મને વાર્તાઓ કહે છે

રથીને હંમેશા વાર્તાઓ ગમતી હતી. તેમની સૌથી જૂની યાદ તેમના પિતા સમુદ્રમ, જેઓ એક બેંક મેનેજર હતા તેઓ, તેમને મિકી માઉસની ચિત્રવાર્તાઓ (કોમિક્સ) લાવી આપતા હતા એ છે. રથી કહે છે, "મને બરોબર યાદ છે: તેઓ મારા ભાઈ ગંગા માટે એક વીડિયો ગેમ, મારી બહેન નર્મદા માટે એક રમકડું, અને મારે માટે એક ચોપડી લાવ્યા હતા!" પિતાને વાંચતા જોઈને રથીને વાંચવાની ટેવ પડી હતી. તેમની પાસે પુસ્તકોનો વિશાળ સંગ્રહ હતો. ઉપરાંત રથીની પ્રાથમિક શાળામાં વિશાળ પુસ્તકાલય હતું. તેઓ કહે છે, “(શાળામાં) તેઓ એ પુસ્તકોની ચોકીદારી કરતા નહોતા અને સામાન્ય રીતે બંધ રહેતો દુર્લભ વિભાગ પણ તેમણે મારે માટે ખુલ્લો મૂકી દીધો હતો – નેશનલ જ્યોગ્રાફિક અને એન્સાઈક્લોપિડિયાનો. આ બધું એટલા માટે કારણ કે મને પુસ્તકો ગમતા હતા!”

તેમને પુસ્તકો એટલા તો ગમતા હતા કે તેમણે પોતાનું બાળપણ વાંચવામાં જ વિતાવ્યું હતું. “આ ચોપડીનું રશિયન ભાષામાંથી ભાષાંતર કરવામાં આવ્યું હતું, અમારી એ ચોપડી ખોવાઈ ગઈ હતી અને મને લાગ્યું કે હવે અમને એ નહિ મળે. મને ચોપડીનું નામ યાદ નહોતું, ફક્ત છબીઓ અને વાર્તા યાદ હતા. ગયા વર્ષે મને તે એમેઝોન પર મળી ગઈ. તે સીલ માછલી અને નૌકાવિહાર વિશે છે. તમારે એ વાર્તા સાંભળવી છે?" અને તેઓ એ વાર્તા કહે છે, તેમનો અવાજ તેઓ જે મોજાં અને વર્ણન કરે છે તે મોજાં અને દરિયાની જેમ જ ઊંચે ઊઠે છે અને નીચો થાય છે.

તેમનું બાળપણ પણ દરિયા જેવું જ લહેરોભર્યું અને કંઈક અશાંત હતું. તેઓ માધ્યમિક શાળામાં હતા ત્યારે તેમની આસપાસમાં બનેલી હિંસાની ઘટનાઓ યાદ કરે છે. "છરા ભોંકાતા. બસો સળગાવવામાં આવતી. અમે તેના વિશે સતત સાંભળતા રહેતા. અમારા ગામમાં અમારો એક રિવાજ હતો, તહેવારો અને કાર્યક્રમો દરમિયાન ફિલ્મ બતાવતા. એ હિંસાનો મુખ્ય સ્ત્રોત હતો. એમાં છુરાબાજી હોય. જ્યારે હું 8 મા ધોરણમાં હતી ત્યારે હિંસા એની ચરમસીમાએ હતી. તમે કર્ણન ફિલ્મ જોઈ છે? અમારું જીવન એવું જ હતું.” ( કર્ણન એ 1995 ના કોડિયંકુળમમાં થયેલા જાતિય હુલ્લડોની કાલ્પનિક વાત છે અને તેમાં અભિનેતા ધનુષ મુખ્ય ભૂમિકામાં છે. '(ફિલ્મની) વાર્તા કર્ણનની આસપાસ ફરે છે, તેઓ છેવાડાના દલિત સમુદા ના એક નિર્ભય અને દયાળુ યુવાન છે, તેઓ જુલમ સામે પ્રતિકારનું પ્રતીક બને છે. ઉચ્ચ જાતિના ગ્રામજનો વિશેષાધિકાર અને સત્તા ભોગવે છે, જ્યારે દલિતો ભેદભાવનો સામનો કરે છે.'

નેવુંના દાયકાના અંત સુધીમાં જ્યારે જાતિય હિંસા એની ચરમસીમાએ પહોંચી હતી ત્યારે રથીના પિતા એક બીજા શહેરમાં રહેતા હતા, તેઓ ત્યાં કામ કરતા હતા. અને રથી અને તેના ભાઈ-બહેનો ગામમાં જ તેમની માતા સાથે રહેતા હતા. પરંતુ 9, 10, 11 અને 12 દરેક ધોરણ માટે તેઓ દર વર્ષે અલગ-અલગ શાળામાં ગયા હતા.

તેમની જિંદગી અને તેમના અનુભવોએ તેની કારકિર્દીની પસંદગીઓને પ્રભાવિત કરી. તેઓ કહે “જુઓ, 30 વર્ષ પહેલાં તિરુનેલવેલીમાં હું એક વાચક હતી. મને પુસ્તકો બાબતે સલાહ આપનાર કોઈ નહોતું. હું પ્રાથમિક શાળામાં હતી ત્યારથી મેં શેક્સપિયર વાંચવાનું શરુ કર્યું હતું. તમને ખબર છે [જ્યોર્જ એલિયટનું] મિલ ઓન ધ ફ્લોસ એ મારા મનપસંદ પુસ્તકોમાંનું એક છે? તે રંગવાદ અને વર્ગવાદ વિશે છે. તેમાં નાયિકા તરીકે એક કાળી ચામડીની મહિલા છે. એ પુસ્તક સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સૂચવવામાં આવે છે. પરંતુ કોઈએ શાળામાં એ દાનમાં આપ્યું હતું એટલે મેં 4 થા ધોરણમાં એ વાંચ્યું હતું અને હું નાયિકાની લાગણીઓ સમજી શકી હતી. તેની વાર્તાથી મને પણ દુઃખ થયું હતું...”

Rathy shows one of her favourite books
PHOTO • Aparna Karthikeyan
Rathy shows her puppets
PHOTO • Varun Vasudevan

રથી તેના મનપસંદ પુસ્તકોમાંથી એક પુસ્તક (ડાબે) અને કઠપૂતળીઓ (જમણે) બતાવે છે

ઘણા વર્ષો પછી બાળકો માટેના પુસ્તકો ફરીથી રથીના હાથમાં આવ્યા ત્યારે એ ઘટનાએ તેમની કારકિર્દીનો માર્ગ નક્કી કરી દીધો. રથી કહે છે, “મને ખ્યાલ જ નહોતો કે બાળકો માટેના ખાસ પુસ્તકો પણ હોય છે.  વ્હેર ધ વાઇલ્ડ થિંગ્સ આર એન્ડ ફર્ડિનાન્ડ જેવા પુસ્તકો પણ છે એનો મને ખ્યાલ નહોતો. આ પુસ્તકો લગભગ 80 કે 90 વર્ષથી મળતા હતા અને શહેરોના બાળકોએ તે વાંચ્યા હતા. આ વાતે મને વિચારવા માટે મજબુર કરી દીધી - જો હું નાની હતી ત્યારે મને આ પુસ્તકો વાંચવા મળી શક્યા હોત તો? તો મારી (જીવન) સફર અલગ હોત. હું એમ નથી કહેતી કે વધુ સારી હોત, પણ અલગ હોત એ નક્કી."

ઉપરાંત વાંચનને હજુ પણ એવી પ્રવૃત્તિ તરીકે જોવામાં આવે છે જે આપણને શૈક્ષણિક પ્રવૃત્તિથી દૂર કરી રહ્યું છે. "એને મનોરંજનની પ્રવૃત્તિ તરીકે જોવામાં આવે છે," તેઓ માથું હલાવતા કહે છે, "કૌશલ્ય કેળવતી પ્રવૃત્તિ તરીકે નહીં. માતા-પિતા પણ માત્ર શૈક્ષણિક અને બાળકને પ્રવૃત્તિમાં પરોવતા પુસ્તકો ખરીદે છે, વાર્તાના પુસ્તકો વાંચવાની મજા માણતા માણતા બાળકો સાથે સાથે શીખી પણ શકે છે એ વાત તેઓ સમજતા નથી. ઉપરાંત એક વિશાળ ગ્રામીણ-શહેરી અંતર છે. શહેરોમાં તેમના સમકક્ષ બાળકો કરતાં ગામડાંના બાળકો (વાંચન સ્તરમાં) ઓછામાં ઓછા બે થી ત્રણ સ્કેલ પાછળ છે.”

અને તેથી જ રથીને ગ્રામીણ બાળકો સાથે કામ કરવાનું પસંદ છે. તેઓ છ વર્ષથી સાહિત્યપર્વ અને પુસ્તકમેળાનું આયોજન કરી રહ્યા છે, ઉપરાંત ગામડાના પુસ્તકાલયો માટે પુસ્તકોની પસંદગી કરવાનું, તેને યોગ્ય રીતે ગોઠવવાનું અને તેની કાળજી રાખવાનું કામ પણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે ઘણી વાર તમને પ્રશિક્ષિત ગ્રંથપાલ મળી જાય છે જેઓ પુસ્તકોની સરસ સૂચિ જાળવી જાણે છે, પરંતુ પુસ્તકની અંદર શું છે તેની તેમને હંમેશા જાણ હોય એ જરૂરી નથી. તેઓ કહે છે, "જો તેઓ તમે શું વાંચી શકો એની ભલામણ કરી ન શકે તો પછી તેનો કોઈ અર્થ જ નથી!"

રથી ખાનગી વાત કહેતા હોય તેમ પોતાનો અવાજ નીચો કરીને કહે છે, "એકવાર એક ગ્રંથપાલે મને પૂછ્યું, "મેડમ તમે બાળકોને પુસ્તકાલયમાં અંદર કેમ આવવા દો છો?" અને મારી પ્રતિક્રિયા જોવા જેવી હતી!” અને ગ્રંથપાલ આવું વિચારી પણ શકે એ માની ન શકતા હોય એ ભાવ સાથેનું તેમનું હાસ્ય બપોરના એકાંતને ભરી દે છે.

*****

ઘેર પાછા ફરતી વખતે અમને પિરન્ડઈ મળી જાય છે. તે મજબૂત છે અને છોડ અને ઝાડવાં પર વીંટળાયેલા છે. રથી મને આછો લીલો અંકુર બતાવે છે જે અમારે ચૂંટવો જોઈએ. વેલ તરત તૂટી જાય છે. તેઓ તેને પોતાના હાથમાં ભેગી કરે છે, પિરન્ડઈનો એક નાનો વ્યવસ્થિત ઢગલો, 'ડેવિલ્સ બેકબોન', એ નામ આપણને ફરી એક વાર હસાવે છે.

Foraging and harvesting pirandai (Cissus quadrangularis), the creeper twisted over plants and shrubs
PHOTO • Aparna Karthikeyan
Foraging and harvesting pirandai (Cissus quadrangularis), the creeper twisted over plants and shrubs
PHOTO • Aparna Karthikeyan

પિરન્ડઈ શોધીને ચૂંટતા રથી, છોડ અને ઝાંખરા પર વીંટળાયેલી પિરન્ડઈની વેલ

રથી ખાત્રી આપે છે કે એક વાર વરસાદ પડશે એ પછી નક્કી છોડ પર તાજા અંકુર ફૂટશે, તેઓ કહે છે, “અમે ક્યારેય ઘેરા લીલા ભાગો પસંદ કરતા નથી. તે પ્રજનનક્ષમ માછલીને પકડવા જેવું છે, ખરું કે નહીં? એવું કરો તો પછી તમને નાના ફ્રાય કેવી રીતે મળી શકે?"

ગામમાં પાછા ફરતા શરીર પર ફોલ્લા પડી જાય એવી હાલત છે. સૂર્ય સખત તપે છે, ઝાડી-ઝાંખરાંવાળું જંગલ અને પામ વૃક્ષો ભૂખરાં અને સૂકાં છે. ધોમધખતી ગરમીમાં જમીન ચમકે છે. યાયાવર પક્ષીઓનું ટોળું – બ્લેક આઈબીસ – આપણે નજીક પહોંચીએ છીએ ત્યારે ઉડાન ભરે છે. તેઓ પગને અંદર ખેંચીને પાંખો ફેલાવીને ચપળતાપૂર્વક ઉડે છે. અમે ગામના ચોકમાં પહોંચીએ છીએ, અહીં ડૉ. આંબેડકર તેમના હાથમાં બંધારણ લઈને ટટ્ટાર ઊભા છે. "મને લાગે છે કે હિંસા પછી જ તેમની પ્રતિમાને લોખંડની જાળીથી સુરક્ષિત કરવામાં આવી હતી."

રથીનું ઘર આ પ્રતિમાથી થોડી મિનિટો દૂર છે. અમે ફરી બેઠક ખંડમાં છીએ, તેઓ મને કહે છે કે તેમને વાર્તાઓ શુદ્ધિકારક લાગે છે. “એક વાર્તાકાર તરીકે હું મંચ પર ઘણી બધી લાગણીઓ ભજવું છું જે હું એ સિવાય બહાર લાવીશ નહીં. નિરાશા અને થાક જેવી ખૂબ જ સરળ લાગણીઓને પણ તમે છુપાવો છો અને તેનો બોજ ઢસડતા રહો છો. પરંતુ હું આ લાગણીઓ મંચ પર છતી કરું છું.

તેઓ જણાવે છે કે પ્રેક્ષકો રથીને નહીં પરંતુ તેઓ જે પાત્ર ભજવી રહ્યા હતા તેને જુએ છે. મંચ પર દુઃખને પણ વ્યક્ત કરી શકાય છે. "મને એક સરસ નકલી રુદન કરતા આવડે છે જે સાંભળીને લોકો તેઓએ કોઈના રડવાનો અવાજ સાંભળ્યો એમ કહેતા જે ઓરડામાંથી એ રડવાનો અવાજ આવ્યો હોય એ તરફ દોડે છે." હું પૂછું છું કે તમે મારા માટે એ વિલાપ કરી શકો છો? પણ રથી એ વાતને હસી કાઢે છે. તેઓ કહે છે, "અહીં નહીં, અહીં તો નહીં જ, ઓછામાં ઓછા ત્રણ સંબંધીઓ શું થયું પૂછતા દોડી આવશે..."

મારો જવાનો સમય થઈ ગયો છે, અને રથી મારે માટે પિરન્ડઈના અથાણાંનો મોટો બેચ પેક કરે છે. તે તેલથી ચમકે છે, તે લસણથી ભરેલું છે. અને તેની સ્વર્ગ સમી સુગંધ મને હૂંફાળા દિવસે લીલા અંકુરો શોધવા લાંબે સુધી ચાલ્યા હતા એ વાતની અને (ચાલતા ચાલતા સાંભળેલી) વાર્તાઓની યાદ અપાવે છે…

Cleaning and cutting up the shoots for making pirandai pickle
PHOTO • Bhagirathy
Cleaning and cutting up the shoots for making pirandai pickle
PHOTO • Bhagirathy

પિરન્ડઈનું અથાણું બનાવવા માટે સાફ કરીને સમારેલા અંકુર

Cooking with garlic
PHOTO • Bhagirathy
final dish: pirandai pickle
PHOTO • Bhagirathy

લસણ સાથે રાંધવામાં આવતા પિરાન્ડઈ અને અંતિમ વાનગી પિરાન્ડઈ અથાણું (જમણે); બનાવવાની પદ્ધતિ નીચે

પિરન્ડઈનું અથાણું બનાવવા માટેની રથીની માતા વડીવમ્માળની પદ્ધતિ:

પિરન્ડઈને સાફ કરીને બારીક કાપો. એક ચાળણીમાં લઈ સારી રીતે ધોઈને પાણી સારી રીતે નિતારી લો. બિલકુલ પાણી ન રહેવું જોઈએ. એક તપેલી લો અને તેમાં પિરન્ડઈ માટે પૂરતું તલનું તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે રાઈના દાણા ઉમેરો અને જો ગમે તો મેથી અને લસણની કળીઓ ઉમેરો. જ્યાં સુધી બરોબર લાલ ન થાય ત્યાં સુધી સારી રીતે સાંતળો. આમલીના એક ગોળાને પાણીમાં પહેલેથી  પલાળી રાખો અને તેને નીચોવીને ગર કાઢી લો  -- આમલી પિરન્ડઈને કારણે થતી ખંજવાળ દૂર કરે છે. (કેટલીકવાર પિરન્ડઈને ધોતી અને સાફ કરતી વખતે પણ આ છોડને કારણે તમારા હાથમાં ખંજવાળ આવી શકે છે.)

આમલીનું પાણી ઉમેરો, ત્યારબાદ મીઠું, હળદરની ભૂકી, લાલ મરચાંની ભૂકી અને હિંગ ઉમેરો. પિરન્ડઈ સારી રીતે રંધાઈ જાય, આખું મિશ્રણ એકરસ થઈ જાય અને તલનું તેલ ઉપર તરી આવે ત્યાં સુધી હલાવતા રહો. અથાણાંને ઠંડુ થવા દો અને તેને બાટલીમાં ભરી દો. તે એક વર્ષ સુધી સારું રહેશે.


આ સંશોધન અભ્યાસને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તેના સંશોધન ભંડોળ કાર્યક્રમ 2020 ના ભાગરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Aparna Karthikeyan

اپرنا کارتی کیئن ایک آزاد صحافی، مصنفہ اور پاری کی سینئر فیلو ہیں۔ ان کی غیر فکشن تصنیف ’Nine Rupees and Hour‘ میں تمل ناڈو کے ختم ہوتے ذریعہ معاش کو دستاویزی شکل دی گئی ہے۔ انہوں نے بچوں کے لیے پانچ کتابیں لکھیں ہیں۔ اپرنا اپنی فیملی اور کتوں کے ساتھ چنئی میں رہتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز اپرنا کارتکیئن

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

کے ذریعہ دیگر اسٹوریز Maitreyi Yajnik