એક ઉજ્જડ ઉચ્ચપ્રદેશ પર સ્થિત દરગાહ માલગાંવના રહેવાસીઓ માટે ખૂબ ઉપયોગી રહી છે. મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં આવેલી આ દરગાહ સદીઓથી અહીં ઊભી છે અને હંમેશાં એક આશ્રયસ્થાનની માફક રહી છે.

શાળાના બાળકો દરગાહની સામે ઝુકેલા વૃક્ષ નીચે તેમનું ઘરકામ કરે છે. યુવાન પુરુષો અને સ્ત્રીઓ પ્રવેશદ્વાર પર સ્પર્ધાત્મક નાગરિક સેવાની પરીક્ષાઓની તૈયારી કરે છે – જે એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ધગધગતા ઉનાળા દરમિયાન ઠંડી હવા વહે છે; પોલીસકર્મી બનવાનું સપનું જોતા યુવાનો આસપાસની ખુલ્લી જગ્યામાં સખત ફિટનેસ તાલીમ સત્રોમાં વ્યસ્ત છે.

ગામમાં 15 એકરથી વધુ જમીન ધરાવતા 76 વર્ષીય ખેડૂત વિનાયક જાધવ કહે છે, “મારા દાદાના મોઢે પણ તેની [દરગાહની] વાર્તાઓ છે. કલ્પના કરો કે તે કેટલી જૂની હશે. હિંદુઓ અને મુસ્લિમોએ સાથે મળીને તેને જાળવી રાખી છે. તે હળીમળીને રહેવાની સંસ્કૃતિની પ્રતીક રહી છે.”

પણ સપ્ટેમ્બર 2023માં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. આ લોકપ્રિય દરગાહને માલગાંવમાં એક નવો અર્થ આપવામાં આવ્યો — યુવાનોના એક નાના પરંતુ અતિસક્રિય એક જૂથે દાવો કર્યો કે તે અતિક્રમણ કરીને બનાવવામાં આવી હતી. તેમને હિંદુત્વ જૂથોના એક ગઠબંધન દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા.

માલગાંવના 20-25ની વય વચ્ચેના આ હિંદુ રહેવાસીઓએ જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખીને “ગેરકાયદેસર અતિક્રમણ” ને દૂર કરવાની માંગ કરી હતી. તેમાંના કેટલાકે તેની બાજુમાં આવેલી પાણીની ટાંકીને પહેલેથી જ નષ્ટ કરી દીધી હતી. તેમના પત્રમાં લખવામાં આવ્યું છે કે, “મુસ્લિમ સમુદાય તેની આસપાસની જાહેર જમીન પર કબજો કરવા માંગે છે. આ દરગાહ ગ્રામ પંચાયતની ઈચ્છા વિરુદ્ધ બાંધવામાં આવી છે.”

PHOTO • Parth M.N.

માલગાંવની દરગાહમાં મિત્રો સાથે વિનાયક જાધવ (ગાંધી ટોપી પહેરેલા). મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં આવેલી દરગાહ હીં સદી થી ઊભી છે

જો કે, જ્યારે આ દરગાહને બુલડોઝર હેઠે કચડી નાખવાની વાતો થવા લાગી, ત્યારે ગામ જે સાચું હતું તે માટે આગળ આવ્યું. જાધવ એક ઝાંખા કાગળને ઝીણવટપૂર્વક ખોલતાં કહે છે, “આ દરગાહનો ઉલ્લેખ 1918ના નકશામાં પણ જોવા મળે છે. ગામમાં એવા ઘણા ધાર્મિક સ્થળો છે જે આઝાદી પહેલાં અસ્તિત્વમાં હતા. અમે તેમને બધાને બચાવવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમારા બાળકો શાંતિપૂર્ણ વાતાવરણમાં મોટા થાય.”

તેઓ ઉમેરે છેઃ “ધર્મ-ધર્મ મધે ભાડન લાઉ આપન પુધે નહીં, માગે જાનર [લોકોને ધર્મના આધારે વિભાજિત કરવાથી આપણે પછાત જ થઈશું].”

