ગૂગલના નકશા પ્રમાણે તો હું મારા નિશ્ચિત સ્થળે પહોંચવામાં છું. પણ આ જગ્યાનું  મને જે દ્રશ્ય યાદ હતું એના કરતા તો આ કંઈ અલગ જ દેખાય છે. અત્યારે દરિયા કિનારે તૂટી રહેલા જૂના મકાનની કોઈ  નિશાની જોવા મળતી નથી, જેના કોઓર્ડિનેટ્સ મેં છેલ્લી વખત ઉપારાની મુલાકાત લીધી ત્યારે મારા ફોનમાં સેવ કરીને રાખ્યા હતા. “અરે, તે ઘર? તે તો હવે દરિયામાં તણાઈ ગયું – ત્યાં આગળ! બંગાળની ખાડીમાંથી ઉછળીને આવી રહેલા મોજા તરફ ઈશારો કરીને ટી. મરમ્મા જણાવે છે.

માર્ચ ૨૦૨૦માં લાગુ થયેલા દેશવ્યાપી લોકડાઉનના થોડા અઠવાડિયા પહેલા મેં એ ઘરની અત્યંત સુંદર અને શાંત પૃષ્ઠભૂમિમાં મરમ્મા અને તેમના પરિવારના સભ્યોનો ફોટો પાડ્યો હતો તે મને હજુ પણ યાદ છે. આ સદીના શરૂઆતના વર્ષો સુધી મરમ્માનું સંયુક્ત કુટુંબ જે વિશાળ ઘરમાં રહેતું હતું તેનો  એકમાત્ર ભાગ હવે એ સાંકડા બીચ પર જોખમી રીતે ઉભો હતો.

એક સમયે માછલીનો વ્યવસાય કરતા અને નાના સ્થાનિક રાજકારણી રહેલા ૫૦ વર્ષના મરમ્મા કહે છે, “એ ઈમારતમાં આઠ ઓરડાઓ અને ત્રણ મોચમ [પ્રાણીઓ માટે] હતી. ૧૦૦ જેટલા લોકો અહિં રહેતા હતા.” ઉપારામાં ૨૦૦૪માં સુનામી પહેલા આવેલા ચક્રવાતમાં એ ઈમારતનો મોટો હિસ્સો તણાઈ ગયો હતો, એટલે આ સંયુક્ત પરિવારને અલગ-અલગ મકાનોમાં રહેવા જવાની ફરજ પડી. નજીકના મકાનમાં રહેવા જતા પહેલા મરમ્માએ અમુક વર્ષો સુધી એ જૂના મકાનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.

મરમ્મા અને તેમનો પરિવાર એકલા નથી; દરિયાના અતિક્રમણને કારણે ઉપારામાં લગભગ દરેક જણે ઓછામાં ઓછું એક વાર ઘર બદલવું પડ્યું હોય તેવું છે. ઘર ક્યારે છોડવું તે અંગેની તેમની ગણતરીઓ તેમના જીવિત અનુભવો અને દરિયાના સહજ વાંચન પર આધારિત છે. ઓ. શિવ કહે છે, “જ્યારે દરિયાના ઉછળતા મોજા આગળ આવવા લાગે ત્યારે અમે સમજી જઈએ છીએ કે હવે ઘર દરિયામાં તણાઈ જશે. પછી અમે અમારા વાસણો અને બધું એક બાજુએ ખસેડીએ છીએ [અને ભાડા પર  કામચલાઉ ઘર શોધવાનું શરૂ કરીએ છીએ]. જૂનું ઘર સામાન્ય રીતે એક મહિનામાં [દરિયામાં] તણાઈ જાય છે.” ઓ. શિવે ૧૪ વર્ષની ઉંમરે દરિયાથી બચવા માટે એક ઘર છોડવું પડ્યું હતું.

T. Maramma and the remains of her large home in Uppada, in January 2020. Her joint family lived there until the early years of this century
PHOTO • Rahul M.

ટી. મરમ્મા તેમના ઘરના બચી ગયેલા ભાગ આગળ , જાન્યુઆરી ૨૦૨૦. આ સદીના શરૂઆતના વર્ષો સુધી તેમનો સંયુક્ત પરિવાર અહીંયાં રહેતો હતો

*****

આંધ્રપ્રદેશના ૯૭૫ કિલોમીટર લાંબા દરિયા કિનારે, પૂર્વ ગોદાવરી જિલ્લામાં આવેલા ઉપારામાં ત્યાંના રહેવાસીઓના કહેવા પ્રમાણે અહિં દરિયાનું અતિક્રમણ હંમેશાથી જોવા મળ્યું છે.

લગભગ ૫૦ એક વર્ષ પહેલા જ્યારે મરમ્માનો પરિવાર તેમના નવા ઘરમાં રહેવા ગયો હતો, ત્યારે તે બીચથી ઘણું દૂર હતું. શિવના દાદા અને મરમ્માના કાકા ઓ. ચિન્નાબ્બાઈ કહે છે, “અમે કિનારેથી ઘેર જતા ત્યારે અમારા પગ દુઃખી જતા હતા.” દરિયામાં દૂર સુધી માછીમારી કરનાર ૭૦ કે ૮૦ વર્ષના ઓ. ચિન્નાબ્બાઈ, તે સમયને યાદ કરે છે જ્યારે તેમના ઘરથી બીચ સુધીના વિસ્તારમાં ઘરો, દુકાનો અને કેટલીક સરકારી ઇમારતો આવેલી હતી. ચિન્નાબ્બાઈ દૂરની ક્ષિતિજ તરફ જ્યાં કેટલાક વહાણો જાણે કે આકાશમાં ભળી જતા હોય એવું લાગી રહ્યું છે તે તરફ ઈશારો કરીને કહે છે, “ત્યાં જ [દરિયાનો] કિનારો હતો.”

મરમ્મા યાદ કરીને કહે છે, “અમારા નવા ઘર અને દરિયાની વચ્ચે પણ ઘણી રેતી હતી. જ્યારે અમે બાળકો હતા, ત્યારે અમે રેતીના ટેકરામાં રમતા હતા અને એની પર લપસતા.”

એ સ્મૃતિઓમાં ઉપારાની જે વાતો થઇ રહી છે એમાંથી મોટાભાગનો વિસ્તાર હવે દરિયામાં ડૂબી ગયો છે. આંધ્રપ્રદેશ સ્પેસ એપ્લિકેશન સેન્ટર, વિજયવાડાના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે, ૧૯૮૯ અને ૨૦૧૮ વચ્ચે, ઉપારામાં દર વર્ષે સરેરાશ ૧.૨૩ મીટર દરિયાકિનારાનું ધોવાણ થયું હતું, અને ૨૦૧૭-૧૮ માં ૨૬.૩ મીટર જેટલું ધોવાણ થયું હતું. એક અન્ય અભ્યાસમાં પણ નોંધવામાં આવ્યું છે કે છેલ્લા ચાર દાયકાઓમાં ઉપારાના કાકીનાડા ઉપનગરમાં ૬૦૦ એકરથી પણ વધુ જમીનનું દરિયાના લીધે ધોવાણ થયું છે, જેમાંથી ઉપારાના કાકીનાડા મહેસૂલ વિભાગના કોથાપલ્લે મંડલે ચોથા ભાગની જમીન ગુમાવી છે. ૨૦૧૪ના એક અભ્યાસમાં કાકીનાડાના ઉત્તરમાં દરિયાકિનારે રહેતા માછીમારોને ટાંકવામાં આવ્યા હતા અને નોંધવામાં આવ્યું હતું કે છેલ્લાં ૨૫ વર્ષોમાં આ બીચ ૧૦૦ મીટર જેટલો સંકોચાઈ ગયો છે.

Maramma’s old family home by the sea in 2019. It was washed away in 2021, in the aftermath of Cyclone Gulab.
PHOTO • Rahul M.
Off the Uppada-Kakinada road, fishermen pulling nets out of the sea in December 2021. The large stones laid along the shore were meant to protect the land from the encroaching sea
PHOTO • Rahul M.

ડાબે: ૨૦૧૯માં દરિયા કિનારે આવેલું મરમ્માનું જૂનું કૌટુંબિક ઘર. સપ્ટેમ્બર ૨૦૨૧માં ગુલાબ ચક્રવાતમાં તેમનું ઘર ધોવાઈ ગયું હતું. જમણે: ડીસેમ્બર ૨૦૨૧માં ઉપારા- કાકીનાડાના રસ્તા પર માછીમારો દરિયામાં જાળ ફેલાવી રહ્યા છે. દરિયા કિનારે ગોઠવેલા મોટા પથ્થરો દરિયાના અતિક્રમણને રોકવાનું કામ કરે છે

આંધ્ર યુનિવર્સિટી, વિશાખાપટ્ટનમના જીઓ-એન્જિનિયરિંગ વિભાગના નિવૃત્ત પ્રોફેસર ડૉ. કાકાણી નાગેશ્વર રાવ કહે છે, “કાકીનાડા નગરની ઉત્તરે થોડાક  કિલોમીટરના અંતરે આવેલા ઉપારા ખાતે થતું દરિયાકાંઠાનું ધોવાણ મુખ્યત્વે હોપ આઇલેન્ડના વિકાસને કારણે થાય છે - જે વૈજ્ઞાનિક રીતે ‘સ્પિટ’ તરીકે ઓળખાય છે અને તે ૨૧ કિલોમીટર લાંબુ રેતીનું થર હોય છે. ગોદાવરી નદીની પેટાનદી નીલારેવુના મુખમાંથી ઉત્તર તરફની દિશામાં તે સ્પિટ કુદરતી રીતે બન્યું હતું. સ્પિટ દ્વારા પાછા ફેંકાયેલા મોજા ઉપારાના કિનારે આવે છે, જેના કારણે તેનું ધોવાણ થાય છે. લગભગ એકાદ સદી કરતાં પણ વધુ સમય પહેલાં બનેલ રેતીના આ સ્પિટનું વર્તમાન સ્વરૂપ ૧૯૫૦ના દાયકામાં સ્થાપિત થયું હશે.” આ પ્રોફેસર આંધ્રના દરિયાકાંઠે કેટલાક દાયકાઓથી દરિયાકાંઠાના સ્વરૂપો અને તેના પર થતી પ્રક્રિયાઓનો નજીકથી અભ્યાસ કરી રહ્યા છે.

૧૯૦૦ના દાયકાની શરૂઆતના સત્તાવાર રેકોર્ડ્સ પુષ્ટિ કરે છે કે ઉપારાની પરિસ્થિતિને એક સદી કરતા પણ વધુ સમય પહેલા ઓળખી લેવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, ૧૯૦૭ના ગોદાવરી ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયરમાં નોંધવામાં આવ્યું છે કે, વર્ષ ૧૯૦૦થી ઉપારા ખાતે દરિયાની જમીનનું ૫૦ યાર્ડ કરતા પણ વધારે ધોવાણ થયું છે. બીજા શબ્દોમાં કહીએ તો, એ સાત વર્ષોમાં દર વર્ષે ગામની ૭ મીટર જમીન ઓછી થતી રહી.

ડૉ. રાવ કહે છે, “સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારો ખૂબ જ ગતિશીલ પ્રદેશો હોય છે જેમાં, વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક ઘટનાઓની જટિલ આંતરક્રિયા થતી હોય છે. ઉપારા ખાતેના દરિયાકાંઠાના ધોવાણના કારણો પાછળ ઘણા પરિબળો જવાબદાર છે.” તે પૈકીના અમુક કારણો ગ્લોબલ વોર્મિંગ, પીગળતો ધ્રુવીય બરફ, દરિયાની સપાટીમાં થતો વધારો, અને બંગાળની ખાડીમાં ચક્રવાતની વધેલી આવૃત્તિ છે. ગોદાવરી બેસિનમાં વધતા બંધોને કારણે નદીમુખના કાંપમાં ભારે ઘટાડો થયો હોવાથી પરિસ્થિતિ વધુ વણસી છે.

*****

જેમ જેમ તેની જમીન દરિયામાં ધોવાતી જાય છે, તેમ તેમ ઉપારા તેના લોકોની સ્મૃતિમાં ફરી ફરી ઉભરતું જાય છે.

ગામના લોકોની યાદો અને તેમની વાતોમાં રહેલા ગામની ઝલક જોવા માટે ગામના એક વ્યક્તિ મને તેલુગુ ફિલ્મ નાકુ સ્વાતંત્રમ વાચિંડી જોવાનું કહે છે. હું ૧૯૭૫ની આ ફિલ્મમાં એક અલગ ઉપારા જોઉં છું: જ્યાં ગામ અને દરિયા વચ્ચે ઘણું અંતર છે અને બંનેની વચ્ચે એક સુંદર રેતાળ બીચ છે. દરિયો અને બીચ, એક જ ફ્રેમમાં કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા - બીચ એટલો પહોળો હતો કે ક્રૂ ફિલ્મની પૃષ્ઠભૂમિથી લઈને મુખ્ય દ્રશ્ય સુધી વિવિધ ખૂણાઓથી શૂટ કરી શકતા હતા.

Pastor S. Kruparao and his wife, S. Satyavati, outside their church in Uppada, in September 2019.
PHOTO • Rahul M.
D. Prasad  grew up in the coastal village, where he remembers collecting shells on the beach to sell for pocket money. With the sand and beach disappearing, the shells and buyers also vanished, he says
PHOTO • Rahul M.

ડાબે: એસ. કૃપરાવ અને તેમની પત્ની એસ. સત્યવતી ઉપારામાં તેમની ચર્ચની બહાર, સપ્ટેમ્બર ૨૦૧૯માં. જમણે: ડી. પ્રસાદ આ કિનારાના ગામમાં જ મોટા થયા છે. તેમને યાદ છે કે કેવી રીતે તેઓ અને તેમના મિત્રો બાળપણમાં ભરતીના સમયે દરિયાકિનારે છીપ વીણવા માટે જતા હતા અને તેને વેચીને રોકડ કમાતા હતા. રેતી અને બીચ ઝડપથી અદ્રશ્ય થઈ જતાં, છીપ પણ અદ્રશ્ય થઈ ગયા; પછી ખરીદદારો પણ જતા રહ્યા

એક ચર્ચના ૬૮ વર્ષીય પાદરી એસ. કૃપારાવ કહે છે, “મેં ફિલ્મનું શૂટિંગ જોયું હતું. શૂટ માટે આવેલા અમુક અભિનેતાઓ અહિં ગેસ્ટહાઉસમાં પણ રોકાયા હતા. પણ હવે બધું દરિયામાં છે. એ ગેસ્ટહાઉસ પણ.”

૧૯૬૧માં પ્રકાશિત થયેલ પૂર્વ ગોદાવરીની જિલ્લા વસ્તી ગણતરી પુસ્તિકામાં ગેસ્ટહાઉસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે: “દરિયા કિનારાથી લગભગ એક ફર્લોંગના અંતરે બે સ્યુટ સાથેનો એક ખૂબ જ આરામદાયક ટ્રાવેલર્સ બંગલો છે. આ પહેલાના ટ્રાવેલર્સ બંગલોનું દરિયામાં ધોવાણ થઇ ગયું પછી એ જ જગ્યાએ આ બંગલો બાંધવામાં આવ્યો હોવાનું કહેવાય છે.” આથી નાકકુ  ફિલ્મના ક્રૂ એ જે ગેસ્ટહાઉસમાં રોકાણ કર્યું હતું તે દરિયાના મોજા હેઠળ અદૃશ્ય થઈ ગયેલું ઓછામાં ઓછું બીજું ગેસ્ટહાઉસ છે.

દરિયામાં તણાઈ ગયેલી કલાકૃતિઓ અને બાંધકામો ઘણીવાર આર્કાઇવલ રેકોર્ડ્સમાં અને પેઢીઓથી ચાલી આવતી વાર્તાઓમાં ફરીથી ઉજાગર થાય છે. ગામના વડીલોએ તેમના માતા-પિતા કે દાદા-દાદીને ઘણા વર્ષો પહેલા દરિયામાં ડૂબેલા એક મોટા પથ્થર પેડ્ડા રાય વિષે વાતો કરતા સાંભળેલા છે. ૧૯૦૭નું ગેઝેટિયર કંઇક એવું જ વર્ણન કરે છે: “દરિયામાં લગભગ અડધો માઈલ દૂર એક ખંડેરમાં હજુ પણ માછીમારોની જાળી ફસાય છે, અને બાળકો વસંતની ભરતી વખતે તણાઈને આવતા સિક્કાઓ લેવા માટે દરિયાકિનારે ફરે છે જે ક્યારેક ડૂબી ગયેલા નગરમાંથી તણાઈને આવે છે.”

૧૯૬૧ની હેન્ડબુકમાં પણ આ ખંડેરનો ઉલ્લેખ જોવા મળે છે: “જૂના માછીમાર-લોકોનું કહેવું છે કે જ્યારે તેઓ માછીમારી માટે તેમની હોડી કે અથવા તરાપા (કૅટમરૅન) પર સવારી કરીને જાય, ત્યારે તેમની જાળી કે લાઇન ઘણીવાર કિનારાથી લગભગ એક માઇલ પહેલા ઇમારતોની ટોચ કે વૃક્ષોના થડ પર ફસાઈ જાય છે. અને તેમની જા ણ મુજબ ગામ પર દરિયાનું અતિક્રમણ થઇ રહ્યું છે.”

ત્યાર પછી ભૂખ્યા દરિયાએ ગામના ઘણાખરા વિસ્તાર પર અતિક્રમણ કર્યું છે: તેના લગભગ તમામ બીચ, અસંખ્ય ઘરો, ઓછામાં ઓછા એક મંદિર અને એક મસ્જિદ પર. છેલ્લા એક દાયકામાં, મોજાઓએ ઉપારાના રક્ષણ માટે ૨૦૧૦માં ૧૨.૧૬ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બાંધવામાં આવેલી ૧,૪૬૩ મીટર લાંબી ‘જિયોટ્યુબ’ ને પણ તબાહ કરી નાખી છે. જીઓટ્યુબ એ રેતી અને પાણીના મિશ્રણથી ભરેલા મોટા ટ્યુબ આકારના કન્ટેનર છે જેનો ઉપયોગ કિનારાની સુરક્ષા કરવા અને જમીન સુધારવા માટે થાય છે. આ વિસ્તારમાં ઉછરેલા અને પાર્ટ ટાઈમ માછીમારી કરતા ૨૪ વર્ષીય ડી. પ્રસાદ કહે છે, “૧૫ વર્ષમાં, મેં મોજાઓના ઘર્ષણને કારણે લગભગ બે ચોરસ ફૂટના મોટા પથ્થરોને ઓગળીને છ ઇંચના કાંકરામાં ફેરવાઈ જતા જોયા છે.”

Remnants of an Uppada house that was destroyed by Cyclone Gulab.
PHOTO • Rahul M.
O. Chinnabbai, Maramma's uncle, close to where their house once stood
PHOTO • Rahul M.

ડાબે: ગયા વર્ષે આવેલા ગુલાબ ચક્રવાતના કહેર પછી ઘરનો વધેલો ભાગ. જમણે: મરમ્માના કાકા, ઓ. ચિન્નાબ્બાઈ એક સમયે તેમનું ઘર જ્યાં હતું ત્યાં ઊભા છે

૨૦૨૧માં રીલિઝ થયેલી તેલુગુ ફિલ્મ ઉપેના, મોટા પ્રમાણે બદલાયેલા ઉપારાને બતાવવાનો પ્રયાસ કરે છે, જેમાં એક સમયે જ્યાં બીચ હતો ત્યાં ગોઠવેલા પથ્થરો ગામને દરિયામાં ભળી જતા અટકાવવાનો પ્રયાસ કરે છે. ૧૯૭૫ની ફિલ્મથી વિપરીત, ગામ અને દરિયાને એક જ ફ્રેમમાં દર્શાવતા દ્રશ્યો માટે બર્ડ આય વ્યુ શોટ્સ કે પછી ત્રાંસા શોટથી સંતોષ માનવો પડતો હતો. કારણ કે કેમેરા મૂકવા બીચ પર પુરતી જગ્યા જ નહોતી.

કદાચ તાજેતરના સમયમાં ઉપારાના કિનારા પર થયેલો સૌથી ભયંકર હુમલો ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં આવેલું ગુલાબ ચક્રવાત હતું, જેમાં ઓછામાં ઓછા ૩૦ ઘર દરિયામાં તણાઈ ગયા હતા. ડીસેમ્બરમાં જવાદ ચક્રવાતે નવા બંધાયેલા ઉપારા-કાકીનાડા રોડને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેનાથી તે ઉપયોગ માટે સુરક્ષિત રહેતો નથી.

ગુલાબ ચક્રવાત પછીના તે તોફાની દરિયાએ ઓક્ટોબરની શરૂઆતમાં મરમ્માના જૂના પરિવારના ઘરના અવશેષો છીનવી લીધા હતા. તે અને તેના પતિ રહેતા હતા તે ઘર પણ તે ધોવાઇ ગયું.

*****

૨૦૨૧માં થયેલા વિનાશને યાદ કરતા મરમ્માનો અવાજ ધ્રૂજી ઉઠે છે, “[ગુલાબ] ચક્રવાત પછી અમારા માંથી ઘણા લોકોએ અન્ય લોકોના ઘરની બહારના ઓટલા પર સુવાની ફરજ પડી હતી.”

૨૦૦૪માં જ્યારે તેમણે ચક્રવાતના લીધે તેમનું પૈતૃક ઘર છોડવું પડ્યું, ત્યારથી મરમ્મા અને દરિયામાં દૂર સુધી માછીમારી કરનારા તેમના પતિ, ટી. બાબાઈ એ બે મકાનોમાં વસવાટ કર્યો છે – પહેલા ભાડે અને પછી પોતાના. ગયા વર્ષના ચક્રવાતે તેમના તે ઘરને દરિયા ભેગું કરી દીધું. આજે, આ દંપતી પાડોશમાં એક સંબંધીના ઘરની બહાર ખુલ્લામાં ઓટલા પર રહે છે.

એક સમયે, અમે ‘સાઉન્ડ-પાર્ટી’ [ધિરાણને લાયક અને પ્રમાણમાં આર્થિક રીતે સારી અવસ્થામાં] હતા. વિસ્થાપન અને પુનઃનિર્માણના ચક્ર અને તેમની ચાર દીકરીઓના લગ્નના ખર્ચના કારણે, તેમના પરિવારની મોટાભાગની બચત ખતમ થઈ ગઈ છે.

M. Poleshwari outside her third house; the first two were lost to the sea. “We take debts again and the house gets submerged again”
PHOTO • Rahul M.
M. Poleshwari outside her third house; the first two were lost to the sea. “We take debts again and the house gets submerged again”
PHOTO • Rahul M.

ડાબે: મરમ્માના જુના ઘરમાં આઠ ઓરડા હતા. તેઓ કહે છે, 'અહીંયાં લગભગ ૧૦૦ લોકો રહેતા હતા.' જમણે: એમ. પોલેશ્વરી તેમના ત્રીજા ઘરની બહાર; તેમના આ પહેલાનાં બંને ઘર દરિયામાં તણાઈ ગયા હતા. તેઓ કહે છે: 'અમે દેવું કરીને ઘર બનાવીએ છીએ અને ઘર પાછું ડૂબી જાય છે'

અહિંના એક માછીમાર પરિવારના એમ. પોલેશ્વરી, મરમ્માની વ્યથાને દોહરાવતા કહે છે, “અમે ઘર બનાવવા માટે લોકો પાસેથી લોન લીધી હતી, પરંતુ ઘર ડૂબી ગયું. અમે દેવું કરીને ઘર બનાવીએ છીએ અને ઘર પાછું ડૂબી જાય છે.” પોલેશ્વરીએ અત્યાર સુધી દરિયાના કારણે બે ઘર ગુમાવ્યા છે. હવે તેઓ તેમના ત્રીજા મકાનમાં રહે છે, અને તેમને તેમના પરિવારની આર્થિક સ્થિતિ અને દરિયામાં દૂર સુધી માછીમારી કરતા તેમના પતિની સુરક્ષાની ચિંતા હંમેશા સતાવે છે. “જ્યારે તેઓ બહાર જાય ત્યારે ચક્રવાત આવે, તો તેમનું મોત થઇ શકે છે. પણ અમે બીજું શું કરી શકીએ? દરિયો જ અમારી આજીવિકા છે.”

આવકના અન્ય સ્ત્રોત પણ ઓછા થઇ રહ્યા છે. પ્રસાદને યાદ છે કે કેવી રીતે તેઓ અને તેમના મિત્રો બાળપણમાં ભરતીના સમયે દરિયાકિનારે છીપ અને કરચલાઓ વીણવા માટે ફરતા હતા અને તેને વેચીને રોકડ કમાતા હતા. રેતી અને બીચ ઝડપથી અદ્રશ્ય થઈ જતાં, છીપ પણ અદ્રશ્ય થઈ ગયા; પછી ખરીદદારો પણ જતા રહ્યા.

પોલેશ્વરી તેમના ઘરની બહાર તડકામાં સૂકાઈ રહેલા જૂના છીપને જોતા કહે છે, “અમે આ છીપ વેચાણની આશાએ એકઠા કર્યા હતા. લોકો અહિં ‘અમે છીપ ખરીદીએ છીએ, અમે છીપ ખરીદીએ છીએ’ એવી બૂમો પાડતા અહિં આવતા હતા - હવે તેઓ ભાગ્યે જ આવે છે.”

૨૦૨૧ના સપ્ટેમ્બરમાં આવેલા ચક્રવાત પછી મરમ્મા અને માછીમારી વસાહતમાં રહેતાં અન્ય ૨૯૦ લોકોએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડીને પત્ર લખીને તેમના ગામમાં વધી રહેલા જોખમો અને તકલીફો તરફ તેમનું ધ્યાન દોર્યું હતું. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, “અગાઉ શ્રી વાય એસ રાજશેખર રેડ્ડી ગરુ [માજી મુખ્યમંત્રી] એ ઉપારા માછીમારી ગામના દરિયાકિનારે મોટા પથ્થરો નાખ્યા હતા અને ગામને દરિયામાં ભળી જતા બચાવ્યું હતું. આ પથ્થરોએ અમને ચક્રવાત અને સુનામીથી બચાવ્યા.”

The stretch from the fishing colony to the beach, in January 2020. Much of it is underwater now.
PHOTO • Rahul M.
The Uppada-Kakinada road became unsafe after it was damaged by Cyclone Jawad in December 2021. A smaller road next to it is being used now
PHOTO • Rahul M.

ડાબે: માછીમારી વસાહતનો એક ભાગ, જાન્યુઆરી ૨૦૨૦માં. તેનો મોટાભાગનો વિસ્તાર હવે દરિયામાં ડૂબેલો છે. જમણે: ડીસેમ્બર ૨૦૨૧માં ત્રાટકેલા જવાદ ચક્રવાતના લીધે ઉપારા-કાકીનાડા વચ્ચેનો રસ્તો હવે સુરક્ષિત રહ્યો નથી. હવે તેની બાજુમાં બનાવેલો નાનો રસ્તો વાપરવામાં આવી રહ્યો છે

તેમણે આગળ ઉમેર્યું, “હવે ચક્રવાતની સંખ્યામાં વધારો થવાને કારણે, કિનારા પરના મોટા પથ્થરો વિસ્થાપિત થયા છે અને પાળનો નાશ થયો છે. પથ્થરોને બાંધી રાખનાર દોરડું પણ ઘસાઈ ગયું છે. જેથી કિનારાના ઘરો અને ઝૂંપડાઓ દરિયામાં તણાઈ ગયા છે. દરિયાકાંઠાના માછીમારો આતંકમાં જીવે છે.” તેમણે પત્રમાં વિનંતી કરી હતી કે આ પથ્થરોને બદલે મોટા પથ્થરો મુકવામાં આવે.

જો કે ડૉ. રાવના મતે, મોટા પથ્થરો દરિયાના અતિક્રમણ સામે કાયમી રક્ષણ પૂરું પાડી શકવાના પુરાવા ખુબ ઓછા છે; તેઓ દરિયાના અતિક્રમણ સામે કામચલાઉ ઉપાયથી વધીને કંઈ નથી. તેઓ કહે છે, “મિલકતનું રક્ષણ કરવાનો પ્રયાસ ન કરો, પણ બીચનું રક્ષણ કરો. બીચ તમારી મિલકતનું રક્ષણ કરશે. દરિયામાં વિશાળ પથ્થરની ગોઠવણી જેવા ઓફશોર અવરોધો દરિયાના મોજાઓને મંદ કરી દે છે, જેવું કે જાપાનના કાઈકે બીચ પર જોવા મળે છે. આવી ગોઠવણ ઉપારા બીચ પર થતા ધોવાણને રોકવામાં મદદ કરી શકે છે.”

*****

ગામ પર દરિયાનું અતિક્રમણ થઇ રહ્યું હોવાથી, તેની સામાજિક સંરચનામાં પરિવર્તન થઇ રહ્યું છે. ૧૯૮૦ના દાયકામાં વણાટ સમુદાયને સરકારે ગામમાં અંદરના ભાગોમાં જમીન ફાળવી એટલે તેઓ ગામના છેડેથી ત્યાં સ્થળાંતર કરી ગયા. ઉપારા તેની ઉત્કૃષ્ટ હાથવણાટ વાળી રેશમની સાડીઓ માટે પ્રખ્યાત છે. ધીરે ધીરે, મુખ્યત્વે ઉચ્ચ જાતિના વધુ સમૃદ્ધ ગ્રામવાસીઓ પણ દરિયાથી દૂર વસવાટ કરવા લાગ્યા. પરંતુ માછીમારી સમુદાય કે જેની આજીવિકા દરિયા સાથે જોડાયેલી છે, તેમની પાસે ત્યાં રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

ઉચ્ચ જાતિના લોકો સુરક્ષિત વિસ્તારોમાં રહેવા જઈ રહ્યા હોવાથી જાતિ વ્યવસ્થા સાથે સંકળાયેલા કેટલાક રિવાજો અને પ્રથાઓ નબળી પડી રહી છે; દાખલા તરીકે, માછીમાર સમુદાયના લોકો હવે ઉચ્ચ જાતિ લોકોના તહેવારોમાં તેમની માછલીઓ મફતમાં આપવા માટે મજબૂર નથી. ધીમે ધીમે, માછીમાર સમુદાય ખ્રિસ્તી ધર્મ તરફ વળવા લાગ્યો. પાદરી ક્રુપારાવ કહે છે, “ઘણા લોકો તેમની આઝાદી માટે આ ધર્મમાં જોડાયા હતા. અહિંના મોટા ભાગના લોકો ખૂબ જ ગરીબ છે અને મૂળ રીતે પછાત જાતિ તરીકે વર્ગીકૃત કરાયેલા સામાજિક જૂથોના છે. ક્રુપારાવ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા પહેલા તેમણે અનુભવેલા જાતીય અપમાનના અનેક કિસ્સાઓ યાદ કરે છે.

Poleru and K. Krishna outside their home, in 2019. The structure was washed away in 2021 after Cyclone Gulab struck the coast.
PHOTO • Rahul M.
The cyclone also wrecked the fishing colony's church, so prayers are offered in the open now
PHOTO • Rahul M.

ડાબે: કે. પોલેરુ અને કે. કૃષ્ણ તેમના ઘરની બહાર , ૨૦૧૯માં. આ ઈમારત ગયા વર્ષે આવેલા ગુલાબ ચક્રવાતમાં તૂટી ગઈ હતી. જમણે: માછીમારી વસાહતમાં આવેલાચક્રવાતના લીધે ચર્ચની ઈમારત તૂટી ગઈ હોવાથી , હવે ખુલ્લામાં પ્રાર્થના કરવામાં આવે છે

ચિન્નાબ્બાઈના પુત્ર, ઓ. દુર્ગૈયા કહે છે, લગભગ ૨૦-૩૦ વર્ષો પહેલા મોટાભાગના ગ્રામજનો હિંદુ ધર્મ પાળતા હતા. ગામ નિયમિતપણે સ્થાનિક કુળદેવીના ઉત્સવો ઉજવતું હતું. હવે મોટાભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે.” એ વિસ્તાર કે જ્યાં લોકો ૧૯૯૦ સુધી દર ગુરુવારે [દેવીને પૂજવા માટે] રજા રાખતા હતા તેઓ હવે દર રવિવારે ચર્ચમાં જાય છે. ગ્રામજનો કહે છે કે થોડાક દાયકાઓ પહેલા ઉપારામાં મુઠ્ઠીભર મુસ્લિમો પણ હતા, પરંતુ સ્થાનિક મસ્જિદ ડૂબી ગયા પછી તેમાંના  ઘણા બધા આ જગ્યા છોડીને જતા રહ્યા હતા.

જે લોકો ગામ છોડીને ગયા નથી, તેમના માટે  બચાવના ચિન્હો અને પાઠ અતિક્રમણ કરી રહેલા દરિયા માંથી જ આવે છે. જ્યારે હું ૨૦૧૯માં કે. ક્રિષ્ના નામના એક માછીમારને મળ્યો હતો ત્યારે તેમણે મને કહ્યું હતું કે, “[ખતરો] ઓળખી શકાય તેવો હોય છે. પથ્થરોમાંથી એક અનોખો ઘુલ્લુઘોલ્લુ અવાજ આવે છે. પહેલા, અમે તારાઓને જોઇને [મોજાઓનો] અંદાજો લગાવતા હતા; આવી પરિસ્થિતિમાં તેઓ અલગ રીતે ચમકે છે. હવે આ માહિતી મોબાઈલ ફોનથી મળે છે.” માછીમારી વસાહતના કિનારે આવેલી તેમની ઝુંપડી પાસે ઊભા રહીને અમે ત્રણેય આગળ વધી રહેલા મોજા જોઈ રહ્યા હતા ત્યારે તેમની પત્ની કે. પોલેરુ ઉમેરે છે, “જ્યારે પૂર્વના મેદાનોમાંથી પવન ફૂંકાય ત્યારે માછીમારોને ફૂટી કોડી પણ મળતી નથી. [એટલે કે દરિયામાં માછલી મળતી નથી].” ગુલાબ ચક્રવાતે તેમની ઝુંપડીનો નાશ કરી દીધો હતો અને હવે તેઓ નવી ઝુંપડીમાં રહે છે.

આ દરમિયાન મરમ્મા તેમના સંબંધીના ઘરની બહારના ઓટલા પર તેમના દિવસો અને રાત ગુજારે છે. તેઓ ધ્રુજતા અવાજમાં બોલે છે ત્યારે તેમની નિરાશા અને ખોટ જાહેર થાય છે. તેઓ કહે છે, “અમે બનાવેલા બે ઘરોને દરિયો ગળી ગયો છે; શી ખબર અમે હવે અમે બીજું ઘર બનાવી શકીશું કે નહીં.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Reporter : Rahul M.

राहुल एम आंध्र प्रदेशच्या अनंतपूरचे स्वतंत्र पत्रकार आहेत आणि २०१७ चे पारी फेलो आहेत.

यांचे इतर लिखाण Rahul M.
Editor : Sangeeta Menon

Sangeeta Menon is a Mumbai-based writer, editor and communications consultant.

यांचे इतर लिखाण Sangeeta Menon
Series Editor : P. Sainath

पी. साईनाथ पीपल्स अर्काईव्ह ऑफ रुरल इंडिया - पारीचे संस्थापक संपादक आहेत. गेली अनेक दशकं त्यांनी ग्रामीण वार्ताहर म्हणून काम केलं आहे. 'एव्हरीबडी लव्ज अ गुड ड्राउट' (दुष्काळ आवडे सर्वांना) आणि 'द लास्ट हीरोजः फूट सोल्जर्स ऑफ इंडियन फ्रीडम' (अखेरचे शिलेदार: भारतीय स्वातंत्र्यलढ्याचं पायदळ) ही दोन लोकप्रिय पुस्तकं त्यांनी लिहिली आहेत.

यांचे इतर लिखाण साइनाथ पी.
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

यांचे इतर लिखाण Faiz Mohammad