સુમુકનના વંશજો હજી અળિકોડમાં રહે છે

કલ્લિયાસેરીએ લડવાનું ક્યારેય બંધ કર્યું જ નથી. 1947 પછી પણ નહીં. કેરલાના ઉત્તર મલબારનું આ ગામ ઘણા મોરચે લડ્યું છે. આઝાદીની લડત પૂરજોશમાં ચાલતી હતી ત્યારે આ ગામે અંગ્રજોને  પડકાર્યા. ખેડૂત આંદોલન ચરમસીમાએ હતું ત્યારે આ ગામે જનમી ઓ (સામંતવાદી જમીનદારો) નો સાહસપૂર્વક મુકાબલો કર્યો. ડાબેરી પ્રવાહોના કેન્દ્ર તરીકે આ ગામે જાતિવ્યવસ્થા સામે બાથ ભીડી.

તમામ  લડતમાં  મુખ્ય ભૂમિકા ભજવનાર કે.પી.આર. રાયરપ્પન પૂછે છે, " આઝાદીની લડત 1947 માં કાયમને માટે પૂરી થઈ ગઈ એવું આપણે શી રીતે કહી શકીએ? ભૂમિ સુધારા માટેની લડત હજી બાકી છે." 86 વર્ષની ઉંમરે રાયરપ્પન હજી આગળ ઉપર વધુ કેટલી લડત બાકી છે તે વિચારે છે. અને તેઓ  તેનો ભાગ બનવા માંગે છે.  રાષ્ટ્રીય આત્મનિર્ભરતાની હાકલ કરવા 83 વર્ષની ઉંમરે  તેમણે કાસરગોડથી તિરુવનંતપુરમ સુધી લગભગ 500 કિલોમીટર પગપાળા કૂચ કરી હતી.

કલ્લિયાસેરીમાં પરિવર્તનની લહેર પેદા કરનારી બે ઘટનાઓ તેમના મગજમાં હજી તાજી છે. પહેલી ઘટના હતી 1920 ના દાયકાની શરૂઆતમાં ગાંધીજીની મેંગ્લોરની મુલાકાત. શાળાનાં બાળકો સહિત ઘણા લોકો તેમને સાંભળવા માટે ત્યાં પહોંચ્યા  હતા. રાયરપ્પન કહે છે, "તે સમયે અમે બધા કોંગ્રેસ સાથે હતા."

બીજી ઘટના હતી "અમારી (રાજ્યના શિક્ષણ) બોર્ડની શાળામાં પ્રવેશ મેળવનાર નાનકડા દલિત છોકરા સુમુકનની મારપીટ.  શાળામાં આવવાની તેની હિંમત જ શી રીતે થઈ એમ કહી સવર્ણોએ તેને અને તેના ભાઈને  માર માર્યો હતો."

જાતિ સંબંધિત અત્યાચાર સંસાધનોના નિયંત્રણ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. ખાસ કરીને જમીનના (નિયંત્રણ સાથે). મલબાર જિલ્લાના ચિરક્કલ તાલુકામાં કલ્લિયાસેરી એ જનમી  આતંકનો ગઢ હતો. 1928 માં જમીનના લગભગ 72 ટકા ભાગ પર સવર્ણ નાયરોનું  નિયંત્રણ હતું. તિયાઓ અને અન્ય પછાત સમુદાયોની જનસંખ્યા કુલ વસતીના 60 ટકા હતા, પરંતુ  ફક્ત 6.55 ટકા જમીન તેમની માલિકીની હતી. તેમ છતાં અહીં 1960 ના દાયકા સુધી ચાલેલા ભૂમિ સુધારા માટેના અભિયાનની  સફળતા નક્કી હતી.

આજે  તિયાઓ, અન્ય પછાત જાતિઓ (ઓબીસી) અને દલિતો પાસે મળીને  60 ટકાથી વધુ  જમીન છે.

63 વર્ષના કે. કન્હમ્બુ કહે છે, "પહેલા અમે ગુલામ જેવા હતા." તેમના પિતા તિયા ખેડૂત હતા. "અમને શર્ટ પહેરવાની છૂટ ન હતા, બગલની નીચે ફક્ત એક ટુવાલ વીંટતા. પગમાં ચંપલ પણ નહીં. અને ન્હાવાના નાના ટુવાલ જેવી માત્ર અડધી ધોતી." કેટલાક ભાગોમાં નીચલા વરણની મહિલાઓને બ્લાઉઝ પહેરવાની છૂટ નહોતી. "અમે અમુક રસ્તાઓ પરથી પસાર થઈ શકતા નહોતા.  અમારે સવર્ણોથી ચોક્કસ શારીરિક અંતર જાળવવું પડતું અને કેટલું અંતર રાખવાનું તે (જાતિવ્યવસ્થાના) અધિક્રમમાં અમારા સ્થાનને આધારે નક્કી થતું."

નીચલા વરણને શાળાથી દૂર રાખવો  એ પણ તેનો જ એક ભાગ હતો. મૂળ હેતુ  હતો  સંસાધનોને તેમની  પહોંચથી દૂર રાખવાનો. પરિણામે તેમને કોઈ જ  પ્રકારનું  માન અપાતું નહોતું. ગરીબો સામે જનમી આતંક સામાન્ય હતો.

સુમુકનની મારપીટ નિર્ણાયક ઘટના સાબિત થઈ.

રાયરપ્પન કહે છે, "મલાબારના બધા રાષ્ટ્રવાદી નેતાઓ અહીં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેળાપ્પન તો થોડો સમય રોકાઈ પણ  ગયા. બધાએ જાતિવ્યવસ્થા વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. સી.એફ. એન્ડ્ર્યુઝ પણ અહીં આવ્યા. અને તેમણે આ મુદ્દો બ્રિટિશ સંસદમાં ઉઠાવ્યો. પાછળથી કલ્લિયાસેરી દલિત શિક્ષણનું કેન્દ્ર બન્યું." લોકોએ સમુદાય ભોજનનું આયોજન પણ કર્યું ત્યાં વિવિધ જાતિના સભ્યો સાથે મળીને જમતા.

પરંતુ તે પહેલા કંઈક મોટી લડતો લડવી પડી. અહીંથી નજીકમાં જ અજાનુરમાં 1930 અને ‘40 ના દાયકામાં એક શાળા ત્રણ-ત્રણ  વખત જમીનદોસ્ત કરી દેવામાં આવી. પહેલા જનમી   દ્વારા. ત્યારબાદ પોલીસ દ્વારા. પછી ફરી જનમી દ્વારા. આ શાળા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી  હતી. તે (શાળા) "રાષ્ટ્રવાદીઓ અને સામ્યવાદીઓને આશરો આપતી હતી" એવી પણ શંકા હતી.

તે શંકા માટે સબળ કારણો હતા. નિવૃત્ત શિક્ષક અગ્નિ શર્મન નંબુદિરી કહે છે કે, "1930 ના દાયકામાં આ વિસ્તારમાં એક ચોક્કસ પદ્ધતિએ ડાબેરી ના મૂળ વિસ્તરતા જતા હતા." હવે નજીકના કરીવેલ્લુરમાં એક પૂર્ણ સમયના રાજકીય કાર્યકર નંબુદિરી કહે છે: "અમે કોઈ પણ ગામમાં જતા ત્યારે અમે હંમેશાં રાત્રિ શાળા, વાંચન ખંડ અને એક ખેડૂત સંઘ શરૂ કરતા. ઉત્તર મલબારમાં આ જ રીતે ડાબેરી વિચારધારાનો વિકાસ થયો." અને રાયરપ્પને ઉમેર્યું." કલ્લિયાસેરીમાં જે કંઈ બન્યું તેની પાછળ અને તેની સફળતા પાછળ આ બાબતો પણ કારણભૂત  છે.એટલે જ કલ્લિયાસેરીમાં પણ આ જ રીતે શરૂઆત થઈ અને સફળતા પણ મળી."

1930 ના દાયકાના મધ્યભાગમાં ઉત્તર મલબારમાં ડાબેરીઓએ કોંગ્રેસ પર કબજો કરી લીધો હતો. 1939 સુધીમાં અહીંથી  રાયરપ્પન અને તેમના મિત્રો કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો તરીકે ઊભરી આવ્યા. જ્યાં (દલિતોને) શિક્ષણથી વંચિત રાખવાનું એક શસ્ત્ર સમાન હતું ત્યાં તે સમયના શિક્ષક સંઘે મુખ્ય રાજકીય ભૂમિકા ભજવી."

પી. યશોદા કહે છે, "તેથી જ તમને રાત્રિ શાળા, વાંચન ખંડ અને ખેડૂત સંઘ જોવા મળતા. કારણ આખરે તો અમે પણ શિક્ષકો જ હતા." 81 વર્ષની ઉંમરે પણ તેમણે  60 વર્ષ પહેલાંના, જ્યારે તેઓ સંઘના નેતાના રૂપમાં ઊભરી આવ્યા હતા ત્યારના, જોશ અને જુસ્સો અકબંધ જાળવી રાખ્યા છે. 15 વર્ષની ઉંમરે તેઓ  તેમના તાલુકાના  પ્રથમ અને એકમાત્ર મહિલા શિક્ષિકા અને મલબારના સૌથી નાના શિક્ષિકા હતા.આ અગાઉ તેઓ  તેમની શાળાના પ્રથમ વિદ્યાર્થીની  હતા.

"મારી શાળામાં બે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને અમારા બધાની  સામે નિર્દયતાથી સોટીથી  મારવામાં આવ્યા ત્યારે મારા રાજકીય શિક્ષણની શરૂઆત થઈ." તેમનો ગુનો? "'મહાત્મા ગાંધીકી જય' ના નારા લગાવવાનો" દરેકને સોટીના 36 ફટકા મારવામાં આવ્યા. કાનૂની મર્યાદા 12 ફટકાની હતી. એટલે ચિંતન કુટ્ટી અને પદ્મનભયા વોરિયરને સતત ત્રણ દિવસ સુધી રોજ 12 ફટકા મારવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેં એકવાર એક પરિવારને તેમના ઘરમાંથી બળજબરીપૂર્વક  હાંકી કઢાતા જોયો  હતો. તેમની પીડા હંમેશ મારી સાથે રહી. "

તેઓ અહીં 'યશોદા ટીચર' તરીકે જાણીતા છે. તેઓ કહે છે, "અલબત્ત છેલ્લા 50 વર્ષમાં આપણે લાંબી મજલ કાપી છે. આઝાદીથી મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે."

એક એવું ગામ કે જ્યાં એક સમયે શિક્ષણ એ મુઠ્ઠીભર લોકોનો વિશેષાધિકાર હતું  ત્યાં કલ્લિયાસેરીએ આ ક્ષેત્રે મોટી પ્રગતિ કરી છે. અહીં પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં સાક્ષરતા લગભગ 100 ટકાની નજીક છે. ગામનું દરેક બાળક શાળાએ જાય છે.

કૃષ્ણન પિલ્લઈ વાંચન ખંડના ગ્રંથપાલ ખૂબ ગર્વપૂર્વક કહે છે, "21000 લોકોની આ પંચાયતમાં 16 ગ્રંથાલયો છે." બધા 16 પુસ્તકાલયો-કમ-વાંચન ખંડ રોજ સાંજે ભરેલા રહે છે. અહીં મોટા ભાગના પુસ્તકો મલયાલમમાં છે. પરંતુ કેટલાક પુસ્તકો અંગ્રેજીમાં પણ છે: હાન સુયિન, ચાર્લ્સ ડિકન્સ, ટોલ્સટોય, લેનિન, માર્લો. આ વૈવિધ્યસભર રસ-રુચિ અવનવી રીતે પ્રતિબિંબિત થાય  છે. એટલે જ આ એક એવું ભારતીય ગામ છે જ્યાં તમને ‘શાંગ્રિ  લા’ નામના ઘરો જોવા મળે છે.

કલ્લિયાસેરી એક એવું ગામ છે જ્યાં આઠમા ધોરણથી  શાળા અધવચ્ચે છોડી દેનાર છોકરો પણ પશ્ચિમ એશિયામાં અરાફતથી ક્યાં અને  કેવી રીતે  ભૂલ થઈ તે વિશે તમારી સાથે દલીલ કરી શકશે. અહીં દરેક વ્યક્તિને  દરેક બાબતમાં પોતાનો એક અલગ અભિપ્રાય હોય છે અને પોતે જે વિચારે છે તે જણાવતા  કોઈ અચકાતુ નથી.

રાયરપ્પન કહે છે, "આઝાદીની લડત અને શિક્ષણની સાથે સાથે ભૂમિ સુધારા માટેની સંગઠિત ચળવળે અહીં બધું બદલી નાખ્યું."  તેનો લાભ મેળવનાર તિયા ખેડૂત કે. કન્હમ્બુ  સંમત થાય છે. તેઓ કહે છે, "તેનાથી બધું બદલાઈ ગયુ ભૂમિ સુધારાએ અહીંની જાતિવ્યવસ્થાને  જડમૂળથી ઊખાડી નાખી. તેનાથી અમને નવો દરજ્જો મળ્યો. અગાઉ જનમીઓની  દયા હોય તો જ અમને જમીનનો નાનો સરખો ટુકડો નસીબ થતો. ખેડે તેની જમીનથી તે બધું બદલાઈ ગયું. હવે અમે અમારી જાતને જમીનદારોની બરોબરીના ગણી શકીએ  છીએ." મહત્ત્વનું છે કે  ભૂમિ સુધારાએ ગરીબોની  અન્ન, શિક્ષણ અને આરોગ્યની પહોંચમાં પણ નોંધપાત્ર સુધારો કર્યો.

"અમે ભૂમિ સુધારા માટે 1947 થી '57 સુધી અને તે પછી પણ લડ્યા. અને અમને સમજાયું કે કોંગ્રેસ સવર્ણોના પક્ષે ઊભી છે. જનમીઓના પક્ષે." તેથી કલ્લિયાસેરી એવું સ્થળ બન્યું "જ્યાં 85 ટકાથી વધારે  લોકો ડાબેરીઓ સાથે  છે."

સુમુકનની વિધવા પન્નયન જાનકી કહે છે કે, "50-60 વર્ષમાં મોટા ફેરફારો થયા છે. મારા  પોતાના બાળકોને શાળાએ મોકલવાનું મારે માટે મુશ્કેલ હતું. આઝાદી પછીના સમયમાં ઘણું બધું બદલાઈ ગયું છે."

16 વર્ષ પહેલા સુમુકનનું અવસાન થયું. તેમનો પરિવાર હજી પણ અળિકોડમાં નજીકમાં જ રહે છે. સુમુકનની દીકરી  ટેલિફોન એક્સચેંજમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. તેમના જમાઈ કુન્હિરામન કાલિકટની એક  પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિક્ષક તરીકે નિવૃત્ત થયા. તેઓ  કહે છે, "બીજે ગમે તે હોય, ઓછામાં ઓછું અહીં તો હવે સામાજિક વ્યવસ્થામાં કોઈ ભેદભાવ નથી. અમારા પરિવારમાં બે એમબીબીએસ, બે એલએલબી અને એક બીએસસી છે…"

PHOTO • P. Sainath

કે. પી. આર. રાયરપ્પન ( જમણે છેલ્લા) સુમુકનના કેટલાક પૌત્ર- પૌત્રીઓ સાથે. પરિવારમાં  " બે એમબીબીએસ, બે એલએલબી અને એક બીએસસી” છે

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik