નોસુમુદ્દીન રડી રહ્યો હતો. તે પહેલી વાર દૂર જતો હતો - પોતાના ઘરથી 10-12 કિલોમીટર દૂર, માતાપિતાને છોડીને. સાત વર્ષની ઉંમરે આ ખરેખર મુશ્કેલ હતું. તેઓ યાદ કરે છે, “મને ખૂબ ખરાબ લાગ્યું અને હું રડ્યો. ઘર અને મારા પરિવારને છોડવાના વિચારથી જ મારી આંખ.”
તેને રાખલ (પશુપાલક) તરીકે કામ કરવા મોકલવામાં આવી રહ્યો હતો. હવે 41 વર્ષના નોસુમુદ્દીન શેખ કહે છે, "મારો પરિવાર ખૂબ જ ગરીબ હતો, મારા માતા -પિતા પાસે બીજો કોઈ રસ્તો નહોતો. અમને પેટ ભરીને ખાવા પણ મળતું નહોતું. મોટાભાગના દિવસો અમે એક જ ટંક ભોજન કરતા હતા, તે પણ ખાતર -પાણી વગર ખેતરમાં જે કંઈ ઊગી નીકળ્યું હોય તે. એ દિવસોમાં અમારા ગામમાં બહુ ઓછા લોકોને બે દિવસનું ભોજન પોસાતું.” શિક્ષણ તો તેની કલ્પના બહાર હતું: “તે સમયે હું શાળાએ જવાનું વિચારી પણ શકતો ન હતો. મારા પરિવારની હાલત ખૂબ જ ખરાબ હતી, અમને શાળાનું શિક્ષણ શી રીતે પોસાય? ”
તેથી તે આસામના (તે સમયે) ધુબરી જિલ્લાના ઉરરભુઇ ગામમાં આવેલી તેની ઘાસ છાયેલી નાનકડી ઝૂંપડી છોડીને અને 3 રુપિયાની ટિકિટમાં મુસાફરી કરીને બસ દ્વારા મનુલ્લાપરા ગામે 7 ગાય અને 12 વીઘા (લગભગ 4 એકર) જમીન ધરાવતા માલિકને ત્યાં ગયો. નોસુમુદ્દીન યાદ કરે છે, “રાખલ તરીકેનું જીવન ખૂબ મુશ્કેલ હતું. તે ઉંમરે મારે કલાકોના કલાકો સુધી કામ કરવું પડતું. કેટલીકવાર મને પૂરતું ખાવાનું પણ આપવામાં નહોતું આવતું અથવા માત્ર વાસી ખાવાનું આપવામાં આવતું. હું ભૂખને કારણે રડતો. શરૂઆતમાં મને કંઈપણ ચૂકવવામાં નહોતું આવતું, ફક્ત ખાવાનું અને સૂવાની જગ્યા આપવામાં આવી. મારા માલિકને દર વર્ષે 100-120 મણ ચોખા મળતા. ચાર વર્ષ પછી તેમણે મને બે મણ (ચોખા) આપવા માંડ્યા."- માર્ચથી નવેમ્બર સુધીની ખેતીની સીઝનના અંતે લગભગ 80 કિલો (ચોખા) મળતા.
આસામ અને મેઘાલયની સરહદે આવેલા ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક દાયકાઓ પહેલા સુધી પરિવારના યુવાન છોકરાઓને રાખલ તરીકે કામ કરવા મોકલવાની પ્રથા હતી. ગરીબ પરિવારોના બાળકોને તેમના માતાપિતા સમૃદ્ધ ખેડૂતોને 'આપી દેતા' જેથી તેઓ પશુપાલકો તરીકે 'નોકરી' કરી શકે. સ્થાનિક રીતે આ પ્રથાને પેટભત્તી (જેનો શાબ્દિક અર્થ છે 'ભાતથી પેટ ભરવું') કહેવામાં આવતું હતું.
નોસુમુદ્દીનના બે નાના ભાઈઓને પણ તેમના જ ગામ ઉરરભુઈમાં રાખલ તરીકે કામ કરવા મોકલવામાં આવ્યા હતા. તેમના પિતા હુસેન અલી (જેઓ ગયા મહિને 80 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા) એક ભૂમિહીન ખેડૂત હતા, તેઓ પાક-વહેંચણી પદ્ધતિ હેઠળ ગણોતપટે લીધેલી 7-8 વીઘા જમીન પર ચોખાની ખેતી કરતા હતા. (તેમની માતા નોસિરોન ખાતુન ગૃહિણી હતા, તેઓ 2018 માં મૃત્યુ પામ્યા હતા.)
નોસુમુદ્દીન મહેનતુ હતો. રાખલ તરીકેનો તેનો દિવસ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ શરૂ થતો. તેઓ કહે છે, “હું સવારની નમાઝના સમયે ઉઠતો." તે ઢોરને ચારા તરીકે નીરવા ભૂસામાં પાણી અને ખોળ (સરસવની કેક) ભેળવતો, ગમાણ સાફ કરતો, ગાયોને લઈને જમીનદારના ભાઈઓ સાથે ડાંગરના ખેતરમાં જતો. ત્યાં તે ઘાસ સાફ કરે, ગાયોને પાણી આપે અને બીજા કામો પૂરા કરે. દિવસનું ભાથું (ખાવાનું) ખેતરમાં મોકલવામાં આવતું. લણણીની મોસમ દરમિયાન કેટલાક દિવસો તે મોડી સાંજ સુધી ખેતરમાં કામ કરતો. “આખો દિવસ કામ કરીને હું થાકી જાઉં અને રાત્રે પૂરતું ખાવાનું ન આપે અથવા વાસી ખાવાનું આપે તો તમને કેવું લાગે? મને લાગતું હું બિલકુલ અસહાય અને લાચાર છું."
ઘણી વખત તેણે જૂના કપડાંથી બનેલા ઓશીકા અને વાંસના ખાટલા પર ઘાસના બિછાના પર સૂઈને રડતા રડતા રાત પસાર કરી હતી.
દર 2-3 મહિને તેને તેના પોતાના ગામ જવાની છૂટ હતી. તેઓ કહે છે, "હું 2-3 દિવસ રહી શકતો. ફરીથી ઘર છોડતી વખતે મને હંમેશા ખરાબ લાગતું."
જ્યારે નોસુમુદ્દીન 15 વર્ષના હતો ત્યારે તેમના પિતાએ તેમના માલિક બદલી નાખ્યા. આ વખતે તેને મનુલ્લાપરા ગામના એક વેપારી-ખેડૂતને ઘેર મોકલવામાં આવ્યો, તે વેપારી-ખેડૂત પાસે 30-35 વીઘા જમીન, કાપડની દુકાન અને બીજા ધંધા હતા. “ફરીથી બીજી નવી જગ્યાએ જતા મને ઘર યાદ આવતું હતું અને હું રડતો હતો. સોઢા બેપારી [નવા માલિક] એ તેમના પરિવારના સભ્યો સાથે મારી ઓળખાણ કરાવી અને મને ભેટ તરીકે 2 રુપિયા આપ્યા. પછીથી મેં ચોકલેટ ખરીદી. મને આનંદ થયો. થોડા દિવસો પછી મને સારું લાગ્યું અને મને તેમની સાથે ફાવી ગયું. ”
ફરી એકવાર ખાવાનું, ગમાણમાં સૂવાની જગ્યા અને લણણીની મોસમના અંતે બે બોરી ચોખા સાથે 400 રુપિયા રોકડનું 'વાર્ષિક પગાર પેકેજ' હતું. તેના રોજિંદા કામમાં ઢોર ચરાવવા અને ગમાણની સફાઈ કરવાનો સમાવેશ થતો. પરંતુ નોસુમુદ્દીન માટે જિંદગી થોડી સારી હતી. તે હવે 15 વર્ષનો હતો અને વધુ સારી રીતે કામ કરી શકતો હતો. વધુમાં તેઓ કહે છે કે તેમના માલિક દયાળુ હતા.
ભોજનમાં હવે ગરમ ભાત, શાક, માછલી અથવા માંસની કરીનો સમાવેશ થતો - તેના અગાઉના માલિક દ્વારા આપવામાં આવેલા પંતાભાત (આથો આવેલા ચોખા) નહીં. “જો હું તેમની સાથે બજારમાં જાઉં, તો મને રસગુલ્લાની મઝા માણવા મળે. અને ઇદ માટે નવા કપડા. મને હું તેમના પરિવારનો સભ્ય હોઉં એવું જ લાગતું.”
