સુરેન્દ્ર નાથ અવસ્થી એ ક્ષિતિજ તરફ હાથ ફેલાવે છે જે ફક્ત તેમની સ્મૃતિમાં છે. તેઓ હાથથી મોટો વિસ્તાર બતાવતાં મંદ સ્મિત સાથે કહે છે, “આ બધું, અને પેલું પણ.”
તેઓ કહે છે, “અમને તે ખૂબ જ વહાલી હતી. એ વખતે અમારા કુવાઓમાં ફકત 10 ફૂટ ઊંડે જતાં મીઠું પાણી મળી જતું હતું તે સઈના લીધે જ હતું. દર ચોમાસામાં, તે અમારા ઘરો સુધી આવી જતી હતી. દર ત્રીજા વર્ષે તે કોઈનું બલિદાન લેતી હતી — મોટે ભાગે નાના પ્રાણીઓનું. એક વખત તે મારા 16 વર્ષના પિતરાઈ ભાઈને ભરખી ગઈ હતી. હું તેનાથી ગુસ્સે ભરાયો હતો અને દિવસો સુધી એની તરફ ઘાંટા પાડતો.” તેમનો અવાજ મંદ થતો જાય છે, “પણ હવે, એ ઘણા લાંબા સમયથી ગુસ્સે ભરાઈ છે...કદાચ પુલના લીધે આવું થયું હશે.”
અવસ્થી 67 મીટર લાંબા પુલ પર ઊભેલા છે, જે સઈ નામની સૂકાઈ ગયેલી નદી પર આવેલો છે. ગુસ્સે ભરાયેલી ‘એ’. પુલની નીચે ખેતીની જમીન છે — નદીના પટમાં ઘઉંની તાજી કપાયેલી દાંડીઓ અને બાજુમાં પુષ્કળ પાણી ખેંચી લેતા નીલગિરીના વૃક્ષો લહેરાય છે.
અવસ્થીના મિત્ર અને સહયોગી એવા એક નિવૃત્ત શાળા શિક્ષક જગદીશ પ્રસાદ ત્યાગી, સઈને એક “સુંદર નદી” તરીકે યાદ કરે છે.
તેઓ ઊંડા પાણીના વહેણની વાત કરે છે, જેના શિખરો પર મોટી માછલીઓ તરતી અને એક ભવ્ય દૃશ્ય બનાવતી હતી. તેમને હજુ પણ એડી મચલી, રોહુ, ઈલ, પફર્સ વગેરે માછલીઓ યાદ છે. તેઓ કહે છે, “પાણી સૂકાવા લાગ્યું, એટલે માછલીઓ ગાયબ થઈ ગઈ.”
ત્યાં બીજી પણ ગમતી યાદો છે. 74 વર્ષીય માલતી અવસ્થી, જેઓ 2007 થી 2012 દરમિયાન ગામનાં સરપંચ હતાં, તેઓ યાદ કરે છે કે કેવી રીતે સઈ નદી તેના પટથી લગભગ 100 મીટર દૂર તેમના ઘરના આંગણ સુધી ધસી આવતી હતી. તે વિશાળ આંગણમાં, દર વર્ષે ગ્રામજનો નદીના પ્રકોપમાં પોતાનો પાક ગુમાવનારા પરિવારો માટે સામુદાયિક ‘અન્ન પર્વત દાન’ (ઢગલા ધાનની ભેટ) નું આયોજન કરતા હતા.
તેઓ કહે છે, “હવે તે સમુદાયનો ભાવ રહ્યો નથી. એ અનાજનો સ્વાદ પણ રહ્યો નથી. કૂવાનાં પાણી ઓસરી ગયાં છે. પશુધન પણ અમારા જેટલી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. જીવનમાં મજા રહી નથી.”
સઈ એ ગોમતી નદીની ઉપનદી છે. તે ભારતીય પૌરાણિક કથાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ રામચરિતમાનસ (16મી સદીનું મહાકાવ્ય, જેનો શાબ્દિક અર્થ ભગવાન રામના કાર્યોનું તળાવ થાય છે)માં તેને આદિ ગંગા તરીકે ઓળખાવવામાં આવે છે. આદિ ગંગા એટલે જે ગંગા પહેલાં આવેલી.
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના પિહાની બ્લોકમાં બિજગાવન ગામના તળાવમાંથી આ નદી નીકળે છે. તેના પ્રારંભિક 10 કિલોમીટરમાં તેને ઝાબર (તળાવ) કહેવામાં આવે છે, તે પછીથી તે તેના લોકપ્રિય નામે ઓળખાવા લાગે છે. તે લખનૌ અને ઉન્નાવ જિલ્લાઓ વચ્ચે 600 કિમીનું અંતર કાપીને ત્યાંની સરહદ વ્યાખ્યાયિત કરે છે. રાજ્યની રાજધાની લખનૌ એ હરદોઈથી લગભગ 110 કિલોમીટર ઉત્તરમાં છે જ્યારે ઉન્નાવ જિલ્લો 122 કિલોમીટર દૂર છે.
તેના ઉદ્ભવથી લઈને જૌનપુર જિલ્લાના રાજેપુર ગામમાં ગોમતી (ગંગાની ઉપનદી) સાથે તેના સંગમ સુધી, સઈ લગભગ 750 કિલોમીટરનું અંતર કાપે છે. તેની આટલી મોટી લંબાઈ તેની વાંકીચૂકી પ્રકૃતિના કારણે થાય છે.
આશરે 126 કિલોમીટર લંબાઈ અને 75 કિલોમીટર પહોળાઈ ધરાવતો હરદોઈ જિલ્લો, અનિયમિત ચતુષ્કોણ જેવો આકાર ધરાવે છે. ત્યાં 41 લાખ લોકો રહે છે. ત્યાંના મોટાભાગના કામદારો ખેતમજૂરી કરે છે, ત્યારબાદ ખેડુતો તરીકે અને ગૃહ ઉદ્યોગના કામદારો તરીકે કામ કરે છે.
1904માં પ્રકાશિત થયેલ આગ્રા અને અવધના સંયુક્ત પ્રાંતોના જિલ્લા ગેઝેટર્સની બારમી આવૃત્તિ , હરદોઈ એ ગેઝેટિયર અનુસાર, સઈની ખીણ “જિલ્લાના મધ્ય ભાગ સુધી વિસ્તરે છે.”
ગેઝેટમાં આગળ નોંધવામાં આવ્યું છે: “હરદોઈમાં ખેતી હેઠળનો વિસ્તાર ફળદ્રુપ છે પરંતુ… ઘણા છીછરા દબાણોથી ભાગ પડેલી લાંબા વિસ્તારો સુધી ઉજ્જડ તિસરની જમીન… ધાક અને ઝાડીઝાંખરાના છૂટાછવાયા જંગલો મળીને… સઈ ખીણની રચના કરે છે.”
78 વર્ષનાં તબીબી ડોક્ટર (એનેસ્થેટીસ્ટ) અવસ્થીનો જન્મ માધોગંજ બ્લોકના કુરસાથ બુઝર્ગ ગામમાં આવેલા પરૌલીમાં થયો હતો. તેઓ હાલ જે પુલ પર ઊભા છે, ત્યાંથી તેમનું ગામ લગભગ 500 મીટર દૂર છે.
2011ની વસ્તી ગણતરીમાં કુરસાથ બુઝુર્ગની વસ્તી 1,919 નોંધવામાં આવી છે. પરૌલીમાં 130 લોકોની વસ્તી છે, જેમાં ચમાર (અનુસૂચિત જાતિ) અને વિશ્વકર્મા (અન્ય પછાત જાતિઓ) ની થોડી વસ્તી સાથે મુખ્યત્ત્વે બ્રાહ્મણો રહે છે.
અવસ્થી જે પુલ પર ઊભા છે તે પરૌલી અને કછૌના બ્લોકના બાંદ ગામ વચ્ચે આવેલો છે. કછૌના એક મહત્ત્વપૂર્ણ બજાર વિસ્તાર હતો (અને હજું પણ છે) — જ્યાં ખેડૂતો વેપાર કરવા અને ખાતર ખરીદવા માટે તેમની પેદાશો લઈ જાય છે. પુલની ગેરહાજરીમાં કુરસાથ બુઝુર્ગ અને કછૌના વચ્ચેનું અંતર 25 કિલોમીટર હતું. પુલ બન્યા પછી તે ઘટીને 13 કિલોમીટર થઈ ગયું છે.
કુરસાથ અને (હવે બાલામાઉ જંકશન તરીકે ઓળખાતા) કછૌના રેલ્વે સ્ટેશનો વચ્ચે એક રેલ્વે પુલ હતો, જેનો ઉપયોગ લોકો કરતા હતા. મોટી ઉંમરના લોકોને લાકડાના પાટિયાથી બનેલા પુલ પરથી વેપાર માટે ઊંટો લઈ ગયાનું યાદ છે. પરંતુ 1960માં, અસામાન્ય રીતે ભયંકર ચોમાસામાં તે પુલ પડી ગયો, અને આ બે સ્થળો વચ્ચેનો એકમાત્ર ઝડપી રસ્તો (10 કિમીનો) બંધ થઈ ગયો.
નવા પુલનો વિચાર પહેલા ત્યાગીને આવ્યો હતો, જેઓ તે ચખતે માધોગંજ બ્લોકના સરદાર નગર ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એ વખતે આજના પરૌલીથી સાડા ત્રણ કિલોમીટર દૂર આઝાદ નગરમાં રહેતા હતા.
ત્યાગી 1945માં જન્મેલા ભૂતપૂર્વ શિક્ષકની અટક નથી. તેમની કૌટુંબીક અટક તો સિંઘ છે. બલિદાન માટેના હિન્દી શબ્દ ત્યાગ પરથી, તેમને ત્યાગીનું બિરુદ આપવામાં આવ્યું હતું, કારણ કે તેઓ તેમના લોકોની સુખાકારી માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર રહેતા હતા. જ્યારે તેઓ 2008માં નિવૃત્ત થયા, ત્યારે જ્યાંથી તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી તે જ જુનિયર હાઈસ્કૂલમાં તેઓ આચાર્ય હતા.
ત્યાગી કહે છે, “મારો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો, પરંતુ તેનાથી ક્યારેય લોકોની ભલાઈનાં કામ કરવાની મારી ઇચ્છા ઓછી નથી થઈ.” ત્યાગી હવે ઉંમરની સાથે એટલા નબળા પડી ગયા છે કે તેમના માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. એકવાર આઝાદ નગરના મુખ્ય ગામના રોડ પર તેમના પરિવારની બન્ને ભેંસો ઊંડા ખાડામાં પડી ગઈ હતી. ભારે મશક્ક્ત પછી તેમણે બન્ને ભેંસોને બહાર કાઢી હતી. ત્યાગી પર તેમના પિતા મોહન સિંહના વિલાપની ઊંડી અસર થઈ હતી: “શું ક્યારેય એવો સમય આવશે ખરો કે જ્યારે અહીંની ગલીઓમાં ચાલવું સલામત હશે?”.
ત્યાગી કહે છે, “તેનાથી મારામાં ઉત્તેજના પેદા થઈ, અને મેં ખાડા ભરવાનું શરૂ કર્યું. તે છ ફૂટ ઊંડો ખાડો હતો અને તેનાથી બમણી કે એથી ય વધુ તેની લંબાઈ હતી. દરરોજ સવારે શાળાએ જતાં પહેલાં અને પાછાં ફરતાં હું કીચડ કા તાલ (કાદવનું તળાવ) નામના નજીકના તળાવના કિનારેથી માટી લઈને ખાડામાં નાખતો. એ ખાડો ભરાઈ જાય, એટલે હું બીજો ખાડો ભરતો. ધીમે ધીમે આમાં બીજા લોકો પણ જોડાવા લાગ્યા હતા.”
તેઓ તેમના સાથી ગ્રામજનો માટે જાતજાતના કામ કરવા પણ આગળ આવતા હતા, જેમાંથી મોટાભાગની તેમના માટે સરળ હતી, કારણ કે એક શિક્ષક તરીકે, તેઔ એક આદરણીય વ્યક્તિ ગણાતા હતા. આ કામોમાં આરોગ્ય તપાસ કરવા માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ડોકટરો લાવવા, જીવાણુઓના સફાયા માટે બ્લીચ પાવડરનો છંટકાવ કરવો, ગામનાં બાળકોને રસીકરણ માટે તૈયાર કરવાં, અને તેમના ગામને નગર વિસ્તારમાં સામેલ કરવાનો સમાવેશ થાય છે. પછીના તબક્કે તેમણે જાહેર બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવતા કામોની અચાનક તપાસ કરવાની જવાબદારી હાથ ધરી હતી.
અવસ્થી અને ત્યાગી 1994 સુધી એકબીજાને અંગત રીતે ઓળખતા ન હતા. જો કે, તેઓ એકબીજાથી પરિચિત તો હતા. તેમના ગામના પ્રથમ ડોક્ટર એવા અવસ્થીએ, ત્યાં સુધી મોટાભાગે વિદેશમાં (નાઈજીરીયા, યુનાઈટેડ કિંગડમ અને મલેશિયામાં) કામ કર્યું હતું. તેમણે તેમના મનની અંદર નદીની પીડા વહન કરી હતી, જેના કારણે ઉચ્ચ શાળાનું શિક્ષણ, ખાસ કરીને ગામની શાળામાં ભણતી છોકરીઓ માટે, અશક્ય બની ગયું હતું. તેથી તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો અભ્યાસ કરેલા તેમના ભાઈ નરેન્દ્રને એક નાવીક શોધવા કહ્યું, જે ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નદીની બીજી બાજુ લઈ જાય. અવસ્થીએ લાકડાની હોડી માટે 4,000 રૂપિયા ચૂકવ્યા હતા.
શાળાની તેમની ફરજો પૂરી કર્યા પછી, નાવીક છોટાઈને દિવસના બાકીના ભાગ દરમિયાન તેમની મરજી મુજબ અન્ય ભાડુઆતોને લઈ જવાની છૂટ હતી, ફક્ત શરત એટલી કે તેઓ કોઈ દિવસ શાળામાં રજા પાડી શકશે નહીં. વર્ષો પછી, હોડી તો તૂટી ગઈ હતી, પણ અવસ્થીએ 1980માં તેમના ગામમાં આઠમા ધોરણ સુધીની એક શાળા બનાવી હતી, જેનું નામ તેમનાં દાદા-દાદીના નામ પરથી — ગંગા સુગ્રહી સ્મૃતિ શિક્ષા કેન્દ્ર રાખ્યું હતું. 1987માં આ શાળાને ઉત્તર પ્રદેશ સ્ટેટ બોર્ડ ઓફ હાઈસ્કૂલ એન્ડ ઇન્ટરમીડિયેટ એજ્યુકેશન દ્વારા માન્યતા આપવામાં આવી હતી. તેમ છતાં, અન્ય લોકોએ ભણવા માટે પરૌલી કેવી રીતે આવવું તે ત્રાસદાયક પડકારનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું.
જ્યારે અવસ્થી અને ત્યાગી આખરે મળ્યા ત્યારે તેઓએ નક્કી કર્યું કે નવો પુલ બનાવ્યા સિવાય આ સમસ્યાનો હલ મળે તેમ નથી. તે બન્નેનું વ્યક્તિત્વ એકબીજાથી એકદમ વિપરીત હતું. અવસ્થીને કોઈએ નદીમાં ધક્કો માર્યો હતો અને આ રીતે તેમણે તરવાનું શીખી લીધું હતું, જ્યારે ત્યાગીએ ક્યારેય પાણીમાં તેમના પગનો અંગૂઠો સુધ્ધાં ડુબાડવાની હિંમત કરી નહોતી. અવસ્થી, તેમની સરકારી નોકરીને કારણે આંદોલનનો ચહેરો બની શકે તેમ નહોતું, જ્યારે ત્યાગી આંદોલનનું નેતૃત્વ કરીને જ તેમાં ભાગ લેતા હતા. બે વિપરીત, પરંતુ કટિબદ્ધ માણસો મળ્યા અને આ રીતે ‘ક્ષેત્રિય વિકાસ જન આંદોલન’ (કેવીજેએ – વિસ્તારના વિકાસ માટે લોકોનો સંઘર્ષ) નો જન્મ થયો.
