તેઓએ હજી પણ તહેસીલ કચેરી ખાતે એ ધ્વજ રાખ્યો છે. ફક્ત અહીં તેઓ તેને 18 મી ઓગસ્ટે લહેરાવે છે. 1942 માં તે જ દિવસે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના આ વિસ્તારના લોકોએ બ્રિટિશ રાજથી સ્વતંત્રતા જાહેર કરી હતી. મુહમ્મદાબાદના તહેસીલદારે એક ટોળા પર ગોળીબાર કર્યો પરિણામે શેરપુર ગામના આઠ લોકો માર્યા ગયા. માર્યા ગયેલામાં મોટા ભાગના શિવ પૂજન રાયની આગેવાની હેઠળના કોંગ્રેસીઓ હતા. મુહમ્મદાબાદમાં તહેસીલ ભવન પર ત્રિરંગો લહેરાવવાની કોશિશ કરતા હતા ત્યારે ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી.
અંગ્રેજોએ 10 મી ઓગસ્ટે ગાઝીપુર જિલ્લામાં 129 નેતાઓ સામે ધરપકડનું વોરંટ જારી કર્યું. પરિણામે પહેલેથી ધૂંધવાઈ રહેલા આ જિલ્લામાં લડતો ફાટી નીકળી. 19 મી સુધીમાં સ્થાનિકોએ લગભગ આખા ય ગાઝીપુર પર કબજો કરી લીધો અને ત્રણ દિવસ સુધી સરકાર ચલાવી.
જિલ્લાના ગેઝેટિયર પ્રમાણે અંગ્રેજોએ જવાબી કાર્યવાહીમાં “આતંકનું શાસન” ચલાવ્યું. થોડા જ વખતમાં "એક પછી એક ગામમાં ધાડ ધાડ પાડવામાં આવી, લૂંટ ચલાવવામાં આવી, અને ગામના ગામ બાળી નાખવામાં આવ્યા." સૈન્ય અને ઘોડેસવાર પોલીસે ‘ભારત છોડો’ આંદોલનકારીઓને કચડી નાખ્યા. પછીના થોડા દિવસોમાં આખા જિલ્લામાં મળીને તેમણે લગભગ 150 લોકોને ગોળીએ દીધા. નોંધેલા પૂરાવા સૂચવે છે કે અધિકારીઓ અને પોલીસે નાગરિકો પાસેથી 35 લાખ રુપિયા જેટલી રકમ લૂંટી લીધી. 74 જેટલા ગામ બાળીને રાખ કરી નાખ્યા. ગાઝીપુરના લોકોએ (બળવામાં સામેલ થવા બાદલ) 4.5 લાખ જેટલી, એ જમાનામાં ઘણી મોટી ગણાતી રકમ, સામુહિક દંડ પેટે ચૂકવવી પડી.
અધિકારીઓએ સજા માટે શિરપુરને નિશાન બનાવ્યું. અહીંના સૌથી વૃદ્ધ દલિત નિવાસી હરિ શરણ રામ તે દિવસ યાદ કરે છે: “ગામમાં માણસોની વાત તો જવા દો, એક ચકલું ય રહ્યું નહોતું. જેઓ ભાગી શક્યા તે ભાગી છૂટ્યા. લૂંટફાટ ચાલતી જ રહી.” જો કે આખા ગાઝીપુરને પાઠ ભણાવવનો હતો. 1850 ના દાયકામાં જ્યારે સ્થાનિક લોકોએ ઈન્ડિગો પ્લાન્ટરો પર હુમલો કર્યો હતો ત્યારથી આ જિલ્લામાં અંગ્રેજ વિરોધી બળવા થયા હોવાનું નોંધાયું હતું. તે હવે અંગ્રેજોએ તેમને ગોળીઓ અને દંડૂકા વડે પાઠ ભણાવ્યો.






