ઝાંખી પડી ગયેલી દિવાલો વાળા બે માળના મકાનના ઉપલા માળે, અઝલાન અહમદ તેના ઓરડાના એક ખૂણામાં તેના ફોન પર વ્યસ્ત બેઠો છે. તેના હાથ ધ્રુજી રહ્યા છે અને તે કશ્મીરીમાં તેની માતાને બૂમ પાડે છે, “મેં ગો ખબર ક્યા (મને નથી ખબર મને શું થઇ રહ્યું છે).” તે માથાના અને શરીરના દુખાવાની ફરિયાદ કરે છે. તેની માતા, સકીના બેગમ રસોડામાં પાણીનું ગ્લાસ લેવા દોડે છે. અઝલાનનો અવાજ સાંભળી, તેના પિતા બશીર અહમદ ઓરડામાં આવે છે અને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરે છે, એમ કહેતા કે ડોકટરોએ તેમને જાણ કરી દીધી હતી કે ડ્રગ્સ છોડવાના આ પ્રકારના લક્ષણો રહેશે.

સમય જતા, સકીના બેગમ અને બશીરે (ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે બધા નામો બદલી કાઢવામાં આવ્યા છે)૨૦ વર્ષિય અઝલાનના ઓરડાને તાળું મારવાનું શરૂ કરી દીધું છે, અને તેમના ઘરની ૧૦ બારીઓને બંધ રાખવામાં આવે છે. ઓરડો રસોડાની નજીક છે, જ્યાંથી તેની માં તેના પર સાવધ નજર રાખી શકે છે. “પોતાના દીકરાને બંધ રાખવું દુઃખદાયક છે, પરંતુ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી,” ૫૨ વર્ષના સકીના બેગમ, એ ડર સાથે કહે છે, કે જો તેમનો દીકરો બહાર નીકળી જશે તો તે ડ્રગ્સની શોધ શરુ કરી દેશે.

બેરોજગાર અને ભણતર અધ્વચ્ચે છોડનાર, અઝલાનને હેરોઈનની લત લાગે બે વર્ષ થઇ ગયા છે. નશો કરવાની આ ટેવ ચાર વર્ષ પહેલાં જૂતાની પોલીશની સાથે શરુ થઇને મેડીસીનલ ઓપીએટ્સ (ઊંઘ લાવનારી અને દરદ ઓછું કરનારી અફીણવાળી દવા) અને ચરસ અને છેવટે હેરોઈન સુધી પહોંચી.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ચૂરસૂ વિસ્તારમાં રહેતા અઝલાનના પરિવાર માટે આ વ્યસન એક આઘાત છે. “ડ્રગ્સ ખરીદવા તેણે તેની માંની એરિંગ્સથી લઈને તેની બહેનની વીંટી સુધી, અમારી પાસે જે કઈ મૂલ્યવાન વસ્તુ હતી તે બધી વેચી દીધી છે,” ૫૫ વર્ષિય ડાંગરના ખેડૂત બશીર કહે છે. અઝલાને તેમનું એટીએમ કાર્ડ ચોરીને તેમના ખાતામાંથી આશરે રૂ. ૫૦,૦૦૦ ઉપાડી લીધા પછી તેમને પોતાના દીકરાની ડ્રગ લેવાની ટેવ વિષે જાણ થઇ. “અમારે ઘેર રોકાતા અતિથિગણ પણ અહીં તેમના પૈસા ચોરી થવાની ફરિયાદ કરતા,” તેઓ ઉમેરે છે.

પરંતુ સમસ્યા વિષે સંપૂર્ણ રીતે થોડા મહિના પહેલાં જાણ થઇ જ્યારે બશીરે તેમના દીકરાને હેરોઇન ખરીદવા પોતાની ૩૨ વર્ષિય બહેનની આંગળીમાંથી એક વીંટી ઝોટતા જોયો. “બીજા જ દિવસે હું તેને સારવાર માટે શ્રીનગરના ડ્રગ ડી-એડિક્શન સેન્ટર (વ્યસન મુક્તિ કેન્દ્ર) લઈ ગયો. મેં મારા પુત્ર પર આંધળો વિશ્વાસ કર્યો અને કદી વિચાર્યું ન હતું કે તેને એક દિવસે નશાબાજ કહેવામાં આવશે,” તેઓ કહે છે.

Left: A young man from the Chursoo area (where Azlan Ahmad also lives) in south Kashmir’s Anantnag district, filling an empty cigarette with charas.
PHOTO • Muzamil Bhat
Right: Smoking on the banks of river Jhelum in Srinagar
PHOTO • Muzamil Bhat

ડાબે: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ચુરસૂ વિસ્તારનો (જ્યાં અઝલાન અહમદ પણ રહે છે) એક યુવાન, ખાલી સિગારેટને ચરસથી ભરી રહ્યો છે. જમણે: શ્રીનગરમાં જેલમ નદીના કાંઠે ચીલમ પીવી

આ વ્યસન મુક્તિ કેન્દ્ર શ્રીનગરના કરણનગર વિસ્તારમાં શ્રી મહારાજા હરિ સિંઘ (એસએમએચએસ) હોસ્પિટલમાં ચૂરસૂથી લગભગ ૫૫ કિલોમીટર દૂર સ્થિત છે. અઝલાનની જેમ ડ્રગ્સની લતથી પીડિત સમગ્ર કાશ્મીરમાંથી ઘણા લોકો અહીં સહાય માટે આવે છે. આ કેન્દ્રમાં ૩૦ પથારીઓ અને એક આઉટ-પેશન્ટ વિભાગ છે, અને તેનું સંચાલન શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજના માનસિક આરોગ્ય અને ન્યુરોસાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (આઇએમએચએએનએસ) દ્વારા કરવામાં આવે છે.

તેમનામાંનો એક ઉત્તર કાશ્મીરના કુપવાડા જીલ્લાનો કૈસર ડાર (નામ બદલાયેલ) છે. જીન્સ અને પીળા રંગની જેકેટમાં, તે ૧૯ વર્ષિય યુવાન, મનોચિકિત્સકને મળવા માટે તેના વારાની રાહ જોતા સુરક્ષાકર્મીઓ સાથે મજાક કરે છે. જ્યારે અંદર જવાનો સમય આવે છે ત્યારે તેનું સ્મિત ફીક્કું પડી જાય છે.

એક મિત્ર દ્વારા ચરસનો પરિચય થયો તે પહેલાં, કૈસર કુપવારામાં સરકારી કોલેજમાં ભણતો અને ક્રિકેટ તથા ફૂટબોલ રમવામાં મસ્ત રહેતો હતો. અઝલાનની જેમ, તેણે પણ જુદાં જુદાં ડ્રગ્સનો અનુભવ કર્યો, અને છેલ્લે હેરોઈનની લતે ચડ્યો. કૈસર, જેના પિતા એક રાજ્ય કક્ષાની શાળામાં એક પ્રાઈમરી ટીચર તરીકે ફરજ બજાવે છે, અને મહીને  રૂ. ૩૫૦૦૦ કમાય છે, કહે છે કે “મેં કોરેક્ષ (એક કફ સીરપ) અને બ્રાઉન સુગરથી શરૂઆત કરી હતી, અને અત્યારે હેરોઈનનું વ્યસન કરું છું,”. “એક ડોઝ લેવાથી એવી ખુશીનો અનુભવ થયો, જાણે બધાં જ દુઃખોથી છુટકારો મલી ગયો હોય. એટલે મેં વધારે ડોઝ લેવાની શરૂઆત કરી. અને બે ડોઝમાં તો હું તેનો આદી બની ગયો.”

એસ.એમ.એચ.એસ. હોસ્પિટલના વ્યસન-મુક્તિ કેન્દ્રના સાયક્યાટ્રીસ્ટસ કહે છે, કે આખા કાશ્મીરમાં હેરોઈનનું વ્યસન એક રોગચાળાની જેમ ફેલાયેલ છે. આઈ.એમ.એચ.એ.એન.એસ. ખાતે એક પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. અર્શદ હુસૈન કહે છે, “આમાં ઘણાં બધાં પરિબળ ભાગ ભજવે છે- રોજ ચાલતા સંઘર્ષ, બેરોજગારી, પરિવારનું વિખેરાઈ જવું, શહેરીકરણ અને ચિંતા એમાંના સામાન્ય કારણો છે”.

અને કેટલાક સર્વેક્ષણ મુજબ, કાશ્મીરમાં ૨૦૧૬ પછી ડ્રગનો દુરુપયોગ વધ્યો છે. વ્યસન-મુક્તિ કેન્દ્રના મુખ્યા ડો. યાસીર રાઠેર કહે છે, કે “૨૦૧૬માં જ્યારે હિઝબુલ મુજાહિદીનનો કમાન્ડર, બુરહાન વાની મરાયો, ત્યાર પછી હેરોઈનનું વ્યસન ખૂબ જ ઝડપથી વધ્યું છે [૮ જુલાઈ, ૨૦૧૬, સિક્યુરીટી ફોર્સ દ્વારા]. અમને ૨૦૧૬માં ૪૮૯ દર્દીઓ જોવા મલ્યા. ૨૦૧૭માં ઓપીડીમાં ૩૬૨૨ દર્દીઓ હતાં, જેમાં ૫૦ ટકા તો હેરોઈનના વ્યસની છે,”.

A growing number of families are bringing their relatives to the 30-bed Drug De-addiction Centre at the Shri Mahraja Hari Singh Hospital in Srinagar
PHOTO • Muzamil Bhat
A growing number of families are bringing their relatives to the 30-bed Drug De-addiction Centre at the Shri Mahraja Hari Singh Hospital in Srinagar
PHOTO • Muzamil Bhat

શ્રીનગરમાં, શ્રી મહારાજા હરી સિંહ હોસ્પિટલ ખાતે, ૩૦ પથારીની સુવિધાવાળા વ્યસન-મુક્તિ કેન્દ્રમાં પોતાના દર્દીઓ લઈને આવતા પરિવારોની સંખ્યા વધી રહી છે

ડો. રાઠેર કહે છે, કે ૨૦૧૮માં, દર્દીઓની સંખ્યા ૫૧૧૩ હતી. ૨૦૧૯માં નવેમ્બર સુધી વ્યસન-મુક્તિ કેન્દ્રમાં ૪૪૧૪ દર્દીઓ દાખલ કરાયા, તેમાં ૯૦ ટકા જેટલા દર્દીઓ હેરોઈનના વ્યસની હતા. વધુમાં તેઓ કહે છે કે, પણ મુખ્ય કારણ તો ડ્રગ્સની “સરળતાથી ઉપલબ્ધતા, સરળતાથી ઉપલબ્ધતા, અને સરળતાથી ઉપલબ્ધતા જ છે.”

ડો. હુસૈન સમજાવે છે કે “સામાન્ય રીતે વ્યસનની શરૂઆત આનંદ માટે ડ્રગ લેવાથી થાય છે. પરમસુખ ભોગવા માટે તમે ડ્રગનો ડોઝ વધારતા જાઓ છો. પછી એક દિવસ તમને તે ડ્રગથી ટેવાઈ જવાનો ભાન થાય છે, અને પછી તમે કાં તો ઓવરડોઝના કારણે મૃત્યુ પામો છો, કાં તો બીજી સમસ્યાઓમાં સપડાઈ જાઓ છો.”. વ્યસન-મુક્તિ કેન્દ્ર ખાતે એક સાયક્યાટ્રીસ્ટસ , ડો. સલીમ યૂસુફ કહે છે, કે “વ્યસનીનો મિજાજ (મૂડ) બદલાયા કરે છે, તથા તેને ગભરામણ અને હતાશા થવા માંડે છે, અને પછી તે પોતાના રૂમમાં જ કેદ રહેવાનું પસંદ કરે છે.”

અઝલાનના માતા-પિતા આ વાત સારી રીતે જાણે છે. સકીના બેગમ કહે છે કે તે તેમની સાથે ખૂબ ઝઘડ્યા કરતો. એકવાર તેણે હાથ વડે કિચનની બારીના કાચ તોડી નાખ્યા હોવાથી, હાથે ટાંકા લેવા તેને ડોક્ટર પાસે લઈ જવો પડ્યો હતો. તેઓ કહે છે, “આ બધું તેનાથી ડ્રગ્સ કરાવતી”.

ડો. રાઠેર કહે છે કે, હેરોઈન જુદી જુદી રીતે લઈ શકાય છે – ઇન્જેક્શન દ્વારા નસમાં, પાવડર કે ધુમાડા સ્વરૂપે સુંઘીને લઈ શકાય છે. જો કે, નસ દ્વારા લેવાથી વ્યસનીને વધારે આનંદ મળે છે. હેરોઈનના લાંબાગાળાના ઉપયોગથી મગજની કાર્ય-ક્ષમતા બદલાઈ જાય છે. આ ટેવ ખૂબ જ મોંઘી પણ છે – એક ગ્રામના સામાન્ય રીતે રૂ. ૩૦૦૦ થાય છે, અને ઘણા વ્યસનીઓને દિવસમાં ઓછામાં ઓછા ૨ ગ્રામની જરૂર પડે છે.

તેથી જ્યારે કુલગામ જિલ્લાના એક ૨૫ વર્ષિય ટેક્સી ડ્રાઈવર તૌસીફ રઝાએ (નામ બદલેલ છે) હેરોઈન માટે એક દિવસના રૂ. ૬૦૦૦ વાપરવા માંડ્યાં, તો તેની રોજની રૂ. ૨૦૦૦ ની કમાણી ઓછી પાડવા લાગી. તો તેણે તેના એવા મિત્રો કે જે તેની આદતથી અજાણ્યા હતા અને દારૂ પિતા ન હતા, તેમનાથી ઉધાર લેવાનું શરૂ કર્યું. અને તેના વ્યસની મિત્રો જોડેથી જૂઠું બોલીને પૈસા લેવાનું શરૂ કર્યું કે તેને સર્જરી માટે પૈસાની જરૂર છે. આ રીતે તેણે એક લાખ જેટલાં રૂપિયા તેણે ભેગા કરીને હેરોઈનના ઇન્જેક્શન લેવાનું શરૂ કર્યું.

Patients arriving at the De-Addiction Centre’s OPD are evaluated by psychiatrists and given a drug test. The more severe cases are admitted to the hospital for medication and counselling
PHOTO • Muzamil Bhat

વ્યસન-મુક્તિ કેન્દ્રની ઓપીડીમાં આવતા દર્દીઓની સાયક્યાટ્રીસ્ટસ દ્વારા તપાસ કરીને તેમનો ડ્રગ ટેસ્ટ કરાય છે. વધારે ગંભીર દર્દીઓને સારવાર અને કાઉન્સેલિંગ માટે હોસ્પિટલમાં દાખલ કરાય છે

મિત્રો ડ્રગ્સ લેતા હોવાના કારણે તૌસીફે ડ્રગ્સ લેવા માંડી. તે યાદ કરતા કહે છે, “તેથી મને થયું કે હું પણ ટ્રાઈ કરું. જોત જોતામાં તો હું તેનો વ્યસની બની ગયો. જે દિવસે મને ડ્રગ્સ ના મળે, તે દિવસે હું મારી પત્નીને મારતો. મેં ત્રણ વર્ષ હેરોઈન લીધું અને મારું સ્વાસ્થ્ય બગડવા માંડ્યું. મને ઊબકાં આવતાં અને સ્નાયુઓમાં ખૂબ પીડા થતી. પછી મારી પત્ની મને એસ.એમ.એચ.એસ. હોસ્પિટલ લઈ આવી, ત્યારથી હું અહીં સારવાર હેઠળ છું.”

વ્યસન-મુક્તિ કેન્દ્રની ઓપીડીમાં આવતા દર્દીઓની સાયક્યાટ્રીસ્ટસ દ્વારા તપાસ કરીને તેમનો ડ્રગ ટેસ્ટ કરાય છે. વધારે ગંભીર દર્દીઓને કાઉન્સેલિંગ અને થેરાપી માટે હોસ્પિટલમાં દાખલ કરાય છે. શ્રીનગરમાં સરકારી મેડીકલ કોલેજ ખાતે સાઈકિયાટ્રી વિભાગમાં એક ડોક્ટરની ફરજ બજાવતા ડો. ઇક્રા શાહ કહે છે, કે “એક અઠવાડિયા પછી, જો તપાસ કર્યા પછી અમને જણાય છે કે દર્દી ઉપર સારવારથી અસર થઈ રહ્યું છે, તો અમે તેને ડીસ્ચાર્જ કરી દઈએ છે,”.

ડોકટરો ડ્રગ વિથડ્રોવલ (ડ્રગ છોડ્યા પછી દેખાતાં લક્ષણ)નો દવાઓ થકી ઇલાજ કરે છે. ડો. યૂસુફ કહે છે કે, “એકવાર તમે ડ્રગ લેવાનું બંધ કરો, તો તમને વધારે પરસેવો આવે, શરીરમાં ધ્રુજારી, ચક્કર, અનિદ્રા, સ્નાયુ દર્દ અને શરીરમાં દુખાવો થાય,”. ડો. હુસૈન જણાવે છે કે ઘણા દર્દીઓ જે ડ્રગની લતના કારણે ગાંડા થઈ જાય છે, તેમને આઈ.એમ.એચ.એ.એન.એસ.માં દાખલ કરાય છે.

કાશ્મીરમાં ડ્રગ લેતી સ્ત્રીઓ પણ છે, પરંતુ તેમને શ્રીનગર ખાતે વ્યસન-મુક્તિ કેન્દ્રમાં સારવાર અપાતી નથી. ડો. યૂસુફ કહે છે, “એવી પણ સ્ત્રીઓ છે કે જે હેરોઈન અને અન્ય ડ્રગ્સની લતે લાગેલી છે, પણ આવી સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. અમારી પાસે તેમના માટે પૂરતી સવલતો ન હોવાથી, અમે ઓપીડીમાં તેમને સારવાર આપ્યા પછી તેમના માતા-પિતાને ઘરે તેમની સારવાર કરવાનું સૂચવીએ છીએ,”. ડોકટરો માતા-પિતાને તેમના બાળકની સંભાળ લેવાનું સૂચવે છે, તેમને ડ્રગના દુરુપયોગ વિષે માહિતી આપે છે, અને તેમને ખાતરી રાખવાનું કહે છે કે તેમનું બાળક ટાઈમસર દવા લે અને એકલુ ન રહે.

ડીસેમ્બર ૨૦૧૯ સુધી, શ્રીનગરમાં માત્ર એક જ વ્યસન-મુક્તિ કેન્દ્ર હતુ. તેમાં આઈ.એમ.એચ.એ.એન.એસ.થી જોડાયેલ, ૨૦ સાયક્યાટ્રીસ્ટસ, ૬ કલીનીકલ સાઈકોલોજીસ્ટ્સ, ૨૧ સ્થાયી ડોક્ટર, અને ૧૬ કલીનીકલ સાઈકોલોજીના રીસર્ચ વિદ્યાર્થીઓ સહિત, ૬૩ જણનો સ્ટાફ હતો. ડો. હુસૈન કહે છે કે આ વર્ષે, સરકારે બારામુલ્લા, કઠુઆ અને અનંતનાગમાં અન્ય ત્રણ વ્યસન-મુક્તિ કેન્દ્રો શરૂ કર્યા છે, અને જિલ્લાની હોસ્પિટલોમાં સાઈક્યાટ્રીસ્ટ્સોએ ડ્રગના વ્યસનીઓને તેમની ઓપીડીમાં તપાસવાનું શરૂ કર્યું છે.

Left: A young boy in a village on the outskirts of Srinagar using heroin.
PHOTO • Muzamil Bhat
Right: In Budgam,  a young man ingesting heroin
PHOTO • Muzamil Bhat

ડાબે: એક નવ યુવક શ્રીનગરની બહાર હેરોઈન લેતો નજરે પડે છે. જમણે: બુદગામમાં, એક યુવક ઇન્જેક્શન વડે હેરોઈન લઈ રહ્યો છે

કાશ્મીરના ક્રાઈમ બ્રાંચ અધિકારી કહે છે કે ૨૦૧૬થી ચરસ, બ્રાઊન શુગર અને અન્ય ડ્રગ્સનો માલ એલ. ઓ. સી.માંથી કાશ્મીરની અંદર લાવવાનું વધી ગયું છે. (કોઈ એવું નથી કે જે આના વિષે કંઈક બોલે.) પરિણામે ડ્રગ-સીઝરની તકલીફો પણ વધી ગઈ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસની ક્રાઈમ મેગેઝીન, ૨૦૧૮માં લખેલું છે કે તે વર્ષે લગભગ ૨૨ કિલો જેટલું હેરોઈન, ઉપરાંત ૨૪૮.૧૫૦ કિલો જેટલું ચરસ અને ૨૦ કિલો જેટલું બ્રાઊન શુગર પોલીસે જપ્ત કર્યું છે.

