બેંગ્લોરની એક ખાનગી શાળામાં પારી પરની એક પ્રસ્તુતિ દરમિયાન એક મૂંઝવણમાં મુકાયેલો વિદ્યાર્થી અમને સહજપણે પૂછે છે, “અસમાનતામાં તે વળી શું ખરાબી છે?”
પોતાના તર્ક પર વિશ્વાસ રાખીને તે અમને કહે છે, “કિરાણાની દુકાનના માલિકને પોતાની મહેનત પ્રમાણે નાની દુકાન છે, જ્યારે અંબાણીને મસમોટો વ્યવસાય છે, એ પણ તેમની મહેનતનું જ પરિણામ છે. જે લોકો સખત મહેનત કરે છે, તેઓ સફળ થાય છે.”
શિક્ષણ, આરોગ્ય સંભાળ અને ન્યાયની અસમાન પહોંચ પર પારીની એક જ વાર્તા થકી આ ક્ષેત્રમાં ‘સફળતા’ની ખરાખરીને ઉઘાડી પાડી શકાય છે. અમે ખેતરોમાં, જંગલોમાં અને શહેરોના પછાત વિસ્તારોમાં, અને અન્ય જગ્યાઓએ સખત મહેનત કરતા લોકોના જીવનને વર્ગખંડ સુધી લાવીએ છીએ.
પારીમાં કાર્યરત પત્રકારોને આપણા સમયના મહત્ત્વના મુદ્દાઓ પર યુવાનો સાથે જોડાવા માટે વર્ગખંડોમાં લાવવાનું કામ અમે અમે પારી શિક્ષણમાં કરીએ છીએ. શાળાઓ અને યુનિવર્સિટીઓમાં, શહેરી અને ગ્રામીણ ભારતમાં, અમે વાર્તાઓ, છબીઓ, ફિલ્મો, સંગીત અને કલાના અમારા સંગ્રહ દ્વારા વિવિધ વાસ્તવિકતાઓ રજૂ કરીએ છીએ.
ચેન્નાઈની એક હાઇસ્કૂલમાં ભણતા અર્ણવ જેવા વિદ્યાર્થીઓ સ્વીકારે છે, “અમે તેમને [તેમના સામાજિક−આર્થિક જૂથથી નીચેના લોકોને] આપણી જેમ જ વિવિધ સમસ્યાઓમાંથી પસાર થતા એક વાસ્તવિક વ્યક્તિને બદલે ફક્ત એક આંકડા તરીકે જોઈએ છીએ.”
સામાજિક મુદ્દાઓ જટિલ હોય છે, પરંતુ કેટલીકવાર તેમને ફક્ત એક વાર્તાની મદદથી સમજી શકાય છેઃ કટિંગ કેન ફોર 24 અવર્સ એ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના કૃષિ ખેડૂતો વિશેની એક વાર્તા છે જેઓ કામની શોધમાં શેરડીના ખેતરોમાં જાય છે, અને દિવસમાં 14 14 કલાક સુધી લણણી માટે તૈયાર સખત શેરડીને કાપે છે. આ વાર્તામાં તેમના અંગત કિસ્સાઓ અને કામ પ્રત્યેની તેમની હતાશાની શક્તિશાળી છબીઓ રજૂ કરાઈ છે, જે સમજાવે છે કે શા માટે મરાઠાવાડામાં 6 લાખ કૃષિ કામદારો શેરડી કાપવા માટેની આ વાર્ષિક મુસાફરી કરે છે.
શેરડીના કામદારો અનેક પરિબળો, નબળી નીતિઓ, મૂડી પાછળ વધતા ખર્ચ, અણધારી આબોહવાની ભાત અને અન્ય પરિબળોને કારણે સર્જાયેલી તીવ્ર કૃષિ કટોકટીની વાર્તા કહે છે. આ પરિવારોએ તેમના બાળકોને પણ તેમની સાથે લઈ જવા સિવાય છૂટકો નથી. જેના લીધે તેઓ લાંબા સમય સુધી શાળાની બહાર રહે છે અને તેમના અભ્યાસને પ્રતિકૂળ અસર થાય છે, જેનાથી તેમનું પોતાનું જીવન પણ તેમના માતાપિતાના જીવન જેવું અનિશ્ચિત બનવાની રાહમાં આગળ વધે છે.
જે શબ્દ વારંવાર પાઠ્યપુસ્તકોમાં જોવા મળે છે તે ‘ગરીબીના દુષ્ટ ચક્ર’ના આ વાસ્તવિક જીવનના ઉદાહરણને હવે વર્ગખંડોમાં બાળકોને બાળકો દ્વારા સીધું જ રજૂ કરવામાં આવે છે.
આ પ્રકારની વાર્તાઓ આર્થિક સફળતા ફક્તને ફક્ત જે તે વ્યક્તિની ક્ષમતાને લીધે હોય છે તેવી સામાન્ય ગેરસમજને દૂર કરવામાં મદદ કરી શકે છે.
વર્ગખંડમાં, ‘સફળતા’ પરની પ્રથમ દલીલ પર હવે એક અન્ય બાળક દ્વારા હુમલો કરવામાં આવે છે, જે પ્રત્યુત્તર આપે છે છે, “પણ રિક્ષાચાલક પણ ખૂબ મહેનત કરે જ છે.”
એવું નથી કે અમે ફક્ત અનન્ય અને મૂળ વાર્તાઓ, વ્યક્તિગત ટુચકાઓ, ચકાસેલ માહિતી અને વાર્તાઓ થકી જ સમાજ વિશે વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા નથી માંગતા, પરંતુ સહાનુભૂતિની લાગણી પણ પેદા કરીએ છીએ અને તેમને તેમના આરામદાયક ક્ષેત્રમાંથી બહાર કાઢવા માંગીએ છીએ. દિલ્હીના એક કોલેજના વિદ્યાર્થીએ અમને કહ્યું હતું, “તમે ખરેખર અમને અમારા બહારના જીવન તરફ ધ્યાન આપવા માટે દબાણ કર્યું છે.”
અમે પછી શિક્ષકો સાથે પણ કામ કરીએ છીએ, જેઓ અમે જ્યાંથી વાતને છોડીએ ત્યાંથી વાતને આગળ વધારે છે. તેઓ થર્મલ અને ગ્રીન એનર્જી પરના તેમના પાઠ માટે પારીમાં તપાસ કરે છે, અને આજીવિકા અને સંસ્કૃતિઓ પરના ટૂંકા વીડિયો બતાવે છે જેઓ પરિસ્થિતિ જેવી છે એવીને એવી જ રજૂ કરે છે. ભાષા શિક્ષકો જ્યારે વ્યાવસાયિક રીતે અનુવાદ કરતા અનુવાદકો દ્વારા અનુવાદ થયેલી વાર્તાઓ જુએ છે કે જેને શિક્ષણ સામગ્રી તરીકે સીધેસીધી ઉપયોગમાં લઈ શકાય ત્યારે તેઓની ખૂશીની કોઈ સીમા નથી હોતી. તેઓ પૂછે છે, “શું તમારી પાસે આ વાર્તાનું પંજાબી સંસ્કરણ છે?” અને અમે તેમને તે પૂરું પાડીએ છીએ! 14 ભાષાઓમાં. યુનિવર્સિટીના પ્રોફેસરો માટે, તે પારી પર ઉપલબ્ધ અન્ય સામગ્રી પૈકીની એક છે, જ્યાં જ્ઞાનનો મફત ખજાનો તેમનું સ્વાગત કરે છે.
*****
વર્ષ 2023ના વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારત 161મા ક્રમે સરકી ગયું છે. વૈશ્વિક મીડિયા વોચડોગ, રિપોર્ટર્સ વિથઆઉટ બોર્ડર્સ (આર.એસ.એફ.) ના એક અહેવાલ અનુસાર, આ યાદીમાં 180 દેશો શામેલ છે.
સોશિયલ મીડિયા પર સતત ખોટા સમાચારોથી ઘેરાયેલા યુવાનોને તમે વાસ્તવિક પત્રકારોની વિશ્વસનીયતાને નબળી પાડતી આ ચિંતાજનક ‘અલોકતાંત્રિક’ હકીકતને કેવી રીતે રજૂ કરી શકો?
યુનિવર્સિટીઓ પાસે આ માટે સંસાધનો છે, પરંતુ શાળાના વર્ગખંડોમાં અમુક અપવાદોને બાદ કરતાં કોઈ પાસે આ શક્યતા નથી.
