મણિપુરના કાંગપોક્પી જિલ્લામાં 40 કુકી-ઝો આદિવાસી પરિવારોની વસ્તી ધરાવતા નાહમુન ગુનફાઇજાંગ નામના નાના ગામમાં બે માણસો ગાઢ ઝાડીઓમાંથી પસાર થઈને તેમનાં ખેતરો તરફ આગળ વધી રહ્યા છે. 2023માં સપ્ટેમ્બરના આ દિવસે આકાશ વાદળછાયું છે, અને તેની આસપાસ જંગલી ઝાડવાઓથી ઢંકાયેલી ટેકરી છે.
જો કે, થોડા વર્ષો પહેલાં, આ ટેકરીઓ ખસખસના છોડ (પાપાવર સોમ્નિફેરમ) ના આકર્ષક સફેદ, ફીકા જાંબુડિયા અને ગુલાબી ફૂલોથી ઢંકાયેલી હતી.
ખસખસનો ત્યાગ કરનારા સૌપ્રથમ ખેડૂતો પૈકીના એક એવા પાઉલાલ કહે છે, “હું 1990ના દાયકાની શરૂઆતમાં ગાંજો (કેનાબીસ સટિવા) ઉગાડતો હતો, પરંતુ તે સમયે, તેમાંથી વધુ પૈસા મળતા ન હતા. 2000ના દાયકાની શરૂઆતમાં, લોકોએ આ ટેકરીઓમાં કાણી (ખસખસ) ની ખેતી શરૂ કરી હતી. મેં પણ તેને વાવી હતી. પછી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલે મેં તેને વાવવાનું બંધ કરી દીધું.”
પાઉલાલ 2020ના શિયાળાનો ઉલ્લેખ કરી રહ્યા છે, જ્યારે નાહમુન ગુનફાઇજાંગ ગામના વડા એસ.ટી. થાંગબોઈ કિપગેને ગામમાં ખસખસનાં ખેતરોને નાબૂદ કરવાની હાકલ કરી હતી અને ખેડૂતોને તેની ખેતી સંપૂર્ણપણે બંધ કરવા વિનંતી કરી હતી. તેમનો નિર્ણય શૂન્યવકાશમાં નહોતો લેવાયો, પરંતુ તે રાજ્યની ભાજપ સરકારના આક્રમક ‘ડ્રગ્સ સામેના યુદ્ધ’ અભિયાનના સમર્થનમાં લેવામાં આવ્યો હતો.
જેમાંથી અત્યંત વ્યસનકારક માદક અફીણ બનાવવામાં આવે છે તેવા ખસખસની ખેતી મુખ્યત્વે મણિપુરના પહાડી જિલ્લાઓ જેમ કે ચુરાચંદપુર, ઉખરુલ, કામજોંગ, સેનાપતિ, તમેંગલોંગ, ચાંદેલ, તેંગનૌપલ તેમજ કાંગપોક્પીમાં થાય છે; અહીં રહેતા મોટાભાગના લોકો કુકી-ઝો આદિજાતિના છે.
પાંચ વર્ષ પહેલાં, નવેમ્બર 2018માં, મુખ્યમંત્રી બીરેન સિંહની આગેવાની હેઠળની ભાજપ રાજ્ય સરકારે ડ્રગ્સ સામે યુદ્ધ માંડ્યું હતું. બીરેન સિંહે પર્વતીય જિલ્લાઓમાં ગામના વડાઓ અને ચર્ચોને તે વિસ્તારોમાં ખસખસની ખેતી બંધ કરવાની અપીલ કરી હતી.
કુકી-ઝો આદિજાતિના સ્થાનિકો કહે છે કે ‘ડ્રગ્સ સામે યુદ્ધ’ અભિયાન તેમના પર સીધો હુમલો બની ગયું હતું, જેણે મે 2023માં બહુમતી મૈતેઇ સમુદાય અને લઘુમતી કુકી-ઝો આદિવાસીઓ વચ્ચે ફાટી નીકળેલા લોહિયાળ વંશીય સંઘર્ષને પણ વેગ આપ્યો છે. નાગા અને કુકી-ઝો બન્ને પર્વતીય જિલ્લાઓમાં ખસખસ ઉગાડવામાં આવતું હોવા છતાં સ્થાનિક લોકો આક્ષેપ કરે છે કે મુખ્યમંત્રી બીરેન સિંહ (ભાજપ) એ મણિપુરમાં માદક દ્રવ્યોના વેપારને ચલાવવા માટે ફક્ત કુકીઓને જ જવાબદાર ગણાવ્યા છે.
પાઉલાલ જેવા નાહમુન ગુનફાઇજાંગના 30 ખેડૂત પરિવારોને ખસખસની ખેતી છોડવાની અને તેના બદલે વટાણા, કોબીજ બટાટા અને કેળા જેવા શાકભાજી અને ફળો ઉગાડવાની ફરજ પડી હતી, જેઓ હવે તેઓ પહેલાં જેટલું કમાતા હતા તેનો નજીવો ભાગ જ કમાઈ શકે છે. ગામના કાર્યકારી વડા સામસન કિપગેને જણાવ્યું હતું, “તે તેમનું ગળું દબાવી દેવા સમાન હતું.” અહીં, જમીનની માલિકી સમુદાયની હોય છે, જે ગામના વડાના નેતૃત્વ હેઠળ આવે છે, જે એક વારસાગત હોદ્દો છે જે પરિવારમાં પસાર થાય છે. તેઓ ઉમેરે છે, “પરંતુ તેઓ [આવું કરવા સહમત થયેલા ખેડૂતો] સમજી ગયા કે તે ગામ અને પર્યાવરણની ભલાઈ માટે જ છે.”
45 વર્ષીય ખેડૂત પાઉલાલ કહે છે કે તેમણે ખસખસની ખેતી કરવાનું બંધ કર્યું તેનું કારણ ખેડૂતોની ધરપકડ કરવાની અને તેમને કેદ કરવાની સરકારની ધમકી હતી. આ ઝુંબેશમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો ગ્રામજનો સહકાર નહીં આપે તો સ્થાનિક પોલીસ ખસખસના પાકને વાઢી નાખશે અને આખુંને આખું ખેતર બાળી નાખશે. તાજેતરમાં, આ ખીણમાં આવેલા એક નાગરિક સમાજ જૂથે એવો દાવો પણ કર્યો હતો કે કેન્દ્ર સરકાર ખસખસના ખેતરો પર હવાઈ હુમલા કરવા માટે સંમત થયું છે, પરંતુ આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
વર્ષ 2018થી રાજ્ય સરકારે 18,000 એકરમાં ખસખસની ખેતીનો નાશ કર્યો હોવાનો દાવો કર્યો છે અને 2,500 ખેડૂતોની ધરપકડ કરી છે. મણિપુર પોલીસના વિશેષ એકમ એવા નાર્કોટિક્સ એન્ડ અફેર્સ ઓફ બોર્ડર કહે છે કે, જમીન પરના અહેવાલોનો અંદાજ છે કે આ સંખ્યા 13,000 એકરથી ઓછી છે.
મણિપુરની સરહદ વિશ્વના સૌથી મોટા ખસખસના ઉત્પાદક એવા મ્યાનમાર દેશ સાથે જોડાયેલી છે, જ્યાં મોર્ફિન, કોડીન, હેરોઇન અને ઓક્સિકોડોન જેવા અન્ય શક્તિશાળી માદક પદાર્થોનું કથિત વેચાણ અને ઉત્પાદન થાય છે. આ નિકટતા તેને માદક દ્રવ્યોના પ્રવાહ અને અન્ય ગેરકાયદેસર વેપાર માટે સંવેદનશીલ રાખે છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના 2019ના “ મેગ્નીટ્યુડ ઓફ સબસ્ટન્સ એબ્યુઝ ઇન ઇન્ડિયા ” સર્વેક્ષણ અનુસાર, મણિપુરમાં પૂર્વોત્તર ભારતમાં ડ્રગનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા સૌથી વધુ હોવાનું કહેવાય છે.
મુખ્યમંત્રી બીરેન સિંહે ડિસેમ્બર 2023માં ઇમ્ફાલમાં ભાજપ મુખ્યાલયમાં એક બેઠક દરમિયાન પક્ષના કાર્યકર્તાઓને પૂછ્યું હતું કે, “શું યુવાનોને બચાવવા માટે ડ્રગ્સ સામે યુદ્ધ શરૂ કરવું એ ભૂલ હતી?”
વ્યંગાત્મક રીતે, તે ડ્રગ્સ સામેનું યુદ્ધ જ હતું જેણે ડેમઝાનાં બાળકોને તેમના ભણતરથી વંચિત કરી દીધા હતા.
ચાર વર્ષ પહેલાં સુધી, ડેમઝા અને તેમનો પરિવાર નાહમુન ગુનફાઇજાંગમાં ખસખસની ખેતી કરીને આરામદાયક જીવન જીવતો હતો. તેના પર પ્રતિબંધ મૂકાયા પછી, ડેમઝા મિશ્ર પાકની ખેતી તરફ વળ્યા અને તેમની કમાણીમાં ઘટાડો થયો. ડેમઝા પારી સાથે વાત કરતાં કહે છે, “જો અમે વર્ષમાં બે વાર [શાકભાજીની] ખેતી કરી શકીએ અને સારી ઉપજ મેળવી શકીએ, તો અમે વાર્ષિક એક લાખ સુધીની કમાણી કરીએ છીએ. જ્યારે ખસખસની ખેતીમાં અમે માત્ર એક જ પાક હોવા છતાં વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ લાખ રૂપિયા કમાતાં હતાં.”
આવકમાં થયેલા આ નોંધપાત્ર ઘટાડાનો અર્થ છે ઇમ્ફાલમાં તેમના બાળકોનું ભણતર બંધ કરાવી દેવું; કારણ કે તેઓ તેમાંથી માત્ર એકને કાંગપોક્પી જિલ્લા મુખ્યાલયની સ્થાનિક શાળામાં દાખલ કરી શકે તેમ હતું.
કાંગપોક્પી, ચુરાચંદપુર અને ટેંગનૌપાલના પર્વતીય જિલ્લાઓ પરના 2019ના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ગરીબી અને ખાદ્ય અસુરક્ષા મણિપુરના આદિવાસી ખેડૂતોમાં અફીણની ખેતીને વેગ આપે છે. આ અભ્યાસનું નેતૃત્વ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) ગુવાહાટીમાં સમાજશાસ્ત્રના સહયોગી પ્રોફેસર નગામજાહાવ કિપગેન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે 60 ઘરોનું સર્વેક્ષણ કર્યું હતું, જેમાં જાણવા મળ્યું કે એક હેક્ટર જમીનમાં 5 થી 7 કિલો અફીણનું ઉત્પાદન થાય છે, જે 70,000-150,000 પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
જે ખેડૂતો પાસે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (મનરેગા) જેવી અન્ય વ્યવહારુ રોજગારીની તકો નથી, તેમના માટે આ એક સારો પાક છે.
*****
લઘુમતી કુકી-ઝો જનજાતિ માટે નવેમ્બર એ આનંદનો સમય છે કારણ કે તે સમયે તેઓ વાર્ષિક કુટ તહેવાર ઉજવે છે જે ખસખસની લણણીની મોસમ સાથે મેળ ખાય છે. આ તહેવાર દરમિયાન, સમુદાયો એકઠા થાય છે, મોટી મિજબાનીઓ રાંધે છે, ગાય છે અને નૃત્ય કરે છે અને સૌંદર્ય સ્પર્ધાઓ પણ કરે છે. જો કે વર્ષ 2023 અલગ હતું. તેના મે મહિનામાં, મણિપુરની 53 ટકા વસ્તી ધરાવતા મૈતેઇ સમુદાય અને કુકી-ઝો વચ્ચે લોહિયાળ નાગરિક સંઘર્ષ ફાટી નીકળ્યો હતો.
માર્ચ 2023ના અંતમાં, મણિપુરની ઉચ્ચ અદાલતે રાજ્ય સરકારને મૈતેઇ સમુદાયની તેમને અનુસૂચિત જનજાતિઓની યાદીમાં સમાવેશ કરવા માટેની લાંબા સમયથી કરેલી વિનંતી પર વિચાર કરવા નિર્દેશ આપ્યો હતો, જે તેમને આર્થિક લાભ અને સરકારી નોકરીઓ માટે ક્વોટા પ્રદાન કરશે. વધુમાં, મૈતેઇ લોકો મુખ્યત્વે કુકી જનજાતિઓ દ્વારા કબજો કરવામાં આવેલા ડુંગરાળ વિસ્તારોમાં જમીન પણ ખરીદી શકશે. અદાલતની ભલામણનો કુકી સમુદાયે વિરોધ કર્યો હતો, જેમને લાગ્યું હતું કે તેમની જમીન પરનું નિયંત્રણ જોખમમાં મુકાઈ જશે.
આનાથી રાજ્યભરમાં શ્રેણીબદ્ધ હિંસક હુમલાઓ શરૂ થયા, જેમાં બર્બર હત્યાઓ, શિરચ્છેદ, સામૂહિક બળાત્કાર અને આગચંપીનો પણ સમાવેશ થાય છે.
પારીએ આ ગામની મુલાકાત લીધી તેના બે મહિના પહેલાં, એક ભયાનક ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં કાંગપોક્પીના બી ફૈનોમ ગામની બે મહિલાઓને મૈતેઇ પુરુષોના ટોળા દ્વારા નગ્ન કરીને ફેરવવામાં આવી હતી. આ ઘટના મેની શરૂઆતમાં બી ફૈનોમ પરના હુમલા દરમિયાન બની હતી, જ્યારે તેના પર હુલમો કરીને તેને જમીનદોસ્ત કરવામાં આવી હતી. આ વીડિયો શૂટ કરાયો તે પછી, તેમના પુરુષ સંબંધીઓની હત્યા કરવામાં આવી હતી અને મહિલાઓ પર ડાંગરના ખેતરોમાં કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં, આ સંઘર્ષમાં અંદાજે 200 (અને ગણતરી હજુ ચાલુ છે) લોકો માર્યા ગયા છે, અને 70,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે, જેમાંથી મોટાભાગના લઘુમતી કુકી સમુદાયના છે. તેમણે રાજ્ય અને પોલીસ પર આ ગૃહ યુદ્ધમાં મૈતેઇ આતંકવાદીઓને ઉશ્કેરવાનો પણ આરોપ લગાવ્યો છે.
આ લોહિયાળ ગૃહ યુદ્ધના કેન્દ્રમાં ખસખસનો છોડ છે. આઈઆઈટીના પ્રોફેસર કિપગેન કહે છે, “રાજકારણીઓ અને અમલદારો આ સાંકળમાં ટોચ પર છે, તેમજ ખેડૂતો પાસેથી આની ખરીદી કરીને તેને વેચીને સારા પૈસા કમાતા વચેટિયાઓ પણ આમાં સંડોવાયેલા છે.” ખસખસના ખેતરોના વિનાશ અને સામૂહિક જપ્તી અને ધરપકડો થવા છતાં, તેઓ કહે છે કે આમાં સંડોવાયેલાં મોટાં માથાં કાયદાની પકડમાંથી બહાર રહે છે. કિપગેન કહે છે કે મોટાભાગના ખેડૂતો ખસખસના વેપારમાં લઘુતમ વેતન મેળવતા હતા.
મુખ્યમંત્રી બીરેન સિંહે આ સંઘર્ષ માટે મ્યાનમારની સરહદ પાર માદક દ્રવ્યોના વેપારમાં સામેલ કે.એન.એફ. જેવા કુકી-ઝો સશસ્ત્ર જૂથો દ્વારા સમર્થિત કુકી-ઝો આદિજાતિના ગરીબ ખસખસ ઉત્પાદકોને દોષી ઠેરવ્યા છે. તેમણે તેના માટે ગેરકાયદેસર સ્થળાંતરને પણ જવાબદાર ઠેરવ્યું છે. રાજ્ય સરકાર પર્વતીય વિસ્તારોમાં ખસખસની ખેતીને પણ સંરક્ષિત જંગલોના વ્યાપક વિનાશ અને મૈતેઇનું પ્રભુત્વ ધરાવતી ખીણમાં ગંભીર પર્યાવરણીય કટોકટી માટે જવાબદાર માને છે.
ખેડૂતો કહે છે કે ખસખસની ખેતીનું ચક્ર વૃક્ષો કાપીને અને જંગલના વિસ્તારોને બાળીને જમીનના મોટા ભાગને સાફ કરવાથી શરૂ થાય છે, ત્યારબાદ તેમાં જંતુનાશકો, વિટામિન્સ અને યુરિયાનો ઉપયોગ થાય છે. 2021માં પ્રકાશિત થયેલા આ પેપરમાં કહેવામાં આવ્યું છે કે ચુરાચંદપુર જિલ્લામાં નવા સાફ કરવામાં આવેલા વાવેતર સ્થળોની બાજુના ગામોમાં ઝરણાં સૂકાઈ ગયાં હતાં અને ગામડાઓમાં બાળકોમાં પાણીજન્ય રોગોનો ઉદય થયો હતો. જો કે, પ્રોફેસર કિપગેને જણાવ્યું હતું કે મણિપુરમાં ખસખસની ખેતીની પર્યાવરણીય અસર અંગે પૂરતા વૈજ્ઞાનિક સંશોધનનો અભાવ છે.
પડોશી મ્યાનમારમાં અફીણની ખસખસની ખેતી અંગેના યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (યુ.એન.ઓ.ડી.સી.) ના 2019ના અહેવાલમાં જાણવા મળ્યું છે કે ખસખસ ઉગાડતાં ગામડાંમાં ખસખસવાળા ન ઉગાડતાં ગામડાંની સરખામણીએ જંગલની ગુણવત્તા વધુ ઝડપથી બગડે છે. જો કે, ખસખસ અને ઉગાડતી અને ન ઉગાડતી બન્ને જમીન પર આબોહવા પરિવર્તનની અસરના લીધે 2016 થી 2018 દરમિયાન ઉપજમાં ઘટાડો જોવા મળ્યો હતો. હકીકત એ છે કે ખસખસની ખેતીની પર્યાવરણીય અસર અંગે કોઈ નિર્ણાયક માહિતી જ નથી.
ખેડૂત પાઉલાલ આનો વિરોધ કરતાં કહે છે, “જો ખસખસના લીધે જમીન પર અસર થઈ હોત, તો અમે અહીં આ ખેતરોમાં શાકભાજી કઈ રીતે ઉગાડી શકીએ છીએ?” નાહમુનના અન્ય ખેડૂતો કહે છે કે અગાઉ તેમની જમીન પર અફીણની ખેતી કરવામાં આવી હોવા છતાં તેમને ફળો કે શાકભાજી ઉગાડવામાં કોઈ મુશ્કેલી પડી નથી.
*****
ખેડૂતો કહે છે કે વાસ્તવિક સમસ્યા એ છે કે તેમને ખસખસથી જે ઊંચી આવક મળતી હતી તેના બદલે રાજ્યએ કોઈ યોગ્ય વિકલ્પો આપ્યા નથી. તમામ ગ્રામજનોને બટાટાના બિયારણ વહેંચવાના વડાઓના દાવા છતાં, પાઉલાલ જેવા ભૂતપૂર્વ ખસખસના ખેડૂતો કહે છે કે તેમને તેનાથી કોઈ ફાયદો થયો નથી. તેમણે પારીને કહ્યું, “હું ભાગ્યે જ બજારમાંથી 100 રૂપિયાની કિંમતના બિયારણનું એક પેકેટ ખરીદી શક્યો. આ રીતે હું અંકામ [શાકભાજી] ઉગાડતો હતો.”
નાહમુન આ સરકારી પહેલમાં જોડાયા તેના એક વર્ષ પછી, તંગખુલના નાગા-પ્રભુત્વ ધરાવતા ઉખરુલ જિલ્લામાં પેહ ગ્રામ પરિષદે પણ ટેકરીઓમાં ખસખસના વાવેતરનો નાશ કર્યો હતો. આ માટે મુખ્યમંત્રીએ 2021માં તાત્કાલિક ધોરણે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. મણિપુર ઓર્ગેનિક મિશન એજન્સી સાથે બાગાયત અને માટી સંરક્ષણ વિભાગ પણ લાભાર્થીઓને ઓળખવા અને કિવી અને સફરજનના વાવેતર જેવા વૈકલ્પિક આજીવિકાના માધ્યમો પૂરા પાડવા માટે પરિષદ સાથે કામ કરી રહ્યું છે.
આ પુરસ્કાર ઉપરાંત, પેહ ગામના વડા મૂન શિમરાહએ પારીને જણાવ્યું હતું કે ગામને 20.3 લાખ રૂપિયાની રોકડ ઉપરાંત ખેડ માટેની મશીનરી અને સાધનો, ખાતરની 80 થેલીઓ, પ્લાસ્ટિક પેકેજિંગ તેમજ સફરજન, આદુ અને ક્વિનોઆ માટેના રોપાઓ મળ્યા છે. શિમરાહ કહે છે, “અસલમાં, માત્ર એક જ ઘરે ખસખસ ઉગાડવાનું શરૂ કર્યું, એટલામાં ગ્રામ પરિષદે હસ્તક્ષેપ કર્યો અને તે માટે સરકારે અમને પુરસ્કાર આપ્યો.” સરકારી અનુદાનથી ઉખરુલમાં જિલ્લા મુખ્યાલયથી 34 કિલોમીટર દૂર આવેલા ગામના તમામ 703 પરિવારોને લાભ થશે, જ્યાં યામ, લીંબુ, નારંગી, સોયાબીન, બાજરી, મકાઈ અને ડાંગરનું વાવેતર કરવામાં આવે છે.
તેઓ ઉમેરે છે, “જો કે, અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ અમને આ નવા પાકોની ખેતી કરવા અંગે યોગ્ય તાલીમ આપે અને પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તેની નજીકથી દેખરેખ રાખે. અમને આ વાવેતરની ફરતે વાડ બાંધવા માટે કાંટાળા તારની પણ જરૂર છે, કારણ કે અમારાં પશુધન મુક્તપણે ફરતાં હોય છે જેનાથી પાક નષ્ટ થવાની શક્યતા છે.”
નાહમુનના કાર્યકારી વડા કિપગેને પારીને જણાવ્યું હતું કે તેમના ગામને સંશોધન હેતુઓ માટે રાજ્ય યુનિવર્સિટી અને એક ધારાસભ્ય પાસેથી મરઘાં અને શાકભાજીના બીજ જેવા આજીવિકાના વિકલ્પો માટે એક વખતનો ટેકો મળ્યો હોવા છતાં, સરકારી પહોંચ સતત નથી મળી. તેઓ કહે છે, “અમારું ગામ ટેકરી પર ‘ડ્રગ્સ સામેના યુદ્ધ’માં જોડાનારું પ્રથમ આદિવાસી ગામ હતું. તેમ છતાં સરકાર અન્ય સમુદાયોની અવગણના કરીને ફક્ત અમુક જ આદિવાસી સમુદાયોને પુરસ્કાર આપતી હોય તેવું લાગે છે.”
જો કે, રાજ્ય સરકારના સૂત્રો આ માટે અપૂરતા આજીવિકાના વિકલ્પો પર નહીં પરંતુ મોડલ પર જ દોષારોપણ કરે છે. નાગા અને કુકી-ઝો પ્રભુત્વ ધરાવતા પર્વતીય જિલ્લાઓમાં ખસખસના ખેડૂતો માટે આજીવિકા પહેલની દેખરેખ રાખતા મણિપુર સરકારના એક સૂત્ર કહે છે, “પર્વતીય આદિવાસી ખેડૂતોએ બીજ અને મરઘાં એકત્ર કર્યા છે પરંતુ તે મોટાભાગે પોતાના ઉપયોગ માટે જ વપરાય છે.”
તેઓ કહે છે કે, શાકભાજી ઉગાડવાથી અથવા મરઘાંના ઉછેરથી થતી આવક ખેડૂતો ખસખસમાંથી જે કમાણી કરે છે તેની સાથે સરખાવી શકાય તેમ નથી; કારણ કે શાકભાજી અને ફળોમાંથી માત્ર એક લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે જ્યારે ખસખસમાંથી 15 લાખ રૂપિયાની આવક થતી હતી. નબળી કમાણી વાળી વૈકલ્પિક આજીવિકા પૂરી પાડવાથી ખસખસની ખેતી નાબૂદ નહીં થાય. નામ ન આપવાની શરતે એક સરકારી કર્મચારી કહે છે, “‘ડ્રગ્સ સામે યુદ્ધ’ અભિયાન ટેકરી વિસ્તારોમાં સફળ નથી થયું. આ છેતરપિંડી છે.”
જ્યાં સુધી તેના બદલે ટકાઉ વૈકલ્પિક આજીવિકા પૂરી પાડવામાં નહીં આવે, ત્યાં સુધી ખસખસની ખેતીને બળજબરીથી નાબૂદ કરવી અર્થહીન છે. પ્રોફેસર કિપગેન કહે છે કે આવું ન કરવાથી “સામાજિક તણાવ વધશે, અને સ્થાનિક સરકાર અને ખેડૂત સમુદાયો વચ્ચે દુશ્મનાવટ પણ પેદા થશે.”
યુ.એન.ઓ.ડી.સી.ના અહેવાલમાં પણ એવું તારણ કાઢવામાં આવ્યું છે કે “ખસખસની ખેતી બંધ કર્યા પછી ખેડૂતોને તેમની આવકનું સ્તર જાળવવામાં મદદ કરી શકે તેવી તકો ખસખસ નાબૂદીના પ્રયાસોને ટકાવી રાખવા માટે જરૂરી છે.”
વંશીય સંઘર્ષે પહાડી આદિવાસી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો જ કર્યો છે, જેઓ હવે ખીણમાં વેપાર–વાણિજ્ય કરી શકતા નથી.
ડેમઝા કહે છે, “[વાર્ષિક] ખસખસની ખેતી પૂરી થયા પછી અમે ખાણમાંથી મૈતેઇ લોકોને રેતી વેચીને વધારાની આવક રળતા હતા. તે પણ હવે બંધ થઈ ગયું છે. જો આ (સંઘર્ષ) ચાલુ રહેશે, તો એક એવો સમય આવશે કે ન તો અમે અમારાં બાળકોને શાળાઓમાં રાખી શકીશું કે ન તો આજીવિકા જાળવી શકીશું.”
અનુવાદક: ફૈઝ મોહંમદ