પરંતુ તેમના પિતાની યોજનાઓ કંઈ અલગ હતી. ત્યાં સુધીમાં લગભગ 17 વર્ષના થઈ ગયેલા નોસુમુદ્દીનને બે વર્ષ પછી બીજે ઘેર મોકલવામાં આવ્યો, આ વખતે તેના પોતાના ગામ ઉરરભૂઇમાં. ગ્રામ પંચાયતના વડાએ તેને વર્ષે 1500 રુપિયા પગાર અને લણણીની મોસમના અંતે અત્યાર સુધી મળતી આવી હતી તે પ્રમાણેની ચોખાની બોરીઓ પેટે નોકરીએ રાખ્યો.
બીજું વર્ષ પસાર થઈ ગયું.
નોસુમુદ્દીન કહે છે, “મને ઘણી વાર થતું કે શું હું આખી જિંદગી આ રીતે ગુલામ તરીકે જ જીવીશ? પરંતુ મને બીજા કોઈ વિકલ્પો દેખાતા નહોતા." તેમ છતાં, તેણે આશા છોડી નહોતી - અને ક્યારેક પોતાની રીતે કંઈક શરૂ કરવાનું સપનું જોયું હતું. તેણે જોયું હતું કે 1990 ના દાયકા સુધીમાં તેના ગામના યુવાન છોકરાઓ સ્થળાંતર કરી રહ્યા હતા - સરકાર દ્વારા આ ક્ષેત્રમાં માળખાકીય યોજનાઓને મંજૂરી અપાતા કામના વિકલ્પો મળી રહ્યા હતા. યુવાન છોકરાઓ હવે રાખલ તરીકે કામ કરવા તૈયાર ન હતા, અને નગરો અને શહેરોમાં ચાના ગલ્લા અને ખાણીપીણીના સ્થળોએ/ કામ કરી દર મહિને 300-500 રુપિયાની કમાણી કરીને 'મોટી' રોકડ સાથે ઘરે પાછા ફરતા.
તેમને (આ યુવાન છોકરાઓને) તદ્દન નવા રેડિયો સાંભળતા અને ચળકતી ઘડિયાળો પહેરતા જોઈને નોસુમુદ્દીન બેચેની અનુભવતો. કેટલાકે તો સાયકલ પણ ખરીદી હતી. તેઓ યાદ કરે છે, "તેઓ (આ યુવાન છોકરાઓ) અમિતાભ બચ્ચન અને મિથુન ચક્રવર્તી જેવા પહોળી મોરીના લાંબા (બેલબોટમ) પેન્ટ પહેરતા હતા, અને સ્વસ્થ દેખાતા હતા. તેઓ શું કરે છે અને તેઓ બધું શી રીતે સંભાળે છે તે જાણવા-સમજવા હું તેમને પ્રશ્નો પૂછતો. અને પછી મેં તેમની સાથે જવાનું નક્કી કર્યું.”
નોસુમુદ્દીનને તેમના ગામથી લગભગ 80 કિલોમીટર દૂર મેઘાલયના બાગમારા શહેરમાં કામ વિશે જાણવા મળ્યું. તેણે મુસાફરીના માર્ગ વિશે છાનેમાને પૂછપરછ કરી અને એક યોજના બનાવી. “હું ચિંતિત હતો પણ મારો નિશ્ચય દ્રઢ હતો. મને ડર હતો કે મારા પરિવારના સભ્યો કદાચ મારી પાછળ-પાછળ આવીને મને પાછો લઈ આવશે એટલે મેં ઘરમાં કોઈને જાણ કરી ન હતી.
એક સવારે ઢોરને ચરાવવા લઈ જવાને બદલે નોસુમુદ્દીને દોડવા માંડ્યું. “બહાર કામ કરવા વિશે જે છોકરાઓ સાથે વાત કરી હતી તેમાંના એક સાથે હું નીકળ્યો. અમે હટસિંગીમરી નગરમાં બસ સ્થાનક સુધી પહોંચ્યા ત્યાં સુધી દોડ્યા.” ત્યાંથી બાગમારા સુધીની મુસાફરીમાં નવ કલાક લાગ્યા. “મેં કશું ખાધું નહોતું. મારી પાસે 17 રુપિયાની ટિકિટ માટે પણ પૂરતા પૈસા નહોતા. બાગમારા પહોંચ્યા પછી મેં મારા ગામના બીજા છોકરા પાસેથી પૈસા ઉધાર લીધા.
નોસુમુદ્દીન કહે છે, “મને ઘણી વાર થતું કે શું હું આખી જિંદગી આ રીતે ગુલામ તરીકે જ જીવીશ? પરંતુ મને બીજા કોઈ વિકલ્પો દેખાતા નહોતા." તેમ છતાં, તેણે આશા છોડી નહોતી - અને ક્યારેક પોતાની રીતે કંઈક શરૂ કરવાનું સપનું જોયું હતું
ખાલી ખિસ્સે અને ખાલી પેટે નોસુમુદ્દીન પોતાના સ્વપ્નના મુકામે પહોંચ્યો. રોમોની ચ્હાની દુકાન (રોમોનીઝ ટી સ્ટોલ) સામે તે બસમાંથી નીચે ઉતર્યો. ભૂખી આંખોવાળા એકલા છોકરાને જોઈને ગલ્લાના માલિકે તેને અંદર આવવા ઈશારો કર્યો. નોસુમુદ્દીનને ખાવાનું, રહેવાની જગ્યા અને વાસણ માંજવાનું-સાફસફાઈનું કામ આપવામાં આવ્યું.
પહેલી રાત નોસુમુદ્દીન માટે આંસુભરી રાત હતી. ગામમાં તેના માલિક પાસે હજી પણ તેના પગારમાંથી લેવાના બાકી રહેલા 1000 રુપિયા વિષે વિચારીને તે રડી પડ્યો. તે સમયે તેની એ એકમાત્ર ચિંતા હતી. “મને બહુ ખરાબ લાગ્યું. મારી મહેનત છતાં આટલી મોટી રકમ હાથમાંથી જતી રહી. ”
મહિનાઓ વીતી ગયા. તેણે ચાના કપ અને પ્લેટ સાફ કરવાનું અને તેને ટેબલ પર ગોઠવવાનું શીખી લીધું. તેણે ગરમાગરમ ચા બનાવવાનું શીખી લીધું. તેને મહિને 500 રુપિયા માળતા અને તેણે એ બધા ય બચાવ્યા. “જ્યારે મેં 1500 રૂપિયા ભેગા કર્યા ત્યારે મને થયું કે મારા માતાપિતાને ફરીથી મળવાનો સમય આવી ગયો છે. હું જાણતો હતો કે આ રકમ તેમને ઘણી મદદરૂપ થશે. અને હું ઘેર જવા અધીરો થયો હતો.”
ઘેર પાછા ફર્યા પછી તેણે પોતાની બધી બચત તેના પિતાને આપી દીધી. લાંબા સમયનું પારિવારિક દેવું ચૂકવી દેવાયું અને તેઓ કહે છે કે તેમના પરિવારે તેમને ભાગી જવા બદલ માફ કરી દીધા હતા.
એક મહિના પછી નોસુમુદ્દીન બાગમારા પાછો ફર્યો અને તેને બીજા ચાના સ્ટોલમાં મહિને 1000 રુપિયાના પગારે વાસણ માંજવાનું-સાફસફાઈનું કામ મળ્યું. ટૂંક સમયમાં તેને વેઈટર તરીકે બઢતી આપવામાં આવી, અને તે ચા, મીઠાઈઓ અને નાસ્તા-પુરી-સબ્ઝી, પરાઠા, સમોસા, રસમલાઈ, રસગુલ્લા વિગેરે પીરસતો - સવારના 4 થી રાતના 8 વાગ્યા સુધી કામ કરતો. બધા વેઈટર-કામદારો ધાબામાં જ સૂઈ જતા.
તેણે લગભગ ચાર વર્ષ સુધી અહીં કામ કર્યું, ઘેર નિયમિત પૈસા મોકલ્યા. આશરે 4000 રુપિયા બચાવ્યા ત્યારે નોસુમુદ્દીને ઘેર પાછા ફરવાનું નક્કી કર્યું.
તેણે પોતાની બચતમાંથી એક બળદ ખરીદ્યો અને ગણોતપટે લીધેલી જમીન ખેડવાનું શરૂ કર્યું. તેના ગામમાં કામનો તે એકમાત્ર વિકલ્પ હતો. જમીન ખેડવી, વાવણી કરવી અને નીંદણ કરવું એ બધા કામમાં તે આખો દિવસ ખેતરમાં વ્યસ્ત રહેતો.
એક સવારે જ્યાં તે કામ કરતો હતો તે ખેતર પાસેથી હલોઈ (હલવાઈઓ) નું એક જૂથ પસાર થઈ રહ્યું હતું. “મેં પૂછ્યું કે તેઓ એલ્યુમિનિયમના મોટા થાળાઓમાં શું લઈ જાય છે. તેઓએ કહ્યું કે એ રસગુલ્લા છે. મને ખબર પડી કે આ તો નફાનો ધંધો છે. મને પસ્તાવો થયો કે મેં જ્યાં રસગુલ્લા બનાવવામાં આવતા હતા એ ચાના ગલ્લા પર કામ કર્યું પણ એ કેવી રીતે બનાવવા એ ક્યારેય શીખ્યો નહીં.
નોસુમુદ્દીન હવે ‘સ્થાયી’ થવા માંગતો હતો. “મારી ઉંમરના [20-22 વર્ષના] છોકરાઓ લગ્ન કરી રહ્યા હતા. તેમાંથી કેટલાક પ્રેમમાં હતા. મને લાગ્યું કે મારે જીવન સાથી શોધી, ઘર બનાવીને બાળકો સાથે ખુશીથી રહેવું જોઈએ.” એક ખેડૂતના ખેતરમાં પાણી પીવડાવવાનું કામ કરતી એક મહિલા તરફ તે આકર્ષાયો. તે લીલાછમ ડાંગરના ખેતરો વચ્ચે તેને કામ કરતી જોઈ રહેતો. એક દિવસ તે હિંમત ભેગી કરીને તેની પાસે ગયો. પણ તેના પાસા ઉલટા પડ્યા. તે ભાગી ગઈ અને બીજા દિવસથી કામ કરવાનું બંધ કરી દીધું.
તેઓ યાદ કરે છે, "હું તેને ફરીથી મળવા માટે રાહ જોતો રહ્યો પણ તે ક્યારેય દેખાઈ નહીં. પછી મેં મારા સાળા સાથે વાત કરી અને તેમણે મારા માટે છોકરી શોધવાનું શરૂ કર્યું." તેના લગ્ન નજીકના ગામના એક હાલોઇની દીકરી બાલી ખાતુન સાથે ગોઠવવામાં આવ્યા, બાલી ખાતુન હવે આશરે 35 વર્ષના છે. (પાછળથી તેમને (નોસુમુદ્દીનને) ખબર પડી કે તેઓ સૌથી પહેલા જેના પ્રેમમાં પડ્યા હતા તે તેમની પત્નીના કાકી હતા.)
લગ્ન થતા તેને તેની પત્નીના પરિવાર પાસેથી મીઠાઈ બનાવવાની કળા શીખવાની તક મળી. તેના પ્રથમ સ્વતંત્ર પ્રયાસો ત્રણ લિટર દૂધથી શરૂ થયા - તેણે 100 રસગુલ્લા બનાવ્યા, ઘેર-ઘેર જઈને 1 રુપિયાનું 1 એમ વેચ્યા, અને 50 રુપિયાનો નફો કર્યો.
ટૂંક સમયમાં આ તેની આવકનો નિયમિત સ્રોત બની ગયો. સમય જતાં તે તેના પરિવારનું કેટલુંક દેવું ચૂકવી શક્યો અને પૂર અથવા દુષ્કાળને કારણે ખેતીમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી શક્યો.
2005 માં લગભગ 25 વર્ષની ઉંમરે નોસુમુદ્દીન (તેમના ગામથી) આશરે 35 કિલોમીટર દૂર મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં આવેલા એક સરહદી શહેર મહેન્દ્રગંજ ગયો. તેણે સાંભળ્યું હતું કે મીઠાઈનો ધંધો ત્યાં સારો ચાલી શકશે. પરંતુ શહેરમાં એક અજાણી વ્યક્તિ તરીકે તે સરળ નહોતું. તે દિવસોમાં થયેલી શ્રેણીબદ્ધ લૂંટને કારણે અસલામતીનું વાતાવરણ ઊભું થયું હતું. લોકો સાવચેત થઈ હતા. સ્થાયી ભાડાની જગ્યા શોધવા માટે નોસુમુદ્દીનને ત્રણ મહિના લાગ્યા. અને તેની મીઠાઈ માટે નિયમિત ગ્રાહકો મેળવતા લગભગ ત્રણ વર્ષ.
તેની પાસે કોઈ મૂડી નહોતી અને તેણે પછીથી ચુકવણી કરવાની શરતે પોતાનો વ્યવસાય શરૂ કર્યો, અને તમામ પુરવઠો ઉધારી પર લઈને ધીમે ધીમે તેની ચૂકવણી કરી. તેની પત્ની બાલી ખાતુન 2015 માં મહેન્દ્રગંજ રહેવા ગયા. સમય જતાં તેમને ત્રણ બાળકો થયા - તેમની દીકરી રાજમિના ખાતુન હાલ 18 વર્ષની છે, અને દીકરા ફોરિદુલ ઇસ્લામ અને સોરીફુલ ઇસ્લામ અનુક્રમે 17 અને 11 વર્ષના છે, બંને શાળામાં અભ્યાસ કરે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી નોસુમુદ્દીન મહિને આશરે 18000-20000 રુપિયા નફો કરે છે . પરિવારનો વ્યવસાય વિકસ્યો છે. તેઓ અને બાલી ખાતુન રસગુલ્લાની સાથે સાથે જલેબી પણ બનાવે છે.
મોસમને આધારે નોસુમુદ્દીન અઠવાડિયામાં 6 કે 7 દિવસ ધંધો કરતા. તેઓ અને બાલી ખાતુન સામાન્ય રીતે બપોરે અથવા સાંજે રસગુલ્લા - 5 લિટર દૂધ અને 2 કિલો ખાંડનો ઉપયોગ કરીને 100 સફેદ ગોળા - બનાવીને રાખતા. પરોઢ થતા પહેલા તેઓ જલેબી પણ બનાવતા - જે તાજી વેચવી પડે છે. પછી નોસુમુદ્દીન બંને વસ્તુઓ લઈને નીકળી પડતા, ઘેર-ઘેર ફરીને અથવા ગામના ચાના ગલ્લા પર વેચતા અને 2 વાગ્યા સુધીમાં ઘેર પાછા ફરતા.
માર્ચ 2020 માં કોવિડ -19 ને કારણે શરૂ થયેલા દેશવ્યાપી લોકડાઉન સાથે તેમની નાની (અને મીઠી) દુનિયા અચાનક અટકી ગઈ. પછીના થોડા અઠવાડિયા પરિવાર માટે મુશ્કેલ હતા. તેઓએ ચોખા, દાળ, સૂકી માછલી અને લાલ મરચા પાવડરના સંઘરેલા મામૂલી જથ્થાથી જેમતેમ નભાવ્યું. તેમના મકાનમાલિકે વધારે ચોખા અને શાકભાજીની વ્યવસ્થા કરવામાં મદદ કરી. (નોસુમુદ્દીન મહેન્દ્રગંજમાં સ્થળાંતરિત શ્રમિક હોવાથી તેઓ સરકાર દ્વારા આપવામાં આવતી રાહત મેળવવા માટે અહીં તેમના રેશનકાર્ડનો ઉપયોગ કરી શકતા નથી.)
થોડા દિવસો પછી તેઓ ઘેર રહીને કંટાળી ગયેલા પડોશીઓને રસગુલ્લા વેચવામાં સફળ રહ્યા અને લગભગ 800 રુપિયા કમાયા. આ સિવાય તેમને બીજી કોઈ આવક થઈ નહોતી.
લોકડાઉનનો એક મહિનો પસાર થઈ ગયો. એક બપોરે તેમના મકાનમાલિકને જલેબી ખાવાનું મન થયું. નોસુમુદ્દીન (ઘરમાંથી) જે કંઈ સામગ્રી એકઠી કરી શક્યા તેમાંથી તેમણે થોડીઘણી જલેબી બનાવી. ટૂંક સમયમાં પડોશીઓ પણ જલેબી માગવા લાગ્યા. નોસુમુદ્દીને નજીકમાં રહેતા કરિયાણાના જથ્થાબંધ વેપારી પાસેથી પછીથી પૈસા ચૂકવવાની શરતે થોડો લોટ, ખાંડ અને પામઓઇલ ભેગા કર્યા. તેમણે દરરોજ બપોરે જલેબી બનાવવાનું શરૂ કર્યું અને દિવસના 400-500 રુપિયા કમાવા લાગ્યા.
એપ્રિલમાં રમઝાન મહિનો શરૂ થયો ત્યારે તેમની જલેબીની માંગ વધી ગઈ હતી. તેઓ કહે છે કે લોકડાઉન દરમિયાન પોલીસની કડક દેખરેખ હોવા છતાં તેઓ અઠવાડિયામાં એક કે બે વાર ગામમાં થોડીઘણી જલેબી વેચતા - કાળજીપૂર્વક માસ્ક પહેરીને અને સતત (હાથ) સેનિટાઈઝ્ડ કરીને. આ બધાને કારણે તેમને તેના લોકડાઉનની શરૂઆતમાં થયેલ નુકસાન સરભર કરવમાં અને દેવું ચૂકવવામાં મદદ થઈ.
એકવાર લોકડાઉન હળવું થયા પછી, તેમણે તેમનો રસગુલ્લા અને જલેબીનો ધંધો પહેલાની જેમ ફરી નિયમિત શરૂ કર્યો. જો કે તેઓ કહે છે કે છેલ્લા કેટલાક સમયથી તેમની આવકનો ઘણો મોટો ભાગ તેમના પિતા, પત્ની અને દીકરીની બિન-ગંભીર પરંતુ સતત ચાલતી સ્વાસ્થ્ય સમસ્યાઓ પાછળ ખર્ચાઈ ગયો છે.
2020 ના અંતમાં નોસુમુદ્દીને આસામમાં તેમના પરિવારના ગામ ઉરરભુઈમાં પોતાનું ઘર બનાવવાનું શરૂ કર્યું. તેમાં પણ તેમની બચતનો મોટો હિસ્સો વપરાયો.
પછી 2021 માં લોકડાઉન આવ્યું. નોસુમુદ્દીનના પિતા બીમાર હતા (અને જુલાઈમાં તેઓ મૃત્યુ પામ્યા). અત્યારે તેમનો ધંધો લગભગ અટકી ગયો છે. તેઓ કહે છે, "આ [મહામારીના] સમયગાળા દરમિયાન મારી આવક નિયમિત નથી. હું નજીકના ગામોમાં વેચવા જઉં છું, કેટલીકવાર હું 20-25 કિલો મીઠાઈના ભાર સાથે 20-25 કિલોમીટર ચાલું છું, અને હવે 6-7 દિવસને બદલે અઠવાડિયામાં માત્ર 2-3 દિવસ જ ધંધો કરું છું. મને થાક લાગે છે. આ સમય દરમિયાન જિંદગી મુશ્કેલ બની ગઈ છે. પણ હજી મારા બાળપણ જેટલી મુશ્કેલ નથી. તે દિવસોનો વિચાર કરીને હજી આજે પણ આંસુ આવી જાય છે.”
સંવાદદાતાની નોંધ: નોસુમુદ્દીન શેખ તેમના પરિવાર સાથે મહેન્દ્રગંજમાં મારા માતા -પિતાના જૂના મકાનમાં 2015 થી ભાડૂત તરીકે રહે છે. હંમેશા હસતા રહેતા નોસુમુદ્દીન મારા માતા-પિતાને મદદ કરે છે અને ક્યારેક અમારા કિચન ગાર્ડનની સંભાળ રાખે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક