સ્થાનિક પોસ્ટ ઑફિસની બારીઓ કિચૂડ-કિચૂડ અવાજ સાથે ખુલે છે, અને અમને આવતા જોઈને તે ટપાલી બારીમાંથી બહાર જુએ છે.
રેણુકા અમને સ્મિત સાથે એક ઓરડામાં સ્થિત પોસ્ટ ઑફિસમાં આવવા માટે કહે છે, જેનો એક દરવાજો ઘરની અંદરથી ખુલે છે. અમે તેમના નાના કાર્યાલયમાં પ્રવેશીએ છીએ ત્યારે કાગળ અને શાહીની ગંધ અમને આવકારે છે. તેઓ દીવસની છેલ્લી ટપાલને ગોઠવી રહ્યા છે. હસતાં હસતાં તેઓ મને બેસવા માટે ઈશારો કરે છે. “આવો, આવો! કૃપા કરીને અહીં આરામથી બેસો.”
બહારના હવામાનથી વિપરીત, ટપાલીની ઑફિસ અને ઘરનો અંદરનો ભાગ ઠંડો છે. પવનની લહેરો અંદર આવી શકે તે માટે એક બારી ખુલ્લી છે. સફેદ ચૂનાથી ધોળેલી દિવાલો પર ઘણા હાથથી બનાવેલા પોસ્ટરો, નકશા અને યાદીઓ લટકે છે. આ નાનકડો ઓરડો આટલી મહત્ત્વપૂર્ણ જગ્યા પાસેથી કોઈ વ્યક્તિ જેટલી સફાઈ અને વ્યવસ્થિત ગોઠવણ હોવાની અપેક્ષા રાખે છે, તેવી જ ચોખ્ખાઈ અને વ્યવસ્થિત ગોઠવણ અહીં છે. એક ડેસ્ક અને અમુક છાજલીઓએ તે ઓરડાની મોટાભાગની જગ્યા ઘેરી લીધી છે, પરંતુ તેમ છતાં ત્યાં જગ્યાની તંગી મહેસૂસ નથી થતી.
64 વર્ષીય રેણુકપ્પા તુમકુરુ જિલ્લાના દેવરાયપટના શહેરમાં ગ્રામીણ ડાક સેવક (ગ્રામીણ ટપાલ સેવા) છે; અને છ ગામો તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.
દેવરાયપટનામાં આ ગ્રામીણ પોસ્ટ ઑફિસનો સત્તાવાર સમય સવારે 8:30 થી બપોરે 1 વાગ્યાનો છે, પરંતુ તેના એકમાત્ર કર્મચારી રેણુકા પ્રસાદ ઘણીવાર સવારે 7 વાગ્યે કામ કરવાનું શરૂ કરે છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહે છે. આ ટપાલી કહે છે, “મારું કામ પૂરું કરવા માટે સાડા ચાર કલાક પૂરતા નથી.”
આ ટપાલીનું કામ પત્રો, સામયિકો અને દસ્તાવેજોની પોસ્ટલ બેગથી શરૂ થાય છે, જે તુમકુરુ તાલુકાના નજીકના બેલાગુમ્બા ગામમાંથી સવારે ત્યાં આવે છે. તેમણે પહેલા તમામ ટપાલો રજીસ્ટર કરાવવી પડશે, અને પછી તેઓ દરરોજ બપોરે 2 વાગ્યા સુધીમાં તેને પહોંચાડવા માટે નીકળે છે. તેઓ છ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા દેવરાયપટના, મારનાયકપાલ્યા, પ્રશાંતનગરા, કુંદુરુ, બાંદેપાલ્યા, શ્રીનગરા ગામોમાં ટપાલ પહોંચાડે છે. તેઓ તેમનાં પત્ની રેણુકંબા સાથે રહે છે; તેમની ત્રણ મોટી થયેલી દીકરીઓ હવે તેમની સાથે નથી રહેતી.
તેઓ અમને તેમના ડેસ્ક પર લટકતો એક નાનો હાથથી બનાવેલો નકશો બતાવે છે, જેમાં તેમણે જે છ ગામોની મુલાકાત લેવાની છે, તેમની જગ્યા અને તેમનું અંતર કન્નડ ભાષામાં હોકાયંત્રના ચાર બિદુંઓ સાથે અંકિત છે. તેની સાથે એક દંતકથાનો પણ ઉલ્લેખ છે. સૌથી નજીકનું ગામ મારણાયકપાલ્ય છે જે પૂર્વમાં 2 કિલોમીટર દૂર આવેલું છે. અન્ય ગામોમાં પશ્ચિમમાં લગભગ 2.5 કિમી દૂર આવેલું પ્રશાંતનગરા, અનુક્રમે ઉત્તર અને દક્ષિણમાં 3 કિમી દૂર આવેલાં કુન્દુરુ અને બાંદેપાલ્યા અને 5 કિમી દૂર આવેલું શ્રીનગરા છે.
રેણુકપ્પા એકલા ટપાલી છે જે તડકો કે વરસાદ જોતા નથી; તેઓ એવા ટપાલી જે હંમેશા ટપાલ પહોંચાડે છે.
આ લાંબા અંતરને પાર કરવા માટે તેમની પાસે એક જૂની સાઇકલ છે – વાર્તાઓમાંના જૂના ટપાલીની જેમ – તેમની સાઇકલ લઈને ગામમાં જાય છે અને તેમને આવકારવા દોડતા લોકોને ખુશખુશાલ અભિવાદન કરે છે.
તેમના ઘરની સામેથી ચાલીને જતી એક મહિલા તેમને બોલાવતાં કહે છે, “રેણુકપ્પા, આજે અમારા ઘરે પૂજા છે. આવો!” તેઓ તેની સામે જુએ છે અને હકારમાં માથું ધૂણાવે છે. અન્ય એક ગ્રામજન તેમની પાસેથી પસાર થાય છે અને તેમનું અભિવાદન કરે છે. રેણુકપ્પા સ્મિત કરે છે અને બદલામાં હાથ લહેરાવે છે. ગ્રામજનો અને તેમના ટપાલી વચ્ચેનો ઉષ્માભર્યો સંબંધ સ્પષ્ટ છે.
આ ટપાલી સામાન્ય દિવસે 10 કિમી મુસાફરી કરે છે, અને ટપાલ પહોંચાડે છે. દિવસનો અંત આણતા પહેલાં, તેમણે જે જે કંઈ વિતરિત કર્યું તેની નોંધ એક ઘસાઈ ગયેલી જાડી નોટબુકમાં કરવાની હોય છે.
રેણુકપ્પા કહે છે કે ઓનલાઈન કોમ્યુનિકેશનના વિકાસને કારણે પત્રોની સંખ્યામાં ઘટાડો થયો છે, “પરંતુ મેગેઝીન, બેંક દસ્તાવેજો વગેરે છેલ્લા કેટલાક વર્ષોમાં બમણા થઈ ગયા છે, અને તેથી મારું કામ તો વધ્યું જ છે.”
તેમના જેવા ગ્રામીણ ડાક સેવકોને ‘વધારાના વિભાગીય કામદારો’ તરીકે ગણવામાં આવે છે અને પેન્શન તો જવા જ દો, પણ વેતન માટે પણ તેમની અવગણના કરવામાં આવે છે. તેઓ સ્ટેમ્પ અને સ્ટેશનરીનું વેચાણ, ટપાલનું પરિવહન અને વિતરણ અને અન્ય પોસ્ટલ ફરજો જેવા તમામ કાર્યોમાં સામેલ છે. તેઓ નિયમિત સિવિલ સર્વિસનો ભાગ હોવાથી, તેમને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 2021 હેઠળ આવરી લેવામાં આવતા નથી. હાલમાં, સરકાર પાસે 01/04/2011થી અમલી સર્વિસ ડિસ્ચાર્જ બેનિફિટ સ્કીમ સિવાય તેમને કોઈપણ પેન્શનરી લાભો આપવાનો કોઈ પ્રસ્તાવ નથી.
રેણુકપ્પા નિવૃત્ત થાય પછી, તેમને દર મહિને મળતો રૂપિયા 20,000નો માસિક પગાર પણ મળતો બંધ થઈ જશે અને તેમને પેન્શન પણ નહીં મળે. તેઓ કહે છે, “મારા જેવા ટપાલીઓએ વર્ષો સુધી રાહ જોઈ છે, કે કંઈક બદલાવ આવશે. અમે રાહ જોતા હતા કે કોઈ અમારી મહેનતની દાદ આપશે. અન્ય પેન્શન મેળવનારાઓને જે આપવામાં આવે છે તેનો માત્ર એક નાનકડો હિસ્સો પણ અમને મળે, એક હજાર કે બે હજાર પણ, તો તે અમારા માટે પર્યાપ્ત હશે.” તેઓ ઉત્સાહપૂર્વક ઉમેરે છે, “આ બદલાવ આવશે ત્યાં સુધીમાં તો હું નિવૃત્ત થઈ જઈશ.”
જ્યારે હું તેમને દીવાલ પર લેમિનેટેડ અને પ્રદર્શિત નાના કટીંગવાળા પોસ્ટર વિશે પૂછું છું ત્યારે તેમનો મિજાજ બદલાઈ જાય છે. તેઓ કહે છે, “તે પોસ્ટર મારા માટે એક આનંદનો વિષય છે. હું તેને અન્ચેચિટી (સ્ટેમ્પ) પોસ્ટર કહું છું.”
“આ મારા માટે એક શોખ બની ગયો છે. થોડા વર્ષો પહેલાં અખબારે પ્રખ્યાત કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ અન્ય નોંધપાત્ર હસ્તીઓના સન્માન માટે અખબારમાં આ સ્ટેમ્પ્સ બહાર પાડવાનું શરૂ કર્યું હતું.” તેથી રેણુકાએ તેઓ છપાવાની શરૂઆત થઈ ત્યારથી તેમને એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું – અને તેમને અખબારમાંથી કાપવા લાગ્યા હતા. “આગળનો સ્ટેમ્પ બહાર આવવાની રાહ જોવાનું મને સારું લાગતું હતું.”
અમે આ ભાગનું સંકલન કરવામાં મદદ કરવા બદલ ટીવીએસ એકેડેમી તુમકુરુનાં શિક્ષિકા શ્વેતા સત્યનારાયણનો આભાર માનીએ છીએ. પારી એજ્યુકેશને આ પ્રોજેક્ટના ભાગરૂપે નીચેના વિદ્યાર્થીઓ સાથે કામ કર્યું છે: આસ્થા આર. શેટ્ટી, દ્રુતિ યુ., દિવ્યશ્રી એસ., ખુશી એસ. જૈન, નેહા જે., પ્રણતિ એસ. હુલુકડી, હની મંજુનાથ, પ્રણતિ એસ., પ્રાંજલા પી.એલ., સંહિતા ઇ.બી., પરિણિતા કલમથ, નિરુતા એમ. સુજલ, ગુણોત્તમ પ્રભુ, આદિત્ય આર. હરિત્સા, ઉત્સવ. કે.એસ
અનુવાદક: ફૈઝ મોહંમદ