પોલીસ દ્વારા દરરોજ બહાર પડતા પ્રેસ રીલીઝમાં એવો દાવો કરવામાં આવે છે કે કાશ્મીરમાં ખસખસનો પાક – ઓપીએટ અને હેરોઈનનો સ્ત્રોત - ઉગાડેલી હજારો એકર જમીનનો નાશ કરવામાં આવ્યો, અને ડ્રગ્સ વેચનારાઓની ધરપકડ કરવામાં આવી. પરંતુ હકીકતમાં સમસ્યા નિરંતર ચાલુ છે. પુલવામા જિલ્લાના રોહમુંનો ૧૭ વર્ષિય મિકેનિક મુનીબ ઇસ્માઇલ (અહીં નામ બદલેલ છે) કહે છે, “મારા વિસ્તારમાં, હેરોઈન સિગારેટની જેમ મળે છે. મને તેને મેળવવામાં જરાય તકલીફ ઉઠાવવી પડતી નથી.” વ્યસન-મુક્તિ કેન્દ્રમાં અન્ય વ્યસનીઓ કહે છે કે ડ્રગ્સનું ઉત્પાદન કરવું સહેલું છે. ડીલરો, જે સ્થાનિક લોકોમાંથી જ હોય છે, તેઓ મૌખિક પ્રચાર દ્વારા ડ્રગ્સ વેચે છે. તેઓ જુવાન છોકરા-છોકરીઓને પહેલીવાર મફતમાં પીવા માટે આપીને ડ્રગ્સની લત તરફ દોરે છે, જેવા એકવાર તેઓ જાળમાં ફસાય છે કે પછી તેઓ તેમને ડ્રગ્સ વેચવાનું ચાલુ કરે છે.

દાખલા તરીકે, દક્ષીણ કાશ્મીરના એક વિસ્તારમાં, વ્યસનીઓ ખુલેઆમ ડ્રગ્સ વેચનારના ઘેર જઈ ડ્રગ્સ લે છે, વ્યસન-મુક્તિ કેન્દ્રના એક સાઈક્યાટ્રીસ્ટ તેના નામને જાહેર ન કરવાની વિંનતી કરતાં કહે છે. “તેઓ કહે છે કે પોલીસ પણ ડીલરના આ ઘર વિષે જાણે છે, પણ તેઓ તેની સામે કોઈ કાર્યવાહી નથી કરતા,” તે કહે છે. વાદીમાં આવાં બીજાં પણ ઘર છે. (કવર ફોટોમાં બુદગામમાં એક વ્યસની ડ્રગ પીધા પછી ઘરની બહાર આંટા મારતો જોઈ શકાય છે.)

જો કે શ્રીનગરના એક સિનિયર ઉપરી અધિકારી પોલીસ, હસીબ મુગલ, પોતાની વાત રજૂ કરતાં કહે છે કે ડ્રગ્સની લત એક મેડીકલ સમસ્યા છે. “ડોકટરો દ્વારા તેની સારવાર થવી જોઈએ. કાશ્મીરમાં વધુને વધુ વ્યસન-મુક્તિ કેન્દ્રો ખોલવા જોઈએ જેથી ડ્રગ્સના દુરુપયોગને રોકી શકાય,” તેઓ એક ઇન્ટરવ્યુમાં કહી રહ્યા હતા.

Left: A well-known ground  in downtown Srinagar where addicts come for a smoke. Right: Another spot in Srinagar where many come to seek solace in drugs
PHOTO • Muzamil Bhat
 Another spot in Srinagar where many come to seek solace in drugs
PHOTO • Muzamil Bhat

ડાબે: શ્રીનગરના મુખ્ય વિસ્તારમાં એક પ્રખ્યાત મેદાનમાં વ્યસનીઓ ડ્રગ્સ પીવા માટે જાય છે. જમણે: શ્રીનગરની એક અન્ય જગ્યા,જ્યાં ઘણા લોકો ડ્રગ્સમાં રાહત શોધે છે

જુન ૨૦૧૯માં, લોકોના પ્રતિસાદ આવ્યા બાદ, રાજ્ય સરકારે જમ્મુ અને કાશ્મીર માટે સૌથી પહેલી ડ્રગ વ્યસન-મુક્તિ પોલીસી નક્કી કરી છે. તબક્કાવાર તેનું અમલીકરણ પણ થાય છે. છેલ્લા બે દાયકાથી જમ્મુ અને કાશ્મીરમાં પદાર્થ-ઉપયોગની વિકૃતિઓમાં નોંધપાત્ર વધારો દર્શાવતા લખાણમાં જોવા મળે છે કે, “તાજેતરમાં થયેલા અભ્યાસો પરથી પદાર્થના ઉપયોગની દૃષ્ટિએ ડ્રગ્સ લેતી સ્ત્રીઓની સંખ્યામાં વધારો, ડ્રગ્સ લેવાની પ્રાથમિક વયમાં ઘટાડો, દ્રાવકો તથા ઇન્જેક્શન દ્વારા લઇ શકાય એવા ઓપીએટ્સનો અતિ-ઉપયોગ તેમ જ ડ્રગ્સ લેવાથી (ઓવર ડોઝના કારણે અને અકસ્માતોથી) થતી મૃત્યુની બાબતમાં ભયજનક બદલાવ જોવા મળ્યો છે. ”

પોલીસીમાં સરકારી મેડીકલ કોલેજ, પોલીસ, માહિતી વિભાગ, નાર્કોટિક્સ નિયંત્રણ બ્યુરો, આરોગ્ય સેવાઓ અને એઇડ્સ નિયંત્રણ સોસાઈટીનું નિયામક મંડળ તેમ જ વ્યસન-મુક્તિ સંલગ્ન ખાનગી સંસ્થાઓને પદાર્થના દુરુપયોગને નિયંત્રણમાં રાખવા માટે મધ્યસ્થ બનાવવામાં આવી છે.

આવી સમસ્યાઓના નિવારણ માટે ધાર્મિક સંસ્થાઓ અને શાળાઓનો આશ્રય સધાયો છે. જુન ૨૦૧૯માં શ્રીનગર ખાતે સંડાસમાં એક જુવાનનું મોત - જે ડ્રગને કારણે થયા હોવાની શંકા હતી - થયા પછી, ડેપ્યુટી કમિશનર શાહિદ ઇકબાલ ચૌધરીએ ધાર્મિક ઉપદેશકોને આગ્રહ કર્યો કે, “તેઓ વધતા જતા ભયજનક ડ્રગના વ્યસન સામે કડક શબ્દોમાં બોલે.” આ ઘટના પછી, એક ખુત્બામાં હુર્રિયતના વડા અને શ્રીનગરની જામા મસ્જિદના મુખ્ય ઇમામ, મીરવાઈઝ ઉમર ફારૂકે કહ્યું કે મોટા પ્રમાણમાં જુવાનો ડ્રગ્સના વ્યસન તરફ દોરાઈ રહ્યા છે તે ભયજનક છે. ફારૂકે કહ્યું “મહેનત વગર મળતા પૈસા અને સરળ ઉપલબ્ધતા, વાલીઓની બેદરકારી અને કાયદાકીય રીતે નિષ્ક્રિયતા બધું જવાબદાર છે. આપણે આ જોખમને ટાળવા આ બધા મોરચે કામ કરવાની જરૂર છે.”

પરંતુ અત્યારે, જોખમ ચારેકોર છે, અને ઘરમાં નજરકેદ અઝલાનની જેમ ઘણા પરિવાર છે, જે પોતાના બાળકોને આ વાતાવરણમાંથી બહાર લાવવા માટે મંથી રહ્યા છે. બશીર કહે છે, કે  “જ્યારે અઝલાનને દાખલ કર્યો ત્યારે મેં ઘણાં અઠવાડિયાં વ્યસન-મુક્તિ કેન્દ્રમાં વિતાવ્યાં હતાં. અત્યારે પણ અઝલાન ઠીક છે કે નહીં એ જોવા મારે કામ છોડીને ઘેર આવવું પડે છે. હું આર્થિક અને શારીરિક બંને રીતે ખંખેરાઈ ગયો છું. અઝલાનના વ્યસને મારી કમર ભાંગી નાખી છે.”

અનુવાદ: મહેદી હુસૈન

Shafaq Shah

Shafaq Shah is a Srinagar based freelance journalist.

यांचे इतर लिखाण Shafaq Shah
Translator : Mehdi Husain

Mehdi Husain is an Ahmedabad based article writer and translator, who works across Gujarati, Urdu and English languages. He is the editor of Prasann Prabhat online Guajarati magazine. He also works at Meher Library and Jafari Seminary as a proof reader.

यांचे इतर लिखाण Mehdi Husain