તે ફૂટપાથ પર ખાલી હાથે ઊભી હતી. જીવતું જાગતું પીડાનું સ્મારક. એણે  હવે તેમના પાપી પંજામાંથી કંઈપણ બચાવવાનો પ્રયત્ન કરવો છોડી દીધો હતો. એના મગજમાં આંકડાઓને સ્થિર રાખવા મુશ્કેલ હતા એટલે એણે એના નુકસાનની ગણતરી કરવાનું પણ બંધ કરી દીધું હતું. આઘાત, ડર, આક્રોશ, પ્રતિકાર, નિરાશા, ને હતાશા - થોડી મિનિટોમાં એ સંવેદનોના કેટકેટલા પ્રદેશો પાર કરી આવેલી. હવે  પાંપણે થીજી ગયેલા આંસુ અને તેના ગળામાં દર્દના ગૂંગળાવતા ડૂમા સાથે તે શેરીની બંને બાજુએ ઉભા બીજા કેટલાય લોકોની જેમ એ તોફાન, અફડાતફડી જોઈ રહી હતી. બુલડોઝરના પગ તળે તેનું જીવન કચરાઈને પડ્યું હતું. જાણે થોડા દિવસો પહેલાના રમખાણો પૂરતા ન હોય એમ.

નઝમા સમજતી હતી કે સમય છેલ્લા કેટલાક વખતથી બદલાઈ રહ્યો છે.  તે મેળવણ લેવા રશ્મિને ઘેર જાય ત્યારે એની સામે જોતી રશ્મિની નજર પૂરતો નહી, કે પછી  શાહીન બાગમાં વિરોધ કરી રહેલી મહિલાઓ સાથે તે જોડાઈ તે પછીથી રોજેરોજ એને સતાવતા એ બિહામણા સ્વપ્ન પૂરતો ય નહીં, જેમાં એ ઊંડી ખાઈથી ઘેરાયેલી જમીનના નાના ટુકડા પર પોતાને એકલી ઊભી જોતી.  જે બદલાઈ રહ્યું હતું એ બધું તેની અંદર પણ હતું, જે રીતે એ વિચારતી, અનુભવતી, બનવો વિષે, પોતાની જાત, પોતાની દીકરી અને દેશ વિશે એ બધામાં હતું. એના મનમાં હવે દર હતો.

ને છતાંય જેને પોતાનું માનતા હો એ સહુ લૂંટાઈ જવાની ઘટના પરિવારના ઈતિહાસમાં પહેલી વાર બની હોય એવું ય નહોતું.  હુલ્લડખોરોની  ધિક્કારની અગનઝાળે  જેમનો પીછો કરેલો એ દાદી જરૂર જાણતી હોવી જોઈએ આ મન:સ્થિતિને, એ વિચારતી હતી.  ત્યાં નાનકડી આંગળીઓ એના દુપટ્ટાને ખેંચી રહી. એણે પાછળ વળીને જોયું એક નિર્બળ સ્મિત. બસ એ વખતે જંગલી વિચારો એના મનમાં પાછા ફૂટી નીકળ્યા.

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યાનું કાવ્યપઠન

જંગલી ફૂલો

ઘસડી, ધકેલી ને ભંગારને એક તરફ કરતી
ઇતિહાસની કબરો ઉખેળતી
મસ્જિદો ને ઈમારતોને ધરાશાયી કરતી
નિર્દય ને ભારેખમ છરીઓ.
એ ધારે તો જૂના વડને આખેઆખો ખેંચી પાડે
વડવાઈઓ ને માળા સુધ્ધાં
રસ્તા બનાવી જાણે બુલેટ ટ્રેન માટે
ઠૂંઠા થડના લાકડાં ને વજનદાર પથરા હટાવી
તૈયાર કરી શકે તોપો ટેકવવાની જગ્યા.
એ લોખંડની છરીઓવાળા ફાડચાં
ભલભલી નક્કર, પ્રતિકારક જમીનના પોપડાં છેદી જાણે.
એ બધાં જાણે છે બધું કચડી, વાળીઝૂડીને
સમથળ કરી દેતાં.

પણ જયારે એ લોકો પરવારી જશે
આ બધું ય કરીને ત્યારે પણ
એમણે સામનો કરવાનો હશે
આ પરાગરજનો
ઝાળભરી, દારૂગોળા ભરી, સુંવાળી, પ્રેમભરી
ઉડી આવતી ચોપડીઓમાંથી
સરકી આવતી જીભ પરથી
એ વિદ્રોહી પુસ્તકોને ફાડી નાખવા
કે એ બેફામ જીભને કાપવા
એમને બુલડોઝરો નહીં જોઈએ.

પણ આમનું શું કરવું
જે ભાગી જાય છે મોકો જોઈને
વહેતા પવન ઉપર સવાર
કે પછી કોઈ મધમાખી, કોઈ પંખીની પાંખ પર
વહી નીકળે છે નદીની લહેરોમાં
લગાવી દે છે ડૂબકી ને પહોંચી જાય છે
કવિતાની પંક્તિઓના તળિયે
બેફામ કરતાં પરાગનયન
અહીં, ત્યહીં, જ્યાં જુઓ ત્યાં.

હલકી, પીળી, સૂકી, જિદ્દી રજ
ઘૂસી જાય છે કબજો કરતી ખેતરોમાં,
વૃક્ષો ઉપર, પાંદડીઓ ઉપર, મન પર,
અને લપસણી જિહવા પર.
જો, કેવી ફૂટી નીકળે છે!
ઉત્તેજિત રંગોવાળા ફૂલોની આખેઆખી વસાહતો
જંગલી ગંધભર્યાં
ધરતીમાં ખૂંપેલાં
તમારી છરીઓની વચમાંથી
તમારા બુલડોઝરોના પૈડાંઓ તળેથી
આશાની જેમ ફૂટી નીકળતા
રંગીન ફૂલોની વસાહતો
જો કેવી  ફૂટી નીકળે છે!

Poem and Text : Pratishtha Pandya

پرتشٹھا پانڈیہ، پاری میں بطور سینئر ایڈیٹر کام کرتی ہیں، اور پاری کے تخلیقی تحریر والے شعبہ کی سربراہ ہیں۔ وہ پاری بھاشا ٹیم کی رکن ہیں اور گجراتی میں اسٹوریز کا ترجمہ اور ایڈیٹنگ کرتی ہیں۔ پرتشٹھا گجراتی اور انگریزی زبان کی شاعرہ بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pratishtha Pandya
Illustration : Labani Jangi

لابنی جنگی مغربی بنگال کے ندیا ضلع سے ہیں اور سال ۲۰۲۰ سے پاری کی فیلو ہیں۔ وہ ایک ماہر پینٹر بھی ہیں، اور انہوں نے اس کی کوئی باقاعدہ تربیت نہیں حاصل کی ہے۔ وہ ’سنٹر فار اسٹڈیز اِن سوشل سائنسز‘، کولکاتا سے مزدوروں کی ہجرت کے ایشو پر پی ایچ ڈی لکھ رہی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Labani Jangi