પૂરના પાણીમાં આંશિક રીતે ડૂબી ગયેલો તેમનો પંપ બહાર કાઢવાનો પ્રયાસ કરતા દેવેન્દ્ર રાવત કહે છે, “જુઓ! મારી મોટર માટી હેઠળ દટાઈ ગઈ છે.” દેવેન્દ્ર મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના સુંઢ ગામના એક ખેડૂત છે. આ 48 વર્ષીય ખેડૂત પૂછે છે, “પૂરથી મારી જમીન ધોવાઈ ગઈ છે અને મારી ત્રણ મોટરો આંશિક રીતે માટીમાં દટાઈ ગઈ છે. એક કૂવો પણ પડી ગયો છે. હવે મારે શું કરવું?”
નરવર તાલુકામાં આવેલું, સુંઢ ગામ સિંધ નદીના બે વિભાગોની વચ્ચે આવેલું છે. ઓગસ્ટ 2021માં જ્યારે આ નદીમાં પૂર આવ્યું ત્યારે તેણે 635 લોકોના (વસ્તી ગણતરી 2011) આ ગામમાં મોટાપાયે તારાજી સર્જી હતી. દેવેન્દ્ર કહે છે કે તેમને યાદ નથી કે છેલ્લી વખત આવું પૂર ક્યારે આવ્યું હતું. તેઓ ઉમેરે છે, “પૂરના પાણીથી ત્રીસ વીઘા [આશરે 18 એકર] માં પથરાયેલા ડાંગરનો નાશ થયો હતો. આ પૂરને કારણે થયેલા ધોવાણને પગલે મારા પરિવારે છ વીઘા [આશરે 3.7 એકર] જમીન કાયમ માટે ગુમાવવી પડી છે.”
કાલી પહાડી ગામ ચારેબાજુથી પૂરના પાણીથી ઘેરાયેલું છે અને ટાપુ જેવું લાગે છે. હવે જ્યારે અતિશય વરસાદ પડે છે, ત્યારે એકબાજુથી બીજી બાજુ જવા માટે ગ્રામજનોએ કાં તો પાણીમાંથી પસાર થવાની અથવા તરવાની ફરજ પડે છે.
દેવેન્દ્ર કહે છે, “પૂર દરમિયાન અમારું ગામ ત્રણ દિવસ સુધી પાણી નીચે ડૂબી ગયું હતું. સરકારી હોડીઓએ બધા લોકોને બચાવી લીધા હતા, સિવાય કે 10-12 લોકોને જેમણે ત્યાં રહેવાનું પસંદ કર્યું હતું. બચાવી લેવાયેલા ગ્રામજનોએ કાં તો પડોશના બજારમાં ધામા નાખ્યા હતા અથવા અન્ય ગામોમાં તેમના સંબંધીઓ સાથે રહેવા ગયા હતા. દેવેન્દ્ર યાદ કરીને કહે છે કે પૂર દરમિયાન વીજ પુરવઠો પણ બંધ હતો અને તેને પુનઃસ્થાપિત કરવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો.
ભારતના હવામાન વિભાગે જણાવ્યું કે, વર્ષ 2021માં, 14 મે થી 21 જુલાઈ વચ્ચે, પશ્ચિમ મધ્યપ્રદેશમાં વરસાદમાં 20 થી 59 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
પરંતુ માત્ર એક અઠવાડિયા પછી, 28 જુલાઈથી 4 ઓગસ્ટની વચ્ચે, સામાન્ય કરતાં 60 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. સિંધ નદી પર આવેલા બે મોટા ડેમ - મારીખેરા ખાતે અટલ સાગર ડેમ અને નરવર ખાતે મોહિની ડેમ- માં પાણીનો ધસારો થયો હતો. સત્તાવાળાઓએ બંધના દરવાજા ખોલ્યા અને સુંઢ ગામ પાણીની નીચે ડૂબી ગયું. અટલ સાગર ડેમના એસ.ડી.ઓ. જીએલ બૈરાગી કહે છે, “અમારી પાસે ડેમ ખોલવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ડેમ તૂટતો બચાવવા માટે અમારે પાણી છોડવું પડ્યું હતું. 2 અને 3 ઓગસ્ટ 2021ના રોજ ભારે વરસાદ થવાને કારણે આવી સ્થિતિ સર્જાઈ હતી.”
જ્યારે પણ મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટી થાય છે, ત્યારે સિંધ નદી સૌથી વધુ પ્રભાવિત થાય છે. ભોપાલની બરકતુલ્લા યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના પ્રોફેસર બિપિન વ્યાસ કહે છે, “સિંધ ગંગાના તટપ્રદેશનો એક ભાગ છે. તે હિમાલયમાં શરૂ થતી નદી નથી; તે દક્ષિણથી ઉત્તર તરફ વહે છે અને તે વરસાદના પાણી પર આધાર રાખે છે.”
પૂરના કારણે પાક-ચક્ર પણ પ્રભાવિત થયું છે. દેવેન્દ્ર કહે છે, “અમારા ડાંગર અને ટીલી [તલ] બરબાદ થઈ ગયા છે. અમે આ વર્ષે ઘઉંની ખેતી પણ બરાબર રીતે કરી શક્યા નથી.” સિંધ નદીના તટપ્રદેશમાં મોટા વિસ્તારોમાં સરસવની ખેતી થાય છે. પૂર પછી, ઘણા ખેડૂતોએ સરસવનું વાવેતર કરવાનું પસંદ કર્યું હતું.
જળવાયુ પરિવર્તનને કારણે થયેલા નુકસાન વિશે દેવેન્દ્રના ભત્રીજા, રામનિવાસ જણાવે છે કે, “આબોહવામાં આવેલા ફેરફારોને કારણે, ભારે વરસાદ અને પૂર અમારા પાકને નષ્ટ કરે છે. તે પછી પણ, અતિશય ગરમીથી [છોડને] નુકસાન થવાનું સતત જોખમ રહેલું છે.”
તેમણે કહ્યું કે પૂર પછી પટવારી (ગામના રેકોર્ડ રાખનાર) અને સરપંચ ગ્રામજનોની તપાસ કરવા આવ્યા હતા અને તેઓએ વળતરની વ્યવસ્થા કરવાનું વચન પણ આપ્યું હતું.
દેવેન્દ્ર કહે છે, “મારા બરબાદ થયેલા ડાંગર માટે, મને 2,000 રૂપિયા પ્રતિ વીઘા [આશરે 0.619 એકર]ના દરે વળતર આપવામાં આવ્યું હતું.” રામનિવાસ ઉમેરે છે, “જો અમારું ડાંગર પૂરથી નષ્ટ ન થયું હોત, તો અમને ઓછામાં ઓછા ત્રણથી ચાર લાખ રૂપિયાનો ફાયદો થયો હોત.”
દેવેન્દ્રનો પરિવાર માત્ર ખેતી પર નિર્ભર છે. લોકડાઉનના કારણે પાકના બજાર ભાવ નીચા ગયા છે. મહામારી પછી, પરિવાર માટે પરિસ્થિતિ વધુ વણસી છે. દેવેન્દ્રની પુત્રી અને તેમની ભત્રીજી બંનેના લગ્ન 2021માં થયા હતા. દેવેન્દ્ર સમજાવે છે, “કોરોનાએ બધું મોંઘું કરી દીધું હતું પરંતુ લગ્ન પહેલેથી જ ગોઠવાઈ ગયા હતા તેથી અમારે તે કર્યા સિવાય વિકલ્પ નહોતો.”
પછી કોઈ ચેતવણી વિના, 2021માં ઓગસ્ટ મહિનામાં પૂર આવ્યું અને પરિવારને વધુ નાણાકીય તણાવમાં ધકેલી દીધો.
*****
ઈંદરગઢ જિલ્લાના તિલૈથા ગામના ખેડૂત સાહેબ સિંહ રાવત તેમના ખેતર તરફ જોઈને કહે છે, “કમોસમી વરસાદે મારી સાડા બાર વીઘા [લગભગ 7.7 એકર] શેરડીનો પાક ધ્વંસ્ત કરી દીધો.” ખેડૂતોએ જણાવ્યું કે દતિયા જિલ્લામાં 2021ના શિયાળામાં ભારે વરસાદ થયો હતો, જેના પરિણામે તેમને પાક અને આવકના નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
સુંઢમાં ઘરો બચી ગયા હતા, કારણ કે તેઓ ઊંચાણ પર આવેલાં હતાં. પરંતુ કાલી પહાડી ગ્રામ પંચાયતનાં સુમિત્રા સેનને યાદ છે કે કેવી રીતે તેઓ સતત પાણીના સ્તરને માપતાં હતાં અને પાંચ કિલો અનાજની થેલી તૈયાર રાખી હતી જેથી તેઓ એક સૂચના મળતાંજ ટેકરી પર ચઢવા તૈયાર રહે.
સુમિત્રા સેન 45 વર્ષનાં છે અને તેઓ મજૂરી કામ કરે છે અને નજીકની શાળામાં રસોઈ બનાવે છે. તેમના પતિ ધનપાલ સેન 50 વર્ષના છે, અને છેલ્લા એક દાયકાથી અમદાવાદમાં પાઉચ બનાવતી એક કંપનીમાં કામ કરે છે. તેમનો 16 વર્ષનો નાનો પુત્ર અતિન્દ્ર સેન પણ ત્યાં જ કામ કરે છે. નાઈ સમુદાયનાં સુમિત્રાને સરકાર પાસેથી બી.પી.એલ. (ગરીબી રેખા નીચે) અંતર્ગત કાર્ડ મળ્યું છે.
કોલારસ બ્લોકના મદનપુર ગામના વિદ્યારામ બઘેલે જણાવ્યું હતું કે પૂરને કારણે તેમણે ત્રણ વીઘા (આશરે બે એકર) ખેતીની જમીન ગુમાવી દીધી છે. વિદ્યારામ કહે છે, “જરાય પણ પાક બચ્યો ન હતો અને હવે જમીન રેતીથી ઢંકાયેલી છે.”
*****
સુંઢના રહેવાસીઓનું કહેવું છે કે સરકાર આ નદી પર પુલ બનાવવા તૈયાર નથી કારણ કે તે એક મોંઘો ઉકેલ છે. આ ગામમાં લગભગ 700 વીઘા (આશરે 433 એકર) ખેતીની જમીન છે અને લગભગ બધી જ જમીનની માલિકી ગ્રામજનોની છે. અહીંના એક રહેવાસી રામનિવાસે કહ્યું, “જો અમે અન્ય જગ્યાએ [રહેવા માટે] સ્થળાંતર કરીએ, તો પણ અમારે ખેતી કરવા માટે અહીં જ આવવું પડશે.”
દેવેન્દ્ર અને તેમના પરિવારે જણાવ્યું હતું કે તેઓ જળવાયું પરિવર્તન, કમોસમી અને મૂશળધાર વરસાદ અને નદી પરના ડેમની વધતી સંખ્યાને કારણે પૂરના વધતા જોખમ છતાં આ જમીનને છોડશે નહીં. તેઓ ઉમેરે છે, “અમે ગામલોકો ક્યારેય અમારું ગામ છોડીશું નહીં. જો સરકાર અમને બીજી જગ્યાએ આટલી જ જમીન આપે, તો જ અમે સ્થળાંતર કરીશું.”
અનુવાદક: ફૈઝ મોહંમદ