જ્યારે પારી એ શિક્ષક હોય અને ગ્રામીણ ભારત વિષય હોય, ત્યારે આપણે જોયું છે કે તે શિક્ષણ વાસ્તવિક, સ્પષ્ટપણે સમજાય એવું, અને લાંબા સમય સુધી અસરકારક હોય છે.

અમારી સાથે ઇન્ટર્નશિપ કરી રહેલા આયુષ મંગલનો અનુભવ જાણો. તેમણે પારીમાં અમારી સાથેના તેમના સમય દરમિયાન ગ્રામીણ છત્તીસગઢમાં આદિવાસીઓ માટે આરોગ્ય સંભાળના અભાવ અને ઝોલા છાપ ડોકટરોની દુનિયા વચ્ચેની કડીનો અભ્યાસ કર્યો હતો. છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લાના વિદ્યાર્થી કહે છે, “હું ખાનગી અને જાહેર, લાયકાત વાળા અને લાયકાત વગરના ડોકટરો વચ્ચેના ગૂંચવણભર્યા સંબંધોનો સાક્ષી બન્યો. કોઈપણ નીતિએ આનો ઉકેલ તો લાવવો જ પડશે.” આયુષ એ વખતે અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યા હતા.

યુવાનો પણ હાંશિયામાં ધકેલાઈ ગયેલા એવા લોકો વિષે વધુ શીખી રહ્યા છે, જેમનો તેમના પાઠ્યપુસ્તકોમાં ઉલ્લેખ જ નથી હોતો. ઓડિશાના કોરાપુટમાં ગૌરા જેવા વિકલાંગ લોકો માટે રાજ્યના લાભો મેળવવા કેટલું મુશ્કેલ કામ છે તે અંગે પત્રકારત્વની વિદ્યાર્થીની સુભાશ્રી મહાપાત્રાએ કરેલા અહેવાલ લેખને તેણીને આ પ્રશ્ન પૂછવા મજબૂર કરી દીધી: “ ગૌરાને આટલા ભાવનાત્મક અને શારીરિક તાણમાં ધકેલવા પાછળ કઈ શાસન વ્યવસ્થાનો અભાવ જવાબદાર હતો?”

સપ્ટેમ્બર ૨૦૨૨માં, પારી શિક્ષણ– પીપલ્સ આર્કાઈવ ઓફ ઈન્ડિયાની શિક્ષણ શાખા – તેના પાંચમા વર્ષમાં પ્રવેશી. આ વર્ષોમાં, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સામાજિક પરિવર્તન માટેની સંસ્થાઓમાં કામ કરતા યુવાનો, અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સામાન્ય લોકોના વિવિધ કૌશલ્યો અને જ્ઞાનની ઊંડી સમજ મેળવી છે. હાઈસ્કૂલના વિદ્યાર્થી પ્રજ્જવલ ઠાકુરે રાયપુર, છત્તીસગઢમાં ધન ઝુમરો નું દસ્તાવેજીકરણ કર્યું પછી તેણીની કહે છે, “તહેવારોમાં ખેડૂતોની ભૂમિકા અને ડાંગરના મહત્ત્વ વિષે હું વધુ સભાન બની... પારી એજ્યુકેશન સાથે કામ કરીને, મને હું જે સમાજમાં રહું છું તેના વિષે સમજવાનો એક નવો દ્રષ્ટિકોણ મળ્યો.”

વિડીયો જુઓ: ‘PARI શિક્ષણ શું છે?’

લગભગ સો કરતાંય વધુ જગ્યાઓથી, તેમની શાળા અને યુનિવર્સિટીના પ્રોજેક્ટ્સ અંતર્ગત, વિદ્યાર્થીઓ દૈનિક ઘટનાઓમાં ભાગ લઈ રહ્યાં છે: દિલ્હીમાં ખેડૂત આંદોલનોને આવરવા; સમગ્ર દેશમાં હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકોમાં કોવિડ-૧૯ ની અસર તપાસવી; અને સ્થળાંતર કામદારોના જીવનની મુસાફરી અને અવરોધોને શોધવા.

જ્યારે પત્રકારત્વના વિદ્યાર્થી આદર્શ બી. પ્રદીપે કોચીમાં એક નહેરના કિનારે રહેતા પરિવારોના લોકોને તેમના ઘરોમાં કાળા પાણી ઘૂસી જતાં ઊંચી જમીન તરફ જતા જોયા, ત્યારે તેમણે એક વાર્તા લખી હતી જેમાં તેમણે તેમના ઘરો શા માટે છોડવા પડ્યા હતા તેના કારણો પર પ્રકાશ પાડ્યો હતો. તેઓ કહે છે, “પારી સાથે કામ કરવાથી મને ઘણું બધું શીખવા મળ્યું: સરકારી સ્રોતોમાંથી વિશ્વસનીય ડેટા શોધી કાઢવાથી માંડીને સૌથી નાની વિગતો પર ધ્યાન આપવા સુધી. તે એક શીખવાનો અનુભવ હતો પણ સાથે સાથે હું જે સમુદાય પર સંશોધન કરી રહ્યો હતો તેની ખૂબ નજીક પહોંચી ગયો હતો.”

ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકોને અસર કરતી સમસ્યાઓ જ નહીં, પરંતુ મહત્ત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ આ વાર્તાઓ તેમની પોતાની ભાષાઓમાં લખી રહ્યા છે.  અમને હિન્દી, ઓડિયા અને બાંગ્લા ભાષામાં મૂળ અહેવાલ પ્રાપ્ત થયા છે અને અમે તેને પ્રકાશિત પણ કર્યા છે. બિહારના ગાયા જિલ્લાની સિમ્પલ કુમારીને હિન્દીમાં મોરા - એક પ્રેરણાદાયી દલિત મહિલા - ખેડૂત, વોર્ડ કાઉન્સિલર અને હવે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આશા કાર્યકર –વિષે હિન્દીમાં લખવાની પ્રેરણા પારીના એક વર્કશોપમાંથી મળી હતી.

PHOTO • Antara Raman

દેશભરમાં 63 થી વધુ સ્થળોએથી, પછી એ દૂરના ગ્રામીણ વિસ્તારો હોય કે શહેરી સંસ્થાઓ, અનેક યુવાનો અમારા માટે રિપોર્ટિંગ અને દસ્તાવેજીકરણ કરી રહ્યા છે

પારી શિક્ષણની વેબસાઇટ પર, અમે યુવાનો દ્વારા લખાયેલાં ૨૦૦ થી પણ વધુ લેખ મુક્યા છે. તેઓએ જેમને મીડિયા દ્વારા અવગણવામાં આવે છે તેવા રોજિંદા લોકોના જીવનનો ફક્ત અહેવાલ અને દસ્તાવેજીકરણ જ નથી કર્યું, પણ ન્યાયના મુદ્દાઓ - સામાજિક, આર્થિક, લિંગ અને અન્ય પર પણ ધ્યાન આપ્યું છે.

દિલ્હીની એક નાની ફેક્ટરીમાં એક સ્થળાંતરિત કામદારની દુનિયા વિષે તપાસ કરનારા વિદ્યાર્થી પ્રવીણ કુમાર કહે છે, “મને સમજાયું કે લોકોની સમસ્યાઓ ક્યારેય વ્યક્તિગત કે અલાયદી નથી હોતી પરંતુ હકીકતમાં તે બાકીના સમાજ સાથે ગાઢ રીતે જોડાયેલી હોય છે. વ્યક્તિએ પોતાનું ગામ છોડીને કામ માટે શહેરમાં જવું પડે તે સમગ્ર સમુદાય, રાજ્ય અને દેશ માટે ચિંતાનો વિષય છે.”

અન્ય લોકોનું નિરીક્ષણ કરીને, તેમની સાથે જોડાઇને તેમની સાથે સહાનુભૂતિ દર્શાવીને કમાણી કરવાથી સમાજ વિષેની આપણી સમજ વધે છે. એ રીતે પારી એજ્યુકેશન એ જીવન માટેનું શિક્ષણ છે. શ્રેષ્ઠ શિક્ષકો તે છે જેઓ તેમના વિદ્યાર્થીઓ સાથે સંબંધ બાંધી શકે છે અને પારી તે જ કામ કરે છે - ગ્રામીણ ભારતને યુવા ભારતીયો સાથે જોડવાનું.

પારી એજ્યુકેશન ટીમનો [email protected] પર સંપર્ક કરી શકાય છે.


મુખપૃષ્ઠ ફોટોગ્રાફ: બીનાઇફર ભરૂચા

અનુવાદક: ફૈઝ મોહંમદ

PARI Education Team

We bring stories of rural India and marginalised people into mainstream education’s curriculum. We also work with young people who want to report and document issues around them, guiding and training them in journalistic storytelling. We do this with short courses, sessions and workshops as well as designing curriculums that give students a better understanding of the everyday lives of everyday people.

Other stories by PARI Education Team
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad