એક સમયે પોતાની ખેતીની જમીન પર પરિવારે જે ઘર બનાવ્યું હતું તેના કાટમાળમાંથી રસ્તો કાઢતા 70 વર્ષના બલદેવ કૌર આગળ વધે છે. જે ઓરડાઓ હજુ ઊભા હતા તેની દિવાલો પર મોટી તિરાડો પડી ગઈ હતી.
બલદેવે કહ્યું, “વરસાદ અને કરા જોર જોરથી છત પર પટકાતા હતા ત્યારે અમે બધા આખી રાત જાગતા વિતાવી હતી. અમને ખબર નહોતી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે." બલદેવના વાળ ધોળા થઈ ગયેલા હતા, તેમણે સુતરાઉ સલવાર કમીઝ પહેરેલા હતા અને પોતાના દુપટ્ટાથી માથું ઢાંકેલું હતું. તેઓ કહે છે, "પછી સવારે, જ્યારે છતમાંથી પાણી ટપકવા લાગ્યું, ત્યારે અમે બધા બહાર દોડ્યા."
બલદેવના નાના (દીકરાના) વહુ 26 વર્ષના અમનદીપ કૌરે કહ્યું કે જેમ જેમ દિવસ ઊગતો ગયો તેમ તેમ ઘર ઘર તૂટીને નીચે પડવા લાગ્યું. બલદેવના મોટા દીકરા 35 વર્ષના બલજિંદર સિંહે કહ્યું, "સારે પાસે ઘર હી પત્ત ગયા. [અમારી ચારેય તરફ અમારું ભાંગી પડેલું ઘર હતું]."
બલદેવ કૌર અને ત્રણ નાના બાળકો સહિતના તેમના સાત જણના પરિવારે આવો વિનાશ આ પહેલા અગાઉ ક્યારેય જોયો ન હતો. માર્ચ 2023 ના અંતમાં કરા સાથે પડેલા કમોસમી વરસાદે શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના ગિદ્દરબાહા બ્લોકમાં ભલાઈઆના ગામમાં ફસલ અને ઘર બરબાદ કરી નાખ્યા હતા. દક્ષિણ-પશ્ચિમ પંજાબનો આ પ્રદેશની દક્ષિણ સરહદે રાજસ્થાન અને પૂર્વ સરહદે હરિયાણા આવેલ છે.
વરસાદ અને કરા ત્રણ દિવસ સુધી ચાલુ રહેતાં બલજિંદર પરેશાન થઈ ગયા હતા. તેઓએ પરિવારની માલિકીની 5 એકર જમીન ઉપરાંત 10 એકર ખેતીની જમીન ગણોતપટે લેવા માટે એક અર્થિયા (આડતિયા) પાસેથી 6.5 લાખ રુપિયા ઉધાર લીધા હતા. તેમનો ઘઉંનો પાક નિષ્ફળ જતા હવે પરિવારનો જીવનનિર્વાહ શી રીતે કરવો એ સવાલ થઈ ગયો હતો અને લોન ભરપાઈ કરવાનો કોઈ રસ્તો રહ્યો નહોતો.
બલજિંદરે કહ્યું, “જે ફસલ પાકવાની શરૂઆત થઈ હતી તે પહેલા અતિવૃષ્ટિથી બરબાદ થઈ ગઈ હતી. ને પછી જ્યારે વરસાદ પડ્યો ત્યારે દિવસો સુધી ખેતરમાં પાણી ભરાયેલાં હતાં. પાણી જવાનો કોઈ રસ્તો નહોતો, અને ફસલ એ પાણીમાં સડતી રહી." એપ્રિલના મધ્યમાં બલજિંદરે જણાવ્યું હતું, "હજી આજે પણ આ 15 એકર પર જમીનદોસ્ત થઈ ગયેલ પાક છે."
ઘઉં આ પ્રદેશોનો મુખ્ય રવિ પાક છે, તેનું વાવેતર ઓક્ટોબર અને ડિસેમ્બરની વચ્ચે થાય છે. જ્યારે ઘઉંના ડૂંડા સ્ટાર્ચ અને પ્રોટીન એકઠું કરવાનું શરૂ કરે છે ત્યારે અનાજના વિકાસ માટે ફેબ્રુઆરી અને માર્ચ મહિના નિર્ણાયક છે.
માર્ચ માટે માસિક સામાન્ય 22.2 મીમી વરસાદની સામે ભારતીય હવામાન વિભાગ, ચંદીગઢના જણાવ્યા અનુસાર 24 મી થી 30 મી માર્ચની વચ્ચે પંજાબમાં 33.8 મીમી વરસાદ નોંધાયો હતો. પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, લુધિયાણા દ્વારા સંકલિત કરવામાં આવેલા આંકડા મુજબ માત્ર 24 મી માર્ચે જ લગભગ 30 મીમી વરસાદ નોંધાયો હતો.
કમોસમી વરસાદ અને કરા તેમની ફસલ માટે મોટો ફટકો છે એ તો બલજિંદર જાણતો હતો પરંતુ પરિવારે કેટલાય વર્ષોની મહેનતથી બાંધેલા ઘરને થયેલું નુકસાન એ વધારાની દુર્ઘટના હતી.
બલદેવ કૌરે કહ્યું, “જ્યારે જ્યારે હું બહારથી આવું છું ત્યારે અમારા ઘરને જોતાં જ મને ખૂબ ચિંતા થાય છે. જી ઘબરાંદા હૈ [હું બેચેન થઈ જાઉં છું].”
પરિવાર તેમના ખેતીના નુકસાનનો અંદાજ 6 લાખ રુપિયાનો માંડે છે. જ્યાં એકર દીઠ 60 મણ (એક મણ એટલે 37 કિલો) ઘઉં લણી શકાતા ત્યાં હવે તેમને એકર દીઠ 20 મણ ઘઉં જ મળશે. ઘરનું પુનઃનિર્માણ એ વધારાનો ખર્ચ હશે, અને હવે ઉનાળો શરૂ થતાં જ એ ખર્ચ તાકીદે કરવાનો થશે.
બલજિંદરે કહ્યું, “કુદરત કરકે (બધુંય કુદરતને કારણે).”
ભારતીય કિસાન યુનિયન (એકતા-ઉગ્રહણ) ના કાર્યકર, ભલાઈઆના ગામના 64 વર્ષના ગુરભક્ત સિંહે જણાવ્યું હતું કે ખેડૂતોના ડરનું કારણ આબોહવાની અણધારી પેટર્ન હતું. તેમણે કહ્યું, "સરકારની ખોટી નીતિઓને કારણે આવું થઈ રહ્યું છે. જો સરકાર બીજા પાકો માટે દર નક્કી કરે તો અમે પુષ્કળ પાણીની જરૂર પડતી હોય તેવા ડાંગર જેવા પાકને બદલે એ પાક પણ ઉગાડીશું."
તમામ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (મિનીમમ સપોર્ટ પ્રાઈસ - એમએસપી) ની ખાતરી આપતો કાયદો એ વિવિધ કૃષિ સંગઠનોને એક છત્ર હેઠળ એકસાથે લાવતા સંયુક્ત કિસાન મોરચાની મુખ્ય માંગણીઓમાંની એક છે. પંજાબના કૃષિ સંગઠનોએ આવા કાયદાની માગણી સાથે માર્ચ 2023 માં દિલ્હીમાં દેખાવો કર્યા હતા.
ગુરભક્તના સૌથી નાના દીકરા લખવિન્દર સિંહે જણાવ્યું કે તેમના પાકની સાથે સાથે ઘઉંના થૂલામાંથી બનાવેલ પશુઓના સૂકા ચારા તુરીને પણ નુકસાન પહોંચ્યું હતું. ગુરભક્ત સિંહના પરિવારને 6 થી 7 લાખ રુપિયાનું નુકસાન પહોંચ્યું હતું. તેમણે પણ એક અર્થિયા પાસેથી પ્રતિ પાક સીઝન દરેક 100 રુપિયા દીઠ 1.5 રુપિયાના વ્યાજ દરે લોન લીધેલી છે. અગાઉની 12 લાખ રુપિયાની લોન 9 ટકાના વ્યાજ દરે પરિવારની જમીન ગીરો મૂકીને બેંકમાંથી લેવામાં આવી હતી.
તેમને આશા હતી કે રવિ પાકની કમાણીમાંથી કેટલીક બાકી રકમ ભરપાઈ કરી શકાશે, પરંતુ તે હવે અશક્ય હતું. ગુરભક્તે કહ્યું, “કરા પેન્ડુ બેર [ભારતીય જુજુબે] ના કદના હતા.
*****
એપ્રિલ 2023 માં પારીની ટીમ બુટ્ટાર બખુઆ ગામના 28 વર્ષના બુટા સિંહને મળી ત્યારે તેઓ કમોસમી અને અતિ ભારે વરસાદને કારણે ગંભીર અનિદ્રાથી પીડાતા હતા.
શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના ગિદ્દરબાહ બ્લોકના ખેડૂત બુટા સિંહની પાસે પરિવારની માલિકીની સાત એકર જમીન છે અને ઘઉંની ખેતી કરવા માટે તેમણે બીજી 38 એકર જમીન ગણોતપટે લીધી છે. ગામની ઓછામાં ઓછી 200 એકર નીચાણવાળી ખેતીની જમીનની સાથે-સાથે આ તમામ 45 એકર જમીન હવે પાણીની નીચે ડૂબી ગઈ હતી. બુટા સિંહને એક અર્થિયા પાસેથી લીધેલી 18 લાખ રુપિયાની લોન 1.5 ટકાના વ્યાજના દરે ભરપાઈ કરવાની છે.
તેમના માતા-પિતા, પત્ની અને બે બાળકો સહિત છ જણનો તેમનો પરિવાર તેમની ખેતીની આવક પર નિર્ભર છે.
તેમણે કહ્યું, "અમને આશા હતી કે જતે દિવસે ગરમી વધતા ખેતર સુકાઈ જશે, અને અમે પાક લણી શકીશું." ભીના ખેતરમાં લણણી યંત્ર ચલાવી શકાતું નથી. જો કે ખેતરો સુકાયા ત્યાં સુધીમાં તો મોટાભાગનો પાક બરબાદ થઈ ગયો હતો.
જમીનદોસ્ત થઈ ગયેલો પાક લણવો પણ વધુ ખર્ચાળ છે - લણણી યંત્રનું ભાડું ઊભા પાક માટે પ્રતિ એકર 1300 રુપિયા અને જો પાક નમી ગયો હોય તો પ્રતિ એકર 2000 રુપિયા હોય છે.
આ માનસિક તણાવ બુટાને રાત્રે જાગતા ઊંઘવા દેતો નહોતો. 17 મી એપ્રિલના રોજ તેઓ ગિદ્દરબાહમાં એક ડોક્ટરને મળ્યા, ડોકટરે તેમને લોહીનું ઊંચું દબાણ (હાઈ બ્લડ પ્રેશર) છે એમ કહીને તેમને દવા લખી આપી.
આ પ્રદેશના ખેડૂતોમાં 'ટેન્શન' અને 'ડિપ્રેશન' જેવા શબ્દો સામાન્ય હતા.
બુટ્ટર બખુઆ ગામના 40 વર્ષના ગુરપાલ સિંહ તેમની છ એકર ખેતીની જમીન પરથી પંપની મદદથી વરસાદી પાણી બહાર કાઢતી વખતે જણાવે છે, “ડિપ્રેશન તહ પેંડા હી હૈ. અપસેટ વાલા કમ હોંદા હૈ [ખેડૂતો હતાશ અને પરેશાન થઈ જાય છે]." ગુરુપાલ જણાવે છે, જો તેઓ ખેતીની છ-છ મહિનાની દરેક સીઝન (મહેનત કર્યા) પછી પણ કંઈ બચાવી ન શકે તો તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય એ સ્વાભાવિક છે.
પંજાબમાં આત્મહત્યા કરી જીવનનો અંત લાવનાર પીડિતોના પરિવારોને ટેકો આપવા માટેની સંસ્થા કિસાન મઝદૂર ખુદકુશી પીડિત પરિવાર સમિતિની સ્થાપના કરનાર કાર્યકર 27 વર્ષના કિરણજીત કૌરે જણાવ્યું હતું કે વધારે ને વધારે ખેડૂતો માનસિક તાણ અનુભવી રહ્યા છે. તેઓએ કહ્યું, “મોટાભાગનું કામ માનવ-શ્રમની મદદથી કરતા નાના ખેડૂતો, જેમની પાસે પાંચ એકરથી વધુ જમીન નથી તેમને માટે જો પાક નિષ્ફળ જાય તો એ સંપૂર્ણ નુકસાન છે. કારણ આવા ખેડૂતો અને તેમના પરિવારોને માથે તેમણે લીધેલી લોન પર ચૂકવવાના વ્યાજનો બોજ હોવાથી પાકની નિષ્ફળતા તેમના માનસિક સ્વાસ્થ્યને ગંભીર અસર કરે છે. તેથી જ આપણને ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ જોવા મળે છે. કિરણજીતે જણાવ્યું હતું કે ખેડૂતો અને તેમના પરિવારોને, પોતાની સમસ્યા ભૂલવા માટે માદક દ્રવ્યોનો દુરુપયોગ કરતા કે આત્મહત્યા દ્વારા જીવન ટૂંકાવવાનું અંતિમ પગલું લેતા અટકાવવા માટે, માનસિક સ્વાસ્થ્ય સહાયતાની જરૂર છે.
કેટલાક ખેડૂતોએ અગાઉની લણણીની સિઝનમાં પણ હવામાનની અનિયમિતતાનો અનુભવ કર્યો હતો. બુટાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2022 માં કમોસમી વરસાદ પડતા ડાંગરની લણણી કરવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. અગાઉની રવિ સીઝનમાં ખૂબ જ ગરમી હતી, જેના કારણે ઘઉંના દાણા સંકોચાઈ ગયા હતા.
આ વર્તમાન સીઝન માટે, તેમણે કહ્યું, “વાડન દી આસ કાઠ હૈ [પાક લણવાની આશા ઓછી છે]. જો અમે આગામી દિવસોમાં લણણી કરી શકીએ તો પણ કોઈ એ ખરીદશે નહીં કારણ કે ત્યાં સુધીમાં અનાજના દાણા કાળા પડી ગયા હશે.”
પંજાબ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય (કૃષિ હવામાનશાસ્ત્ર) વૈજ્ઞાનિક ડૉ. પ્રભ્યજોત કૌર સિદ્ધુએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી અને માર્ચમાં સામાન્ય અથવા તેનાથી ઓછું તાપમાન ઘઉં ના સારા ઉત્પાદન માટે યોગ્ય મનાય છે.
2022ની રવિ સિઝનમાં આ મહિનાઓમાં ઊંચા તાપમાનને કારણે ઘઉંનું ઉત્પાદન ઓછું જોવા મળ્યું હતું, જ્યારે માર્ચ અને એપ્રિલ 2023માં 30 કિમી/કલાક -40 કિમી/કલાકની ઝડપે પવન સાથે વરસાદને કારણે ફરીથી ઉત્પાદકતા ઓછી થઈ હતી. ડૉ. સિદ્ધુએ કહ્યું, “જ્યારે ભારે વેગવાળા પવન સાથે વરસાદ પડે છે, ત્યારે ઘઉંના છોડ જમીનદોસ્ત થઈ જાય છે, તેને લોજીંગકહેવાય છે. વધતા તાપમાન સાથે છોડ ફરી પાછો ઊભો થાય છે, પરંતુ એપ્રિલમાં તેમ ન થયું. એટલે જ દાણા વિકસી ન શક્યા અને એપ્રિલમાં લણણી પણ ન થઈ શકી. આના કારણે ઘઉંની ઉત્પાદકતા ફરી ઓછી થઈ. પંજાબના કેટલાક જિલ્લાઓમાં જ્યાં વરસાદ પડ્યો હતો પરંતુ પવન નહોતો ત્યાં ઉત્પાદકતા સારી રહી છે.
ડો. સિદ્ધુના જણાવ્યા અનુસાર માર્ચના અંતમાં કમોસમી વરસાદને અત્યંત ખરાબ હવામાનના સમયગાળા તરીકે જોવો જોઈએ.
મે મહિના સુધીમાં બુટાએ એક એકર જમીન દીઠ 20-25 ક્વિન્ટલની ધારણા સામે માંડ 20 મણ (અથવા 7.4 ક્વિન્ટલ) ઘઉંની જ લણણી કરી. ગુરભક્ત સિંહની ઉપજ પ્રતિ એકર 20 મણ અને 40 મણની વચ્ચે હતી, જ્યારે બલજિંદર સિંહે પ્રતિ એકર 25 મણથી 28 મણની ઉપજ નોંધી હતી.
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અનુસાર 2023માં ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ 2125 રુપિયા એમએસપી સામે અનાજના દાણાની ગુણવત્તાના આધારે બુટાને પ્રતિ ક્વિન્ટલ 1400 થી 2000 રુપિયા મળ્યા હતા. ગુરભક્ત અને બલજિંદરે તેમના ઘઉં એમએસપી પર વેચ્યા હતા.
વરસાદથી પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને ગ્રાહક સંબંધિત બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા નિર્ધારિત ગુણવત્તા આધારિત 'વેલ્યુ કટ' ને પગલે આમ થયું હતું. સૂકાઈ ગયેલા અને ટૂકડા ઘઉંના ભાવ 5.31 થી 31.87 રુપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યા હતા. વધુમાં પોતાની ચમક ગુમાવી ચૂકેલ ઘઉં પર પ્રતિ ક્વિન્ટલ 5.31 રુપિયાનો વેલ્યુ કટ લાદવામાં આવ્યો હતો.
ઓછામાં ઓછા 75% પાકને નુકસાન પહોંચ્યું હોય એવા ખેડૂતો માટે પંજાબ સરકારે પ્રતિ એકર 15000 રુપિયાની રાહતની જાહેરાત કરી હતી. પાકના 33% થી 75% વચ્ચેના નુકસાન માટે ખેડૂતોને પ્રતિ એકર 6800 રુપિયાનું વળતર આપ્યું હતું.
બુટાને સરકાર તરફથી વળતર પેટે 2 લાખ રુપિયા મળ્યા હતા. તેમણે કહ્યું, “એ ધીમી પ્રક્રિયા છે. મને હજી પૂરેપૂરું વળતર મળવાનું બાકી છે." તેમના કહેવા પ્રમાણે લોન ચૂકવી શકાય તે માટે તેમને વળતર પેટે 7 લાખ રુપિયા મળવા જોઈએ.
ગુરભક્ત અને બલજિંદરને હજુ સુધી કોઈ જ વળતર મળ્યું ન હતું.
બુટ્ટર બખુઆ ગામના 15 એકર જમીનના માલિક 64 વર્ષના બલદેવ સિંહે પણ 9 એકર જમીન ગણોતપટે લેવા માટે એક અર્થિયા પાસેથી 5 લાખ રુપિયાની લોન લીધી હતી. તેમણે લગભગ એક મહિના સુધી રોજનું 15 લિટર ડિઝલ બાળીને ખેતરમાંથી પંપ વડે પાણી બહાર કાઢ્યું હતું.
લાંબો સમય પાણીમાં ડૂબેલા રહેવાને કારણે બલદેવ સિંહના ઘઉંના ખેતરો કોહવાતા પાકમાંની ફૂગને કારણે કાળા અને ભૂખરા થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે જો એવા ખેતરો ખેડવામાં આવે તો તેમાંથી આવતી દુર્ગંધને કારણે લોકો બીમાર પડી જાય.
બલદેવે તેમના 10 જણના પરિવાર વિશે જણાવતા કહ્યું, “માતમ વરગા માહૌલ સી [ઘરનું વાતાવરણ જાણે ઘરમાં કોઈનું મોત થયું હોય તેવું છે]." નવા વર્ષની શરૂઆતના પ્રતીક સમો બૈસાખીનો લણણીનો તહેવાર કોઈ જ પ્રકારની ઉજવણી વિના પસાર થઈ ગયો હતો.
પાકનું નુકસાન થતા બળદેવને તેઓ પોતે જ જડમૂળથી ઉખડી ગયા હોય એવું લાગ્યું હતું. તેમણે કહ્યું, "હું આ જમીનને આવી હાલતમાં છોડી ન શકું. એવું ય નથી કે અમારા છોકરાંઓ ભણવાનું પૂરું કરે કે તરત એમને નોકરી મળી જાય છે." તેમણે જણાવ્યું હતું કે આવા સંજોગો ખેડૂતોને પોતાનો જીવ લેવા અથવા દેશ છોડવા મજબૂર કરે છે.
હાલ પૂરતું બલદેવ સિંહે મદદ માટે વિસ્તૃત પરિવારના ખેડૂતોને વાત કરી છે. બલદેવે તેમની પાસેથી પોતાના પશુધનને ખવડાવવા માટે તુરી અને પોતાના પરિવાર માટે અનાજ પણ લીધું છે.
તેમણે કહ્યું, "અમે ફક્ત નામના જ જમીનદાર છીએ."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક