સોમવારે સવારે સદર શહેરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખૂલતાંની સાથે જ સુનિતા દત્તા તેમના પતિ સાથે ત્યાં પહોંચી ગયા  હતા. પરંતુ સહાયક નર્સ મિડવાઇફ (એએનએમ-ઑક્સિલીઅરી નર્સ મિડવાઈફ) સુનિતાને પ્રસૂતિ વોર્ડમાં લઈ ગયા પછી થોડી વારમાં જ દંપતી ત્યાંથી ચાલ્યું ગયું. જે રિક્ષામાં આવ્યા હતા તે જ રિક્ષામાં પાછા બેસતા સુનિતાએ કહ્યું, “ ઈસમેં  કૈસે  હોગા બચ્ચા, બહુત ગંદગી હૈ ઈધર [હું અહીં પ્રસૂતિ શી રીતે કરાવી શકું, અહીં બહુ ગંદકી છે]."

તેમની રિક્ષા ત્યાંથી નીકળતી હતી ત્યારે તેમના પતિ અમર દત્તાએ કહ્યું કે, "આજે સુનિતાની પ્રસૂતિની સંભવિત તારીખ છે - એટલે હવે અમારે ખાનગી હોસ્પિટલમાં જવું પડશે." સુનિતાએ તેના ત્રીજા બાળકને આ જ પીએચસીમાં જન્મ આપ્યો હતો. પરંતુ આ વખતે તેમના ચોથા બાળક માટે તેમણે બીજે જવાનું પસંદ કર્યું છે.

સવારે 11 વાગ્યે સદર પીએચસીના  લેબરરૂમમાં લોહીના ડાઘાવાળી જમીન સાફ કરવા સફાઈ કામદારના આવવાની રાહ જોવાઈ રહી  છે. આગલે દિવસે કરાવાયેલી પ્રસૂતિને કારણે આ લેબરરૂમ હજી ગંદો છે.

43 વર્ષના પુષ્પા દેવી (નામ બદલ્યું છે) કહે છે, “હું મારા પતિની રાહ જોઈ રહી છું. તેઓ મને લેવા આવવાના છે. આજનો મારી ફરજનો સમય પૂરો થઈ ગયો છે. મારી રાતપાળી   હતી અને કોઈ દર્દીઓ નહોતા, પણ મચ્છરને કારણે હું મટકું ય મારી શકી નથી.” પુષ્પા બિહારના દરભંગા જિલ્લાના સદર શહેરમાં પીએચસીમાં એએનએમ તરીકે ફરજ બજાવે  છે. તેઓ કાર્યાલયમાં ફરજ પરના એએનએમ માટેની ખુરશી પર  બેસીને અમારી સાથે વાત કરે છે. ખુરશી પાછળ એક ટેબલ છે જેના પર કેટલાક કાગળો વેરવિખેર પડેલા છે અને એક લાકડાનો ખાટલો છે. તે જ ખાટલા પર ઊંઘવાનો નિરર્થક પ્રયાસ કરતા પુષ્પાએ મુશ્કેલીમાં રાત પસાર કરી હતી.

જે ક્યારેક ક્રીમ-રંગની હતી તે, ઝાંખી પડી ગયેલી મચ્છરદાની ખાટલા ઉપર લટકાવેલી  છે. તેમાં મચ્છરો સહેલાઈથી ઘુસી શકે એટલા મોટા કાણાં છે. આગલી રાત પાળીમાં એએનએમએ ઉપયોગમાં લેવા - ખાટલા નીચે ગડી વાળીને પથારી એક બાજુએ મૂકેલી છે અને સાથે એક ઓશીકું છે.

Sunita Dutta (in the pink saree) delivered her third child at the Sadar PHC (right), but opted for a private hospital to deliver her fourth child
PHOTO • Jigyasa Mishra
Sunita Dutta (in the pink saree) delivered her third child at the Sadar PHC (right), but opted for a private hospital to deliver her fourth child
PHOTO • Jigyasa Mishra

સુનિતા દત્તા (ગુલાબી સાડીમાં) એ પોતાના ત્રીજા બાળકને સદર પીએચસી (જમણે) ખાતે જન્મ આપ્યો હતો, પરંતુ પોતાના ચોથા બાળકને જન્મ આપવા તેમણે ખાનગી હોસ્પિટલ પસંદ કરી.

એક નોટબુક પર ભેગા થઈ રહેલા મચ્છરોના ઝુંડને ભગાડતા પુષ્પા કહે છે, “અમારું કાર્યાલય એ જ અમારો સૂવાનો ઓરડો છે. અહીં બધું આવું જ ચાલે છે." પુષ્પાના લગ્ન દરભંગા શહેરના એક નાના દુકાનદાર, 47 વર્ષના કિશન કુમાર સાથે થયા છે. તેઓ અહીંથી (પીએચસીથી) પાંચ કિલોમીટર દૂર એ જ  શહેરમાં રહે છે. તેમનું  એકમાત્ર સંતાન 14 વર્ષનો અમરીશ કુમાર ત્યાં એક ખાનગી શાળામાં 8 મા ધોરણમાં ભણે છે.

પુષ્પા કહે છે કે સદર પીએચસીમાં દર મહિને સરેરાશ 10 થી 15 પ્રસૂતિ  થાય છે. તેઓ કહે છે કે કોવિડ-19 મહામારી પહેલા આ સંખ્યા લગભગ બમણી હતી. પીએચસીના લેબર રૂમમાં પ્રસૂતિ માટેના 2 ટેબલો છે અને  જન્મ પછીની  સંભાળ (પીએનસી - પોસ્ટ નેટલ કેર) માટેના વોર્ડમાં કુલ છ ખાટલા છે - તેમાંથી એક તૂટેલો છે. પુષ્પા કહે છે કે આ ખાટલામાંથી "ચાર ખાટલા દર્દીઓ અને બે ખાટલા મમતા કાર્યકરો વાપરે છે." મમતા કાર્યકરોને સૂવા માટે બીજી  કોઈ જગ્યા નથી.

‘મમતા’ બિહારની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોના પ્રસૂતિ વોર્ડમાં કરાર પર કામ કરનાર આરોગ્ય કર્મચારીઓ છે. આ વર્ગ ફક્ત આ જ રાજ્યમાં છે. તેઓ મહિને લગભગ 5000 રુપિયા - ક્યારેક ઓછા - કમાય છે. ઉપરાંત પ્રસૂતિની દેખરેખ રાખવા અથવા સહાયતા કરવા તેમને પ્રસૂતિદીઠ અલગ  300 રુપિયા  ‘પ્રોત્સાહક’ બોનસ મળે છે. પરંતુ પગાર અને ‘પ્રોત્સાહનો’ મળીને  દર મહિને નિયમિત રૂપે 6000 રુપિયાથી વધારે કમાતા  મમતા કાર્યકર શોધવા મુશ્કેલ છે. આ પીએચસીમાં બે અને રાજ્યભરમાં 4000 થી વધુ મમતા કાર્યકરો છે.

PHOTO • Priyanka Borar

દરમિયાન પુષ્પા જે મમતા કાર્યકરની રાહ જોઈ રહ્યા હતા તે બેબી દેવી (નામ બદલ્યું છે) આવી પહોંચતા પુષ્પાની પ્રતીક્ષા પૂરી થાય છે.  તેઓ ઉમેરે છે, “પાડ માનો ભગવાનનો કે  મારા જતા  પહેલાં તેઓ આવી ગયા. આજે  દિવસની પાળી તેમની છે. બીજા એએનએમ પણ હવે થોડી વારમાં આવવા જ જોઈએ." અને સમય જાણવા જૂના મોબાઈલનું  એક બટન દબાવે છે  - તેમની પાસે સ્માર્ટફોન નથી. અહીં ચાર બીજા એએનએમ છે જેઓ આ પીએચસીના લેબર રૂમમાં કામ કરે છે - અને આ પીએચસી સાથે સંકળાયેલા બીજા 33 એએનએમ છે, જેઓ જિલ્લાના કેટલાક ગામોમાં તેના આરોગ્ય ઉપ-કેન્દ્રોમાં સેવાઓ આપે  છે. પીએચસીમાં છ ડોકટરો પણ કાર્યરત છે - અને સ્ત્રીરોગચિકિત્સકની પણ એક જગ્યા છે, જે ખાલી છે. ત્યાં કોઈ તબીબી ટેકનિશિયન નથી - તે કામ બહારથી કરાવવામાં આવેછે (આઉટસોર્સ કરેલું છે). અહીં  બે સફાઈ કામદારો છે.

બિહારમાં એએનએમ  11500 રુપિયાના પ્રારંભિક પગારથી નોકરીમાં જોડાય  છે. લગભગ બે દાયકાથી વધુ સમયથી નોકરીમાં  હોઈ પુષ્પા હવે તેનાથી લગભગ ત્રણ ગણી કમાણી કરે છે.

52 વર્ષના મમતા કાર્યકર, બેબી દેવી હાથમાં દાતણ  (દાંત સાફ કરવા ઉપયોગમાં લેવાતી લીમડાની લગભગ 20 સેન્ટિમીટર લાંબી  પાતળી  દાંડી) લઈને પીએચસી પહોંચ્યા હતા.  તેઓ  પુષ્પાને કહે છે, " અરે દીદી આજ બિલ્કુલ ભાગતે-ભાગતે આયે હૈં [અરે બહેન, આજે તો બહુ દોડાદોડી થઈ ગઈ]."

તો આજે અલગ શું છે? તેમની 12 વર્ષની પૌત્રી અર્ચના (નામ બદલ્યું છે) કામ પર તેમની સાથે આવી છે. ગુલાબી-પીળું  ફ્રોક પહેરેલી, સરસ ઘઉંવર્ણી  ત્વચા અને પોનીટેલમાં બાંધેલા સોનેરી-ભૂખરા વાળવાળી અર્ચના પ્લાસ્ટિકની થેલી પકડીને તેના દાદીની પાછળ પાછળ ચાલે છે, જેમાં કદાચ તેમનું બપોરનું ભોજન છે.

Mamta workers assist with everything in the maternity ward, from delivery and post-natal care to cleaning the room
PHOTO • Jigyasa Mishra

પ્રસૂતિ વોર્ડમાં પ્રસૂતિ અને જન્મ પછીની સંભાળથી માંડીને ઓરડાની સફાઈ  સુધીની દરેક બાબતોમાં મમતા કાર્યકરો મદદ કરે છે

મમતા કાર્યકરોને માતા અને શિશુઓની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવે છે.  જો કે બેબી દેવી કહે છે કે તેઓ પ્રસૂતિથી લઈને જન્મ પછીની સંભાળ અને પ્રસૂતિ વોર્ડમાં થતી દરેક બાબતોમાં સહાય કરે છે. ટેબલ ઉપરની ધૂળ ઝાટકતા  બેબી કહે છે, 'મારી ફરજ પ્રસૂતિ પછી માતા અને બાળકની સંભાળ રાખવાની છે, પરંતુ હું આશા દીદી સાથે મળીને પ્રસૂતિનું પણ ધ્યાન રાખું  છું, અને સફાઇ કામદાર રજા પર હોય ત્યારે ખાટલા તેમજ લેબરરૂમ પણ સાફ કરું છું.'

તેઓ અમને કહે છે કે જ્યારે પીએચસીમાં તેઓ એકમાત્ર મમતા કાર્યકર હતા  ત્યારે તેઓ વધુ કમાતા હતા. “મને મહિને 5000-6000 રુપિયા મળતા હતા, પરંતુ જ્યારથી તેઓએ બીજા મમતા કાર્યકરની નિમણૂક કરી છે, ત્યારથી મને માત્ર 50 % પ્રસૂતિ માટે  જ પ્રસૂતિદીઠ 300 રુપિયા પ્રોત્સાહક રકમ મળે છે. મહામારીની શરૂઆતથી જ પીએચસી ખાતે ઘટી રહેલી  પ્રસૂતિને કારણે દરેક મમતા કાર્યકરને દર મહિને વધારેમાં વધારે 3000 રુપિયા મળી શકે, કદાચ તેનાથી પણ ઓછા.  300 રુપિયા પ્રોત્સાહક રકમ તો છેલ્લા પાંચ વર્ષથી જ છે. 2016 સુધી તો આ રકમ પ્રસૂતિદીઠ માત્ર 100 રુપિયા જ હતી.

