સવારમાં તેનો પતિ કામ પર જવા નિકળ્યો તે પહલે 24 વર્ષની નેહા તોમર (નામ આવ્યું છે) તેને પગે લાગી. આ રોજ નથી થતું, પણ એવા દિવસોએ થતું હોય છે જ્યારે તેણીએ કોઈ મહત્ત્વના કામે ઘરમાંથી બહાર જવાનું હોય છે. “જેમકે જ્યારે હું મારા માતા-પિતાના ઘરે જાઉં,” ભેટુઆ બ્લૉકના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC)ના પ્રાંગણમાં બેઠેલી નેહાએ કહ્યું.
નેહા અમેઠી તહેસીલના આ CHCમાં તેના સાસુ સાથે આવી છે, જે નેહાના ચોથા બાળક, ત્રણ મહિનાના છોકરાને, જેનું હજુ નામ પણ નથી પડાયું, ખોળામાં રાખીને બેઠા છે. તેઓ ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના ભેટુવા ગામથી આવ્યા હતા. નેહા અને તેનો પતિ આકાશ (સાચું નામ નથી), જે એક ખેતમજૂર છે, તેમણે છેવટે નક્કી કર્યું છે કે હવે તેઓ બીજા બાળકો નથી ઇચ્છતા. “ઇતની તો હમારી મર્ઝી હોની ચાહિએ,” વારાફરતી જન્મેલા ચાર બાળકો ધરાવનારા આ યુગલને પસંદગીનો અધિકાર હોવો જોઈએ તે વાત પર જોર દેતા નેહાએ કહ્યું. આ શિશુ પહેલા પાંચ અને ચાર વર્ષની બે છોકરીઓ અને દોઢ વર્ષનો એક છોકરો છે. “આ પણ એમની મહેરબાનીથી છે,” નેહા દાદી, જેમના ખોળામાં શિશુ ઉંઘી રહ્યું છે તેમની સામે આંગળી ચીંધતા કહે છે.
છ વર્ષના તેના લગ્નજીવન દરમિયાન ગર્ભનિરોધ કે બાળકો વચ્ચે અંતર રાખવા વિશે ક્યારેય વાત કરી નથી. “મારું લગ્ન થયું ત્યારે મને કોઈએ કઇં કહ્યું નહીં, બસ એટલુંજ કે મારે મારા પતિ અને તેમના કુટુંબની વાત માનવી જોઈએ,” નેહાએ કહ્યું. પહેલી બે વાર સગર્ભા થયા પછીજ તેને ખબર પડી કે જો તે જોખમી દિવસો (ઓવ્યુલેશનનો સમય), માસિક શરુ થયાના બે અઠવાડિયા દરમિયાન સંભોગ ટાળે, તો તે બીજી સગર્ભાવસ્થાની શક્યતાને ઓછી કરી શકે છે. “હું પેટમાં દુખવાનું બહાનું કાઢતી કે પછી રાતના કામ પૂરા કરવામાં મોડું કરતી, પણ થોડાજ વખતમાં મારા સાસુને ખબર પડી ગઈ કે હું શું કરું છું,” નેહાએ ઉમેર્યું.
ગર્ભનિરોધની પરંપરાગત રીતો, જેમકે અલગ રહેવું, બ્રહ્મચર્ય અને રિધમ અથવા સુરક્ષિત-માસિક ટ્રેકિંગ, જે નેહા કરી રહી છે, ભારતના બાકીના ભાગો કરતા ઉત્તર પ્રદેશમાં વધુ પ્રચલિત છે. આ રીતો રાજ્યમાં ગર્ભનિરોધના 22 ટકા જેટલી ઉપયોગમાં લેવાય છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે તે ફક્ત 9 ટકા ઉપયોગમાં લેવાતી હોય છે, 2019માં રિપ્રોડક્ટિવ હેલ્થ પત્રિકામાં પ્રકાશિત એક લેખ જણાવે છે, જેણે રાષ્ટ્રીય પારિવારિક આરોગ્ય સર્વેક્ષણ (NFHS-4, 2015-16) માંથી મળેલ ડેટાનો ઉપયોગ કર્યો છે. ખરેખર તો, ઉત્તરપ્રદેશની પરીણિત સ્ત્રીઓમાંથી હાલ ફક્ત 50 ટકા કુટુંબ નિયોજનની આધુનિક રીતો જેમકે કૉનડોમ, ગોળી, અને વંધ્યીકરણનો ઉપયોગ કરે છે; જેના ઉપયોગની રાષ્ટ્રીય સરેરાશ 72 ટકા છે, લેખમાં નોંધ લેવાઈ છે.
જ્યારે આકાશના પગમાં ફ્રેક્ચર થવાથી તેનું કામ કરવાનું અને કમાવાનું બંધ થયું અને પરિસ્થિતિ મુશ્કેલ થવા લાગી ત્યારે જ નેહા 'ઑપરેશન' કરાવવા બાબતે પોતાના પતિને પૂછવાની હિંમત કેળવી શકી. આ ટ્યૂબલ લિગેશન અથવા સ્ત્રીઓની વંધ્યીકરણ પ્રક્રિયા માટે વપરાતો સર્વગ્રાહી શબ્દ છે જેમાં અંડનળીઓને બંધ કરી દેવામાં આવે છે, જેથી તે ફરી ગર્ભધારણ ન કરી શકે . તેના સાસુ જેમને હજુ પણ આ સાથે સહમત નથી, નેહા સાથે હોસ્પિટલ સુધી આવ્યા છે, પણ તેમણે આશા છોડી નથી. “ભગવાન ઔર બચ્ચે કે બીચ મેં કભી નહીં આના ચાહિએ [કોઈએ ક્યારેય ઈશ્વરેચ્છા અને ગર્ભધારણ વચ્ચે આવવું જોઈએ નહીં],” તેઓ બબડ્યા કરે છે. કે પછી નેહા અને બંડોઇયા, નૌગિરવા, સનાહા અને ટિક્રી જેવા આસપાસના ગામોમાંથી CHCમાં ભેગી થયેલ 22 બીજી સ્ત્રીઓને સંભળાવે છે.
હજુ તો નવેમ્બરની કડક સવારના માંડ 10 વાગ્યા હતા. મોટા ભાગની સ્ત્રીઓ ત્યાં સવારે 9 વાગ્યે જ પહોંચી ગઈ હતી. દિવસ આગળ વધતા બીજી પણ આવશે “ખાસ કરીને ઑક્ટોબરથી માર્ચ દરમિયાન મહિલા નસબંધી (સ્ત્રી વંધ્યીકરણ)ના દિવસે સરેરાશ 30-40 સ્ત્રીઓ આવે છે. તેઆ આ મહિનાઓમાં સર્જરી કરાવવાનું વધુ પસંદ કરે છે. મોસમ ઠંડુ હોય છે, ટાંકા જલદી રુઝાય છે, ટાંકે પકતે નહીં હૈ [ચેપ લાગવાની ઓછી શક્યતા હોય છે],” ભેટુઆ CHC ઇન્ચાર્જ ડૉ. અભિમન્યુ વર્મા કહે છે.
8 નવેમ્બર 2014ના રોજ છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના તખતપુર બ્લૉકમાં થયેલ દુર્ઘટના પછી વંધ્યીકરણ માટે લક્ષિત 'કેમ્પ' અભિગમ વિરુદ્ધ વિસ્તૃત ગુસ્સો હતો. એ કેમ્પમાં 13 સ્ત્રીઓનું મૃત્યુ થયું અને બીજી અનેકને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી
8 નવેમ્બર 2014ના રોજ છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના તખતપુર બ્લૉકમાં થયેલ દુર્ઘટના પછી વંધ્યીકરણ માટે લક્ષિત 'કેમ્પ' અભિગમ વિરુદ્ધ વિસ્તૃત ગુસ્સો હતો. એ કેમ્પમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના એક સર્જને 90 મિનિટમાં એક છોડી દેવાયેલા, શુદ્ધ ન કરાયેલ મકાનમાં 83 ટ્યૂબેક્ટોમી કરી નાખી જેનાથી 13 સ્ત્રીઓનું મૃત્યુ થયું અને બીજી અનેકને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. સર્જને એક જ લેપારોસ્કોપનો ઉપયોગ કર્યો હતો અને એસેપ્સિસ માટે સાવચેતીના કોઈજ પગલાં લીધાં ન હતા.
