આ અહેવાલ નોંધે છે કે માહિતીની આપલે કરવાની મર્યાદા તેમજ સંભાળ રાખનારાઓ પરની નિર્ભરતાને કારણે મનોવૈજ્ઞાનિક અથવા શારીરિક વિકલાંગતા ધરાવતી છોકરીઓ અને મહિલાઓ પણ ભારતમાં જાતીય હિંસાનું વધુ જોખમ ધરાવે છે. માનસિક વિકલાંગતા સાથે જીવતા 21 વર્ષના કજરીના કિસ્સામાં બન્યું હતું તેમ, જ્યારે ફરિયાદ નોંધવામાં આવે છે ત્યારે પણ કાયદાકીય પ્રક્રિયા જ એક સજારૂપ બની જાય છે. 2010 માં કજરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમણે 10 વર્ષ માનવતસ્કરી, જાતીય હુમલા અને બાળ મજૂરીનો ભોગ બનીને વિતાવ્યા હતા. તેમના પિતા કહે છે, "એક જગ્યાએ મારી નોકરી ચાલુ રાખવાનું મુશ્કેલ થઈ ગયું છે કારણ કે કજરીને પોલીસ નિવેદનો આપવા, પરીક્ષણ કરાવવા વગેરે માટે લઈ જવા મારે કેટલાય દિવસો રજા લેવી પડે છે. હું વારંવાર રજા માગું છું ત્યારે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે."
કન્સેપ્ચ્યુઅલાઈઝિંગ બ્રાહ્મિનિકલ પેટ્રિઆર્કિ ઈન અર્લી ઈન્ડિયા નિબંધમાં પ્રો. ઉમા ચક્રવર્તી પરાપૂર્વથી ચાલી આવતી "નિયંત્રણની અસરકારક પ્રણાલી બનાવવા માટેની ઘેલછા અને તેમની [મહિલાઓની] સતત સુરક્ષા કરવાની જરૂરિયાત" વિશે લખે છે. નિબંધમાં નોંધ્યા પ્રમાણે ઘણી વખત આ નિયંત્રણ પિતૃસત્તાક ધોરણોને સ્વીકારાનાર મહિલાઓને પુરસ્કૃત કરીને અને એ ધોરણો ન સ્વીકારનાર મહિલાઓને નીચાજોણું કરીને લાદવામાં આવે છે. મહિલાઓના હરવા-ફરવા પર બળજબરીપૂર્વક મર્યાદા લાદતા આ નિયમનકારી ધોરણો ઘણીવાર મહિલાઓની લૈંગિકતા અને તેમની નાણાકીય સ્વતંત્રતાના ડરમાંથી ઉદ્ભવેલા હોય છે. 30 વર્ષના ગિરિજા કહે છે, “પહેલાં જ્યારે પણ હું ગામમાં કોઈ ગર્ભવતી મહિલાને જોવા જતી અથવા તેમને દવાખાને લઈ જતી ત્યારે તેઓ [તેમના સાસરિયાઓ] કહેતા કે હું બીજા પુરુષોને મળવા જાઉં છું. (હકીકતમાં) એક આશા તરીકે આ મારી ફરજ છે." ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાની રહેવાસી ગિરિજાને એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ (આશા - માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા) તરીકેની નોકરી છોડી દેવા માટે તેના સાસરિયાઓ તરફથી કરવામાં આવતા દબાણનો સામનો કરવો પડે છે. તેઓ ઉમેરે છે, "ગઈ કાલે મારા પતિના દાદાએ મને લાઠી [લાકડી] વડે માર માર્યો હતો અને મારું ગળું ઘોંટવાનો પ્રયાસ પણ કર્યો હતો."
છેવટે જ્યારે મહિલાઓ ઘરની બહાર જઈને કામ કરવામાં સફળ થાય છે અને એ માટે તેમને ચૂકવણી કરવામાં આવે છે ત્યારે કાર્યસ્થળે ઉત્પીડન એ પછીનો લિંગ આધારિત અવરોધ છે. નેશનલ કેપિટલ રિજન (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર) અને બેંગલુરુમાં કપડાં સંબંધિત ક્ષેત્રના કામદારોના એક સર્વેક્ષણ મુજબ 17 ટકા મહિલા કામદારોએ કાર્યસ્થળ પર જાતીય સતામણીના કિસ્સાઓ બન્યા હોવાની વાત કરી છે. કપડાં ઉદ્યોગમાં એક ફેક્ટરી કામદાર લતા નોંધે છે, "પુરુષ મેનેજરો, સુપરવાઈઝરો અને મિકેનિક્સ - તેઓ અમને અડકવાનો પ્રયાસ કરતા અને જેની પાસે જઈને ફરિયાદ કરી શકાય એવું અમારી પાસે કોઈ નહોતું," (વાંચો: જ્યારે દલિત મહિલાઓ ડિંડીગલમાં એક થઈ). મહિલા કામદારોની સાથે મળીને, એક થઈને વાટાઘાટો કરવાની શક્તિને દ્રઢ કરવાના ઉદ્દેશ્યથી વિશાકા ગાઈડલાઈન્સ (1997) સંસ્થાઓને ફરિયાદ સમિતિ બનાવવાની ભલામણ કરે છે, આ સમિતિનું નેતૃત્વ એક મહિલાના હાથમાં હોવું જોઈએ અને તેના સભ્યોમાં અડધાથી વધારે સંખ્યામાં મહિલાઓ હોવી જોઈએ. કાગળ પર આવી માર્ગદર્શક સૂચનાઓ હોવા છતાં તેમનો અમલ સતત નબળો રહ્યો છે. કામના સ્થળે અને ઘરમાં મહિલાઓ સામે હિંસા ફેલાયેલી છે.