મોટાભાગના દિવસોમાં કામ માટે  પીએચસીની મુલાકાત લેતા બીજા કોઈ લોકો હોય તો તે આશાઓ (ASHAs), જેઓ તેમની સંભાળ નીચેની ગામડાની સગર્ભા સ્ત્રીઓને પ્રસૂતિ માટે અહીં સાથે લઈને આવે  છે. સુનિતા અને તેમના પતિ સાથે કોઈ આશા કાર્યકર ન હતા, અને આ પત્રકાર ત્યાં હતા ત્યાં સુધી કોઈ આશા કાર્યકર ત્યાં આવ્યા પણ નહોતા, જે કદાચ કોવિડ -19 મહામારી શરૂ થયા પછી પીએચસીના દર્દીઓની સંખ્યા ઘટતી ગઈ છે એ સૂચવે છે. જો કે પ્રસૂતિ માટે આવતા દર્દીઓ સાથે મોટે ભાગે આશા કાર્યકર હોય છે.

આશા (ASHA) એટલે ‘માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર’ (‘accredited social health activist’) - અને તે એવી મહિલાઓને કહેવામાં આવે છે કે જેઓ તેમના ગ્રામીણ સમુદાયને જાહેર આરોગ્યસંભાળ પ્રણાલી સાથે જોડે છે.

બિહારમાં આશરે 90,000 આશા કાર્યકરો છે, જે દેશભરમાં કાર્યરત 10 લાખથી વધુ  આશા કાર્યકારોનું બીજા ક્રમનું  સૌથી મોટું દળ છે. સરકારો દ્વારા તેમને ‘સ્વયંસેવકો’ કહેવામાં આવે છે. માનદ વેતન તરીકે તેમને ચૂકવાતી  નજીવી રકમને યોગ્ય ઠેરવવા સરકારો આ શબ્દનો ઉપયોગ કરે છે. બિહારમાં તેમને મહિને 1500 રુપિયા મળે છે - અને સંસ્થાકીય પ્રસૂતિ, ટીકાકરણ, ઘર મુલાકાત, કુટુંબ નિયોજન વગેરેને લગતા બીજા કામો માટે પૂરા કરેલા પ્રત્યેક કામદીઠ 'પ્રોત્સાહન' રૂપે  વધારાની રકમ મળે છે.  મોટા ભાગના આશા કાર્યકરોને  આ બધા કામોમાંથી મહિને સરેરાશ 5000-6000 રુપિયા મળતા હશે.  સદર પીએચસી અને તેના વિવિધ  પેટા કેન્દ્રો સાથે 260 આશા કાર્યકરો સંકળાયેલા છે.

Left: The mosquito net and bedding in the office where ANMs sleep. Right: A broken bed in the post-natal care ward is used for storing junk
PHOTO • Jigyasa Mishra
Left: The mosquito net and bedding in the office where ANMs sleep. Right: A broken bed in the post-natal care ward is used for storing junk
PHOTO • Jigyasa Mishra

ડાબે: કાર્યાલયમાં મચ્છરદાની અને પથારી જ્યાં એએનએમ સૂઈ જાય છે. જમણે: જન્મ પછીની સંભાળ માટેના વોર્ડમાં તૂટેલા ખાટલાનો ઉપયોગ નકામો સરસામાન સંઘરવા માટે થાય છે

બેબી તેની પૌત્રીને પ્લાસ્ટિકની થેલીમાંથી ખાવાનું કાઢવા કહે છે, અને વાત કરવાનું ચાલુ રાખે છે. તેઓ ઉમેરે છે, “અમને હંમેશાં લાગે છે કે અહીં જગ્યા, ખાટલા અને સુવિધાઓનો અભાવ છે. પરંતુ જો અમે વધુ સારી સુવિધાઓ માંગીએ તો અમારી બદલી કરી નાખવાની ધમકી આપવામાં આવે  છે. ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા સૌથી મોટો પડકાર બની રહે છે. ઘણી વાર તે મોસમમાં પ્રસૂતિ  માટે આવતા દર્દીઓ અહીંની હાલત જોઈને  ઘેર પાછા જતા રહે છે. અને પછી તેઓ ખાનગી હોસ્પિટલોમાં જાય છે."

આ પત્રકારને હાથ ખેંચીને પોતાની સાથે લઈ જતાં તેઓ કહે છે, "મારી સાથે ચાલો, હું તમને અમારો પીએનસી વોર્ડ બતાવું. જુઓ, પ્રસૂતિ પછીની બધી વસ્તુ માટે અમારી પાસે આ એક જ ઓરડો છે. અમારે માટે અને દર્દીઓ માટે જે છે તે બસ આ જ છે.” આ વોર્ડમાં છ ખાટલા ઉપરાંત એક ખાટલો કાર્યાલયમાં છે જે પુષ્પા જેવા એએનએમ વાપરે,  અને બીજો એક પ્રસૂતિ વોર્ડની બહાર  છે. “મમતા કાર્યકરોને આમાંથી વધારેમાં વધારે બે  ખાટલા વાપરવા મળે  છે.  બધા ખાટલા દર્દીઓથી ભરેલા હોય ત્યારે રાતપાળી  દરમિયાન અમારે પાટલીઓ એકબીજા સાથે જોડીને એની ઉપર સૂવું પડે  છે. ક્યારેક ક્યારેક તો અમારે, એટલે સુધી કે અમારા એએનએમને પણ જમીન પર સૂવા વારો આવે છે.”

બેબી આજુબાજુ નજર દોડાવે છે કે ક્યાંક કોઈ ઉપરી અમારી વાતચીત સાંભળતું તો નથી ને, અને પછી પોતાની વાત ચાલુ રાખતા કહે  છે, “અમને પાણી ગરમ કરવા માટે કોઈ વ્યવસ્થા આપવામાં આવી નથી. દીદી [એએનએમ] છેલ્લા ઘણા સમયથી તે માટેની માંગ કરે  છે, પરંતુ કંઈ વળતું નથી. ફક્ત અમારી બાજુના ચ્હાવાળા બહેન જ અમને મદદ કરે છે. અહીંથી બહાર નીકળો એટલે પીએચસીના દરવાજાની જમણી બાજુ ચ્હાની નાનકડી દુકાન છે,  એક મહિલા અને તેની દીકરી એ દુકાન  ચલાવે છે. અમારે જરૂર હોય ત્યારે તેઓ અમારે માટે એક સ્ટીલના તપેલા [વાસણ] માં  ગરમ પાણી લાવે છે.  દર વખતે તેઓ ગરમ પાણી લાવે ત્યારે અમે તેમને થોડાઘણા પૈસા આપીએ છીએ. સામાન્ય રીતે, 10 રુપિયા."

તેઓ જે નજીવી કમાણી કરે છે તેમાંથી નભાવે છે શી રીતે? બેબી પૂછે છે, "તમને  શું લાગે છે? ચાર લોકોના પરિવાર માટે 3000 રુપિયા પૂરતા છે? કમાનાર હું એકલી  છું. મારો દીકરો, વહુ અને આ છોકરી [પૌત્રી] મારી સાથે રહે છે. એટલે દર્દીઓ અમને થોડા પૈસા આપે છે. એએનએમ, આશા કાર્યકર … બધા ય લે છે. અમને પણ આ રીતે થોડાઘણા પૈસા મળે છે. ક્યારેક પ્રસૂતિદીઠ 100 રુપિયા. ક્યારેક 200 પણ. અમે દર્દીઓ પર દબાણ કરતા નથી. અમે માગીએ  છીએ અને તેઓ અમને રાજીખુશીથી આપે છે. ખાસ કરીને જ્યારે છોકરો જન્મે ત્યારે."

ગ્રામીણ ભારતના  કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.

આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર  લખો

જીજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Jigyasa Mishra

Jigyasa Mishra is an independent journalist based in Chitrakoot, Uttar Pradesh.

Other stories by Jigyasa Mishra
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

Other stories by Priyanka Borar

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik