“કેમેરા એ ધાતુનો એક કાણાંવાળો ટુકડો છે, ફોટો તો તમારા હૈયામાં છે. તમારો હેતુ તમારા ફોટોગ્રાફનું સ્વરૂપ નક્કી કરે છે.”
પી. સાંઈનાથ
નીચે વળીને કામ કરતાં, સંતુલન કરતાં, મકાન બનાવતાં, દોરડાથી ખેંચતાં, વજન ઊંચકતાં, કચરો વાળતાં, રસોઈ કરતાં, પરિવારની સંભાળ રાખતાં, પ્રાણીઓને ચરાવતાં, વાંચતાં, લખતાં, વણાટ કરતાં, સંગીત બનાવતાં, નૃત્ય કરતાં, ગાતાં અને ઉજવણી કરતાં ગ્રામીણ ભારતના લોકોના જીવનની નાની મોટી પળોને લખાણ સાથે જોડતી છબીઓ તેમનાં જીવન અને કામકાજની ઊંડી અને વધુ ઝીણવટભરી સમજણ ઊભી કરે છે.
પારી ફોટાઓ સામૂહિક સ્મૃતિને જાળવી રાખવાની કોશિશ છે. તેઓ આપણે જે સમયમાં જીવીએ છીએ તેનું નિષ્પક્ષ દસ્તાવેજીકરણ નથી, પરંતુ એક પ્રવેશદ્વાર છે કે જેના થકી આપણે આપણી જાત અને આપણી આસપાસની દુનિયા બન્ને સાથે જોડાઈએ છીએ. અમારો ફોટોગ્રાફ્સનો વિશાળ સંગ્રહ તે વાર્તાઓ કહે છે જે સમાચારના મુખ્ય માધ્યમોમાં આવરી લેવામાં આવતી નથી — હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો, તરછોડાયેલા સ્થળો, જમીન, આજીવિકા અને મજૂરોની વાર્તાઓ.
આનંદ, સૌંદર્ય, સુખ, ઉદાસી, દુઃખ, વિસ્મય અને ભયંકર સત્યો ફોટોગ્રાફ્સ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે, તે મનુષ્યનું તેની તમામ નાજુકતા અને નબળાઈઓમાં ચિત્રણ કરે છે. વાર્તામાંની વ્યક્તિ ફક્ત છબી ખેંચવાનો કાંઈ વિષય માત્ર નથી. છબીમાં રહેલ વ્યક્તિનું નામ જાણવાથી તેમના પ્રત્યે સહાનુભૂતિ પેદા કરે છે. અને અનન્ય વાર્તા મોટા સત્યની વાત કરે છે.
પરંતુ આ ત્યારે જ થઈ શકે છે જ્યારે ફોટોગ્રાફર અને જે વ્યક્તિનો ફોટો પાડવામાં આવી રહ્યો હોય તેમની વચ્ચે સહયોગ હોય. શું તેઓ અપાર નુકસાન અને અકલ્પનીય દુ:ખ સહન કરતા હોય ત્યારે આપણી પાસે તેમનો ફોટો પાડવા માટે તેમની સંમતિ છે? આપણે સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો સન્માન સાથે ફોટો કેવી રીતે લઈએ? કયા સંદર્ભમાં વ્યક્તિ અથવા લોકોના ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યા છે? લોકોના રોજિંદા જીવનની રોજરોજની વાર્તાઓ કહેતી છબીઓની શ્રેણી બનાવવા પાછળનો હેતુ શું છે?
આ એવા નિર્ણાયક પ્રશ્નો છે કે જેની સાથે અમારા ફોટોગ્રાફરો જ્યારે અહેવાલ બનાવી રહ્યા હોય ત્યારે ઝઝૂમતા હોય છે, પછી ભલેને તેમણે એક વાર્તા માટે પણ થોડાક દિવસો કે થોડાક વર્ષો સુધી શૂટિંગ કરવું પડે. તેઓ પ્રતિષ્ઠિત કલાકારોનું શૂટિંગ કરતા હોય આદિવાસી ઉત્સવો, વિરોધ પ્રદર્શનમાં ખેડૂતો અને અન્ય ઘટનાઓનું શૂટિંગ કરતા હોય તો પણ.
વિશ્વ ફોટોગ્રાફી દિવસ પર અમે તમારા માટે પારી પર ફોટોગ્રાફરો દ્વારા તેમની વાર્તાઓ માટે લેવામાં આવેલી છબીઓનો સંગ્રહ લાવ્યા છીએ. તેઓ તેમની પદ્ધતિ વિષે લખે છે, જે આપણને તેમની છબીઓ વિષે ઊંડાણપૂર્વકની સમજ આપે છે. તેઓ મૂળાક્ષરોના ક્રમમાં નીચે ગોઠવાયેલ છે:






















