ટ્રેન દાદર સ્ટેશન નજીક આવે ત્યારે તુળશી ભગત જૂની સાડીઓમાં બાંધેલ પાંદડાના બે મોટા પોટલાં સાથે તૈયાર થઈ જાય છે – ટ્રેન હજુ ચાલુ હોય ત્યારે તે 35 કિલોના બે  પોટલા વારાફરતી પ્લેટફૉર્મ પર ફેંકે છે. “જો અમે બોજો [ભાર] ટ્રેન ઊભી રહે તે પહેલા ફેંકી ન દઈએ તો આટલા વજન સાથે ટ્રેનમાંથી ઊતરવું અશક્ય હોય છે કારણ કે કેટલાંય લોકો ટ્રેનમાં ચઢવા માટે રાહ જોતા હોય છે,” તે કહે છે.

પછી તુળશી ઉતરે છે, તેના પોટલાં પ્લેટફૉર્મ પર પડ્યાં હોય ત્યાં પાછી જાય છે, એક પોતાના માથે મૂકે છે અને ભાગતી ભીડમાંથી રસ્તો કરીને સ્ટેશનની બહાર આવેલા ફૂલ બજારે જાય છે. ત્યાં તે પોતાની નિયમિત જગ્યાએ પોટલું મૂકે છે. પછી પ્લેટફૉર્મ પર પાછી જાય છે અને પોતાના બીજા પોટલા સાથે વળી એજ માર્ગે પાછી આવે છે. “એક સમયે હું મારા માથા પર એક જ ભાર ઉપાડી શકું છું,” તે કહે છે. બંને પોટલાં સ્ટેશનમાંથી ફૂલ બજાર સુધી લાવવામાં એને લગભગ 30 મિનિટ થાય છે.

પરંતુ આ તો તુળશીના કામના દહાડાનો એક માત્ર નાનકડો હિસ્સો છે, એનો દહાડો સતત 32 કલાક ચાલે છે. આ સમય દરમિયાન એ 70 કિલોના વજન સાથે લગભગ 200 કીલોમીટરની મુસાફરી  કરે છે. 32 કલાકના લાંબા ગાળા પછી એમને 400 રૂપિયા મળે છે.

Tulshi collecting palash leaves
PHOTO • Paresh Bhujbal
Tulshi making bundles out of the palash leaves
PHOTO • Paresh Bhujbal

આઠ કલાક સુધી તુળશી મુરબીચાપાડામાં તેના ઘરની નજીકના જંગલોમાં પલાશનાં પાન ભેગાં કરે છે, અને પછી તેમને સરખા ગોઠવીને થપ્પીઓ બનાવવા ઘરે પાછી ફરે છે.

તેનો લાંબો દિવસ સવારે 7 વાગ્યે શરૂ થાય છે, જ્યારે તે મુંબઈની ઉત્તરે આવેલા થાણે જિલ્લાના મુરબીચાપાડામાંના પોતાના ઘરની નજીકના જંગલમાં પલાશનાં પાન ભેગાં કરવા જાય છે. તે લગભગ બપોરે 3 વાગ્યે ઘરે પાછી ફરે છે, પોતાના બાળકો માટે જમવાનું બનાવે છે (“મને સમય મળે તો હું ખાઈ લઉં છું, મારાથી બસ ન ચૂકાવી જોઈએ”), પાંદડાની વ્યવસ્થિત થપ્પીઓ બનાવવાનું શરૂ કરે છે અને પછી પોતાના નાકલડા ગામથી 19 કિલોમીટર દૂર આવેલા આસનગાઁવ જવા માટે બસ (કે પછી બસ ચૂકી જવાય તો સહિયારો ટેમ્પો) પકડે છે અને પછી ત્યાંથી લગભગ રાતના 8 વાગ્યે સેન્ટ્રલ લાઇનની ટ્રેન.

બે કલાક પછી, તે દક્ષિણ – મધ્ય મુંબઈમાં દાદર સ્ટેશને પહોંચે છે, આસનગાઁવથી લગભગ 75 કિલોમીટર દૂર. તે ગલીમાં થાણે અને પાલઘર જિલ્લાના દૂરના ગામડાઓમાંથી આવનારી બીજી સ્ત્રીઓ સાથે પોતાના સ્થાને ગોઠવાય ત્યાં સુધીમાં રાતના 11 વાગી ગયા હોય છે.

