રૂપચંદ દેવનાથ પોતાની વાંસની ઝૂંપડીમાં હાથશાળ પર વણાટ કરવાથી વિરામ લેતાં કહે છે, “અહીં કાગળ પર વણકરોની કોઈ અછત નથી, પરંતુ મારા મૃત્યુ પછી આ બધું [વ્યવહારીક રીતે] ખતમ થઈ જશે.” ત્યાં મોટાભાગની જગ્યા હાથશાળ લે છે. તે ઉપરાંત, ત્યાં તૂટેલું ફર્નિચર, ધાતુના ફાજલ ભાગો, અને વાંસના ટુકડાઓના ઢગલા પડેલા છે. આ તંગ જગ્યામાં રૂપચંદ એકલા જ બેસી શકે તેમ છે.
73 વર્ષીય રૂપચંદ ત્રિપુરા રાજ્યમાં ભારત અને બાંગ્લાદેશની સરહદ પર ધર્મનગર શહેરની બહારના ગોવિંદપુરમાં રહે છે. એક સાંકડો રસ્તો ગામ તરફ દોરી જાય છે, જ્યાં એક સમયે 200 વણકર પરિવારો અને 600થી વધુ કારીગરો રહેતા હતા. ગોવિંદપુર હેન્ડલૂમ વીવર્સ એસોસિએશનનું કાર્યાલય સાંકડી ગલીઓમાં આવેલા થોડા ઘરોમાંનું એક છે, તેની જર્જરીત દિવાલો મોટાભાગે વિસરાઈ ગયેલા વૈભવની યાદ અપાવે છે.
નાથ સમુદાય (રાજ્યમાં અન્ય પછાત વર્ગો તરીકે સૂચિબદ્ધ) સાથે સંબંધ ધરાવતા રૂપચંદ કહે છે, “અહીં એક પણ ઘર એવું નહોતું કે જેમાં હાથશાળ ન હોય.” ધગધગતા તાપમાં કામ કરતાં તેઓ તેમના ચહેરા પરથી પરસેવો લૂછે છે. લાગણીથી થરથરતા અવાજમાં તેઓ પૂછે છે, “સમાજમાં અમારું માનસન્માન હતું. હવે, કોઈને કંઈ નથી પડી. મને કહો ને કે જે વ્યાવસાયમાં પૈસાની કમાણી ન થતી હોય તેનું કોણ સન્માન કરશે?”
આ પીઢ વણકરને હાથથી વણેલી નકશી સાડીઓ બનાવવાનું યાદ છે, જેમાં ફૂલોની વિસ્તૃત ભાત હતી. પરંતુ રૂપચંદ કહે છે કે 1980ના દાયકામાં, “જ્યારે પુરબાશા [ત્રિપુરા સરકારના હસ્તકલા એમ્પોરિયમ] એ ધર્મનગરમાં એક દુકાન ખોલી ત્યારે તેમણે અમને નકશી સાડીઓ બનાવવાનું બંધ કરવા અને સાદી સાડીઓ બનાવવાનું શરૂ કરવા કહ્યું હતું. તેમાં ઓછી ભાત અને રહેતી અને એકંદર ગુણવત્તા પણ ઓછી જ રહેતી, અને તેથી તે સસ્તી હતી.
તેઓ કહે છે કે ધીમે ધીમે આ પ્રદેશમાં નકશી સાડીઓની માંગ ઘટી ગઈ અને આજે, તેઓ ઉમેરે છે કે, “ન તો તેને બનાવનારા કોઈ કારીગરો બાકી છે કે ન તો એવી હાથશાળ માટેના સ્પેરપાર્ટ્સનો પુરવઠો મળે છે.” તેમના શબ્દો સાથે છેલ્લા ચાર વર્ષથી વણકર સંઘના કાર્યકારી પ્રમુખ રવીન્દ્ર દેવનાથ સહમત થાય છે. તેઓ કહે છે કે, “અમે જે કપડાં બનાવતા હતા તેને ખરીદનારું કોઈ વધ્યું નહોતું.” 63 વર્ષની ઉંમરે, તેઓ વણાટમાં જે તનતોડ મહેનત કરવી પડે છે, તે કરી શકતા નથી.
2005 સુધીમાં, રૂપચંદે નકશી સાડીઓ વણાટ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું અને ગમછા તરફ વળ્યા હતા. ગોવિંદપુરના હાથશાળના છેલ્લા કારીગરોમાંના એક એવા રૂપચંદ કહે છે, “અમે ક્યારેય ગમછા બનાવતા નહોતા. અમે બધા માત્ર સાડીઓ જ વણતા હતા. પરંતુ અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો.” રૂપચંદ ઉમેરે છે, “ગઈકાલથી મેં માત્ર બે જ ગમછા વણ્યા છે. હું આને વેચીને ભાગ્યે જ 200 રૂપિયા કમાવી શકીશ. આ કમાણી ફક્ત મારા એકલાની નથી. મારી પત્ની મને દોરી ગૂંથવામાં મદદ કરે છે. એટલે તે આખા પરિવારની સહિયારી કમાણી છે. આટલી આવકમાં કોઈ કેવી રીતે ગુજારો કરી શકે?”
રૂપચંદ સવારના 9 વાગ્યાની આસપાસ નાસ્તો કર્યા પછી વણાટ કરવા લાગે છે અને બપોર પછી થોડા સમય સુધી આ કામમાં પરોવાયેલા રહે છે. તેઓ કામ શરૂ કરતા પહેલાં સ્નાન કરવા અને બપોરના ભોજન માટે વિરામ લે છે. તેઓ સામાન્ય રીતે હવે સાંજે કામ નથી કરતા, કારણ કે તેનાથી તેમના સાંધામાં દુખાવો થાય છે. પરંતુ જ્યારે તેઓ યુવાન હતા, ત્યારે રૂપચંદ કહે છે કે, “મેં મોડી રાત સુધી પણ કામ કર્યું હતું.”
હાથશાળમાં, રૂપચંદનો મોટાભાગનો કામકાજનો દિવસ ગમછા વણવામાં પસાર થાય છે. તેમનો સસ્તો ભાવ અને લાંબા આયુષ્યને કારણે, અહીં અને બંગાળના મોટા ભાગોમાં ઘણા ઘરોમાં હજુ પણ ગમછાનો ઉપયોગ બંધ થયો નથી. રૂપચંદ સરહદોની રૂપરેખા આપતા જાડા પટ્ટામાં વણાયેલા તેજસ્વી લાલ સૂતર સાથે ગમછામાં વણાયેલા સફેદ અને લીલા સૂતર તરફ ધ્યાન દોરતાં કહે છે, “હું જે ગમછા વણું છું તે [મોટે ભાગે] આ રીતે બનાવવામાં આવે છે. અમે પહેલાં અમે આ સૂતરને જાતે રંગતા હતા. છેલ્લા 10 વર્ષથી અમે વણકરોના સંગઠન પાસેથી રંગીન સૂતર ખરીદી રહ્યા છીએ.” તેઓ ઉમેરે છે કે તેઓ જે ગમછા વણે છે તેને તેઓ પોતે વાપરે છે.
પરંતુ હાથશાળ ઉદ્યોગમાં પરિસ્થિતિ ક્યારે બદલાઈ ગઈ? રૂપચંદ કહે છે, “તે મુખ્યત્વે પાવર લૂમ્સના આવવા અને સૂતરની ગુણવત્તામાં ઘટાડા સાથે હતું. અમારા જેવા વણકરો પાવર લૂમ્સ સાથે સ્પર્ધા ન કરી શકે.”
પાવરલૂમ મોંઘા હોય છે, જેના કારણે મોટાભાગના વણકરો માટે તેને અપનાવવું મુશ્કેલ બને છે. વધુમાં, ગોવિંદપુર જેવા ગામડાઓમાં, હાથશાળ માટે સ્પેરપાર્ટ્સ વેચતી કોઈ દુકાનો બાકી નથી રહી અને સમારકામનું કામ પડકારજનક છે; આ બધા પરિબળો ઘણા વણકરો માટે અવરોધક હતા. હવે, રૂપચંદ કહે છે, તેઓ મશીનરીને જાતે વેલ્ડ કરવા માટે ખૂબ વૃદ્ધ છે.
રૂપચંદ અસહાયપણે કહે છે, “મેં તાજેતરમાં 12,000 રૂપિયામાં 22 કિલો સૂતર ખરીદ્યું હતું, જેની કિંમત ગયા વર્ષે લગભગ 9000 રૂપિયા હતી; મારી આ ઉંમરે મને તેમાંથી લગભગ 150 ગમછા બનાવવામાં લગભગ 3 મહિનાનો સમય લાગશે... અને હું તેમને બનાવીને હું વણકર સંગઠનને લગભગ 16,000 રૂપિયામાં આ વેચીશ.”
*****
રૂપચંદનો જન્મ 1950ની આસપાસ બાંગ્લાદેશના સિલહેટમાં થયો હતો અને 1956માં તેઓ ભારત આવ્યા હતા. તેઓ કહે છે, “મારા પિતાએ ભારતમાં અહીં આવીને પણ વણાટ કરવાનું ચાલુ રાખ્યું હતું. હું ધોરણ 9 સુધી ભણ્યો હતો પછી મેં શાળા છોડી દીધી હતી.” યુવાન રૂપચંદે પછી સ્થાનિક વીજળી વિભાગમાં નોકરી લીધી હતી, “કામમાં તનતોડ મહેનત થતી હતી, અને પગાર ખૂબ ઓછો હતો, તેથી મેં ચાર વર્ષ પછી નોકરી છોડી દીધી.”
ત્યારબાદ તેમણે પેઢીગત વણકર એવા તેમના પિતા પાસેથી વણાટ શીખવાનું નક્કી કર્યું. તેઓ કહે છે, “તે સમયે હાથશાળમાં સારી કમાણી થતી હતી. મેં 15 રૂપિયામાં પણ સાડીઓ વેચેલી છે. જો હું આ કળામાં ન હોત તો ન તો હું મારા તબીબી ખર્ચની ચૂકવણી કરી શક્યો હોત કે ન તો મારી [ત્રણ] બહેનોના લગ્ન કરી શક્યો હોત.”
તેમનાં પત્ની બસાના દેવનાથ યાદ કરે છે કે તેમણે લગ્ન કર્યા પછી તરત જ તેમણે તેમને વણાટ કરવામાં મદદ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ બીજા ઓરડામાં તેમના પતિના હાથશાળ ચલાવવાના અવાજ કરતાં ઊંચા અવાજે કહે છે, “તે સમયે અમારી પાસે ચાર હાથશાળ હતી અને તેઓ હજુ પણ મારા સસરા પાસેથી તે કળા શીખી રહ્યા હતા.”
બસાનાનો દિવસ રૂપચંદના દિવસ કરતાં લાંબો હોય છે. તેઓ વહેલાં ઊઠે છે, ઘરકામ કરે છે, અને તેમના પતિને સૂતર કાંતવામાં મદદ કરવામાં પરોવાઈ જતા પહેલાં બપોરનું ભોજન તૈયાર કરે છે. માત્ર સાંજે જ તેઓ થોડો આરામ કરી શકે છે. રૂપચંદ ગર્વથી સ્વીકારે છે, “સૂતર કાંતવાનું અને તેનું કોકડું બનાવવાનું તમામ કામ તેઓ જ કરે છે.”
રૂપચંદ અને બસનાને ચાર બાળકો છે. બે દીકરીઓ પરિણીત છે, અને તેમના બે પુત્રો (એક મિકેનિક અને બીજો ઝવેરી) તેમના નિવાસસ્થાનથી નજીક જ રહે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું લોકો પરંપરાગત કલા અને હસ્તકલા સાથે સંપર્ક ગુમાવી રહ્યા છે, ત્યારે આ ઉસ્તાદ આત્મનિરીક્ષણ કરીને કહે છે, “હું પણ નિષ્ફળ જ ગયો છું. નહીંતર હું મારા પોતાના બાળકોને [આ માટે] કેમ ન પ્રેરી શક્યો?”
*****
ભારતભરમાં 93.3 ટકા હાથશાળ કામદારોના આખા પરિવારની આવક 10,000 રૂપિયાથી ઓછી છે, જ્યારે ત્રિપુરામાં 86.4 ટકા હાથશાળ કામદારોના આખા પરિવારની આવક 5,000 રૂપિયાથી ઓછી છે. (ચોથું ઑલ ઇન્ડિયા હેન્ડલૂમ સેન્સસ , 2019-2020).
રૂપચંદના પાડોશી અરુણ ભૌમિક કહે છે, “અહીં કળા ધીમે ધીમે મરી રહી છે. અમે તેને સાચવવા માટે પૂરતા પ્રયાસો નથી કરી રહ્યા.” તેમના વિચારો સાથે સહમત થતા ગામના અન્ય વરિષ્ઠ રહેવાસી નાનીગોપાલ ભૌમિક આહ ભરીને કહે છે, “લોકોને કામ ઓછું કરવું છે અને કમાણી વધારે.” રૂપચંદ ઉમેરે છે, “વણકરો હંમેશાં ઝૂંપડીઓ અને માટીના ઘરોમાં રહેતા આવ્યા છે. હવે આવી રીતે કોણ જીવવા માંગે?”
આવકના અભાવ ઉપરાંત સ્વાસ્થ્યની સમસ્યાઓ, જેમાંથી ઘણી લાંબા ગાળાની છે, તેનાથી વણકરોને રિબાય છે. રૂપચંદ કહે છે, “હું અને મારી પત્ની દર વર્ષે માત્ર તબીબી બિલ પાછળ જ 50 થી 60,000 રૂપિયા ખર્ચ કરીએ છીએ.” આ દંપતિ શ્વાસની તકલીફ અને હૃદયની જટિલતાઓથી પીડાય છે, જે આ વ્યવસાયના લીધે જ છે.
આ કળાને જાળવી રાખવા માટે સરકાર દ્વારા કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ રૂપચંદ અને ગામના અન્ય લોકો માને છે કે તેનાથી કોઈ ફરક પડતો નથી. રૂપચંદ કહે છે, “મેં દીનદયાળ હાથખરગા પ્રોત્સાહન યોજના [2000માં શરૂ કરવામાં આવેલી કેન્દ્ર સરકારની પહેલ] અંતર્ગત 300થી વધુ વણકરોને તાલીમ આપી છે. તાલીમાર્થીઓને મેળવવા મુશ્કેલ છે. લોકો મોટે ભાગે ભથ્થા માટે આવે છે. આ રીતે કુશળ વણકરો પેદા કરવા શક્ય નથી.” રૂપચંદ ઉમેરે છે કે, “હાથશાળના સંગ્રહમાં ગેરવહીવટ, લાકડામાં જીવાતનો ચેપ અને ઉંદરો દ્વારા સૂતરનો નાશ” સ્થિતિને બદથી બદતર બનાવે છે.
2012 અને 2022ની વચ્ચે હેન્ડલૂમની નિકાસ લગભગ 50 ટકા ઘટી છે, જે લગભગ 3000 કરોડથી ઘટીને લગભગ 1500 કરોડ ( હેન્ડલૂમ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ) થઈ ગઈ છે અને મંત્રાલયનું ભંડોળ પણ ઘટ્યું છે.
રાજ્યમાં હાથશાળનું ભવિષ્ય અંધકારમય લાગે છે અને રૂપચંદ કહે છે, “મને લાગે છે કે હવે આનું કંઈ થઈ શકે તેમ નથી.” પરંતુ તેઓ એક ક્ષણ માટે થોભે છે અને ઉકેલ રજૂ કરતાં કહે છે, “આમાં મહિલાઓની વધુ સંડોવણીથી મદદ મળશે. મેં સિદ્ધાઈ મોહનપુર [પશ્ચિમ ત્રિપુરામાં આવેલ એક વ્યાવસાયિક હાથશાળનું ઉત્પાદન સ્થળ] માં જબરદસ્ત કાર્યબળ જોયું છે, જે લગભગ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે.” તેઓ કહે છે કે, આ સ્થિતિને સુધારવાની એક રીત હાલના કલાકારો માટે એક નિશ્ચિત દૈનિક વેતન પૂરું પાડવું છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ક્યારેય આ કળાને છોડી દેવાનું વિચાર્યું છે, ત્યારે રૂપચંદ સ્મિત કરીને દૃઢ નિશ્ચય સાથે કહે છે, “ક્યારેય નહીં! મેં ક્યારેય લોભને મારી કળાથી આગળ રાખ્યો નથી.” જ્યારે તેઓ હાથશાળ પર હાથ મૂકે છે ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જાય છે. “તે મને છોડી શકે છે, પણ હું તેને ક્યારેય નહીં છોડું.”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (MMF)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