"સાવ એકાએક પડી ગયું, હોં!"

"હા, પણ તોફાન પણ કેવું ગજબનું હતું, નહીં?"

"ઝાડ પણ ખાસ્સું જૂનું તો ખરું ને. મને યાદ છે પચાસ વરસ પહેલાં અમે આ સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારે પણ આ અહીં હતું."

"ચાલો, જે થાય છે તે સારા માટે. આમેય એનું જોખમ તો હતું જ. અને એમાં ત્યાં પાછી  પેલા અબ્દુલની કીટલી. ગામભરના નકામા લોકોનો અડ્ડો હતો ત્યાં. રાતે ચામાચીડિયાં ને દિવસે નકરા નાલાયકો ટોળે વળતાં હતાં."

"અલા, આવાજ કેવો જબરજસ્ત થયેલો નહીં?"

36 કલાક થઇ ગયા મ્યુનિસિપાલિટીની ઇમરજન્સી મદદ માટેની ગાડી આવી ને તૂટેલા ઝાડને હાટાવી, એપાર્ટમેન્ટની સામેનો બંધ થઇ ગયેલો રસ્તો ખુલ્લો કરી ગયે. પણ લોકોની વાતો પતતી નહોતી: હાય હાય કેવું વિચિત્ર, કેટલું ભયાનક, કેટલું અચાનક, ઓહ ગજબનું..., અરે બહુ નસીબવાળા કહેવાઓ...ક્યારેક ક્યારેક એ વિચારતી કે શું એ અને બાકીના લોકો શું એક જ ઘટના વિષે વાત કરી રહયાં હતા. એમણે જોયેલું કે એ દિવસે બપોરે એ ત્યાં જ હતા? કોઈએ એમને દટાઈ મારતાં પણ જોયા હશે કે?

એની રીક્ષા જયારે અબ્દુલચાચાની કીટલી પાસે આવીની ઊભી ત્યારે વરસાદ પણ ભારે હતો. રિક્ષાવાળાએ તો રસ્તે ભરાયેલા પાણી જોઈને આગળ આવવાની સાફ ના પાડી દીધેલી. ચાચાએ એને ઓળખી ને દોડતા આવેલા એક હાથમાં છત્રી લઈને. એક હરફ ઉચ્ચાર્યા વગર એના હાથમાં આપી દીધેલી. બસ એક માથું હલાવેલું. એ સમજી, છત્રી સ્વીકારી, એક હલકું સ્મિત પરત આપી પાણીમાંથી થોડેક દૂર આવેલા પોતાના એપાર્ટમેન્ટ તરફ પોતાનો રસ્તો કરવા લાગેલી. એક ક્ષણ માટે પણ એના મનમાં બદલાતા વાતાવરણ વિષે કોઈ વિચાર નહોતો આવ્યો.

કલાક એક પછી પેલો મોટો ભયાનક આવાજ સાંભળીને જયારે એ દોડીને બારી પાસે ગઈ ત્યારે પણ બે ઘડી તો એને લાગ્યું કે કોઈ જંગલ આખેઆખું આમ રસ્તા ઉપર દોડી આવ્યું છે. એને થોડીક વાર લાગી આખા દ્રશ્યને અંદર ઉતારવામાં,  રસ્તા પર પડી ગયેલા એ ઝાડની હકીકતને સમજવામાં, અને થોડેક દૂર કોઈ બખોલમાંના એક સફેદ કબૂરતરની જેમ ડોકાતી એ સફેદ ટોપીને ઓળખવામાં.

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા એમની કવિતાનું પઠન

PHOTO • Labani Jangi

જૂનું ઝાડ

શું લાગે છે,
કોણ જોતું હોય છે
આ પાંદડા પર ચડતાં તડકાને,
લીંબુડિયા, ચળકતા પોપટી,
જંગલી લીલા, નારંગી, રાતા
ને કથ્થઈ થયા કરતા કાચિંડાને?
કોણ રાખતું હોય છે ગણતરી
એક પછી એક ખરતાં પાનની?
કોણ લેતું હોય છે નોંધ
જર્જરિત થતાં મનોબળની,
તૂટું તૂટું કરતી બરડ ડાળી પર બેસી
ટહુકતા સમયની?
કોણ ધ્યાન દેતું હોય છે
ભગવાન જાણે શેની શોધમાં
આમતેમ દોડાદોડ કરતી પેલી
ખિસકોલીએ થડિયા પર ખૂંપવ્યા દાંતના
દૂઝતા નિશાન પર,
આત્મવિશ્વાસી થડમાં
કાણાં પાડતા કાળા મંકોડાઓ પર?
કોણ જોતું હોય છે અંધારમાં થથરતાં થડને?
કોણ શ્વસી જાણતું હોય છે
અંદરના વલયોમાં ઊઠતાં ઝંઝાવાતોને,
ને અંદર વિલાતી, કાં બહાર ઝૂલતી,
થડ પર ઠેર ઠેર ઉગી નીકળેલા
બિલાડીના ટોપ જેવી
આકર્ષણ વિનાની વસંતને?
કોણ પામતું હોય છે તાગ
મૂળિયાંનો ,
ભૂતળમાં દટાયેલા કોઈ આશાની શોધમાં
ખેડેલાં આંધળા જોજનોનો?
કોણ અનુભવતું હોય છે
આ લપસણી માટી પર
મારી સતત મજબૂત થવા મથતી પકડ,
કોઈ દાવાનળથી દાઝેલી મારી શિરાઓમાં
સૂકાઈ રહેલ ચપકીદીભર્યા વહેણને?
દેખનાર તો દેખે છે માત્ર
આખરના ધરાશાયી થવાને...


આ કવિતા સૌ પ્રથમવાર અંગ્રેજીમાં વાતાવરણના બદલાવના વિષય પરની કવિતાઓના એક સંપાદન 'કાઉન્ટ એવરી બ્રૅથ'માં 2023માં પ્રકાશિત થઇ છે. સંપાદક: વિનિતા અગ્રવાલ, હવાકલ પબ્લીશર્સ.

Pratishtha Pandya

কবি এবং অনুবাদক প্রতিষ্ঠা পান্ডিয়া গুজরাতি ও ইংরেজি ভাষায় লেখালেখি করেন। বর্তমানে তিনি লেখক এবং অনুবাদক হিসেবে পারি-র সঙ্গে যুক্ত।

Other stories by Pratishtha Pandya
Illustration : Labani Jangi

২০২০ সালের পারি ফেলোশিপ প্রাপক স্ব-শিক্ষিত চিত্রশিল্পী লাবনী জঙ্গীর নিবাস পশ্চিমবঙ্গের নদিয়া জেলায়। তিনি বর্তমানে কলকাতার সেন্টার ফর স্টাডিজ ইন সোশ্যাল সায়েন্সেসে বাঙালি শ্রমিকদের পরিযান বিষয়ে গবেষণা করছেন।

Other stories by Labani Jangi