“અમે તંબુમાં બેઠા હતા, તેમણે તે  ફાડી નાખ્યો. "અમે બેસી રહ્યા, વૃદ્ધ સ્વતંત્રતા સેનાનીએ અમને કહ્યું. “તેઓએ જમીન પર અને અમારી પર પાણી ફેંકયું. તેઓએ જમીનને ભીની કરવાનો પ્રયત્ન કર્યો અને અમારું  બેસવાનું મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કર્યો. અમે બેસી રહ્યા. પછી જ્યારે હું થોડું પાણી પીવા ગયો અને નળની નજીક જઇને નમ્યો, ત્યારે તેઓએ મારા માથા પર કંઇ માર્યુ અને મારા માથામાં ફ્રેક્ચર થયું. મને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો પડ્યો”

બાજી મોહમ્મદ ભારતના કેટલાક છેલ્લા જીવંત સ્વતંત્રતા સૈનિકોમાંના એક છે - ઓડિશાના કોરાપુટ ક્ષેત્રના ચાર કે પાંચ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સ્વતંત્રતા સૈનિકોમાંથી માત્ર તેઓ એક જ જીવંત છે. તેઓ 1942 માં અંગ્રેજોના અત્યાચારની વાત નથી કરતા.(જોકે, તે વિષયમાં પણ તેમને ઘણું  કહેવું  છે.) 1992 માં બાબરી મસ્જિદના ધ્વંસ સમયે, તેની અડધી સદી પછી, તેઓ  પોતાની  ઉપર થયેલા અધમ  હુમલાનું વર્ણન કરે છે: હું 100 સભ્યોની શાંતિ ટીમના ભાગ રૂપે ત્યાં હતો. ” પરંતુ ટીમને શાંતિ આપવામાં આવી ન હતી. પંચોતેર-છોત્તેર વર્ષના વૃદ્ધ ગાંધીવાદી લડવૈયાએ  તેમના માથામાં થયેલી ઈજામાંથી સ્વસ્થ  થવા 10 દિવસ હોસ્પિટલમાં અને એક મહિનો  વારાણસી આશ્રમમાં પસાર કરવો પડ્યો.

આ ઘટનાનું વર્ણન કરતી વખતે તેમાં  ગુસ્સાની સહેજ છાંટ પણ વર્તાતી નથી.  હુમલો કરનાર  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા બજરંગ દળ પ્રત્યે તેમને કોઈ દ્વેષ નથી. મોહક સ્મિત ધરાવતા એક સૌમ્ય વૃદ્ધ માણસ, અને ચુસ્ત ગાંધી ભક્ત. તેઓ  મુસ્લિમ છે, જે નવરંગપુરની ગૌહત્યા વિરોધી જૂથનું નેતૃત્વ કરે છે. "હુમલા બાદ બીજુ પટનાયક મારે ઘેર  આવ્યા અને મને ઠપકો આપ્યો. આ ઉંમરે શાંતિપૂર્ણ વિરોધમાં પણ  મારા સક્રિય હોવા અંગે તેઓ ચિંતિત હતા. અગાઉ પણ જ્યારે મેં આ સ્વતંત્રતા સેનાનીઓને અપાતું પેન્શન 12 વર્ષ સુધી સ્વીકાર્યું ન હતું ત્યારે તેઓએ મને ઠપકો આપ્યો હતો. ”

બાજી મોહમ્મદ એક વિલુપ્ત થઇ રહેલી જાતિના રંગીન અવશેષ છે. ભારતની આઝાદી માટે અસંખ્ય ગ્રામીણ ભારતીયોએ મોટું બલિદાન આપ્યું હતુ. પરંતુ જે પેઢી રાષ્ટ્રને આઝાદી તરફ દોરી ગઇ છે તે પેઢી ઝડપથી લુપ્ત થઈ રહી છે, (જીવંત છે) તેમાંના મોટાભાગના સભ્યો 80 અથવા 90 ના દાયકાના અંતની નજીક છે. બાજી  લગભગ 90 વર્ષના  છે.

હું 1930 ના દાયકામાં ભણતો હતો, પરંતુ મેટ્રિક પછી ન ભણી શક્યો. મારા ગુરુ સદાશિવ ત્રિપાઠી હતા જેઓ  પાછળથી ઓડિશાના મુખ્ય પ્રધાન બન્યા. હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો અને તેના નવરંગપુર એકમ [ત્યારે તે હજી પણ કોરાપુટ જિલ્લાનો ભાગ હતો.] નો પ્રમુખ બન્યો. મેં કોંગ્રેસના 20000 સભ્યો બનાવ્યા. તે ભારે  ઉત્તેજનાવાળો  વિસ્તાર હતો. અને  સત્યાગ્રહ શરુ થતા આ પ્રદેશ જાણે સંપૂર્ણ રીતે જીવંત થયો. ”

જો કે જ્યારે સેંકડો લોકો  કોરાપુટ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે બાજી મોહમ્મદ બીજી તરફ ગયા. “હું ગાંધીજી પાસે ગયો. મારે તેમને મળવુ હતું. ” અને તેથી તેમણે "સાયકલ ઉઠાવી, મિત્ર લક્ષ્મણ સાહુને પોતાની સાથે લીધો, ખિસ્સામાં પૈસા નહોતા, અને અહીંથી રાયપુર ગયા." ખૂબ જ કઠિન પર્વતીય ક્ષેત્રનું  350 કિલોમીટરનું અંતર હતું. “ત્યાંથી અમે વર્ધાની ટ્રેન લઈને સેવાગ્રામ તરફ ગયા. તેમના આશ્રમમાં ઘણા મહાન લોકો હતા. અમે આશ્ચર્યચકિત અને ચિંતિત હતા.શું અમે તેમને ક્યારેય  મળી શકીશું ખરા?   લોકોએ અમને કહ્યું તેમના સચિવ મહાદેવ દેસાઇને પૂછો.

“દેસાઇએ અમને સાંજે 5 વાગ્યે જ્યારે તેઓ ચાલવા નીકળે ત્યારે તેમની સાથે વાત કરવાનું કહ્યું. મેં વિચાર્યું આ તો ખૂબ સરસ. નિરાંતે મળી શકાશે. પણ બાપરે !તેઓ તો ખૂબ ઝડપથી ચાલતા હતા.  તેમની ચાલ સાથે મેળ પાડવા મારે તો દોડવું પડતું  હતું. છેવટે હું તેમની સાથે કદમ મેળવી ન શક્યો અને તેમને  વિનંતી કરી: મહેરબાની કરીને ઊભા રહો: હું છેક ઓડિશાથી માત્ર તમને  મળવા માટે  આવ્યો છું.

તેમણે સહેજ ગુસ્સાથી કહ્યુઃ ‘તમે શું જોશો? હું પણ એક માણસ જ છું , બે હાથ, બે પગ, બે આંખવાળો. શું તમે ઓડિશાના સત્યાગ્રહી છો?’ મેં જવાબ આપ્યો કે મેં સત્યાગ્રહી બનવાની પ્રતિજ્ઞા લીધી છે.

“'જાઓ', ગાંધીએ કહ્યું. ‘જાઓ, લાઠી ખાઓ [જાઓ અને બ્રિટીશની લાઠીનો સ્વાદ ચાખો]. રાષ્ટ્ર માટે બલિદાન આપો.’ સાત દિવસ પછી, તેમણે અમને કહ્યું તે જ પ્રમાણે કરવા અમે અહીં પાછા ફર્યા." બાજી  મોહમ્મદે નવરંગપુર મસ્જિદની બહારના યુદ્ધ – વિરોધી ચળવળના ભાગરૂપે સત્યાગ્રહ કર્યો.  પરિણામે  “છ મહિનાની જેલ અને 50 રૂ.નો દંડ થયો. તે દિવસોમાં આ રકમ ઓછી નહોતી. ”

તે પછી આવી ઘણી પ્રાસંગિક ઘટનાઓ  બની. “એક પ્રસંગે જેલમાં લોકો પોલીસ પર હુમલો કરવા એકઠા થયા હતા. મેં દરમિયાનગીરી કરી  તેમને રોક્યા. ‘મરેંગે લેકિન મારેંગે નહીં ', મેં કહ્યું [અમે મરી જઈશું, પણ અમે હુમલો નહીં કરીએ]."

PHOTO • P. Sainath

જેલમાંથી બહાર આવીને મેં ગાંધીને લખ્યું: 'હવે શું?' અને તેમનો જવાબ આવ્યો: 'ફરીથી જેલમાં જાઓ'. તેથી મેં તેમ કર્યું. આ વખતે ચાર મહિના માટે. પરંતુ ત્રીજી વખત તેઓએ અમારી ધરપકડ કરી નહીં. તેથી મેં ગાંધીને ફરી પૂછ્યું: 'હવે શું?' અને તેમણે કહ્યું: 'આ જ સૂત્રોચ્ચાર સાથે લોકોની વચ્ચે જાઓ'. તેથી અમે દર વખતે   20-30 લોકો સાથે  60 કિલોમીટર જેવું પગે ચાલીને આસપાસના ગામડાઓમાં ફર્યા. તે પછી ભારત છોડો આંદોલન આવ્યું, અને પરિસ્થિતિ  બદલાઇ ગઈ.

“25 ઑગસ્ટ, 1942 ના રોજ, અમારા બધાની ધરપકડ કરવામાં આવી અને જેલમાં પૂરવામાં આવ્યા. નવરંગપુરના પાપારંડીમાં પોલીસ ગોળીબારમાં ઓગણીસ લોકો ઘટના સ્થળે જ માર્યા ગયા. ઘણા લોકો પાછળથી ઇજાઓના કારણે મૃત્યુ પામ્યા. 300 થી વધુ ઘાયલ થયા હતા. કોરાપુટ જિલ્લામાં 1000 થી વધુને કેદ  કરવામાં આવ્યા. કેટલાકને ઠાર મારવામાં આવ્યા અથવા ફાંસી આપવામાં આવી. કોરાપુટમાં 100 થી વધુ લોકો શહીદ થયા  હતા. વીર લખન નાયક [અંગ્રજોને પડકારનાર પ્રખ્યાત આદિવાસી નેતા] ને ફાંસી આપવામાં આવી."

આંદોલનકારીઓ પર કરાયેલા અત્યાચારમાં બાજીનો ખભો તૂટી ગયો હતો. “ત્યારબાદ મેં પાંચ વર્ષ કોરાપુટ જેલમાં પસાર કર્યા. ત્યાં મેં લખન નાયકને જોયા, પાછળથી તેમને ત્યાંથી બરહામપોર જેલમાં ખસેડવામાં આવ્યા. તેઓ  મારી સામેની કોટડીમાં હતા અને જ્યારે ફાંસીનો હુકમ આવ્યો ત્યારે હું તેમની સાથે હતો. હું તમારા કુટુંબને શું કહું? મેં તેમને પૂછ્યું. તેમણે જવાબ આપ્યો, ‘તેમને કહેજો,હું ચિંતિત નથી. ફક્ત એક જ દુ:ખ છે જે સ્વરાજ માટે આપણે લડ્યા તે જોવા માટે હું જીવીશ નહીં.’

બાજી પોતે (એ જોવા) જીવ્યા. તેમને સ્વતંત્રતા દિવસ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા - "નવ-આઝાદ દેશમાં જવા માટે." તેમના ઘણા સાથીદારો, તેમાં ભાવિ મુખ્ય પ્રધાન સદાશિવ ત્રિપાઠી પણ હતા, "1952 ની ચૂંટણીઓમાં બધા ધારાસભ્ય બન્યા, આઝાદ ભારતની પહેલી ચૂંટણીઓ." બાજી પોતે પણ “ક્યારેય ચૂંટણી લડ્યા નહીં. ક્યારેય લગ્ન કર્યા નહીં.”

તેઓ સમજાવે છે, “મને સત્તા કે પદનો મોહ નહોતો. હું જાણતો હતો કે હું બીજી રીતે સેવા આપી શકું છું. જે રીતે અમે સેવા આપીએ એવું ગાંધી ઈચ્છતા હતા. ” તે દાયકાઓ સુધી  ચુસ્ત કોંગ્રેસી હતા. તેઓ કહે છે, "પરંતુ હવે હું કોઈ પક્ષમાં  નથી. હું  અ-પક્ષ છું."

જો કે  જનતા માટે મહત્ત્વના દરેક હેતુમાં તેઓ સક્રિય રહ્યા.  "1956 માં મેં વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં ભાગ લીધો હતો." તેઓ જયપ્રકાશ નારાયણના કેટલાક અભિયાનોના પણ સમર્થક હતા. "1950 ના દાયકામાં તેઓ (જયપ્રકાશ નારાયણ) બે વાર અહીં રોકાયા  હતા." કોંગ્રેસે તેમને એકથી વધુ વખત ચૂંટણી લડવાનું કહ્યું હતું. "પરંતુ હું,  સત્તા દળ કરતાં વધુ સેવાદળનો હતો [સત્તાલક્ષી હોવા કરતાં સેવા લક્ષી વધારે હતો]."

સ્વાતંત્ર્ય સેનાની બાજી મોહમ્મદ માટે,” ગાંધીજીને મળવું એ મારા સંઘર્ષનું સૌથી મોટું ઈનામ હતું. એનાથી વધારે કોઇને બીજું શું જોઇએ?"  મહાત્માના પ્રખ્યાત  વિરોધ કૂચમાંની એકમાં  પોતાનો ફોટો બતાવતી વખતે તેમની આંખો ભીની થઇ જાય છે. ભૂદાન ચળવળ દરમિયાન પોતાની 14 એકર જમીન દાનમાં આપી દીધા પછી બાજી માટે આ બધું જ હવે તેમનો ખજાનો છે. આઝાદીની લડત દરમ્યાનની તેની પ્રિય ક્ષણો? “દરેકે દરેક.  પરંતુ મહાત્માને મળવું અને  તેમનો અવાજ સાંભળવો  તે મારા જીવનની સૌથી મહાન ક્ષણ હતી. એકમાત્ર અફસોસ એ છે કે  એક રાષ્ટ્ર તરીકે આપણે  કેવા હોવું જોઈએ તેનું તેમણે જોયેલું સ્વપ્ન હજી આજે ય સાકાર થયું નથી. "

(બાજી મોહમ્મદ.) મોહક સ્મિત સાથેના  માત્ર એક સૌમ્ય વૃદ્ધ માણસ. અને  વૃદ્ધ ખભા પર  સહજ સવાર એક બલિદાન.

તસવીરો: પી. સાંઇનાથ

આ લેખ સૌ પ્રથમવાર  23 ઓગસ્ટ, 2007 ના રોજ ધ હિન્દુમાં પ્રકાશિત થયો હતો.

આ શ્રેણીના બીજા લેખો અહીં વાંચો:

જ્યારે સલિહાને (બ્રિટિશ) રાજને લલકાર્યું

પનીમારાના આઝાદીના લડવૈયા - 1

પનીમારાના આઝાદીના લડવૈયા - 2

લક્ષ્મી પાંડાની છેલ્લી લડત

અહિંસાના નવ દાયકા

ગોદાવરી: અને પોલીસ હજી પણ હુમલાની રાહ જુએ  છે

શેરપુર: મોટું બલિદાન, ટૂંકી યાદદાસ્ત

સોનખાન: વીર નારાયણ સિંહનું બીજું મૃત્યુ

કલ્લિયાસેરી: 50 વર્ષ પછી પણ લડત ચાલુ છે

કલ્લિયાસેરી: સુમુકનની શોધમાં

અનુવાદક: છાયા વ્યાસ

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Chhaya Vyas

Chaaya Vyas is a teacher and translator based in Ahmedabad. She has a keen interest in Maths and Science. She loves reading and travelling.

Other stories by Chhaya Vyas