લદ્દાખની સુરુ ખીણના ગામો ઉનાળાના મહિનાઓમાં જીવંત બની જાય છે. ચારે તરફ હિમાચ્છાદિત પર્વતોથી ઘેરાયેલા લીલાછમ મેદાનોમાં ઝરણાં ખળખળ વહે છે, મેદાનોમાં અઢળક જંગલી ફૂલો ઉગે છે. દિવસનું આકાશ સુંદર આસમાની રંગે રંગાયેલું હોય છે, અને રાત્રિના આકાશમાં તમે આકાશગંગા જોઈ શકો છો.
કારગિલ જિલ્લાની આ ખીણમાં બાળકો તેમના પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ છે. તાઈ સુરુ ગામમાં, જ્યાં 2021 માં આ ફોટા લેવામાં આવ્યા હતા ત્યાં, છોકરીઓ ખડકો પર ચઢે છે, ઉનાળામાં ફૂલો ભેગાં કરે છે કે પછી શિયાળામાં બરફ ભેગો કરે છે, અને ઝરણાંમાં છલાંગ લગાવે છે. જવના ખેતરોમાં રમવું એ એમની ઉનાળામાં એમની એક મનગમતી પ્રવૃત્તિ છે.
કારગિલ ખૂબ દૂર આવેલું છે, અને લોકપ્રિય પર્યટન સ્થળ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના એકમાત્ર બીજા જિલ્લા લેહથી સાવ અલગ છે.
અન્યત્ર, ઘણા લોકો કારગિલ કાશ્મીર ખીણમાં આવેલ છે એમ માને છે, પરંતુ તેવું ચોક્કસપણે નથી જ. અને કાશ્મીરમાં સુન્ની મુસ્લિમોનું વર્ચસ્વ છે, જયારે તેનાથી વિપરીત કારગિલના મોટાભાગના લોકો શિયા ઈસ્લામમાં આસ્થા રાખે છે.
સુરુ ખીણના શિયા મુસ્લિમો કારગિલ શહેરથી 70 કિલોમીટર દક્ષિણમાં આવેલા તાઈ સુરુને એક મહત્વનું ધાર્મિક કેન્દ્ર માને છે. અહીંના લોકો માટે ઈસ્લામી નવા વર્ષનો પહેલો મહિનો - મોહરમ - મોહમ્મદ પયગંબરના પૌત્ર ઇમામ હુસૈન બદલ ઊંડો શોક - માતમ મનાવવાનો સમયગાળો છે. 10 મી ઓક્ટોબર, 680 સીઈ (કોમન ઇરા - common era) ના રોજ (આજના ઈરાકમાં) કરબલાના યુદ્ધમાં તેઓ અને તેમના 72 સાથીઓ માર્યા ગયા હતા.
મહોરમ દરમિયાન પુરૂષો અને મહિલાઓ બંને આ ઘટનાની યાદમાં કરવામાં આવતી પારંપરિક વિધિઓમાં ભાગ લે છે. ઘણા દિવસો સુધી જુલૂસ અથવા દાસ્તા તરીકે ઓળખાતા સરઘસો કાઢવામાં આવે છે. આમાંનું સૌથી મોટું સરઘસ આશૂરા પર - મોહરમના દસમા દિવસે - નીકળે છે, જ્યારે હુસૈન અને તેમના અનુગામીઓની કરબલામાં સામુહિક હત્યા કરવામાં આવી હતી. કેટલાક પુરુષો સાંકળો અને બ્લેડ વડે પોતાના શરીર પર વાર કરવાની (પોતાના શરીરને પીડા આપવાની) પારંપરિક વિધિ - ક્વામા ઝાની કરે છે અને દરેક જણ છાતી કૂટે છે - સીના ઝાની કરે છે.
આશૂરાની આગલી રાત્રે મહિલાઓ મસ્જિદથી ઈમામબાડા (સભા હોલ) સુધી સરઘસ કાઢે છે, તેઓ મરશિયા અને નોહા (માતમ અને શોકના ગીતો) ગાય છે. (આ વર્ષે આશૂરા 8 મી - 9 મી ઓગસ્ટે આવે છે.)
હુસૈન અને બીજાઓના પ્રતિકાર અને તેમની શહાદતને ને યાદ કરવા સૌ મજલિસ (ધાર્મિક મેળાવડા) માટે ભેગા થાય છે, મોહરમ દરમિયાન ઈમામબાડામાં દિવસમાં બે વખત મજલિસ યોજાય છે. આગા (ધાર્મિક વડા) કરબલા યુદ્ધ અને તેને સંબંધિત ઘટનાઓનું વર્ણન કરે છે અને પુરુષો (અને છોકરાઓ) અને મહિલાઓ હોલમાં અલગ-અલગ જગ્યાઓ પર બેસીને એ સાંભળે છે.
પરંતુ હોલની ઉપરના માળે એક જાળીદાર ઝરૂખો છે જ્યાં છોકરીઓ બેસે છે. એ જગ્યાએથી તેમને નીચે ચાલતી ગતિવિધિઓ જોવામાં અનુકૂળતા રહે છે. એ જગ્યા 'પિંજરા' તરીકે ઓળખાય છે. 'પિંજરા' શબ્દ સાંભળતા જ કેદ અને ગૂંગળામણનો ભાવ જાગે છે. જોકે આ છોકરીઓનો સવાલ છે ત્યાં સુધી એ જગ્યા તેમને સ્વતંત્રતા અને રમવા માટેની જગ્યા પૂરી પાડે છે.
જ્યારે ઈમામબાડામાં શોક વધુ સુસ્પષ્ટ થાય છે ત્યારે અચાનક મૂડ બદલાઈ જાય છે અને છોકરીઓ માથું નીચું કરીને રડે પણ છે - પરંતુ લાંબા સમય સુધી નહીં.
મોહરમ માતમનો મહિનો હોવા છતાં બાળકોની દુનિયામાં એ તેમના મિત્રોને મળવાનો અને મોડી રાત સુધી પણ કલાકોના કલાકો સાથે વિતાવવાનો મોકો છે. કેટલાક છોકરાઓ પોતાના શરીર પર વાર કરે છે (પોતાના શરીરને પીડા આપે છે, પરંતુ છોકરીઓ માટે આ પારંપરિક વિધિ પ્રતિબંધિત છે. છોકરીઓ મોટે ભાગે બીજા બધા જે કરતા હોય એ જુએ છે.
મોટે ભાગે મોહરમની પ્રથાના પાલનનું વર્ણન પુરુષો દ્વારા પોતાના શરીર પર વાર કરવા (પોતાના શરીરને પીડા આપવા) અને લોહી વહાવવાની આસપાસ કેન્દ્રિત છે. પરંતુ માતમ મનાવવાની બીજી રીત પણ છે, મહિલાઓની રીત - ગંભીર અને શોકપૂર્ણ.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક