દરરોજ સવારે, હિમાંશી કુબાલ એક જોડી પેન્ટ અને ટી-શર્ટ પહેરીને પોતાના પતિ સાથે, તેમની નાની હોડી લઈને પાણીમાં નીકળી પડે છે. સાંજે તેઓ રંગીન સાડીમાં હોય છે અને ક્યારેક પોતાના વાળમાં અબોલી ફૂલ લગાવીને ગ્રાહકો માટે માછલી કાપવાનું અને તેને સાફ કરવાનું કામ કરે છે.
લગભગ 30 વર્ષનાં હિમાંશી નાની વયથી જ માછલી પકડવાનું કામ કરી રહયાં છે – પહેલાં પોતાના પરિવાર સાથે માલવણ તાલુકાની નદીઓ અને નદીમુખમાં, અને ત્રણ વર્ષ પહેલાં હોડી ખરીદ્યા પછી, પોતાના પતિ સાથે અરબ સાગરમાં માછલી પકડી રહયાં છે. તેઓ માલવણના દાંડી બીચ પર કામ કરવાવાળી એ મહિલાઓ પૈકીના એક છે જે ઝપડથી જાળી ફેંકી શકે છે. આ તાલુકાની કુલ વસ્તી ૧૧૧,૮૦૭ છે, જેમાં ૧૦,૬૩૫ લોકો માછીમાર છે.
“માછલી જુદી પાડવા માટે હું મારા પતિ સાથે બીજી હોડીઓ પર કામ કરતી હતી,” તેઓ કહે છે, “પરંતુ ત્રણ વર્ષ પહેલાં અમારી પાસે અમારી નાની [મોટર વિના ચાલવાવાળી] હોડી ખરીદવાના પૂરતા પૈસા આવી ગયા, અને ત્યારથી અમે બંને સાથે માછલીઓ પકડીએ છીએ.”
નજીકમાં, એક હરાજી કરનાર બુમો પાડે છે, “તીનશે, તીનશે દહા, તીનશે વીસ!” [૩૦૦,૩૧૦,૩૨૦ રૂપિયા] જ્યારે કે અન્ય માછીમારો પોતાની હોડીઓમાંથી પકડેલી માછલીઓના ટોકરા બહાર કાઢી રહ્યા છે અને એમને પ્રદર્શન માટે બીચ પર ગોઠવી રહ્યાં છે. વેપારીઓ અને એજન્ટો ભીડની વચ્ચે રસ્તો બનાવીને સારા સોદાની તલાશમાં છે. રખડું કુતરા, બિલાડીઓ અને પક્ષીઓ ત્યાં પહોંચીને મજાથી પોતાના ભાગની માછલી ખાઈ રહ્યાં છે.
હિમાંશી ઉમેરે છે કે, “અમે સામાન્યપણે દરરોજ સવારે માછલી પકડીએ છીએ, અને જો મોસમ ખરાબ હોય અથવા અન્ય કોઈ કારણસર અમે ના જઈ શકીએ, તો માછલી કાપવા અને તેને સાફ કરવા માટે અમે સવારે બજારમાં જઈએ છીએ. અને રોજ સાંજે હરાજીમાં ભાગ લઈએ છીએ.”
આમ તો ભારતના મોટાભાગના હિસ્સાઓમાં માછલી પકડવાનું કામ સામાન્યપણે પુરુષો દ્વારા કરવામાં આવે છે, પરંતુ હિમાંશી જેવી ઘણી મહિલાઓ આ વેપારના અન્ય ભાગ જેમ કે માછલી પર કરવામાં આવતી વિવિધ પ્રક્રિયાઓ તથા વેચાણમાં કેન્દ્ર સ્થાને હોય છે. તેઓ દેશભરના મત્સ્ય-ઉદ્યોગમાં, માછલી પકડ્યા પછીના કાર્યબળની કુલ સંખ્યાના લગભગ ૬૬.૭ ટકા છે, અને આ ઉદ્યોગના કેન્દ્ર સ્થાને છે. ગત સમુદ્રી મત્સ્ય વસ્તીગણતરી (૨૦૧૦) મુજબ, માછલી પકડયા પછીના કાર્યબળમાં (માછલી પકડવાની ક્રિયા સિવાયની બધી પ્રવૃત્તિઓમાં) લગભગ ૪ લાખ મહિલાઓ શામેલ છે. આ સિવાય, લગભગ ૪૦,૦૦૦ મહિલાઓ માછલી ઉછેર માટે ‘માછલીઓના બીજ’ (કે ઈંડા) એકઠા કરવામાં શામેલ છે.
“આ થકવી નાખનારું કામ છે – માછલી ખરીદવી, એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવી, બરફમાં રાખવી અને સંગ્રહ કરવી, અને અંતે તેને કાપવી અને વેચવી. અને અમે આ બધું પોતાની જાતે કરીએ છીએ,” જુઆનીતા (આખું નામ નોંધેલ નથી) કહે છે, જેઓ એક વિધવા વેપારી છે અને દાંડી બીચ પર ઈંટ અને એસ્બેસ્ટોસથી બનાવેલા પોતાના એક રૂમ વાળા ઘરમાં બેઠેલી છે, જ્યાં હરાજીમાં એમણે ખરીદેલ માછલીના બીલ એક દીવાલ પર ધાતુના તાર પર લટકી રહ્યા છે.
જુઆનીતા જેવી વેપારીઓ સિવાય માછલીની હરાજી અધૂરી છે, તેઓ વિવિધ પ્રકારની માછલી ખરીદે છે અને પછી સ્થાનિક બજારમાં કે પછી આસપાસના શહેરોમાં વેચે છે. હરાજી કરનારા સાથે ભાવ-તાલ કરવું એમની રોજીંદી દિનચર્યાનો ભાગ છે, અને દરેક પાસે સૌથી સારી કિંમત મેળવવાની પોતાની રણનીતિ હોય છે - કેટલીક મહિલાઓ હરાજીના અંતે નક્કી કિંમત ચુકવવા તૈયાર થઇ જાય છે પરંતુ હરાજી કરનારને થોડીક વધારે માછલીઓ આપવા માટે મનાવી લે છે. અન્ય મહિલાઓ હરાજી પૂર્ણ થાય પછી ચૂપચાપ નાનું ડિસ્કાઉન્ટ (અમુક વખતે તો ૫ રૂપિયા માટે પણ) મેળવવા માટે જોર લગાવે છે.
માછલી વેચવાનો લાંબો દિવસ એકમેક સાથે વાતચીત કરવામાં, ઘટતી જતી માછલીઓ તથા રાત્રે ખાવા માટે કઈ માછલી બનાવવી, એ બધી વાતોની ચર્ચામાં પસાર થાય છે. અહિંની મહિલાઓ મોટેભાગે માછલીની સફાઈ કરવાનું કામ પણ કરે છે. ધોવા અને છોલવાથી લઈને આંતરડાઓની સફાઈ અને કાપવા સુધી, દરેક માછલીનું સર્જીકલ ચોકસાઈથી નિયંત્રણ કરવામાં આવે છે.
“મે નવમા ધોરણ પછી શાળાનો અભ્યાસ છોડી દીધો હતો, અને ત્યારથી માછલી સૂકવવાનું કામ કરી રહી છું. મારે મારું પેટ ભરવા માટે કંઈ ને કંઈ તો કરવાનું જ હતું,” માલવણ તાલુકાના દેવબાગ ગામની એક મજૂર, ૪૨ વર્ષીય બેની ફર્નાન્ડીસ કહે છે, જેઓ દર મહીને લગભગ ૪,૦૦૦ રૂપિયા કમાય છે. તેઓ પોતાના બાળકને એક હાથે પકડીને બીજા હાથમાં સૂકી માછલીઓની એક ટોકરી પૂરી કુશળતાથી પકડે છે. માછલી સૂકવવાનું કામ પણ ભારતભરમાં મોટેભાગે મહિલાઓ જ કરે છે, આ માટે ધગધગતા તડકામાં કલાકો સુધી મહેનત કરવી પડે છે. બેની કહે છે કે, “ચોમાસા દરમિયાન અમારી પાસે માછલી સૂકવવા સિવાય કોઈ કામ નથી હોતું, આ કારણે અમે નાના-મોટા કામ કરીને જીવનનિર્વાહ કરીએ છીએ.”
અભ્યાસોથી જાણવા મળે છે કે ખાસ કરીને હિમાંશી, જુઆનીતા અને બેની જેવી મહિલાઓ માછલી પકડનાર સમુદાયની કમજોર સભ્ય છે, અને વિશેષ રૂપે મત્સ્ય-ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિથી પ્રભાવિત છે – હદથી વધારે માછલી પકડવી, મશીનવાળી હોડીઓના વધતા વર્ચસ્વ, માછલીઓ ઓછી પકડાવવી, જળવાયું પરિવર્તન અને અન્ય સમસ્યાઓથી પ્રભાવિત છે.
અને આ વ્યવસાયમાં મોટાભાગની મહિલાઓને પુરુષો જેટલા લાભ અને સબસીડી નથી મળતી, જો કે તેઓ પણ આ જ કામ પર સમાન રીતે નિર્ભર છે. ઉદાહરણ તરીકે, અમુક રાજ્યોમાં ચોમાસામાં માછલી પકડવા પર પ્રતિબંધ દરમિયાન માછીમારોના પરિવારને સરકાર દ્વારા માસિક વળતર મળે છે. પરંતુ આ વળતર મહિલા માછીમારો (પુરુષ માછીમારો સિવાય) ના પરિવારોને આપવામાં આવતું નથી.
ત્યાં દાંડી બીચ પર, સાંજ પડતા જ મહિલાઓ બીજા કામે લાગી જાય છે – પોતાના બાળકોને સાચવે છે, ઘરનું કામ કરે છે અને આ પ્રકારના અન્ય બીજા કામ કરે છે. સૂરજ આથમતા જ, એમનું કાર્યસ્થળ બીચ પરથી તેમના ઘરોમાં જતું રહે છે.
આ લેખ દક્ષીણ ફાઉન્ડેશનના એક પ્રોજેક્ટ અંતર્ગત લેખકો દ્વારા કરવામાં આવેલા કામ આધારિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