અમે જીપમાંથી નીચે ઉતર્યા કે તરત ચુસ્ત બંદોબસ્ત હેઠળના રાજાવોમમંગી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલો ગભરાઈને પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. આ પોલીસ સ્ટેશન ખુદ પોલીસ સુરક્ષા હેઠળ છે. તેની આસપાસ ચારે બાજુ ખાસ સશસ્ત્ર પોલીસનો પહેરો છે. અમે ફક્ત કેમેરાથી સજ્જ હતા એ બાબત તેમનો તણાવ ખાસ ઓછો ન કરી શકી. પૂર્વ ગોદાવરીના આ ભાગમાં પોલીસ સ્ટેશનોની તસવીરો લેવા પર પ્રતિબંધ છે.
આંતરિક કોરિડોરની સુરક્ષામાંથી હેડ કોન્સ્ટેબલ જાણવા માંગતો હતો કે અમે કોણ હતા. પત્રકારો? વાતાવરણ થોડું હળવું થયું. મેં પૂછ્યું, "તમે થોડી મોડી પ્રતિક્રિયા નથી આપી રહ્યા? તમારા સ્ટેશન પર તો 75 વર્ષ પહેલાં હુમલો થયો હતો."
તેમણે દાર્શનિક અંદાજમાં કહ્યું, "કોણે જાણ્યું? આજે બપોરે ફરીથી પણ (હુમલો) થઈ શકે."
આંધ્રપ્રદેશના આ આદિવાસી વિસ્તારો ‘એજન્સી’ વિસ્તાર તરીકે ઓળખાય છે. ઓગસ્ટ 1922 માં તેમણે બળવો પોકાર્યો હતો. સ્થાનિક સ્તરના આ આક્રોશે ટૂંક સમયમાં રાજકીય મહત્ત્વ પ્રાપ્ત કર્યું. બિન-આદિવાસી અલ્લુરી રામચંદ્ર રાજુ (સીતારામ રાજુ તરીકે વધુ જાણીતા છે), એ સ્થાનિક રીતે મણ્યમ બળવા તરીકે ઓળખાતી લડતમાં પહાડી જાતિઓનું નેતૃત્વ કર્યું. અહીં લોકો માત્ર ફરિયાદ નિવારણની માંગ કરી રહ્યા ન હતા. 1922 સુધીમાં તો તેમણે (બ્રિટિશ) રાજને સત્તા પરથી હાંકી કાઢવા લડત શરૂ કરી હતી. બળવાખોરોએ રાજાવોમમંગી પોલીસ સ્ટેશન સહિત એજન્સી વિસ્તારના કેટલાક પોલીસ સ્ટેશનો પર હુમલા કરીને તેમના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા.
અંગ્રેજો વિરુદ્ધ લડનાર આ પ્રદેશની ઘણી સમસ્યાઓ 75 વર્ષ પછી હજી આજે પણ યથાવત રહી છે.