કેવીજેએની સદસ્યતા ખરેખર ગણી શકાય તેમ નહોતી, પરંતુ તેની સંખ્યા સતત વધતી રહી હતી. ત્યાગી ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી, તેમણે તેમનાં માતા ભગવતી દેવીને સારી ગુણવત્તાના વિકાસના કામોના નામે જયજયકારની અપેક્ષા રાખી નગરપાલીકાની ચૂંટણીમાં ઊભા રાખી. ભગવતી દેવી પાંચ મતોથી હારી ગયાં , પરંતુ સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (એસડીએમ)ની કોર્ટમાં કરેલી અપીલથી નિર્ણય તેમની તરફેણમાં ફેરવાયો હતો. 1997-2007 સુધી, તેમણે ટાઉન એરિયા ચેરમેન તરીકે સેવા આપી હતી. `
સૌ પ્રથમ તો, કેવીજેએની નોંધણી કરાવવી જરૂરી હતી. પરંતુ, લખનૌમાં અવસ્થીનો પ્રભાવ હોવા છતાં તેની નોંધણી થઈ શકી ન હતી. તેથી આ આંદોલન રાજકારણીઓ અને ધારાસભ્યોને લક્ષમાં રાખીને ‘વિકાસ નહીં, તો મત નહીં’ અને ‘વિકાસ કરો યા ગદ્દી છોડો’ (વિકાસ કરો અથવા તમારી ખુરશીઓ છોડો) ના નારાઓમાં ફેરવાયું.
‘અમને તે [સઈ નદી] ખૂબ જ વહાલી હતી. એ વખતે અમારા કુવાઓમાં ફકત 10 ફૂટ ઉંડે મીઠું પાણી મળી જતું હતું તે સઈના લીધે જ હતું. દર ચોમાસામાં, તે અમારા ઘરો સુધી આવી જતી હતી’
નોંધણી કરાવવાની બાકી હતી એવા આ સંગઠનની પ્રથમ બેઠકમાં, 17 અસરગ્રસ્ત ગામોના લગભગ 3,000 લોકો ભગવતી દેવીને સાંભળવા પરૌલી પહોંચ્યા હતા. ત્યાં પત્રિકાઓનું વહેંચવામાં આવી હતી. જેમાં લખ્યું હતું “અમારા તન અને મનથી અમે આ ચળવળ માટે કટિબદ્ધ છીએ. અમે પીછેહઠ કરીશું નહીં. અમે આ પ્રતિજ્ઞા પત્રો પર અમારા લોહીથી સહી કરીશું. જ્યાં સુધી બાંદ અને પરૌલી વચ્ચે પુલ નહીં બને, ત્યાં સુધી અમે પીછે કદમ કરીશું નહીં.” તેના પર ‘લાલ હોગા હમારા ઝંડા, ક્રાંતિ હોગા કામ’ (અમારો ધ્વજ લાલ રહેશે, અમારું કામ ક્રાંતિ લાવવાનું રહેશે) થી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આવી 1,000થી વધુ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક પર લોકોએ સહી કરી હતી અથવા તેમના લોહીથી અંગૂઠાની છાપ પાડી હતી.
ત્યારબાદ જે 17 ગામો પુલથી પ્રભાવિત થવાનાં હતાં તેમની મુલાકાત લેવામાં આવી. ત્યાગી યાદ કરે છે, “લોકો તેમની સાઇકલ અને પથારી લઈને નીકળી પડ્યા. ત્યાં કંઈ લાંબી તૈયારી કરવાની જરૂર નહોતી.” જ્યાં બેઠક થવાની હતી, તે ગામમાં વાત પહોંચાડવામાં આવતી અને તેના રહેવાસીઓને જાણ કરવા માટે ડુગડુગી (નાનકડી ઢોલકી) વગાડવામાં આવતી.
આગળનું પગલું હતું નદી કાંઠે ધરણા ધરવાનું. આની આગેવાની ત્યાગીની માતાએ કરી હતી, જેઓ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતાં. વાંસની લાકડી લઈને વિરોધ પ્રદર્શનમાં આવેલા અવસ્થીએ ધરણા કરવા માટે નદી કિનારે આવેલું તેમનું ખેતર ધરી દીધું હતું. ધરણામાં રોકાયેલા લોકોના રાત્રિ રોકાણ માટે કુશકીની છતવાળી છાવણીઅપ ઊભી કરવામાં આવી હતી. સાત સાત લોકોની ટોળકીઓ ત્યાં 24 કલાક હાજર રહેતી, અને ક્રાંતિનાં ગીતો ગાતી. જ્યારે મહિલાઓ બેસતી ત્યારે તેઓ ભજન ગાતી — તેમની આસપાસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરુષો વર્તુળ બનાવીને બેસતા. અવસ્થીએ આંદોલનકારીઓની માંગ સંતોષવા માટે હેન્ડપંપ લગાવ્યો હતો. અને ત્યાં પાણીમાં રહેતા સાપ કરડવાનો ભય હંમેશા સતાવતો હતો, તેમ છતાં ત્યાં આવો એક પણ બનાવ બન્યો ન હતો. જિલ્લા પોલીસના સ્થાનિક ઇન્ટેલિજન્સ યુનિટે સમયાંતરે વિરોધ પ્રદર્શનના સ્થળની તપાસ કરી હતી, પરંતુ કોઈ અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રદર્શનકારીઓને સાંભળવા આવ્યા ન હતા.
આ વિરોધ વચ્ચે 1996ની વિધાનસભા ચૂંટણી આવી હતી, જેનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો હતો. તેમણે મતદારોને ફક્ત ગેરહાજર રહેવાની જ હાલક નહોતી કરી, પરંતુ મત આપવાનો ઢોંગ કરીને મતપેટીઓમાં પાણી પણ રેડ્યું હતું. શાળાના બાળકોએ રાજ્યના રાજ્યપાલ મોતીલાલ વોરાને 11,000 પત્રો લખ્યા હતા, જેને તેમની પાસે બોરીઓમાં પહોંચાડવામાં આવ્યા હતા.
ત્યાર બાદ અવસ્થી અને ત્યાગીએ આ લડાઈને લખનૌ લઈ જવાનો નિર્ણય કર્યો. તે પહેલાં, ત્યાગીએ જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસ.ડી.એમ.ને પત્રો લખીને ચેતચણી આપી હતી કે જો તેમની વધુ અવગણના કરવામાં આવશે, તો લોકો તેમની શક્તિ દર્શાવવા માટે તૈયાર છે. તેઓ લખનૌ ગયા, તે પહેલા, આઠ કિલોમીટર દૂર આવેલા માધોગંજ શહેરમાં સાઇકલ રેલી કાઢીને તેમણે એક છેલ્લો પ્રયાસ કરી જોયો હતો. જ્યારે લગભગ 4,000 સાઇકલ ચાલકો પોસ્ટરો, બેનરો અને ધ્વજ સાથે દેખાયા, ત્યારે મીડિયાએ તેમની નોંધ લીધી. ઘણા સ્થાનિક અહેવાલોમાં આ મુદ્દાને પ્રકાશિત કરાયો. આ સાથે કેટલાક આંદોલનકારીઓની હિંમતભરી ઘોષણા પણ નોંધવામાં આવી હતી કે જો પુલની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ડી.એમ.ની જીપને નદીમાં ધકેલી દેશે.
કેટલાક અઠવાડિયા પછી, 51 ટ્રેક્ટરોએ ડી.એમ.ની ઓફિસને ઘેરી લીધી હતી. તેમ છતાં, તે અધિકારીએ દેખાવકારોને મળવા માટે બહાર આવવાનો ઇનકાર કર્યો હતો.
આમ, આગળનો મુકામ લખનૌમાં રાજ્યપાલનું નિવાસસ્થાન હતું. માંગ પત્રો છાપવામાં આવ્યા, લોહીથી સહીઓ કરવામાં આવી અને લોકોને પ્રવાસ માટે તૈયાર કરવા માટે દરેક ગામની જવાબદારી એક પ્રભારીને સોંપવામાં આવી. મહિલાઓને આમાંથી બાકાત રાખવાની હતી, પરંતુ ત્યાગીનાં માતાને આવું કંઈ સ્વીકાર્યું નહોતું. તેમણે તો આગ્રહ કર્યો કે તેઓ તેમના દીકરો જ્યાં જાય તેની સાથે ત્યાં જશે જ.
1995માં એપ્રિલમાં કોઈક સમયે, પરૌલીથી લગભગ 20 કિલોમીટર દૂર સંદિલા ખાતે 14 બસો ઊભી કરવામાં આવી હતી. રાજ્ય રોડવેઝ કોર્પોરેશનના એક અધિકારી દ્વારા તેમને અજ્ઞાત રૂપે પ્રાયોજિત કરવામાં આવી હતી. સવારના 5 વાગે, તેઓ લખનૌ પહોંચ્યા. દેખાવકારોમાંથી કોઈને પણ શહેરની આસપાસનો તેમનો રસ્તો ખબર ન હોવાથી, સવારે 11 વાગ્યાની આસપાસ મહાત્મા ગાંધી માર્ગ ખાતેના ગવર્નર હાઉસ પહોંચતા પહેલા તેમણે રસ્તો શોધવા ભટકવું પડ્યું હતું.
ત્યાગી કહે છે, “ત્યાં તો અફરાતફરી મચી હતી. થોડી જ વારમાં પોલીસની 15 જીપોએ અમને ઘેરી લીધા હતા. કેટલાક પોલીસકર્મીઓ ઘોડા પર સવાર થઈને આવ્યા હતા. પાણીની તોપો તૈનાત કરવામાં આવી હતી. મને એક પોલીસકર્મી જોરથી ખેંચી રહ્યો હતો, તેથી મારાં માતાએ મારા પર ઝંપલાવ્યું હતું અને કહ્યું હતું કે તેના દીકરા પહેલા તેઓ પોતે જેલમાં જશે.” કેટલાક પ્રદર્શનકારીઓ ભાગી ગયા હતા. અન્ય લોકોને ઘટના સ્થળે પહોંચેલા હરદોઈના રાજકીય પ્રતિનિધિઓ દ્વારા બચાવવામાં આવ્યા હતા. શારીરિક રીતે થાકેલા, પરંતુ ભાવનાત્મક રીતે વિજયી, આ જૂથ તે રાત્રે 12 વાગ્યે હરદોઈ પાછા ફર્યું. તેમનું ગુલાબની માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યાં સુધીમાં પુલ માટેની લડાઈ ચાલું થયાને લગભગ દોઢ વર્ષ થઈ ગયાં હતાં. લખનૌની ઘેરાબંધીએ ભારે હલચલ મચાવી હતી.
તે પછી તરત જ પ્રદર્શનકારીઓને મળવા આવનાર પ્રથમ વ્યક્તિ હતા સહકારી મંત્રી રામ પ્રકાશ ત્રિપાઠી. તેમણે તેમની વાત સાંભળી, અને જાહેર બાંધકામ વિભાગના મંત્રી કલરાજ મિશ્રાને ફક્ત તેમની માંગ વિષે જ નહીં, પરંતુ જો આંદોલન ચાલુ રહેશે તો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ વિસ્તારમાં સમર્થન ગુમાવશે તે હકીકતથી પણ માહિતગાર કર્યા.
મિશ્રા હસ્તક્ષેપ કરી શકે તે પહેલાં, પ્રદર્શનકારીઓએ મીડિયા સમક્ષ તેમની આત્મવિલોપન કરવાની ઈચ્છા જાહેર કરી. પોલીસે ત્યાગીના ભાઈ હૃદય નાથ સહિત ઘણા આંદોલનકારીઓની ધરપકડ કરી હતી.
13 ઓગસ્ટ, 1997ના રોજ હરદોઈના જિલ્લા મેજિસ્ટ્રેટની આગેવાની હેઠળની ટીમે આખરે પ્રદર્શનકારીઓની મુલાકાત લેવાનું નક્કી કર્યું. ત્યાગીને નાયક તરીકે બિરદાવવામાં આવ્યા હતા. લખનૌમાં, આંદોલનને ભંડોળ પૂરું પાડનાર અવસ્થીએ રાહતનો શ્વાસ લીધો. કેટલાક મહિનાઓ પછી, પુલને મંજૂરી આપવામાં આવી હતી. જો કે, બાંધકામ માટે જે બે હપ્તાની ચૂકવણી કરવાની હતી તે માટે વધુ એક વર્ષ સુધી વિરોધ પ્રદર્શન કર્યા પછી જ કરવામાં આવી.
14 જુલાઈ, 1998ના રોજ, પીડબલ્યુડી મંત્રી દ્વારા બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે તૈયાર હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે, ગ્રામજનો કૃતજ્ઞતાના ચિહ્ન તરીકે તેમને સિક્કામાં તોલશે. પરંતુ જ્યારે તેવું કંઈ ન કરાયું, ત્યારે તેઓ તેમના ઉદ્ઘાટન પ્રવચનમાં ગ્રામજનો પર કટાક્ષ કર્યા વગર રહી શક્યા નહીં.
પુલ માટે લડત આપવા માટે ભેગા થયેલા તમામ 17 ગામોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અવસ્થીને યાદ છે તે મુજબ, “તે દિવસ દિવાળી કરતાં વધુ તેજસ્વી ને હોળી કરતાં વધુ રંગીન હતો.”
લગભગ તેના પછી તરત જ, સઈ નદી સંકોચાવા લાગી. આ વરસાદ આધારિત નદી, કે જે એક સમયે આખું વર્ષ ભવ્ય રીતે વહેતી હતી અને ચોમાસામાં ડરામણી થઈ જતી હતી, તે પોતાનું જ એક નાનું સ્વરૂપ બની ગઈ અને જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, તેમ તેમ તે વધુને વધુ સુકાવા લાગી.
આ દયનીય પરિસ્થિતિ ફક્ત સઈ નદીની જ નથી - લખનૌ ખાતે બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં પર્યાવરણીય વિજ્ઞાન શાળાના પ્રોફેસર વેંકટેશ દત્તા કહે છે: “નદીઓનું વહેણ તૂટક તૂટક થઈ જવું એ વૈશ્વિક વલણ છે. એક વખતની બારમાસી નદીઓનો પ્રવાહ (સઈની જેમ) ચોમાસા આધારિત અને સુસ્ત બનવા લાગ્યો છે. 1984 થી 2016 સુધીના ડેટા પુષ્ટિ કરે છે કે ભૂગર્ભજળ અને બેઝફ્લો બન્ને ઘટી રહ્યા છે.”
બેઝફ્લો એ પાણી છે જે છેલ્લા વરસાદ પછી પણ લાંબા સમય સુધી જમીનમાંથી જળાશયમાં વહે છે; અને ભૂગર્ભજળ એ જમીનની નીચેનું પાણી છે — જ્યારે નદી સુકાઈ જાય ત્યારે તેમાંથી તે પાણી મેળવે છે. આમ બેઝફ્લો એ આજની નદી છે, જ્યારે ભૂગર્ભજળ ભવિષ્યની. 1996 થી 20-વર્ષના સમયગાળા સુધી.
જુલાઈ 2021માં બહાર પાડવામાં આવેલા ઉત્તર પ્રદેશમાં ભૂગર્ભ જળની સ્થિતિ પર વોટર એઇડના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, “...પાણીના સ્તરમાં ઝડપી ઘટાડાએ રાજ્યની ભૂગર્ભ જળ આધારિત નદીઓ પર ગંભીર અસર કરી છે, કારણ કે ભૂગર્ભ જળ પ્રણાલીમાંથી નદીઓમાં કુદરતી વિસર્જન/બેઝફ્લો અને કળણભૂમિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અથવા તો તેઓ લગભગ અદ્રશ્ય થઈ ગયા છે. જળાશયો અને તેમના જળક્ષેત્રોના મોટા પાયાના અતિક્રમણથી મુશ્કેલીઓ વધી છે… બેઝફ્લોમાં ઘટાડો ભૂગર્ભજળ પર નિર્ભર નદીઓ અને તેમના પર્યાવરણીય પ્રવાહ તેમજ સપાટીના સંગ્રહને અસર કરી રહ્યો છે. ગોમતી નદી અને તેની ઉપનદીઓ તેમજ રાજ્યની અન્ય ઘણી નદીઓ ભૂગર્ભજળ પર નિર્ભર છે, પરંતુ ભારે નિષ્કર્ષણ અને ત્યારબાદ નદીના જળગ્રહણમાં ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડાથી નદીઓના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડા સહિતની ગંભીર અસરો થઈ છે.”
આ આપત્તિઓ ઉપરાંત, જિલ્લાએ ત્રીજી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. એક અભ્યાસ દર્શાવે છે કે 1997 અને 2003ની વચ્ચે હરદોઈએ તેની 85 ટકા કળણભૂમિ ગુમાવી દીધી હતી.
પરૌલીમાં, જે ફેરફારો થયા છે તે એટલા દૃષ્ટિગોચર છે કે તેના માટે વિજ્ઞાનમાં પણ ઊંડા ઉતરવાની જરૂર નથી. દાખલા તરીકે, માત્ર બે દાયકામાં, ગામના છ એ છ કૂવાઓ સૂકાઈ ગયા છે. કુવાઓ પર કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિઓ (જેમ કે નવી કન્યા દ્વારા પ્રાર્થના કરવી) ત્યજી દેવામાં આવી છે. ઉનાળાના મહિનાઓ દરમિયાન, નદી એક નબળો પ્રવાહ છે.
47 વર્ષીય શિવરામ સક્સેના જેવા ખેડૂતો, જેમના માટે ઉનાળામાં સૌથી વધુ આનંદમય પ્રવૃત્તિ નદીમાં તરવાની હતી, તેઓ હવે ફોટો ખેંચાવવા માટે પણ તે નદીમાં પગ મૂકતા ખચકાય છે. તેમની પાછળ એક પ્રાણીનું શબ તરતું હોય છે તેવા ઘૂંટણડૂબ પાણીમાં ઊભા રહીને તેઓ કહે છે, “હું જે સુંદર, સ્વચ્છ નદી સાથે મોટો થયો છું, તે આ નદી નથી.”
અવસ્થીના પોતાના પિતા દેવી ચરણ પતરૌલ હતા, આ સરકાર દ્વારા નિયુક્ત કાર્યકર સિંચાઈ વિભાગ માટે જમીન કરતા હોય છે. તેમણે સઈ નદીના પાણીને તેમના ખેતરોમાં સિંચાઈના ઉપયોગમાં લેવા માટે એક નાની નહેર બાંધી હતી. એ નહેર હવે સુકાઈ ગઈ છે.
તેના બદલે ખેતરોમાં પાણી પહોંચાડવા માટે હવે નદી કિનારે ડીઝલથી ચાલતા પાણીના પંપ લગાવવામાં આવ્યા છે.
સઈ નદી પાસે તેના યોદ્ધાઓનો સમૂહ હતો. તેમાંના એક છે, રાજ્યની વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય (1996-2002) 74 વર્ષીય વિંધ્યવાસની કુમાર, જેમણે 2013માં સમગ્ર નદીકાંઠાની 725 કિલોમીટરની યાત્રા કરી હતી. તેમણે યોજેલી 82 જાહેર સભાઓ દરમિયાન અને તેમણે વાવેલા હજારો વૃક્ષો સમયે, તેમનો સંદેશ હતો કે જ્યાં સુધી ગંગાની ઉપનદીઓનું રક્ષણ નહીં થાય ત્યાં સુધી તેમને બચાવી શકાશે નહીં.
પ્રતાપગઢ જિલ્લામાં જન્મેલા કુમાર કહે છે, “મારા પોતાના જીવનમાં, મેં ઘણી નદીઓનું ધીમું મૃત્યુ થતાં જોયું છે. તેઓ સંકોચાઈ ગઈ છે, પાણીના સ્રોતો સૂકાઈ ગયા છે, ઔદ્યોગિક અને અન્ય કચરો અંધાધૂંધ રીતે તેમાં ફેંકવામાં આવે છે, નદીના પટ પર ખેતી માટે અતિક્રમણ કરવામાં આવ્યું છે, ભૂગર્ભજળનું વધુ પડતું શોષણ કરવામાં આવ્યું છે... આ એક કરૂણાંતિકા છે કે જેના પર આપણા કાયદાના ઘડવૈયાઓ ધ્યાન આપવા માંગતા નથી." સઈ નદી પ્રતાપગઢ જિલ્લામાંથી પણ વહે છે.
કાયદાના ઘડવૈયાઓ પાસે આપણી અદૃશ્ય થઈ રહેલી નદીઓની કરૂણાંતિકા માટે સમય નથી, પરંતુ તેઓ તેમની સિદ્ધિઓ અચૂક ગણાવે છે.
1 નવેમ્બર, 2022ના રોજ; યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારત જળ સપ્તાહના અવસર પર પ્રવચન આપતાં દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યની 60 થી વધુ નદીઓને પુનર્જીવિત કરવામાં આવી છે.
પ્રોફેસર વેંકટેશ દત્તા કહે છે કે નદીનું કાયાકલ્પ એ કોઈ ‘જાદુ’ નથી જેને થોડા વર્ષોમાં મેળવી શકાય. “ફક્ત મોટા જળાશયો, સરોવરો, તળાવો અને ઝરણાંઓ દ્વારા કુદરતી રિચાર્જ દ્વારા જ આપણી નદીઓમાં પાણી પાછું લાવી શકાય છે. પાકની પસંદગી બદલવી જ પડશે. સચોટ સિંચાઈ કરીને પાણીનો ઉપયોગ મોટા પાયે ઘટાડવો જોઈશે. અને આ બધુ કર્યા પછી પણ, એક નદીને પુનર્જીવિત કરવામાં 15-20 વર્ષનો સમય લાગશે.” તેઓ નદીઓ અંગે કોઈ રાષ્ટ્રીય નીતિના અભાવ અંગે પણ શોક વ્યક્ત કરે છે.
વિંધ્યવાસની કુમાર કહે છે કે લાંબા ગાળાનો ઉકેલ એ છે કે શાળા કક્ષાએ સ્થાનિક ભૂગોળનો અભ્યાસ ફરજિયાત બનાવવો. તેઓ પૂછે છે, “જ્યાં સુધી બાળકો તેમની આસપાસના વૃક્ષો, જમીન અને નદીઓનો અભ્યાસ નહીં કરે, ત્યાં સુધી તેઓ પુખ્ત વયના બનશે ત્યારે તેમની સંભાળ કેવી રીતે લેશે?”
રાજ્યના ભૂગર્ભજળ વિભાગના ભૂતપૂર્વ વરિષ્ઠ જળવિજ્ઞાની અને ગ્રાઉન્ડ વોટર એક્શન ગ્રૂપના સંયોજક રવિન્દ્ર સ્વરૂપ સિંહા કહે છે કે નદીઓને પુનર્જીવિત કરવા માટે ‘સાકલ્ય અભિગમ’ જરૂરી છે.
"ગંગા જેવી મોટી નદીઓને ત્યાં સુધી પુનર્જીવિત કરી શકાતી નથી, જ્યાં સુધી તેમાં પાણી પહોંચાડતા નાના પ્રવાહોને પુનર્જીવિત કરવામાં ન આવે. સાકલ્ય અભિગમમાં ડેટા એકત્રીકરણ, વિશ્લેષણ અને સંચાલનનો સમાવેશ થશે; ટકાઉ નિષ્કર્ષણ મર્યાદાઓ નિર્ધારિત કરવી; માંગ ઘટાડવા, નિષ્કર્ષણ ઓછું કરવા અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા માટે અમૂક ક્રિયાઓનો કરવી; જમીન અને સપાટીના પાણીનો સંતુલિત ઉપયોગનો સમાવેશ થશે."
સિંહા કહે છે, “માત્ર નદીને ગાળવી અને તેમાંથી કાદવ કાઢવો એ કામચલાઉ પગલાં છે, જે થોડા સમય માટે પાણીના પ્રવાહમાં વધારો કરે છે.”
તેઓ ઉમેરે છે, “ભૂગર્ભજળ, વરસાદ અને નદીઓ વચ્ચે એક ચક્રીય સંબંધ હતો, જે હવે ખોરવાઈ ગયો છે.”
ભંગાણ બન્ને કારણે થયું છે — માનવીય પ્રવૃત્તિઓના પરિણામે અને માનવ નિયંત્રણની બહારના કારણોથી.
સિંહા કહે છે, “હરિયાળી ક્રાંતિએ ભૂગર્ભજળ પરની આપણી નિર્ભરતામાં વધારો કર્યો છે. વૃક્ષો ઓછા થયા છે. વરસાદની ભાત બદલાઈ છે — જેમાં તે અમુક દિવસો સુધી આવવાને બદલે થોડાક જ દિવસોમાં પુષ્કળ માત્રામાં આવે છે. એટલે હવે મોટાભાગનું વરસાદી પાણી વહી જાય છે, કારણ કે તેની પાસે જમીનમાં પ્રવેશવાનો સમય રહેતો નથી. ભૂગર્ભજળ દુર્લભ બની જાય છે અને તેથી નદીઓમાં વહેવડાવવા માટે પૂરતું પાણી હોતું નથી.”
તેમ છતાં, વિકાસ નીતિઓ ભાગ્યે જ ભૂગર્ભજળને એક પરિબળ તરીકે ગણે છે. સિંહા બે ઉદાહરણો ટાંકે છે — એક, વર્તમાન સરકારના શાસનમાં રાજ્યમાં ટ્યુબવેલની સંખ્યા 10,000 થી વધીને 30,000 થઈ તે, અને બીજું, દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટેની હર ઘર જલ યોજના.
સિંહા નદીઓ, ભૂગર્ભજળની સ્થિતિ, આકારવિજ્ઞાન અને ઓક્સ બો લેક (સેટેલાઇટ મેપિંગ દ્વારા) ના મેપિંગ સહિત સંખ્યાબંધ જરૂરી પગલાંની યાદી આપી છે.
તેમ છતાં, સાકલ્ય અભિગમ અપનાવવાને બદલે સરકાર આંકડાઓને અસ્પષ્ટ બનાવવા તરફ વળી છે. દાખલા તરીકે, 2015માં ડાર્ક ઝોન (જ્યાં ભૂગર્ભજળનું સ્તર ભયજનક સ્તરે ઘટી ગયું હોય) ની ગણતરીમાં, સરકારે ત્યાંથી કેટકું ભૂગર્ભજળ કાઢવામાં આવ્યું છે તેને માપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી તે ફક્ત જમીન દ્વારા શોષાયેલા પાણીના અંદાજા પર આધાર રાખે છે.
આઝાદ નગરમાં, બીમાર પડેલા ત્યાગી ખુશ છે કે તેઓ હવે સઈ નદી પાસે ચાલીને જઈ શકતા નથી. તેઓ કહે છે, “હું તેની હાલત વિષે જે સાંભળું છું, તે પછી તેને જોવી ખૂબ જ દુઃખદાયક થઈ પડશે.”
અવસ્થી કહે છે કે નદી પર પુલ અને નહેર જેવા નવીન માનવ નિર્માણ કદાચ એક દુર્ઘટના હતી. તેઓ પૂછે છે, “અમારી પાસે પુલ તો છે, પણ તેની નીચે એકે નદી વહેતી નથી. આનાથી મોટી કરૂણાંતિકા શું હોઈ શકે?”
અનુવાદક: ફૈઝ મોહંમદ