પારી ખાતે સારું પત્રકારત્વ કેવી રીતે સત્તામાં રહેલા લોકો વિશેના સત્યને ઉઘાડું કરી શકે છે તે બતાવવા માટે અમે છબીઓ, વીડિયો અને બહુવિધ ભાષાઓમાં અમારી વાર્તાઓની શક્તિનો ઉપયોગ કરી રહ્યા છીએ, અને સત્યને બહાર લાવવાની ઇચ્છા ધરાવતા લોકોને આ શક્તિ આપીએ છીએ.
લોક કલાકારો, ટપાલીઓ, સ્થાનિક સંરક્ષણવાદીઓ, રબર ટેપ કરનારા લોકો, કોલસાના ભંગાર એકત્રિત કરતી મહિલાઓ અને અન્ય લોકો વચ્ચે કુશળ કારીગરો પરની વાર્તાઓ, વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની બહારનું સાંભળવાની અને શીખવાની કળા શીખવે છે, જે જ્ઞાન પ્રણાલીઓ વિશેની કલ્પનાઓને પડકાર આપે છે.
અમે વિષય નિષ્ણાત હોવાનો દાવો તો નથી કરતા. વર્ગખંડમાં પત્રકારો તરીકે અમારો ઉદ્દેશ એવા વાતાવરણને પ્રોત્સાહિત કરવાનો છે જ્યાં યુવાનો રાજ્યના સત્તાધારી લોકો પર સવાલ ઉઠાવે, સમાચારના વ્યાપમાં રૂઢિચુસ્તતા અને પક્ષપાતને પડકાર આપે અને જાતિ અને વર્ગના વિશેષાધિકારો પાસે જવાબ માગે. આ જ તેમને વારસામાં મળી રહેલી દુનિયા વિશે જાણવાની એક રીત છે.
કેટલીકવાર, અમારે સ્ટાફ તરફથી જાકારો વેઠવો પડે છે. વર્ગખંડોમાં જાતિને લગતા મુદ્દાઓ રજૂ કરવામાં અનિચ્છા જોવા મળે છે.
પરંતુ, આ વાર્તાઓને ન ફેલાવવાથી અને તેમને શાળાના વર્ગખંડોમાંથી બહાર ન કાઢવાથી આવતીકાલના નાગરિકો જાતિ દમનના સ્પષ્ટ જુલમોથી અજાણ રહેવાનો મંચ તૈયાર થઈ રહ્યો છે.
‘ કોઈ પણ જીવનનો અંત ગટરમાં ન આવવો જોઈએ ’ નામની અમારી વાર્તા વિદ્યાર્થીઓને દેશની રાજધાનીના એક મોંઘા વિસ્તાર વસંત કુંજ મોલમાં ગટરમાં મૃત્યુ પામેલા એક કામદાર વિશેની વાર્તા કહે છે. આ વાર્તા વાંચીને તેઓ આઘાત પામ્યા હતા, માત્ર આવા ગેરકાયદેસર અને સંભવિત જીવલેણ કામની પ્રકૃતિને કારણે નહીં, પણ ઘટનાની નિકટતાને કારણે પણઃ જે તેમની શાળાથી માત્ર થોડા જ કિલોમીટર દૂર ઘટી હતી.
આપણા વર્ગખંડોમાં આવા મુદ્દાઓને ‘દૂર રાખીને’ અથવા તેમની ‘અવગણના’ કરીને, આપણે ‘ઝળહળતા ભારત (ઇન્ડિયા શાઇનિંગ)’ ની ખોટી છબી રચવામાં ફાળો આપી રહ્યા છીએ.
અમે વિદ્યાર્થીઓને આવી વાર્તાઓ બતાવીએ, એટલે દર વખતે તેઓ અમને પૂછે છે કે તેઓ કેવી રીતે આમાં ફાળો આપી શકે છે.
જમીન પર કામ કરતા પત્રકારો તરીકે તાત્કાલિક ઉકેલો શોધવાની તેમની આતુરતાની અમે પ્રશંસા કરીએ છીએ, તેમ છતાં, અમારો ઉદ્દેશ ઝડપી સુધારાઓ આપવાને બદલે તેમની આસપાસના જીવનની તપાસ અને ફેરતપાસ કરવાની તેમની ભૂખને વધારવાનો છે.
અમે ઇચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ તેમની આસપાસ ઘટતી ઘટનાઓ માટે અમારા શબ્દે શબ્દ પર ભરોસો ન કરે, તેથી અમે તેમને બહાર જવા અને તેમની આસપાસની વસ્તુઓનું દસ્તાવેજીકરણ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, ત્યારે કે જ્યારે તેઓ વિદ્યાર્થીઓ હોય. પારી એજ્યુકેશન 2018માં શરૂ થયું ત્યારથી તેણે 200થી વધુ સંસ્થાઓ અને હજારો વિદ્યાર્થીઓ સાથે કામ કર્યું છે. અમે તેમના કાર્યને સમગ્ર ભારતમાંથી પ્રકાશિત કરીએ છીએઃ અનુસ્નાતકથી માંડીને ઉચ્ચ શાળાના વિદ્યાર્થીઓ આમાં ફાળો આપી રહ્યા છે અને તમે તેમનું બધું કાર્ય અહીં પારી પર વાંચી શકો છો.
તે અમારો ‘અનસેલ્ફી’ અભિગમ છે − જેમાં અમે તેમને પોતાના વિશે બ્લોગ લખવાથી દૂર રહીને બીજા કોઈના જીવનનું દસ્તાવેજીકરણ કરવા, તેમનો અવાજ બુલંદ કરવા, તેમના જીવન અને આજીવિકાથી શીખવા માટે પ્રેરિત કરીએ છીએ.
અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં અનુસ્નાતકનાં વિદ્યાર્થીની, દીપશિખા સિંહ, બિહારના લગ્નોમાં મહિલા નર્તકોના સંઘર્ષોને ઉજાગર કરીને તેના મૂળ સુધી પહોંચે છે. આ એક એવો વ્યવસાય છે જે ઘણીવાર ગ્લેમરસ બોલિવૂડ આઇટમ નંબરોથી ઢંકાઈ જાય છે. તેઓ જે રોજિંદી સામાજિક અને આર્થિક સતામણીનો સામનો કરે છે તેના વિશે નામ ન આપવાની શરતે વાત કરનાર એક નર્તક કહે છે , “પુરુષો તેમની કમર પર હાથ મૂકે છે અથવા અમારા બ્લાઉઝમાં તેમના હાથ ઘૂસાડવાનો પ્રયાસ કરે છે. આવા કૃત્યો બનવા અહીં રોજબરોજની બાબત છે.”
સામાજિક ક્ષેત્રમાં કામ કરતાં દીપશિખા માટે, નર્તકોને મળીને તેમની પૂછપરછ કરવાની અને વાતચીત કરવાની પ્રક્રિયા એક શીખવાનો અનુભવ રહી છે, જે અંગે તેઓ લખીને અમને જણાવે છે, “દસ્તાવેજીકરણનો આ અનુભવ મારી લેખનયાત્રામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, અને તેણે મને મહત્ત્વની વાર્તાઓ શેર કરવાનું ચાલુ રાખવા માટે પણ પ્રેરણા આપી છે. પારીના મિશનમાં વધુ યોગદાન આપવાની મને આશા છે.”
પારી એજ્યુકેશન ગ્રામીણ શાળાઓ અને વિદ્યાર્થીઓ સાથે પણ મળીને કામ કરે છે જેથી તેઓ તેમના ઘરોથી નજીકના અને તેમને જેની કદર છે તેવા મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવામાં મદદ કરી શકે. એ પણ તેમની ભાષામાં. કિશોર વયથી ઓછી વયના એક જૂથે ઓડિશાના જુરૂડીમાં હાટ-સાપ્તાહિક બજાર પર એક અહેવાલ આપ્યો હતો. તેઓએ ઘણી વખત હાટની મુલાકાત લીધી હતી અને તેમના અહેવાલ માટે માહિતી એકઠી કરવા માટે ખરીદદારો અને વિક્રેતાઓનો ઇન્ટરવ્યુ લીધો હતો.
પત્રકારો, અનન્યા ટોપનો, રોહિત ગાગરાઈ, આકાશ એકા અને પલ્લવી લુગુને પારીને તેમના અનુભવ વિશે કહ્યુંઃ “આ પ્રકારનું સંશોધન કાર્ય કરવું અમારા માટે એક નવી જ બાબત છે. અમે લોકોને શાકભાજી વિક્રેતાઓ સાથે વાટાઘાટો કરતા જોયા છે, પરંતુ અમે જાણીએ છીએ કે શાકભાજી ઉગાડવાનું કાર્ય કેટલું મુશ્કેલ છે. અમને આશ્ચર્ય થાય છે કે શા માટે લોકો ખેડૂતો સાથે ભાવ અંગે વાટાઘાટો કરતા હશે?
જે વિદ્યાર્થીઓ ગ્રામીણ ભારતમાં જતા નથી, તેમને પણ ત્રિવેંદ્રમમાં ખુલ્લું રસોડું ચલાવતા કચરો એકત્ર કરનાર એન. સરમ્માની વાર્તા જેવી ઘણી બાબતો વિશે લખવાનો મોકો મળે છે. સરમ્મા કહે છે, “હું આ નિયમનું કડક પાલન કરું છું કે કોઈએ ભૂખ્યું ન રહેવું જોઈએ, કારણ કે મેં મારા બાળપણ દરમિયાન અસહ્ય ગરીબીનો સામનો કર્યો હતો.”
આ વાર્તા આયશા જોયસ દ્વારા લખવામાં આવી હતી અને તેમને મદદ કરવા માંગતા વાચકો તરફથી હજારો લાઈક્સ અને કમેન્ટ્સ મળી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની દીકરી પણ શા માટે આ જ કામમાં લાગેલી છે, ત્યારે સરમ્મા કહે છે, “દલિતને કોણ નોકરી આપશે?” તેઓ આયશાને કહે છે, “લોકો હંમેશાં તપાસ કરે છે કે અન્ય લોકોના સંબંધમાં તમે કોણ છો. અમે ભલેને ગમે તેટલી કુશળતા દાખવીએ, ગમે તે કરીએ, તેમાંથી કોઈ છટકી શકતું નથી.”
અમે તેમને ઇન્ટરવ્યુ લેવાની તકનીકો, જેમનું ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યું હોય તેમની પાસેથી યોગ્ય સંમતિ મેળવવા અને વાચકને સંલગ્ન કરતી વિગતોના ક્રોસ-સેક્શનને કેપ્ચર કરવાની જરૂરિયાત પર પણ તાલીમ આપીએ છીએ. મહત્ત્વની વાત એ છે કે, વિદ્યાર્થીઓ આ વાર્તાઓ કેવી રીતે લખવી અને તેનું માળખું કેવી રીતે બનાવવું તે પણ શીખે છે જેથી તેઓ વ્યક્તિગત બ્લોગને બદલે માહિતગાર કરવાના ઉદ્દેશ્યના તરીકે જાહેર થાય.
જ્યારે કે પત્રકારત્વ ઘણીવાર બહુવિધ સ્રોતો અને ડેટા દ્વારા સમર્થિત લાંબા સ્વરૂપના તપાસના અહેવાલો સાથે સંકળાયેલું હોય છે, ત્યારે અમે અમારા વિદ્યાર્થીઓને લોકોની જીવનગાથા અને સરળ વાર્તા લખવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આ વાર્તાઓ વ્યક્તિઓના રોજિંદા અનુભવો, તેમના કામની પ્રકૃતિ, તેઓ જે રીતે તેમના કલાકો વિતાવે છે, તેઓ જે રીતે આનંદ મેળવે છે, તેઓ જે સંઘર્ષોનો સામનો કરે છે, અવરોધો સામે તેમની સ્થિતિસ્થાપકતા, તેમના જીવનનું અર્થશાસ્ત્ર અને તેમના બાળકો માટે તેમની આકાંક્ષાઓનું દસ્તાવેજીકરણ કરે છે.
પારી એજ્યુકેશન થકી અમારો પ્રયાસ એ છે કે યુવાનો પ્રામાણિક પત્રકારત્વના દૃષ્ટિકોણનો ઉપયોગ કરીને સામાજિક મુદ્દાઓને ઓળખે અને તેમની પ્રશંસા કરે. લોકો અને તેમની વાર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, વિદ્યાર્થીઓ પત્રકારત્વમાં અને તેમના વર્ગખંડોમાં પણ માનવતાને પાછી લાવે છે.
જો તમે ઇચ્છતા હોવ કે પારી તમારી સંસ્થા સાથે કામ કરે, તો કૃપા કરીને [email protected] પર અમારો સંપર્ક કરો.
આ લેખમાં બતાવવામાં આવેલી છબીઓ પારીના ફોટો એડિટર બિનાઈફર ભરૂચા દ્વારા લેવામાં આવી છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