40 વર્ષીય વણકર અખ્તર અલી કહે છે, “ભદોહી ગાલીચાનો જિલ્લો છે. અહીં બીજું કોઈ કામ નથી થતું. મેં મારું બાળપણ અહીં જ વિતાવ્યું છે અને આ રીતે જ હું વણાટ શીખ્યો છું.” જોકે, ગાલીચા બનાવવાથી થતી આવકમાં ઘટાડો થયો હોવાથી અલીએ હવે સિલાઈ કામ કરવાનું શરૂ કર્યું છે.

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર વિભાગમાં આવેલ ભદોહી જિલ્લો દેશના ગાલીચા વણાટના સૌથી મોટા સમૂહનું કેન્દ્ર છે. આ કેન્દ્રમાં મિર્ઝાપુર, વારાણસી, ગાઝિપુર, સોનભદ્ર, કૌશાંબી, અલાહાબાદ, જૌનપુર, અને ચંદૌલી જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગ લગભગ 20 લાખ ગ્રામીણ કારીગરોને રોજગાર પૂરો પાડે છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થાય છે.

અહીંની વણાટ પ્રક્રિયાને જે બાબત અલગ બનાવે છે તે છે હાથવણાટ, જેમાં ગાલીચાઓમાં ચોરસ ઈંચ દીઠ 30 થી 300 ગાંઠો લગાવીને તેમને ઊભી લૂમો પર વણવામાં આવે છે. છેલ્લી બે સદીઓથી પ્રક્રિયા અને કાચો માલ –ઊન, કપાસ અને રેશમની દોરી– માં કોઈ બદલાવ આવ્યો નથી. કારીગરો લૂમ પર હાથેથી ગૂંથવાનું કૌશલ્ય તેમના બાળકોને વારસમાં આપે છે.

તેમની વણાટ પદ્ધતિઓની વિશિષ્ટ પ્રકૃતિની માન્યતામાં, ભદોહીના ગાલીચાઓને 2010માં ભૌગોલિક સંકેત (જીઆઇ) પ્રમાણપત્ર મળ્યું હતું. જીઆઇ ટેગ મળવાથી ઉદ્યોગને પ્રોત્સાહન મળવાની અપેક્ષા હતી. જોકે, તેનાથી ગાલીચા વણનારાઓના વ્યવસાયમાં સુધારો થયો નથી.

ઉદાહરણ તરીકે, 1935માં સ્થપાયેલ મુબારક અલી એન્ડ સન્સ, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને જાપાન જેવા દેશોમાં ભદોહીના ગાલીચાની નિકાસ કરતા હતા, પછી તેમણે ઘટી રહેલા ઓર્ડરને કારણે 2016માં દુકાન બંધ કરી દેવી પડી હતી. 67 વર્ષીય ખાલિદ ખાન નિકાસ ઘરના સ્થાપક અને ભૂતપૂર્વ માલિક મુબારકના પૌત્ર છે. તેઓ કહે છે, “મારા દાદા અને પિતા આ વ્યવસાયમાં જ હતા. અમારો ધંધો બ્રિટિશ યુગ દરમિયાન શરૂ થયો હતો જ્યારે ‘મેડ ઇન બ્રિટિશ ઇન્ડિયા’ લેબલ સાથે ગાલીચાની નિકાસ કરવામાં આવતી હતી.”

વીડિઓ જુઓ: ભદોહીની લુપ્ત થતી ડિઝાઇનો

ભારતમાં ગાલીચા વણાટની પરંપરા સદીઓ જૂની હોવાનું કહેવાય છે. ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર, મુઘલ યુગમાં, ખાસ કરીને 16મી સદીમાં અકબરના શાસનકાળમાં આ કળાનો વિકાસ થયો હતો. 19મી સદીથી ભદોહી પ્રદેશમાં હાથથી વણેલા ગાલીચાનું, મુખ્યત્વે ઊનથી બનાવેલા ગાલીચાનું, મોટાપાયે ઉત્પાદન થવાની શરૂઆત થઈ હતી.

અહીં બનાવેલા ગાલીચા હવે આખી દુનિયામાં જાય છે. ગાલીચા નિકાસ પ્રોત્સાહન સંઘ કહે છે કે, ભારતમાં ઉત્પાદિત લગભગ 90 ટકા ગાલીચાની નિકાસ કરવામાં આવે છે, જેમાંથી અડધોઅડધ ગાલીચા યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ થાય છે. 2021-22માં ભારતમાંથી નિકાસ થયેલ ગાલીચાનું મૂલ્ય $2.23 બિલિયન (16,640 કરોડ રૂપિયા) હતું. તેમાંથી હાથવણાટના ગાલીચાનો હિસ્સો $1.51 બિલિયન (11,231 કરોડ રૂપિયા) હતો.

પરંતુ ભદોહીના ગાલીચા વણાટ ઉદ્યોગને બજારમાં ઉપલબ્ધ સસ્તા વિકલ્પોનો કઠીન સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને ચીન જેવા દેશોમાં મશીનથી બનેલી નકલોથી. ચીન વિષે અલી કહે છે, “ગાલીચાની નકલો હવે બજારમાં સરળતાથી મળી રહે છે. ઉદ્યોગપતિ અથવા પૈસાવાળા લોકો તેની તપાસ કરતા નથી કે તે તરફ વધું ધ્યાન પણ નથી આપતા.”

ભદોહીનાં એક અન્ય રહેવાસી, 45 વર્ષીય ઉર્મિલા પ્રજાપતિ એવા લોકોમાં શામેલ છે જેમને ગાલીચા વણાટની કળા વારસામાં મળી છે. પરંતુ ઘટતી આવક અને આરોગ્ય સમસ્યાઓએ તેમને આ સખત મહેનત માંગી લેતો વ્યવસાય છોડવાની ફરજ પાડી છે. તેઓ કહે છે, “મારા પિતાએ મને ઘેર ગાલીચા વણવાની કળા શીખવી હતી. તેઓ ઈચ્છતા હતા કે અમે સ્વતંત્ર રીતે કામ કરીએ અને કમાઈએ. મારી આંખોમાં હંમેશાં પાણી ભરાઈ જતું હતું. મારી આંખો પહેલાં જેવી કરવા માટે કેટલાક લોકોએ મને વણાટકામ બંધ કરવાનું સૂચન કર્યું હતું, તેથી મેં વણાટ કરવાનું બંધ કરી દીધું.”

ઉર્મિલા, જેઓ હવે ચશ્મા પહેરે છે, ફરીથી ગાલીચા વણવાનું કામ શરૂ કરવાનું વિચારી રહ્યાં છે. ભદોહીના અન્ય લોકોની જેમ, તેમને વારસામાં મળેલા આ કલાત્મક વારસા પર ગર્વ છે. પરંતુ આ વીડિયો બતાવે છે કે, ઘટતી જતી નિકાસ, અનિશ્ચિત બજારો, પરંપરાગત વ્યવસાયોથી શ્રમિકોના પલાયનના પરિણામે, ભદોહી એક મહત્વપૂર્ણ ગાલીચા વણાટ જિલ્લા તરીકેની તેની સદીઓ જૂની પ્રતિષ્ઠા ગુમાવવાના જોખમમાં છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Mohammad Asif Khan

محمد آصف خان، نئی دہلی میں مقیم ایک صحافی ہیں۔ وہ اقلیتوں کے مسائل اور تنازعات سے متعلق موضوعات پر رپورٹنگ کرنے میں دلچسپی رکھتے ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Mohammad Asif Khan
Sanjana Chawla

سنجنا چاولہ، نئی دہلی میں مقیم ایک صحافی ہیں۔ ان کی تحریر میں ہندوستانی معاشرہ، ثقافت، صنف اور حقوق انسانی سے متعلق امور پر گہرا تجزیہ دیکھنے کو ملتا ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Sanjana Chawla
Text Editor : Sreya Urs

شریہ عرس، بنگلورو کی ایک آزاد صحافی اور ایڈیٹر ہیں۔ وہ گزشتہ ۳۰ سالوں سے بھی زیادہ عرصے سے پرنٹ اور ٹیلی ویژن میڈیا سے وابستہ ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sreya Urs
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

کے ذریعہ دیگر اسٹوریز Faiz Mohammad