હિંદુત્વના સભ્યોએ દરગાહને તોડી પાડવાની હાકલ કર્યા પછી, બંને સમુદાયોના વરિષ્ઠ સભ્યો માલગાંવમાં એકઠા થયા અને તેની વિરુદ્ધ એક પત્ર બહાર પાડ્યો. એ પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આ માંગ બહુમતીના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતી નથી. વિવિધ જાતિના બસો મુસ્લિમો અને હિંદુઓએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. તેઓ દરગાહને બચાવવામાં સફળ રહ્યા છે − અત્યાર માટે.

આનાથીય મોટો પડકાર છે મહા મહેનતે મેળવેલી આ શાંતિને જાળવી રાખવી.

*****

માલગાંવ એક દુર્લભ ઉદાહરણ છે, જ્યાં ગામ વિભાજનકારી તત્વો સામે અડીખમ ઊભું રહ્યું અને મુસ્લિમ સમુદાયના સ્મારકનું રક્ષણ કર્યું.

છેલ્લા દોઢ વર્ષથી મહારાષ્ટ્રમાં મુસલમાનોના ઇબાદતના સ્થળો પર વધુને વધુ હુમલા થઈ રહ્યા છે અને ગુનેગારો ત્યાંથી કોઈ ખરોચ લાગ્યા વગર ભાગવામાં સફળ રહે છે — મોટેભાગે પોલીસની નિષ્ક્રિયતા અને બહુમતીના મૌનને કારણે.

2019ની રાજ્ય સ્તરની ચૂંટણીઓ પછી દોઢ વર્ષ સુધી, ભારતના સૌથી ધનિક રાજ્યમાં ત્રણ રાજકીય પક્ષો — શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગઠબંધન દ્વારા શાસન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા.

જો કે, જૂન 2022માં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ શિવસેનાના 40 ધારાસભ્યોને ખરીદ્યા બાદ મહારાષ્ટ્રમાં સત્તામાં પરિવર્તન જોવા મળ્યું અને તેમણે આ ગઠબંધનને ઉથલાવીને સરકાર બનાવી. ત્યારથી, કટ્ટરપંથી હિંદુ જૂથો એકઠા થયા છે અને રાજ્યભરમાં ડઝનેક રેલીઓને સંબોધન કર્યું છે, જેમાં મુસ્લિમોના સંહાર તેમજ તેમના આર્થિક બહિષ્કારની હાકલ કરવામાં આવી છે. આ રાજ્યમાં વાતાવરણને દૂષિત કરવાનો એક સંગઠિત પ્રયાસ છે અને મુસ્લિમોના ધાર્મિક સ્થળો પર કરાતા હુમલા તેનો એક ભાગ છે.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ડાબેઃ શાળાના બાળકો દરગાહની સામે ઝુકેલા વૃક્ષ નીચે તેમનું ઘરકામ કરે છે. યુવાન પુરુષો અને સ્ત્રીઓ પ્રવેશદ્વાર પર સ્પર્ધાત્મક નાગરિક સેવાની પરીક્ષાઓની તૈયારી કરે છે. જમણેઃ જાધવ પોતાની સ્કૂટી ચલાવીને દરગાહ સુધી જાય છે. ગામમાં એવા ઘણા ધાર્મિક સ્થળો છે જે આઝાદી પહેલાંથી અસ્તિત્વમાં છે. તેઓ કહે છે, ‘અમે તે બધાંને સાચવવા માંગીએ છીએ’

સાતારા સ્થિત સામાજિક કાર્યકર્તા મિનાજ સૈયદ કહે છે કે ધ્રુવીકરણની આ યોજના પર વર્ષોથી કામ ચાલી રહ્યું છે, પરંતુ તેની તીવ્રતા 2022થી વધી છે. તેઓ કહે છે, “ગામમાં હિંદુઓ અને મુસ્લિમો બંને દ્વારા સંરક્ષિત અને જાળવવામાં આવતી દરગાહો અથવા મકબરો જેવા સ્મારકો પર હુમલા થઈ રહ્યા છે. એજન્ડા હળીમળીને રહેતા લોકોમાં ભંગાણ પડાવવાનો છે.”

ફેબ્રુઆરી 2023માં, કટ્ટરપંથી હિંદુઓના એક જૂથે કોલ્હાપુરના વિશાલગઢ શહેરમાં હઝરત પીર મલિક રેહાન શાહની દરગાહ પર એક રોકેટ છોડ્યું હતું. આ ઘટના પોલીસની હાજરીમાં બની હતી.

સપ્ટેમ્બર 2023માં, ભાજપના વિક્રમ પાવસ્કરની આગેવાની હેઠળના કટ્ટરપંથી જૂથ હિંદુ એકતાના સભ્યોએ વ્હોટ્સઅપ પર વાયરલ થયેલા પુરવાર ન થયેલા સ્ક્રીનશોટના આધારે સાતારાના પુસેસાવળી ગામમાં એક મસ્જિદ પર ખૂની હુમલો કર્યો હતો. તેની અંદર શાંતિપૂર્ણ રીતે ઇબાદત કરી રહેલા લગભગ 10-12 મુસલમાનો પર ટાઇલ્સ, લાકડીઓ અને લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી એકનું મોત થયું હતું. આ પણ વાંચોઃ પુસેસાવળીમાં: હાહાકાર મચાવતી છેતરામણી તસવીરો

ડિસેમ્બર 2023માં, સાંપ્રદાયિક સંવાદિતા સ્થાપિત કરવા માટે કામ કરતા સાલોખા સંપર્ક ગાટ નામના એક જૂથે એક પુસ્તિકા બહાર પાડી હતી, જેમાં સાતારાના માત્ર એક જ જિલ્લામાં મુસ્લિમોના પૂજાસ્થળો પર કરાયેલા આવા 13 હુમલાઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. હુમલાની પ્રકૃતિ કબરનો નાશ કરવાથી લઈને મસ્જિદની ટોચ પર ભગવા ધ્વજ ફરકાવવા સુધીની હતી, જેનાથી કોમી વૈમનસ્યમાં વધુ વધારો થયો હતો.

આ પુસ્તિકા અનુસાર, વર્ષ 2022ના માત્ર એક જ વર્ષમાં મહારાષ્ટ્રમાં રમખાણોની 8,218થી વધુ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં 9,500થી વધુ નાગરિકો પ્રભાવિત થયા હતા. તે એક વર્ષ માટે દરરોજ 23 રમખાણોની ઘટનાઓની આશ્ચર્યજનક સરેરાશ છે.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ડાબેઃ સાલોખા સંપર્ક ગાટ દ્વારા પ્રકાશિત એક પુસ્તિકામાં સાતારાના માત્ર એક જિલ્લામાં મુસ્લિમોના પૂજા સ્થળો પર થયેલા 13 હુમલાનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. પુસ્તિકા અનુસાર, વર્ષ 2022ના માત્ર એક જ વર્ષમાં મહારાષ્ટ્રમાં રમખાણોની 8,218થી વધુ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં 9,500થી વધુ નાગરિકો પ્રભાવિત થયા હતા. જમણેઃ હિંદુઓ અને મુસ્લિમો દ્વારા જાળવવામાં આવતી માલગાંવની દરગાહ હળીમળીને રહેવાની સંસ્કૃતિની પ્રતીક છે

53 વર્ષીય શમસુદ્દીન સૈયદ જ્યારે જૂન 2023માં એક સવારે સાતારા જિલ્લાના તેમના ગામ કોંડવેની મસ્જિદ સુધી ચાલીને ગયા, ત્યારે તેમને દીલ પર એક મોટો સદમો લાગ્યો હતો. કાળા રંગમાં ‘જય શ્રી રામ (ભગવાન રામની જય)’ લખેલો ભગવો ધ્વજ વક્રાકાર મીનાર પર લહેરાતો હતો, જેને જોઈને સૈયદ ગભરાઈ ગયા હતા. તેમણે તરત જ પોલીસને બોલાવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા કહ્યું. પરંતુ જ્યારે પોલીસ એ સાંકડી ગલીમાં નીચે ઉતારાતા ધ્વજને જોતાં ઊભી હતી, ત્યારે તેમને કાયદા અને વ્યવસ્થાની કટોકટી પેદા થવાનો ભય હતો.

મસ્જિદના ટ્રસ્ટી સૈયદે સમજાવ્યું, “એક મુસ્લિમ છોકરાએ થોડા દિવસો પહેલાં ટીપુ સુલતાન વિશે એક સ્ટેટસ લગાવ્યું હતું. હિંદુત્વ જૂથોને 18મી સદીના એક મુસ્લિમ શાસકનું મહિમામંડન થાય તે વાત પસંદ નહોતી, તેથી તેઓ ગામની મસ્જિદને અપવિત્ર કરીને તેનો બદલો લેવા માંગતા હતા.”

ટીપુ સુલતાનનું સ્ટેટસ મૂકનારા 20 વર્ષીય યુવાન સોહેલ પઠાણે તરત જ તેને મૂકવા બદલ ખેદ વ્યક્ત કર્યોઃ તે કહે છે, “મારે તે નહોતું કરવું જોઈતું. મેં એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા મારા પરિવારને જોખમમાં મૂકી દીધો હતો.”

તેમની પોસ્ટ અપલોડ થવાના કલાકોમાં જ, કટ્ટરપંથી હિંદુઓનું એક જૂથ તેમની મંદ પ્રકાશવાળી, એક ઓરડાની ઝૂંપડી પર ત્રાટક્યું અને તેમને મોઢા પર થપ્પડ મારી હતી. સોહેલ કહે છે, “અમે બદલો નહોતો લીધો કારણ કે તેનાથી પરિસ્થિતિ વધુ વણસી હોત. પરંતુ તે માત્ર એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી હતી. તેમને મુસ્લિમો પર હુમલો કરવા માટે માત્ર એક કારણની જરૂર હોય છે.”

જે રાત્રે તેમના પર હાથ ચલાવવામાં આવ્યો હતો, તે જ રાત્રે પોલીસે દરમિયાનગીરી કરીને સોહેલ સામે કેસ દાખલ કર્યો. તેમણે પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી હતી, અને તેમનો કેસ જિલ્લા અદાલતમાં હજુય ચાલી રહ્યો છે જ્યાં તેમના પર ધાર્મિક દુશ્મનાવટ ફેલાવવાનો આરોપ છે. જે લોકોએ તેમના પર હાથ ચલાવ્યો હતો તેઓ હજુ પણ મુક્તપણે ફરી રહ્યા છે.

સોહેલનાં 46 વર્ષીય મા શહનાઝ કહે છે કે તેમનો પરિવાર પેઢીઓથી સાતારામાં રહે છે પરંતુ તેમની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓને કારણે આ પ્રકારની દુશ્મનાવટ અથવા દેખરેખનો સામનો ક્યારેય નથી કર્યો. તેઓ કહે છે, “મારા માતા-પિતા અને દાદા-દાદીએ ભાગલા દરમિયાન ભારતમાં રહેવાનું નક્કી કર્યું કારણ કે અમે બિનસાંપ્રદાયિક બંધારણમાં માનતા હતા. આ મારી જમીન છે, આ મારું ગામ છે, આ મારું ઘર છે. પણ જ્યારે મારા બાળકો કામ માટે બહાર જાય છે ત્યારે મને ડર લાગે છે.”

PHOTO • Parth M.N.

સાતારા ના કોંડવે ગામના રહેવાસી સોહેલ પઠાણે પોતાના સોશિયલ મીડિયા કાઉન્ટ પર ટીપુ સુલતાનને લગતું ક સ્ટેટસ અપલોડ કર્યું હતું, ત્યારબાદ તેમના ગામની મસ્જિદમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો

સોહેલ એક ગેરેજમાં કામ કરે છે અને તેમનો 24 વર્ષનો ભાઈ આફ્તાબ વેલ્ડર છે. તેઓ પરિવારના કમાતા માત્ર બે સભ્યો છે, જેઓ આશરે પ્રતિ માસ 15,000 રૂપિયા કમાય છે. સોહેલ સામેના તુચ્છ કેસમાં તેમને જામીન અને વકીલની ફીમાં બે મહિનાની આવક ગુમાવવી પડી છે. શહનાઝ જ્યાં આફતાબનું વેલ્ડીંગ મશીન દિવાલ પર ફીટ કરેલું છે અને જેના પર રંગ પડી રહ્યો છે તેવા તેમના નાના ઘર તરફ ધ્યાન દોરતાં કહે છે, “તમે જોઈ શકો છો કે અમે કેવી રીતે જીવીએ છીએ. અમને અદાલતના કેસમાં પૈસા ખર્ચવાનું પોસાય તેમ નથી. જો કોઈ સારી બાબત હોય તો તે એ છે કે ગ્રામ શાંતિ સમિતિએ આગળ આવીને પરિસ્થિતિને થાળે પાડી.”

71 વર્ષીય ખેડૂત અને કોંડવેમાં શાંતિ સમિતિના વરિષ્ઠ સભ્ય મધુખર નિંબાલકર કહે છે કે 2014માં તેની સ્થાપના થઈ ત્યારથી આ પહેલીવાર હતું જ્યારે સમિતિને દરમિયાનગીરી કરવી પડી હતી. તેઓ કહે છે, “અમે જ્યાં ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તે મસ્જિદમાં એક બેઠક યોજી હતી.” બંને સમુદાયોએ પરિસ્થિતિને આગળ વણસતી રોકવાનો સંકલ્પ લીધો હતો.

નિંબાલકર કહે છે કે આ બેઠક મસ્જિદમાં યોજાવા પાછળ એક કારણ હતું. તેઓ સમજાવે છે, “તેની સામેની ખુલ્લી જગ્યાનો ઉપયોગ લાંબા સમયથી હિંદુઓના લગ્નો માટે કરવામાં આવે છે. આનો મકસદ લોકોને એ યાદ અપાવવાનો હતો કે આપણે આટલા વર્ષો સુધી કેવી રીતે જીવતા આવ્યા છીએ.”

*****

22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ લલ્લા મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2019માં સર્વસંમતિથી આદેશ બહાર પાડીને અયોધ્યામાં વિવાદિત જમીન મંદિરના નિર્માણ માટે સોંપી હતી. તેને બાબરી મસ્જિદ ચાર દાયકા પહેલાં જે જગ્યાએ ઊભી હતી, તે જ જગ્યાએ બનાવવામાં આવ્યું છે, જેને વિશ્વ હિંદુ પરિષદના નેતૃત્વમાં કટ્ટરપંથી હિંદુ જૂથો દ્વારા તોડી પાડવામાં આવી હતી.

ત્યારથી, બાબરી મસ્જિદને ધ્વંસ્ત કરવાની માંગ ભારતમાં ધ્રુવીકરણ માટે એક અવાજ બની ગયો છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ બાબરી મસ્જિદને ધ્વંસ કરવાને ગેરબંધારણીય ગણાવ્યું હતું, ત્યારે મંદિરના નિર્માણ માટે જમીન આપવાના તેના આદેશથી ગુનેગારોને પુરસ્કાર અને પ્રોત્સાહન મળ્યું છે. નિરીક્ષકોનું માનવું છે કે આ નિર્ણયથી કટ્ટરપંથી જૂથોને મીડિયાની નજરથી દૂર દૂરના ગામડાઓમાં મુસ્લિમોના પૂજાસ્થળોની પાછળ પડવાની તાકાત મળી છે.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

તેમના પુત્રની છબી પકડીને ઊભેલા નસીમ, જેના પર 2023માં ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ઘાયલ કરવામાં આવ્યો હતો. નસીમ તેના પરિવાર સાથે વર્ધનગઢ માં રહે છે, તે ધાર્મિક બહુમતીવાદનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે

મિનાજ સૈયદ કહે છે કે 1947માં આઝાદી મળી તે સમયે તમામ સમુદાયોમાં ધાર્મિક સ્થળોની યથાવત્ સ્થિતિને સ્વીકારવામાં આવી હતી. તેઓ કહે છે, “સુપ્રીમ કોર્ટના ચુકાદાએ તેને ઉલટાવી દીધી છે. કારણ કે તે બાબરી પર અટક્યું ન હતું. હિંદુ જૂથો હવે અન્ય મસ્જિદોની પાછળ પડી રહ્યા છે.”

જેમ જેમ તેમનું ગામ, જિલ્લો અને રાજ્ય પ્રતિકૂળ સમયમાં આગળ વધી રહ્યા છે, તેમ તેમ સાતારાના વર્ધનગઢ ગામના દરજી 69 વર્ષીય હુસૈન શિકાલગરને પેઢીગત વિભાજન દેખાય છે. તેઓ કહે છે, “યુવા પેઢી સંપૂર્ણપણે બ્રેઇનવોશ થઈ ગઈ છે. મારી ઉંમરના લોકોને જૂના દિવસો યાદ આવી રહ્યા છે. બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવ્યા પછીનું ધ્રુવીકરણ મેં નજરે નિહાળ્યું છે. આજે આપણે જે તણાવ અનુભવીએ છીએ તેની સામે તે કાંઈ નહોતું. હું 1992માં આ ગામના સરપંચ તરીકે ચૂંટાયો હતો. આજે હું બીજા વર્ગના નાગરિક જેવું અનુભવું છું.”

શિકાલગરની ટિપ્પણી ખાસ કરીને ગંભીર છે, કારણ કે તેમનું ગામ વર્ષોથી ધાર્મિક બહુમતીવાદને અપનાવવા માટે જાણીતું છે. વર્ધનગઢ કિલ્લાની તળેટીમાં આવેલું આ ગામ સમગ્ર મહારાષ્ટ્રમાંથી આવતા ભક્તો માટેનું તીર્થસ્થાન છે. ગામમાં આવેલા એક ડુંગરાળ જંગલવાળા ભૂપ્રદેશમાં પાસપાસે પાંચ મકબરા અને મંદિરો આવેલાં છે, જ્યાં હિંદુઓ અને મુસ્લિમો સાથે મળીને પ્રાર્થના કરે છે. બંને સમુદાયોએ આ સ્થળને એકસાથે જાળવી રાખ્યું છે, અથવા તો તેઓએ જુલાઈ 2023 સુધી જાળવી રાખ્યું હતું.

જૂન 2023માં “અજ્ઞાત રહેવાસીઓએ” જ્યાં મુસ્લિમો નિયમિતપણે ઇબાદત કરતા હતા તે પીર દા-ઉલ મલિકના મકબરાને તોડી પાડ્યો, ત્યારથી વર્ધનગઢમાં ચાર સ્મારકો બાકી રહ્યા છે. પછીના મહિને, વન વિભાગે તેને ગેરકાયદેસર બાંધકામ ગણાવીને મકબરાને સંપૂર્ણપણે સમતળ કરી દીધો હતો. મુસ્લિમોને આશ્ચર્ય થાય છે કે પાંચમાંથી આ એકમાત્ર માળખું જ કેમ તોડી પાડવામાં આવ્યું હતું.

PHOTO • Courtesy: Residents of Vardhangad

તેને તોડી પડાયો તે પહેલાંનો વર્ધનગઢનો મકબરો. ગામના મુસ્લિમ રહેવાસીઓ પૂછે છે કે તેમના સ્મારકોને જ કેમ અતિક્રમણ માટે લગ કરવામાં આવી રહ્યા છે

21 વર્ષીય વિદ્યાર્થી અને વર્ધનગઢના રહેવાસી મોહંમદ સાદ કહે છે, “તે ગામના મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ હતો. તે જ સમયે મને સોશિયલ મીડિયા પોસ્ટ માટે નિશાન બનાવવામાં આવ્યો હતો.”

પૂણેમાં થોડા કલાકોની દૂરી પર રહેતા સાદના પિતરાઈ ભાઈએ 17મી સદીના શાસક ઔરંગઝેબની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અપલોડ કરી હતી. આ પોસ્ટથી નારાજ થયેલા હિંદુત્વ જૂથોના સભ્યો તે જ રાત્રે સાદના દરવાજા પર પહોંચ્યા હતા અને તેમને ઘરની બહાર ખેંચી લાવ્યા હતા અને તેમને “ઔરંગઝેબ કી ઔલાદ [ઔરંગઝેબના વંશજો]” કહીને તેમને લોખંડના સળિયા અને હોકીની લાકડીઓ વડે માર મારવાનું શરૂ કર્યું હતું.

સાદ યાદ કરે છે, “તે મોડી રાતે બન્યું હતું અને હું મરી ગયો હોત તો કોઈ નવાઈની વાત ન હોત. સદ્ભાગ્યે તે જ સમયે એક પોલીસ વાહન પસાર થઈ રહ્યું હતું. ટોળાએ તે વાહન જોયું અને ભાગી ગયા.”

સાદે માથાની ઇજાઓ, તૂટેલા પગ અને તૂટેલા ગાલના હાડકાની સાથે આગામી 15 દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા; આગામી થોડા દિવસોમાં તેમને લોહીની ઉલટી થવા લાગી. આજે પણ તેમને એકલા મુસાફરી કરવી મુશ્કેલ લાગે છે. તેઓ કહે છે, “મને લાગે છે કે મને ફરીથી નિશાન બનાવવામાં આવી શકે છે. હું મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી.”

સાદ બેચલર ઓફ કમ્પ્યુટર સાયન્સમાં પદવી મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા છે. તેઓ એક તેજસ્વી અને નિષ્ઠાવાન વિદ્યાર્થી છે જેમણે તેમની ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 93 ટકા ગુણ મેળવ્યા હતા. પરંતુ તાજેતરના મહિનાઓમાં તેમાં ઘટાડો થયો છે. તેઓ કહે છે, “મને હોસ્પિટલમાં દાખલ કર્યાના ત્રણ દિવસ પછી, મારા કાકાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમનું અવસાન થયું હતું. તેઓ 75 વર્ષના હતા, પરંતુ તેઓ સ્વસ્થ હતા. તેમને હૃદયની કોઈ સમસ્યા નહોતી. તે સ્પષ્ટ રીતે તણાવના કારણે થયું હતું. હું તેમને ભૂલી શકતો નથી.”

જ્યારથી આ દુર્ઘટના બની છે ત્યારથી મુસ્લિમોએ હિંદુઓ સાથે ભળવાના બદલે એકલા રહેવાનું શરૂ કરી દીધું છે. તેનાથી ગામનું વાતાવરણ બદલાઈ ગયું છે. જૂની મિત્રતા તંગ થઈ ગઈ છે, અને સંબંધો તૂટી ગયા છે.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ડાબે: વર્ધનગઢના રહેવાસી અને વિદ્યાર્થી એવા મોહંમદ સાદ કહે છે, ‘તે ગામના મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ હતો.’ જમણેઃ વર્ધનગઢના દરજી હુસૈન શિકાલગર કહે છે, ‘મેં આખી જિંદગી આ આખા ગામ માટે કપડાં ટાંક્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મારા હિંદુ ગ્રાહકોએ અહીં આવવાનું બંધ કરી દીધું છે. મને ખાતરી નથી કે તે સાથીઓના દબાણને કારણે છે કે નહીં’

શિકાલગર કહે છે કે તે વાત ફક્ત આ બે કિસ્સાઓની નથી. આ અલગતા રોજિંદી બાબતોમાં પણ સ્પષ્ટ દેખાય છે.

તેઓ કહે છે, “ હું એક દરજી છું. મેં આખી જિંદગી આ આખા ગામ માટે કપડાં ટાંક્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મારા હિંદુ ગ્રાહકોએ અહીં આવવાનું બંધ કરી દીધું છે. મને ખાતરી નથી કે તે સાથીઓના દબાણને કારણે છે કે નહીં.”

તેઓ ઉમેરે છે કે, છેવટે ભાષા પણ બદલાઈ ગઈ છે. મુસ્લિમો માટે વપરાતા અપશબ્દનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, “મને યાદ નથી કે મેં ઘણા લાંબા સમયથી ‘લાડ્યા’ શબ્દ સાંભળ્યો હતો. “આજકાલ અમને તે વાંરવાર સાંભળવા મળે છે. હિંદુઓ અને મુસ્લિમોએ એકબીજા સાથે આંખ થી આંખ મિલાવવાનું બંધ કરી દીધું છે.”

વર્ધનગઢ એ પશ્ચિમ મહારાષ્ટ્રના સાતારા વિસ્તારમાં કંઈ એકદોકલ બનાવ નથી. કોમી તણાવોએ ગામડાઓને ધાર્મિક આધાર પર અલગ કરી દીધા છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં તહેવારો અને લગ્ન સમારંભોનો ચહેરો બદલાઈ ગયો છે.

શિકાલગર કહે છે કે તેઓ વર્ધનગઢમાં હિંદુ ગણેશ ઉત્સવના આયોજનમાં મોખરે રહેતા હતા, જ્યારે ઘણા હિંદુઓ સૂફી સંત મોહિનુદ્દીન ચિશ્તીની પુણ્યતિથિના વાર્ષિક ઉત્સવ ઉર્સમાં ભાગ લેતા હતા. ગામમાં લગ્ન પણ એક સામાન્ય બાબત બની રહેતી હતી. તેઓ વિલાપ કરીને કહે છે, “તે બધું હવે ખોવાઈ ગયું છે. એક સમય હતો જ્યારે રામનવમી દરમિયાન મસ્જિદમાંથી પસાર થતાં સંગીત બંધ થઈ જતું હતું. હવે, તે અમને પરેશાન કરવા માટે મોટેથી વગાડવામાં આવે છે.”

તેમ છતાં બંને સમુદાયોના એક નોંધપાત્ર વર્ગનું માનવું છે કે હજુ પણ બધું ખોવાઈ ગયું નથી અને ધર્મો વચ્ચે ફાટો પાડતા ટોળા બહુમતીના હિતોનું પ્રતિનિધિત્વ નથી કરતા. માલગાંવના જાધવ કહે છે, “તેઓ મોટેથી બોલે છે, તેમને રાજ્યનો ટેકો છે, તેથી એવું લાગે છે કે તેઓ સંખ્યામાં ઘણા છે. મોટાભાગના લોકો વિવાદ વિના શાંતિથી પોતાનું જીવન જીવવા માંગે છે તેથી હિંદુઓ બોલવાથી ડરતા હોય છે. તે બદલવાની જરૂર છે.”

જાધવ માને છે કે માલગાંવે જે કર્યું તે આખા મહારાષ્ટ્ર રાજ્યએ અથવા તો આખા સાતારા માટે બ્લુપ્રિન્ટ (અનુસરવા લાયક) હોઈ શકે છે. તેઓ ભારપૂર્વક જણાવે છે, “જે ક્ષણે હિંદુઓ દરગાહને બચાવવા માટે આગળ આવ્યા, કટ્ટરપંથી તત્વો બેકફૂટ પર ધકેલાઈ ગયા.” ધાર્મિક બહુમતીવાદને બચાવવાની જવાબદારી આપણી છે, મુસલમાનોની નહીં. આપણું મૌન અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપે છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Parth M.N.

پارتھ ایم این ۲۰۱۷ کے پاری فیلو اور ایک آزاد صحافی ہیں جو مختلف نیوز ویب سائٹس کے لیے رپورٹنگ کرتے ہیں۔ انہیں کرکٹ اور سفر کرنا پسند ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Parth M.N.
Editor : Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

کے ذریعہ دیگر اسٹوریز Faiz Mohammad