ખેતરમાં કામ કરતા ખેતમજૂરો હોય કે મીઠું પકવતા અગરિયાઓનું જૂથ, કે પછી થોડા ખાણિયાઓ, કે તેમની હોડી પર સવાર માછીમારો -- સૌ મજૂરીએ લાગ્યા હોય ત્યારે પણ એકાએક ગીત ગાવા લાગે એ કોઈ આશ્ચર્યજનક દૃશ્ય નથી. પરંપરાગત સંસ્કૃતિઓમાં, સખત શારીરિક શ્રમ અવારનવાર ચોક્કસ વ્યવસાયો અથવા શ્રમના સ્વરૂપો વિશેના ગીતો સાથે લઈને આવતો હોય છે. વ્યવસાયિક લોકગીતો દુનિયાની તમામ સંસ્કૃતિમાં અસ્તિત્વ ધરાવે છે.
170-મીટર લાંબો કચ્છના આખાતનો કિનારો, ખાડીઓ, નદીમુખો અને કાદવના સમથળ પ્રદેશો સાથે, સતત ભરતી ઓટવાળી એક વિશાળ ઇકોસિસ્ટમ ધરાવે છે જે ઘણા દરિયાઇ જીવો માટે સંવર્ધનનો પ્રદેશ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા ઘણાંખરાં લોકો માટે માછીમારી એ પરંપરાગત વ્યવસાય છે. અહીં પ્રસ્તુત ગીત માછીમારોના સમુદાયો દ્વારા ઝીલવામાં આવતા પડકારોની વાત કરે છે જેમની આજીવિકા દરિયાકાંઠાના વિકાસની પ્રવૃત્તિઓના મોજાથી દિવસે દિવસે ખલાસ થઇ રહી છે.
કચ્છમાં માછીમારોના સંઘો, શિક્ષણવિદો અને બીજાં ઘણાં લોકોએ આ કહેવાતા કાંઠાના વિકાસની પ્રવૃત્તિઓની પ્રતિકૂળ અસરો વિષે લખ્યું છે. તેઓએ મુન્દ્રા થર્મલ પ્લાન્ટ (TATA), અને મુન્દ્રા પાવર પ્રોજેક્ટ (અદાણી જૂથ) ને દરિયાઈ વિવિધતાના ઝડપી નાશ માટે જવાબદાર ઠેરવ્યા છે, જેની તાત્કાલિક અસરો આ વિસ્તારના માછીમારી સમુદાયો પર પણ જોવા મળે છે. અહીં પ્રસ્તુત એકદમ સરળ ભાષામાં ગવાયેલું ગીત માછીમારોના આ પડકારોનો સંકેત આપે છે.
આ કામ-ગીત મુન્દ્રા તાલુકાના જુમા વાઘેરે સુંદર રીતે રજૂ કર્યું છે, જેઓ પોતે પણ માછીમાર છે. તેઓ મુખ્ય ગાયક છે, એમના સાથીઓ ટેક - હો જમાલો (માછીમાર લોકોના સમૂહ માટે વપરાયેલો શબ્દ) ના નારા લગાવે છે. ગીતની મનમોહક ધૂન આપણને કચ્છના ઝડપથી બદલાતા, દૂરના કિનારા સુધી પહોંચાડે છે.
કરછી
હો જમાલો રાણે રાણા હો જમાલો (2), હી આય જમાલો લોધીયન જો,
હો જમાલો,જાની જમાલો,
હલો જારી ખણી ધરીયા લોધીયું, હો જમાલો
જમાલો રાણે રાણા હો જમાલો,હી આય જમાલો લોધીયન જો.
હો જમાલો જાની જમાલો, હો જમાલો
હલો જારી ખણી હોડીએ મેં વીયું.
જમાલો રાણે રાણા હો જમાલો,હી આય જમાલો લોધીયન જો.
હો જમાલો જાની જમાલો,
હલો લોધી ભાવર મછી મારીયું, હો જમાલો
જમાલો રાણે રાણા હો જમાલો,હી આય જમાલો લોધીયન જો.
હો જમાલો જાની જમાલો,
હલો મછી મારે બચા પિંઢજા પારીયું, હો જમાલો
જમાલો રાણે રાણા હો જમાલો, હી આય જમાલો લોધીયન જો.
હો જમાલો જાની જમાલો,
હલો પાંજો કંઠો પાં ભચાઈયું, હો જમાલો
જમાલો રાણે રાણા હો જમાલો, હી આય જમાલો લોધીયન જો.(૨)
ગુજરાતી
હો સમૂહ રાણે રાણા હો જમાલો મઝાનો, હો સમૂહ આપણો ભાઈઓ માછીમારોનો
હો સમૂહ મઝાનો, જમાલો ભાઈઓનો, ચાલો જાળ ખૂંદવા ખોલો દરિયાનો
હો સમૂહ રાણે રાણા હો જમાલો મઝાનો, હો સમૂહ આપણો ભાઈઓ માછીમારોનો
હો સમૂહ મઝાનો, જમાલો ભાઈઓનો, ચાલો જાળ ખૂંદવા ખોલો દરિયાનો
હો સમૂહ રાણે રાણા હો જમાલો મઝાનો, હો સમૂહ આપણો ભાઈઓ માછીમારોનો .
હો સમૂહ મઝાનો, જમાલો ભાઈઓનો,ચાલો ભાઈઓ સમય છે માછલી પકડવાનો
હો સમૂહ રાણે રાણા હો જમાલો મઝાનો, હો સમૂહ આપણો ભાઈઓ માછીમારોનો
હો સમૂહ મઝાનો, જમાલો ભાઈઓનો, માછીમારી કરી આપણે છે બાળ ઉછેરવાનો
હો સમૂહ રાણે રાણા હો જમાલો મઝાનો, હો સમૂહ આપણો ભાઈઓ માછીમારોનો
હો જમાલો હા ભાઈઓનો જમાલો. ચાલો આવ્યો વખત આપણાં બંદર બચાવવાનો
હો સમૂહ રાણે રાણા હો જમાલો મઝાનો, હો સમૂહ આપણો ભાઈઓ માછીમારોનો
હો સમૂહ રાણે રાણા હો સમૂહ મઝાનો, હો સમૂહ આપણો ભાઈઓ માછીમારોનો
ગીતનો પ્રકાર : પરંપરાગત લોકગીત
ગીતગુચ્છ : ગીતો જમીન, જગ્યા અને લોકોના
ગીત : 13
ગીતનું શીર્ષક : જમાલો રાણે રાણા હો જમાલો
સંગીતકારઃ દેવલ મહેતા
ગાયક : ભદ્રેસરના જુમા વાઘેર
વાજીંત્રો : ડ્રમ, હાર્મોનિયમ, બાન્જો
રેકોર્ડિંગનું વર્ષ : 2012, KMVS સ્ટુડિયો
લોકસમુદાય સંચાલિત રેડિયો , સૂરવાણી દ્વારા રેકોર્ડ કરાયેલા આ 341 ગીતો કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) દ્વારા પારી પાસે આવ્યા છે . રણના ગીતો: કચ્છી લોકગીતોનો સંગ્રહ
આ પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની , અરુણા ધોળકિયા , સેક્રેટરી , KMVS, આમદ સમેજા , KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા