ચાળીસ વર્ષની માલન પગની ઘૂંટી સુધીનું લાંબુ સ્કર્ટ અને એને બહુ જ ગમતું ફૂલોની ડિઝાઇનવાળું બ્લાઉઝ પહેરીને ઘરની બહાર ખાટલા પર બેઠી બેઠી એની માના ઘેર પાછા આવવાની રાહ જુએ છે. મને જોઈને એનો ચહેરો ખીલી ઊઠે છે. પહેલાં એકવાર હું એને ત્યાં ગયેલી એટલે એણે મને ઓળખી લીધી. એમના ઈંટ-પથ્થર-માટીના બે રૂમના ઘરને ઉંબરે હું બેઠી એટલે એણે મને કહ્યું, “ આઈ ઘરી નાહિ [મા તો ઘરમાં નથી].”
મલન મોરે પૂના જિલ્લાના મુળશી તાલુકાના વાડી ગામમાં એની 63 વર્ષની માતા રાહીબાઈ અને 83 વર્ષના પિતા નાના સાથે રહે છે. (એમના અને એમના ગામના નામ બદલ્યા છે.) તેમનો પરિવાર લગભગ ત્રણ એકર જમીનમાં ડાંગર, ઘઉં અને શાકભાજીની ખેતી કરે છે.
માલન અઢારેક વર્ષની થઈ ત્યારે પૂનાની સસુન હોસ્પિટલના ડૉક્ટરોએ એને 'હળવી માનસિક વિકલાંગતા' હોવાનું નિદાન કરેલું.
એ પહેલાં બાર વર્ષ સુધી એ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ભણતી હતી. રાહીબાઈએ કહ્યું , “ એની સાથે ભણતા બધાં છોકરાં ચોથું ધોરણ પાસ કરીને આગલા ધોરણમાં ગયા પણ આ છોકરી જમીન પર લીટા તાણવા સિવાય કશું કરી શકતી નહોતી. આખરે એના વર્ગશિક્ષકે મને કહ્યું કે આ છોકરીને શાળામાંથી ઉઠાડી લો.” એ વખતે માલન પંદરેક વર્ષની હતી.
ત્યારથી માલન ઘરમાં રહે છે અને મન થાય તો એની માને ઘરના નાના નાના કામોમાં મદદ કરીને દિવસો પસાર કરે છે. એ ભાગ્યે જ વાતો કરે છે અને તે પણ માત્ર એની મા રાહીબાઈ અને બીજા થોડા લોકો સાથે જ. જોકે એ પોતે વાત સમજે છે અને પોતાની વાત કહી પણ શકે છે. મેં એની સાથે વાત કરી ત્યારે એ હસી, માથું ધૂણાવીને જવાબ આપ્યો અને થોડું થોડું બોલી પણ ખરી.
માલન બારેક વર્ષની હતી ત્યારે એને પહેલી વાર માસિક આવેલું. એ વખતે એણે રાહીબાઈને કહેલું, ‘મને લોહી નીકળે છે.’ માએ એને કાપડના પેડ્સ વાપરતાં શીખવાડેલું. “ એ વખતે મારા છોકરાના લગ્ન લેવાયેલાં અને ઘરમાં લગ્નવિધિઓ ચાલતી હતી. એટલે મારી જેમ એણે પણ (માસિક વખતે) ‘બહાર બેસવાનું' શરુ કર્યું." ઓરડાના એક ખૂણે બેસી રહેવાનું, રસોડામાં નહીં પેસવાનું વગેરે પ્રતિબંધોના સંદર્ભમાં રાહીબાઈ કહે છે. માલનને માસિક સ્ત્રાવ બાબતે એની મા જ એકમાત્ર માહિતીસ્ત્રોત હતી. એટલે એણે રાહીબાઈ જેમ કરતી હતી એમ કરવા માંડ્યું.
વખત જતાં રાહીબાઈને લોકોએ સલાહ આપી કે એનું ગર્ભાશય કઢાવી નાખો. રાહીબાઈ કહે છે, “કોઈ કોઈ વાર માલનને પાંચ-છ મહિના સુધી માસિક ન આવે, અને મને ચિંતા થાય [કે ગર્ભ તો નહીં રહી ગયો હોય]. એ બહુ બોલતી નથી એટલે કશું થયું હોય તો ય મને ખબર કઈ રીતે પડે? બે વાર તો હું એને [વાડી ગામથી પચાસેક કિલોમીટર દૂર] પૂનાના ફેમિલી પ્લાનીંગ [ફેમિલી પ્લાનીંગ એસોસિએશન ઑફ ઈન્ડિયા]ના દવાખાને પરીક્ષણ કરાવવા લઈ ગઈ. બીજી વખત 2018માં જવું પડેલું.” આમ તો ગર્ભ રહ્યો છે કે નહીં એનું પરીક્ષણ કરવાની કીટ દવાની દુકાને મળી શકે પણ માલનની બાબતમાં રાહીબાઈને એ ન ફાવે.
આપણા સમાજમાં માસિક આવવાની પ્રક્રિયાને એક જાતની ‘કટકટ (માથાકૂટ)’ કે સમસ્યા સમજવામાં આવે છે. વળી, જાતીયતા વિષેની તાલીમનો પણ અભાવ છે, અને વિકલાંગ છોકરીઓ અને સ્ત્રીઓ માટે સંસ્થાગત સાથ પણ ખાસ મળતો નથી એ હાલતમાં વિકલાંગ છોકરીઓ માટે હિસ્ટરેકટોમી અથવા શસ્ત્રક્રિયા દ્વારા પ્રજનન અંગો (ગર્ભાશય) કઢાવી નાખવા એ જ એકમાત્ર ઉકેલ ગણવાનું વલણ છે.
જ્યારે 18 થી 35 વર્ષની માનસિક વિકલાંગ મહિલાઓની હિસ્ટરેકટોમી પૂનાની સસૂન જનરલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી ત્યારે 1994માં સૌથી પહેલી વાર આ પ્રથા અખબારોના મથાળે ચમકી. તેઓને પૂના જિલ્લાના શીરૂર તાલુકાની માનસિક વિકલાંગ છોકરીઓ માટેની સરકાર દ્વારા પ્રમાણિત નિવાસી શાળામાંથી (આવી શસ્ત્રક્રિયા માટે) ત્યાં લાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે માસિક સ્રાવ અને મહિલાઓ સાથેના કોઈપણ જાતીય શોષણની સમસ્યા ઉકેલવાનો આ એકમાત્ર રસ્તો છે.
રાહીબાઈએ મને કહ્યું, “પૂનાના દવાખાનાના ડૉક્ટરે તો કહ્યું કે એનું (માલનનું) ગર્ભાશયનું ઓપરેશન કરાવી નાખો. મેં પૂછ્યું, આખું ગર્ભાશય કઢાવવાને બદલે નસબંધી ન કરાવાય?”
પૂના સ્થિત જાહેર આરોગ્ય કાર્યકર ડો. અનંત ફડકે અને અન્ય લોકોએ મુંબઈ ઉચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરી હતી કે આ શસ્ત્રક્રિયા સંમતિ વિના કરવામાં આવી હતી અને દસ વર્ષ જેટલી નાની વયની છોકરીઓની પર પણ શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. અરજદારોએ અનેક સ્થળોએ વિકલાંગ સ્ત્રીઓના બેફામપણે થતા જાતીય શોષણ, ઉપેક્ષા, બળજબરીથી ગર્ભાવસ્થા અને ગર્ભપાતના બનાવો વિષે અદાલતનું ધ્યાન ખેચ્યું હતું. આ અરજી પછી આ મુદ્દે જાહેર ઉહાપોહ થતાં શસ્ત્રક્રિયાઓ અટકાવી દેવામાં આવી હતી પણ તે સમયે મળેલા અહેવાલો મુજબ ત્યાં સુધીમાં ઓછામાં ઓછી અગિયાર શસ્ત્રક્રિયાઓ તો થઈ ચૂકી હતી. અરજી દાખલ થયાના 25 વર્ષ પછી ગયે વર્ષે 17મી ઓક્ટોબર, 2019ના દિવસે મુંબઈ ઉચ્ચ અદાલતે હુકમ જારી કર્યો હતો કે કેસની સુનાવણી પૂરી થઈ ગઈ છે અને નિર્ણય અનામત રાખવામાં આવ્યો છે.
રાહીબાઈએ મને કહ્યું, “પૂનાના દવાખાનાના ડોકટરોએ સલાહ આપીકે (માલનનું) ગર્ભાશય કઢાવી નાખો. મેં પૂછ્યું, આખું ગર્ભાશય કઢાવવાને બદલે નસબંધી ન કરાવાય?”
માનસિક વિકલાંગ સ્ત્રીઓ માટે ગર્ભનિરોધક અને ગર્ભનિરોધની કાયમી પદ્ધતિઓનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર ચર્ચામાં કરવામાં આવી રહી છે ત્યારે છેવાડાના નાનકડા વાડી ગામની રાહીબાઈ પોતાની દીકરીની જરૂરિયાતોની સારી રીતે સમજે છે. માલનની નાની બહેન (જે પરિણીત છે અને હાલમાં પૂનામાં રહે છે તે) અનેમાલનની પિતરાઇ બહેનો પણ રાહીબાઈને સાથ આપે છે. એમનું કહેવું છે, “અત્યાર સુધી(યુવાનીમાં) તેની સાથે કશું નથી થયું તો હવે આ ઉંમરે એને શું કામ હેરાન કરવાની?” એટલે માલન નસબંધી કે ગર્ભાશય કઢાવી નાખવાની શસ્ત્રક્રિયાઓથી બચી ગઈ છે.
જોકે ઘણાં માતાપિતા પોતાની માનસિક વિકલાંગ દીકરીઓ માટે આ શસ્ત્રક્રિયા કરવાનું પસંદ કરે છે, અને ભારતમાં માનસિક વિકલાંગ સ્ત્રીઓ માટેની ઘણી નિવાસી સંસ્થાઓ પણ ત્યાં પ્રવેશ લેતી વખતે ગર્ભાશય કઢાવી નાખવાની શસ્ત્રક્રિયા કરાવી હોય એવી પૂર્વશરત રાખે છે- એ ધારણા સાથે કે એ સ્ત્રીનું કયારે ય લગ્ન નહીં થાય અને એને બાળકો પણ નહીં થાય તેથી એના ગર્ભાશયની કશી જરૂર નથી. આ પ્રક્રિયાને પરિણણામે છોકરીને એના માસિક વખતે શું કરવું તે સમજાવવાની સમસ્યા દૂર થઈ જાય છે. આ નિર્ણય પાછળ એની જાતીય સતામણીને પરિણામે ગર્ભ રહી જવા વિશેનો ડર પણ કારણરૂપ ખરો.આમાંની કેટલીક ચિંતાઓ ઘણીવાર અસંગત હોય છે. માતા-પિતા, શિક્ષકો, કાઉન્સેલરો અને સંભાળ રાખનારાઓ સાથે મળીને વિકલાંગતા અને જાતીયતા વિષયક જાગૃતિ અને તાલીમ આપવાનું કામ કરતા પૂના સ્થિત તથાપિ ટ્રસ્ટના ભૂતપૂર્વ કૉ-ઑર્ડિનેટર અચ્યુત બોરગાવકર કહે છે, “હળવી વિકલાંગતા ધરાવતી મોટાભાગની છોકરીઓ તરુણાવસ્થા દરમ્યાન શું થાય છે એ સમજી શકતી હોય છે અને તેમને માસિક સ્રાવ દરમિયાન પોતાની સંભાળ લેવાની તાલીમ પણ આપી શકાય છે. પણ આપણી જાહેર આરોગ્ય વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થામાં એ વિશેનો [વિકલાંગોને જીવનકૌશલ્યો અને જાતીયતાનું શિક્ષણ આપવાનો] કોઈ કાર્યક્રમ જ નથી”.
મેધા ટેંગશે કહે છે કે સક્ષમ જાહેર આરોગ્ય અને કલ્યાણ વ્યવસ્થાનો અભાવ અને કુટુંબ અને સમુદાયનો સતત ટેકો ન હોય એ સંજોગોમાં વિકલાંગોના જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય અને હક્કોનું રક્ષણ કરવાનું કામ ખૂબ અઘરું છે.
વાડીથી લગભગ દસ કિલો મીટર દૂર કોલવણ ખીણમાં આવેલી પુખ્ત વયના માનસિક વિકલાંગ લોકો માટેની નિવાસી સંસ્થા, સાધના વિલેજના સ્થાપક સભ્ય ટેંગશે કહે છે, “અમે પણ લાચાર છીએ." આ સંસ્થા 1994માં (રજિસ્ટર્ડ સોસાયટી તરીકે) શરૂ થયેલી. (છેલ્લા વીસ વર્ષથી રાહીબાઈ સાધના ગ્રામ માટે સમુદાય કાર્યકર તરીકે નજીવા માનદ વેતન સાથે કામ કરે છે.) "પંદરેક વર્ષ પહેલાં અમને સમર્પિત કાર્યકર બહેનો મળી રહેતી. એ બહેનો માસિક સ્રાવ દરમિયાન અમારા સ્ત્રી રહેવાસીઓની સંભાળ રાખતી અને તેમને સહાય કરતી. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અમે અમારે ત્યાં રહેતી સ્ત્રીઓને પોતાની પાયાની સંભાળ રાખવાની તાલીમ આપીએ છીએ. પણ કેટલીક વાર એ પણ અઘરું બને છે ત્યારે અમે શસ્ત્રક્રિયા કરવવાનો વિકલ્પ સૂચવવો પડે છે."
વાડીની નજીક આવેલા કોવલણ ગામના પેટા આરોગ્ય કેન્દ્રમાં સક્ષમ જાહેર આરોગ્ય સહાય વ્યવસ્થાની ગેરહાજરી દેખીતી જણાઈ આવે છે. અહીં બે પુરુષ આરોગ્ય કાર્યકરો, એક પુરુષ તબીબી અધિકારી અને બે મહિલા આરોગ્ય કાર્યકરો છે. એમને માનસિક રીતે વિકલાંગ મહિલાઓની પ્રજનન સંબંધિત જરૂરિયાતો વિષે પૂછતાં એ આડું જોઈ ગયા. ‘અમે કિશોરીઓને અને મહિલાઓને સેનિટરી પેડ્ઝ આપીએ છીએ.’ સહાયક નર્સ મિડવાઇફ કહે છે. મેં પૂછ્યું, ‘તમે બીજું શું કરો છો?’ શું જવાબ આપવો તે નક્કી ન કરી શકતા તેઓ એકબીજાના મોં સામે જોઈ રહ્યા.
વાડીની સૌથી નજીકના (લગભગ 11 કિલો મીટર દૂર) કુલે ગામના આરોગ્ય કેન્દ્રમાં પણ આવી જ સ્થિતિ છે. ગામના ‘આશા’ કાર્યકર (ASHA - accredited social health activist - માન્ય સામાજિક આરોગ્ય કાર્યકર) સુવર્ણા સોનાર કહે છે, “ કુલેમાં બે છોકરીઓ ‘ધીમી’/ મંદ બુદ્ધિની છે. કોલવણમાં પણ આવી ચાર કે પાંચ છોકરીઓ છે. પણ એમને માટે કોઈ વિશેષ આરોગ્યસંભાળ સેવાઓ નથી. “જ્યારે તેઓ તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે તેમનું વર્તન બદલાય છે. પણ એમને શું કહેવું, કઇ રીતે કહેવું એ અમને ખબર નથી પડતી.”
વિકલાંગ વ્યક્તિઓના હક અંગેની સંયુક્ત રાષ્ટ્ર સંમેલનની કલમ 25 (એ), 3 મે 2008 ના રોજ અમલમાં આવી હતી. એમાં જણાવવામાં આવ્યું છે કે “સરકાર અન્ય વ્યક્તિઓને વિનામૂલ્યે અથવા પરવડી શકે તેવી કિંમતે પૂરા પાડવામાં આવતા જાતીય અને પ્રજનનસંબધિત અને અન્ય વસ્તી આધારિત જાહેર આરોગ્યના કાર્યક્રમો સહિતની તમામ પ્રકાર, ગુણવત્તા અને ધોરણની આરોગ્યસેવાઓ વિકલાંગ વ્યક્તિઓને પણ પૂરી પાડવા બંધાયેલ છે.”
ભારતે આ કરાર સ્વીકાર્યો છે પરંતુ વિકલાંગ વ્યક્તિઓના અધિકારોનો કાયદો છેક 2016માં અમલમાં આવ્યો ત્યારે ભારતમાં વિકલાંગ વ્યક્તિની સંમતિ વિના એનું વંધ્યીકરણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એ કાયદામાં જણાવાયું છે કે સરકારે 'ખાસ કરીને વિકલાંગ સ્ત્રીઓને જાતીય અને પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય સેવાઓ' મળી રહે અને 'વિકલાંગ વ્યક્તિઓને પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજન વિશે યોગ્ય માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ'.
આમ છતાં આ કાયદામાં પણ માનસિક વિકલાંગ અથવા “માનસિક પછાતપણું ધરાવતી”/'મંદ બુદ્ધિ' સ્ત્રીઓના જાતીય અને પ્રજનનસંબંધિત અધિકારો બાબતે કોઈ નિશ્ચિત જોગવાઈ નથી. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ના જણાવ્યા અનુસાર ભારતમાં આવી છ લાખથી વધુ સ્ત્રીઓ છે. આમાંની ચાર લાખથી વધારે સ્ત્રીઓ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.
મોટા ભાગના કિસ્સાઓમાં લોકો એવું માને છે કે માનસિક રીતે વિકલાંગ સ્ત્રીઓને કાં તો જાતીય વૃત્તિ હોતી જ નથી અથવા અતિશય વધારે હોય છે. 2017માં વિકલાંગતા અને જાતીયતા વિષે લખાયેલા એક અભ્યાસ લેખમાં નોંધવામાં આવ્યું છે કે આવી સ્ત્રીઓની પ્રજનન આરોગ્ય સંબંધિત જરૂરિયાતોની સંભાળ લેવામાં ને લેવામાં તેમની સહવાસ, જાતીય સંભોગ અને આત્મીયતા, તેમજ તેમના માતૃત્વના અધિકારની જરૂરિયાતને અવગણવામાં આવે છે.
મેં રાહીબાઈને પૂછ્યું કે શું તમે ક્યારેય માલનના લગ્ન વિશે વિચાર્યું છે ત્યારે એમણે કહ્યું, “ કેટલાક લોકોએ એવું સૂચન કરેલું. કોઈ કોઈ માંગાં પણ આવેલાં પણ અમે ના જ પાડી. અમે તેના લગ્ન ન કરવાનું નક્કી કર્યું છે. આ છોકરી સાડી પણ નથી પહેરી શકતી, તો પછી તે તેના પરિવારને કેવી રીતે સંભાળશે? તેના [બે] ભાઈઓએ પણ કહ્યું, 'તેને મરતાં સુધી અહીં તેના પોતાના ઘેર જ રહેવા દો'/ ભલે ને રહેતી અહીં પોતાના ઘરમાં છેક સુધી'. રાહીબાઈને એ પણ ખબર હતી કે માલન જેવી ઘણી મહિલાઓ પરણ્યા પછી પતિને ઘેર નવા જીવનમાં ગોઠવાઈ શકતી નથી અને આખરે તેમના માતાપિતાને ઘેર પાછી ફરે છે.
જો કે પૂનાના ડૉ. સુનિતા કુલકર્ણી જે પોતે એક શિક્ષણકાર, કાઉન્સેલર છે અને એક વિશેષ જરૂરિયાતોવાળા સંતાનની માતા છે તેઓ કહે છે કે એક વાત સ્વીકારવી મહત્ત્વની છે કે વિશેષ જરૂરિયાતોવાળા સ્ત્રીઓ અને પુરૂષોને પણ જાતીય અધિકારો છે. “સેક્સનો અર્થ હંમેશાં જાતીય સંભોગ થતો નથી. જાતીયતાના ઘણા પાસાં છે. એમાં મિત્રતા, ઘનિષ્ઠતા, થોડી પ્રણયચેષ્ટાઓ કે સાથે બેસીને એક કપ કૉફી પીવી એવી બાબતો પણ હોઈ શકે પણ આપણે તો એવી જરૂરિયાતોની પણ અવગણના કરીએ છીએ.”
છતાં, માનસિક વિકલાંગ તરુણ છોકરીઓ અને છોકરાઓ તેમની જાતીય લાગણીઓને વ્યક્ત કરે છે, ત્યારે મોટાભાગનાં પરિવારો અને સંભાળ રાખનારા તેનો વિરોધ કરે છે, ઘણા લોકો એમના જાતીય હોર્મોન્સ નિયંત્રિત કરવા માટે દવાઓનો ઉપયોગ કરે છે તો કેટલાક એમની કોઈ પણ પ્રકારની જાતીય વર્તણૂક બદલ સખત સજા કરે છે. છેલ્લા પંદર વર્ષથી મૂળશી તાલુકાના પૌડ ગામમાં વિશેષ જરૂરિયાતોવાળા પુખ્ત વયના લોકો સાથે કામ કરતા ડૉ. સચિન નગરકર પૂછે છે, “આ લાગણીઓને નકારવાનો શો અર્થ? જાતીયવૃત્તિ એક કુદરતી અને સ્વસ્થ અભિવ્યક્તિ છે. તમે એને રોકી ન શકો, દબાવી ન શકો કે નકારી પણ ન શકો.”
વિકલાંગ લોકોની પોતાની કામવાસનાની અવગણના કરવામાં આવે છે. પરંતુ વિકલાંગ સ્ત્રીઓ અને છોકરીઓ ઘણી વાર જાતીયસતામણી અને હુમલાઓનો ભોગ બને છે. માલન અને એની પિત્રાઇ બહેન રૂપાલી બંનેને એમના ગામના છોકરાઓની સતામણી વેઠવી પડી છે.
વિકલાંગ લોકોની પોતાની કામવાસનાની અવગણના કરવામાં આવે છે. પરંતુ વિકલાંગ સ્ત્રીઓ અને છોકરીઓ ઘણી વાર જાતીયસતામણી અને હુમલાઓનો ભોગ બને છે. માલન અને એની 38 વર્ષની પિત્રાઇ બહેન રૂપાલી (નામ બદલ્યું છે) બંને માનસિક રીતે વિકલાંગ છે એમને એમની યુવાનીના વર્ષોમાં એમને ગામના છોકરાઓની પજવણી વેઠવી પડી છે. રાહીબાઈએ કહ્યું, “કેટલાક છોકરાઓ સીટી વગાડતા, એમને અડકવાનો પ્રયત્ન કરતા, અથવા કોઈ આસપાસ ન હોય તો ઘેર આવી જતા.” આવી સતામણી અને એના પરિણામો વિષે રાહીબાઈને સતત ચિંતા રહેતી.
પણ રાહીબાઈ પોતાની ચિંતાઓ ફક્ત પોતાના મનમાં રાખીને બેસી ન રહી. વાડી ગામની લગભગ 940 લોકોની વસ્તીમાંથી છ જણાને કોઈ ને કોઈ રીતની માનસિક વિકલાંગતા છે. આમાં માલન સહિત બે મહિલાઓ અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે. રાહીબાઈ જેના સભ્ય છે એ સ્વસહાય જૂથની મહિલાઓએ સાથે મળીને એમના ગામની આંગણવાડીના એક ઓરડામાં નવેમ્બર 2019થી ‘દેવરાય સેન્ટર ફોર સ્પેશ્યલ ફ્રેન્ડ્ઝ’ (વિશેષ મિત્રો માટેના દેવરાય કેન્દ્ર) ની શરૂઆત કરી. અહીં અઠવાડિયામાં બે વાર વાડી ગામની જ બે સ્વયંસેવક બહેનો મયૂરી ગાયકવાડ અને સંગીતા કેલકર અને સાધના વિલેજની શાલન કાંબલે આ છ ‘સ્પેશ્યલ ફ્રેન્ડ્ઝ’ માટે મનોરંજન કાર્યક્રમો યોજે છે અને તેમને (સ્વ-સંભાળ સહિતની) તાલીમ પણ આપે છે. મયૂરી કહે છે, “ગામના કેટલાક લોકો અમારા પર હસે છે કારણ કે તેઓ વિચારે છે કે આ ગાંડાઓને શું શિખવાડવાનું? પણ અમે તો એ બંધ નહિ કરીએ.”
માલન ગર્વથી મને આ પ્રવૃત્તિઓ દરમિયાન તેણે બનાવેલી લીલા અને સફેદ મણકાની માળા દેખાડીને કહે છે, ‘મી કેલી [જો આ મેં બનાવી].’
સેન્ટરમાં ન જવાનું હોય ત્યારે માલન ઘેર જ રહે છે. એ રોજ સવારે ઘરેલુ તેના ઘરેલુ કામકાજના ભાગરૂપે કુટુંબના ઉપયોગ માટે નળેથી પાણીનું પીપડું ભરે છે, નહાય છે. પછી, એ માટીના ચૂલેથી ચા લેતી વખતે ચૂલા પર થોડી ચા ઢોળે છે અને માની વઢ ખાય છે. એ ય રોજનું છે.
એ પછી તેનું રંગીન બ્લાઉઝ અને તેનું મનગમતું પગની ઘૂંટી સુધીનું લાંબુ સ્કર્ટ પહેરીને, માલન તૈયાર છે તેને સાથ આપતા કુટુંબ સાથે આજનો દિવસ પસાર કરવા.
આ અહેવાલનાં લેખિકા તથાપિ ટ્રસ્ટનાં ટ્રસ્ટી છે. છેલ્લા 18 વર્ષથી તેઓ ત્યાં કાર્યરત છે.
સાધના વિલેજનાં મેધા ટેંગશે અને વિજયા કુલકર્ણી તથા તથાપિ ટ્રસ્ટ પૂનાના અચ્યુત બોરગાવકરના આભાર સાથે
મુખપૃષ્ઠ રેખાંકન: પ્રિયંકા બોરાર નવોદિત મીડિયા કલાકાર છે. તેઓ અર્થ અને અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપો શોધવા માટે ટેકનૉલોજિનો ઉપયોગ કરીને પ્રયોગાત્મક કામ કરી રહ્યાં છે. તેઓ શિક્ષણ અને રમત માટે અનુભવોનું ડિઝાઇનિંગ કરે છે, પારસ્પરિક અસર કરનારા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરે છે અને પરંપરાગત કાગળ અને કલમ સાથે પણ એટલાં જ સ્વાભાવિક છે.
ગ્રામીણ ભારતની કિશોરવયની છોકરીઓ અને યુવતીઓના વિષયનો PARI અને કાઉન્ટરમીડિયા ટ્રસ્ટનો રાષ્ટ્રવ્યાપી પત્રકારિત્વનો પ્રોજેક્ટ એ પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સહાયથી શરુ કરાયેલો છે જેના અંતર્ગત આ ખૂબ મહત્વના તેમજ વંચિત સમુદાયોની સ્થિતિને તેમના અવાજમાં અને તેમના રોજબરોજના અનુભવોના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
આ લેખ પુનઃપ્રકાશિત કરવા ઈચ્છો છો? તો લખો: [email protected] અને સાથે સંપર્ક કરો (cc): [email protected]
અનુવાદક: સ્વાતિ મેઢ