નુસરત બન્નોએ સ્ત્રીઓને કિશોરાવસ્થામાં બાળકો પેદા ન કરવા માટે તૈયાર મનાવી  લીધી   છે. તે સ્ત્રીઓને ગર્ભનિરોધકોના ઉપયોગ શરૂ કરવા દેવા  માટે નુસરત બન્નો એમના સાસરિયાઓ સાથે પણ લડ્યા છે અને પ્રસુતિ માટે તેઓ સ્ત્રીઓને હોસ્પિટલમાં પણ લઇ ગયા છે. પણ બિહારના અરેરિયા જિલ્લાના રામપુર ગામમાં રહેતા માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર – (આશા) ૩૫ વર્ષીય નુસરત કહે છે કે તેમના કામમાં સૌથી અઘરું કામ પુરૂષોને નસબંધી કરાવવા માટે તૈયાર કરવાનું છે.

નુસરતે અમને કહ્યું કે ફોર્બસગંજ બ્લોકના ૩,૪૦૦ લોકોની વસ્તીવાળા ગામમાંથી “ગયા વર્ષે [૨૦૧૮માં] ફક્ત એક જ માણસ નસબંધી માટે તૈયાર  થયો હતો.” અને આ ચાર છોકરાંની મા હસતા હસતા કહે છે, “તેમની નસબંધી થઇ ગઈ ત્યારે તેમની પત્ની મને ચપ્પલ લઈને મારવા આવી.”

નસબંધીને લઈને રામપુર જેવી જ આનાકાની બિહારના બીજા ગામોમાં પણ છે. વિનય કુમાર ગયા વર્ષે બિહાર સરકાર દ્વારા દર વર્ષે નવેમ્બર મહિનામાં રાજ્યભરમાં આયોજિત કરવામાં આવતા આગામી નસબંધી સપ્તાહના  પ્રચારનું બીજું ચરણ શરૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે  મને કહ્યું, “એમનો સૌથી મોટો ડર છે કે બીજા પુરુષો તેમની ઠેકડી ઉડાડશે. તેઓ એવું પણ માને છે કે તેઓ કમજોર થઇ જશે અને ફરીવાર યૌનક્રિયા નહીં કરી શકે. આ બધી માન્યતાઓ ખોટી છે.”

૩૮ વર્ષીય કુમારે ગયા વર્ષે જહાનાબાદના મખ્દૂમપુર બ્લોકમાં આવેલા લગભગ ૩૪૦૦ લોકોની વસ્તીવાળા ગામ બિર્રામાં સરકાર દ્વારા નિયુક્ત ‘વિકાસ મિત્ર’ તરીકે ફરજ બજાવી હતી. તેમનું કામ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત વિભિન્ન યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવાનું અને એમને લાગુ કરવાનું હતું. તેમના કામમાં પુરૂષોને નસબંધી માટે મનાવવાનું ખૂબ જ અઘરું કામ પણ શામેલ હતું - આમાં એક નાનકડી શસ્ત્રક્રિયા દ્વારા પુરુષની વૃષણની શુક્રાણુ-વાહિની નલિકા બાંધવામાં કે સીલ કરવામાં આવે છે.

બિહારમાં એનએફએચએસ-૩ (૨૦૦૫-૦૬) મુજબનો 0.6% જેટલો નજીવો પુરુષ નસબંધીનો દર ઘટીને  એનએફએચએસ-૪ (૨૦૧૫-૧૬)માં 0% થઈ ગયો. બિહારમાં આ સમય દરમિયાન સ્ત્રી નસબંધીમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ ૧૫થી ૪૯ વર્ષની વયજૂથની પરણિત સ્ત્રીઓમાં આ આંકડો 23.8% થી ઘટીને 20.7% થઇ ગયો છે - પણ પુરુષોની સરખામણીમાં આ આંકડો ઘણો વધારે છે.

બિહારના આંકડા આખા દેશમાં જોવા મળતા વલણને પ્રતિબિંબિત કરે છે. એનએફએચએસ-૪ ના આંકડાઓ મુજબ, હાલ પરણિત સ્ત્રીઓ (૧૫-૪૯ વર્ષના વયજૂથમાં) માંથી 36% સ્ત્રીઓએ નસબંધી કરાવી છે, .જ્યારે પરણિત પુરુષોમાં આ આંકડો ફક્ત 0.3% જ છે.

દેશમાં કોન્ડમનો ઉપયોગ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. અત્યારે ૧૫-૪૯ વર્ષના વય વયજૂથની પરણિત સ્ત્રીઓમાંથી ફક્ત ૫.૬% સ્ત્રીઓએ  જ ગર્ભનિરોધક તરીકે કોન્ડમનો ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું.

'As women, we can’t be seen talking to men about sterilisation' say ASHA workers in Rampur village of Bihar's Araria district: Nusrat Banno (left), Nikhat Naaz (middle) and Zubeida Begum (right)
PHOTO • Amruta Byatnal

બિહારના અરેરિયા જિલ્લાના રામપુર ગામના  આશા કાર્યકર્તાઓ: નુસરત બન્નો (ડાબે), નિખત નાઝ (વચ્ચે) અને ઝુબેદા બેગમ (જમણે) કહે છે, ‘સ્ત્રી હોવાને લીધે અમે પુરુષો સાથે નસબંધી વિશે ખુલીને વાત નથી કરી શકતા’

આ અસમતોલનને દૂર કરવા માટે બિહારમાં ૨૦૧૮થી  ‘વિકાસ મિત્રો’ (જેમની ઓછામાં ઓછી લાયકાત ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ છે)ની ભરતી કરવામાં આવી. પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા પાસે ઉપલબ્ધ આંકડાઓ મુજબ રાજ્યભરમાં તેમની સંખ્યા ૯,૧૪૯ છે, જેમાંથી ૧૨૩ જેહાનાબાદ જિલ્લામાં અને ૨૨૭ અરેરિયા જિલ્લામાં છે.  તેમનું કામ પુરુષ નસબંધીની સંખ્યામાં વધારો કરવાનું તેમ જ ગર્ભનિરોધમાં પુરુષોનો હિસ્સો વધારવામાં મદદરૂપ થવાનું છે.

વિનય કુમારના ‘વિકાસ મિત્ર’ તરીકેના બીજા કેટલાક કામો પણ છે, જેવા કે શૌચાલયોનું નિર્માણ થાય એ સુનિશ્ચિત કરવું, લોનની યોગ્યતા અને વિતરણ, અને પાણીની ઉપલબ્ધતા જોવાનું, એ બધા કામોની સાથે આ એક વધારાનું કામ છે. વારંવાર દુકાળ પડતો હોય અને પૂર  આવતા હોય તેવા રાજ્યમાં હોવાને લીધે તેમને દુકાળમાં રાહત અને પુરવઠાની  આપૂર્તિ સુનિશ્ચિત કરવની હોય છે અને પૂર અસરગ્રસ્ત લોકોને રાહત અને પુરવઠા માટે યોગ્યતાની યાદી ચકાસવાનું કામ પણ કરવાનું હોય છે.

‘વિકાસ મિત્રો’ ને બિહાર મહાદાલિત વિકાસ મિશન દ્વારા દર મહિને ૧૦,૦૦૦ રુપિયા ચુકવવામાં આવે છે અને બદલામાં તેઓએ મહાદલિત કે પછી રાજ્યમાં સાવ હાંસિયામાં ધકેલાઈ ગયેલી ૨૧ સૂચિબદ્ધ અનુસુચિત જાતિઓના વિકાસમાં મદદરૂપ થવાનું રહે છે. તેમને જિલ્લા વહીવટી તંત્રની સેવામાં છે અને  બ્લોક વિકાસ અધિકારીને રિપોર્ટ કરે  છે. પુરુષોને નસબંધી કરાવવા માટે તૈયાર કરવા માટે જે તે વિકાસ મિત્રને પ્રત્યેક પુરુષ દીઠ વધારાના ૪૦૦ રુપિયા મળે છે.

