રત્નવ્વા એસ. હરિજન કહે છે, “હું જન્મી  ત્યારથી આવું જ છે. મેં શ્રમિક તરીકે કામ કર્યું છે." ઓગસ્ટની એક ધૂંધળી સવારે રત્નવ્વા ઝડપભેર પોતાને ઘેરથી ખેતરમાં જઈ રહ્યા છે, ત્યાં તેઓ દાડિયા મજૂરી કરે  છે. ઊંચા અને  સહેજ ઝૂકેલા શરીરે  તેઓ ઝડપભેર આગળ વધે છે, તેમની આ ઝડપ તેમને કિશોર વયથી જ થયેલી પગની તકલીફ ઢાંકવા પૂરતી  છે.

ખેતરમાં પહોંચ્યા પછી તેઓ પોતાની સાથે લાવેલા કામ કરતી વખતે પહેરવાના કપડા બહાર કાઢે છે. સૌથી પહેલા તેઓ સાડી ઉપર પહેરેલા ફાટેલા મેલા વાદળી શર્ટમાં હાથ નાખે છે, અને પછી પરાગરજથી બચવા તેમની કમરની આસપાસ લાંબી, છાપવાળી પીળી - નાઈટી લપેટે છે. તેની ઉપર તેઓ  ભીંડાના છોડના થોડાક ગંડુ હુવુ ('નર પુષ્પ') લઈ જવા વાદળી શિફોન કાપડ થેલીની માફક બાંધે છે. પોતાના માથાની ફરતે ઝાંખા સફેદ ટુવાલ સાથે 45 વર્ષના રત્નવ્વા તેમના ડાબા હાથમાં દોરાનું ઝૂમખું પકડીને પોતાનું કામ શરૂ કરે છે.

તેઓ એક ફૂલ પસંદ કરે છે, અને નરમાશથી પાંખડીઓને વાળે છે અને નર શંકુમાંથી દરેક પુષ્પયોનિમાં પરાગરજ ફેલાવે છે. તે પોલિનેટેડ (પરાગાધાન) કરેલા પુષ્પયોનિની આસપાસ દોરો બાંધીને તેમને ચિહ્નિત કરે છે. પોતાની પીઠ વાળેલી રાખીને તેઓ ખેતરમાં ભીંડાના છોડની હરોળમાંના દરેક ફૂલને લયબદ્ધ રીતે પોલિનેટ/ પરાગાધાન કરે છે. તેઓ હાથેથી પરાગનયન કરાવવામાં કુશળ છે - નાનપણથી તેઓ આ વ્યવસાયમાં છે.

રત્નવ્વા કર્ણાટકના દલિત જાતિના મડીગા સમુદાયના છે. તેઓ  કર્ણાટકના હવેરી જિલ્લાના રાણીબેન્નુર તાલુકાના કોનાનાટલી ગામના માડીગરા કેરી (મડીગા ક્વાર્ટર) માં રહે છે.

Ratnavva S. Harijan picks the gandu hoovu (' male flower') from the pouch tied to her waist to pollinate the okra flowers. She gently spreads the pollen from the male cone to the stigma and ties the flower with a thread held in her left hand to mark the pollinated stigma
PHOTO • S. Senthalir
Ratnavva S. Harijan picks the gandu hoovu (' male flower') from the pouch tied to her waist to pollinate the okra flowers. She gently spreads the pollen from the male cone to the stigma and ties the flower with a thread held in her left hand to mark the pollinated stigma
PHOTO • S. Senthalir

રત્નવા એસ. હરિજન ભીંડાના ફૂલોનું પરાગાધાન કરાવવા  માટે તેની કમરે બાંધેલા થેલીમાંથી  ગંડુ હુવુ ('નર પુષ્પ') પસંદ કરે છે. તેઓ નરમાશથી નર શંકુમાંથી પુષ્પયોનિ પર  પરાગરજ ફેલાવે છે અને પરાગાધાન કરેલ પુષ્પયોનિને ચિહ્નિત કરવા માટે તેના ડાબા હાથમાં પકડેલા દોરાથી ફૂલને બાંધે છે

તેમનો દિવસ દરરોજ સવારે 4 વાગ્યે શરૂ થાય છે. તેઓ ઘરના કામકાજ પૂરા કરે છે,  પરિવારને નાસ્તો અને ચા આપે છે, બપોરનું ભોજન તૈયાર કરે છે અને સવારે 9 વાગ્યે ખેતરમાં જતા પહેલા ઉતાવળે કંઈક ખાઈ લે છે.

દિવસના પહેલા અડધા ભાગનો તેમનો સમય ભીંડાના લગભગ 200  છોડના પુષ્પયોનિને પરાગાધાન કરવામાં જાય છે. આ તમામ છોડ ત્રણ એકર જમીનના અડધાથી વધારે ભાગને આવરી લે છે. તેઓ  બપોરના સમયે જમવા માટે માત્ર અડધો કલાકનો ઝડપી વિરામ લે છે અને ફૂલોની કળીઓના સ્તરો ખોલીને બીજા દિવસે પરાગનયન માટે પુષ્પયોનિ તૈયાર કરવા ખેતરમાં પાછા ફરે  છે. આ કામ માટે જમીનદાર તેમને પૂર્વનિર્ધારિત  200 રુપિયા દાડિયું  આપે છે.

તેઓ હાથેથી પરાગનયન કરવાની તકનીકો ઘણા સમય પહેલા  શીખી ગયા હતા. તેઓ કહે છે, "અમારી પાસે જમીન નથી, તેથી અમે બીજાની જમીનો પર કામ કરીએ છીએ. હું ક્યારેય શાળાએ ગઈ નથી. તરુણાવસ્થામાં પહોંચતા પહેલા જ મેં કામ કરવાનું શરૂ કર્યું. અમે ગરીબ છીએ,  તેથી અમારે આવું કરવું જ પડે. તે સમયે હું નીંદણ દૂર કરતી અને ટામેટાના પાકનું પરાગાધાન  કરતી હતી.” હાથેથી ફૂલોનું ક્રોસ-પરાગાધાન કરાવવાના તેમના કામ માટે તેઓ  ક્રોસ અને ક્રોસિંગ શબ્દોનો ઉપયોગ કરે છે.

રત્નવ્વાનો જન્મ રાણીબેન્નુર તાલુકાના તિરુમાલાદેવરાકોપ્પા ગામમાં ભૂમિહીન  ખેતમજૂરોના પરિવારમાં થયો હતો. હવેરીમાં કુલ શ્રમિકોના 42.6 ટકા ખેતમજૂરો છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 70 ટકા શ્રમિકો મહિલાઓ છે (વસ્તી ગણતરી 2011 મુજબ). રત્નવ્વા માટે નાનપણથી જ કામ શરૂ કરી દેવામાં કોઈ નવાઈ નહોતી.

આઠ બાળકોમાં રત્નવ્વા સૌથી મોટા હતા. આ આઠ બાળકોમાં મોટા ભાગની છોકરીઓ હતી. રત્નવ્વાના લગ્ન કોનાનાટલીના ખેતમજૂર સન્નાચૌડપ્પા એમ હરિજન સાથે થયા હતા. તેઓ કહે છે, "મારા પિતા શરાબી  હતા, તેથી તરુણાવસ્થામાં પહોંચ્યાના એક વર્ષમાં જ મને વહેલી પરણાવી દીધી હતી. મને યાદ પણ  નથી  તે સમયે હું કેટલા વર્ષની હતી."

Left: Flowers that will be used for pollination are stored in a vessel. Right: Ratnavva pollinates the stigmas of about 200 okra plants within the first half of the day
PHOTO • S. Senthalir
Left: Flowers that will be used for pollination are stored in a vessel. Right: Ratnavva pollinates the stigmas of about 200 okra plants within the first half of the day
PHOTO • S. Senthalir

ડાબે: પરાગનયન માટે ઉપયોગમાં લેવામાં આવનાર ફૂલો વાસણમાં સંગ્રહિત થાય છે. જમણે: રત્નવ્વા  દિવસના પહેલા અડધા ભાગના સમયમાં લગભગ 200 ભીંડાના છોડના પુષ્પયોનિને પરાગાધાન કરે છે

તિરુમાલાદેવરાકોપ્પામાં  હાથથી છોડને પરાગાધાન કરવા માટે રત્નવ્વા દિવસના 70 રુપિયા કમાતા હતા. જ્યારે તેમણે 15 વર્ષ પહેલા કોનાનાટલીમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે 100 રુપિયા દાડિયું મળતું. તેઓ કહે છે. "તેઓ [જમીનમાલિકો] દર વર્ષે તેમાં દસ-દસ રૂપિયાનો વધારો કરતા રહ્યા, અને હવે મને 200 રુપિયા મળે છે."

કોનાનાટલીમાં બીજ ઉત્પાદનમાં  હાથથી કરાવવામાં આવતું પરાગનયન એક જરૂરી પ્રક્રિયા છે, જ્યાં ભીંડા, ટમેટા, તુરિયા અને કાકડી જેવા શાકભાજીની વર્ણસંકર જાતો ઉગાડવામાં આવે છે. તે સામાન્ય રીતે ચોમાસા અને શિયાળાની ઋતુમાં કરવામાં આવે છે. શાકભાજીના બીજ અને ત્યારબાદ કપાસ એ ગામમાં ઉત્પાદિત થતી મુખ્ય કૃષિ પેદાશો છે, જ્યાં આશરે 568 હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે (વસ્તી ગણતરી 2011 મુજબ). દેશમાં શાકભાજીના બિયારણના  ઉત્પાદનમાં કર્ણાટક અને મહારાષ્ટ્ર મોખરે છે અને ખાનગી ક્ષેત્ર તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

હાથથી પરાગનયન કરાવવાના અઘરા અને હસ્તકૌશલ્ય માગી લેતા કામ માટે ફૂલના સૌથી બારીક ભાગને અત્યંત કાળજીપૂર્વક  સંભાળવા તીક્ષ્ણ દ્રષ્ટિ, ચપળ હાથ અને પુષ્કળ ધીરજ અને એકાગ્રતા ધરાવતા કર્મચારીઓની જરૂર છે. આ કામ કરવા માટે પુરુષો કરતાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે - એટલે સુધી  કે સિઝન દરમિયાન નજીકના ગામોમાંથી મહિલા ખેતમજૂરોને કોનાનાટલી લાવવા માટે ઓટોરિક્ષા ભાડે રાખવામાં આવે છે.

રત્નવ્વા દરરોજ અંબિગા સમુદાય (અન્ય પછાત વર્ગો અથવા ઓબીસી વર્ગમાં સૂચિબદ્ધ) ના  જમીનમાલિક પરમેશપ્પા પક્કીરપ્પા જાદરના ખેતરમાં કામ કરે છે,  રત્નવ્વા પાસેથી જાદરના 1.5 લાખ રુપિયા લેણા નીકળે છે. તેઓ  કહે છે કે જાદર પાસેથી તેમણે વગર વ્યાજે ઉધાર લીધેલા પૈસા (મુદ્દલ) તેમના કામ માટે આગોતરી ચૂકવણી તરીકે ગણવામાં આવે છે. તેમાં વ્યાજનો સમાવેશ થતો નથી.

તેઓ કહે છે, “મને હવે હાથમાં રોકડ મળતી નથી. જમીનદાર  [કામના દિવસોની સંખ્યાની] નોંધ  રાખે છે અને દેવાની ચૂકવણી પેટે મારું દાડિયું રાખી લે છે. અમે ખેતરમાં કામ કરીને અમારું દેવું ચૂકવીએ છીએ અને પછી  જરૂર પડે ત્યારે ફરીથી ઉધાર લઈએ છીએ. અમે ઉધાર લેતા રહીએ છીએ અને ભરપાઈ  કરતા રહીએ છીએ.

Left: Pollen powder is applied on the stigma of a tomato plant flower from a ring. Right : Ratnavva plucks the ‘crossed’ tomatoes, which will be harvested for the seeds
PHOTO • S. Senthalir
Left: Pollen powder is applied on the stigma of a tomato plant flower from a ring. Right : Ratnavva plucks the ‘crossed’ tomatoes, which will be harvested for the seeds
PHOTO • S. Senthalir

ડાબે: રિંગમાંથી ટામેટાના છોડના ફૂલના પુષ્પયોનિ પર પરાગરજ લગાવવામાં આવે છે. જમણે: રત્નવ્વા  'ક્રોસ કરેલા' ટામેટાં તોડે છે, જેને કાપણી-લણણી કરીને બીજ માટે સંઘરવામાં આવશે

રત્નવ્વા માટે કામનો સૌથી મુશ્કેલ સમય છે ચોમાસું, જુલાઈથી સપ્ટેમ્બર સુધી, જ્યારે ભીંડા અને કાકડીના છોડનું પરાગાધાન કરાવવામાં આવે  છે. કાકડીના સંવર્ધન માટે કોઈ પણ વિરામ વિના ઓછામાં ઓછા સતત છ કલાક સુધી સળંગ કામ કરવું જરૂરી છે. અને ભીંડાની કળીઓમાં તીક્ષ્ણ સપાટી હોય છે જે આંગળીઓને ઇજા પહોંચાડે છે.

ઓગસ્ટમાં  હું રત્નવ્વાને મળ્યો હતો તે દિવસે તેમણે તેમના દીકરાના નખનો એક ભાગ પોતાના અંગૂઠા પર ચોંટાડ્યો હતો કારણ કે ભીંડાની કળીઓના સ્તરોને ખોલવા માટે તેમને તીક્ષ્ણ ધારની જરૂર હતી. તેમણે બીજા ખેતરમાં કામ કરવા પરમેશપ્પાના ખેતરમાંથી બે દિવસની રજા લીધી હતી, તેઓ તેમના 18 વર્ષના પુત્ર લોકેશને બદલે કામ કરી રહ્યા હતા, જે બીમાર પડ્યો હતો. લોકેશે પોતાની માતાને 3000 રુપિયાની લોન ચૂકવવામાં મદદ કરવા કામ કરવાનું શરૂ કર્યું હતું. રત્નવ્વાએ લોકેશને કોલેજમાં પ્રવેશ અપાવવા માટે આ રકમ ઉધાર લીધેલ હતી.

જો કે રત્નવ્વા જ  તેમના છ સભ્યોના પરિવારનો સમગ્ર આર્થિક બોજ ઉઠાવે છે. તેમના પતિ, સાસુ, કોલેજ જતા ત્રણ બાળકો અને તેમના પોતાના  દૈનિક ખર્ચને આવરી લેવા ઉપરાંત તેઓ  તેમના બીમાર પતિના અતિશય મોંઘા તબીબી બિલોનો ખર્ચો પણ ઉઠાવે  છે.

માત્ર ઓગસ્ટ મહિનામાં જ તેમણે પતિના સ્વાસ્થ્ય ખર્ચ માટે જમીનમાલિક પાસેથી 22000 રુપિયા ઉધાર લીધા. કમળાના હુમલા પછી તેમના પતિના લોહીમાં પ્લેટલેટની સંખ્યા  ખૂબ ઘટી ગઈ હતી અને તેમને લોહી ચડાવવા માટે લઈ જવા પડ્યા હતા. આ સુવિધાઓ સાથેની સૌથી નજીકની સરકારી હોસ્પિટલ તેમના ગામથી લગભગ 300 કિલોમીટર દૂર મેંગ્લોરમાં છે.

તેમને જરૂર પડે ત્યારે જમીનમાલિક પૈસા આપે છે. રત્નવ્વા કહે છે, “હું ખોરાક, હોસ્પિટલ અને દૈનિક જરૂરિયાતો માટે ઉધાર લઉં છું. જમીનમાલિક  અમારી સમસ્યાઓને થોડીઘણી સમજે છે, અને અમને આટલા બધા  પૈસા ઉધાર આપે છે. હું માત્ર ત્યાં જ [કામ કરવા] જઉં છું,  બીજે ક્યાંય જતી નથી. મેં હજી સુધી પૂરેપૂરી રકમ પરત કરી નથી. હું સાવ એકલે હાથે કેટલુંક ચૂકવી શકું?"

Left: Ratnavva looks for flowers of the okra plants to pollinate them. Right: Her bright smile belies her physically strenuous labour over long hours
PHOTO • S. Senthalir
Left: Ratnavva looks for flowers of the okra plants to pollinate them. Right: Her bright smile belies her physically strenuous labour over long hours
PHOTO • S. Senthalir

ડાબે: રત્નવ્વા પરાગાધાન કરવા માટે ભીંડાના છોડના ફૂલો શોધે છે. જમણે: તેમનું આ ઉલ્લાસિત સ્મિત લાંબા સમય માટે કરવી પડતી તનતોડ  મજૂરીની સાબિતી આપવામાં નિષ્ફળ જાય છે

આર્થિક નિર્ભરતાના આ ક્યારેય ન પૂરા થતા ચક્રને કારણે  જમીનમાલિક જ્યારે બોલાવે ત્યારે તેમને કામ કરવા જવું પડે છે.  તેમને માટે જમીનમાલિક સાથે વેતન અંગે વાટાઘાટ કરવાનું પણ ખૂબ મુશ્કેલ છે.  કોનાનાટલીમાં કામ કરતી  નજીકના  ગામોની મહિલાઓને  આઠ કલાકના કામ માટે દિવસના 250 રુપિયા મળે છે જ્યારે  રત્નવ્વા  દિવસના ગમે તેટલા વધારે કલાક કામ કરે તો પણ તેમને દિવસના માત્ર 200 રુપિયા  જ મળે છે

તેઓ સમજાવે છે, “એટલા માટે જ્યારે પણ તેઓ મને કામ પર બોલાવે ત્યારે મારે જવું પડે છે. કેટલીકવાર તો સવારે છ વાગ્યે કામ શરૂ થાય છે અને સાંજે સાતથી ય વધારે સમય સુધી ચાલે  છે. જો કોઈ ક્રોસિંગ કામ ન હોય તો  નીંદણ દૂર કરવા માટે મને દિવસના માત્ર 150 રુપિયા મળે છે. તેથી જો હું પૈસા ઉધાર લેતી હોઉં તો હું કશું કહી શકતી  નથી, જ્યારે મને બોલાવે ત્યારે મારે જવું પડે છે. હું વધારે દાડિયું પણ માંગી શકતી નથી.”

રત્નવ્વાના શ્રમનું અવમૂલ્યન થાય છે તેની પાછળ દેવું એ એકમાત્ર પરિબળ નથી. વિવિધ પ્રસંગોએ રત્નવ્વાને લિંગાયત પરિવાર માટે કામ કરવા  બોલાવવામાં આવે છે. સદીઓ જૂની જાતિવાદી પ્રથા ઓક્કાલુ પદ્ધતિ (જેને બિટ્ટી ચકરી, 'અવેતન મજૂરી' પણ કહેવાય છે) ગેરકાયદેસર હોવા છતાં કોનાનાટલીમાં આજે પણ પ્રચલિત  છે. આ પ્રથા મડીગા પરિવારને લિંગાયત સમુદાયના પરિવાર સાથે જોડે છે, જે સમાજમાં વર્ચસ્વ ધરાવતું ઓબીસી જૂથ છે. આ પ્રથા અંતર્ગત મડીગા પરિવારને લિંગાયત પરિવારના ઘરમાં મફતમાં કામ કરવાની ફરજ પાડવામાં આવે છે.

રત્નવ્વા કહે છે, “લગ્ન હોય કે બીજો કોઈ પ્રસંગ અથવા તેમના ઘરમાં કોઈ મૃત્યુ પામે તો અમારે તેમનું ઘર સાફ કરવું પડે. એમાં આખો દિવસ લાગે. અમારે બધા જ કામ કરવા પડે. લગ્ન હોય તો અમે પૂરા આઠ દિવસ કામ કરીએ. પરંતુ તેઓ અમને તેમના ઘરની અંદર પણ ન  આવવા દે; તેઓ અમને ઘરની બહાર રાખે અને થોડા મમરા અને ચા આપે. તેઓ અમને થાળી પણ ન આપે. અમે અમારે ઘેરથી અમારી થાળી લાવીએ. કેટલીકવાર તેઓ (અમારા કામના બદલામાં) ઘેટું અથવા વાછરડું આપે, પરંતુ અમને પૈસા ન આપે. જ્યારે તેમના ઢોર  મરી જાય ત્યારે ઢોરનું શબ ઉપાડવા અમને બોલાવે.”

ચાર વર્ષ પહેલા જ્યારે  લિંગાયત પરિવારના સભ્યના લગ્ન થયા ત્યારે રત્નવ્વાને જાતિ પરંપરાના ભાગરૂપે ચંપલની નવી જોડી ખરીદી તેની પૂજા કરીને વરરાજાને ભેટ આપવી પડી હતી. પોતાની મહેનતના પૈસા કમાવાના ઘણા નિષ્ફળ પ્રયાસો પછી થોડા વર્ષો પહેલા જ તેમણે ત્યાં કામ કરવાનું બંધ કરવાનો  નિર્ણય કર્યો હતો. તેઓ કહે છે કે તેમના આ નિર્ણયથી લિંગાયત પરિવાર ગુસ્સે થયો છે.

Left: Ratnavva at home in Konanatali. Right: Her daughter Suma walks through their land with her cousin, after rains had washed away Ratnavva's okra crop in July
PHOTO • S. Senthalir
Left: Ratnavva at home in Konanatali. Right: Her daughter Suma walks through their land with her cousin, after rains had washed away Ratnavva's okra crop in July
PHOTO • S. Senthalir

ડાબે: કોનાનાટલીમાં પોતાને ઘેર રત્નવ્વા. જમણે: જુલાઇમાં વરસાદને કારણે રત્નવ્વાનો ભીંડાનો પાક ધોવાઇ ગયા બાદ તેમની દીકરી સુમા તેની  પિતરાઇ બહેન  સાથે તેમના  ખેતરમાં  ચાલી રહી છે

આ વર્ષે પરમેશપ્પાની કેટલીક આર્થિક મદદ સાથે  રત્નવ્વાએ ગામમાં અડધા એકર જમીનમાં ભીંડા અને મકાઈનું વાવેતર કર્યું, આ જમીન સરકારે તેમના પતિને ફાળવી હતી. જો કે જુલાઈમાં વરસાદે  પાયમાલી સર્જી, કોનાનાટલીમાં મડાગા-મસુર તળાવને કિનારે મડીગાને ફાળવેલ જમીનના નાના ટુકડાઓ પાણીમાં ડૂબી ગયા. તેઓ  કહે છે, "આ વર્ષે હરિજનની [માડીગાની] જમીનમાં ભીંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ બધું જ પાણીમાં ડૂબી ગયું."

રત્નવ્વાના બોજને હળવો કરવા કોઈ રાજ્ય વ્યવસ્થા આગળ આવી નથી. તેઓ એક ભૂમિહીન મજૂર હોઈ ખાસ ખેડૂતો માટેના સરકારના કોઈ પણ કલ્યાણ કાર્યક્રમોના  લાભાર્થી ગણાતા નથી. તેમને ગુમાવેલા પાકનું વળતર મળ્યું નથી અને તેમની પાસે અપંગતાનું પ્રમાણપત્ર હોવા છતાં તેઓ  રાજ્ય દ્વારા  દિવ્યાંગ વ્યક્તિઓને અપાતા 1000 રુપિયાના માસિક  ભથ્થા માટે  દાવો પણ કરી શક્યા નથી .

લાંબા સમય સુધી તનતોડ  મહેનત કરવા છતાં રોકડની સતત અછત રહેતી હોવાને  કારણે રત્નવ્વાને  માઇક્રોફાઇનાન્સ કંપનીઓ પાસેથી મળતી લોન પર આધાર રાખવો પડે  છે, પરિણામે  તેઓ  વધુ દેવામાં ડૂબી ગયા  છે. તેમના પર પરમેશપ્પાના દેવા  ઉપરાંત  2 થી 3 ટકા વ્યાજ દર સાથેનું લગભગ  2 લાખ રુપિયાનું બીજું દેવું છે.

છેલ્લા બે વર્ષમાં તેમણે તેમના ઘરમાં રૂમ બનાવવા, કોલેજની ફી અને તબીબી ખર્ચ માટે થઈને ઓછામાં ઓછા 10 અલગ-અલગ સ્ત્રોતો પાસેથી પૈસા ઉધાર લીધા છે. રોજબરોજના ખર્ચ માટે તે પૈસાવાળા લિંગાયત પરિવારોની મહિલાઓ પાસે જાય છે. તેઓ કહે છે, “મેં [તમામ સ્ત્રોતો પાસેથી] ઉછીના લીધેલા નાણાં પર ગયા વર્ષે હું  દર મહિને 2650 રુપિયાનું  વ્યાજ ચૂકવતી હતી. કોવિડ -19 લોકડાઉન જાહેર થયું ત્યારથી વ્યાજની રકમ ચૂકવવા માટે પણ મારી પાસે કોઈ પૈસા નથી, પરંતુ તેમ છતાં દર મહિને ખર્ચ માટે મારે ઉધાર લેવા પડે છે."

દેવાના ડુંગર ખડકાયા  હોવા છતાં  રત્નવ્વા તેમના બાળકોને કોલેજમાંથી ઊઠાડી ન લેવા મક્કમ છે. તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે તેમની દીકરી સુમા બિટ્ટી ચકરીની પરંપરા ચાલુ નહિ રાખે. રત્નવ્વા સમજાવે છે, “મારો પગ કે હું મજબૂત સ્થિતિમાં ન હતા/મારો પગ નબળો હતો અને હું ય નબળી તે હું તો આ પરિસ્થિતિમાંથી નીકળી ન શકી. પરંતુ મારા બાળકોને આ [બંધન]માંથી મુક્ત કરવા રહ્યા નહીં તો તેઓએ શાળા છોડવી પડે. તેથી મેં કામ કર્યે રાખ્યું." તેમની મુશ્કેલીઓથી નિરુત્સાહ થયા વિના રત્નવ્વા જાહેર કરે છે,  "હું તેમને જેટલું ભણવું હશે તેટલું ભણાવીશ."

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

S. Senthalir

S. Senthalir is Senior Editor at People's Archive of Rural India and a 2020 PARI Fellow. She reports on the intersection of gender, caste and labour. Senthalir is a 2023 fellow of the Chevening South Asia Journalism Programme at University of Westminster.

Other stories by S. Senthalir
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik