2024નું વર્ષ પારી લાઇબ્રેરી માટે એક સીમાચિહ્નરૂપ છે − અમે આ વર્ષે વિક્રમી સંખ્યામાં સંસાધનો તૈયાર કર્યા અને આર્કાઇવ કર્યા છે. તેમાં અધિનિયમો અને કાયદાઓ, પુસ્તકો, સંમેલનો, નિબંધો, કાવ્યસંગ્રહો, શબ્દકોશો, સરકારી અહેવાલો, પત્રિકાઓ, સર્વેક્ષણો અને લેખોનો સમાવેશ થાય છે.
જોકે આ દરમિયાન અન્ય, વધુ ગંભીર રેકોર્ડ પણ તૂટી રહ્યા હતા − 2024 એ નોંધવામાં આવેલું સૌથી ગરમ વર્ષ બનવા જઈ રહ્યું છે, જે અગાઉના સૌથી ગરમ શહેર 2023ને પાછળ છોડવા જઈ રહ્યું છે. બદલાતી આબોહવાને કારણે સ્થળાંતર કરતી પ્રજાતિઓ પર અસર થઈ છે, જેમાં પાંચમાંથી એક પ્રજાતિ પર હવે લુપ્ત થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. અને ભારતની કળણભૂમિ, તમામ સ્પાંગ, ઝીલ, સરોવર, તળાવ, તાલ, કોલા, બિલ અને ચેરુવુ જોખમમાં છે.
પ્રદૂષણ અને ગરમી વચ્ચેના સંબંધોનું સારી રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, અને દક્ષિણ એશિયામાં કણરૂપ દ્રવ્યોને કારણે વાયુ પ્રદૂષણ ખાસ કરીને ખરાબ રહ્યું હતું. ભારતમાં તેની સાંદ્રતા 54.4 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતી, જે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં 11 ગણી વધારે હતી. નવી દિલ્હી, કે જ્યાં સાંદ્રતા 102.1 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરની આસપાસ હતી, તેની હાલત તો એટલી કફોડી હતી કે તેનાથી રાઇડ-સોર્સિંગ સેવા માટે એક ગિગ કામદારના અનુભવો વિશે કોમિકને પ્રેરણા મળી હતી.