હું વિનય કુમારને મળ્યો ત્યારે તેઓ બિહારમાં દર વર્ષે યોજાતા પુરુષ નસબંધી સપ્તાહના કાર્યક્રમમાં વ્યસ્ત હતા, આ કાર્યક્રમ એ કુટુંબ નિયોજનના સંદર્ભમાં મોટા પાયે વાપરવામાં આવતા શબ્દ - ‘પુરુષોનો ફાળો’ - વધારવાનો એક પ્રયાસ છે. કુટુંબ નિયોજનની દ્રષ્ટિએ બિહાર ભારતના સૌથી મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. 15 થી 49 વર્ષની વયજૂથ માટે અહીંનો કુલ પ્રજનન દર (ટીએફઆર) 3.41 ભારતમાં સૌથી વધારે છે (રાજ્યના બીજા અમુક જીલ્લાઓની જેમ અરેરિયામાં કુલ પ્રજનન દર એથી પણ વધુ ૩.૯૩ છે). રાષ્ટ્રીય સરેરાશ કુલ પ્રજનન દર ૨.૧૮ છે (એનએફએચએસ-૪).

જો કે (બીજા જાહેર આરોગ્ય ક્ષેત્રના કાર્યકરોની સાથે) વિકાસ મિત્રોએ પુરુષોમાં નસબંધી વિશે જાગૃતિ  ફેલાવવાનું કામ શરૂ કર્યું એના દાયકાઓ પહેલા પણ ‘પુરુષોનો ફાળો’ વધારવાના પ્રયત્નો થતા રહ્યા છે. ૧૯૮૧થી કેન્દ્ર સરકાર નસબંધી માટે રોકડ પ્રોત્સાહનો આપવાનું પણ શરૂ કર્યું છે, અને હવે નસબંધી કરાવનાર દરેક પુરુષને ૩,૦૦૦ રુપિયા આપવામાં આવે છે.

Vasectomy week pamphlets in Araria district: Bihar's annual week-long focus on male sterilisation is one of several attempts at 'male engagement'
PHOTO • Amruta Byatnal
Vasectomy week pamphlets in Araria district: Bihar's annual week-long focus on male sterilisation is one of several attempts at 'male engagement'
PHOTO • Amruta Byatnal

અરેરિયા જિલ્લામાં નસબંધી સપ્તાહની પત્રિકાઓ: બિહારમાં દર વર્ષે યોજાતો પુરુષ નસબંધી સપ્તાહનો કાર્યક્રમ એ કુટુંબ નિયોજનમાં ‘પુરુષોનો ફાળો’  વધારવાના અનેક પ્રયાસોમાંનો એક પ્રયાસ છે

તેમ છતાં (બધી પદ્ધતિઓમાં) ગર્ભનિરોધમાં જાતીય સમાનતાની દિશામાં પ્રગતિ ધીમી જણાય છે. દેશભરમાં આજે પણ સ્ત્રીઓ આ જવાબદારીનો મોટા ભાગનો ભાર ઉઠાવીને ફરી રહી છે. અને આજે પણ બે બાળકો વચ્ચે અંતર સુનિશ્ચિત કરવા અને અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે સ્ત્રીઓ જ પ્રયાસ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ભારતમાં અત્યારે (૧૫-૪૯ વર્ષ વયજૂથની) ૪૮% પરણિત સ્ત્રીઓ નસબંધી, ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ (આઇયુડી), દવાઓ અને ઇન્જેક્શનો નો ઉપયોગ કરે છે. (જેમને એનએફએચએસ-૪ માં ‘આધુનિક ગર્ભનિરોધક ઉપકરણો’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે). દેશભરમાં આ બધી પદ્ધતિઓમાં સ્ત્રી નસબંધી (ટ્યુબલ લિગેશન) સૌથી વધારે પ્રચલિત ગર્ભનિરોધક પદ્ધતિ છે.

ગર્ભનિરોધક દવાઓ, કોન્ડોમ, અને આઇયુડી જેવી તત્પુરતી કામચલાઉ પદ્ધતિઓને બદલે ભારતમાં સ્ત્રી કે પુરુષ નસબંધી જેવી કાયમી પદ્ધતિઓ પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તેની વ્યાપકપણે ટીકા કરવામાં આવી છે. ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશનના હેલ્થ ઇનિશિએટિવના વડા અને વરિષ્ઠ ફેલો ઊમ્મેન સી. કુરિયન કહે છે, “ભારતમાં  સ્ત્રી નસબંધી મોટા પાયે પ્રચલિત છે, કેમકે  [કુટુંબ નિયોજનના લક્ષ્યો હાંસલ કરવા માટે] આ એક સરળ શોર્ટકટ છે કારણ સ્ત્રીઓનું ઘરમાં ઝાઝું ઉપજતું નથી.”

રાજયનું કુટુંબ નિયોજન પ્રણાલી સ્ત્રીઓને પોતાના પ્રજનન અધિકારો વિશે જાગૃત કરીને તેનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવા પ્રયત્ન તો કરે છે. આ અધિકારોમાં જન્મ નિયંત્રણનો અધિકાર, ગર્ભપાત માટે કાયદેસરની પહોંચ અને પ્રજનન સંબંધિત  સ્વાસ્થ્ય સેવાઓની પહોંચનો  પણ સમાવેશ થાય છે. આમાંથી ઘણા પ્રયાસો નુસરત બન્નો  જેવા આશા કાર્યકરો, કે જેઓ પ્રથમ હરોળના સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યકરો છે અને પ્રજનન સ્વાસ્થ્ય માટે સલાહ પણ આપે છે અને ફોલો-અપ પણ લે છે, એમના માધ્યમથી કરવામાં આવ્યા છે. આશા કાર્યકરોને નસબંધી માટે સ્ત્રીઓની નોંધણી કરવા બદલ ૫૦૦ રુપિયા મળે છે, અને સ્ત્રીઓને  નસબંધી કરાવવા બદલ ૩,૦૦૦ રુપિયા મળે છે.

પુરૂષોને નસબંધી શસ્ત્રક્રિયા પછી સ્વસ્થ થવામાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગે છે, જ્યારે સ્ત્રીઓને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ક્યારેક-ક્યારેક તો લગભગ બે-ત્રણ મહિના લાગી જાય છે. નસબંધી માટે શસ્ત્રક્રિયા કરાવ્યા પછી પુરુષોને તરત જ રજા આપવામાં આવે છે, જ્યારે સ્ત્રીઓને ઓછામાં ઓછી  એક રાત માટે આરોગ્યસંભાળ કેન્દ્રમાં રહેવું પડે છે.

આમ છતાં સ્ત્રીઓને ડર હોય છે કે જો તેઓ નસબંધી નહીં કરાવે તો તેઓને વધારે બાળકોને જન્મ આપવા મજબૂર થવું પડશે. અને ઘણીવાર તેઓ તેમના પતિ કે સાસરિયાને જાણ કર્યા વગર જ આ શસ્ત્રક્રિયા કરાવી દે છે - જેવું વિનય કુમારની પત્નીએ કર્યું.

Vikas Mitras Vinay Kumar and Ajit Kumar Manjhi work in Jehanabad district: for convincing men to undergo vasectomies, they earn Rs. 400 per person enlisted
PHOTO • Amruta Byatnal
Vikas Mitras Vinay Kumar and Ajit Kumar Manjhi work in Jehanabad district: for convincing men to undergo vasectomies, they earn Rs. 400 per person enlisted
PHOTO • Amruta Byatnal

વિકાસ મિત્રો વિનય કુમાર અને અજીત કુમાર માંઝી  જહાનાબાદ જિલ્લામાં કામ કરે છે: પુરૂષોને નસબંધી માટે તૈયાર કરવા બદલ તેઓ ૪૦૦ રુપિયા કમાય છે

નસબંધી કરવા માટે કુમાર જે પુરૂષોને સલાહ આપે છે, એમની જેમ જ તેઓ પોતે પણ નસબંધી સાથે જોડાયેલ ભય અને ખોટી માન્યતાઓમાં વિશ્વાસ કરે છે - અને કહે છે કે તેમને બીક હતી કે તેઓ નસબંધી કરાવ્યા પછી ‘ખૂબ જ કમજોર’ થઇ જશે. તેઓ કહે છે, “મને ખબર નહોતી કે આ બાબતે કોની સાથે વાત કરવી જોઈએ.” બે બાળકોના જન્મ પછી તેમની પત્નીએ જાતે જ નસબંધી કરાવવાનું નક્કી કર્યું હતું અને આ માટે તેમણે ન તો તેમના પતિની સલાહ લીધી કે ન તો તેમને આ અંગે કંઈ જણાવ્યું હતું.

કુમાર અને બીજા વિકાસ મિત્રો મોટે ભાગે પોતાના જ દલિત અને મહાદલિત સમુદાયોમાં કામ કરે છે, પણ કેટલીક વાર નસબંધી માટે તેઓ ઉચ્ચ જાતિના પુરુષોનો પણ સંપર્ક કરે છે. આના અલગ જ પડકારો છે.

૪૨ વર્ષીય અજીત કુમાર માંઝી કહે છે, “અમને બીક રહે છે કે ઉચ્ચ જાતિના પુરુષો નસબંધીની પ્રક્રિયા વિશે અમને એવા પ્રશ્નો પૂછશે જેનો અમારી પાસે કોઈ જવાબ નહીં હોય.” તેઓ જહાનાબાદ જિલ્લાના મખ્દુમપુર બ્લોકના કલાનૌર ગામમાં વિકાસ મિત્ર તરીકે કામ કરે છે. માંઝીને ત્રણ દીકરા અને એક દીકરી છે.

ક્યારેક-ક્યારેક એકની સાથે બીજું  પણ તૈયાર થઈ જાય એવું જોવા મળે છે. ૨૦૧૮માં માંઝીએ બે પુરુષોના નામ નોંધ્યા હતા. તેઓ કહે છે, “હું એક પુરુષ સાથે વાત કરી રહ્યો હતો, તો એમણે કહ્યું કે હું એકલો નહીં જાઉં. બધા લોકો મારા પર હસશે. આથી મેં  એક પડોશીને પણ મનાવી લીધા. આ રીતે તેમનામાં થોડોક આત્મવિશ્વાસ આવ્યો.”

પરંતુ નસબંધી કરાવ્યાના  ૧૩ મહિનાઓ પછી પણ એ પુરુષોમાંથી કોઈને પણ પ્રોત્સાહન પેટે ૩૦૦૦ રૂપિયા મળ્યા નથી. માંઝી કહે છે કે આવું ઘણીવાર થાય છે અને આથી લોકોને નસબંધી કરાવવા માટે તૈયાર કરવાનું અઘરું થઇ પડે છે. પૈસા બેંક ખાતામાં આવે છે, પણ ગામમાં બધા પુરુષોની પાસે બેંક ખાતું પણ હોતું નથી. આનાથી વિકાસ મિત્રોની ફરજોની લાંબી યાદીમાં એક કામ ઉમેરાય  છે. વિનય કુમાર કહે છે, “જો કોઈની પાસે બેંકમાં ખાતું ન હોય, તો હું એમનું ખાતું ખોલાવી આપું છું.” મેં જેટલા વિકાસ મિત્રો સાથે વાત કરી એમાંથી કોઈ  વિકાસ મિત્ર ૨૦૧૯ના આખા વર્ષમાં ત્રણ-ચાર પુરુષોથી વધુ ને નસબંધી માટે સમજાવી શક્યા નહોતા.

Vikas Mitra Malati Kumar and Nandkishore Manjhi: 'We work as a team. I talk to the women, he talks to their husbands', she says
PHOTO • Amruta Byatnal

વિકાસ મિત્ર માલતી કુમાર અને નંદકિશોર માંઝી: તેઓ (માલતી) કહે છે, ‘અમે એક ટીમ તરીકે કામ કરીએ છીએ. હું સ્ત્રીઓ સાથે વાત કરું છું, અને એ (નંદકિશોર) એમના પતિઓ સાથે’

નસબંધી કરાવવા માટે કોઈ પુરુષને તૈયાર કરવા માટે એની પત્નીને પણ સમજાવવી પડે છે. માલતી કુમાર મખ્દુમપુર બ્લોકના કોહારા ગામમાં વિકાસ મિત્ર છે, પણ પુરુષો સાથે વાત કરવા માટે તેઓ તેમના પતિ નંદકિશોર માંઝી  પર નિર્ભર છે. તેઓ કહે છે, “અમે એક ટીમ તરીકે કામ કરીએ છીએ. હું સ્ત્રીઓ સાથે વાત કરું છું, અને આ એમના પતિઓ સાથે.”

નંદકિશોર માંઝી  કહે છે, “હું એમને પૂછું છું કે તમારે હજી વધારે બાળકો થશે તો તમારે  જે  બાળકો છે એમની દેખભાળ કઈ રીતે રાખશો?” મોટેભાગે એમની સલાહ અવગણવામાં આવે છે.

આશા કાર્યકરો પણ પોતાના પતિની મદદ લે  છે. નુસરત બન્નો કહે છે, “સ્ત્રીઓ હોવાને લીધે અમે પુરુષોથી નસબંધી વિશે ખુલીને વાત નથી કરી શકતા. તેઓ કહે છે, ‘તમે અમને આ બધું શા માટે કહો છો?  મારી પત્ની સાથે વાત કરો.' આથી હું મારા પતિને  પુરુષોને (નસબંધી માટે) તૈયાર કરવા કહું છું.”

સ્ત્રીઓ સાથે વાત કરીને એ તો સ્પષ્ટ છે કે કુટુંબ નિયોજનમાં ‘પુરુષોનો ફાળો’ ફક્ત પુરુષોની નસબંધી માટે નોંધણી કરાવવા પુરતો જ નથી. એમાં વાતચીતની શરૂઆતથી માંડીને તેઓ કેટલા બાળકો ઈચ્છે છે એ નક્કી કરવામાં અને તેમણે કયા પ્રકારનું ગર્ભનિરોધક વાપરવું  એ પસંદ કરવામાં પણ પત્નીનો સમાન અધિકાર છે એ બધું કહેવાનો પણ સમાવેશ થાય છે. અરેરિયા જિલ્લાના રામપુર ગામમાં રહેતા,  ત્રણ બાળકોના માતા  ૪૧ વર્ષીય આશા કાર્યકર નિખત નાઝ કહે છે, “આમાં સમય લાગે છે, અને (ગર્ભનિરોધની) દરેક રીતના લાભાલાભ વિશે પતિ-પત્ની બંનેને વિશ્વાસમાં લેવા જરૂરી છે.”

સ્ત્રીઓ કહે છે કે  નસબંધીને કારણે  તેમના લગ્નજીવન પર થનારી સામાજિક અસરો વિશે પણ તેમણે વિચારવું પડે છે.  એક પુરુષની પત્ની તેમને ચપ્પલ લઈને મારવા સામે થઇ હતી એ બનાવને યાદ કરતા નુસરત કહે છે, “તેઓ ડરી ગયા હતા કે આ શસ્ત્રક્રિયાને કારણે  તેમના પતિ નપુંસક બની જશે અને ગામમાં એમની મજાક ઉડાડવામાં આવશે. અને પરિણામે તેઓ તેની સાથે હિંસક બનશે.”

અને પછી તેઓ પૂછે છે, “સ્ત્રીઓને તો પોતાની જિંદગીની ચિંતા છે, પણ પુરૂષોને તો  માત્ર હાંસી થવાનો ડર છે?”

ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે .

લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો ? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો

અનુવાદક: ફૈઝ મોહંમદ

Amruta Byatnal

امرتا بیاتنال نئی دہلی واقع ایک آزاد صحافی ہیں۔ ان کا کام صحت، جنس اور شہرت پر مرکوز ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Amruta Byatnal
Illustration : Priyanka Borar

پرینکا بورار نئے میڈیا کی ایک آرٹسٹ ہیں جو معنی اور اظہار کی نئی شکلوں کو تلاش کرنے کے لیے تکنیک کا تجربہ کر رہی ہیں۔ وہ سیکھنے اور کھیلنے کے لیے تجربات کو ڈیزائن کرتی ہیں، باہم مربوط میڈیا کے ساتھ ہاتھ آزماتی ہیں، اور روایتی قلم اور کاغذ کے ساتھ بھی آسانی محسوس کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priyanka Borar
Series Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

کے ذریعہ دیگر اسٹوریز Faiz Mohammad