સ્ત્રીઓના આરોગ્ય માટે સહેજ પર પરવા કર્યા વિના યોજાયેલ આ આવો પહલે સામુહિક સર્જરી કેમ્પ ન હતો. 7 જાન્યુઆરી 2012ના રોજ બિહારના આરારિયા જિલ્લાના કુર્સાકાન્તા બ્લૉકના કાપારફોર ગામમાં 53 સ્ત્રીઓનું એક શાળાના મકાનમાં વંધ્યીકરણ કરવામાં આવ્યું હતું, ટોર્ચના અજવાળે અને આવી જ અસ્વચ્છ પરિસ્થિતિમાં.
2012માં આરોગ્ય અધિકાર કાર્યકર્તા દેવિકા બિસ્વાસ દ્વારા દાખલ કરાયેલ જનહિતના દાવાના પરિણામે 14 સપ્ટેમ્બર 2016ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ત્રણ વર્ષની અંદર બધાજ કેમ્પ આધારિત સામુહિક વંધ્યીકરણોને બંધ કરવાનો અને તેના બદલે આરોગ્ય સુવિધાઓને વધુ શક્તિશાળી બનાવવા અને કુટુંબ નિયોજન કાર્યક્રમ હેઠળ સેવાઓને પહોંચને વધુ સારી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને હુકમ કર્યો હતો. વડી અદાલતમાં સુનાવણીઓ દરમિયાન યૂપી, કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ વંધ્યીકરણ કેમ્પો દરમિયાન સંભાળની નિમ્ન ગુણવત્તાના પુરાવા મળ્યા હતા.
ત્યાર પછી વંધ્યીકરણ પરત્વે કેમ્પના અભિગમના બદલે 'નિશ્ચિત દિવસે સેવાઓ'ની શરૂઆત થઈ, જેનો અર્થ એવો હતો કે સ્ત્રીઓ અને પુરુષો જો તેઓને વંધ્યીકરણ કરાવવું હોય, તો મહિનાના એક નિશ્ચિત દિવસે ખાસ CHCઓમાં જઈ શકે. આમાં આશા એવી હતી કે આ પ્રણાલી પરિસ્થિતિ પર વધુ સારી દેખરેખ રાખવા અને તેનું વિનિયમન કરવામાં મદદરૂપ થશે. જ્યાં નિશ્ચિત દિવસ એક વિસ્તૃત નસબંધી દિવસ હોવાનો હતો, પુરુષો ભાગ્યેજ નસબંધી માટે આવે છે, અને તેથી, અનધિકૃત રીતે, આ દિવસને મહિલા નસબંધી દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
અને અદાલતના હુકમ છતાં, ગર્ભનિરોધનું મુખ્ય બિંદુ વંધ્યીકરણ જ રહ્યું છે – મુખ્યત્વે સ્ત્રીઓનું વંધ્યીકરણ.
રાષ્ટ્રીય આરોગ્ય મિશનનો 11મો સામાન્ય રિવ્યૂ મિશન રિપોર્ટ જણાવે છે કે ભારતભરમાં થયેલ વંધ્યીકરણ પ્રક્રિયાઓમાંથી 93.1 ટકા પ્રક્રિયાઓ સ્ત્રીઓ પર કરવામાં આવી હતી. 2016-17 જેટલા આધુનિક સમયે, ભારતે તેના કુટુંબ નિયોજનના ભંડોળની 85 ટકા રકમ મહિલા વંધ્યીકરણ માટે વાપરી હતી. 2019નો પ્રજનન સંબંધી આરોગ્ય બાબતનો લેખ નોંધે છે કે જ્યાં યૂપીમાં આ પ્રક્રિયાનો ઉપયોગ ઘટ્યો છે (1998-99 ની સરખામણીએ), તે મુખ્ય પદ્ધતિ રહી છે, જેમાં ઉચ્ચ-પ્રજનનક્ષમતાવાળા જિલ્લાઓમાં ગર્ભ નિરોધનો ઉપયોગ કરતા 33 ટકા લોકો અને ઓછી પ્રજનનક્ષમતાવાળા જિલ્લાઓમાં 41 ટકા લોકોએ મહિલા નસબંધી પસંદ કરી હતી.
સુલતાનપુર જિલ્લામાં, વંધ્યીકરણ પ્રક્રિયાઓ કરવાનો બધોજ ભાર બે કે ત્રણ ડૉક્ટરોના માથે આવ્યો હતો. તેઓ તેહસીલ અથવા જિલ્લા કક્ષાએ કુટુંબ નિયોજન સંયોજક દ્વારા નક્કી કરાયેલ સારણી પ્રમાણે કામ કરતા અને 12થી 15 બ્લૉકમાં ફેલાયેલ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોની યાત્રા કરતા હતા. દરેક CHC મહિને લગભગ એક વાર નસબંધી દિવસનું આયોજન કરી શકતું, જેમાં પુરુષો તેમજ સ્ત્રીઓ પ્રક્રિયા કરાવી શકતા.
ભેટુઆ CHCમાં આવા એક દિવસે, એ વાત સ્પષ્ટ હતી કે સ્ત્રીઓના વંધ્યીકરણ માટે નક્કી કરાયેલ દિવસોની સીમિત સંખ્યા પ્રક્રિયાની માંગને પૂરી કરવા માટે પૂરતી ન હતી. બપોરે 4 વાગ્યે, જ્યારે છેવટે રોસ્ટર પરના સર્જન આવ્યા, જેઓ એક સરકારી સ્વાસ્થ્ય મેળામાં ગયેલા હતા, દરદીઓની સંખ્યા વધીને 30 સુધી પહોંચી ગઈ હતી. બે સ્ત્રીઓને પાછા જવાનું કહેવામાં આવ્યું કારણ કે શરુઆતની તપાસમાં જાણવા મળ્યું કે તેઓ ગર્ભવતી છે.
મકાનના દૂરના ખૂણે એક ઓરડો, એક જાતનું ઑપરેશન થિએટર આખી બપોર તૈયાર રાખવામાં આવ્યું હતો. એક મોટી બારીમાં લાગેલા પાતળા પડદાઓમાંથી તાપ આવતો હતો, પણ ઠંડી લાગતી હતી. ઓરડાની વચ્ચોવચ ત્રણ 'ઑપરેટિંગ ટેબલ' ગોઠવાયેલા હતા. તે એક ખૂણે નમાવેલા હતા, એક બાજુથી વધુ ઊંચા, ઈંટોની મદદથી ઊંચા કરાયેલા, જેથી સર્જરી દરમિયાન સર્જન સહેલાઈથી પહોંચી શકે.
“તબીબી કૉલેજમાં અમે ટ્રેન્ડેલેનબર્ગ સગવડવાળા ઑપરેશન ટેબલો વિશે શીખેલા. તેમને ઝુકાવી શકાય છે. મેં અહીં વિતાવેલા પાંચ વર્ષમાં મેં એવું કંઈ જોયું નથી, એટલે અમે આવું કરીએ છીએ,” ડૉ. રાહુલ ગોસ્વામી (સાચું નામ નથી) ઈંટો સામે આંગળી ચીંધતા કહે છે. “સર્જરી દરમિયાન જો શારીરિક સ્થિતિ સરખી ન હોય તે તેમાંથી જટિલતાઓ ઉદ્ભવી શકે છે,” તેમણે ઉમેર્યું.
નેહા ઓરડામાં સર્જરી માટે લવાયેલી પહેલી ત્રણ સ્ત્રીઓમાં હતી. તેના સાસુને બહાર રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. ત્રણમાંથી એકેય સ્ત્રીએ ક્યારેય ગર્ભ નિરોધની આધુનિક પદ્ધતિઓમાંથી કોઈપણ વાપરી નથી. નેહા કમસેકમ તેમના વિશે જાણતી હતી, પણ તેમનો ઉપયોગ કરવામાં ગભરાતી હતી. “હું તેમના વિશે જાણું છું, પણ ગોળીઓથી મોળ આવે છે, અને કૉપર-ટીની બીક લાગે છે. એ એક લાંબો સળીયો હોય છે,” તે ગર્ભાશયમાં નખાતા સાધન (IUD) નો ઉલ્લેખ કરતા કહે છે.
જાણીતા સામાજિક આરોગ્ય કાર્યકર્તા (ASHA), દીપલતા યાદવ, જેઓ બીજી બે સ્ત્રીઓ સાથે આવ્યા હતા, આ સાંભળીને સ્મિત કરે છે. “તેમને તાંબાના IUD વિશે કહો ત્યારે સાંભળવા મળતી આ સૌથી સામાન્ય વાત છે. જોકે સાધન એટલું નાનું હોય છે અને ટી આકારનું હોય છે, પણ પેકેજિંગ લાંબુ હોય છે, તેથી તેઓને લાગે છે કે આખી વસ્તુ નાખવામાં આવશે,” યાદવે કહ્યું. તેમનું દિવસનું કામ પૂરું થઈ ગયું છે અને તેઓ પ્રક્રિયા માટે જેમને લાવ્યા છે તે દરેક સ્ત્રી દીઠ તેમને રૂપિયા 200નો ઇનસેન્ટિવ મળશે, પણ યાદવ વધુ સમય રોકાય છે, બંને સ્ત્રીઓને પલંગ પર ચઢવામાં મદદ કરે છે અને એનેસ્થેસિયાની અસર થાય ત્યાં સુધી રાહ જુએ છે.
ઑપરેટિંગ ટેબલ પર આવી જાય પછી આ સ્ત્રીઓને ઓળખવી અઘરી થઈ જાય છે. ડૉક્ટર વારાફરતી દરેક ટેબલ પર જાય છે ત્યારે ભય અને થાકથી તેમનું માથુ નમી જાય છે. પ્રક્રિયાએ તેમને ખૂબ અંગત રીતે એકજ ઓરડામાં રહેવાને મજબૂર કર્યા છે. પણ આના વિશે વિચારવાનો સમય જ ન હતો. પ્રક્રિયા દરમિયાન અનેક વખત ઑપરેટિંગ રૂમનો દરવાજો ખુલ્યો અને બંધ થયો, સ્ત્રીઓને ભાગ્યે જ જરાય ખાનગી સ્થળ મળ્યું.
ઓરડો તેમના શ્વાસ અને ઉપકરણોના ખખડાટથી ધબકી રહ્યો હતો. એક એટેન્ડન્ટે તેમની સ્થિતિ તપાસી અને તેમની સાડીઓ વ્યવસ્થિત કરી જેથી ડૉક્ટર સીધો ચીરો મૂકી શકે.
“વંધ્યીકરણની પ્રક્રિયાના ત્રણેય ચરણો, કાપો મૂકવો, તેને બંધ કરવો અને લેપેરોસ્કોપિક સાધન વડે ફાલોપિયન ટ્યૂબો પર કામ કરવું, દરમિયાન પ્રકાશ મહત્ત્વનો છે,” ગોસ્વામી એ કહ્યું. બપોરનો ચમકદાર પ્રકાશ ધીમે-ધીમે ગોધૂલિ તરફ વધતા નબળા સૂર્યમાં બદલાઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે ઓરડામાં પ્રકાશ ઓછો છે, પણ કોઈએ ઊભી સંકટકાલીન લાઇટો ચલાવી નહીં.
પાંચ મિનિટથી ઓછા સમયમાં, એક પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને ડૉક્ટર પછીના ટેબલ પર આગળ વધી ગયા. “હો ગયા, ડન!” તેમણે અટેન્ડન્ટ અને ASHA કાર્યકરએ તે સ્ત્રીને ટેબલ પરથી ઉતરવામાં મદદ કરવાનો ને પછીના સમૂહને તૈયાર કરવા માંડવાનો સંકેત આપતા કહ્યું.
બાજુના એક ઓરડામાં ગાદલાં પાથરેલાં છે. પીળી દિવાલો પર ભેજ અને ફૂગના ડાઘ છે. બાજુમાં આવેલ એક શૌચાલયમાંથી અરુચિકર દુર્ગંધ આવે છે. પ્રક્રિયા પૂરી થઇ પછી નેહાને તેને અને બીજાઓને મૂકવા માટે એમ્બ્યુલન્સ આવે તે પહેલા આડા પડીને આરામ કરવા માટે આ ઓરડમાં લાવવામાં આવી હતી. તે અડધા કલાક પછી એમ્બ્યુલન્સમાં ચઢી ત્યારે પણ તે ખોવાયેલી લાગતી હતી. થોડું એટલા માટે કે આ બધું ખૂબ ઝડપથી કરવામાં આવ્યું હતું અને થોડું એટલા માટે કે તેને પૂરેપૂરી બેભાન કરવામાં આવી ન હતી.
જ્યારે તે તેના સાસુના સહારે ઘરે પહોંચી, ત્યારે આકાશ તેમની રાહ જોઈ રહ્યો હતો. “પુરુષોની અપેક્ષા હોય છે કે તેઓ ઘરે પહોંચે ત્યારે તેમની મા, પત્ની, તેમના બાળકો, તેમનો કૂતરો તેમની રાહ જોતા હોય, તેનાથી ઊંધું નહીં,” સાસુમા બોલ્યા. અને તરત જ ઘરના એક નાનકડા ખૂણામાં આવેલા રસોડામાં આગળ વધી ગયા, નેહા માટે ચ્હા બનાવવા.
“ઇંજેક્શન પછી પણ દુખતુ હતું,” તેણે પેટ પરના ચીરા પર લગાડેલા બેંડેજના ચોરસ કટકને પકડીને કહ્યું.
બે દિવસ પછી નેહા રસોડામાં પાછી પહોંચી ગઈ હતી, ઉભા પગે બેસીને રસોઈ કરતી. પાટો હતો, અને એના ચહેરા પર સ્પષ્ટપણે અગવડ દેખાતી હતી, અને ટાંકા હજુ રુઝાયા ન હતા. “પર ઝંઝટ ખતમ [મુશ્કેલીનો ઉકેલ આવી ગયો છે],”તેણે કહ્યું.
કવર ચિત્ર:
પ્રિયંકા બોરાર
એક નવા મીડિયા કલાકાર છે જે અર્થ અને અભિવ્યક્તિના નવા રૂપોને શોધવા માટે ટેક્નોલોજી સાથે પ્રયોગો કરે છે. તેઓ શીખવા અને રમવાનાન અનુભવો ડિઝાઇન કરે છે, ઇંટરએક્ટિવ મીડિયા સાથે કામ કરે છે, અને પરંપરાગત પેન અને કાગળનો ઉપયોગ પણ એટલીજ સહજતાથી કરે છે.
પરી અને કાઉન્ટરમીડિયા ટ્રસ્ટનો ગ્રામીણ ભારતમાં કિશોરીઓ અને યુવતિઓ વિશેનો રાષ્ટ્રીય રિપોર્ટિંગ પ્રોજેક્ટ આ અત્યંત મહત્વપૂર્ણ છતાં સીમા પર રખાતા સમૂહની પરિસ્થિતિ વિશે સામાન્ય લોકોના અવાજ અને તેમણે જીવેલા અનુભવો મારફતે વિગતે જાણવા માટે પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇંડિયાની સહાય મેળવતી પહેલનો ભાગ છે.
આ લેખ પુનર્પ્રકાશિત કરવા ઇચ્છો છો? કૃપા કરીને [email protected] ને ઈમેલ કરો અને [email protected] ને નકલ મોકલો.
ભાષાંતર: ધરા જોષી