ત્યાં તુળશી પાંદડાની બીજી કેટલીક થપ્પીઓ બનાવે છે, કેટલોક સમય આરામ કરે છે અને રાહ જુએ છે. સવારે 4 વાગતામાંતો ગ્રાહકો આવવા માંડે છે – મોટા ભાગે ફૂલ, કુલ્ફી, ભેળ વેચનારા ફેરિયાઓ – અને એ લોકો જે પાંદડાનો ઉપયોગ વસ્તુઓ બાંધવા માટે કે પછી વાટકા તરીકે કરે છે. 80 પાનની દરેક થપ્પી 5 રૂપિયે વેચાય છે, ક્યારેક તેનાથી ઓછામાં. તુળશી 80 થપ્પી વેચે છે – બધું મળીને  6,400 પાન. સવારના 11 વાગતા સુધીમાં છેલ્લામાં છેલ્લો ગ્રાહક ચાલ્યો જાય પછી તુળશી મુરબીચાપાડા માટે વળતી ટ્રેન લે છે. એ બપોરે 3 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જાય છે.

આમ મહિનામાં લગભગ 15 વખત 32 કલાકના ચક્રમાં કામ કરીને તુળશી આશરે 6,000 રૂપિયા કમાય છે – આમાંથી દર વખતે 60 રૂપિયા બસ, ટેમ્પો અને ટ્રેનમાં મુસાફરી કરવામાં ખર્ચાય છે.

Tulshi adjusting the load of palash leaves
PHOTO • Jyoti Shinoli
Tulshi making bundles beside the road
PHOTO • Jyoti Shinoli

35 કિલોના બે પોટલાં સાથે ટ્રેનમાં ચઢવું –ઉતરવું તો રોજનું છે; દાદરના ફૂલ બજારમાં (જમણે), તુળશી આખી રાત બીજી થપ્પીઓ બનાવે છે.

કેટલીક વાર, જો વરસાદ પડ્યો હોય તો તે પાંદડા પોતાના ગામથી 44 કિલોમીટર દૂર આવેલા ઢસાઈ ગામે લઈ જાય છે, પણ ત્યાં, ખરીદનારા ઓછા છે. 32 કલાક કામ કર્યા પછી કેટલીક વાર તે ‘વિરામ’ લે છે અને ઘરનું કામ કરે છે અને પોતાના વાસ  નજીકના ખેતરોમાં કામ કરવા જાય છે, મરચાં, રીંગણ અને અન્ય શાકભાજી વીણવા.

ચોમાસાના મહિનાઓ દરમિયાન તે ખેતરોમાં વધુ સમય કામ કરે છે – આખા વર્ષમાં તે સરેરાશ મહિનાના  10 દિવસ ખેતરમાં,300 રૂપિયના રોજ પર કામ કરે છે.  છે. . “ચોમાસામાં [દાદરના બજારમાં] બેસી ન શકાય. એ બહુ જ ભીનું હોય છે,” એ કહે છે. “માટે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન હું ભાગ્યેજ ત્યાં જાઉં છું.”

200 પરિવારોના ગામડા – મુરબીચાપાડા- અને આસપાસના ગામોમાંથી આશરે 30 બીજી સ્ત્રીઓ પલાશનાં પાન એકઠાં કરે અને વેચે છે. તેઓ શાહાપુર અથવા દાદરના બજારોમાં જંગલના બીજા ઉત્પાદનો પણ વેચે છે, જેમાં લીમડાનાં પાન, ટેટા અને આમલીનો સમાવેશ થાય છે. આ ગામોમાં ઘણાં ખેતમજૂરો, કડિયા કે માછીમારો પણ છે.

અત્યારે 36 વર્ષની તુળશીએ તે 15 વર્ષની હતી ત્યારે પલાશનાં પાન એકઠા કરવાનું શરૂ કર્યું હતું. તેણે પહેલા પોતાની મા અને પછી મોટી બહેનને એજ કામ કરતા જોયાં હતાં, અને તે તેમને થપ્પીઓ બનાવવામાં મદદ કરતી હતી.  “હું ક્યારેય શાળાએ નથી ગઈ, આજ મારું શિક્ષણ છે, આજ હું શીખી છું, આખી જિંદગી મેં મારી મને એકજ પ્રકારનું કામ કરતા જોઈ છે,” તે કહે છે.

Tulshi holding a photo frame with her deceased husband’s photograph
PHOTO • Paresh Bhujbal

તુળશી લગભગ 28 વર્ષની હતી ત્યારે તેના પતિ સંતોષનું મૃત્યુ થઈ ગયું; ત્યારથી તે એકલીજ પોતાના ચાર બાળકોને ઉછેરી રહી છે

લગભગ 20 વર્ષ પહેલા, તુળશીએ દાદર સુધી પોતાની લાંબી મુસાફરી પહેલી વાર કરી હતી. "મને યાદ નથી કે ત્યારે હું કેવડી હતી, હું મારી મા સાથે ગઈ હતી. હું પાંદડાના ભારે પોટલાં ઊંચકી શકતી  ન હતી, માટે મેં ખાવાનું અને દાતરડાવાળી એક થેલી ઉંચકેલી,” એ યાદ કરે છે.  “તેની પહેલા મેં ફક્ત બસમાંજ મુસાફરી કરેલી. ટ્રેનમાંની સ્ત્રીઓ અમારા કરતા જુદી હતી. હું વિચારી રહી હતી , આ તે કેવી દુનિયા છે … દાદર સ્ટેશન પર ચારે બાજુ બસ લોકો જ હતા. હું ડરી ગઈ હતી. મારો શ્વાસ રૂંધાતો હતો. હું મારી માની સાડીના પાલવને પકડીને ચાલી રહી હતી, પણ હું ભીડમાં ચાલી જ નહોતી શકતી. જોકે, ધીમે-ધીમે મને આની ટેવ પડી ગઈ."

તુળશી 17 વર્ષની ઉંમરે પરણીને મુરબીચાપાડામાં રહેવા લાગી; તેના માતાપિતા, જેઓ બંને ખેતમજૂર હતા, આશરે એક કિલોમીટર દૂર અવાકલવાડી ગામમાં રહે છે. તેના સાસરીયાનો  પરિવાર નજીકના ભત્સા સિંચાઈ પ્રોજેક્ટના કારણે 1971-72માં વિસ્થાપિત થયેલા 97 મા ઠાકુર આદિવાસી પરિવારોમાંના (જુઓ ' Many families just vanished ') એક હતા.

2010માં, જ્યારે તુળશી લગભગ 28 વર્ષની હતી, તેના પતિ સંતોષનું એક બીમારીના કારણે મૃત્યુ નિપજ્યું – તે કહે છે એ ભગંદર હતું. મુરબીચાપાડામાં કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી, સૌથી નજીકની સરકારી હોસ્પિટલ 21 કિલોમીટર દૂર શાહાપુરમાં છે. અને તેને કોઈ સારવાર લેવી ન હતી. “એ ખૂબ મોટો સહારો હતા, આર્થિક રીતે પણ અને ભાવનાત્મક રીતે પણ," તે કહે છે. "તેમના પછી અમારી સારસંભાળ રાખનારું કોઈ ન હતું. પણ તેમના મૃત્યુ પછી પણ મેં મારી જાતને બેસહારા કે નબળી ન પડવા દીધી. એકલી સ્ત્રીએ મજબૂત રહેવું જોઈએ. નહીં તો શું થશે?”

તુળશીએ ચાર બાળકોને એકલાજ ઉછેરવા પડ્યા – તેમને તેના દિયરની નામરજી છતાં તેની પાસે મૂકીને (તેના પતિના માતાપિતા એ નાનો હતો ત્યારેજ મૃત્યુ પામ્યા હતા) તે કામે જતી.

હવે 16 વર્ષની તુળશીની સૌથી મોટી દીકરી મુન્ની કહે છે, “અમે તેને ભાગ્યેજ ઘરે જોઈએ છીએ. તે ક્યારેય રજા નથી પાડતી કે થાકી નથી જતી. અમને પણ આશ્ચર્ય થાય છે, કે તે આ કેવી રીતે કરે છે.” મુન્ની ધોરણ 10માં છે. “હું નર્સ બનવા માંગું છું,” એ કહે છે. નાની દીકરી ગીતા, ધોરણ 8માં અને; સૌથી નાનો દીકરો મહેન્દ્ર ધોરણ 6માં છે.

તેનો સૌથી મોટો દીકરો કાશીનાથ, જેની ઉંમર 18 વર્ષની છે, શાહાપુરના ડોળખંબ ગામની ન્યૂ ઇંગ્લિશ હાઇસ્કૂલમાં 11માં ધોરણમાં ભણે છે. તે ત્યાની હોસ્ટેલમાં રહે છે. “હું મારું ભણતર પૂરૂં કરીને સારા પગારવાળી નોકરી શોધવા માંગું છું,” તે કહે છે. તેની શાળાની વાર્ષિક ફી રૂપિયા 2,000 છે અને વર્ષમાં બે વખત પરીક્ષાના સમયે રૂપિયા 300 ચૂકવવાના રહે છે. “મારે ફક્ત કાશીનાથની જ ફી ચૂકવવાની છે. બીજાં છોકરાંઓ જિલ્લા પરિષદની સ્કૂલમાં છે [મુરબીચાપાડાથી બે કિલોમીટર દૂર, સારંગપુરી ગામમાં],”  તુળશી કહે છે. “મને તેમના ભણતરના ખર્ચની ચિંતા છે. પણ હું ઇચ્છું છું કે મારા બાળકોને સારું શિક્ષણ મળે. અમારી પરિસ્થિતિમાંથી બહાર નિકળવાનો આ એક જ રસ્તો છે.”

Tulshi cooking at home
PHOTO • Jyoti Shinoli
Tulshi with her children Kashinath (top row left), Munni (2nd row), Geeta (3rd row left) and Kashinath (3rd row right), sitting in the doorway of their house
PHOTO • Jyoti Shinoli

તુળશી તેના બાળકો માટે રાંધવાનો સમય પણ કાઢે છે – કાશીનાથ (ઉપર, ડાબે), મુન્ની (બીજી પંક્તિ) ગીતા અને મહેન્દ્ર (પોતાના ઘરના દરવાજામાં બેઠેલાં)

અમે તેના પરિવારને 2011 માં ઇંદિરા આવાસ યોજના હેઠળ ફાળવાયેલ ઘરમાં બેસી વાત કરીએ છીએ તે દરમિયાન તુળશી ફરીથી પાંદડા વીણવા જવા તૈયાર થાય છે, તેના હાથમાં એક કાપડની થેલી છે જેમાં દાતરડું છે અને જૂની સાડીઓ, જેમાં પાંદડાનું પોટલું વાળી શકાય.

તે દિવસે સાંજે 8:30 સુધીમાં ફરી તે દાદરની પોતાની બે કલાકની મુસાફરી કરી રહી છે. પછી, ગલીમાંના ફૂલ બજારમાં બેઠા-બેઠા તે અંધારામાં પાંદડાની થપ્પીઓ બનાવે છે. રસ્તા પર પૂરતી લાઇટો નથી, માટે આવતાં-જતાં વાહનોની હેડલાઇટનો પ્રકાશ મદદરૂપ થાય છે. “અમે [સ્ત્રીઓ] બહાર [અને મુખ્ય બજારથી દૂર] બેસીએ છીએ, અમને રાતના [બંધિયાર] બજારમાં સુરક્ષા નથી લાગતી,” તે કહે છે. પણ મને આ બધી ભીડમાં પણ સુગમતા નથી લાગતી – ગાડીઓ, ભીડ, ગંધ, ધુમાડો. અમારા વાસ માં ભલે થોડુંજ છે, પણ એ ખુલ્લું લાગે છે, ઘર જેવું લાગે છે. પણ પૈસા વિના અમે ત્યાં કેવી રીતે ચલાવીએ? માટે અમારે શહેરમાં આ મજૂરી કરવી પડે છે.”

જે રાત તુળશી તેના સહકાર્યકરો જોડે દાદરના બજારમાં વિતાવે છે, તે દરમિયાન તે 7 રૂપિયામાં ખરીદેલી એક ચ્હા પીવે છે, ક્યારેક ઘરેથી લાવેલ ભાખરી શાક ખાય છે, અને ક્યારેક કોઈ બહેનપણીના ટિફિનમાંથી બે કોળિયા. પછીની સવારે તે તેના બધાં પાંદડા વેચાઈ જાય ત્યાં સુધી રાહ જુએ છે. “મારાથી આ ભાર ઘરે ન લઈ જવાય,” તે કહે છે.

અને પછી આસનગાઁવની ટ્રેન ફરીથી, બે કલાક માટે . “અમે ચાર સ્ત્રીઓનું જૂથ છીએ [જે સાથે કામ કરે છે અને સાથે મુસાફરી કરે છે]. મુસાફરી દરમિયાન અમે અમારી ભાવનાઓ વ્યક્ત કરીએ છીએ, એકબીજાને જણાવીએ છીએ કે અમારા ઘરોમાં શું થઈ રહ્યું છે, ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરીએ છીએ,” તુળશી કહે છે. “પણ આ લાંબુ નથી ચાલતું. સામાન્ય રીતે અમે ઊંઘી જ જઈએ છીએ કારણકે અમે ખૂબ જ થાકેલા હોઈએ છીએ.”

ભાષાંતર: ધરા જોષી

Jyoti Shinoli is a Senior Reporter at the People’s Archive of Rural India; she has previously worked with news channels like ‘Mi Marathi’ and ‘Maharashtra1’.

Other stories by Jyoti Shinoli
Translator : Dhara Joshi

Dhara Joshi is an English teacher turned translator. She enjoys literature, music and theater.

Other stories by Dhara Joshi