કલ્લિયાસેરી નજીક પરસ્સિની કડાવુ ખાતે આવેલું મંદિર કંઈક અનોખું છે. તે પહેલેથી જ હંમેશાં તમામ નાત-જાત માટે ખુલ્લું રહ્યું છે. અહીંના પૂજારીઓ પછાત સમુદાયોના છે. આ મંદિરના દેવતા મુતપ્પન 'ગરીબનો ભગવાન' તરીકે ઓળખાય છે. એ સર્વશક્તિમાનને તાડી અને માંસ પણ અર્પણ કરાય છે. ભાગ્યે જ કોઈ મંદિર કૂતરાની કાંસાની મૂર્તિની ગણતરી તેમની દેવમૂર્તિઓમાં કરતું હશે. પણ કેરલાના કન્નુર જિલ્લાનું આ મંદિર કૂતરાની કાંસાની મૂર્તિની ગણતરી તેમની દેવમૂર્તિઓમાં કરે છે. છેવટે તો મુતપ્પન શિકારીઓના ભગવાન છે ને!
1930 ના દાયકામાં મુતપ્પન શિકારના પણ ભગવાન બન્યા. ખાસ કરીને અંગેજોથી છુપાતા ફરતા ડાબેરી રાષ્ટ્રવાદીઓ અને સામ્યવાદીઓના. કે.પી.આર. રાયરપ્પન કહે છે, "મંદિરે તો તે વિસ્તારના જનમીઓ સામંતવાદી જનીનદારો) નો પ્રતિકાર કરવા અમારી સાથે મળીને કામ કર્યું હતું." તેઓ 1947 પહેલા અને તે પછી આ પ્રદેશની બધી લડતમાં સક્રિય હતા. "આઝાદીની લડતમાં સામેલ કેટલાક અગ્રણી ડાબેરી નેતાઓએ ક્યારેક ને ક્યારેક અહીં (આ મંદિરમાં) આશરો લીધો હતો."
નાસ્તિક અને ધર્મનિષ્ઠ વચ્ચેના આ વિચિત્ર જોડાણનો તાર્કિક આધાર હતો. બંને જૂથો સમાજના એક જ વર્ગમાંથી આવતા હતા. બંને સવર્ણોના જુલમની વિરુદ્ધ હતા. બંને જમીનદારના જુલમનો ભોગ બન્યા હતા. અને જ્યારે રાષ્ટ્રવાદની ભાવના તેની ચરમસીમાએ હતી ત્યારે બંને જૂથો અંગ્રજોની વિરુદ્ધ હતા.
રાયરપ્પન કહે છે, "અહીંનો એક મોટો જનમી આ મંદિર કબજે કરી લેવા માગતો હતો. મંદિરની મોટી આવક પર તેની નજર હતી." આ માનવું સરળ છે. હજી આજે પણ મુતપ્પન મંદિર દરરોજ 4000 લોકોને અને અઠવાડિયાના અંતિમ દિવસોમાં (શનિ-રવિમાં) 6000 લોકોને જમાડે છે. મંદિર પોતાના વિસ્તારના તમામ શાળાના બાળકોને દરરોજ જમાડે છે.
1930 અને '40 ના દાયકામાં મંદિરમાં જેમને આશરો આપ્યો તેમને આ રીતે આશરો આપવો એ અસામાન્ય જોખમ વહોરી લેવા બરોબર હતું. પરંતુ કલ્લિયાસેરી અને તેના તેના પડોશી ગામો અનોખા છે. તેમની રાજકીય ચેતનાનો ઈતિહાસ ઘણો લાંબો છે. પપ્પિનેસરીની કાપડ મિલનું જ ઉદાહરણ લો. આસપાસના ગામોમાંથી કામદારો અહીં કામ કરવા આવતા. '40 ના દાયકામાં અહીં અંગેજોનો હઠીલો વિરોધ જોવા મળ્યો. 1946 માં એક હડતાલ તો 100 દિવસ સુધી ચાલી. તે એ સમય હતો જ્યારે કેરલાના આ ગામના લોકોએ મુંબઈમાં રોયલ ઇન્ડિયન નેવીના બળવા પ્રત્યે સહાનુભૂતિમાં કામ અટકાવી દીધું હતું.
81 વર્ષના પાયનાદાન યશોદા કહે છે, આ વિસ્તારમાં કલમ 144 (પ્રતિબંધક આદેશો) એક વર્ષથી લાદવામાં આવી હતી. તેમ છતાં અમે સક્રિય હતા." 1930 ના દાયકાથી યશોદા મલબારના રાજકારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર શિક્ષક આંદોલનના નેતા હતા.
અહીંની લડત બીજી ઘણી લડતો કરતા અલગ કઈ રીતે છે? યશોદા કહે છે, "અમે સંગઠિત હતા. અમે રાજકીય વિચારધારાને આધારે કામ કર્યું. અમારા લક્ષ્યો સ્પષ્ટ હતા. લોકજાગૃતિ અને લોકભાગીદારી હતી. અમે રાષ્ટ્રીય ચળવળમાં સામેલ થયા. અમે સામાજિક સુધારા અભિયાન અને નાત-જાત-વિરોધી આંદોલનમાં પણ ભાગ લેતા. અને જમીન માટેની લડત પણ હતી.બધું એકબીજા સાથે સંકળાયેલું હતું."
કલ્લિયાસેરી અને તેના પડોશી ગામોએ તેમની આઝાદીના 50 વર્ષનો ઉપયોગ કર્યો છે. અહીં લગભગ સો ટકા સાક્ષરતા છે અને દરેક બાળક શાળાએ જાય છે. વિકાસના તેમના કેટલાક અન્ય સૂચકાંકો પણ કેટલાક પશ્ચિમી સમાજોના સૂચકાંકો સાથે બરાબરી કરી શકે છે. યશોદાના મતે આ સંગઠિત સામૂહિક રાજકીય પ્રવૃત્તિઓનું પરિણામ છે.
પરંતુ આ થોડી અતિશયોક્તિ નથી લાગતી? ખાસ કરીને સંગઠિત રાજકીય ચળવળની ભૂમિકા? સાચું પૂછો તો કેરલામાં તો અગાઉ પણ સાક્ષરતાનો દર ઊંચો જ હતો. પોતાના તાલુકાના પ્રથમ મહિલા શિક્ષક યશોદા આ દલીલ નકારી કાઢે છે. "1930 ના દાયકા સુધી મલબારમાં સાક્ષરતા દર આશરે આઠ ટકા જેટલો જ હતો. ત્રાવણકોરમાં 40 ટકા હતો. હકીકતમાં અમે અમારા પ્રયત્નોથી જ આ સફળતા હાંસલ કરી શક્યા છીએ.”
તે અર્થમાં મલબાર ભારતમાં એક અનોખો કિસ્સો છે. પ્રાદેશિક સ્તરે ખૂબ ટૂંકા સમયગાળામાં અસમાનતા દૂર થઈ. બીજી બાબતોમાં પણ મલબાર ત્રાવણકોર અને કોચીનથી પાછળ હતું. રાયરપ્પન કહે છે, "અમારી સંગઠિત રાજકીય પ્રવૃત્તિને કારણે આ પરિવર્તન આવ્યું. 1950 અને '60 ના દાયકાના ભૂમિ સુધારાએ જાતિ સહિતના ઘણા માળખા હચમચાવી નાખ્યા." શિક્ષણ અને આરોગ્યના ધોરણોમાં ઝડપથી સુધારો થયો. 1928 માં કલ્લિયાસેરીમાં ફક્ત 24 પરિવારો પાસે 43 ટકા જમીન હતી. આજે ફક્ત 13 પરિવારો પાસે પાંચ એકરથી વધુ જમીન છે. આ ઉપરાંત તેમના હિસ્સાની જમીન કુલ જમીનના માત્ર છ ટકા છે.
કલ્લિયાસેરીના રહેવાસીઓના ખોરાકમાં નોંધપાત્ર સુધારો થયો છે. દૂધ અને માંસનો વપરાશ વધ્યો છે. અને અહીંના શ્રમિકો જે રીતના કપડાં પહેરે છે એ જોઈને તો તમને ખ્યાલ પણ ન આવે કે એ શ્રમિક હશે.
1980 ના દાયકામાં રાજ્યના વ્યાપક સાક્ષરતા અભિયાનથી ખૂબ લાભ થયો. કેરલા શાસ્ત્ર સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને કારણે નવી તકો સાંપડી . આ બધું એકબીજા સાથે સંકળાયેલું હતું અને પ્રદેશની રાજકીય પરંપરાઓના નક્કર પાયા પર આધારિત હતું. કલ્લિયાસેરી ગામ સહિત આખો મલબાર જિલ્લો બીજા અનેક ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યો છે.
કન્નુરની ક્રિષ્ના મેનન કોલેજમાં વ્યાખ્યાતા મોહન દાસ કહે છે કે, "કલ્લિયાસેરી 1930 અને '40 ના દાયકામાં પહેલેથી જ પ્રયોગ કરી રહ્યો હતો. અહીં ઉત્પાદકો અને ઉપભોક્તા સહકારી સંસ્થાઓ શરુ કરવામાં આવી હતી. અને એ પછી ઘણા વર્ષો પછી વાજબી ભાવની દુકાનો શરુ થઈ, જેની પ્રેરણા આ સહકારી સંસ્થાઓ પરથી જ મળી હતી."
"આ સંસ્થાઓ દુષ્કાળ અને ભૂખમરાના સમયગાળામાં વિકાસી હતી. ખેડૂતો દ્વારા ઉત્પાદિત અનાજ પર જનમીની માંગ વધુ કરડી બની રહી હતી. કદાચ જાન્મિઓ જાતે અંગ્રેજો તરફથી મોટી માંગનો સામનો કરી રહ્યા હતા. અગાઉ દુષ્કાળના સમયમાં લોકો પાસેથી ઉઘરાવતા અનાજના પ્રમાણમાં થોડીઘણી રાહત આપવામાં આવતી. 1940 ના દાયકામાં તે (આવી રાહત આપવાનું) બંધ થઈ ગયું. "
નિવૃત્ત શિક્ષક અગ્નિ શરમન નંબુદિરી કહે છે કે ડિસેમ્બર 1946 માં મોટું સંકટ ઊભું થયું. "કરિવેલ્લુર ગામમાં અનાજ કબજે કરવાના જાન્મિના પ્રયાસનો લોકોએ પ્રતિકાર કર્યો. ત્યારબાદ થયેલા ગોળીબારમાં બે લોકોના મોત નીપજ્યાં. અને ગભરાટ ફેલાયો. પરંતુ તેનાથી જનમી વિરોધી આક્રોશ તીવ્ર બન્યો." આ આક્રોશથી જ પ્રેરિત થઈ ભૂમિ સુધારા માટેની આ પ્રદેશની સફળ લડત.
આજે સફળતાઓની સાથોસાથ કલ્લિયાસેરીની સામે ગંભીર સમસ્યાઓ પણ છે. રાયરપ્પન કહે છે, "ખેતીની હાલત દયનીય થઈ ગઈ છે. ઊપજ ઘટી છે. ખેતમજૂરોને કામ ઓછું મળે છે."
મોહન દાસના જણાવ્યા અનુસાર: "ડાંગરના ખેતરોની જમીન મકાનો બાંધવા અને રોકડિયા પાક માટે ઉપયોગમાં લેવાતા ભારે નુકસાન થયું છે. દાખલા તરીકે જનમીની માલિકીનું એક વિશાળ ખેતર લો. ડાંગરના વાવેતર માટેની કલ્લિયાસેરીની 50 ટકા જેટલી જમીન તે ખેતરમાં હતી. હવે ત્યાં મકાનો છે અને રોકડિયા પાક લેવાય છે. નુકસાન અંગેની સભાનતા વધી રહી છે. પરંતુ અત્યાર સુધીમાં તો ઘણું બધું નુકસાન થઈ ચૂક્યું છે."
બેરોજગારી વધારે છે. અને એક અધ્યયન પ્રમાણે કર્મચારીઓમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની ભાગીદારીનો દર અડધાથી પણ ઓછો છે. મજૂર વર્ગની લગભગ 50 ટકા મહિલાઓ બેરોજગાર છે.ઓછી કુશળતાની જરૂર હોય તેવા મોટાભાગના કામ મહિલાઓ કરે છે. અને તેમાં પણ તેઓ પુરુષો કરતાં ઓછી કમાણી કરે છે.
નાહિંમત કરી દેતી સમસ્યાઓ. પરંતુ અહીં નિરાશાનું નામોનિશાન નથી. કેરલાના પંચાયતી રાજને લગતા તમામ પ્રયોગોમાં કલ્લિયાસેરી મોખરે છે. રાજ્યની 900 થી વધુ પંચાયતોની જેમ જ કલ્લિયાસેરીએ પણ પોતાની ગ્રામીણ વિકાસ યોજનાઓની રૂપરેખા તૈયાર કરી છે. આ યોજના લોકોએ જાતે એકત્રિત કરેલ માહિતીને આધારે બનાવી છે. મોટાભાગની પ્રવૃત્તિ સ્થાનિક સંસાધનો અને સ્વૈચ્છિક શ્રમદાનથી થાય છે. રાયરપ્પન કહે છે, "અહીંના લોકોએ આ પંચાયતમાં બીજી ઘણા કામોની સાથે 62 કિલોમીટરના રસ્તા પણ બનાવ્યા છે.
ગ્રામસભાની બેઠકોમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ભાગ લે છે અને પોતાનો મત ખુલીને વ્યક્ત કરે છે. લગભગ 1,200 સ્વયંસેવકોએ કલ્લિયાસેરીને એક અનોખા સીમાચિહ્ન તરફ દોરી ગયા છે: પીપલ્સ રિસોર્સ મેપિંગ પ્રોગ્રામ સફળતાપૂર્વક હાથ ધરનાર કલ્લિયાસેરી દેશની પહેલી પંચાયત છે. બહારના નિષ્ણાતોની મદદથી સ્થાનિક લોકો દ્વારા ગામના કુદરતી સંસાધનો અને માનવ સંસાધનોની સ્થિતિનું સચોટ ચિત્ર રજૂ કરાયું છે. ગ્રામ વિકાસ યોજનામાં પરિયોજનાઓની સંભવિત પર્યાવરણીય અસર પરનો એક વિભાગ શામેલ છે.
નિવૃત્ત લોકો - ઈજનેરો, સરકારી અધિકારીઓ - નું એક 'વોલન્ટરી ટેકનિકલ કોર્પ્સ (વીટીસી - સ્વૈચ્છિક તકનીકી દળ)' આ પરિયોજનાઓનું ધ્યાન રાખે છે. હાલમાં સમગ્ર રાજ્યમાં 5,000 થી વધુ વીટીસી સભ્યો છે.
પડકારો ઘણા મોટા છે. અને ગામની ઘણી સમસ્યાઓના મૂળ તેની સીમાની બહાર ફેલાયેલા છે. પરંતુ કલ્લિયાસેરીનો આત્મવિશ્વાસ દ્રઢ છે. રાયરપ્પને કહ્યું તેમ: "અમે લડવાનું ક્યારેય બંધ કર્યું જ નથી."
1947 પછી પણ નહીં.
આ લેખ પહેલી વખત 29 મી ઓગસ્ટ, 1997 ના ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયો હતો.
તસવીરો: પી. સાંઈનાથ
આ શ્રેણીના બીજા લેખો અહીં વાંચો:
જ્યારે સલિહાને (બ્રિટિશ) રાજને લલકાર્યું
ગોદાવરી: અને પોલીસ હજી પણ હુમલાની રાહ જુએ છે
શેરપુર: મોટું બલિદાન, ટૂંકી યાદદાસ્ત
સોનખાન: વીર નારાયણ સિંહનું બીજું મૃત્યુ
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક